આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧) 16


પુસ્તક કવર ચિત્ર : રેના મિસ્ત્રી

પ્રકરણ ૧ : શાંત જળમાં ખળભળાટ

નદી બે કાંઠે વહેતી હતી. નદીનાં શીતળ વહેતાં જળને જોઈ ઋષિના મનમાં અજબ આંદોલનો ઉઠતાં હતાં. તેમના મનમાં પણ હળવે હળવે વિચારોનો પ્રવાહ વહેતો હતો. શાંત અને સ્વચ્છ વાતાવરણમાં, આલ્હાદક સૂર્યોદય સમયે તેમનો આશ્રમ દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતો હતો.

એ સરસ્વતી નદીના કિનારે આશ્રમમાં ઋષિ જમદગ્નિ, ઋષિપત્ની રેણુકા અને ઋષિપુત્રો રહેતાં હતાં. ઋષિ પરંપરા પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અને મધ્યાન્હ સમયે, ત્રિકાળ સંધ્યા કરવાથી મનની શક્તિમાં તથા સ્મૃતિમાં વધારો થતો એટલું જ નહીં પરંતુ તેમનું આયુષ્ય પણ તેથી જ વધતું હતું. એટલે જ તેઓ વર્ષો સુધી જપ-તપ કરી શકતા હતા. પ્રદૂષણમુક્ત, બ્રાહ્મ મુહૂર્તમાં નિદ્રા ત્યાગી, પ્રાતઃ કાર્ય આટોપી સૂર્યોદય થતા તેના પહેલા કિરણ સાથે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવામાં આવતા હતા.

ઋષિ નદીમાં ઊભા હતા. હાથમાં અર્ઘ્ય, હોઠ પર મંત્રોચ્ચાર: ‘ઓમ સૂર્યાય નમઃ’, એક ધ્યાન, અને તેઓ પૂજનમાં તલ્લીન થઇ ગયા. બાજુમાં, થોડે દૂર એક નવયુવક પણ પૂજન કરી રહ્યો હતો. સૂર્યદેવ પણ તેમને જાણે પોતાના કર-કિરણો વડે આશિષ આપી રહ્યા હોય તેમ લાગતું હતું.

ચારે બાજુ નયનરમ્ય વાતાવરણ, પક્ષીઓનો પ્રારંભિક મધુર કલરવ, સરસ્વતી નદીને હર્ષથી મળવા આવતાં કેટલાંક ઝરણાં પણ જાણે એ રવમાં પોતાનો સૂર પુરાવતા હતા. ઋષિનું ચિત્ત શાંત થયું. આંદોલનો શમી ગયા. પણ…

***

રેણુકાના મનમાં અલગ પ્રકારનાં તરંગો આકાર લેતા હતા. તેની આંખોમાં હજી ઊંઘ ભરી હતી. તે તંદ્રાવસ્થામાં હતી. રોજ તો તે પણ ઋષિની સાથે જ જાગી જતી. પણ આજની વાત કાંઇક જુદી જ હતી. રાત્રે સૂતી વખતે પણ તેનું મન જોઈએ તેટલું સ્વસ્થ ન હતું. તેની યુવાની અકબંધ હતી. તેમનું દામ્પત્ય જીવન પણ સુખમય હતું. પણ અત્યારે મનમાં કામનો આવેગ આવ્યો અને તે કામ વિવ્હવળ બની હતી. તેમાં વળી રાત્રે તેણે એવું જ સ્વપ્ન જોયું. તેથી તેનામાં કામેચ્છા જાગૃત થઇ. તેણે ઋષિ તરફ હાથ લંબાવ્યો. પણ ઋષિ તો તેમના નિત્યક્રમ પ્રમાણે નદીએ જવા નીકળી ગયા હતા. તેની ઈચ્છા તીવ્ર બની. સ્વાભાવિકપણે જ તેની અધીરતા વધતી ગઈ. તેને થયું ઋષિ નદીકિનારે જ ગયા હશે, તેને બોલાવી લાવું…

તે જ અવસ્થામાં તે ઊઠીને બહાર આવી. નદી કિનારો બહુ દૂર ન હતો. તે ત્યાં પહોંચી અને જોયું તો ઋષિ પગથિયાં ચડી ઉપર જ આવતા હતા. પણ રેણુકાની નજર તેની પાછળ કોઈ આવતું હતું તેના પર પડી…!

આ કોણ છે? દેવદૂત જેવો દેખાવ, સુંદર દેહ સૌષ્ઠવ, કસાયેલા બાહુ, સ્કંધે શોભતી લાંબી જનોઈ, હવામાં ઉડતા કેશ, ભીનું વસ્ત્ર, ચહેરા પર ઓજસ અને કાંતિ, વિશાલ ભાલપ્રદેશ, દેદીપ્યમાન મુખારવિંદ, હાથમાં સૂર્યકિરણથી ચમકતું સોનાનું કડું…રેણુકાની આંખો અંજાઈ ગઈ. હવા જાણે થંભી ગઈ, આ તો સાક્ષાત કામદેવનો અવતાર લાગે છે.. રેણુકા સાનભાન ભૂલી ગઈ, તેના શરીરમાં રક્ત ઝડપથી ભ્રમણ કરવા લાગ્યું, તે અપલક નેત્રે આ નવયુવકને જોતી રહી. રેણુકાના મનનો આવેશ અને તાલાવેલી.. તે ચલિત, ઉત્તેજિત થઇ ગઈ. એ ભાવ તેના ચહેરા પર અંકાઈ ગયા…મનથી તે પોતાને એ યુવકની સાથે કેલિ કરતી હોય તેવો વિચાર કરવા લાગી.. હું અને તે.. તેની વાચા હરાઈ ગઈ..

પગથિયાં ચડી ઋષિ ઉપર આવ્યા. તેઓ રેણુકાની નજીક આવ્યા.. રેણુકાની આંખો જાણે સ્વપ્ન જોતી હોય તેમ તેમને લાગ્યું. તેમણે રેણુકાને બોલાવી.. જાણે કાંઈ સાંભળ્યું જ ન હોય તેમ તે સ્તબ્ધ ઊભી હતી. ઋષિએ તેને બે હાથે પકડીને ઢંઢોળી.. તેને એવો ખ્યાલ જ નહોતો કે કોઈ તેને ઢંઢોળે છે. ઘડીભર તો ઋષિને રેણુકાનું આવું વર્તન સમજાયું નહીં. અને પેલો યુવક તો રેણુકાની પાસેથી પસાર થઈને જવા લાગ્યો, રેણુકા અવશપણે તેની પાછળ પાછળ ચાલવા લાગી. તે શું કરે છે તેનું તેને ભાન જ નહોતું.

ઋષિ તરત સમજી ગયા. રેણુકા વિચલિત થઇ હતી. તેમણે ઝડપથી રેણુકાનો હાથ પકડી લીધો, બળપૂર્વક તેને રોકી રાખી. થોડીવારે તે ભાનમાં આવી. તેને શું થઇ રહ્યું છે તેની ગતાગમ નહોતી પડતી. તે ચુપચાપ ઋષિ સાથે ચાલવા લાગી. આશ્રમ પાસે માટીનો ઓટલો આવતા તે તેના પર બેસી ગઈ. ચિબુક પર બંને હાથ ટેકવી તે ચોધાર આંસુએ રડવા લાગી. શું થયું? કેમ? બસ, તે રડતી હતી. સમજતા હતા છતાં ઋષિ ડઘાઈ ગયા હતા. આ શું થઇ રહ્યું છે? પ્રેમાળ પત્ની, તેની જીવનસંગિની, તેમનું સુખી દામ્પત્યજીવન, તેમના પાંચ પુત્રોમાં શ્રેષ્ઠ વિષ્ણુના અંશ જેવો સુંદર પુત્ર રામ, પોતાનું સપ્તર્ષિમાં સ્થાન, જ્ઞાનનાં સ્રોત, સર્વજનોના જીવંત પ્રેરણા સ્રોત, છતાં! તેમણે રેણુકાની સાવ પાસે જઈ તેની પીઠ પર સ્નેહપૂર્વક હાથ ફેરવી તેને આશ્વાસન આપી સ્વસ્થ કરી. પછી પૂછ્યું કે: ‘શું થયું હતું, પ્રિયે?’

રેણુકા મૂંઝવણમાં મુકાઈ ગઈ. તે વિચારવા લાગી: શું કહું? સાચું કહેવું કે નહીં? સાચું કહીશ તો શું થશે? તેનું પરિણામ શું આવશે? મારા અસ્તિત્વનું, સતીત્વનું અને મારા દામ્પત્યજીવનનું શું? સહુ કહે છે સત્ય બોલવું સહેલું છે. પણ આ સત્ય કહેવું કેટલું આકરું છે? સત્યને કસોટીની એરણે ચડાવાય? આ સત્ય તેમને માટે વજ્રાઘાત બનશે? ત્યારે તેને એ ખ્યાલ ન રહ્યો કે શાસ્ત્રમાં કહ્યું છે કે ‘સત્યમ વદ, પ્રિયમ વદ.’ સાચું બોલવું જોઈએ એ વાત બરોબર છે પરંતુ લોકોને પ્રિય લાગે તેવું જ સત્ય બોલવું જોઈએ. અપ્રિય સત્ય બોલવા કરતા મૌન સાધવું શ્રેયસ્કર હોય છે.

અને સ્વસ્થતાથી તેણે ઋષિને પૂછ્યું: ‘સત્યનું પરિણામ હું જાણું છું. હું તે પરિણામ સ્વીકારવા તૈયાર છું. હું અપરાધી છું. દંડને લાયક છું. મેં ગુનો કર્યો છે. મને માફ કરો.’

***

‘સવારે ઊઠીને નિત્યક્રમ પ્રમાણે હું નદીકિનારે સંધ્યા-પૂજા કરવા ગયો હતો અને હજુ એક પ્રહર પણ થયો નથી એવામાં એવું તો શું બન્યું કે રેણુકા ઊઠીને નદીકિનારે આવી પહોંચી. એવું તે શું થયું હશે કે તેણે માફી માગવી પડે? વળી કહે છે કે હું સત્ય બોલવાનું પરિણામ જાણું છું. તે ઊંઘમાં કોઈની પાછળ ચાલવા લાગી એ કાંઈ એવો મોટો દોષ ન ગણાય. ભલે તેની આંખો ખુલ્લી હતી પણ ત્યારે તે ઊંઘમાં જ હતી,’

વધારે સમજવાની મથામણ મૂકી તેમણે પ્રશ્નાર્થ મુદ્રામાં રેણુકા સામે જોયું. ત્યારે રેણુકાએ કહ્યું: ‘સ્વામિ, હું તમને મળવા ઈચ્છતી હતી, તમને પામવા ઈચ્છતી હતી એટલે હું તમને ઘરે લઇ જવા નદીકિનારે આવી. પરંતુ મેં તમારી પાછળ એક દેવદૂત આવતો જોયો અને હું અવશ થઇ ગઈ, મને મારું ભાન ન રહ્યું. હું ચલિત થઇ ગઈ. તે દેવદૂત મારા ચિત્તમાં વસી ગયો. મેં માનસિકપણે તેનો સંગ કર્યો. તેની તમારી સાથે તુલના કરી. તે તમારા કરતા ઉત્તમ, પ્રવીણ અને પ્રેમપૂર્ણ જણાયો. મને પરિતૃપ્તિ થઇ હોય તેમ લાગ્યું, આવું પહેલી વાર બન્યું! મેં તેને મનોમન સ્વીકાર્યો અને તમને વિસરી ગઈ. રામને પણ વિસરી ગઈ. મારા આ માનસિક સ્ખલનને માફ કરો.’ આમ કહીને સત્યપ્રિય રેણુકાએ બે હાથમાં પોતાનું મસ્તક છુપાવી લીધું અને તેની આંખમાંથી પશ્ચાતાપ નીરવપણે વહેતો રહ્યો.

રેણુકાના શબ્દે શબ્દે ઋષિનું મન અશાંત થતું ગયું. તેનો એકરાર, તેનો પસ્તાવો અને તેની તુલના…હદ થઇ ગઈ. તેના મનમાં ક્રોધ ધમપછાડા મારવા લાગ્યો. તેમની નિર્ણય શક્તિ કુંઠિત થઇ ગઈ, શું કરવું તેની તેમને સમજ પડતી ન હતી. તેમનું શરીર ક્રોધથી થર થર ધ્રૂજતું હતું.

ત્યાં જ તેમના ચાર પુત્રો પ્રવેશ્યા. તેમણે તેમના પુત્રોને એટલે કે વસુમંત, વાસુ, સુષેણ તથા વિદ્યાવસુને તેમની માતાનો વધ કરવા કહ્યું. પરંતુ તે ચારેય પુત્રો એક યા બીજા બહાના હેઠળ ત્યાંથી જતા રહ્યા. આથી તેમનો ગુસ્સો વધારે ભભૂકી ઉઠ્યો, ત્યારબાદ પાંચમા પુત્ર રામનો, એટલે કે પરશુરામનો, પ્રવેશ થયો. પરિસ્થિતિ જોઈ તે વિસ્મિત થયો. માતા મુખ છુપાવીને રડતી હતી અને પિતાજી ગુસ્સાના આવેશમાં… અંતે ક્રોધિત જમદગ્નિએ રામને આદેશ કર્યો, ‘રામ, આ ક્ષણે જ તારા પરશુથી તારી માતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ.’
પિતાનો આદેશ, રામે વધુ કાંઈ વિચાર્યા વગર પરશુથી માતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. આ રામ એટલે જ પૃથ્વીને એકવીસ એકવીસ વાર નક્ષત્રી કરનાર પરશુરામ! તેમનો જન્મ જ અવતાર કાર્ય માટે થયો હતો.

***

અને પરશુરામને એકાએક ખ્યાલ આવ્યો કે તેણે પોતાની માતાનો વધ કર્યો છે. તેની આંખ સામે જ રેણુકાનું શરીર તરફડતું હતું. ‘માતા…! મેં આ શું કર્યું?’ આવેશમાં આવેલા કૃત્યનો અફસોસ હંમેશાં પાછળથી જ થતો હોય છે. પરશુરામનાં શબ્દો જાણે જમદગ્નિ ઋષિના મનમાં પડઘાતા હતા. પરશુરામ ગળગળા અવાજે પિતા જમદગ્નિ સામે જોઈ બોલ્યો, ‘પિતાજી તમે આવી નિષ્ઠુર આજ્ઞા શા માટે કરી અને મારે હાથે આ શો અનર્થ થઇ ગયો?’

ઋષિને પણ લાગ્યું કે તેમણે ગુસ્સાના આવેશમાં ન કરવા જેવું કૃત્ય કરી નાખ્યું છે. તેમણે ખિન્ન સ્વરે પરશુરામને વિગતવાર બધી વાત કરી. રામ સ્તબ્ધ થઇ ગયો. પણ તેનું મન ત્વરિત સક્રિય થયું. તે પણ જ્ઞાની, સમજુ અને ડાહ્યો હતો…તેણે વાતનો તાગ મેળવ્યો. માતાએ સત્ય માટે જીવની પણ પરવા ન કરી, કેટલી મોટી કીમત તેમણે ચૂકવી! મેં પણ વગર વિચાર્યે પિતાના શબ્દોને બ્રહ્મવાક્ય માનીને તેમની આજ્ઞાનો તરત જ અમલ કરી નાખ્યો. એ તો માતાના મનનો માત્ર એક વિચાર હતો. મનુષ્ય સારા-નબળા વિચારો કરતો જ હોય છે. ભૂખ લાગી હોય ત્યારે બત્રીસ જાતના પક્વાનનો વિચાર આવે તો તેથી કાંઈ પેટ ભરાઈ નથી જતું. પિતાજી ભલે તેને માનસિક અસંયમ કહે, કે પછી તેને માટે માનસિક વ્યભિચાર જેવા શબ્દનો ઉપયોગ કરે. આ તો કોઈ રીતે યોગ્ય ન થયું.’

ગ્લાનિથી રામનો ચહેરો વિવર્ણ થઇ ગયો. અને તેણે સંકલ્પ કર્યો. તેમણે માતાનું મસ્તક ધડ પર ગોઠવી, પાણીની અંજલી છાંટી, પોતાના તપોબળથી માતાને ફરી જીવિત કરી. પછી પિતાને ચરણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા બદલ તેમની ક્ષમા માગી. જમદગ્નિ ઋષિનો ગુસ્સો હવે ઉતરી ગયો હતો. તેમણે રામને ક્ષમા આપી, તેને ભેટી પડ્યા.
પણ હવે શું?…રેણુકાના મનમાં સંકલ્પ-વિકલ્પ ચાલવા લાગ્યા. અંતે તેણે એક દૃઢ સંકલ્પ કર્યો. કેવો હતો એ સંકલ્પ? તે અપૂર્વ હતો…!

* * *

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧)

  • डॉ॰ निशीथ ध्रुव

    रसमय शैली. आंखो सामे चित्र खडुं थई जाय. पण अहीं प्रस्तुत लखाणमां जोडणीनी असंख्य भूलो देखाय छे. जेम के आल्हादक – मध्यान्ह जे आह्‍लादक – मध्याह्‍न एम होय. पश्चाताप नहीं पण पश्चात्ताप होय. अनुस्वारनी पण अनेक भूलो छे.सुए बधुं सुधारी लेवाय तो बहु रूडुं थाय. आशा छे कृतिने सर्वांगसंपूर्ण करवा बधो प्रयत्न करशो.

    • હર્ષદ દવે

      ડૉ. નિશિથજી,
      તમારા પ્રતિભાવ માટે આભાર. તમે સૂચવેલી તથા અન્ય ભૂલો આ પુસ્તક પ્રકાશન સમયે દૂર કરવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ. આ કૃતિને સર્વાંગસંપૂર્ણ તથા ક્ષતિરહિત બને તેવી તમારી ભાવના ઉત્તમ છે. આ પ્રમાણે આગામી હપ્તાઓમાં પણ તમારા અવલોકનો મળતા રહેશે.

  • નયન ભટ્ટ

    વાંચ્યુ, વિચાર્યું, અને આપના અલૈકીક આમ્રપાલી ની રચના ને નવા દ્રષ્ટિકોણ થી પણ અવલોકન અને અભ્યાસ પુર્ણ રીતે પણ નવલકથા ને સંજોડતી વૈવિધ્ય પુર્ણ માહિતી મોકલવા બે પ્રયાસ કર્યો છે, પરંતુ મોબાઇલ ટેકનોલોજી વિશે ના અપુરતા ગ્યાન ને કારણે અલૈકીક નવલકથા અને જમદગ્ની ની કથા વસ્તુ પર મૈલીક તથા વિવીધ સાહિત્યના રેફરન્સ પણ લીધેલ છે પરંતુ પહોંચી શક્યુ નથી. આપની આમ્રપાલી નવલકથા ગુજરાતી સાહિત્ય માં નવો માઇલસ્ટોન સ્થાપીત કરશે. ऊँ नमो नारायण ।

    • હર્ષદ દવે

      શ્રી નયનભાઈ,
      તમારી ભાવના મારા સુધી પહોંચી ગઈ છે. તે માટે હું તમારો આભારી છું. તમારા આ પૂર્વેના બે પ્રયાસો સફળ ભલે ન થયા પરંતુ ત્રીજીવાર તમે સફળતા મેળવી છે. તમારી પાસેની પૂરક માહિતી હવે પછી પણ મોકલી શકાય.

  • કિશોર પંચમતિયા

    આમ્રપાલી ફિલ્મ જોઇ હતી વર્ષો પહેલાં વૈજયંતિમાલાજી સુનીલ દત્તજી ને અશોક કુમારજી પરંતુ નવલકથા વાંચી નહોતી ઐતિહાસિક નવલકથા પ્રત્યે લગાવ પહેલેથી જ છે 1 લા પ્રકરણથી જ ઉપાડ સારો છે આશા રાખું છું પછીના પ્રકરણો રંગ જમાવશે

    • Harshad Dave

      શ્રી કિશોરજી,
      આ નવલકથા તદ્દન નવા જ દૃષ્ટિકોણથી લખવામાં આવી છે.
      તમને ઐતિહાસિક નવલકથા પ્રત્યે લગાવ છે એ સારી વાત છે.
      મને આશા છે કે એ યુગમાં પણ સ્ત્રીઓ પ્રત્યે કેવું વલણ અપનાવવામાં
      આવતું હતું. (આજના દિવ્ય ભાસ્કરમાં શ્રી નગીનદાસ સંઘવીનો
      દેવદાસી પરનો લેખ સમય, અનુકૂળતા અને પસંદગી હોય તો વાંચી
      જવા અનુરોધ છે. મને પણ આશા છે કે તમને દર રવિવારે આવતા
      ‘આમ્રપાલી’ કથાના હપ્તા વાંચવા/સાંભળવા ગમશે. આભાર.

    • હર્ષદ દવે

      શ્રી કિશોરજી,
      તમારા પ્રતિભાવ બદલ આભાર.
      મને પણ લાગે છે કે આગામી પ્રકરણો ઉત્તરોત્તર વધારે રસપ્રદ બની રહેશે.

  • હર્ષદ દવે

    આપને આ કથાની શરૂઆત ગમી તે ગમ્યું. દર રવિવારે આ કથાપ્રવાહને માણવાની કદાચ વધારે મઝા આવશે…મને તમારા પ્રતિભાવની પ્રતીક્ષા રહેશે…આભાર.

    • હર્ષદ દવે

      શ્રી હેમંતભાઈ,
      તમને શરૂઆત ગમી છે…ચાર હપ્તા સુધી ખાસ વાંચશો, વધારે
      મઝા આવશે. આભાર.