પપ્પાનું વ્હાલ મમ્મીને 13


ક્યાંક વાંચ્યુ હતું કે બાળક છ મહીનાનું થાય એટલે તેને પોતાના માતા પિતાની સાથે લાગણીના તંતુથી જોડાઈ જાય છે. માતાની સાથે તો શારિરીક બંધન છૂટે તે પહેલા પણ લાગણી બંધન હોય જ છે, પણ પપ્પા સાથે તેને થોડો સમય લાગે છે. અને જ્યારે પપ્પા સાથે તે પૂર્ણપણે જોડાઈ જાય ત્યાં સુધી પપ્પા એવા સંજોગોમાં પહોચી જાય છે જ્યારથી તેનો બાળકને અપાતો સમય,  તેની ઓફીસ, ફાઈલ્સ, મીટીંગ્સ, સાઈટ અને ફોનકોલ્સ માંથી માથુ બહાર કાઢવાનો સમય કાંઈક અંશે ઘટતો જાય છે. બાળકની વધતી ઝંખનાઓ સામે તેને ક્યારેક પિતા તરફથી સમય મળે છે, ક્યારેક નહી.

આવા સંજોગોમાં ઘણી વાર બાળક તેની માતા પાસેથી પિતાનો ‘એક્સ્ટ્રા’ પ્રેમ મેળવવાના પ્રયત્નો કરે છે, અને ક્યારેક પિતાની ‘બેધ્યાન અવગણના ભર્યા’ સંજોગોની ફરીયાદ પણ કરે છે. અને પપ્પાને મમ્મીમાં શોધવાનું કામ કરે છે. આ કવિતા આવીજ એક વાત ખૂબજ સરળ અને વહાલી ભાષામાં વ્યક્ત કરે છે.

*****

મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરૂં

મને મમ્મી ગમે ને વ્હાલ પપ્પાને કરૂં,

મમ્મી તો હસતી ને હસતી ફરે

અને મારા પપ્પાનું કાંઈ રે કહેવાય નહીં

કદી વાતો કરે ને કદી મૂંગા રહે,

મળે છાપું તો ખોળો ખૂંદાય નહીં

મમ્મીના વ્હાલમાં હું રોજ રે તરું;

મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરૂં

મમ્મી તો મારી સાથે પત્તા રમે

અને કૂકા રમે ને કૂદે દોરડાં

વાંચતા ને લખતા કૈ પપ્પાજી હોય

ત્યારે એમના બિહામણા ઓરડા

દોડી દોડીને બકી મમ્મીને ભરું

મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરું !


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “પપ્પાનું વ્હાલ મમ્મીને