આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૦) 2


પ્રકરણ ૨૦ : દેવેન્દ્ર માયા-મહેલમાં અને રાક્ષસ મગધમાં

અમાત્ય રાક્ષસ વર્ષકાર પાસે આવ્યો. વાતચીત કર્યા બાદ વર્ષકારે સામે ચાલીને રાક્ષસને મગધ જઈને ત્યાની ગતિવિધિનું અવલોકન કરવાનું કહ્યું. તેણે એમ પણ કહ્યું કે તેનો એક ગુપ્તચર તેને જુદા જ રસ્તેથી મગધ લઇ જશે. તે તેને મગધના શસ્ત્રાગારમાં પણ લઇ જશે. આ બધી વ્યવસ્થા ગુપ્ત રીતે જ થશે. ત્યાં જઈને જોવું વધારે સારું છે.

રાક્ષસને તેની વાતમાં તથ્ય લાગ્યું તેથી તેણે હિંમત કરીને વર્ષકારની વાતનો સ્વીકાર કર્યો. વર્ષકાર આ રીતે રાક્ષસનો વિશ્વાસ સંપાદન કરવા માંગતો હતો. કારણ કે તેના હાથમાં જે મહત્વના વિભાગો હતા તેમાં પોતાના માણસોને ગોઠવવા હોય તો રાક્ષસની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા જ પડે તેમ હતું.

આમ્રપાલી

વર્ષકાર અને રાક્ષસની યોજના મુજબ મગધનો ગુપ્તચર રાક્ષસને લઇ વેપારી વેશમાં મગધ પહોંચી ગયો. તે ગુપ્તચરને ત્યાં જ ઉતર્યો હતો. કોઈને શંકા ન જાય એવું એ સ્થળ હતું. મગધનું સમાજજીવન જોયા પછી તેના વૈભવની રાક્ષસને ઈર્ષ્યા આવી. અહીં તો જ્યાં જુઓ ત્યાં બસ ધનનું જ મહત્વ દેખાતું હતું. બધા ધન-દોલતની જ વાતો કરતા હતા. અમુક રાજનીતિમાં રસ ધરાવતા અને વગ ધરાવતા લોકો પોતાના ભવ્ય ભૂતકાળને વાગોળતા અને તેમાંથી પ્રેરણા લઇ ભવિષ્યમાં કાશી, કોશલ અને વૈશાલીને હરાવીને તે બધાને મગધમાં ભેળવી દેવાની વાતો કરતા હતા. 

મગધમાં ઠેર ઠેર લુહારો અસ્ત્ર-શસ્ત્ર, ઓજારો અને આયુધો બનાવવામાં રત હતા. ત્યાના અન્ન અને ધન ભંડારો છલોછલ હતા જે સૈન્યને પુરવઠો પૂરો પાડતા હતા. બધા એવી તૈયારી કરતા હતા કે જાણે એક-બે દિવસમાં જ યુદ્ધે ચડવાનું હોય! આવી તૈયારી જોઇને રાક્ષસને નવાઈ લાગી કે આ લોકો પણ ખરા છે, પ્રજા પણ કેવાં સ્વપ્નાં જુએ છે! અને માત્ર સ્વપ્નાં જુએ છે એવું જ નથી, તેને સાકાર કરવા માટેના તેમના પ્રયત્નો અને તૈયારી જોઇને તેના મનમાં થોડી ચિંતા પણ થવા લાગી. તે ગુપ્તવેશે એક દિવસ રાજ દરબારમાં પણ ગયા. તેને હતું કે દરબારમાં તેને બિંબિસાર જોવા મળશે પરંતુ ગાદી પર અજાતશત્રુ બેઠો હતો. કોઈ બિંબિસારનું નામ સુદ્ધાં લેતું નહોતું. સર્વત્ર અજાતશત્રુ છવાઈ ગયો હતો. રાક્ષસે સાંભળેલી અફવા એવી હતી કે અજાતશત્રુએ બિંબિસારને એટલે કે પોતાના પિતાને જ કેદ કર્યો છે અને કોઈને તેને મળવા જવા દેવામાં આવતા નથી. અજાતશત્રુની પ્રતિભા એક મહાન યોદ્ધા જેવી લાગતી હતી. મગધની પ્રજા એકંદરે સુખી લાગતી હતી. સમૃદ્ધિ પણ એવી જ હતી. સામાજિક જીવન પણ સ્વસ્થ હતું. જો કે વૈશાલીની માફક અહીંનાં સમાજ-જીવનમાં પણ સામાજિક દૂષણો જેવા કે જુગારખાના, દારૂના પીઠાં, ગણિકા આવાસો જેવા વિસ્તારો પણ હતા. એ સમયે દારુ-જુગાર અને ગણિકા સમાજમાં બહુ સામાન્ય બાબત ગણાતી હતી. ગણિકા-ગમન ઘરના સભ્યો માટે વિરોધની બાબત ન હતી. એટલે સમાજનો રિવાજ હોય તેમ તેવું બધું સહુએ  સ્વીકારી લીધું હતું. સમાજમાં એ અંગે ચર્ચાઓ પણ ખુલ્લેઆમ થતી. અને સમાજમાં તેનું એક વિશિષ્ટ સ્થાન હતું.

કુતૂહલ ખાતર રાક્ષસ એક ગણિકા-ભવનમાં પણ ગયો. ત્યાં જઈને જોયું તો ત્યાંની ગણિકા વધારે રૂપમતી, વધારે ઠસ્સાદાર અને ઓછી મુદ્રાઓમાં પ્રાપ્ય હતી. પ્રજામાંથી શ્રેષ્ઠીઓ, સામંતો અને અમાત્યો પણ અહીં આવવામાં છોછ અનુભવતા ન હતા. મગધમાં દારુ પણ વધારે સારી જાતનો અને સસ્તો મળતો હતો!


ગણપતિએ માયા-મહેલમાં આમ્રપાલી સાથે દેવેન્દ્રની પહેલી મુલાકાત ગોઠવી. આમ્રપાલીએ સારો એવો વિચાર કરીને મુલાકાત માટે સંમતિ આપી હતી. હવે તે થોડી ઘડાઈ ગઈ હતી.

હજી દેવેન્દ્રે આમ્રપાલીની બીજી શરતોમાંથી અને ચિકિત્સકીય કસોટીમાંથી પસાર થવાનું હતું. અત્યારે તો તેણે આમ્રપાલીને ફક્ત મળવા જ જવાનું હતું. પરંતુ તેની અધીરાઈ ઘણી વધી ગઈ હતી. તે વિચારવા લાગ્યો કે અત્યાર સુધી તો તેણે આમ્રપાલીને ફક્ત દૂરથી જ જોઈ હતી. હવે તે તેને નજીકથી જોઈ શકશે. તેની સાથે વાત કરી શકશે. તે મનમાં ને મનમાં તેની સાથે સંવાદો વિષે વિચારતો હતો. પોતાની ઓળખ કેવી રીતે આપવી. તે વિચક્ષણ અને હોંશિયાર છે. તેના સવાલો વેધક હોય છે. પોતે વાત કરતી વખતે બહુ સાવધાની રાખવી પડશે. શું હું આમ્રપાલીને સ્પર્શ કરી શકીશ? મારે મારા પ્રેમની અભિવ્યક્તિ કેવી રીતે કરવી? આવા કૈંક વિચારો તે કરતો હતો.


કોઈ શ્રેષ્ઠીએ એક કોટિ મુદ્રાઓ આપીને આમ્રપાલીને પ્રાપ્ત કરી લીધી છે એ સમાચાર વૈશાલીમાં વાયુવેગે ફેલાઈ ગયા. યુવાનોએ આ શુભ સમાચારને હર્ષથી વધાવી લીધા. કારણ કે શરતો અનુસાર હવે પછીથી જે કોઈ આમ્રપાલીને પામવા ઈચ્છે તો તે દેવીને દશ સહસ્ત્ર મુદ્રામાં પામી શકશે. ઘણા ખમતીધર માતા-પિતાના યુવાન લિચ્છવીઓ વધારે વિનયી અને વિવેકી બનવાનો પ્રયત્ન કરવા લાગ્યા. બીજા યુવકો મહેનત કરીને વહેલામાં વહેલી દશ સહસ્ત્ર મુદ્રાઓ કેવી રીતે એકત્રિત કરી શકાય અને તે માટે જે કાંઈ મહેનત કરવાની જરૂર હોય તે કરવામાં વ્યસ્ત થઇ ગયા. આમ વૈશાલી આળસ ખંખેરીને બેઠું થયું અને ફરીવાર ધમધમતું થઇ ગયું!

રાજના કોશમાં એક કોટિ મુદ્રાઓ જમા કરાવનાર ગણપતિએ પૂરા માન-સન્માન અને આદરપૂર્વક આ વિશિષ્ટ અતિથિ દેવેન્દ્રને ખાસ રથમાં માયા-મહેલ પાસે આવેલા અતિથિ ભવન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. આમ્રપાલીએ પોતાને મળવા આવનાર મુલાકાતીઓ માટે એક ખાસ અતિથિ ભવન માયા-મહેલની બિલકુલ પાસે જ બનાવડાવ્યું હતું. સમય થતા દેવેન્દ્ર વરરાજાની જેમ બનીઠનીને અતિથિભવનની બહાર આવ્યો. ન જાણે ક્યાંથી એક સુંદર સુગંધ તેની આસપાસ ફરી વળી. અને તેની સામે એક શણગારેલી પાલખી આવીને ઊભી રહી ગઈ. મજબૂત બાંધાના ચાર કદાવર ભોઈએ પાલખી ઉઠાવી હતી. અમુક સેવક અને સેવિકાઓ પાલખીની પાસે જ ધૂપ-સુગંધ સાથે ચાલતા હતા. દેવેન્દ્ર જાણે આમ્રપાલીને પરણવા જતો હોય તેમ વરઘોડા જેવો રસાલો માયા-મહેલ પાસે આવી ગયો.

સુંદર દેખાતી ગણિકા ધનિકા અને વિશાખાએ શ્રેષ્ઠી દેવેન્દ્રનું નમ્રતાથી સ્મિત સહિત સ્વાગત કર્યું. દેવેન્દ્ર ઘડીભર વિશાખાને જોતો રહી ગયો. આ સ્ત્રી આટલી સુંદર લાગે છે તો આમ્રપાલી અત્યારે કેટલી સુંદર દેખાશે એ વિચારી રહ્યો.

ધનિકાએ વિવેકથી દેવેન્દ્રની સામે જોયું અને તર્જનીથી સંકેત દર્શાવી વિશાખાની ઓળખ કરાવતા કહ્યું, ‘પધારો શ્રેષ્ઠીજી, આ વૈશાલીની શ્રેષ્ઠ અનુભવી ગણિકા વિશાખા એ જ દેવીને વિભૂષિત કરી છે.’ વિશાખાએ પણ સલજ્જ સ્મિત સાથે પોતાનો પરિચય દેવી આમ્રપાલીની સહયોગી સેવિકા તરીકે આપ્યો. અવિવેક લાગશે એ ભયથી દેવેન્દ્રે પોતાની દૃષ્ટિ વિશાખા પરથી હટાવી માયા-મહેલ પર ઠેરવી.

એમ કહેવાતું કે જે કોઈ પહેલીવાર આ માયા-મહેલને જુએ તે સ્વપ્નલોકમાં સરકી જાય. દેવેન્દ્ર મહામુશ્કેલીએ પોતાને જાગ્રત રાખી શક્યો. શું વિશાળતા હતી આ માયા-મહેલની! વિવિધ વાસંતી રંગોનો ઉપયોગ કેમ કરાય અને કલ્પનાલોક કેવી રીતે સર્જી શકાય તેનું આબેહૂબ સ્વરૂપ અહીં તેની સામે ખડું થયું હોય તેમ લાગ્યું. આંતરિક સુશોભન, શિલ્પ કૌશલ્ય અને સુગંધ, જળ અને રંગનું સંયોજન અપ્રતિમ હતું. જલકુંડો, જૂઈ-ચમેલીની વેલો પરનાં ઝૂલા, ઉપવન સૌન્દર્ય માયા-મહેલના નામને સાર્થક કરતા હતા. જરા આગળ વધતા એ કલાત્મક ઝુમ્મરો, રાચ-રચીલામાં પણ ઉત્તમ કલાનાં દર્શન થતા હતા. દેવેન્દ્ર પોતાના વેપારમાંથી નવરો પડતો ત્યારે તેનો કલારસિક જીવ કલામાં ઓતપ્રોત થઇ જતો. અત્યારે પણ તે એવી અવસ્થામાં આવતો જતો હતો. જ્યાં દૃષ્ટિ પડે ત્યાં કલાનું અજબ પ્રદર્શન જોવા મળતું હતું.

ઉમદા સ્વાગત, અદભુત વાતાવરણ જોઇને તેના વેપારી સ્વભાવને લીધે તેના મનમાં ઝડપથી એક વિચાર ફરકી ગયો કે એક કોટિ મુદ્રાની આની સામે કોઈ તુલના જ ન થઇ શકે. તેણે જે આસન ગ્રહણ કર્યું હતું તે પણ મયૂરાસનની શૈલીનું સુંદર સર્જન હતું.

દેવેન્દ્ર કલારસિક જીવ હતો એટલે જ તે માયા-મહેલનું બારીકાઈથી અવલોકન કરતો હતો. જયારે એક સેવિકાએ દેવી આમ્રપાલી હમણાં જ અહીં આવશે તેમ કહ્યું ત્યારે તે પોતાની સ્વપ્નસૃષ્ટિ જેવી વાસ્તવિકતામાંથી બહાર આવ્યો.

આમ્રપાલીના પ્રવેશ સાથે જ એક અલૌકિક વાતાવરણ સર્જાયું. સર્વત્ર માદક અને શીતળ સુગંધ પ્રસરી ગઈ જે પહેલાની સુગંધ કરતાં અનેરી હતી.

પ્રકાશના અનેકવિધ આવર્તનોની અવનવી સૃષ્ટિ વચ્ચે નયનોને તૃપ્ત કરતું એ અનુપમ સૌન્દર્ય. સ્વર્ગીય ઐશ્વર્યની સામ્રાજ્ઞીએ જાણે સાક્ષાત દર્શન દીધાં હોય તેવી અનુભૂતિ. સૌન્દર્યને મુગ્ધ મર્યાદામાં વિનમ્રતાથી સાચવતો હોય તેવો કંચુકીબંધ. પારદર્શક અસીમ સૌન્દર્યને શરમાઈને પ્રસ્તુત કરતો અલંકારોનો શૃંગાર, નિતાંત નવીનતા ધારણ કરતો શુભ્ર, સપ્રમાણ દેહબંધ, નિર્ભય મતવાલી મૃગલી શી ચાલે તેનો મૃદુ પ્રવેશ…અને દેવેન્દ્ર સદેહે સ્વર્ગલોકમાં આવી ગયો હોય તેમ અપલક નેત્રે રતિના અવતાર સમી આ કામિનીને જોઈ રહ્યો…

આમ્રપાલીને માયા-મહેલના સ્વાગત કક્ષમાં અતિથિનાં પ્રવેશની જાણ થઇ તે પહેલા તેણે અતિથિ વિષે પ્રાથમિક વિગત મેળવી લીધી હતી. તેનો દેખાવ, તેનો દેશ-વેશ, તેનું પ્રયોજન, તેનું કાર્યક્ષેત્ર વગેરે વિષે તે જાણી ચુકી હતી. તેના મનમાં અજ્ઞાત સ્પંદનો ઝંકૃત થવા લાગ્યા હતા. તેણે ગુપ્તપણે દેવેન્દ્રનો મોહક દેખાવ, પ્રસન્ન મુખમુદ્રા, સ્વસ્થ, સશક્ત અને સ્નાયુબદ્ધ શરીર પણ જોઈ લીધાં હતા. તેની તીવ્ર બુદ્ધિ અને તીક્ષ્ણ દૃષ્ટિમાં એ યુવક વસી તો ગયો પણ એ ત્રિવેન્દ્રમનો (કોચીન પાસે ત્રાવણકોરનો  વિસ્તાર કે જે અત્યારે થીરુવનંથપુરમ તરીકે ઓળખાય છે) વેપારી છે તે વાત તેને ગળે ઉતરતી નહોતી. છતાં તે અભિસારિકા બનીને પોતાના પ્રિયતમને મળવા આવી હોય તેમ પ્રવેશી.   

‘સ્વાગતમ દેવેન્દ્ર…’, જયારે એ શબ્દો મંજુલ સૌમ્ય સૂરમાં તેના કાન વાટે તેના મનોમસ્તિષ્ક સુધી પહોંચ્યા ત્યારે જ તે હોશમાં આવ્યો. તેની વાચા હરાઈ ગઈ હતી. તે સૂધબૂધ ગુમાવી બેઠો હતો.

આમ્રપાલીને થયું આવું દેહ-સૌષ્ઠવ, આવી તંદુરસ્તી, તામ્રવર્ણ, આરસ-પહાણમાં કોતરેલું હોય તેવું સ્નાયુબદ્ધ શરીર, વેપારી હોવા છતાં કોઈ યોધ્ધાને શોભે તેવી વેશભૂષા, વાંકડિયા વાળ, સ્થિરતા અને ધીરતાનો સમન્વય. આ પુરુષ લિચ્છવી તો નથી જ. તે વેપારી પણ નથી લાગતો. કોણ હશે? પોતાને માટે આટલી મોટી રાશિ આપનાર કોઈ સાધારણ વ્યક્તિ ન હોઈ શકે. આટલો વૈભવ અને આટલું સુંદર શરીર, જાણે કામદેવનો અવતાર!

યૌવન હૈયાં, મદહોશ કરે તેવો અફલાતુન માહૌલ અને સંગીતના આછેરા, દૂર દૂરથી આવતા હોય તેવા ધીમા મંદ્રના કોમલ સૂર…

આમ્રપાલી દેવેન્દ્રની સામે ક્યારે બેસી ગઈ તેની તેને પોતાને પણ જાણ ન થઇ. ક્યારે વિશાખા અને ધનિકા ત્યાંથી સરકી ગયા તેની પણ બંનેમાંથી કોઈને સૂધ ન રહી. બંને અવશ થઇ ગયા, એક તારામૈત્રક રચાઈ ગયું…

મૌન મનોભાવોને છુટ્ટોદોર મળ્યો…! બંને વચ્ચે આ અશબ્દ ભાષામાં વાર્તાલાપ થતો રહ્યો…કોઈ જુએ તો એમ જ લાગે કે શું બોલવું તેની કોઈને સમજ પડતી નહીં હોય માટે એકબીજા સામે જોઈ રહ્યા છે! કદાચ એવું જ હશે…ક્યાં સુધી આ અવસ્થા રહેશે!

અંતે દેવેન્દ્રની ચેતનાએ મૌનભંગ કર્યો, ‘હે દેવી, હે રૂપસ્વામિની, હું ત્રાવણકોરનો શ્રેષ્ઠી દેવેન્દ્ર. છેક દક્ષિણભારત સુધી આપની પ્રશંસા સાંભળી હું ચકિત થઇ ગયો. અને એક અજ્ઞાત આકર્ષણથી ખેંચાઈને અહીં સુધી આવી ગયો. મારાં અહોભાગ્ય કે આજે મને આપનાં દર્શન થયાં. મને સંદેહ હતો કે મારી લાંબી વાટ હતી તેથી મારી પહેલાં કોઈ તમારાં દર્શને આવી જાય એ મને મંજૂર ન હતું. તેથી મેં ઈશ્વરને ભાવપૂર્ણ હૃદયે અનુરોધ કર્યો હતો  કે સહુ પ્રથમ મને જ આપનાં દર્શન કરવા મળે. મારી સાચા હૃદયની પ્રાર્થના દેવાધિદેવે સ્વીકારી તેનો મને અનહદ આનંદ છે. દેવી, આ પ્રભુનો સંકેત છે અને હું નસીબદાર છું…!’ અચાનક દેવેન્દ્રને ખ્યાલ આવ્યો કે તે એકધારો બોલ્યા કરે છે, આમ્રપાલી મધુર સ્મિત ફરકાવતી નિ:શબ્દ છે…અને તે જરા ઝંખવાઈને ચુપ થઇ ગયો.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૦)

    • hdjkdave

      આભાર.
      આપને અનુકૂળતા હોય તો નિરાંતે આ પહેલાના હપ્તાઓ શરૂઆતથી વાંચવા અનુરોધ છે. મોટેભાગે રવિવારે પ્રકાશિત થતા પ્રકરણોમાં તમને ખૂબ જ મઝા આવશે એવું મારું માનવું છે. અને પહેલું પ્રકરણ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ડૉ. બિપીન આશર દ્વારા પ્રસ્તાવના તરીકે પ્રસ્તુત થયું છે એ પણ ચૂકવા જેવું નથી!