અઘોર નગારા વાગે….વેલાબાવા તારાં… 9


થોડા વખત પહેલા મેં પુસ્તક અઘોરીઓ સાથે પાંચ દિવસ વાંચ્યુ અને તેને સંલગ્ન મારા વિચારો રજુ કરતી પોસ્ટ અનુક્રમે અઘોરીઓ સાથે પાંચ દિવસ, મન, આંતરીક શક્તિઓ અને વામમાર્ગ, પરબ્ર્હ્મ અને તેની પરિકલ્પના – ભૂત અને ભગવાન લખી, તેના ઘણાં પ્રતિભાવમાં મને સૂચવવામાં આવ્યુ પુસ્તક “અઘોર નગારાં વાગે”. લેન્ડમાર્ક બુકસ્ટોર વડોદરા હવે મારી ગુજરાતી પુસ્તકોની ભૂખ સંતોષી રહ્યું છે અને એ ખૂબ અલ્પ સમય આમ કરી શક્શે કારણકે તેમની પાસે હવે જૂજ પુસ્તકો રહ્યા છે.

અઘોર નગારાં વાગે પહેલી નજરેજ ખૂબ ગમે તેવુ પુસ્તક છે. પુસ્તકની તુલનાત્મકતા કે તેની અંદર વર્ણવેલા પ્રસંગો કે ઘટનાઓની સત્યતા ચકાસવી એ અશક્ય કામ છે, પણ મને તેમાં વ્યવહારીકપણું દેખાય છે અને તે હકીકત હોય તેમ લાગે છે. લેખકે સાધુ સંપ્રદાય, તેમના પરિધાનો, વિચારો, પરંપરાઓ અને તેમના આરાધ્ય, તેમની પૂજન તથા સંધાન પધ્ધતિઓ વગેરેનું ખૂબ સુંદર અને વિગતે વર્ણન કર્યું છે. અને ઘણીવાર તેઓ પ્રસંગોની સાથે સાથે આનુષંગીક વર્ણનો પણ આપે છે જે સાધુ સમાજની વિવિધ રૂઢીઓને ખૂબ સરસ રીતે દેખાડે છે. પુસ્તકના બંને ભાગો સરસ છે પણ મને બીજો ભાગ ખૂબ ગમ્યો. સાધુસમાજ આપણા ધર્મ અને સમાજનું મુખ્ય અંગ છે, પુરાતનકાળથી અનેક સંપ્રદાયો, અનેક પ્રણાલીકાઓ અને અનેક જાતિઓ આમ જ ચાલી આવે છે. સાધુ સંપ્રદાય, કાપાલિકો કે શૈવ પંથીઓ સામાન્ય સમાજ અને જનતાથી દૂર છે અને તેમની પહોંચ કે જ્ઞાનની સીમાથી બહાર છે, તેમના વિષે અનેક માન્યતાઓ કે વાતો પ્રવર્તે છે.

લેખક પોતે પુસ્તકની પ્રસ્તાવનામાં સ્વીકારે છે કે આપણે સાધુ કે અસાધુને વાસ્તવિક સ્વરૂપમાં ઓળખવાનું જ્ઞાન ધરાવતા નથી કે એ જાણવાની તકેદારીય રાખતા નથી. જેના કારણે પાખંડી સાધુઓ તેની પાખંડલીલા માં અજ્ઞાની, વિશ્વાસુ અને ભોળા લોકોને ફસાવી અનેક અનિષ્ટો સર્જે છે. પરંપરાગત વિચારધારા, સંકુચિત હેતુ, સમયનો અભાવ કે અવગણના એ આ સાધુસમાજ પ્રત્યે આપણી ઓછી જાણકારીનું પ્રમાણ છે. અને એના જ લીધે આપણે આપણી સંસ્કૃતિની ધરોહર સમા આ સમાજને તદન અળગો રાખ્યો છે. વિદેશોમાં સાધૂબાવાના દેશ તરીકે ઓળખાતો ભારતદેશ જે આપણો છે પણ તેની ઓળખ આપણે જાણતા નથી. જો તમને સત્ય અને તેની શૈલી ખબર હોય તો પાખંડીઓ અને ધનલાલચુઓથી બચી શકાય, જે આજ કાલના સમાજમાં અત્યંત જરૂરી બાબત છે.

મને લેખક શ્રી મોહનલાલ અગ્રવાલની નિખાલસતા ખરેખર ગમે છે, તેઓ દરેક પ્રસંગ વખતે પોતાની હિંમત અને આવડત વિષે બેબાક લખે છે. આધ્યાત્મના વિષયમાં સ્પષ્ટ ધ્યેય સાથેજ શરૂઆત કરવાની તેમની વાત અને તે પછી નાહકના ચમત્કારો, પાખંડો કે અનિષ્ટોથી દૂર રહી યોગ્ય ગુરૂ હોય તો જ આ ક્ષેત્રમાં વધવાની વાત યોગ્ય જ છે. એક વાંચવા અને વસાવવા લાયક પુસ્તક તરીકે અઘોર નગારા વાગે ખરેખર ખૂબ યોગ્ય છે.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “અઘોર નગારા વાગે….વેલાબાવા તારાં…