હોટલે પહોંચતાં જ વનલતાને એથી યે કડવો અનુભવ થયો. પોતાના રૂમની ચાવી માંગી ત્યારે મેનેજરે ચાવી આપવાને બદલે બાજુમાં મૂકેલો તેનો સામાન બતાવ્યો અને કહ્યું, ‘તમારે રૂમ ખાલી કરવાની છે.’ વનલતાએ કહ્યું, ‘શા માટે?’ મેનેજરે કહ્યું, ‘તમે કચ્છી શેઠ સાથે ઝઘડો કર્યો છે. અમને કચ્છી શેઠની નારાજગી ન પોસાય. તમે કોઈ બીજી હોટલ શોધી લો.’ હવે તેના મગજની કમાન છટકી, તે બૂમો પાડવા લાગી. પણ કોઈએ તેની વાત સાંભળી નહીં. તે બહાર નીકળી બાજુમાં આવેલી ત્રણ-ચાર હોટલોમાં ગઈ પણ કોઈએ તેને રૂમ ન આપી. કોઈ કચ્છી શેઠની નારાજગી વહોરવા તૈયાર ન હતા. હવે તે ખરેખર ગભરાઈ ગઈ. શું મુંબઈ ઉપર આ કચ્છી શેઠનું રાજ હતું. તેમની આણ એટલી બધી મોટી હતી!
તેની નજર સામે આવેલી પોલીસ ચોકી પર પડી. તેને થોડી શાંતિ થઇ. રસ્તો ક્રોસ કરીને તે પોલીસ સ્ટેશનમાં ગઈ. આખી પોલીસ ચોકી ઊભી થઇ ગઈ. વનલતા કેટલી મશહૂર અભિનેત્રી હતી, તે અહીં, અત્યારે, આ દશામાં? સહુ તેને ઘેરી વળ્યા પણ કોઈ કશું બોલતું નહોતું. તે સામે આવેલી ફોજદારની રૂમમાં ગઈ, ફોજદારે તેને આવકારી. બેસાડી અને પાણી મંગાવ્યું. છેક ત્યારે તેને યાદ આવ્યું કે તેણે છેલ્લા ત્રણ-ચાર કલાકથી પાણી પણ પીધું ન હતું. તે એકી શ્વાસે પાણીનો આખો ગ્લાસ ગટગટાવી ગઈ. થોડી વાર રહીને તેને કળ વળી એટલે દયામણે અવાજે તે બોલી, ‘મારે ફરિયાદ કરવી છે, કચ્છી શેઠે મને લાફો માર્યો છે. કોઈ ટેક્સી મને મારી હોટલ સુધી લઇ જવા તૈયાર નથી. હોટલવાળાએ મને પૂછ્યા વગર મારો સામાન રૂમમાંથી કાઢીને નીચે મૂકી દીધો હતો. આસપાસની બીજી બે-ત્રણ હોટલોમાં રૂમ ખાલી હોવા છતાં મને રૂમ નથી આપતા. મારી ફરિયાદ નોંધો.’
ફોજદારે તેની વાત શાંતિથી સાંભળી. તે બે-ચાર મિનિટ સુધી ચુપચાપ બેસી રહ્યો. વનલતા અકળાતી હતી. પણ ફોજદારના પેટનું પાણી પણ હલતું નહોતું. તે અકળાઈને બબડવા લાગી, ‘મારી ફરિયાદ કેમ લેતા નથી?’ ત્યારે ફોજદારે કહ્યું કે, ‘કચ્છી શેઠની ફરિયાદ અમારાથી ન લેવાય, અમારે કમિશ્નરને પૂછવું પડે અને કમિશ્નર અત્યારે તેમને ઘરે હોય એટલે અમારાથી તેમને ઘરે ફોન કરી શકાય નહીં.’
‘તો હવે મારે શું કરવું?’
‘કચ્છી શેઠ સાથે સમાધાન કરી લો અથવા તમારે ગામ પાછા જાઓ.’ ફોજદારે રસ્તો બતાવ્યો.
આ શું થઇ રહ્યું છે? વનલતાને સમજ પડતી નહોતી. કોઈ તેનો પક્ષ લેવા તૈયાર નહોતું. કોઈ તેની મદદે આવતું નહોતું. તે બધી બાજુએથી ઘેરાઈ ગઈ હતી. માથે રાત જેવું ધાબું છે, હવે શું કરવું? શારીરિક અને માનસિક થાક તથા ભૂખથી તે સાવ હતાશ થઇ ગઈ હતી. તેણે ફોજદારને કહ્યું, ‘મને ભૂખ લાગી છે, મને કાંઇક ખાવાનું મગાવી આપો.’ ફોજદારને દયા આવી, તેણે ચા-બિસ્કીટ મગાવી આપ્યા. તે ખાઈ-પીને થોડી સ્વસ્થ થઇ. પછી તેણે ફોજદારને વિનંતી કરીને પોતાના બે-ચાર મિત્રોને ફોન કર્યા પરંતુ કોઈએ તેને મદદ કરવાની તત્પરતા ન બતાવી. ઉલટાનું તેઓએ તેને ‘કચ્છી શેઠને મનાવી લે’ એવી જ સલાહ આપી!
મુંબઈમાં તે સાવ એકલી અટૂલી હતી. તેણે પોતાને ઘેર પાછા જવાનો નિર્ણય કર્યો. ફોજદારને કહ્યું, મારે મારા ગામ પાછા જવું છે. મને સ્ટેશન સુધી મૂકી જાઓ. વળી ફોજદારને દયા આવી ગઈ, એકલી બાઈ છે એમ માની તેને સ્ટેશને ઉતારી ગયા. તેની પાસે પૈસા પણ નહોતા. વળી તેણે બૂમ પાડીને ફોજદારને બોલાવ્યા. ‘મહેરબાની કરીને મને થોડા પૈસા ઉધાર આપો, હું તમને તરત પાછા મોકલાવી દઈશ.’ આ તેની લાચારી હતી. જે વનલતા માસિક ૩૦૦૦ રૂપિયાના પગારથી કચ્છી શેઠને ત્યાં કામ કરતી હતી તેની પાસે આજે કશું નહોતું. આજનો દિવસ ફોજદારે દયા ખાવાનો હતો. વળી તેણે વનલતાને પચાસ રૂપિયા આપ્યા. એ રૂપિયા લેતાં તેને શરમ આવી પણ શું કરે? તે ટિકિટ બારી પાસે જવા લાગી, પણ તે ટિકિટ બારી પાસે પહોંચે તે પહેલાં અંદર બેઠેલા માણસે ટિકિટબારી બંધ કરી દીધી. બીજી ટિકિટ બારી પાસે તે ગઈ. પૈસા ધરીને પોતાના ગામની ટિકિટ માગી. પરંતુ તેણે પણ બારી બંધ કરી દીધી. બહાર આવીને બંને કલાર્કે તેની માફી માગી અને કહ્યું, ‘તમે કચ્છી શેઠની નારાજગી વહોરી લીધી છે. જો તેમને ખબર પડે તો અમને બંનેને નોકરીમાંથી કઢાવી મૂકે. અમારાથી તમને ટિકિટ ન અપાય.’
વનલતા સડક થઇ ગઈ. છેવટે શું કરવું તે ન સમજાતાં તે એક બાંકડા પર બેસી ગઈ. શું કચ્છી શેઠને પૂછ્યા વગર મુંબઈમાં પાંદડું પણ ન હાલે. શું તેની આવી ધાક છે? હવે શું તેણે સ્ટેશનમાં બાંકડા ઉપર જ રાત વિતાવવી પડશે? આજુબાજુ કેટલાક માણસો તેને કુતૂહલથી જોયા કરતા હતા. પણ કોઈની હિંમત નહોતી થતી કે તેની સાથે વાત કરે.
વનલતા થાકીને બેસી પડી હતી. તેનું મગજ સૂમ થઇ ગયું હતું. તેની એક જ ભૂલ! પોતે શેઠ સાથે ઝઘડો કર્યો. એટલી અમથી ભૂલનાં આવાં અને આટલાં ભયંકર પરિણામો આવશે તેની તો તેને કલ્પના પણ ન હતી. વિચારમાં ને વિચારમાં તે બાંકડા પર જ સૂઈ ગઈ. અને તેને જોવા માટે માણસોની મેદની એકઠી થવા લાગી. તેના નામે ટિકિટબારી પર પડાપડી થતી. તે જે રસ્તેથી પસાર થવાની હોય તે રસ્તા બંધ થઇ જતા. તે પહેરે તે કપડાં ફેશન બની જતા. તેના ચપ્પલની ડીઝાઈનો બજારમાં ધૂમ વેચાતી. તે જે સાડી પહેરે તેને વનલતા સ્ટાઈલ કહેવાતી. છોકરીઓ તેના જેવા વાળ ઓળતી અને ફેશનેબલ ગણાતી, એટલે તેઓ ગૌરવ અનુભવતી. આ વનલતા હજારો પુરુષોની સ્વપ્નસુંદરી હતી…અને આજે તે બાંકડા પર સૂતેલી હતી. આજુબાજુ મચ્છર અને રેલ્વે સ્ટેશનની કચરા ટોપલી પાસે આવેલા બાંકડા પર…
***
પછી શું થયું…?
[‘રણજીત મૂવીટોન’ ના કર્તાહર્તા બોલીવુડના બેતાજ બાદશાહ ‘સરદાર ચંદુલાલ શાહ’ની જીવનયાત્રા પર આધારિત, સતત જકડી રાખે તેવી સંપૂર્ણ નવલકથાનું આ પ્રકરણ તમને જરૂર ગમ્યું હશે. પૂરેપૂરી નવલકથા વાંચવા માટે અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાંથી સંપૂર્ણ પુસ્તક નિ:શુલ્ક ડાઉનલોડ કરી શક્શો.]
શ્રી ગોપાલભાઈ ખેતાણી,
તમારો બ્લોગ ગુજરાતી રસધારા જોયો. સરસ છે. તમારી પ્રસિદ્ધિ કે પૈસાનો મોહ ન હોવાની ભાવના ઉત્તમ છે.
પરંતુ તમારા વિચારો બીજા સુધી પહોંચી શકે તે માટે તમારા બ્લોગનો પ્રસાર થવો આવાશ્યક છે એવું મારું માનવું છે
‘ક્ષમા’ નો પ્રશ્ન દોષ થયો હોય તો કદાચ ઊભો થાય, અહીં તો આનંદ છે…! આભાર. -લેખકો.
આપને મારો બ્લોગ ગમ્યો એ મારા માટે ખૂબ આનંદની વાત. અક્ષરનાદ, રિડ ગુજરાતી, જીગ્નેશભાઈની પ્રેરણાથી થોડો લખતો અને વધુ વાંચતો થયો છું. બ્લોગના પ્રસાર-પ્રચાર માટે ધીરે ધીરે આગળ વધું છું. આપ સૌ શુભેચ્છકોની દુઆઓ થકી અને ગુજરાતી રસીયાઓના વાચન શોખને લીધે કામ આગળ વધશે એવી આશા છે. તો પણ એટલું કહીશ કે અક્ષરનાદ અને રીડગુજરાતી માટે જીગ્નેશભાઈ જે કાર્ય કરી રહ્યા છે તે કરવું આજના સમયમાં બહુ મુશ્કેલ છે. આપ સૌ સર્જનકારો તેમને સહયોગ આપો છો એ ઘણી જ આનંદની વાત છે. જય જય ગરવી ગુજરાત.
ઈ-બુક ડાઉનલોડ કરી. હવે નિરાંતે વાંચીશ. ખુબ ખુબ આભાર.
શ્રી સુરેશભાઈ જાની,
તમે ઇ-બુક ડાઉનલોડ કરી તેનો આનંદ. તમને ફિલ્મોયુગના ઈતિહાસ અને વિકાસમાં રસ છે એ જાણીને વિશેષ આનંદ થયો.
આભાર. – લેખકો.
સમય સમય બલવાન હૈ, નહીં ધનુષ બલવાન;
કાબે અર્જુન લુંટ્યો વહી ધનુષ વહી બાન!
આ ઉક્તી સરદાર ચંદુલાલના જીવનમાં અક્ષરક્ષઃ સાબીત થઈ. ખાલી હાથ આયે થે હમ ખાલી હાથ જાયેંગે. જેવી તેમની જીવનયાત્રા હર્ષદભાઈ અને પ્રકાશભાઈએ રસપ્રદ અને રોચક રીતે વર્ણવી છે. ખૂબ સરસ પુસ્તક. અક્ષરનાદનો આભાર.
શ્રી ગોપાલભાઈ ખેતાણી,
તમે પુસ્તક ઝડપથી વાંચ્યું! તમારા પ્રતિભાવ બદલ અમે તમારા આભારી છીએ.
તમે તે પુસ્તકના પરિશિષ્ટો પર પણ નજર નાખી હશે. તેમાં પણ રસપ્રદ વિગત
મળશે. – લેખકો.
હર્ષદભાઈ, પુસ્તક હું અગાઉ વાંચી ગયો હતો. ત્યારે પ્રતિભાવ ન આપી શક્યો તે બદલ ક્ષમા. પુસ્તક ફક્ત એક સિમ્પલ જીવની ન બની રહેતા રસપ્ર્દ કથા બની છે તે માટે આપ બન્ને લેખકોને અભિનંદન.