ભેજાફ્રાય કે આપણી ભાષાની કમાલ! – હર્ષદ દવે 12
અખો કહે છે, ‘ભાષાને શું વળગે ભૂર?’ બાય ધ વે ‘ભૂર’ એટલે શું તેની બહુ ઓછાને ખબર હશે. તેનો અર્થ છે : મૂર્ખ, લુચ્ચું. પણ તેનો સુરતી અર્થ છે ‘નામશેષ’. એ ઉપરાંત તેનો અર્થ છે ઘણું કે વધારે!
મને ભાષા પ્રત્યે પ્રેમ છે. ભલે પછી તે ગુજરાતી હોય કે હિન્દી કે પછી અંગ્રેજી. આજે અહીં ભાષા વિષે સાવ નવી જ વાત કરવી છે.
જો તમે તમારા મગજને સ્વસ્થ અને સતર્ક રાખવા ઈચ્છતા હો તો હિન્દી ભાષાનો ઉપયોગ કરો. આપણા દેશના વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ અંગ્રેજી ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા બોલવાથી મગજ વધારે તંદુરસ્ત રહે છે. નહીં, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે કે મને તેના પ્રત્યે આકર્ષણ છે માટે હું આ નથી કહેતો.