ગાય, બકરી ને કાગડો – દુર્ગેશ ઓઝા 2
બાળવાર્તા ‘ગાય, બકરી ને કાગડો’ કોઈનું ભલું કરી. કોઈને ખુશી આપી આનંદ માણવાની વાત સરળ શબ્દોમાં મૂકી આપે છે.
બાળવાર્તા ‘ગાય, બકરી ને કાગડો’ કોઈનું ભલું કરી. કોઈને ખુશી આપી આનંદ માણવાની વાત સરળ શબ્દોમાં મૂકી આપે છે.
પીયૂશભાઈ જોટાણિયાનો બાળવાર્તા સંગ્રહ ‘ઢીંગલી રે ઢીંગલી’ સરસ મજાની નાનકડી પણ બોધપ્રદ અને મજેદાર વાર્તાઓનો ખજાનો છે જે બાળકોને અવશ્ય આનંદ કરાવશે.
ગુજરાત સમાચારની બુધવારની ‘શતદલ’ પૂર્તિમાં ઓક્ટોબર ૨૦૧૮થી હપ્તાવાર પ્રસિદ્ધ થયેલી લલિતભાઈ ખંભાયતાની સુંદર કિશોર સાહસ કથા ‘એ નગરનું નામ ખાંડવપ્રસ્થ’ને વાચકોનો સુંદર આવકાર મળ્યો છે. ફેબ્રુઆરી ૨૦૧૯માં એ પૂર્ણ થઈ પછી હવે પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થઈ છે. લલિતભાઈનો બાળસાહિત્યના પ્રકારમાં પ્રથમ પ્રયાસ છે અને એ વાચકોનો પ્રેમ પામી છે એ બદલ તેમને ખૂબ અભિનંદન અને આ સુંદર પુસ્તક ભેટ આપવા બદલ તેમનો આભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે. પ્રસ્તુત છે પુસ્તકનું પ્રથમ પ્રકરણ..
એ છે દરિયાનો રાજા. રંગીલો છે એનું નામ. જેવું એનું નામ એવા જ તેના વેશ. દરિયાની ખારી ખારી હવા તેના વાળ ના બગાડે એટલે તે રંગબેરંગી કપડા માથા પર વીંટાળે. સૂરજદાદાને ચિઢવવા પાછો ગોગલ્સ પણ પહેરે. મગર, વ્હેલમાછલીઓ, શાર્ક, ડોલ્ફીન, નાની માછલીઓ, કાચબા, સાપ, ઓક્ટોપસ, બતક અને પેલા પેંગ્વીન પણ રંગીલાને બહુ માન આપે અને પ્રેમ કરે. રંગીલો સદાય પોતાના આ મિત્રોના સુખ દુઃખમાં સાથે રહે.
અચાનક એક દીવસે એક કાચબી રડતાં રડતાં રંગીલા પાસે આવી.
“શું થયું કંચન કાચબી? કેમ રડે છે?” રંગીલા રાજાએ પ્રેમથી પૂછ્યું.
સિંહ સરકારના ગુસ્સાનો પાર નહોતો.
તેણે ભયંકર ગર્જના કરી કહ્યું, ‘બોલો, હવે કોણ બીડું ઝડપે છે?’
ટાબરો નામે ઉંદરડો એક ખૂણામાં બેઠો હતો. સાહસનો એ શોખીન હતો. કોઈ ઊઠતું નથી એ જોઈ એણે આગળ આવી બીડું ઝડપ્યું.
સિંહે કહ્યું, ‘અલ્યા તું? તું શું કરશે?’
ટાબરાએ કહ્યું, ‘હું શું કરું છું તે આપ જોજોને, મહારાજ! હું રીંછ અને વાંદરા જેવો મૂર્ખ નથી. હું એ દુષ્ટ ગલબાને જીવતો નહીં, તો મરેલો આપની કચેરીમાં હાજર કરીશ.’
સિંહે કહ્યું; ‘વાહ, તો દેખાડ તારું પરાક્રમ!’
જન્મી છે બેન..
ચુનમુનબેને જાણ્યું જ્યારે જન્મી છે એક બેન;
ઘડી ન એને જંપ વળે ને ઘડી પડે નહિ ચેન.
કેવા એના હશે હાથ-પગ? કેવાં હશે નેન?
કેવે મુખડે હશે બોલતી મીઠાં મીઠાં વેણ?
એ પહાડની તળેટીમાં એક નાનકડી નદી વહે. એ નદીકિનારે એક ઝાડ. તેની નીચે એક રીંછ બેઠું હતું. તેનું નામ ભીમાક. તે પોતાના બનાન મોબાઈલ ફોન પર સંગીત સાંભળતું હતું. એટલાંમાં તેણે કશો અવાજ સાંભળ્યો. અવાજની દિશા તરફ જોયું. એક સફેદ મોટરકાર નજરે પડી. તે પહાડ પાછળના જંગલ તરફ જતી હતી. તેણે વિચાર્યું. શું હશે? જંગલમાં હમણાં માણસોની અવરજવર વધી ગઈ છે. થોડા દિવસ પહેલાંપણ ચાર-પાંચ બંદૂકધારીઓને જંગલમાં ભાગતા જોયેલા. આજે આ મોટર જોઈ. ભીમાક રીંછે મોબાઈલ ફોન લીધો. પપ્પુ પોપટને જોડ્યો. તરત લાગ્યો. પપ્પુ પોપટ બોલ્યો; ‘હેલો!…’
પ્રસંગ કાંઈક એવો છે કે બાળક મૃત્યુના મુખમાં છે અને એ અવશ્યંભાવી અંતને જોઈને બાળમનમાં કઈ કઈ વાતો આવે છે તેનું હ્રદયસ્પર્શી ચિત્રણ આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમે આપણને મળે છે. બાળકના મનોભાવો સર્વથા તેની માતા પ્રત્યે છે, તેને દુઃખ થશે, માસી તેના વિશે પૂછશે, રાત્રે પથારીમાં તેની ગેરહાજરી સાલશે જેવા પ્રસંગો આવે ત્યારની વાત પ્રત્યે આશ્વાસન આ બાળહ્રદય તેની માતાને આપે છે. શૌર્ય, ખુમારી અને માતા પ્રત્યેના પ્રેમથી સભર બાળહ્રદયનું આ કાવ્ય અનોખું અને આગવું છે. પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ ‘વીણેલા ફૂલ’ અને તેના પૂરક સંગ્રહ ‘કિલ્લોલ’માં શ્રી ઝવેરચંદ મેઘાણીએ અનેક બાળગીતો મૂક્યાં છે, તેમાં માતા તથા નાનાં ભાઈબહેનોના મનોભાવ ગૂંજવતા ગીતો પણ છે, લાખો વાચકોના અંતરમાં એ ગીતોએ અમીસીંચન કરેલું છે. ૭૫મી મેઘાણીજયંતિ પછી બહાર પડેલ તેમના બાળગીતોની પુસ્તિકા ‘નાના થૈને રે !’ માંથી આજે આ કૃતિ અહીં પ્રસ્તુત કરી છે.
એનિડ બ્લાયટનની એક વાર્તા ઉપર આધારિત હર્ષદભાઈ દવે રચિત પ્રસ્તુત વાર્તાની સરળ પરંતુ ઉપયોગી અને અચૂક શીખામણ આ બાળવાર્તાને મોટેરાંઓને માટે પણ એટલી જ જરૂરી અને પ્રેરક બનાવે છે. આપણા ધર્મગ્રંથો અને વેદો પુરાતનકાળથી જે વાત કહેતા આવ્યા છે એ સરળ અને બાળકો સમજી શકે એવા સ્વરૂપે મૂલતઃ ‘કોઈકને મદદ કરવી’ ના વિચાર સાથે શરૂ થયેલ હારમાળા કેવું સુંદર સ્વરૂપ લે છે એ અહીં જોઈ શકાય છે. અક્ષરનાદને આ સુંદર અને પ્રેરણાત્મક કૃતિ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી હર્ષદભાઈ દવેનો ખૂબ ખૂબ આભાર.
બાળમાનસને નાનપણથી જ જો સાહિત્ય પ્રત્યે રુચિ લેતું કરવું હોય તો બાળસાહિત્યથી સચોટ ઉપાય અન્ય કોઈ નથી. બાળકો માટે જ સરાળ ભાષામાં વિશેષ ઉપલબ્ધ કરાવાયેલ અધ્યાત્મિક કથાઓ, મહાનુભાવોના જીવનપ્રેરક ચરિત્રો, રોજબરોજની ઘટનાઓ અને સમજણને આવરી લેતી નાની વાર્તાઓ, એ બધું બાળકોના માનસ પર સચોટ અસર કરે છે. બાળહાથીની વરસાદમાં નહાવા જવાની ઈચ્છા અને તેની માતાનો તેના પ્રત્યેનો ચિંતાનો ભાવ પ્રસ્તુત વાર્તાના પાયામાં છે. સરસ મજાની આ વાર્તા બાળમિત્રોને ગમશે એવી આશા છે. પ્રસ્તુત બાળવાર્તા અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરવાની પરવાનગી બદલ મીનાક્ષીબેનનો ખૂબ ખૂબ આભાર.
ગીતા જો એક ગઝલ રૂપે લખાઈ હોય તો કયા સ્વરૂપમાં હોય એ વિષયને લઈને આપણા શીર્ષ હાસ્યકાર સ્વ. શ્રી જ્યોતિન્દ્ર દવે દ્વારા લખાયેલ આ હાસ્યલેખ વિશે તેઓ લેખમાં કહે છે, “સ્વ. મણિકાન્તે રચેલી ‘ગઝલમાં ગીતા’માં ગઝલને યોગ્ય વાતાવરણ નથી એમ લાગવાથી, વીર કવિ નર્મદની પુણ્યપ્રતિજ્ઞાથી પ્રેરાઈને ગુર્જર ભાષાની સેવા કરવાના મદહોશથી મેં વ્રત લીધું છે, કે જ્યાં સુધી હું ગીતાનું ગઝલમાં યોગ્ય ભાષાંતર નહિ કરું ત્યાં સુધી હું પાઘડી પહેરીશ નહિ — પહેરીશ નહિ એટલું જ નહિ પણ વસાવીશ સુદ્ધાં નહિ. ટોપીથી કે હૅટથી ચલાવી લઈશ. હજી સુધી મેં કદી પાઘડી પહેરી નથી તેમ જ લાંબા વખત સુધી પાઘડી પહેરવાનો મારો વિચાર પણ નથી. છતાં એ વસ્તુસ્થિતિથી મારી પ્રતિજ્ઞાને બાધ આવતો નથી, ઊલટું પ્રતિજ્ઞાપાલન વધારે દૃઢતાથી થાય છે.” ગીતાની ગઝલનો આ સુંદર હાસ્યલેખ આજે પ્રસ્તુત છે…
એનસીઈઆરટી – દિલ્હી દ્વારા પ્રાયોજીત ૨૮મી રાષ્ટ્રીય પારિતોષિક સ્પર્ધામાં વર્ષ ૧૯૯૪-૯૫માં સર્વોત્તમ પુસ્તકનું ઈનામ પ્રાપ્ત કરનાર શ્રી ઉદયનભાઈ ઠક્કરના બાળવાર્તાઓના પુસ્તક ‘એન મિલાકે ટેન મિલાકે છૂ…’ માંથી આજની વાર્તા સાભાર લીધી છે. રોજીંદા જીવનના સરળ અને સહજ પ્રસંગો બાળમન પર અસર છોડે છે, એવા જ પ્રસંગો બાળકને કુદરત અને પ્રાણીજગત સાથે પણ જોડી આપે છે. અક્શરનાદને પ્રસ્તુત પુસ્તકની સામગ્રી પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ઉદયનભાઈનો અને મદદ માટે શ્રી દિનેશભાઈ બૂચ સાહેબનો ખૂબ ખૂબ આભાર.
એનિડ બ્લાયટન રચિત અને શ્રી હર્ષદભાઈ દવે દ્વારા અનુવાદિત આ સુંદર બાળવાર્તા ‘ચુગલીખોર’ બાળમનમાં ચાડી-ચુગલી જેવા દુર્ગુણો પ્રત્યે એક તિરસ્કાર ઉત્પન્ન કરી શકે છે. બાળકોને નર્યો ઉપદેશ આપવાને બદલે તેમને આવી વાર્તાઓ અને સરળ પાત્રો દ્વારા સંદેશ આપવામાં આવે તો એ તરત ગ્રહણ કરી શકે છે. એ પાત્રો દ્વારા અપાયેલ પરોક્ષ ઉપદેશ તથા એ દ્વારા જરૂરી સારી આદતો સરળતાથી બાળકમાં કેળવી શકાય છે. પ્રસ્તુત સુંદર વાર્તા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.
બાળગીતો ક્ષેત્રે આપણી ભાષામાં શ્રી ઝવેરચંદ મેઘાણીનું કામ નોંધપાત્ર છે. ‘શિવાજીનું હાલરડું’ હોય, ‘તલવારનો વારસદાર’ કે ચારણબાળાની શૌર્યગાથા વર્ણવતું ‘ચારણ-કન્યા’, મેઘાણીની કલમ લોકજીવનને બાળકાવ્યોમાં સહજ ઉતારી લાવે છે, સાથે સાતેહ લાવે છે એ ગીતોમાંના શૌર્યને, ખમીર અને સ્વમાનને. પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ ‘વીણેલા ફૂલ’ અને તેના પૂરક સંગ્રહ કિલ્લોલ’માં શ્રી ઝવેરચંદ મેઘાણીએ હાલરડાં મૂક્યાં છે, તેમ જ માતા તથા નાનાં ભાઈબહેનોના મનોભાવ ગુંજવતા ગીતો પણ છે, લાખો વાચકોના અંતરમાં એ ગીતોએ અમીસીંચન કરેલું છે. ૭૫મી મેઘાણીજયંતિ પછી બહાર પડેલ તેમના બાળગીતોની પુસ્તિકા ‘નાના થૈને રે !’ માંથી આજે ત્રણ બાળગીતો અહીં મૂક્યા છે.
જન્મદિવસની ઉજાણી” એ નામનો શ્રીમતી નીલમબેન હરેશભાઈ દોશીનો પ્રસ્તુત બાળનાટ્યસંગ્રહ પ્રસ્તુત કરતા અનેરો હર્ષ થાય છે. બાળસાહિત્ય એ આપણી ભાષામાં ઈંટરનેટ પર ખૂબ ઓછું ખેડાયેલુ ક્ષેત્ર છે અને તેમાંય સત્વશીલ રચનાઓ જૂજ છે ત્યારે જેને પુરસ્કાર મળેલો છે તેવો આ બાળનાટ્યસંગ્રહ વાચકોને અનેરો આનંદ અપાવશે તે ચોક્કસ છે. પ્રસ્તુત કૃતિઓ અક્ષરનાદને ઉપલબ્ધ કરાવી ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવાની તથા નિ:શુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવવાની પરવાનગી આપવા બદલ શ્રી નીલમબેનનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરે અને તેઓ ફરી એક વખત લેખનકાર્યમાં ધમધોકાર રીતે પ્રવૃત્ત થાય તેવી સૌ વાચકો વતી શુભકામનાઓ.
બાળવાર્તાઓ બાળકોને ભાવવિશ્વની અનોખી સફરે લઈ જાય છે, કલ્પનાના વિશ્વમાં લટાર કરાવે છે, પક્ષીઓ, પ્રાણીઓ અને અન્ય પાત્રોના માધ્યમ દ્વારા તેમને જીવનની ગળથૂથી પીવડાવવામાં આવે છે. ગુજરાતી ભાષાના માધ્યમથી બાળકોને એ ભાવવિશ્વનું સરનામું ચીંધ્યુ છે ગિજુભાઈ બધેકાએ, એ ગુજરાતી બાળકોની મૂછાળી માં છે. પ્રસ્તુત સંકલન લોકમિલાપ દ્વારા પ્રકાશિત તેમની વાર્તાઓના સંકલન રોજેરોજનું વાંચન માંથી લેવામાં આવ્યું છે. તેમની પચીસેક બાળવાર્તાઓ અત્રે મૂકી છે, આશા છે ઈ-પુસ્તક સ્વરૂપે ગુજરાતી બાળસાહિત્યમાં થયેલા નગણ્ય યોગદાનને અહીંથી એક નવી શરૂઆત મળી રહેશે.
આજે પ્રસ્તુત છે શ્રી રતનપર પ્રાથમિક શાળા, મુ. બગદાણા, તા. મહુવામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી જગદીશભાઈ વાટુકીયાની રચિત આ સુંદર બાળવાર્તા. બાળવાર્તાઓની રચના આમ તો સરળ વાત નથી પણ જગદીશભાઈની કલમ અહીં સિદ્ધહસ્ત લાગે છે. આ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહેલી તેમની પ્રથમ રચના છે. હાથી અને કીડીના ઘણાં ટુચકા આપણે સાંભળ્યા છે, આજે માણીએ તેમની એક સુંદર વાર્તા. આ રચના અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.
બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપતી અનેક બાળવાર્તાઓ ગિજુભાઈએ ગુજરાતી બાળકોને તેમની પોતાની ભાષામાં સાહિત્યવારસામાં આપી છે. આ વાર્તાઓનું એક સંકલન પુસ્તક ટૂંક સમયમાં અક્ષરનાદ પરથી પ્રસ્તુત થશે. આજે પ્રસ્તુત છે એ જ સંકલનમાંથી એક સુંદર અને ખડખડાટ હસાવતી તોતડી રાણીઓની વાર્તા, “મને મતોલે તલ્લી રે તલ્લી”.
નાનપણમાં બાળવાર્તાઓની અને જોડકણાઓની નાનકડી પુસ્તિકાઓનો એક સેટ મને કોઈએ આપેલો. કોણે આપ્યો હતો એ તો યાદ નથી, પણ એ જોડકણા અને વાર્તાઓ આજે પણ હજી યાદ આવે ને આનંદ આનંદ થઈ જાય છે. આજે એવી જ સરસ ત્રણ વાર્તાઓ મૂકી છે. ખડબડ ખડબડ ખોદત હૈ… એક બ્રાહ્મણની અને તેના નસીબની વાત છે, બીજી – અકબર બિરબલની, બીરબલની ચતુરાઈની વાત છે તો ત્રીજી ઠાકોર અને રંગલાની ધમાકેદાર હાસ્યવાતચીત છે. ત્રણેય વાર્તાઓ ગિજુભાઈની – મૂછાળી માંની ગુજરાતના બાળકોને ભેટ છે. બાળપણથી વધુ આપણને કયો સમય વહાલો હોય? આજે એ સમયમાં એક નાનકડી ડૂબકી મારીએ.
બાળક એટલે આજ, એની જરૂરીયાત કાલ પર ઠેલી શકાય જ નહીં. આવા ગીતો બાળકને લયબદ્ધ – તાલબદ્ધ બનાવે છે, શ્રવણ શક્તિ અને અભિનયશક્તિનો વિકાસ કરે એ, શબ્દભંડોળ વધારે છે, લાગણીઓનો અનુભવ આપે છે અને સૌથી વધુ તો બાળકોને જ્યારે સમૂહ વચ્ચે ગાવાની તક મળે ત્યારે તેમની શરમાળવૃત્તિ – સંકોચ દૂર થાય છે. ભાવોને પ્રગટ કરવાનું એ માધ્યમ છે, ભાષાને ભાવમય અને રસમયા કરવાનું કામ આવા સુંદર ગીતો સહજતાથી કરી આપે છે. બાળકની કલ્પનામાં વસતા ઢીંગલા ઢીંગલી જેવા મિત્રોની સાથે તેમની વાતચીતને, તેની કાલી ભાષામાં ગવાયેલા ગીતને પણ અભિવ્યક્ત કરવાની આપણી ભાષાએ પૂરી વ્યવસ્થા આપી છે. એનો પૂરાવો આજે પ્રસ્તુત કરેલા આ ઢીંગલી ગીતો છે. શ્રી ધનસુખલાલ પારેખ અને શ્રી જયંત શુક્લની પ્રસ્તુત ખૂબ સરસ રચનાઓ બાળકના આ નિરાળા મિજાજને આબેહૂબ ઝીલે છે. પ્રસ્તુત બંને ગીતો શાંતિગ્રામ નિર્માણ મંડળ, તણછા દ્વારા સંચય પામેલ બાળગીતોનો સંગ્રહ, ‘ડૂગડૂગિયાં’માંથી લેવામાઁ આવ્યા છે.
નાનપણમાં મિયાં ફુસકી, ચાચા ચૌધરી, ચાંદામામા અને ચંપક વગેરેમાં અનેક વાર્તાઓ વાંચતા, ત્યારની નાનકડી અને સરસ વાર્તાઓ વાંચવાની અને કલ્પનાની દુનિયામાં ખોવાઈ જવાની ખૂબ મજા આવતી. આજના બાળકો કાર્ટુનની દુનિયામાં જીવે છે, એ જ કાર્ટુન પાત્રોને યાદ રાખે છે, તેમના જેવું કરવાના પ્રયત્નો કરે છે. વાર્તાઓના વિશ્વને તેઓ સતંદર ભૂલી ચૂક્યા છે. સદનસીબે ગુજરાતીમાં હજુ પણ એવી સુંદર બાળવાર્તાઓ પ્રસ્તુત થાય છે જે આજના બાળકો માટે તદ્દન ઉપર્યુક્ત છે. ઉદયન ઠક્કર આપણા આગવા બાળવાર્તાકાર છે. પ્રસ્તુત વાર્તા તેમના બાળવાર્તાના પુસ્તક ‘મેં એક સિંહને પાળ્યો છે અને બીજી વાર્તાઓ’ માંથી સાભાર લેવામાં આવી છે. પ્રસ્તુત વાર્તા વાંચ્યા પછી ઠંડક માછલીનું પાત્ર બાળમાનસમાં ખૂબ સ્પષ્ટ છાપ છોડી જશે એ ચોક્કસ. આ બાળવાર્તાઓના પુસ્તકો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.
આપણા સાહિત્યમાં પંચતંત્ર અને હિતોપદેશ જેટલું જ મહત્વ ઈસપની વાર્તાઓનું પાશ્ચાત્ય સાહિત્યમાં છે. ઈસુની છઠ્ઠી સદીમાં ગ્રીસમાં થઈ ગયેલ ઈસપ આમ તો ગુલામ હતો, અને પોતાના માલિકના બાળકોને ખુશ કરવા કહેલી, પણ વાઘ, સિંહ, શિયાળ, વરુ, ગધેડો અને અનેક અન્ય પશુ પક્ષીઓને વિવિધ વાર્તાઓમાં પાત્રરૂપે મૂકીને તેણે ફક્ત બાળકોને જ નહીં, મોટેરાંઓને પણ ગમે તેવી વાર્તાઓ રચી. આ વાર્તાઓ આજે પણ ખૂબ વંચાય છે. આજે પ્રસ્તુત છે ઈસપની આવી જ બે વાર્તાઓ.
ભારતીય સાહિત્યમાં કથા સાહિત્યનું મૂલ્ય અદભુત છે. ઇસપની બોધકથાઓ, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની કથાઓ, શુક સંહિતા, વેતાળ પચ્ચીસી, બત્રીસ પૂતળીઓની કથાઓ વગેરે ભારતીય સાહિત્યની અમૂલ્ય રચનાઓ છે. પરંતુ સંસ્કૃત નીતી કથાઓમાં પંચતંત્રનું મહત્વ આગવું છે. ત્રીજી સદીની આસપાસ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ દ્વારા આ તંત્રની રચના થઇ હોવાનું મનાય છે. પચાસથી વધુ વૈશ્વિક ભાષાઓમાં આ પંચતંત્ર કથાઓના બસોથી વધુ રૂપાંતરણો મળે છે. આજે પ્રસ્તુત છે પંચતંત્રની એક સરસ અને બોધપ્રદ બાળવાર્તા.
બાળગીતો આપણા બાળપણની અનેરી યાદો છે. આજે ક્યાંક ‘પા પા પગલી…’ કે ‘મેં એક બિલાડી પાળી છે’ કે ‘નાની મારી આંખ’ સંભળાય ને કોણ પોતાના બાળપણમાં ન ખોવાઈ જાય ? પણ આ ટ્વિન્કલીયા સ્ટારે આપણા એ ચાંદામામાની ચમકને ઝાંખી પાડી દીધી છે. હવેના બાળકો આ ગીતો સિવાય જ મોટા થઈ રહ્યા છે. એમને નથી શિવાજીનું હાલરડું મળતું કે નથી ધ્રૃવ પ્રહલાદની અને ચેલૈયાની વાતો સાંભળવા મળતી. ‘ચકી ચોખા ખાંડે છે’ જેવા જોડકણા હોય કે ‘નમીએ તુજને વારંવાર’ જેવી પ્રાર્થનાઓ હોય, એ પદ્ય રચનાઓ દરેક બાળકના મનમંદિરમાં વસેલી રહેતી. આજેય એ ગીતો યાદ આવે ને મને નાનું થવા તલપાપડ થઈ ઉઠે છે. આજે પ્રસ્તુત છે આવા જ ત્રણ અતિપ્રચલિત, સુંદર અને ભોળા – બાળગીતો.
ભારતીય સાહિત્યમાં કથા સાહિત્યનું મૂલ્ય અદભુત છે. ઇસપની બોધકથાઓ, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની કથાઓ, શુક સંહિતા, વેતાળ પચ્ચીસી, બત્રીસ પૂતળીઓની કથાઓ વગેરે ભારતીય સાહિત્યની અમૂલ્ય રચનાઓ છે. પરંતુ સંસ્કૃત નીતી કથાઓમાં પંચતંત્રનું મહત્વ આગવું છે. ત્રીજી સદીની આસપાસ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ દ્વારા આ તંત્રની રચના થઇ હોવાનું મનાય છે. પચાસથી વધુ વૈશ્વિક ભાષાઓમાં આ પંચતંત્ર કથાઓના બસોથી વધુ રૂપાંતરણો મળે છે. આજે પ્રસ્તુત છે પંચતંત્રની એક જાણીતી વાર્તા.
મહુવાની શ્રી માનસ પ્રાથમિક શાળામાં, અક્ષરનાદ દ્વારા અને શાળાના શિક્ષકોના સહયોગથી થોડાક વખત પહેલા એક નિબંધ સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીમિત્રોની જાહેરાત અને આ સમગ્ર આયોજન વિશે “અક્ષરનાદનું ગ્રાઉન્ડવર્ક – “અભિવ્યક્તિ” નિબંધ સ્પર્ધા …” અંતર્ગત સૂચવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીની કુમારીશ્રી બારૈયા દેવયાની રમેશભાઈ (ધોરણ 6)ની વિષય – મને શું થવું ગમે (શિક્ષક) પર લખાયેલ નિબંધ આજે પ્રસ્તુત કર્યો છે. આશા છે આ કૃતિને વાંચકો વધાવશે અને આ નાનકડી લેખિકાને આપના પ્રેરણા અને પ્રોત્સાહન તથા શુભેચ્છાઓ મળશે.
પશ્ચિમના કેટલાક દેશોમાં બાળકો અને કિશોરો, યુવાનો માટે અપરંપાર વિવિધતા ધરાવતા સાહિત્યનો ખજાનો પડેલો છે, ને સમયની સાથે સમૃધ્ધ થતો જાય છે. મૂળ રશિયન લેખક રોઝ પ્રોકોફીવાની કૃતિ “School boys” ના નિકોલાઈ નોસોવના અંગ્રેજી અનુવાદ પરથી શ્રી મહેન્દ્ર મેઘાણીએ કરેલા અનુવાદ “ભાઈબંધ” માંથી લેવામાં આવ્યો છે. રશિયન કિશોર સાહિત્યની આ કૃતિ ખૂબ સુંદર, બાળ માનસને સમજતી સમજાવતી આનંદ કરાવતી વાંચતા વાંચતા ક્યારે પૂરી થઈ ગઈ, ખબર જ ન પડી. શાળાના દિવસો અચૂક યાદ કરાવતી, એ સફર પર લઈ જતી અનેરી વાત છે. તોતો ચાન પછી આ બીજી પુસ્તિકા છે જે આ ક્ષેત્રમાં નોંધપાત્ર છે, જો કે “ભાઈબંધ” એટલી પ્રચલિત નથી. રશિયન નિશાળીયાઓની આ વાતમાં આપણા કિશોરોને પોતાનું પ્રતિબિઁબ અચૂક દેખાશે. લોકમિલાપ ટ્રસ્ટનું પ્રકાશન એવું આ પુસ્તક 160 પાનાનું છે અને 2000ની સાલના પુનર્મુદ્રણ વખતે તેની કિઁમત 30 રૂપિયા હતી. ટૂંક સમયમાં અક્ષરનાદ પર આ પુસ્તકની સમીક્ષા અને પુસ્તક પરિચય પણ વાંચી શક્શો.
ઈસપ ઈસુની છઠ્ઠી સદીમાં ગ્રીસમાં થઈ ગયો હોવાનું મનાય છે, ખરેખર તો તે એક ખરીદેલો ગુલામ હતો અને પોતાના માલિકના બાળકોને ખુશ રાખવા તેણે આ બધી વાર્તાઓની રચના કરી હતી. વાર્તાના પાત્રો રૂપે તેણે લીધેલા જંગલના પ્રાણીઓ જેવા કે વાઘ, સિંહ, શિયાળ, કાગડો, રીંછ, હરણ, ઉંદર, દેડકો જેવા પશુ પક્ષીઓ અને પ્રાણીઓના ઉદાહરણ સાથે સમજાવાયેલી આ વાર્તાઓ નાના બાળકોની સાથે મોટેરાઓને પણ એટલી જ પ્રિય થઈ પડી છે. સાથે સાથે આ વાર્તાઓ વ્યવહારીક જ્ઞાન અને નીતીબોધ પણ સરળ પ્રવાહી ભાષામાં સુપેરે આપી જાય છે. આપણા સાહિત્યમાં પંચતંત્ર અને હિતોપદેશ જેટલું જ મહત્વ પાશ્ચાત્ય સાહિત્યમાં ઈસપની આ બોધકથાઓનું છે. આજે પ્રસ્તુત છે તેમાંની એક સરસ વાર્તા.
વાત થોડીક જૂની છે, જાપાનના પહાડોની ગોદમાં યામામોટો નામનું નાનકડું ગામડું વસેલું છે, બીજા વિશ્વયુધ્ધ પછી આ શાળામાં ફરજીયાત અભ્યાસ શરૂ કરાયો છે, પણ શાળામાં છાજલી વરસાદ અને બરફ વર્ષાની રાહ જોઈને ઉભી છે, કોઈ સાધનો નથી, નકશા નથી, સંદર્ભગ્રંથો નથી, પુસ્તકો નથી, દરેક વિષયનું એક પાઠ્યપુસ્તક, પાટી અને ચોક છે. પણ શાળાની સૌથી મોટી મૂડી તેના વિદ્યાવ્યસની વિદ્યાર્થીઓ અને લગની વાળા શિક્ષકો છે. પહાડના બાળકોની આ માનીતી શાળા છે, અને તેના માટે એ બધી મુસીબતો વેઠે છે. સેઈક્યો મુચાકુ નામના ૨૪ વર્ષના શિક્ષક પોતાના દેશની – ગામની હાલત એ નિશાળીયાઓ સમજે, સુધારવાની તમન્ના જાગે એ માટે તે મહેનત કરે છે. પોતાના જીવનના કોયડાઓ, મુસીબતો અને સમાજ માટેના ખ્યાલો વિશે જાણવા તે વિદ્યાર્થીઓ પાસે નિબંધ લખાવે છે, છોકરાઓએ ગામડાનું જીવન જેવું જોયું, એવું આલેખ્યું. આ લખાણોમાં એ બાળકોએ એમના જીવનનું, આસપાસના વાતાવરણનું હૂબહુ પ્રતિબિંબ પાડ્યું છે, જાપાનમાં એક સમયે સહુથી વધુ વેચાતી, વંચાતી અને ચર્ચાતી આ નાનકડી પુસ્તિકા એટલી પ્રખ્યાત થઈ કે જાપાનના શિક્ષણ પ્રધાને એ ગામ સુધીની સફર ખેડીને એ ગામઠી શાળાના શિક્ષકો – બાળકોને શાબાશી આપી. આ ચોપડી પરથી ફિલ્મ પણ ઉતરી, “ઈકોઝ ફ્રોમ એ માઊન્ટેન સ્કૂલ”. કોઈચી એગુચી નામના ૧૪ વર્ષના એક કિશોરની વાત મને ખૂબ સ્પર્શી ગઈ, આજે પ્રસ્તુત છે એ કિશોરના મનોભાવો.
સંસ્કૃત નીતી કથાઓમાં પંચતંત્રનું મહત્વ આગવું છે, પંચતંત્રની સુંદર અને સરળ બોધપ્રદ કથાઓએ પેઢીઓથી એક આગવી શિક્ષણ સંસ્થા ઉભી કરી છે જે આપણી સાહિત્ય પરંપરાનું આ કથાઓ એક ખૂબ અમૂલ્ય રત્ન છે. એટલે ગુજરાતીમાં આ કથાઓ આપણા બાળકો વાંચી શકવા, માણી શકવા જોઇએ. આજથી અક્ષરનાદ રજુ કરશે સમયાંતરે પંચતંત્રની આ કથાઓ. આજે માણો લડતાં ઘેટાં અને લાલચુ શિયાળ.