આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)


પ્રકરણ ૧૨ : વૈશાલીની નગરવધૂ

વૈશાલીના નગરજનો પાસે વાતનો બીજો વિષય આવ્યો વર્ષકારનો! જાણકાર હોવાના વહેમમાં ઘણા લોકો કહેવા લાગ્યા કે ‘દુનિયામાં દરેકનું મન કળી શકાય પણ અપમાનિત થયેલા બ્રાહ્મણનું મન વાંચી ન શકાય કેમકે તે ઝેરી નાગ કરતાંય ખતરનાક હોય છે. મગધને કેવી પીછેહઠ કરવી પડી! ઈતિહાસ ચાણક્યને જાણે જ છે. ધનનંદનું નિકંદન કાઢ્યા પછી જ તેને શિખા બાંધી હતી!

વર્ષકાર વૈશાલીની ગતિ-પ્રગતિની અને અન્ય જાણવાલાયક માહિતી ગુપ્તચરો મારફત મગધ મોકલતો રહેતો હતો. તેમની યોજના મુજબ તે વૈશાલીમાં પોતાના માણસોને ગોઠવવા લાગ્યો હતો.

આમ્રપાલી – પુસ્તક કવર ચિત્ર : રેના મિસ્ત્રી

મગધના બીજા દુશ્મનો પણ હતા જેમાં કાશી, કોસલ, અંગ, અવંતિ વગેરેનો સમાવેશ થતો હતો. એટલે હાલ પુરતો મગધ પાસે ધીરજ ધરીને બેસવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. સહુથી મોટો અવરોધ વૈશાલી તરફથી હતો. તેથી વૈશાલીનો સર્વનાશ તેના અગ્રક્રમે હતો. બીજા નાનાં રાજ્યોને તો પહોંચી વળાય તેમ હતું. ભારતવર્ષમાં એ સમયે રાજા-રજવાડાનો વણલખ્યો એક એવો નિયમ હતો કે રાજ પુરોહિત, મંત્રી (અમાત્ય), મહામંત્રી, સલાહકારો બ્રાહ્મણો જ રહેતાં. તેમના વગર તેઓ નિ:સહાય બની જતા અને લાચારી અનુભવતા. બ્રાહ્મણોને લીધે જ તેમનું અસ્તિત્વ અને સાર્વભૌમિકતા ટકી રહેતાં. ક્ષત્રિયો પાસે બળ હતું, બુદ્ધિ બ્રહ્મણોની. તેઓ જરૂર પડ્યે રણમેદાનમાં પણ જતા. એકલો વર્ષકાર તેની કુટિલતાથી કેટકેટલું કરી શકે છે તે આગળ વાંચવાથી જ જાણી શકાશે. તેની શક્તિ ક્ષત્રિયોના બળ કરતા વધારે હતી. રાજા પણ તેનું કહ્યું માનતા.

***

ગણપતિએ સભા સમાપ્તિની ઘોષણા કરી. સહુ જવા લાગ્યા. છેવટે ગણપતિ, રાક્ષસ, અંબી અને તેના માતા-પિતા અને મંત્રી પરિષદ જ રહ્યા. પૂરા માન સન્માન સાથે અંબી અને તેના માતા-પિતાને તેમને ઘરે પહોંચાડવામાં આવ્યાં.

પણ હવે શું? સંથાગારે બહુમતીથી પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો કે અંબીને નગરવધૂ બનાવો.

મંત્રી પરિષદ મળી, ખૂબ લાંબી વિચારણા પછી સંથાગારનો નિર્ણય તેમને યોગ્ય લાગ્યો. પણ શું એ નિર્ણય કહેવાય? કોઈની પુત્રીને રાજ્ય માટે ગણિકા બનાવી શકાય? શું એ શક્ય બને? લિચ્છવીઓ અને મંત્રી પરિષદ સંથાગારના બહુમતી નિર્ણયને સ્વીકારવા બંધાએલા હતા. તેઓ વ્યક્તિગત રીતે તેનો વિરોધ કરી શકે તેમ ન હતા. અમાત્ય ગણોને એમ લાગતું હતું કે આ અધર્મ હતો. ગણપતિને પણ આ ફેંસલો યોગ્ય લાગતો ન હતો. અંબીએ હજુ સોળ વર્ષ પણ ક્યાં પૂરા કર્યા હતા? તે હજુ પૂર્ણયૌવના પણ ક્યાં થઇ હતી? અને એ કરતાંય તેને કફોડી હાલતમાં કેમ મૂકી શકાય? કોઈ કોડભરી દીકરીનાં ભવિષ્યને એમ કેવી રીતે કચડી શકાય? કોઈ કન્યાના કોડનો કચ્ચરઘાણ કેવી રીતે કાઢી શકાય. એ અત્યાચારનું વરવું સ્વરૂપ છે.

બીજા દૃષ્ટિકોણથી વિચારતા એમ લાગે છે કે જે રૂપ રાષ્ટ્ર માટે ખતરનાક હોય અને જે રૂપ રાષ્ટ્રને કુસંપ તરફ તથા સર્વનાશ તરફ દોરી જાય ત્યારે શો ઉપાય કરવો? એ પાત્ર કોઈ એક વ્યક્તિને મળે અને બીજા સહુ તેને માટે અંદરોઅંદર લડાઈ ઝઘડા કરે તેના કરતા તે કોઈને ન મળે અથવા સહુને મળે તે ઠીક લાગે છે. એ સિવાય કોઈ વિકલ્પ નથી મળતો. ગણપતિ અને રાક્ષસે ફરીવાર અંબીનાં માતા-પિતાને મળવાનું નક્કી કર્યું. બંને કઠોર નિર્ણય કરી મહાનામનને ત્યાં આવ્યા. અંબીને બહાર રહેવાનું કહી બંધબારણે સામંત મહાનામન સમક્ષ તેમણે વૈશાલીની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરી. તેમણે વૈશાલી લિચ્છવીઓની મહાનતા, ગૌરવ, દેશપ્રેમ, સંથાગારનો ઈતિહાસ, પરંપરા વગેરે સવિસ્તાર કહી તેમની  દેશપ્રેમની અને ગૌરવની લાગણીને લડાવી. તેમની ઈચ્છા ન હોવા છતાં તેઓએ સંથાગારનો નિર્ણય ફરીવાર યાદ કરાવી પોતાની વિવશતા દર્શાવી. ઘણા લોકોના હિતમાં એક અણગમતો નિર્ણય લેવો પડે તો લેવો જોઈએ તેમ કહી તેમણે અંબીને નગરવધૂનું પદ સ્વીકારવું રહ્યું અને તે માટે તમારે તેને સમજાવવી પડશે એવું પણ કહ્યું. બહુ સમજાવવા છતાં તેઓ ન માન્યા. કોઈ પણ માતા-પિતા આવી વાત ન જ માને. અંતે તેમણે કહ્યું કે તમે સંથાગારને મનાવો અમને નહીં.

મજબૂર અને વિવશ માતાપિતાનાં મન કોઈ રીતે ય આ બાબત સ્વીકારવા તૈયાર ન હતા. પોતાની ફૂલ જેવી કોમળ અંબીને ગણિકા બનાવવા માટે સંમતિ કેવી રીતે આપે? વળી પોતે જ સામે ચાલીને પુત્રીને ગણિકા બનવા માટે સમજાવે એ કેમ બને? તેની લાડકી અંબી માટે બંનેએ કેટલા સ્વપ્ના જોયા છે, તેઓ કેટલા અરમાન સેવે છે. તેના સુખી દામ્પત્ય અને ઉજ્જવળ ભાવિ માટે તેઓ સતત ચિંતિત રહેતાં હતા.

અંબી અત્યંત સમજદાર હતી, માતાપિતાની મૂંઝવણ જોવા સમજવા  છતાં શું કરવું તેનો નિર્ણય તે નહોતી કરી શકતી અને તે વિચારમગ્ન રહેવા લાગી. તેને વૈશાલી પ્રત્યે સારી એવી લાગણી હતી. 

વૈશાલીનાં કુનેહ ધરાવતા કુશળ શાસકો સામે આવો સામાજિક પ્રશ્ન પહેલીવાર ઊભો થયો હતો. સંથાગાર ત્રણ દિવસ પછી ફરી મળશે એવી ઘોષણા કરવામાં આવી હતી. ત્રણ દિવસ પછી સંથાગારમાં શું થવાનું છે કોને ખબર? ‘ન જાણ્યું જાનકી નાથે…’

***

અંબીનો ગભરાટ હવે શમી ગયો હતો. તેનાથી મા-બાપની ચિંતાતુર અવસ્થા અને ફિક્કા ચહેરા જોઈ શકતા ન હતા. મારા ભવિષ્ય વિષે સંથાગાર ત્રણ દિવસમાં નિર્ણય લેશે? તેને લિચ્છવી હોવાનું ગૌરવ હતું તે હવે જાણે ઝાંખું પડતું હોય તેમ લાગ્યું. બધા લિચ્છવીઓ પ્રત્યે તેને અણગમો ઉપજ્યો. બધા મતલબી હોય તેવું લાગ્યું. હું સ્વરૂપવાન છું તે મારી કે ભગવાનની ભૂલ ગણાય? નહીં. આ લોકોની માનસિકતા જ દૂષિત છે. શું હું આત્મહત્યા કરું? ના, ના, એ તો કાયરતા ગણાય. હું તો બહાદુર સામંત પિતાની પુત્રી છું. પણ માતા-પિતા આટલા પ્રેમાળ છે તેનું મારા ગયા પછી કોણ? તેમને આઘાત લાગે તેવું કોઈ પગલું ભરવું ઉચિત નથી. તો શું કરવું? હું શું કરું તો માતા-પિતાને અને વૈશાલીને આંચ ન આવે. લિચ્છવીઓ મારા માટે લડે નહીં? શું કરું?

***

ત્રીજે દિવસે સંથાગાર મળ્યું. વૈશાલીના ઇતિહાસમાં આજ સુધી કોઈ દિવસ એકઠી ન થઇ હોય તેટલી મેદની એકઠી થઇ. સ્ત્રીઓ પોતાની સલામતી માટે અને બાળકો કુતૂહલથી તથા યુવાનો થનગનતા સ્વપ્નાં સાકાર કરવા આવ્યા હતા.

સંથાગારમાં ગણપતિ, રાક્ષસ અને અન્ય મંત્રીગણનો પ્રવેશ થયો કે સહુ શાંત થઇ ગયા. ગણપતિએ કહ્યું કે અંબીનાં માતા-પિતાને સંથાગારનો નિર્ણય માન્ય નથી.

બૂમાબૂમ, ધાંધલ અને શોરબકોર અનહદ વધી ગયો. અને સંથાગાર પોતાના નિર્ણયને વળગી રહીને મહાનામનની વાતનો અસ્વીકાર કર્યો. વૈશાલીના સંથાગારના નિર્ણયો બધાને એકસમાનપણે બંધનકર્તા છે. જો એવું ન હોય તો સંથાગારની જરૂર જ શી છે. સહુ  પોતપોતાની રીતે નિયમો ઘડી લે અને બીજું કોઈ તેને શા માટે સ્વીકારે? મહાઅમાત્ય, અમાત્યો અને ગણપતિ આ વાત શી રીતે રજૂ કરી શકે? સંથાગાર અનિર્ણિત રહી અને સમાપ્તિની ઘોષણા કરવી પડી. જો એમ ન કરવામાં આવ્યું હોત તો ત્યાં જ યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ ગઈ હોત. ત્યાર બાદ ત્રણથી ચાર વાર સંથાગાર આ વિષયનાં ઉકેલ માટે મળી પણ દરેક વખતે સંથાગાર એક જ માંગ કરતું રહ્યું: ‘અંબીને નગરવધૂ બનાવો. તે કોઈ એક કુળની કુળવધૂ ન બની શકે માટે તેને નગરવધૂ બનાવો. આ નાની વાતને મોટું સ્વરૂપ ન આપો. પણ મહાનામન મચક નહોતા આપતા. ગણપતિ પણ મહાનામનનાં વિચારો સાથે સહમત હતો પણ બહુમતી તેમની સાથે નહોતી. હવે તો નગરજનો રસ્તા પર આવી ગયા હતા અને શાસન સામે દેખાવો કરવા લાગ્યા હતા. વૈશાલીની એકતા તૂટતી લાગી. કામધંધા, રોજગાર, ઉદ્યોગો, વ્યાપાર, ઉત્પાદન જેવી પ્રવૃત્તિઓ ઠપ્પ થઇ ગઈ. લિચ્છવીઓ આ વાતનો નિવેડો ન આવે ત્યાં સુધી બીજું કાંઈ પણ વિચારી શકતા ન હતા.

હવે અંતિમ ચુકાદો આપવો જ પડશે એવું જણાતા સંથાગાર, મંત્રી પરિષદ અને વધારામાં મહિલા પરિષદને પણ સામેલ કરવામાં આવી. ગણનાયિકાએ ઘણું સમજાવ્યું પણ લિચ્છવીઓ જાણે રાજહઠ ધરી હોય તેમ એક ‘તેને નગરવધૂ બનાવો’ તો જ હા, એ સિવાય બીજું કાંઈ નહીં. અંબી પામી ગઈ કે તેનાં ભવિષ્યમાં શું છે.

***

વર્ષકારે પોતાનું વર્ચસ્વ જમાવવાની શરૂઆત કરી દીધી હતી. તે પ્રારંભથી જ અંબીને લીધે ઊભી થયેલી અરાજકતાનું ઝીણવટપૂર્વક અવલોકન કરી રહ્યો હતો. તે લોઢું તપે તેની રાહ જોઈ રહ્યો હતો. તેને થયું કે હવે ઘા કરવો જોઈએ. અંબી નગરવધૂ બને તો લિચ્છવીઓ વધારે વિલાસી બને. તેથી તેની ઈચ્છા એવી જ હતી કે અંબી નગરવધૂ બની જાય. પણ તેવી વાત સીધી રીતે ગણપતિને કરાય નહીં, તે ગણપતિના મનોભાવોને સારી રીતે જાણતો હતો.

અંબી માટે બહુ જ ઓછા ગાળામાં સંથાગાર ઘણી વાર મળ્યું. આજે તે અંતિમ નિર્ણય માટે મળી રહ્યું હતું. સવારથી જ લોકોના ટોળેટોળા સંથાગાર તરફ ઉમટવા લાગ્યા હતા. લિચ્છવીઓ આજે ‘કરેંગે યા મરેંગે’ જેવા આક્રમક મિજાજમાં હતા. કેટલાય લિચ્છવીઓ ખંજર, કટારી અને ગુપ્તી જેવા ઘાતક શસ્ત્રો લઈને પહોંચ્યા હતા. તેમને તો ભરોસો હતો કે ફેંસલો તેમના પક્ષે જ છે. તેથી તેઓ પરણવા નીકળેલા વરરાજાની જેમ તૈયાર થઈને આવ્યા હતા! અંબી જાણે તેમની સાથે આ ઘડીએ જ ફેર ફરવાની હોય તેમ તેમને લાગતું હતું. અને તેમની આતુરતાનો અંત આવ્યો…

***

હારેલા યોદ્ધાની જેમ ગણપતિ, રાક્ષસ, મંત્રી પરિષદ, મહિલા પરિષદ નગરજનો સમક્ષ આવ્યા તેમની પાછળ પ્રવેશ કર્યો મહાનામન, સુદેશા અને અંબીએ. ત્રણેયની આંખો રુદન કરીને થાકી ગઈ હતી. ઉદાસ… લાચાર, નિષ્પ્રાણ જણાતાં હતાં તેઓ. વર્ષકાર બધાના ચહેરાઓ વાંચી રહ્યો હતો. છેલ્લે અંબીને જોઇને તે નવાઈ પામ્યો. તેના પર કેવી સખત મક્કમતા હતી… આવડી છોકરી અને આટલી સ્વસ્થતા… ભલે અત્યારે કઠોર જણાતું હોય પણ એ વદન પરથી નજર ખસેડવામાં મુશ્કેલી પડે.

મહાનામન વાતાવરણ જોઇને જે સંકેત મળતો હતો તે સમજી ગયો હતો. તેની પાસે કોઈ વિકલ્પ જ નહોતો. સંથાગારનો નિર્ણય સ્વીકારવો અથવા દેશનિકાલ થઇ જવું. નિર્ણય સ્વીકારવાનો અર્થ હતો અંબીને નગરવધૂ તરીકે સમર્પિત કરી દેવી.

ગણપતિ ઊભા થયા. તે પણ ખિન્ન હતા, તેનું સ્પષ્ટ માનવું હતું કે માત્ર બહુમતીને જોરે તો શું પણ ક્યારેય કોઈની દીકરીને ગણિકા ન બનાવવી જોઈએ. પરંતુ અત્યારે તો તે મજબૂર ગણનાયક હતા, ગણપતિ હતા. તેને એ પણ ચિંતા હતી કે ભારતનું એકમાત્ર ગણરાજ્ય છિન્નભિન્ન થતું કેવી રીતે બચે. વૈશાલીનો સર્વનાશ થતો કેમ અટકે.

લિચ્છવીઓની એકતાનું શું? શું એક રૂપસુંદરીના હાથમાં વૈશાલીનું ઉત્થાન અને પતનનો આધાર હોય? શું વૈશાલીનું યુવાધન આટલું ચરિત્રહીન, લંપટ અને કામી બની ગયું છે કે એક દીકરીને શરમજનક સ્થિતિમાં મૂકીને તેનું શોષણ કરવા તૈયાર થઇ ગયા છે. પોતાના સંસારને સલામત રાખવા માટે સ્ત્રીઓ પણ તેમને સાથ આપે છે! સ્ત્રીઓ પોતે જ પોતાની બહેનો-દીકરીઓ માટે આવું વલણ દાખવે? ગણપતિને કમકમાટી ચડી ગઈ. શું આખી યે દુનિયામાં આવું જ ચાલે છે? જો એમ જ હોય તો ભલે વૈશાલીનો સર્વનાશ થઇ જાય, ભલે આ એકમાત્ર ગણતંત્ર વિખેરાઈ જાય… હવે નિર્ણય અંબી પર છોડી દેવો જોઈએ…

મેદની સામે ઊભા રહી તેમણે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા. તેમણે ભારપૂર્વક લિચ્છવીઓને તેમનો વિચાર બદલવા કહ્યું. પરંતુ એકપણ લિચ્છવી એ માટે તૈયાર ન થયો. આખરે મન મારીને, દુખી હૃદયે તેમણે અંબી સામે જોઇને કહ્યું:

‘હું ગણનાયક આ સંથાગારના અંતિમ નિર્ણય અનુસાર આજથી આપણા ભૂતપૂર્વ સામંત મહાનામનની પાલકપુત્રી ‘અંબી’ ને ગણરાજ્ય વૈશાલીની રાજનર્તકી અને નગરવધૂ જાહેર કરું છું. આ નિર્ણય તેણે શિરોધાર્ય કરવો રહ્યો અન્યથા વૈશાલીના નિયમો મુજબ તેની સ્વીકૃતિની જાણ સંથાગારને ૨૪ કલાકમાં કરવાની રહેશે અન્યથા તેણે દેશ છોડીને ચાલ્યા જવાનું  રહેશે.’  

સંથાગારમાં મહાયુદ્ધ જીત્યા હોય તેવા હર્ષનાદો થવા લાગ્યા.
‘ગણપતિનો જય હો’
‘વૈશાલીનો જય’
‘લિચ્છવીઓનો જય’
‘અંબીદેવીનો જય’

‘અંબી વૈશાલીની છે, અમે તેને ક્યાંય જવા નહીં દઈએ, તે અમારી છે, તે સદા અમારી જ રહેશે.’

ધીમે ધીમે સંથાગાર છોડીને સહુ હરખાતાં હરખાતાં જતા રહ્યા. અંબી ઘરે આવી. હરતી ફરતી લાશ જેવા તેના માતા-પિતા પણ ઘરમાં પ્રવેશ્યા.

અંબી ચકિત થઇ ગઈ. તેનાં મનમાં તુમુલ દ્વન્દ્વ ચાલી રહ્યું હતું. તેનાં પરિપકવ વિચારો દૂર-સુદૂરનાં ભાવિ તરફ મીટ માંડતા હતા.

સંથાગારે નિર્ણય જાહેર કરી દીધો છે. હવે તેણે જવાબ આપવાનો છે અને તેની ‘હા’ કે ‘નાં’ જેવા એકાક્ષરી ઉત્તર પર બધું નિર્ભર છે. તે મક્કમ હતી.

કાલે તે શું જવાબ આપશે… જવાબ આપશે કે પછી વૈશાલી છોડીને જતી રહેશે?

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....