સૃષ્ટીના રચયિતા અને પહેલા એન્જીનીયર 6


Vishwakarma

Vishwakarma

પ્રભુ શ્રી વિશ્વકર્માને હિન્દુ માન્યતા મુજબ આ સૃષ્ટીના રચયિતા અને સ્થપતિ ગણવામાં આવે છે. દર વર્ષની સત્તરમી સપ્ટેમ્બર વિશ્વકર્મા પૂજા દિવસ તરીકે ઉજવાય છે. મૂળ બંગાળ, ઓરીસ્સા અને ત્રિપુરા તથા ઉત્તરભારતના એકાદ બે રાજ્યોમાં ઉજવાતો આ ઉત્સવ બાંધકામ સાથે સંકળાયેલી સમગ્ર સંસ્થાઓએ ઉજવવાનું શરૂ કર્યું છે. છેલ્લા ચાર વર્ષથી હું પણ તેમાં શામેલ થઈ રહ્યો છું. આ દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા કરાય છે, બાંધકામ બંધ રાખી બધા તેમની પૂજા અર્ચના અને પોતાના વિભાગોની, કામગીરી વાળી જગ્યાની પૂજા કરે છે. મૂળ સાઈટ પર ઉજવાતો હોવાના લીધે આ ઉત્સવ સામાન્ય લોકોની જાણ બહાર મોટેભાગે રહે છે. પણ સિવિલ ઈન્ડસ્ટ્રી તેને ખૂબ ભક્તિભાવ પૂર્વક અને જોરશોરથી ઉજવે છે.

વિશ્વકર્માને દૈવી સ્થપતિ માનવામાં આવે છે, તેનો ઉલ્લેખ ઋગ્વેદ અને સ્થપત્ય વેદ માં મળે છે. તેમને બાંધકામ, આયોજન અને અભિયંતા વિશ્વના સ્થાપક તરીકે માનવામાં અને પૂજવામાં આવે છે. કડીયાઓ, કારીગરો, વેલ્ડરો, ફીટરો, એન્જીનીયરો, તથા સમગ્ર બાંધકામ જગત તેમની પ્રોજેક્ટની સફળતા, સુરક્ષા અને પોતપોતાના કાર્યક્ષેત્રમાં સફળતામાટે તેમની પૂજા કરે છે, અને તેમની પ્રેરણા અને દોરવણી નીચે આખુંય કાર્ય ચાલે છે તેવી ભાવના સાથે તેમને પ્રોજેક્ટ અર્પણ કરે છે. દિવસભર તેમની પ્રતિમાની પૂજા કર્યા પછી, તેમને ફળ તથા વિવિધ ભોગ ધર્યા પછી દિવસને અંતે તેમની પ્રતિમા પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. આ દિવસે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બધાંય ભેગા મળી ઉજાણી કરે છે અને વર્ષમાં એક જ દિવસ બંધ પાળતી આ સમગ્ર ઈન્ડસ્ટ્રી તે દિવસે ખરેખર સિવિલાઈઝડ થઈ મજા કરે છે, સાહેબ અને મજૂર ના ભેદ ભુલાવી બધા હળેમળે છે અને એક બીજાના પ્રોજેક્ટ વિશે માહીતીની આપ લે કરે છે.

 

અમારી સાઈટ પર આ વખતેય એવી જ ઉજાણી થઈ…….ખૂબ મજા પડી…….

જય અલખધણી….


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “સૃષ્ટીના રચયિતા અને પહેલા એન્જીનીયર