પ્રકરણ ૧૧ : મતિ – બહુમતી
પોતાના માર્ગદર્શન પ્રમાણે ગણપતિ અને રાક્ષસ ચાલે તે માટે તેમનો વિશ્વાસ સંપાદન કરવો જરૂરી હતો. વર્ષકારે પોતાની યોજનામાં નાના ફેરફારો કર્યા. તેણે પોતાની બુદ્ધિ અને જ્ઞાનનાં આધારે એક જડબેસલાક ષડ્યંત્ર રચ્યું. તેણે ગણપતિને કહ્યું કે, ‘અત્યારે મગધમાં ગડબડ ચાલે છે તેનો લાભ લઈને તેના પર આક્રમણ કરવું જોઈએ. હું બધાનું નેતૃત્વ કરીશ.’
અને વર્ષકારની આગેવાની હેઠળ વૈશાલીએ મગધ ઉપર પહેલો હુમલો કર્યો. લડાઈ સારી એવી ચાલી. વર્ષકાર ખરાબ રીતે ઘવાયો. તેની ચિકિત્સા તરતજ કરવામાં આવી. વર્ષકારે વૈશાલીની તાકાતનો પરચો જોયો. મગધ ખરાબ રીતે હાર્યું, તેણે પીછેહઠ કરવી પડી. વૈશાલીને અઢળક ધન અને પુષ્કળ હથિયારો મળ્યા. આનો યશ વર્ષકારને મળ્યો. તેના માનપાન વધી ગયા. તેનું કુટુંબ સહીસલામત વૈશાલીમાં આવી ગયું. હવે વર્ષકાર બિલકુલ નિર્ભય થઇ ગયા. મગધ તેને માટે ભૂતકાળની બાબત બની ગઈ.
વૈશાલીનો ગુપ્તચર બાતમી લાવ્યો કે મગધના બિંબિસારે વર્ષકારનાં માથા માટે ૧ લાખ સુવર્ણમુદ્રાનું ઇનામ જાહેર કર્યું છે. શરત એટલી જ હતી કે તેને મારનાર માણસ મગધનો હોવો જોઈએ. વૈશાલીના ખર્ચે વર્ષકારની સુરક્ષા વ્યવસ્થા વધી ગઈ. તેના શારીરિક જખ્મોને રૂઝ આવતા બે મહિના થઇ ગયા. એટલા સમયમાં પોતાની વિવેકી વાણી અને વર્તનથી વર્ષકારે ગણપતિ તથા રાક્ષસનો વિશ્વાસ સંપાદન કરી લીધો.
વૈશાલીના ગુપ્તચરોની માહિતી પ્રમાણે મગધના શસ્ત્રાગારમાં વૈશાલીના ગુપ્તચરો ગોઠવાઈ ગયા. જે કામ માટે વૈશાલી બહુ મથતું હતું તે વર્ષકારે પથારીવશ રહીને બેઠા બેઠા ગોઠવી આપ્યું. વૈશાલીને હવે દરરોજ નવી માહિતી મળવા લાગી. વૈશાલી સચેત થઇ ગયું. મગધની સ્થિતિ ઘવાએલા વાઘ જેવી હતી. તે ગમે ત્યારે વળતો હુમલો કરી શકે તેમ વર્ષકારે જણાવ્યું. વૈશાલી સચેત થઇ ગયું. તેણે પોતાની સંરક્ષણ રાશિ વધારી દીધી. વૈશાલી આમ પણ સમૃદ્ધ તો હતું જ ને!
પ્રશ્ન વિકટ હતો. અંબીનાં લગ્ન થઇ જાય તો વૈશાલીની પરિસ્થિતિ થાળે પડી જાય. પણ તેના લગ્ન કોની સાથે કરવા? અનેક શૂરવીર યોદ્ધાઓ તૈયાર હતા. કોઈએ સ્વયંવર કરવાનો ઉપાય દર્શાવ્યો. પણ એ પ્રથા વૈશાલીમાં નહોતી. કોઈએ કહ્યું કે કન્યા જેના ગળામાં વરમાળા પહેરાવશે તેની સાથે બીજા બધા યોદ્ધાઓ લડવા લાગશે અને જો એવું થાય તો બધા યોદ્ધા લિચ્છવીઓ અંદરોઅંદર કપાઈ મરે.
પ્રશ્ન સરળ નહોતો. એક વયોવૃદ્ધ વડીલ ધીમેથી પોતાના આસનેથી ઊભા થયા. આ પ્રશ્નનો એક જ ઉપાય છે. સંથાગારમાં રહેલા બધા સભ્યો એ ઉપાય સાંભળવા તૈયાર થઇ ગયા. સહુની આતુરતા વધી ગઈ. વાતાવરણમાં એકદમ શાંતિ પ્રસરી ગઈ…અંબી પણ થોડી સ્વસ્થ થઇ અને શો ઉપાય હશે એ વિચારવા લાગી. તેના માતા-પિતા અંબીની આસપાસ જ બેઠા હતા. શું તેમની ચિંતાનો ઉકેલ આવશે?
તે વૃદ્ધે કહ્યું: ‘એકમાત્ર ઉપાય છે કે જેથી લિચ્છવીઓમાં આંતરવિગ્રહ ટાળી શકાય. તે ઉપાયથી વૈશાલી અખંડ રહેશે. વૈશાલી ભારતના પટ પરથી ભૂંસાઈ ન જાય અને તેનું અસ્તિત્વ યથાવત રહે તે માટે…’
ગણપતિ, રાક્ષસ, અમાત્યો અને નગરજનો અદ્ધરશ્વાસે ઉપાય સંભાળવા માટે એકદમ સતર્ક થઇ ગયા. વૃદ્ધે ખોંખારો ખાઈ, ગળું સાફ કરીને આગળ કહ્યું, ‘આપણે ત્યાં જે પ્રથા ચાલી આવે છે તે મુજબ તેને નગરવધૂ બનાવી દો, સંથાગારે તેને એ પદ સ્વીકારવાની ફરજ પાડવી જોઈએ નહીં તો વૈશાલી ખુવાર થઇ જશે.’ એટલું કહી વૃદ્ધ શાંતિથી પોતાના આસન પર બેસી ગયા.
બધાં ચોંકી ગયા. થોડી વારે નગરજનો સ્વસ્થ થયા. અને એકી સાથે સંથાગારનો પ્રતિભાવ આવ્યો: ‘અમને મંજૂર છે, તેને નગરવધૂ બનાવો. તેને નગરવધૂ બનવાની ફરજ પાડો. અમે તેનો નગરવધૂ તરીકે સ્વીકાર કરશું. અમે તેને માન આપશું અને તેનું સન્માન જાળવશું. તેને નગરવધૂ બનાવવી જ જોઈએ.’
અંબીનું મસ્તક ભારે ભારે થઇ ગયું હતું છતાં તેણે આ શબ્દો સાંભળ્યા. તેનાં માતા-પિતા પર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ ફસડાઈ ગયા. શું અંબી નગરવધૂ બને? શું તે એક ગણિકા બનશે? સંથાગારને એવો હક્ક કોણે આપ્યો કે તે કોઈની પુત્રીને નગરવધૂ બનાવે? આ પ્રથા કોણે શરુ કરી અથવા તે કેવી રીતે શરુ થઇ એ આપણે આ કથાના પ્રારંભમાં જ જોઈ ગયા છીએ. પરંતુ શું અંબી તેનો ભોગ બનશે? કે પછી..
(ક્રમશ:)
ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.