આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦) 2


પ્રકરણ ૧૦ : વૈશાલીમાં વિમાસણ

અંબીને લીધે વૈશાલી વિષમ પરિસ્થિતિમાં મુકાઈ ગયું હતું. ગણપતિ અને અમાત્ય રાક્ષસ અંબીને આંગણે આવીને ઊભા. તેઓ ઘરનું દિવ્ય વાતાવરણ જોઇને આભા બની ગયા હતા. અને… અંબીને જોઇને છક થઇ ગયા. રાક્ષસ વિચારવા લાગ્યો કે આટલું રૂપ તો તેણે આજસુધીમાં ક્યારેય જોયું નથી. કોઈ આટલું રૂપાળું હોઈ શકે તેની તેને કલ્પના પણ ક્યાંથી આવે? વૈશાલીના યુવાનો જો આની પાછળ પાગલ ન થાય તો તેઓ યુવાન કેવી રીતે કહેવાય! અંબીની સાગના સોટા જેવી લાંબી કાયા, તેના ઉન્નત ઉરોજ, પાતળી કમર, ચુસ્ત કંચુકીમાંથી બહાર ડોકાતાં તેના સ્તન-દ્વય, રસઝરતા મૃદુ ઓષ્ઠ, કાળી ભમ્મર કેશરાશિ, એ સંમોહક અને કામણગારી  આંખો, સપ્રમાણ નિતંબ, નાભિ પ્રદેશનું મોહક વલય અને તેનું ઊંડાણ, કમનીય કટી પર કટીમેખલા અને પુષ્પોનો શણગાર. તેના અંગેઅંગમાંથી રૂપ નીતરતું હતું. લય લાવણ્ય અને લચકનું અદભુત સંતુલન જોઇને ભાન ભૂલી જવાય. સ્વર પણ કેવો કર્ણપ્રિય અને મધુર…!

ગણપતિ પણ ઊંડા વિચારમાં ખોવાઈ ગયા. કેટલી સુંદર કન્યા! યૌવનની સમૃદ્ધિ કોને કહેવાય તેની તેને ખબર હતી. પણ આ અત્યંત સુંદર ચહેરામાં તેને કાંઇક પરિચિત હોય તેવું દેખાયું! તે સોળ-સત્તર વર્ષ પહેલાના સમયમાં પહોંચી ગયા. તેને યાદ આવ્યું ગણપતિ તરીકેની પોતાની આન -શાન, અને સમાજમાં પોતાનું સ્થાન. અને તેને બીજું ઘણું ઘણું યાદ આવ્યું. પણ તે સ્મૃતિ સાગરમાં ડૂબકી મારે તે પહેલાં મહાનામન પૂજા પૂરી કરી તુલસીને જળ ચડાવવા બહાર આવ્યા અને તેની નજર ગણપતિ અને રાક્ષસ ઉપર પડી. તેઓ પૂતળાની જેમ અંબીને જોઈ રહ્યા હતા, અંબી પોતાની રંગોળી પૂરી કરવામાં હતી. ત્યાં તેને કાને મહાનામનનાં શબ્દો પડ્યા: ‘સુપ્રભાતમ! પધારો, પધારો, ગણપતિજી અને અમાત્યજી, આજે સૂર્યોદયની સાથે આપ મારે ત્યાં! મારા ધન્યભાગ્ય.’ મહાનામને પોતાના મનના સંશયોને અત્યારે એક તરફ ધકેલી અતિથિઓને આવકાર્યા.

આમ્રપાલી – પુસ્તક કવર ચિત્ર : રેના મિસ્ત્રી

જ્યારથી ગણપતિ અને રાક્ષસે અંબીને જોઈ હતી ત્યારથી તેમણે ઊંડે ઊંડે ખાતરી થઇ ગઈ હતી કે આ મહાન ઋષિમુનિઓનું તપોભંગ કરી શકે તેવું તેનું રૂપ આ જગતમાં ધારે તે કરી શકે તેમ છે. તે ધારે તો વૈશાલીને ભારતમાં પરમ ઉચ્ચ સ્થાને લઇ જઈ શકે તેમ છે અને જો તે ધારે તો વૈશાલીનું નિકંદન પણ કાઢી શકે.

એક બાજુ શિખરની ટોચ અને બીજી તરફ ઊંડી ગર્તા. પરીસ્થિતિ એવી હદે પહોંચી હતી કે નિર્ણયો ત્વરિત લેવા પડે તેમ હતું. અંબીને દરેક નગરજનોએ જોઈ હતી. ભલે અસંતુષ્ટપણે જોઈ હોય પણ તેનાં આકર્ષણથી કોઈ બચ્યું ન હતું. અને સહુને તેની કામના હતી. એ કેમ શક્ય બને? અંબી એક અને મુરતિયામાં વૈશાલી આખું. શું કરવું? જે ગણતંત્ર સંપ અને ખુમારી ધરાવતું હતું તે છિન્નભિન્ન થઇ જવાને આરે આવીને ઊભું હતું. સંથાગારમાં સભા ભરવામાં આવી. સહુએ કહ્યું તેને અહીં સંથાગારમાં બોલાવો. અને સંથાગારે એવું જ ઠેરવ્યું.


અંબી બુદ્ધિશાળી હતી છતાં તે સ્તબ્ધ થઇ ગઈ હતી. માતા-પિતા પણ મૂંઝાએલા હતા. અંબીને હવે ઘર બહાર નીકળવું મુશ્કેલ થઇ પડ્યું હતું. નગરના યુવકોનું ટોળું ઘર બહાર, ઘરની છેક પાસે આવી તેની રાહ જોઇને ઊભું રહેતું હતું. કુદરત પણ કેવી વિડમ્બના કરે છે! અનાથ કન્યાને રૂપનો અંબાર આપ્યો. ઢાંક્યું ઢંકાય નહીં એવું રૂપ આપ્યું. માતા-પિતા તેના હાથ પીળા કરવાની વેતરણમાં યોગ્ય પાત્રની શોધ કરતા હતા. તેને યોગ્ય પાત્રના ઘરની શોભા બનાવવાના મનોરથ સેવતા હતા. અંબીનાં માતાપિતાની જેમ વૈશાલીના યુવકો પણ એ જ વિચાર કરતા હતા કે તેનાં ભાગ્યમાં કોણ છે? કોની સાથે તેનું ભાવિ જોડાશે?

અંબી વિચારતી હતી કે તેની ઉંમર ક્યાં થઇ છે, તે તો હજી બાલિકા છે. પણ તેને સંથાગારમાં ઉપસ્થિત થવાનો આદેશ શા માટે કરવામાં આવ્યો છે? અંબીનાં માતા-પિતાને પણ આ આદેશથી અચરજ થયું હતું. પરંતુ આ આદેશને તો માનવો જ પડે. એ ફરમાનને ટાળી ન શકાય.


બ્રાહ્મણ અમાત્ય વર્ષકારનો મગધ સમ્રાટ સાથેનો ઝઘડો અને તેને દેશનિકાલની થયેલી સજાના સમાચાર વૈશાલીમાં પહોંચી ગયા પણ જયારે ગુપ્તચરોએ એ વાત ગંભીરતાથી કરી ત્યારે ગણપતિ અને અમાત્ય રાક્ષસ વિચારવા લાગ્યા કે વર્ષકાર વિચક્ષણ બુદ્ધિ ધરાવે છે. તેની નામના પણ સારી હતી. આમ કેમ થયું હશે? બિંબિસાર તો કોઈની સાથે સંબંધ બગાડતા નથી. તેના વિશ્વાસુ અમાત્યને આ રીતે મગધ બહાર કરવાનું શું કારણ? તેને ગુપ્ત માહિતી મળી હતી કે કાલિદાસે વર્ષકારનું  અમાત્યપદ સંભાળ્યું છે. તેનો વિચાર આગળ વધ્યો, મગધમાં પણ બધું બરાબર તો નથી જ, પણ ગણપતિ અને અમાત્ય રાક્ષસ બંનેનો મત એમ જ થયો કે આ મોકો હાથમાંથી જવા દેવા જેવો નથી. દુશ્મન રાજ્યનો દુશ્મન આપણો મિત્ર બની શકે અને વૈશાલીને કુશળ, પીઢ, બાહોશ અને અનુભવી સલાહકાર મળી શકે તેમ છે.

બધી બાજુનો પૂરો વિચાર કાર્ય બાદ વર્ષકારને વૈશાલી તરફથી આમંત્રણ મળ્યું તથા તેને માન-સન્માન આપી ત્યાં બોલાવવામાં આવ્યો. તેને તો દોડવું હતું અને ઢાળ મળ્યો! તેની યોજના પ્રમાણે વૈશાલી તેની ચાલમાં ફસાયું હતું.

વર્ષકાર વૈશાલી આવી ગયા અને આ ગણરાજ્યના સલાહકાર તરીકે દબદબાથી ગોઠવાઈ ગયા. આ પદ સ્વીકારતા પહેલાં તેને પોતાની શરતો  રજૂ કરી: તેના કુટુંબને સલામત રીતે મગધથી વૈશાલી લઇ આવવામાં આવે, તેને ગણપતિ કે રાક્ષસ સિવાય કોઈ કાંઈ કહી ન શકે, તે ગમે ત્યાં આવ-જા કરી શકે, તેને રાજમુદ્રા આપવામાં આવે જે અત્યાર સુધી ફક્ત ગણપતિ અને રાક્ષસ પાસે જ રહેતી હતી. તેણે ગણપતિ અને રાક્ષસને વિશ્વાસમાં લેતા કહ્યું, ‘તમે મારી બધી જ માંગોનો સ્વીકાર કરશો તો હું તમને ખાતરીપૂર્વક કહું છું કે મારું હડહડતું અપમાન કરીને, મને નિરપરાધને આવી કડક સજા કરનાર બિંબિસારને હું બતાવી દઈશ અને હું મારા અપમાનનો બદલો લઈશ, હું બે વર્ષમાં મગધનું પતન કરી બતાવીશ.’

ગણપતિ અને રાક્ષસે એકબીજા સામે સાંકેતિક દૃષ્ટિ કરી અને વર્ષકારની બધી શરતો મંજૂર થઇ ગઈ.


સંથાગારમાં પગ મૂકવાની પણ જગ્યા ન રહી. અંબી, મહાનામન અને સુદેશા આગળ આવ્યા. અંબી અસમંજસમાં હતી કે શું થશે. તેના માતા-પિતા થોડા ગભરાતા, થોડા ધ્રૂજતા એકબીજાને ટેકો આપતા હતા. આટલી વિશાળ મેદની સમક્ષ તેઓ પહલીવાર જ ઉપસ્થિત થયા હતા.

નગરજનો ગુસપુસ કરતા અંબીને જોઈ રહ્યા હતા. લિચ્છવી કાયદા પ્રમાણે અંબીને અને તેના માતા-પિતાને સંથાગારમાં આવવું પડ્યું હતું. સભામાં ચારે તરફ ‘અંબી મારી છે’, ‘તેણે મને વચન આપ્યું છે’, ‘તે મારી વાગ્દત્તા  છે’, ‘હું તેની સાથે પરણવાનો છું’ એવા અવાજો સંભળાતા હતા.  કોઈ વડીલ વચ્ચે બોલ્યા, ‘તેનો સ્વયંવર યોજાશે અને તે જેને પસંદ કરશે તેની સાથે તેના વિવાહ થશે.’ એક યુવક બોલ્યો, ‘તે મને જ પસંદ કરવાની છે.’ ‘તે અમારા ગામની છે’.

અંબી ગભરાઈ ગઈ. તેણે પોતાની આંખો મીંચી દીધી. તેને તો એ જ સમજાતું નહોતું કે તેને અને તેમના માતા-પિતાને અહીં શા માટે બોલાવવામાં આવ્યા છે. તે આસન પર ફસડાઈ પડી, તે અર્ધબેભાન અવસ્થામાં સરી  ગઈ. અને સંથાગાર શાંત થઇ ગયું. નીરવ શાંતિ છવાઈ ગઈ.

સંથાગારમાં બહુમતીથી નિર્ણય લેવાનો હતો કે અંબીના હાથ માટે કયો લિચ્છવી લાયક છે.  

ગણપતિએ કહ્યું: ‘વૈશાલીના નગરજનો, આજે આપણે આપણા વર્ષો જૂના સામંત મહાનામન અને સુદેશાની પુત્રીને લાયક લિચ્છવી કોણ છે એ નક્કી કરવા અત્રે એકત્રિત થયા છીએ. સામાન્ય રીતે આવું કાર્ય ઘરમેળે થઇ જતું હોય છે. પરંતુ તેમની પુત્રીને લીધે વૈશાલી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. આથી રાજ્યની પરંપરા પ્રમાણે આ સભાનું આયોજન કર્યું છે. અહીં જે પણ નિર્ણય લેવામાં આવશે તે વૈશાલીના સર્વે નગરજનોને સ્વીકાર્ય રહેશે.’ આમ કહેતી વખતે પણ ગણપતિ પોતાની ભીતર ડોકિયું કરતા ડરતા હતા. તેના મનમાં કઈ આશંકા હતી? 

સામંત મહાનામન અને સુદેશા અચાનક ચોંકી ઉઠ્યા. તેમની જાણ બહાર અંબીને લાયક પાત્રની ચર્ચા માટે સંથાગારમાં  તેમણે બોલાવવામાં આવ્યા હતા. હવે શું થશે?

(ક્રમશ:)

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)

  • જયેશ ભોગાયતા

    આમ્રપાલી નું નવું પ્રકરણ વાંચ્યું તમારી કથનશૈલી સરસ છે અને ખાસ તો પાત્રનિરૂપણ ગમે છે ઇતિહાસ જીવંત થાય છે અભિનંદન