આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)


પ્રકરણ ૮ – વિસ્મયજનક પ્રતિભા !

અંબી દિવસે દિવસે મોટી થતી જતી હતી. મહાનામન વૈશાલીમાં અંબારા ગામેથી ફરી વૈશાલીમાં આવ્યા પછી તો જાણે હંમેશાં વિચારોમાં જ ખોવાયેલા રહેવા લાગ્યા. સુદેશા પણ અંબી સાથે જાણે અંબી જેવડી થઇ ગઈ હતી. હવે તેને કંટાળો આવતો નહોતો, હવે તેને પહેલાં જે થાક લાગતો હતો તે પણ લાગતો ન હતો. જાણે અંબીનાં સ્વરૂપે તેને નવજીવન મળ્યું હતું.

સામંત મહાનામન વિચારતો કે અંબી ગજબની છે. તેની પ્રજ્ઞા જોઈ તેના આચાર્ય પણ વિસ્મિત થઇ જતા. જે શીખવો તે તેને એકવારમાં જ કંઠસ્થ થઇ જતું. તે પોતાની મેધા દર્શાવતી ત્યારે તો બધા નવાઈ પામી આશ્ચર્યમાં ગરકાવ થઇ જતા. વિદ્યા ગ્રહણ કરવામાં તે અજોડ હતી. તેના લટકાં મટકાં અને કિશોરાવસ્થામાં પગલાં પડતી તેની અવસ્થા તેને એક ઘડી પણ પગ વાળીને બેસવા ન દેતી. તે સતત સક્રિય રહેતી હતી. સંસ્કૃત જાણે તેને ગળથૂથીમાં મળ્યું હોય તેમ બોલતી. તે મધુર સ્વરે…’શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ…’ ગાતી હોય ત્યારે કે ‘શ્રીરામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય દારુણં નવકંજ લોચન…’ ગાતી હોય ત્યારે જાણે ભાવસભર બની જતી. તેની બંધ આંખોમાંથી આનંદધારા વહેવા લાગતી. તે ચિત્રકળામાં પણ કુશળ હતી. તે અશ્વોને પણ કુશળતાથી કાબૂમાં રાખી શકતી હતી. ઘરકામમાં પણ તે સુદેશાને એટલી મદદ કરતી હતી કે સુદેશાને ક્યારેય એવો ખ્યાલ પણ ન આવતો કે આ તેની પાલકપુત્રી છે.

આમ્રપાલી – પુસ્તક કવર ચિત્ર : રેના મિસ્ત્રી

સુદેશા પણ મનને મૂંઝવતા વિચાર વિષે તેણે મહાનામનને કહ્યું, ‘ઘણીવાર મને વિચાર આવે છે કે આપણી અંબી આટલી હોંશિયાર છે અને હવે તે મોટી થતી જાય છે પણ તેને યોગ્ય પાત્ર મળશે કે નહીં?’ 

મહાનામન કહે, ‘મને પણ સતત એ જ વિચાર આવ્યા કરે છે કે, ‘એ કોણ ભાગ્યશાળી યુવક હશે કે જેના હાથમાં આપણે આપણી અંબીનો હાથ આપશું? તે કેટલી વિચક્ષણ અને બુદ્ધિશાળી છે. તેના માટે યોગ્ય પાત્ર વૈશાલીમાં તો શું સમગ્ર મગધમાં પણ મળવું મુશ્કેલ છે.’

સુદેશાએ જ કહ્યું, ‘આપણે ખોટી ચિંતા કરીએ છીએ. ભગવાને તેને લાયક કોઈ રાજકુંવર નક્કી કર્યો હશે. સમય આવ્યે સહુ સારા વાના થઇ રહેશે.’

મહાનામન કહે, ‘સમય? સમય તો હવે આવી ગયો…જો ને તે શ્રદ્ધાળુ પણ કેટલી છે! મંદિરે જઈ વ્રત પણ કેટલી ભક્તિભાવથી કરે છે. પણ મેં સાંભળ્યું છે કે તેને જોવા માટે લોકો મંદિરે અને રસ્તામાં તેની પાછળ પાછળ જવા લાગ્યા છે…’

સુદેશા કહે, ‘હા, પડોશીઓ પણ કહેતા હતા કે અંબીને ઈશ્વરે કેટલી રૂપાળી બનાવી છે! યુવકો તો તેની પાછળ ઘેલા થઇ ગયા છે… અને તે ય એક-બે નહીં…વૈશાલીના બધા યુવકો…બ્રાહ્મણો અને આચાર્યો પણ કહે છે અંબી તો દેવીનો અવતાર છે. તમે તેને કેવા સરસ સંસ્કાર આપ્યા છે કે તે આટલી સુશીલ અને સંસ્કારી બની છે. તે સદાય પ્રસન્ન રહે છે…અને કોઈને મુશ્કેલીમાં જુએ કે તરત તેને મદદ કરવા દોડી જાય છે. તે સુકન્યાને ભણવામાં પણ મદદ કરે અને વયોવૃદ્ધ જમનામાસીને પાણી ભરવામાં પણ મદદ કરતી હોય…તે હસીને સહુને મદદ કરે એટલે કોઈને સંકોચ પણ ન થાય.’

‘તમે તપાસ કરજો, આપણી અંબીને લાયક મુરતિયો મળી જાય તો એના હાથ હવે પીળા કરી દેવા જોઈએ.’

‘હા, તારી વાત સાચી છે.’ કહેતા કહેતા મહાનામન ઊંડા વિચારમાં ખોવાઈ ગયા. સુદેશા પણ વિચારવા લાગી કે ‘અંબી સાસરે જતી રહેશે પછી…?’


ગણપતિ અને સમગ્ર સંથાગાર રક્ષકની વાત સાંભળી ચોંકી ગયા. લિચ્છવીઓને આ શું થઇ ગયું છે? આવું તો આ પહેલા ક્યારેય થયું નથી. એક યુવતીને લીધે આટલી બધી અવ્યવસ્થા? જે લિચ્છવીઓની એકતા, સંપ, બહાદુરી અને યુદ્ધ કૌશલ્યથી કોઈ વૈશાલીની સામે નજર પણ કરી શકતું ન હતું તે લિચ્છવીઓની આ દશા? સંથાગારને આ પરિસ્થિતિથી અજાણ કેમ રહી ગયું? ગણપતિએ રક્ષકને પૂછ્યું, ‘આ વાતની જાણ તે અમને કોઈને પહેલા કેમ ન કરી?’

તેણે શરમાઈને કહ્યું, ‘મને માફ કરો, હું પણ તેને જોવામાં મગ્ન થઇ જતો હતો, મને ખ્યાલ જ ન રહ્યો, આજે હું ભીડને કાબૂમાં રાખી ન શક્યો. એક જણની હત્યા થઇ ગઈ અને મામલો બહુ ગંભીર બની ગયો. એથી જ મારે આપની સમક્ષ આવવાનું થયું.’

ગણપતિએ સંથાગારને વિખેરી નાખ્યું અને તેઓ પોતાના કક્ષમાં જઈને અકળાતા આંટા મારવા લાગ્યા. થોડા ગણનાયકો તેમની પાછળ ગયા. ખંડમાં નીરવ શાંતિ, સહુ ચુપ. એક શાણા મંત્રીએ ધીરે રહીને કહ્યું કે તપાસ કરાવો કે તે કોની પુત્રી છે, તેનાં માતા-પિતા કોણ છે. દિશા મળી. પણ બધાનાં મનમાં વિચાર ઘોળાવા લાગ્યો કે એવું તો શું છે તેનામાં, આપણે એકવાર તો તેને જોવી જોઈએ! આપણા રાજ્યમાં આટલું રૂપ અને આપણને જ તેની ખબર નથી! વૈશાલી આખું નિદ્રાધીન હતું પણ ગણપતી અને મંત્રી રાક્ષસની આંખોમાં નિદ્રા ન હતી. તેમના મનમાં ઘૂમરાતી હતી નવી આંધી, નવો પ્રશ્ન, નવું તોફાન…

ગુપ્તચરે તપાસ કરીને માહિતી આપી કે,’તે યુવતી આપણા ભૂતપૂર્વ સામંત મહાનામન અને સુદેશાની પાલકપુત્રી છે, બધા તેને અંબી કહે છે. કોઈએ તેને આમ્રકુંજનાં એક આંબાનાં વૃક્ષ હેઠળ ત્યજી દીધી હતી. તે સર્વાંગી, કુશળ, ચતુર, બુદ્ધિમાન અને રૂપવતી છે. તેના રૂપ પાછળ વૈશાલીના બધા યુવકો પાગલ બન્યા છે. તેનું રૂપ વૈશાલીના ભવિષ્ય માટે અનિષ્ટકારી બની શકે તેમ છે. તેનાથી વૈશાલીની એકતા ટકી નહીં શકે તેવી દહેશત છે. વૈશાલીમાં તેની તોલે આવે એવી એક પણ યુવતી નથી. તેથી તેને પામવા માટે વૈશાલીમાં મોટું આંતરિક ગૃહ-યુદ્ધ થવાની શક્યતા પણ છે.’

જે લિચ્છવીઓ સવારથી કામકાજમાં લાગી જતા તેમણે હવે કામ કરવાનું બંધ કરી દીધું છે. આખો દિવસ અમ્બીના નામની માળા જપતા રહે છે અને તેની પાછળ પાગલની જેમ ભટકતા રહે છે. તેઓ માનસિક રીતે પણ નબળા થઇ ગયા છે. ટોળામાં અફવા ફેલાવતા રહે છે કે ‘મારું વેવિશાળ તેની સાથે નક્કી થઇ ગયું છે!’ તેની સામે બીજા યુવકો રોષ પ્રગટ કરીને મારામારી કરે છે. આપણા નગરને આ શું થઇ ગયું છે તેની સમજ જ નથી પડતી.’

ગણપતિ અને મંત્રી રાક્ષસે નક્કી કર્યું કે આવતીકાલે તેઓ મહાનામનને ઘરે જશે. બંનેને રાતભર ઊંઘ ન આવી. બંનેએ પોતાનું લોહી-પરસેવો એક કરીને વૈશાલીને સશક્ત કર્યું હતું. તેમાં નવા પ્રાણ પૂર્યા હતા. તેને મહાન, અજેય અને અભેદ્ય એવું રાષ્ટ્ર બનાવ્યું હતું. તેમાં સમૃદ્ધિની રેલમછેલ હતી. શું આ એક યુવતીને કારણે એ વૈશાલીનું પતન થશે? નિયતિ કોણ જાણી શક્યું છે?


બીજે દિવસે પ્રથમ પ્રહરે, બંને જણા વેશપલટો કરીને મહાનામનને ઘરે પહોંચી ગયા. ત્યાં જઈને તેમણે જે જોયું તેથી તેઓ અવાચક બની ગયા. સાવ નાનું ઘર, વૈશાલીના ભવ્ય મહાલયો સામે ખાસ કાંઈ ન ગણાય. પણ ક્યાંકથી આવતા મંત્રોનો આવાજ…! એક અલગ જ વાતાવરણ…ઘંટડીનો રણકાર…શાંતિ અને શીતળતા ગૃહશોભાનો શણગાર હતો. આંગણે રંગોળી પૂરતી એક યુવતી…આસોપાલવ અને આંબાનાં પર્ણોનાં તોરણો દરેક ખંડના દ્વારે લટકતાં હતા. પવિત્ર સુગંધ સર્વત્ર વ્યાપ્ત હતી. ઘરમાં પ્રવેશતા જ બંનેની રાતભરની અજંપાભરી અકળામણ અદૃશ્ય થઇ ગઈ. અનુપમ શાંતિની અસર તેમનાં મન પર થઇ. તેઓ ચકિત થઈને અંબીને જોતાં જ રહી ગયા.

તેઓ તેમના પરથી નજર ખસેડી શકતા ન હતા. મૃદુ પાતળાં સ્નિગ્ધ હોઠ પરથી સહજતાથી સરતાં શ્લોકો…એ મૃદુલ સ્વરભાર…એ અંગમરોડ…એ છતાં, મસ્તક પરથી મુખને ચુમતી એ અલકલટ…કોમલ અંગુલિ મુદ્રા અને એ તલ્લીનતા એવી હતી કે તેને અતિથિના આગમનની જાણ જ ન થઇ.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....