આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)


પ્રકરણ ૯ – બિંબિસાર અને મગધ

આપણાં વેદોમાં ખાસ કરીને અથર્વ વેદમાં, પુરાણોમાં, રામાયણમાં, મહાભારતમાં અને જૈન તથા બુદ્ધ ધર્મમાં મગધ જેવા મહા રાજ્યનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતના પૂર્વીય ઉત્તર પ્રદેશ અને ઓડીસા વિસ્તારનો એ પ્રાંત રાજગૃહ (રાજગીર) તરીકે ઓળખાતો હતો. જે પછીથી મગધની રાજધાની પાટલીપુત્ર બન્યું અને આજે તે પટણા તરીકે અસ્તિત્વ ધરાવે છે. એ બે હજાર સાતસોથી વધારે વર્ષોનો ઈતિહાસ ધરાવે છે. મગધમાં જ મૌર્યસામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્યનાં મૂળ મળી આવે છે.

ભારતવર્ષમાં ભોજક પાસે મહાનદી વહેતી. અને મથુરામાં યમુનાનાં જળ વહે.  તેનાથી અમુક અંતરે ગંગાના જળ હિમાલયથી વહેતા રહે. તેનાથી આગળ કપિલવસ્તુ, મગધ, પાટલીપુત્ર કલિંગ, કોસલ, તામ્રલિપિ, તોશાલી જેવા ૧૬ મહાજનપદ એટલે કે વિશાળ રાજ્યો વિસ્તરેલા હતા. મગધની થોડી વિગત આપણે જાણીએ છીએ.  મગધનો પહેલો રાજા બૃહપ્રથ હતો.

બિંબિસાર પાટલીપુત્રમાં રહી મગધ પર હકૂમત ચલાવતો હતો. તેની મહત્વકાંક્ષાઓ ઘણી હતી. તેનામાં દીર્ઘદૃષ્ટિ પણ હતી. તે સમૃદ્ધ રાજ્ય વૈશાલીને હરાવીને પોતાના રાજ્યમાં ભેળવી દેવા ઈચ્છતો હતો.  તે મહાવીરનો શિષ્ય હતો અને તે શ્રેણિક નામે ઓળખાતો હતો. તેની પાસે વિશાળ રક્ષકગણ હતું. અવંતિના રાજા પ્રદ્યોતની ચિકિત્સા માટે તેણે જીવકને ઉજ્જૈન મોકલ્યો હતો. તે આસપાસના રાજાઓ સાથે સારા સંબંધો ધરાવતો હતો અને શક્તિશાળી હતો. કહેવાય છે કે પૂર્વજીવનમાં તે બળદેવ રાજા હતો. એમ પણ કહેવાય છે કે આ આત્મા પ્રથમ તીર્થંકર બનવાનો હતો. તેને ત્રણ પત્નીઓ હતી. પહેલી ચેલીઆના, બીજી લિચ્છવી રાજકુમારી વૈશાલીના રાજા ચેતકની પુત્રી (આ રાજા ચેતક વર્ધમાન મહાવીરની માતા ત્રીશલાનો ભાઈ હતો.). અને તેની ત્રીજી પત્ની ક્ષેમા હતી. વૈશાલીને પરાસ્ત ન કરી શકવાનો તેને વસવસો રહેતો. પરંતુ તે હિંમત નહોતો હાર્યો. 

‘વર્ષકાર, વૈશાલી પર વિજય મેળવવો એટલો સહેલો નથી, તે કામ ખાંડાની ધાર પર ચાલવા જેવું છે. તમે તો જાણો જ છો કે આપણે વૈશાલી સામે જેટલીવાર આક્રમણ કર્યું છે તેટલીવાર પરાજયનો સામનો કરવો પડ્યો છે.’

આમ્રપાલી - પુસ્તક કવર ચિત્ર : રેના મિસ્ત્રી
આમ્રપાલી – પુસ્તક કવર ચિત્ર : રેના મિસ્ત્રી

રાત્રીનો પ્રથમ પ્રહર. મગધરાજ બિંબિસાર અને બ્રાહ્મણ મહાઅમાત્ય વર્ષકાર બંને રાજભવનમાં બેઠા બેઠા ગહન ચર્ચા કરતા હતા. બંનેના મુખ પર કુટનીતિનું ખંધું હાસ્ય પ્રસરેલું હતું. થોડીવાર પહેલાં ગુપ્તચરોએ જે માહિતી આપી હતી તે વિષે ચર્ચા ચાલી રહી હતી. વૈશાલીને મગધમાં ભેળવવાનું બિંબિસારનું અને વર્ષકારનું સ્વપ્ન સાકાર કરવાના પ્રયત્નોની એ ગુપ્ત વાત હતી. મહાઅમાત્ય વૈશાલીની રોજેરોજની રજેરજ માહિતી મેળવતા હતા. પણ આજે નવાઈ લાગે તેવી વાત જાણવા મળી હતી. વૈશાલીના અજેય લિચ્છવીઓ એક ષોડશી પાછળ ગાંડા થયા છે. વાત છેક સંથાગાર સુધી પહોંચી ગઈ છે. આખા નગરમાં એ સિવાય બીજી કોઈ ચર્ચા જ નથી. વૈશાલીનું સામાન્ય તંદુરસ્ત જનજીવન ડહોળાઈ ગયું છે. કદાચ આંતર-કલહ પણ થાય એવી શક્યતા છે. સંપીલા અને બહાદુર લિચ્છવીઓમાં કુસંપ! જયારે તેમણે એ સાંભળ્યું કે એ ષોડશીને લીધે નગરમાં હત્યાઓ થવા લાગી છે ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા. બંનેએ સાંકેતિક નજરે એકબીજા સામે જોયું. વર્ષકારનાં મનનું ચક્ર ઝડપથી ચાલવા લાગ્યું હતું. તેણે કહ્યું, ‘મગધરાજ, હવે આપણું સ્વપ્ન ટૂંક સમયમાં સાકાર થાય તેવું હું જોઈ રહ્યો છું.’

‘મગધરાજ, સમય બદલાઈ રહ્યો છે. હવે મારા મનમાં વૈશાલી પર વિજય મેળવવાનું આયોજન સ્પષ્ટ થઇ ગયું છે.’

બિંબિસાર વર્ષકારનો આત્મવિશ્વાસ જોઈ ખુશ થયો. આ વખતે તે વર્ષકારને  કોઈ નવા સ્વરૂપમાં નિહાળી રહ્યો હતો. વર્ષકારે જે કહ્યું તેથી તેને પણ એમ લાગ્યું કે હવે વૈશાલી પર કબજો મળી જ જશે.

કોઈપણ રાજ્યને જીતવું હોય અને તેનો વિનાશ કરવો હોય તો કૂટનીતિ  પ્રમાણે ચાલવું જોઈએ અને તે માટે નીચેની બાબત ગંભીરતાપૂર્વક સમજી લેવી જોઈએ:

  1. પ્રજાની વિચારશક્તિ કુંઠિત કરી નાખો.
  2. તેને વ્યસની બનાવી દો. વ્યસનો એટલા સસ્તા કરો કે તેની તમામ આવક વ્યસન પાછળ જ ખર્ચાઈ જાય અને તે વ્યસનમાં લિપ્ત રહે. દારુ, શરાબ સાવ સસ્તામાં પૂરો પાડો. સ્ત્રીઓ, બાળકો, યુવાનો અને વૃદ્ધોને પણ વ્યસની બનાવો. ભલે હરીફ રાજ્યને તે માટે ખોટ સહન કરવી પડે.
  3. પ્રજાને જુગારી બનાવી દો. તેમનું માનસ બદલી નાખો. મફત મળતા નફાની લાલચમાં લપેટાઈ જવા દો. હરીફ રાજ્ય ખોટ ભોગવીને પણ આમ કરે તે જરૂરી છે.
  4. સ્થાનિક નૃત્યાંગનાઓ અને ગણિકાઓ કરતા બહારથી પૂરી પાડવામાં આવતી ગણિકાઓ વધારે આકર્ષક, સુંદર અને પ્રલોભનસભર હોવી જોઈએ અને પ્રજા તેમની પાછળ સમય પસાર કરે અને કોઈ જ ઉત્પાદક કાર્યો ન કરે તેમ થવું જોઈએ. લોકો આળસુ અને વૈભવ-વિલાસમાં જ રહે જેથી તેમની શક્તિ હણાઈ જશે. આ બધું તેઓને પરવડે તેટલું સસ્તું રાખવું અને તે માટેનો ખર્ચ પણ હરીફ રાજ્યે ભોગવવો રહ્યો. એ સમયે બહારની ગણિકાઓ ગુપ્તચર જેવું કામ કરતી. તે સુંદર હોવા ઉપરાંત ચપળ અને હોંશિયાર પણ હોવી જોઈએ. ઘણીવાર તો તેમનો ઉપયોગ વિષકન્યા તરીકે પણ કરવામાં આવતો હતો. તેઓ હરીફ રાજ્યને જેના પર વિજય મેળવવો હોય તે રાજ્યને લગતી સ્થાનિક, રાજકીય, આર્થિક માહિતી પહોંચાડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવતી હતી.

આ પગલાં લેવાથી પ્રજાનું, સૈન્યનું નૈતિક મનોબળ તૂટી જશે. શારીરિક અને આર્થિક સ્તરે તેઓ પાયમાલ થઇ જશે. સમગ્ર સમાજને ઉધઈ લાગી ગઈ હોય તેવું વાતાવરણ થઇ જશે અને તેમનો સર્વનાશ થશે.

મહાઅમાત્ય વર્ષકારે પણ આ જ રૂપરેખા મુજબ પોતાની યોજના ઘડી હતી. આ યોજના વિષે મગધરાજ બિંબિસાર અને વર્ષકાર સિવાય કોઈને જાણ ન હતી. તેમણે એવું નક્કી કર્યું હતું કે સંથાગારમાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થાય અને મગધરાજ વર્ષકારને દેશવટો આપે. વર્ષકાર વૈશાલીમાં રહી પોતાની યોજના મુજબ આગળ વધે અને યોગ્ય સમયે મગધ વૈશાલી ઉપર ત્રાટકે અને તેના પર કબજો મેળવી તેને પરાસ્ત કરે.

થોડા જ દિવસમાં ભરેલા રાજ દરબારમાં રાજા બિંબિસાર અને વર્ષકાર વચ્ચે વાકયુદ્ધ થયું. ઝઘડો કટુવચનમાં ફેરવાઈ ગયો. બ્રાહ્મણ મંત્રીનું ઘોર અપમાન થયું. ધક્કા મારીને તેને પહેરેલ કપડે દેશનિકાલની સજા ફરમાવવામાં આવી. ફરી રાજમાં પગ મૂકે તો પ્રાણદંડની સજા જાહેર કરી. અને વર્ષકારે મગધ છોડ્યું.

(ક્રમશ:)

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....