આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦) 2
અંબીને લીધે વૈશાલી વિષમ પરિસ્થિતિમાં મુકાઈ ગયું હતું. ગણપતિ અને અમાત્ય રાક્ષસ અંબીને આંગણે આવીને ઊભા. તેઓ ઘરનું દિવ્ય વાતાવરણ જોઇને આભા બની ગયા હતા. અને… અંબીને જોઇને છક થઇ ગયા. રાક્ષસ વિચારવા લાગ્યો કે આટલું રૂપ તો તેણે આજસુધીમાં ક્યારેય જોયું નથી. કોઈ આટલું રૂપાળું હોઈ શકે તેની તેને કલ્પના પણ ક્યાંથી આવે? વૈશાલીના યુવાનો જો આની પાછળ પાગલ ન થાય તો તેઓ યુવાન કેવી રીતે કહેવાય! અંબીની સાગના સોટા જેવી લાંબી કાયા, તેના ઉન્નત ઉરોજ, પાતળી કમર, ચુસ્ત કંચુકીમાંથી બહાર ડોકાતાં તેના સ્તન-દ્વય, રસઝરતા મૃદુ ઓષ્ઠ, કાળી ભમ્મર કેશરાશિ, એ સંમોહક અને કામણગારી આંખો, સપ્રમાણ નિતંબ, નાભિ પ્રદેશનું મોહક વલય અને તેનું ઊંડાણ, કમનીય કટી પર કટીમેખલા અને પુષ્પોનો શણગાર. તેના અંગેઅંગમાંથી રૂપ નીતરતું હતું. લય લાવણ્ય અને લચકનું અદભુત સંતુલન જોઇને ભાન ભૂલી જવાય. સ્વર પણ કેવો કર્ણપ્રિય અને મધુર…!