એ અરસામાં જામનગરમાં જામ સાહેબે ચંદુલાલની ફિલ્મ ક્ષેત્રની પ્રગતિની વાત સાંભળી. તેઓ બહુ ખુશ થયા. કારણ કે તેઓ પણ ફિલ્મના શોખીન હતા. તેઓ જયારે જામનગરથી મુંબઈ આવ્યા હતા ત્યારે ચંદુલાલને મળ્યા. ચંદુલાલ તેમને પગે લાગ્યો. જામ સાહેબ તેને જોઈ જ રહ્યા. નાનકડો હોંશિયાર છોકરો… અસ્સલ જેસંગભાઈ જેવો જ દેખાતો હતો! તેમને મનમાં આનંદ થયો. તેમણે જામનગરમાં તેના માતા-પિતાની વાતો કરી. જયારે ફિલ્મોની વાત નીકળી ત્યારે ચંદુલાલે દાણો દાબી જોયો, ‘બાપુ, ફિલ્મો તો મારો સહુથી ગમતો શોખ છે, મેં ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. પણ બાપુ, મને એક વિચાર આવે કે આપણો પોતાનો સ્ટુડિયો હોય તો કેવી મોજ પડે?’ જામ સાહેબ આ સાંભળી ખુશખુશાલ થઇ ગયા. તે કહે, ‘તો કરને તારો પોતાનો સ્ટુડિયો…!’
ચંદુલાલે કહ્યું, ‘પણ બાપુ…’
બાપુ સમજી ગયા, ‘હું બેઠો છું ને પછી તારે શેની ચિંતા, જયારે જેટલા રૂપિયાની જરૂર હોય તે મને જણાવજે, મોકલી દઈશ…બોલ બીજું કાંઈ?’