ચક્કર ચક્કર ફરતાં રહ્યાં – લીના ત્રિવેદી 3


સમાજના બદલાઈ રહેલા પરિમાણોની, માપપટ્ટીઓના ભેદભાવની અને પરિવર્તનના પરીણામોની વાત ખૂબ ચોટદાર અને માર્મિક રીતે કવિયત્રી પ્રસ્તુત અછાંદસમાં રજૂ કરે છે. અહિં તેમણે ઘણાં વિષયોને સ્પર્શ્યા છે, અબોર્શનથી સ્ત્રી ભ્રૂણહત્યા, પહેલું સુખ તે જાતે નર્યા થી એચ આઈ વી, આદર્શોથી લઈને ભ્રષ્ટાચાર, ગાંધીજીથી લઈને આગરા શિખર સંમેલન સુધી અને અંતે ગુજરાતી ભાષાથી લઈ અંગ્રેજી સુધી એમ વિવિધ વિષયોને આવરી લઈને પરિવર્તનનો પવન કેવો ફૂંકાયો છે તેનું જલદ આલેખન તેમના અછાંદસમાંથી ઉપસી આવે છે. પ્રસ્તુત અછાંદસ સાભાર લેવામાં આવ્યું છે પુસ્તક ‘શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ ….. – અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓનાં કાવ્યો’ માંથી, સંપાદન – ઉષા ઉપાધ્યાય.

અમે ચક્કર ચક્કર ફરતાં રહ્યાં
સ્થિર ટેબલની આસપાસ
રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં
ગાંધીથી ગાંધી સુધીનાં
બદલાતા પરિણામોના પરિણામે
સપ્રેશન પ્રેરિત શિષ્ટાચારથી
બળવાખોર ભષ્ટાચારના સામ્રાજ્ય સુધી-
અમે તો ચક્કર ચક્કર ફરતાં રહ્યાં.

ફેમેલી પ્લાનિંગ કે બ્રહ્મચર્યથી
લીગલ એબોર્શનના જન્મસિદ્ધ હક્કની વાતે
આણી છે આજે male female disparity,
હવે એલાન થયું સ્ત્રી ભૃણ હત્યા અટકાવવાનું !
અમે તો ચક્કર ચક્કર ફરતાં રહ્યાં.

ભૂલી ગયાં – પહેલું સુખ તે જાતે નર્યા.
ભૂલી ગયાં prevention is better than cure,
આવી ગયાં અજાણે, અવિચારે
HIV ની ઝપટમાં Free sexની વાતોમાં બહેકીને
અમે તો ચક્કર ચક્કર ફરતાં રહ્યાં.

આદર્શ આચાર, દેહ, મન શુદ્ધિ જ્ઞાન,
પ્રેમભર્યા રામરાજ્યનું પુસ્ત્કિયું ગાન,
કટોકટીના કાયદાઓનું કડક પાલન,
તહલકા ડોટ કોમનો ટેબલ નીચેનો ભ્રષ્ટાચાર,
અમે તો ચક્કર ચક્કર ફરતાં રહ્યાં.

હિન્દુ મુસ્લિમ રાયટ, ગાંધીજીના ઉપવાસ, ૧૯૪૭,
નહેરુએ કરાવ્યો કાશ્મીરનો યુનોમાં પ્રવેશ,
સિમલા કરાર, શાસ્ત્રીની શહાદત,
બાજપેયી મુશરફ આગ્રા શિખર સંમેલન ૨૦૦૧,
અમે તો ચક્કર ચક્કર ફરતાં રહ્યાં.

ભાષાને શું વળગે ભૂર,
એ તો રણમાં જીતે તે શૂર,
જીત્યું અંગ્રજી વિશ્વભરમાં,
હવે પાંચમા આઠમાંનો સવાય ક્યાં?
અંગ્રેજી મિડિયમમાં આજકાલ
હિન્દી – ગુજરાતી હીબકતાં,
વિદેશના ભાર નીચે ડચકતું ભારત !
અમે ચક્કર ચક્કર ફરતાં રહ્યાં.

ઘણું ઘણું સાંભળ્યું, ઘણું ઘણું સંભળાવ્યું,
જે મનમાં હતું તે જ સંભળાયું,
બીજાને સાંભળવા કોણ નવરૂં?
પોતાને ઓળખવા કોણ કષ્ટાય?
અમે ચક્કર ચક્કર ફરતાં રહ્યાં.
સ્થિર ટેબલની આસપાસ
રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં
ને વચ્ચોવચ બેઠી છે,
મોનાલિસાસ્મિતા
રહસ્યમયા, ચિર યૌવન સમસ્યા

– લીના ત્રિવેદી

બિલિપત્ર

ઈક હૂક સી દિલમેં ઉઠતી હૈ, ઈક દર્દ જીગરમેં હોતા હૈ,
મેં રાતોં ઉઠ ઉઠ રોતા હું, જબ સારા આલમ સોતા હૈ.
– મીર


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ચક્કર ચક્કર ફરતાં રહ્યાં – લીના ત્રિવેદી