આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)


પ્રકરણ ૭ – તથાગત

ઇતિહાસમાં જે મહાન મનુષ્યોના નામ સુવર્ણાક્ષરે કોતરાયેલા છે તેનું કારણ તેમનું અસાધારણ જીવન છે. અન્ય લોકોને ઉપયોગી થાય તેવાં કર્મો તેમણે કર્યા હોય છે. આથી એ વાત તો નક્કી છે કે જીવનમાં માણસે સારાં કામ કરવાં જોઈએ. ઇતિહાસમાં નામ અમર થાય તેવું વિચારીને કોઈ સારાં કામ કરે તો પણ તે ઇચ્છનીય છે.

અઢી હજાર વર્ષો પછી આજે પણ આપણે ભગવાન તથાગત એટલે કે સિદ્ધાર્થ, ગૌતમ બુદ્ધને યાદ કરીએ છીએ. તેમનું જીવન ચરિત્ર વાંચવા-સમજવા જેવું છે અને તેમાંથી ઘણું જીવનમાં ઉતારવા જેવું છે. અહીં આપણે તેનો બહુ જ નાનો અંશ જોઈશું. લુમ્બિનીમાં તેમનો જન્મ. તેઓ રાજકુમાર હતા એટલે તેમનો ઉછેર પણ વૈભવ વચ્ચે થયો હતો. ૧૬ વર્ષની ઉંમરે યશોધરા સાથે લગ્ન પછી રાહુલનો જન્મ થયો. સત્ય, બ્રહ્મજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ માટે તેઓ મધરાતે પત્ની-પુત્રને ઊંઘતા છોડી ગૃહત્યાગ કર્યો. ત્યારે તેમણે એ ન વિચાર્યું કે એક પતિની પત્નીનાં અને એક પિતાના પુત્રના આધારનું શું? તેમણે રેયતનો વિચાર પણ ક્યાંથી આવે? આવા વર્તનથી જે અનર્થો સર્જાય તેનું શું? યુવાન યશોધરાના અરમાનો, પિતાની છત્રછાયા, લાગણી, એક બાળકના સંસ્કાર, ભણતર, ઘડતર અને ઉછેરનું શું? છતાં ૨૯ મે વર્ષે તેમને એમ લાગ્યું કે ભૌતિક સુખ જીવનનું લક્ષ્ય નથી તેથી તેમણે બધું ત્યાગીને કઠીન તપસ્યા કરી. અને તેમણે મધ્યમ માર્ગ અપનાવવાનું નક્કી કર્યું. આનાપાન-સતી અને વિપશ્યનાની તપશ્ચર્યા કરતાં ૩૫ મે વર્ષે તેમને બોધિ પ્રાપ્ત થતા તેઓ તથાગત બુદ્ધ બન્યા. અમુક લોકો તેમને  વિષ્ણુનો નવમો અવતાર માને છે. તો કોઈ તેમને પયગંબર અથવા ભગવાન માને  છે. જો કે તેમણે ક્યારેય એવો દાવો કર્યો નથી. જવાહરલાલ નેહરુએ કહ્યું હતું, ‘વિશ્વે યુદ્ધ અને બુદ્ધમાંથી એકની પસંદગી કરવી પડશે.’ તેમનો અંતિમ ઉપદેશ હતો: “સર્વે સંસ્કાર અનિત્ય છે, અપ્રમાદીપણે પોતાના ધ્યેયની સિદ્ધિમાં વળગ્યા રહો.”

સિદ્ધાર્થ બુદ્ધ થયા, સત્યની શોધ કરી મહાન થયા પરંતુ પત્નીના મનની વ્યથા, નિસાસા, કોડ બધાને તરછોડીને જવાથી બુદ્ધ પત્નીના અપરાધી બન્યા અને તેની પાસે નતમસ્તક રહ્યા. કપિલવસ્તુ નગરીમાં બુદ્ધનું સામૈયું કરવામાં આવ્યું પરંતુ યશોધરા તેમને મળવા ન ગઈ. પુત્ર રાહુલને પણ ન જવા દીધો. યશોધરા કહેવા માગતી હતી કે વૈરાગ્ય લેવો હોય તો લગ્ન કરીને સંસારમાં ન આવવું જોઈએ અને બાળકો પણ ન હોવાં જોઈએ. જો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી લીધો હોય તો સ્ત્રી-બાળકને નિરાધાર હાલતમાં મૂકીને કેવી રીતે ભાગી શકાય. આથી સમાજ છિન્નભિન્ન થઇ જાય. શું ગૃહસ્થ-ધર્મનું પાલન કરવું અધર્મ કે અસત્ય છે? જો એમ જ હોય તો પ્રત્યેક જન્મ અથવા પ્રત્યેક માતા-પિતાનું આચરણ અધર્મ ગણાય. આ સત્ય નથી.

આમ્રપાલી – પુસ્તક કવર ચિત્ર : રેના મિસ્ત્રી

બુદ્ધના જીવન પર યશોધરા ઉપરાંત અનામિકા (ભરવાડણ), સુજાતા અને વૈશાલીની નવી જનપદ કલ્યાણીની પણ જબરી અસર હતી.

બુદ્ધે ગૃહત્યાગ કરી વનમાં ભ્રમણ શરુ કર્યું. પણ માત્ર ભ્રમણ કરવાથી સત્ય ન મળે, હા, ભ્રમણનો આનંદ જરૂર મળે. ત્યાં સત્ય કેવી રીતે મળે? સત્યની શોધ એટલે શું? મૃત્યુ પછી સ્વર્ગ કેવી રીતે મળે એની ચિંતા, પરલોકની ચિંતા. જીવિત અવસ્થામાં કરેલાં કર્મો સુધારી સ્વર્ગે જવું. સ્વર્ગમાં જઈને શું કરવું? વૈભવ-વિલાસ. અપ્સરાઓ વચ્ચે આનંદ, સોમરસ પાન અને ફરી જન્મ લેવો ન પડે તેવો પ્રબંધ. એવું માનવામાં આવે છે કે એક વાર સ્વર્ગના દ્વાર ખૂલી જાય પછી તમારે બીજી કોઈ વસ્તુની જરૂર ન રહે. ભ્રમણ દ્વારા બુદ્ધને સત્ય ન મળ્યું. ક્ષીણ થતા થતા શરીર કૃશ થઇ ગયું ત્યારે થયું કે આવી રીતે જીવિત રહેવું મુશ્કેલ છે. ત્યાંથી આવતા જતા લોકો તેમને ભોજન આપતા. બુદ્ધ સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં ઉપવાસ પર રહી ચિંતન કરતા હતા.

ત્યાંથી ભરવાડણોનું એક ટોળું ત્યાંથી પસાર થયું. તે એક કથાકારને સાંભળીને આવતું હતું અને તેઓ વાતો કરતી હતી. એક કહે, ‘કથા તો સારી હતી. પણ સારંગી વગાડનારો નવો સવો હતો. તેની સારંગીમાંથી આવતો અવાજ કર્કશ હતો. તેને આવડતું ન હતું. સારંગીનો તાર તાણીને સખત કરતો હતો તો તે તૂટી જતો હતો અને નરમ રાખતો હતો તો સૂર લથડી પડતા હતા. પછી મારે કહેવું પડ્યું કે તાર સખત કે ઢીલો નહીં પણ મધ્યમ સ્થિતિમાં બાંધ. તેણે તારને મધ્યમ બાંધ્યા પછી તમે જોયું ને તે કેવા સુંદર અને સુમધુર સૂરો વગાડવા લાગ્યો!

બીજી કહે, ‘તારી વાત સાચી છે. જીવનની સારંગી હંમેશાં માધ્યમ તાંતણે જ સારી વાગે. જો તેનો તાર બહુ સખત હોય તો તે તૂટી જાય. જીવનની સારંગીનો તાર થોડો ઢીલો રાખીએ તો જીવન અવ્યવસ્થિત થઇ જશે પણ જો તેને મધ્યમ રાખવામાં આવે તો જીવન સુખમય બને.’ 

બુદ્ધના કાને આ વાર્તાલાપ પડ્યો હતો. તેઓ વિચારમાં પડી ગયા. તેમને પોતાની ભૂલ સમજાઈ. દેહ ટકાવી રાખવા માટે તેને પોષણ આપવું જરૂરી છે. એ દેહ-ધર્મ છે. તેથી તેમણે જે કોઈ જે આપે તે ખાવાનો નિર્ણય કર્યો. આ જ બ્રહ્મજ્ઞાન! આ જ સત્ય! બોધિ વૃક્ષ નીચે લાધેલું જ્ઞાન તેમને જીવનભર ઉપયોગી બન્યું, ત્યારથી તેઓ મધ્યમમાર્ગીય બન્યા અને લોકોને પણ મધ્યમ માર્ગ અપનાવવાનો ઉપદેશ આપવાનો પ્રારંભ કર્યો.


બુદ્ધ ભગવાને ભૂખ લાગે ત્યારે જે મળે તે ખાઈ લેવાનો નિશ્ચય તો કર્યો પરંતુ પ્રારબ્ધ જાણે તેની કસોટી કરતું હોય તેમ બહુ સમય સુધી કશું મળ્યું જ નહીં. 

સુજાતા ગામના નગરશેઠની પુત્રવધૂ હતી. તે બહુ જ ઉચ્છૃંખલ હતી અને કોઈનું કહ્યું ગણકારતી નહીં. તેના ઘરના સહુ આથી બહુ જ ત્રસ્ત હતા. તેમણે ભગવાન બુદ્ધને વંદન કરી આ વાત કહી. બુદ્ધ નગરશેઠને ઘેર પધાર્યા. તેમણે સુજાતાને બોલાવી. સુજાતા મોં ફુલાવીને આવી. બુદ્ધે કરુણાસભર નેત્રે તેની સામે જોઇને કહ્યું, ‘સુજાતા, વિશ્વમાં સાત પ્રકારની કુલવધૂ હોય છે તેમાંથી તું કયા પ્રકારની કુલવધૂ છે તે મને કહેશે?’

સુજાતાએ તેમની સામે જોઈને તેમને પૂછ્યું, ‘કુળવધૂના એ સાત પ્રકાર કયા છે?’ જરા પણ અકળાયા વગર બુદ્ધે સુજાતા સામે જોઈ સ્થિર છતાં કરુણાસભર ભાવથી કહ્યું, ‘સાંભળ સુજાતા, વધક, ચોર, ધણી, માતા, બહેન, મિત્ર અને દાસી એવી સાત પ્રકારની પત્નીઓ થાય છે.

જેને પતિ વિષે અંતઃકરણમાં પ્રેમ જ ન હોય, જેને પૈસો જ વહાલો હોય તે સ્ત્રી વધક(મારા) જેવી છે. જે ધણીના પૈસામાંથી ચોરી ખાનગી ધન કરે છે તે ચોર જેવી છે. જે કામ કરતી નથી પણ અત્યંત ખાવાવાળી છે, પતિને ગાળો દેવામાં કસર નથી રાખતી તે ધણી જેવી છે. જે પત્ની એકના એક પુત્ર પ્રમાણે પતિની સંભાળ લઇ એની સંપત્તિ જાળવે છે તે માતા જેવી છે. નાની બહેનની માફક જે ધણીને માન આપે છે અને તેના કહ્યા પ્રમાણે કરે છે તે બહેન જેવી છે. જાણે કોઈ મિત્ર લાંબે વખતે મળતો હોય તેમ જે પતિને જોતાં જ હર્ષિત થઇ જાય છે, એવી કુલીન અને શીલવતી પત્ની મિત્રના જેવી છે. ધણી ચીડાય તો પણ જે ચીડાતી નથી, ધણી વિષે જે ખરાબ વિચાર પણ મનમાં લાવતી નથી તે દાસી સમાન પત્ની છે. હવે તું મને એ કહે કે તું કયા પ્રકારની કુલવધૂ છે?’

ભગવાન બુદ્ધનાં વચનો એકચિત્તે સાંભળી રહેલી સુજાતાને એ વચનો છેક  હૃદય સુધી સ્પર્શી ગયાં. તેને પોતાનું વર્તન યાદ આવ્યું અને તેણે ઊંડો ક્ષોભ અનુભવ્યો. ક્ષોભિની સુજાતાએ બુદ્ધને પ્રણામ કરીને કહ્યું, ‘મને ક્ષમા કરશો. હું દાસ્યભાવે દાસી સમાન પત્ની બનીને રહીશ અને મિત્ર જેવી પત્ની બનવાનો પ્રયત્ન કરીશ.’ આ સાંભળી બુદ્ધ સહિત નગરશેઠ તથા તેના ઘરના સહુ પ્રસન્ન થઇ ગયા અને ભાવપૂર્વક સહુએ પ્રણામ કરી બુદ્ધ ભગવાનના આશીર્વાદ લીધા. આ હર્ષના પ્રસંગે ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું.

ગામના નગરશેઠે ઉત્સવ નિમિત્તે આખા ગામને જમાડ્યું. તેમણે કહ્યું, ‘ગામ બહાર જે તપસ્વી છે તેમને પણ ભોજન આપો. સહુએ કહ્યું, ‘તેમણે અન્ન-જળનો ત્યાગ કર્યો છે અને તેઓ કશું લેતા નથી.’ તેમ છતાં નગરશેઠનાં પુત્રવધૂ સુજાતા ઘરમાં બનાવેલી શ્રેષ્ઠ વાનગી દૂધની ખીર સ્વર્ણ-પાત્રમાં લઈને બુદ્ધ પાસે ગયાં. તેમણે બુદ્ધને અનુરોધ કર્યો કે ‘આ પ્રસાદ ગ્રહણ કરો.’ 

ક્ષુધા પાત્રને નહીં, પ્રસાદને જ ઓળખે છે. મનમાં અને તનમાં ક્ષુધા, નવો નિર્ણય, કુદરતી સંકેત, પ્રેરણા, સુજાતાનું આગમન, ખીર ધરેલું પાત્ર, મહિનાઓના ઉપવાસ, ત્યાગ અને મનોમંથન બાદ તેમણે પ્રેમપૂર્વક ખીરનો પ્રસાદ ગ્રહણ કર્યો. સુજાતા ધન્ય થઇ ગઈ. પ્રભુએ પોતાના હાથે, પોતાની લાવેલી ખીર ગ્રહણ કરી. તે પ્રસન્ન વદને તેમને વંદન કરી ઘરે પાછી ફરી. જો એ દિવસે સુજાતાએ બુદ્ધને ખીર ન ખવડાવી હોત તો શું થાત તે કહેવું મુશ્કેલ છે. અને બુદ્ધના જીવનના નવા અધ્યાયની શરૂઆત તે દિવસથી થઈ..

બુદ્ધના જીવનમાં યશોધરા, અનામિકા (ભરવાડણ), સુજાતા પછી પણ એક સ્ત્રીનો પ્રભાવ હતો. કોણ હતી એ સ્ત્રી? તેની વાત આપણે આગળ જોઈશું.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.