મારા નાનપણાના મિત્રો – જીગ્નેશ અધ્યારૂ 5


બાળપણ એ એક અણમૂલ ભેટ છે, અને તેમાંય શાળાની શરૂઆતના વર્ષોમાં કરેલા તોફાન, ખાધેલા માર અને ગોઠીયાઓ સાથે માણેલી મજા….એનાં તોલે તો કાંઈ ન આવી શકે. અમે નાના હતા (પહેલાં કે બીજા ધોરણમાં) ત્યારે ( પોરબંદરમાં ) મારા ઘરથી પાંચ મિનિટ ચાલીને જવાય એટલા અંતરે આવેલી કડીયાપ્લોટની શાળાએ જતાં. ત્યાં ખૂબ મસ્તી કરતા, વાર તહેવારે માર ખાતા અને છતાંય આનંદ અને પરમ શાંતિની પ્રાપ્તિનો અનુભવ કરતાં. મારા બાળગોઠીયાઓને મારી તેમની પાટીની પેન ઝૂંટવી ખાઈ ગયાની ફરીયાદો સાંભળી મારી માતાને આવી ફરીયાદ ન આવે તે દિવસે કાંઈક અડવું અડવું લાગતું, તો રીસેષમાં શાળાએથી ભાગી કબડ્ડી રમવા કે ચોપાટી પહોંચી ફરવા જતા…..આ સમયના મિત્રો હવે ક્યાં પહોંચી ગયા એ ખ્યાલ નથી…કોઈ સંપર્ક નથી, પણ સ્મૃતિઓમાં આજેય એ “FRESH PAIN “ની જેમ સચવાયેલા છે…અને રહેશે…..અચાનક જ આ મિત્રોની યાદ આવી અને આ કવિતા લખાઈ ગઈ…..આશા છે આપને ગમશે…

 ————->

હતા સદા જે સંગાથે, તે સ્મરણમાં રહી ગયા,

વર્ષોના વહાણાં સહેજે, ક્ષણોમાં વહી ગયા,

ખૂબ વધ્યા ઓછાયા અને ફૂલી ફાલી એકલતા,

મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.

માટી ફેંદતા સાથે સાથે, રમતા સાથ લખોટી,

હું ખેંચતો ચડ્ડી કદીક, તું ખેંચે મારી ચોટી,

પાટી પેન ને ચમચમ સોટી, લંગોટી રહી ગયા,

મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.

ચોપાટીએ ઘર ઘર રમતા, ગાતાં ગીત મજાનાં

શાળાએથી ભાગી જાતા, કેવા છાના માના

ઝાડુ વેલણે બરડે દીધા, લીસોટા રહી ગયા

મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.

રાજુ ને હીતુ, રેખુ ને ભાનું,

શોરથી આવી, ભાગતા છાનુંમાનું

છાનામાના જીવનમાંથી, ક્યાં તમે સરી ગયા

મારા બાળપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા.

સ્મરે છે હજી બાની આંગળી, પકડી લીધો મારગ,

જીવનભર સાચના રસ્તે થયા ન કદી ફારગ,

એ રસ્તે સાથે ચાલનારા, ક્યાંયે રહી ગયા,

મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા

 – જીગ્નેશ અધ્યારૂ

( જોડણી અને કાવ્ય લેખનના રૂઢીગત પ્રકારોમાં અહીં ખૂબ છૂટછાટ લીધી છે પણ હૈયાના ભાવો વ્યક્ત કરવામાં તે કદાચ જરૂરી હતું…આશા છે સુજ્ઞ વાચકો ક્ષમા કરશે…)

આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “મારા નાનપણાના મિત્રો – જીગ્નેશ અધ્યારૂ