આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૨) 2


પ્રકરણ ૨૨ : વૈશાલી, કાશી અને કોશલ

કાશી અને કોશલ વચ્ચે વૈમનસ્ય વધતું જતું હતું એ વાત આર્યાવર્તમાં સર્વત્ર ફેલાઈ ગઈ હતી. કોઈ નમતું જોખવા તૈયાર ન હતું. મગધ મધ્યસ્થી કરવા તૈયાર હતું. દેખીતી રીતે બિંબિસારે પ્રયત્નો કરવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું. પરંતુ ખરેખર જોઈએ તો બિંબિસાર નહોતો ઈચ્છતો કે બંને વચ્ચે સંધિ થાય!

કારણ કે જો કાશી અને કોશલ એક થઇ જાય તો મગધને ભારે પડે તેમ હતું. તે ઈચ્છતો હતો કે ભલે તેમની વચ્ચે યુદ્ધો થતાં રહે! યુદ્ધોને લીધે બંને રાજ્યોની આર્થિક સ્થિતિ કાયમ કથળેલી રહેતી. તેઓ સમૃદ્ધ થઇ શકતા ન હતા. અને બિંબિસારને વર્ષકાર તરફથી મળેલા સમાચાર મુજબ વૈશાલી પણ અવનવા શસ્ત્રો અને અસ્ત્રો બનાવવાને રવાડે ચડ્યું હતું. આ સમાચાર બિંબિસાર માટે ચિંતાજનક હતા.

વર્ષકાર પોતાની વ્યૂહજાળ પાથરવા લાગ્યો. વૈશાલીની પહેલી પસંદગી અસ્ત્ર-શસ્ત્ર નિર્માણની થઇ ગઈ હતી. વૈશાલીમાં ભારતવર્ષનાં બીજા રાજ્યોમાંથી સેંકડો પંચાલો આવવા લાગ્યા. સારા લુહાર, કુશળ સુથારને વધારે મુદ્રાઓ અને અન્ય પ્રલોભનો આપી વૈશાલીમાં આમંત્રિત કરવામાં આવતા હતા. પંચાલ આકાર અને આકૃતિ નક્કી કરતા, લુહાર તે આકાર મુજબ લોખંડને અસ્ત્ર કે શસ્ત્રમાં ફેરવતાં. સુથાર તેમને સજ્જ કરતાં, તેનો સહેલાઈથી ઉપયોગ કરી શકાય તેવાં બનાવતાં, વધારે ધારદાર અને વધારે સંહારક બનાવતાં.

બહારથી આવતા અને સતત કામ કરતાં યુવકો માટે રાત્રે દારુ અને વારાંગનાઓ અનિવાર્ય  બનવા લાગી. વૈશાલીના યુવાન લિચ્છવીઓને તેઓ રંગીલી અને રસીલી વાતો કરતી હતી. હવે વૈશાલીનું યુવાધન વિલાસ તરફ આકર્ષાયું અને વૈશાલીની ગણિકાઓ વૈશાલીમાં ઓછી પડવા લાગી. પ્રશ્ન જટિલ બન્યો. વર્ષકાર આવીજ પરિસ્થિતિ ઈચ્છતો હતો. તે અન્ય રાજ્યોમાંથી સુંદર ગણિકાઓને આમંત્રિત કરવા લાગ્યો. આમ્રપાલી પણ અનુભવના અભાવે સંમતિ આપવા લાગી. તેને થયું મારા જેવી સ્ત્રીઓનો વિકાસ થાય છે! આમ્રપાલીની સંમતિ મળે એટલે પછી કોઈ કાંઈ બોલે જ નહીં તેવી પ્રથા પડી ગઈ હતી.

દ્રવવું એટલે ગળવું-પીગળવું… તેથી જ જે હાથમાં ન રહે અને સરી જાય તેને ‘દ્રવ્ય’ કહે છે. 

મહેનત કરવાથી લિચ્છવીઓનાં હાથમાં દ્રવ્ય આવવા લાગ્યું. પણ તે ભોગ-વિલાસમાં ખર્ચાઈ જવા લાગ્યું. હવે લિચ્છવીઓ દસ હાજર મુદ્રા એકઠી કરી શકશે કે કેમ તે કહી શકાય તેમ ન હતું. પણ અમુક યુવકોએ દૃઢ નિર્ધાર કર્યો હતો અને તેઓ અડગ ન હતા. અનિષ્ટ ઝડપથી વધી જાય કારણ કે તેમાં લપસી પડવું સહેલું છે. જે વિદેશી ગણિકાઓ વૈશાલીમાં આવી જે વૈશાલીની ગણિકાઓ કરતા વધારે સુંદર, દેખાવડી અને યુવાન હતી અને તેને માટે કીમત પણ બહુ ઓછી આપવી પડતી હતી. ગ્રાહકોની માનસિકતાને પારખી ગયેલા વર્ષકારે સમજીને પહેલેથી જ મગધપતિ પાસેથી આમ કરવા માટે દ્રવ્ય મેળવી લીધું હતું.

એકવાર થયેલા સારા અનુભવને લીધે લિચ્છવીઓ અવારનવાર ગણિકા-ભવનો તરફ વળવા લાગ્યા.

***

અમાત્ય રાક્ષસે કાશી-કોશલનાં લડાઈ-ઝઘડા અને યુદ્ધો વિષે વધારે માહિતી મેળવી. પરંતુ તે પહેલાં જ તેણે વિચારી રાખ્યું હતું કે કાશી-કૌશલ સાથે મિત્રતા કેળવવી જોઈએ. મગધ શક્તિશાળી થતું જાય છે એવે સમયે જો કાશી અને કોશલ આપણા પક્ષે હોય તો વૈશાલી મગધ કરતાં વધારે શક્તિશાળી થઇ જાય. તેણે પોતાનો વિચાર વર્ષકારને જણાવ્યો. વર્ષકારે સમય પારખીને કમને સંમતિ દર્શાવી!

તેઓ બંને વૈશાલીના પ્રતિનિધિ તરીકે કાશી – કોશલ ગયા. કાશી પ્રમાણમાં મોટું હતું, ત્યાં વર્ષકાર ગયા, કોશલ નાનું હતું ત્યાં રાક્ષસ ગયા. બંનેએ નક્કી કરેલા મુદાઓ પર તેમણે તેમને સમજાવવાનું શરુ કર્યું. સારા એવા સમય સુધી સમજાવટ, ભવિષ્યમાં મગધ તરફથી જોખમ ઊભું થવાની  સંભાવના, હારના દુષ્પરિણામો, પ્રજાની ખુવારી, આર્થિક સ્થિતિ બગડે અને એવું ચિત્ર રજૂ કર્યું કે બંને રાજ્યોએ તેમની વાત સ્વીકારવી પડી. બંને રાજ્યો સંધિ કરવા સહમત થયા. એક રીતે જોઈએ તો વૈશાલીના આ   અમાત્યોએ મળીને તેમને સંધિ કરવા માટે ફરજ પાડી એમ કહી શકાય.

વર્ષોથી ચાલી આવતી દુશ્મનાવટનો આ સંધિથી અંત આવ્યો. તેની ઉજવણીના ભાગ રૂપે કોશલ અને કાશી બેટી-વ્યવહારથી જોડાય તે પરંપરા પ્રમાણે જરૂરી હતું. કોશલ રાજકુમારીનું માગું કાશી નરેશે સ્વીકાર્યું. તે વખતમાં કન્યા જોવા જવાનો કે તેને મળવાનો રીઅજ નહોતો. મહત્વ હતું ફક્ત રાજવી કુટુંબનું, રાજવંશનું, તેનાં લોહી અને ખાનદાનનું. બે રાજા વચ્ચે પારિવારિક સંબંધો વિકસાવવા માટે આવા સંબંધોને લીધે તેમની વચ્ચે ઐક્ય સ્થપાઈ જતું અને દુશ્મનાવટનો અંત આવતો. સ્ત્રીઓનું મહત્વ તેઓ તંદુરસ્ત વારસદાર આપે તે જ અપેક્ષા પૂરતું રહેતું. શુભ મુહૂર્ત જોઇને લગ્ન નક્કી થયા. ભારતવર્ષનાં સૌથી જૂના દુશ્મનો વૈશાલીના સંધિ-પ્રયાસોને લીધે વેવાઈ બન્યા. થોડા સમય પછી વર્ષકાર હવે કોશલ ગયા અને રાક્ષસ ગયા કાશી. સંબંધો વધારે મજબૂત થયા. બંનેની ઉપસ્થિતિમાં લગ્ન લેવાયા અને સંબંધ બંધાયો. કોશલ કુંવરી કાશી આવી પહોંચી. આર્યાવર્તમાં શાંતિ સ્થપાઈ. અને વૈશાલીને બે ગણનાપાત્ર મિત્રો મળ્યા. પરંતુ ભાવિના ગર્ભમાં શું હતું તે કોને ખબર હતી…? એ તો આવનારો સમય જ જણાવી શકે…!

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૨)