આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩) 1


પ્રકરણ ૧૩. આમ્રપાલી

વૈશાલીના વિશાળ અતિથિ ભવનમાં હમણાથી ભારે ભીડ રહેવા લાગી હતી. વૈશાલી બહારથી જે લોકો આવતા તેઓ ત્યાં જ ઉતરતા. મોટાભાગના સંથાગારની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવા જ આવતા હતા. એ વખતે એવી પ્રથા હતી. બહારથી આવતા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શ્રેષ્ઠીઓ અને ગણનાયકો જ નહીં અમાત્યો પણ ત્યાં આવતા હતા. જે લોકો આવતા તેઓ ગણરાજ્યની વાતો કરતા અને વિદેશ જઈને તેના વખાણ કરતા.

એક અતિથિ આ પહેલા પણ અહીં આવી ચુક્યો હતો. તે વૈશાલીના સંથાગારની ગતિવિધિ ગંભીરતાથી નિયમિત જોતો હતો. તેના મનમાં આનંદ અને આશંકાનાં મિશ્ર ભાવો જાગતા હતા. તેને હવે મગધ વૈશાલી ઉપર વિજય મેળવી શકશે એ વાતનો આનંદ થતો હતો.  અને ડર એ વાતનો હતો કે આ પહેલા જે રીતે લિચ્છવીઓ એક થઈને સામનો કર્યો હતો એ રીતે લડે તો મગધે ફરી પીછેહઠ કરવી પડે એ માથાના દુખાવા જેવી સ્મૃતિ તેને બળજબરીપૂર્વક હાંકી કાઢી. તેને થતું હતું કે અંબી નગરવધૂ બને તે મગધ માટે લાભદાયી છે. એ છદ્મવેશે આવેલો મગધનો વેપારી હતો. તે બહુ સમૃદ્ધ હતો. તેની પાસે અઢળક ધન-દોલત હતી. અહીં તેને કોઈ ઓળખતું નહોતું એટલું સારું હતું અને તેમાં પણ તેણે વેશપલટો કર્યો હતો એટલે તે નિશ્ચિંત હતો.

આમ્રપાલી – પુસ્તક કવર ચિત્ર : રેના મિસ્ત્રી

પરંતુ તેના મનમાં એક બેચેની રહેતી હતી. તે પણ અંબીને જોઇને તેના પર આસક્ત થઇ ગયો હતો. તે વિચારતો હતો કે શું તે તેના પ્રેમમાં પડી ગયો છે? શું તેનું સૌન્દર્ય લિચ્છવીઓની જેમ તેને પણ ઘેલું કરી ગયું છે?

તે અતિથિગૃહે આવીને બીજા અતિથિ સાથે વાતો કરવા લાગ્યો. અતિથિગૃહમાં પણ સહુ અંબી અને વૈશાલીના વિચિત્ર સંથાગાર, તેના નિયમો અને રિવાજોની અને ગણનાયકનાં નિર્ણયની જ ચર્ચા ચાલતી હતી.

વેપારી વિચારવા લાગ્યો મગધ કરતા અહીં વાતાવરણ જુદું જ છે. રાજ્યના વહીવટમાં પ્રજા દરેક નિર્ણયમાં સૂર પુરાવે છે. બીજી રીતે જોઈએ તો એ પ્રજાની દખલગીરી ગણાય. એ ભવિષ્યની પ્રજા માટે હિતાવહ ગણાય કે કેમ? મારું તો એવું માનવું છે કે પ્રજાએ રાજાના નિયંત્રણ હેઠળ જ રહેવાનું હોય. તો જ રાજા બધે પોતાની આણ ફરકાવી શકે અને ચક્રવર્તી બની શકે. મગધે મહાસત્તા બનવું  હોય તો આ ન ચાલે. મગધના પૂર્વજ જરાસંધે એવો સફળ પ્રયત્ન કર્યો હતો. એ પરંપરા ચાલુ રાખવી હોય તો વૈશાલીને મગધમાં ભેળવી દેવું જોઈએ અને ત્યારે વૈશાલીની પ્રજાનું આવું વલણ ચાલી શકે નહીં.

તે ધનાઢ્ય વેપારીનું નામ દેવેન્દ્ર હતું. તે મગધથી અહીં આવ્યો હતો. તેના મગજમાં બે જ વાત ફરી ફરીને આવતી હતી વૈશાલીનો વિનાશ અને વૈશાલીની નગરવધૂ. જો વૈશાલી નગરવધૂ થવાનો સ્વીકાર કરશે, મને લાગે છે કે તેણે નગરવધૂ બનવાનો સ્વીકાર કરવો જ પડશે અને તો…વૈશાલીની પ્રજા તેને માટે જે પ્રમાણે પાગલ થઇ છે એ જોતાં એ વાત સિદ્ધ થાય છે કે સુંદર સ્ત્રીઓ જ વૈશાલીની નબળાઈ છે. અને દેવેન્દ્ર સારી રીતે જાણતો હતો કે જે રાજ્યના યુવકોની નબળાઈ સ્ત્રી હોય તે લડાઈમાં વધુ ટકી શકે નહીં.

દેવેન્દ્ર મગધનો હતો અને તેને વૈશાલીના વિનાશમાં અત્યંત રસ હતો. પરંતુ અંબી તેના મનમાં ઘર કરી ગઈ હતી. તેની પાસે ધન હતું તેથી તેણે અનેક સ્ત્રીઓ સાથે શયનસુખ માણ્યું હતું પરંતુ એ બધી સ્ત્રીઓ તેને અંબી સામે તુચ્છ લાગી. આવું રૂપ, આ કામણગારીકાયા, અકબંધ યૌવન, જાણે સ્વર્ગમાંથી ઉતરી આવી ન હોય!

એક બાજુ દેવેન્દ્ર વૈશાલીના પતનનું સ્વપ્ન જોઈ રહ્યો હતો અને બીજી બાજુ તેનું પતન થઇ રહ્યું હતું! તેને થયું અંબીને હું મેળવીને જ જંપીશ ભલે ગમે તે થાય. હું તેના વગર હવે રહી નહીં શકું, હું જ્યાં સુધી તેને પામીશ નહીં ત્યાં સુધી હું અધૂરો જ રહીશ. તેની તાલાવેલી વધવા લાગી. તેને થયું મારે તેને પામવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. પણ… વૈશાલી એટલે દુશ્મન દેશ, જો તે વધારે અહીં રોકાય તો આ વર્ષકાર જેવા ચકોર રાક્ષસ અને ગણપતિને શંકા જાય, અને જો કોઈ ઓળખી જાય તો મગધ પણ પત્તાના મહેલની જેમ ધ્વસ્ત થઇ જાય.


જે ઘરમાં દિવ્ય વાતાવરણ હતું ત્યાં જાણે કાલીમા છવાઈ ગઈ હતી. આજે અંબીનાં કંઠમાંથી સાંજની આરતી કે ભજનનાં સૂરો વહેતા ન હતા. પોતાના પ્રાણથી પણ પ્યારી પુત્રીની શું આ દશા થશે? ત્રણેય મૌન હતા. કોઈને એ નહોતું સમજાતું કે શી વાત કરાવી. મહાનામન કાંઈ બોલવા, સમજાવવા કે કહેવાની સ્થિતિમાં ન હતા. ધાર્મિક સુદેશાને મોઢે  હંમેશાં ‘ઓમ નમઃ શિવાય’ નાં જાપ થતા રહેતાં. પણ અત્યારે તે એમ કહી શકે તેમ ન હતા કે ‘બેટા, ભોળાનાથ સહુ સારા વાનાં કરશે, તું મન આળું કરમાં. તું મનમાં ઓછું ન લાવીશ.’  તેનો ભગવાન પરથી ભરોસો ઉઠી ગયો હોય તેમ લાગતું હતું. મહાનામન વિચારતા હતા કે હે ઈશ્વર અમે એવું તો શું કર્યું છે કે તેં અમને આવા દિવસો દેખાડ્યા? આવા પ્રશ્નો મોટેભાગે નિરુત્તર જ રહેતા હોય છે. છેવટે પરવશ માણસો નસીબને દોષ દઈને સાંત્વના પામે છે.

રાતના અંધકારમાં ત્રણ માણસોનું મૌન સઘન બની ગયું. મૌનમાં શબ્દો કરતા વધારે તાકાત હોય છે. તે વધારે ધારદાર હોય છે. તેની ગગન જેવી ગંભીરતાથી માણસ ઘણીવાર હેબતાઈ જાય. મૌન ક્યારેક યુદ્ધ પણ નોતરી શકે છે. અહીં મૌન ગાઢ અને વધારે સઘન બનતું જતું હતું. મૌનના ઘાતકી દબાણ હેઠળ ત્રણ ત્રણ હૃદયો રડતા હતા. આંસુ તો બહાર નીકળતા જ ન હતા. એ અંદર ને અંદર થીજી ગયા હતા. એ મૌન હતું કે થીજેલાં હૃદયો?


એક બાજુ મહાનામનનું ઘર ઉજાગરો કરતું હતું અને બીજી બાજુ વૈશાલીના યુવકો!  અંબી રાત્રે દેશ છોડીને જતી ન રહે એ માટે યુવકો રાત્રે અંબીનાં ઘરની ચોકી કરતા હતા. તેઓ પહેરેગીર બની ગયા હતા, રક્ષક બની ગયા હતા!

પ્રભાતના પહેલા પ્રહરનો પ્રારંભ થયો ન થયો ત્યાં તો આખું વૈશાલી અંબીનાં ઘર પાસે એકત્રિત થઇ ગયું. અને સહુ શાંત હતા. વાતાવરણ ભારેખમ હતું. વર્ષકાર, રાક્ષસ, ગણપતિ એવે સમયે ઉચ્ચક જીવે અંબીને ત્યાં આવ્યા. બધાના હૃદયના ધબકારા કાંઇક અજુગતું થયાનો અણસાર આપતા હતા…

મહાનામન અને સુદેશાએ વિષપાન કરી લઇ મોતને શરણે ગયા હતા. તેમણે વૈશાલી કે અંબી કોઈને છોડવા નહોતા. સંથાગારનો ક્રૂર નિર્ણય તેઓ જીરવી ન શક્યાં. તેમનાથી જે ન થઇ શકે તેવો આદેશ પાળવા કરતા તેમનાથી જે આપી શકાય તેમ હતું તે જીવ આપી તેઓ વૈશાલીને છોડીને જતા રહ્યા…

ગણપતિ અંદર ગયા ત્યારે લીલી પડી ગયેલા બે મૃતદેહો પર નજર પડી. એક ખૂણામાં અંબી મસ્તક ઢાળીને બેઠી હતી. તે પથ્થરની મૂર્તિ જેવી બની ગઈ હતી. તે બેહોશ હતી. આ બે અપમૃત્યુ માટે ગણપતિ પોતાને જવાબદાર માનવા લાગ્યો. તેમણે ગણનાયિકાને અવિલંબ આવી જવા સંદેશો મોકલ્યો. તેમણે તેના આવતાની સાથે બધી જવાબદારી તેને સોંપી. બહાર ભીડ બેકાબૂ થતી જતી હતી. તે આ ભીડથી ત્રાસી ગયો હતો તે પોતાના પદ પરથી રાજીનામું આપવા તૈયાર થઇ ગયો. તેને થયું આ પ્રજા માટે તેમણે કેવાં સપનાં સેવ્યા હતાં. ભલે વૈશાલીનું પતન થઇ જતું. આ બે મૃત્યુ માટે પોતે અને આ લિચ્છવીઓ જ જવાબદાર છે. સખત અવાજે ભીડને ઉદ્દેશીને તેમણે કહ્યું, ‘સાંજે સંથાગારમાં મળવું અત્યારે અહીંથી જાઓ. પરિસ્થિતિને સમજો.’

ગણનાયિકા શાણી, સમજુ અને કુશળ હતી. તેણે પોતાનો અનુભવ અને કુશળતાને કામે લગાડી. વૈદ્યરાજને બોલાવ્યા. ઘરમાંથી મૃતદેહો દૂર લઇ જવાયા હતા. ચિકિત્સા પછી પણ ઘણીવારે અંબી ભાનમાં આવી. પણ માતા-પિતાનાં મૃત્યુ યાદ આવતા તે આઘાતથી ફરી બેહોશ થઇ ગઈ. વૈદ્યરાજ મનોમન ગભરાઈ ગયા. તેમની કોઈ દવા અસર કરતી ન હતી. હવે ઉપરવાળાનો જ આધાર રહ્યો. અંબી બેહોશીમાં પણ હીબકાં ભરતી હતી, ધ્રુસકા ભરતી હતી…એ આશાજનક બાબત હતી.


ઘટનાપ્રધાન સાંજે સંથાગાર મળ્યું. સંથાગારમાં માણસો સમાતા નહોતા. એમની વચ્ચે ગણનાયક ગણપતિ, ગણનાયિકા, રાક્ષસ, વર્ષકાર અને મંત્રી પરિષદનાં સભ્યો હાજર હતા. બધાના મુખ પર શોકની કાલીમા છવએલી હતી. ગ્લાની, શરમ, સંકોચ, ક્ષોભ, અને અપરાધભાવથી સહુના મસ્તકો ઝૂકી ગયા હતાં. લિચ્છવીઓની વાસના અને લાલસામાં અંબીએ તેનાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. તે ફરીવાર અનાથ બની ગઈ. શું તે અનાથ રહેવા જ સર્જાઈ હતી?

વાતાવરણ બિલકુલ શાંત હતું. સભાસદો મૌન હતા. ગણપતિએ રડતા અને દુખી હૃદયે કહ્યું: તમે જાણો છો તેમ અંબીનાં માતા-પિતાએ સંથાગારના નિયમો સામે ઝૂકવા કરતા મોતને વહાલું કર્યું છે. ફિટકાર છે આ ગણપ્રજાને. બે નિર્દોષ બ્રાહ્મણોનાં અકાળે થયેલા અવસાન માટે આપણે સહુ જવાબદાર છીએ. આપણે તેમને વિષપાન કરવા હદ ઉપરાંત મજબૂર કર્યા. કોઈપણ મા-બાપ આવું જ કરે. તમને ફરીવાર અનુરોધ કરું છું કે અંબીને નગરવધૂ બનાવવાનો વિચાર પડતો મૂકો. મને વૈશાલીનો સર્વનાશ દેખાય છે. આ રીતે પરાણે કોઈની પુત્રીને ગણિકા ન બનાવાય. હું સંથાગારને માનવતાના ધોરણે આદેશ આપું છું કે તે પોતાનો આ નિર્ણય પાછો લઇ લે તેમાં જ તેમનું, વૈશાલીનું અને આ સંથાગારનું  ગૌરવ જળવાશે. એ પણ જાણી લો કે આ દીકરીને રહેવા, જમવા, ભણવા તથા લગ્ન વગેરેની જવાબદારી આપણા ગણરાજ્યે સ્વીકારી છે. આજ આપણું સાચું પ્રાયશ્ચિત છે.’

સંથાગારમાં સહુ  ગુસપુસ કરતા હોય તેવા ગણગણાટમાં નિર્ણય પાછો લેવાનું નક્કી કરવું સહેલું નહોતું. વૃદ્ધો વચ્ચે પડ્યા અને છેવટે સર્વાનુમતે લેવાયેલો નિર્ણય સંથાગાર પાછો ખેંચે તેમ નક્કી થયું. ગણપતિને માથેથી ભાર હળવો થયો. હવે આ નવો નિર્ણય જાહેર કરવા તે સૌની સમક્ષ આવ્યા. વિષાદ, નિરાશા, ગ્લાનિ, શરમ-સંકોચનાં ભાવો અનુભવતા લિચ્છવીઓ નતમસ્તકે બેઠા હતા. અને ગણપતિએ સંથાગારને એ નિર્ણય જાહેર કરતા કહ્યું કે: ‘અંબીને નગરવધૂ બનવાની ફરજ નહીં પાડવા…

અને અચાનક મંચ ઉપર અંબી આવી…બધા સડક થઇ ગયા. ઘણાખરા તો ઊભા થઇ ગયા. અત્યારે, આ સમયે અંબી સંથાગારમાં! માતા-પિતાની ચિતા હજુ ઠરી પણ નહીં હોય! અંબી ગણપતિની પાસે ગઈ, તેમને પ્રણામ કરી અને કહ્યું, ‘મારે ગણતંત્રને કાંઈક કહેવું છે. તેના નિસ્પૃહ મુખ પરનાં ભાવો કળવા મુશ્કેલ હતા. તેનામાં જાણે અજબની હિંમત, ધૈર્ય, શાંતિ, મક્કમતા, સંકલ્પ અને અદભુત લાલિત્ય આવી ગયું હોય તેમ લાગતું હતું…તે જાણે રણચંડી હોય તેવું લાગતું હતું. ગજબની છે આ અંબી, માતા-પિતાના મૃત્યુને ૨૪ કલાક પણ નથી થયા અને તે આમ છડેચોક જાહેરમાં આવી પ્રજા સમક્ષ ઊભી છે! તે શું બોલશે એ વિષે સહુ તર્ક-વિતર્ક કરવા લાગ્યા. રાક્ષસ, ગણપતિ અને વર્ષકાર સુદ્ધાં અવાચક થઇ ગયા. અને અંબીએ મૃદુ અવાજે બોલવાનું ચાલુ કર્યું:

‘મારા માતા-પિતાએ વિવશ બનીને તમારે લીધે વિષપાન કરવું પડ્યું.  તેમના અપમૃત્યુ માટે હું તમને સહુને અપરાધી ઠરાવું છું. તમે મારા આત્માને ખરીદવા, મને ખરીદવા એકઠા થયા હતા. આ તે કેવી તમારી જોહુકમી, કેવી તમારી બળજબરી! શું તમે તમારી બહેન કે દીકરીને તમે આ રીતે આવી કફોડી હાલતમાં મૂકવાનું ઠરાવશો? સ્ત્રી અબળા ગણાય છે. જન્મે ત્યારે માતા-પિતાથી રક્ષિત હોય છે, લગ્ન પછી પતિથી રક્ષિત હોય છે અને પછી બાળકોથી રક્ષિત હોય છે. સ્ત્રી હંમેશાં રક્ષા-કવચમાં જ રહે છે. તમે જાણો છો કે સ્ત્રીને લીધે જ પુરુષ પ્રગતિ કરી શકે છે, તેના યોગદાનથી જ સમાજ સ્વસ્થ રહે છે. હું સાવ એકલી અને તમે બધા મને પામવા, મને મેળવવા અને પોતાની પત્ની બનાવવા તૈયાર થયા છો પરંતુ તમે કોઈએ ક્યારેય મારો વિચાર કર્યો? હું હજી કિશોરાવસ્થામાંથી બહાર પણ નીકળી નથી. અને મારે વિષે આવા કુટિલ વિચારો કરવા એ પણ પાપ છે. તમારી લોલુપતા, તમારી જિદ્દ અને દુરાગ્રહે મને વિચારતી કરી દીધી. મારા માતા-પિતા તો ગયા…’બોલતાં બોલતા તે રડી પડી. પણ તરત ફરી સ્વસ્થતા ધારણ કરી તેણે આગળ કહ્યું, ‘હું પણ લિચ્છવી છું. હું તમારી ઘેલછા છેલ્લા કેટલાક મહિનાઓથી જોઈ રહી છું. તમે લડો છો, મારામારી કરો છો, તમને ભાન નથી કે તમે શું કરી રહ્યા છો. વૈશાલી આપણું છે. મને નવાઈ એ વાતની લાગે છે કે આ નગરની સ્ત્રીઓ પણ મને ગણિકા બનવા માટે આગ્રહ કરે છે!’

‘મેં ખૂબ વિચાર્યું. ઘણું મનોમંથન કર્યું. અને એ દરમિયાનમાં મારા માતા-પિતાનો ભોગ લેવાયો. હવે હું સાવ એકલી છું. છતાં મને લિચ્છવીઓ પર ભરોસો છે, વિશ્વાસ છે. તમારી સંઘશક્તિ, તમારો સંપ અને તમારી શૂરવીરતા માટે માન છે. એટલે જ મને વૈશાલી પર ગૌરવ છે. હું સાવ નાની છું પણ મારાં ગજા પ્રમાણે કે તેથી પણ આગળનું હું વિચારી શકું છું એ ઈશ્વરની કૃપા છે. ગણપતિની જેમ મેં પણ એવું જ સ્વપ્ન જોયું હતું કે મારી વૈશાલી ભારતવર્ષમાં શ્રેષ્ઠ, સમૃદ્ધ અને અભેદ્ય હોય, કોઈ તેની સામે નજર કરવાની હિંમત પણ ન કરી શકે. વૈશાલી નગરને જો આવું કરવું હોય તો મારી પાછળ પડવાને બદલે વૈશાલીને મહાન બનાવવા પાછળ પડો. મારે માટે તમારી જે લાગણી છે તે ઘેલછાની હદે પહોંચી ગઈ છે, હું તેનો સાચી દિશામાં ઉપયોગ કરવા ઈચ્છું છું.’

‘આજે તમારી અંબી મૃત્યુ પામી છે તેમ માની લો.’ બધા ચોંકી ઉઠયા કે અંબી આ શું બોલે છે? તેનું ચસકી ગયું છે કે શું? અંબીએ લાંબો શ્વાસ લઈને કહ્યું, ‘હું આજથી અંબી નહીં આમ્રપાલી છું. આમ્રપાલી આજથી લિચ્છવી સંઘ સમક્ષ જાહેર કરે છે કે તે વૈશાલીની નગરવધૂ બનવા તૈયાર છે.’

વાતાવરણમાં સોપો પડી ગયો. ગણપતિએ સંથાગારનાં નિર્ણયને પાછો ખેંચાય તેવા પ્રયાસો કર્યા હતા અને તેને બદલે અંબીએ જાતે જ આવીને નગરવધૂ બનવાનું સ્વીકાર્યું. આ શો ચમત્કાર સર્જાયો? શા માટે તેણે આવો નિર્ણય સ્વીકાર્યો? તેને આમ્રપાલીનું આ પગલું ન સમજાયું. પણ સમગ્ર સંથાગારે આમ્રપાલીનાં આ નિર્ણયને તાલીઓના ગડગડાટથી વધાવી લીધો. વાતાવરણની ગંભીરતા થોડી ઓછી થઇ પણ આમ્રપાલીએ એ જ  વાફધારાનો પ્રવાહ ચાલુ રાખ્યો: ‘હું આમ્રપાલી, હું વૈશાલીની છું. હું લિચ્છવી છું. અને આ નિર્ણય પણ મારો છે. પરંતુ લિચ્છવીઓ સમક્ષ મારી કેટલીક શરતો છે. જયારે મારી એ શરતો પૂરી થશે ત્યારે હું નગરવધૂનાં પદનો સ્વીકાર કરીશ. આ શરતો એવી છે કે જેથી મારી સાથે વૈશાલીની પણ ઉન્નતિ થશે. વૈશાલીને ઉત્તુંગ શિખર પર પહોંચાડવાની જવાબદારી આપણી છે. એ માટે આપણે સમન્વય સાધવો જરૂરી છે. હું મારા તરફથી એની જવાબદારી સ્વીકારું છું.’

અને આમ્રપાલી જરા પણ ઝૂક્યા વગર, સડસડાટ જતી રહી. આ સમયે સંથાગારમાં શ્રીમંત વેપારી દેવેન્દ્ર પણ ભીડમાં ભીંસાતો બેઠો હતો. વર્ષકારની દૃષ્ટિ તેના પર ગઈ. તે ઝીણી નજરે તેની સામે જોવા ગયો પરંતુ મેદનીમાં સહુ ઊભા થઇ રહ્યા હતા તેથી તે તેને ધારી ધારીને જોઈ ન શક્યો. દેવેન્દ્ર આમ્રપાલીના વક્તવ્યથી ઝાટકો ખાઈ ગયો હતો. તેને આજે જ સમજાયું કે વૈશાલી શું ચીજ છે! વૈશાલી શા માટે અપરાજિત રહે છે તેની સમજ આજે પડી ગઈ. હવે તેની ઈચ્છા પૂરી કરવાનો રસ્તો તેણે પોતે જ શોધવાનો હતો.

એક નવયૌવના પોતાના રાજ્ય માટે ગણિકા બનવા તૈયાર થઇ જાય છે! લિચ્છવીઓ જો એક સ્ત્રી માટે મરવા-મારવા તૈયાર થઇ જાય તો દુશ્મનો માટે શું ન કરે? દેવેન્દ્રનો આમ્રપાલી માટેનો તલસાટ ચરમ કક્ષાએ પહોંચી ગયો. વૈશાલીનો સંઘ તેનું જમા પાસું છે તો આમ્રપાલી તેની નબળાઈ છે. અને હવે તે મારી પણ નબળાઈ બનતી જાય છે!

પણ આ આમ્રપાલીને સમજવી બહુ મુશ્કેલ છે. તેણે શું કરવા ધાર્યું હશે?

(ક્રમશ:)

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩)