પ્રકરણ ૧૯ : માયા-મહેલ
આ કથામાં અમાત્ય રાક્ષસનું પાત્ર કદાચ તમને થોડું ઉપેક્ષિત લાગે પરંતુ તેના જેવો કુટિલ, મુત્સદી અને રાજનીતિજ્ઞ બ્રાહ્મણ મળવો મુશ્કેલ હતો. તેની આદત હતી ઓછું બોલવું, કામ વધારે કરવું. તેની જવાબદારી ગુપ્તચર વિભાગ, શસ્ત્રાગાર અને નવા સંશોધનો પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી. વૈશાલી આજે પણ અભેદ્ય હતું તેનું શ્રેય કોઈ એક વ્યક્તિને આપવું હોય તો તે આ અમાત્ય રાક્ષસને આપી શકાય.
વૈશાલીની રાત્રીની, દિવસની સુરક્ષા તેને હવાલે હતી. વૈશાલીની નગર વ્યવસ્થા, દારૂના પીઠાં, જુગારખાના, ગણિકા-આવાસો બધું જ તેના નિયંત્રણ હેઠળ હતું. એ સ્થળોમાં થતી ગુસપુસ, નશાની હાલતમાં બહાર આવતી વિગત ગુપ્તચરો પાસેથી સહુ પ્રથમ આ રાક્ષસને જ જાણવા મળતી. તે ગુપ્તચરોને ખૂબ ખુશ રાખતો અને તેમની મુશ્કેલીમાં બહુ મદદ કરતો. સહુથી વધારે મહત્વની માહિતી સારી સારી ગણિકાઓના આવાસોમાંથી મળતી હતી.
મગધના ગુપ્તચરો તરફથી તેને એક ચોંકાવનારી માહિતી મળી હતી કે રાજા બિંબિસાર અને અજાતશત્રુ વચ્ચેનો ઝઘડો પરાકાષ્ટાએ પહોંચ્યો છે. અજાતશત્રુએ રાજા બિંબિસારને કેદ કરી લીધો છે. હમણાંથી બિંબિસાર રાજ દરબારમાં આવતા નથી. અજાતશત્રુ ધીરે ધીરે મગધ પર પોતાની પક્કડ જમાવતો જાય છે અને તે હવે મગધનો સર્વેસર્વાં બની બેઠો છે. તે બળવાન, સાહસિક, આક્રમક અને યોગ્ય સેનાપતિ છે. અમાત્યે વિચાર્યું કે જો મગધનો રાજા બિંબિસાર ન હોય તો અજાતશત્રુ સાથે પનારો પાડવો મુશ્કેલ બની શકે તેમ છે.
આથી રાક્ષસે વર્ષકારની સલાહ લેવાનું વિચાર્યું. વર્ષકાર મગધનરેશ દ્વારા અપમાનિત થયેલો છે તેથી તેની પાસેથી મગધની જેટલી માહિતી મેળવી શકાય તેટલી મેળવવી જોઈએ અને એ માહિતી વૈશાલીના હિતમાં જ હોય. ભલે વૈશાલી નગર આક્રમણ કરવામાં નથી માનતું પરંતુ સ્વરક્ષણ માટે યુદ્ધ કરવું પડે તો તેને માટે તે સુસજ્જ હતું. તે સચેત રહેવામાં માનતું હતું.
આમ્રપાલી પણ થોડી પરિપકવ થઇ ગઈ હતી. તેનાં પણ સ્વપ્નાં હતાં. તેની પાસે હવે વૈશાલીનો બેશુમાર ખજાનો હતો, માયા-મહેલ જેવો ભવ્ય અને વિશાળ મહેલ હતો. વિશાખા ઉપરાંત અનેક દાસ-દાસીઓ તથા ગણિકાઓ તેમનો પડ્યો બોલ ઝીલવા તૈયાર હતી. તેને કોઈ પૂછનારું ન હતું, તે મરજી મુજબ કરી શકે તેમ હતી. તેણે પોતાની કલ્પના પ્રમાણે માયા-મહેલને નવા રંગરોગાન કરાવ્યા, તેનાં સુંદર સુશોભન સામે ઇન્ર્દ્રલોક પણ ઝાંખો લાગે. માયા-મહેલમાં પ્રવેશતાં કોઈ બીજી જ દુનિયામાં આવી ગયા હોઈએ એવી અનુભૂતિ થાય. માયા-મહેલને દૂરથી જોનારા લોકો પણ ચકિત થઇ જતા. તેમને થતું વૈશાલીમાં જ છીએ કે બીજે ક્યાંક આવી ગયા છીએ. માયા-મહેલની સ્વપ્નનગરીમાં પ્રવેશતાં જ કોઈ અલૌકિક અનુભૂતિ થતી. ચારે તરફ બસ વસંતોત્સવ ચાલી રહ્યો હોય તેવું ઉમંગભર્યું વાતાવરણ, પ્રાકૃતિક રૂપરાશિ, અતુલનીય સૌન્દર્ય. કોયલ અને મોરના મધુર ટહુકા અને અન્ય પંખીઓનો કલરવ માયા-મહેલને એક નવું જ પરિમાણ આપતાં હતા. એ કલરવ પણ માયા-મહેલના સુશોભનનો એક અંશ હોય તેવું લાગે. મહેલનાં મુખ્ય દ્વાર પાસે પહોચતા સુધીમાં તો સુગંધિત ફુવારાની આછેરી ભીનાશથી શારીરિક અને માનસિકપણે તરબતર થઇ જવાય. અને મહેલની ભીતર આવતાં જ અનેરાં શિલ્પો, હળવાં કર્ણપ્રિય સંગીતનાં સૂરો, સેવિકાગણની સ્મિતસભર સરભરાથી આગંતુક પ્રસન્ન થઇ જાય. તેને એમ લાગે કે તે જાણે રાજાના રંગમહેલમાં આવી ગયો છે. આમ્રપાલીએ જેમ સોળે શણગાર સજ્યા હતા તેમ આ માયા-મહેલે પણ જાણે સોળે શણગાર સજ્યા ન હોય!
આમ્રપાલીનાં દર્શન માયા-મહેલમાં આવતાંની સાથે ન જ થાય ને! પરંતુ તેની દાસીઓ, ગણિકાઓ અને રૂપસુંદરીઓ એટલી નમ્રતાથી ઝૂકીને, હસીને આવકારે કે આગંતુકના મનની દ્વિધા અને ચિંતા દૂર થઇ જાય. મનનો ઉકળાટ ઠરી જાય. તેનો થાક ગાયબ થઇ જાય અને બધું ભૂલી જાય.
અંદર પ્રવેશ થાય ત્યારે એમ લાગે કે આપણે અંદર આવી ગયા. પરંતુ બહાર કરતાં પણ અંદર મોટાં હોજ અને ધોધની રચના એવી કે કુદરતી લાગે. વિશાળ ઉપવનો, ઉદ્યાનો, વાટિકાઓ અને વિથીકાઓ જોઇને કોઈ અસામાન્ય અને અસાધારણ તત્વનો પ્રભાવ જણાય. જળ-સ્થળમાં સર્વત્ર આમ્રપાલીનાં દૃષ્ટિકોણનો સ્પર્શ જણાઈ આવે!
અને શયનકક્ષની શી વાત થાય! આછા આછા, અર્ધપારદર્શક, સહજ આછેરા રંગના પડદા, સુંદર કોમળ કોમળ પુષ્પો પર ગાલીચા પાથરવાની જરૂર ન હોય કારણ કે બધાં પુષ્પો હળીમળીને ભીની સુગંધ ફેલાવતા હોય. અને રાત્રે આછો અંધકાર અને ઝાંખો પ્રકાશ જાણે આમ્રપાલીનાં સૌન્દર્યને કોઈની નજર ન લાગી જાય તે માટે આવી વ્યવસ્થા રાખી હશે તેમ લાગે. મોગરો અને રાતરાણીની માદક સુગંધમાં આ પૃથ્વી ઉપરનો કોઈપણ માનવીને કેફ ચડી જાય, મદહોશ થઇ જાય!
માયા મહેલની આ દુનિયામાં પ્રવેશવા કોઈ થનગની રહ્યું હતું…પણ આ દુનિયા કેવી રોચક અને રોમાંચક છે તેની તેને ક્યાં ખબર હતી…!
ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.
‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.