હર્ષદભાઈ દવે દ્વારા અનુદિત જે. કૃષ્ણમૂર્તિનું પુસ્તક ‘તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો?’ કૃષ્ણમૂર્તિના વાર્તાલાપનો સંકલિત સંગ્રહ છે. આ જે.કૃષ્ણમૂર્તિનું કદાચ એવું પ્રથમ અનૂદિત પુસ્તક છે જેની ત્રણવર્ષ જેટલા ટૂંકા ગાળામાં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા ત્રણ આવૃતિઓ થઇ છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખને અંતે મૂકી છે. તે યુવાવર્ગમાં ખૂબ લોકપ્રિયતા પામ્યું છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ મોકલવા બદલ હર્ષદભાઈનો ખૂબ આભાર. આ સુંદર પુસ્તકનો પ્રાથમિક પરિચય તેઓ નીચે મુજબ આપે છે.
* *
હું વિગત ૩૦ વર્ષથી જે. કૃષ્ણમૂર્તિના વિચારોના સંપર્કમાં છું. એ મારું સદભાગ્ય છે. એ ત્યારે દ્વિગુણિત થયું કે જયારે મને તેમના વીસેક પુસ્તકોને ગુજરાતીમાં ઉતારી જિજ્ઞાસુ ગુજરાતી વાચકગણ સમક્ષ મૂકવાનો અવસર સાંપડ્યો. અનુસર્જનની એ યાત્રા દરમિયાન જે.કે.ના વિચારો વધુ ને વધુ વાગોળવાનો, સમજવાનો મોકો મળ્યો. એ સંમાર્જનને આભારી છે કે હું અત્યારે તેમના કેટલાક વિચારો પ્રસ્તુત કરવાની હામ ખેડું છું.
આપણે ‘તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો?’ એ ગ્રંથ વિષે, કેટલીક જીવનલક્ષી બાબતો પર થોડી વાત કરીશું. પરંતુ એ પહેલાં આ ગ્રંથમાં જે ચિંતન પ્રકટ કરવામાં આવ્યું છે તેના પ્રસ્તુતકર્તા વિષે આપણે જાણી લઈએ:
જે.કૃષ્ણમૂર્તિનો જન્મ આજથી ૧૨૩ વર્ષ પહેલાં થયો હતો. તેઓ તેમના પિતાનું આઠમું સંતાન હોવાથી તેમનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું. સાધારણ સ્થિતિના પિતાનું આઠમું સંતાન પણ સાધારણ જ હોય એવું અહીં નથી. કૃષ્ણના ચહેરા પરનું તેજ જોઇને થીયોસોફી સોસાયટીના લેડબીટર તેમના તરફ આકર્ષાયા. તે દરમિયાન એ સંસ્થાના વડા એની બેસન્ટને સ્વપ્ન આવ્યું કે એ કૃષ્ણ જગદગુરુ બનવા સર્જાયા છે. એટલે તેમણે કૃષ્ણને દત્તક લીધા. તેમણે કૃષ્ણને જગદગુરુ તરીકે તાલીમ આપવી શરુ કરી. જયારે કૃષ્ણને જગદગુરુ તરીકેનું પદ સંભાળવાનું આવ્યું ત્યારે તેમણે એ પદનો અસ્વીકાર કર્યો. અને એ માટે તેમને દાનમાં મળેલી કરોડોની સંપત્તિ તેમણે દાતાઓને પાછી સોંપી દીધી.
ત્યારબાદ તેમણે પોતાનું મૌલિક ચિંતન શરુ કર્યું. તેમના વિચારો બિલકુલ તેમના પોતાના જ હતા. તેમાં તેમણે કોઈ પુરાણો, શાસ્ત્રો કે વેદોની વાતોનો આધાર લીધો ન હતો. કોઈ વ્યક્તિ કે ધર્મનો પણ એમના વિચારો પર પ્રભાવ ન હતો.
તેમણે માનવજાતનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેમણે જોયું કે લાખો વર્ષોથી માનવી દુખ ભોગવતો રહ્યો છે. તેના જીવનમાં અપાર મુશ્કેલીઓ છે, દુઃખો છે, વેદના અને વિપત્તિઓ છે, ગેરસમજ છે, અજ્ઞાન છે. માનવ જીવનને લગતા આવા અનેક વિષયો પર તેમણે ગહનપણે મનન કર્યું અને તેનો ઉપાય શો હોઈ શકે તે વિષે વિચાર્યું. તેમના ૯૦ વર્ષના જીવનકાળ દરમિયાન તેમણે સમગ્ર વિશ્વમાં ૬૫ વર્ષ સુધી ભ્રમણ કરીને માનવજાતને જાગૃત કરી.
‘ટાઈમ’ મેગેઝીન જણાવે છે કે ‘૨૦મી સદીના મહાન પાંચ સંતોમાં એક છે જે.કૃષ્ણમૂર્તિ.’ તેમનું સારી રીતે જીવન જીવવા માટેનું શિક્ષણ બે કરોડ શબ્દોમાં, ૭૫ ગ્રંથોમાં, ૭૦૦ ઓડિયો કેસેટ્સમાં અને ૧૨૦૦ વિડીયો કેસેટ્સમાં સચવાયું છે. તેમનાં પુસ્તકોનો બાવીસ ભાષાઓમાં અનુવાદ થયો છે અને તેની અત્યાર સુધીમાં ૪૦ લાખ નકલો વેચાઈ ચૂકી છે. ભારતના આ મહાન સંતનું ચિંતન ખરેખર આપણે સહુએ સમજવા જેવું છે અને જીવનમાં અમલમાં મૂકવા જેવું છે. તેઓ પોતે જાતિ, ધર્મ અને પરંપરા કે કોઈ દેશના નાગરિકત્વથી પર હતા.
તેમનું ચિંતન ખરેખર આપણને ગંભીરતાથી વિચારતા કરી દે તેવું છે. વિશ્વના બધા જ ધર્મોએ આપેલું શિક્ષણ તેમજ તેમણે પોતે આપેલા શિક્ષણનું આધિપત્ય સ્વીકારવાનું પણ તેમને નકાર્યું છે. તમારો પથ તમે જાતે જ બનાવો. તમારી કેડી તમે જાતે જ કંડારો. કૃષ્ણમૂર્તિ યુગપુરુષ છે. તેમના જેવી અપૂર્વ મૌલિકતા જવલ્લે જ જોવા મળે.
હવે આપણે તેમના પુસ્તક ‘તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો?’ એ વિષે જાણશું.
—-
આપણે પૂરું જીવન જીવી નાખીએ છીએ પણ આપણને તે સારી અને સુંદર રીતે નહીં જીવ્યાનો અફસોસ રહી જાય છે. ઘણીવાર તો અફસોસ કરવાની તક પણ મળતી નથી. માનવીનો આ અફસોસ જે.કૃષ્ણમૂર્તિના ચિંતનનો મુખ્ય વિષય છે. આપણાં જીવનમાં પ્રસન્નતા, ખુશી, નિર્ભયતા, મુક્તિ અને સ્વાસ્થ્ય જેવી તમામ બાબતોનું અત્યંત મહત્વ છે. દરેક માનવી અજ્ઞાનવશ માનસિકપણે બંધાઈ જઈને જે દુખો ભોગવી રહ્યો છે એ જોઇને તેમનું કરુણાસભર હૃદય દ્રવી ઊઠતું હતું. માણસ શા માટે વર્તમાનમાં સુખથી જીવવાને બદલે ભૂતકાળના અનુભવોનો સંગ્રહ કરીને તેમજ વિચારો દ્વારા પોતાના જીવનના વર્તમાન અને ભવિષ્યને દુઃખમય બનાવે છે? માટે જ ‘તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો?’ એ જાણવું અને સમજવું ઘણું મહત્વનું છે.
માનવ જીવનનો હેતુ, જીવનમાં ભય, ક્રોધ, હિંસા, સંબંધો અને ધ્યાન વિષે તેઓ જે કહે છે તે ખરેખર સહુએ ગંભીરતાપૂર્વક સમજવું રહ્યું. આપણો સંબંધ વ્યક્તિ સાથે જ નહીં પણ પ્રત્યેક વસ્તુ અને પ્રકૃતિ સાથે પણ એટલો જ મહત્વનો છે. સંબંધ વગર મનુષ્યના અસ્તિત્વનું મહત્વ શું છે?
આ પુસ્તક માત્ર વિચારોનો સંગ્રહ નથી પરંતુ તે માનવ માત્રના જીવનને સ્પર્શતી ઘણી બધી વાતોને સમજવા માટે ઉમદા માર્ગદર્શન આપતું એક સુંદર પુસ્તક છે. તમે તમારા જીવનને વધારે સારી રીતે કેવી રીતે જીવી શકો તે માટે અમલમાં મૂકી શકાય એવી ઘણી બાબતોને તેઓ સુંદર રીતે રજૂ કરે છે. વિશ્વમાં વિસ્તરતા જતા ત્રાસવાદને ડામવા માટે, વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે આ પુસ્તકનું મૂલ્ય ઓછું આંકીએ તો એ આપણી અક્ષમ્ય ભૂલ જ ગણાય.
જે. કૃષ્ણમૂર્તિના પુસ્તકોમાંથી ઉત્તમ વિચારોનું કાળજીથી સંકલન કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. તે યુવાવર્ગને શિક્ષણ અને જીવન તરફ જોવાની એક નવી અને અદભુત દૃષ્ટિ આપે છે. આ પુસ્તક માનવ-જીવન જેટલું જ વિસ્તૃત અને મહત્વનું છે! અહીં આપણે તેમાંથી ફક્ત ‘જીવનનો હેતુ’, ‘ભય’, ‘ક્રોધ’ અને ‘હિંસા’, ‘સંબંધ’ શું છે અને ‘ધ્યાન’ એટલે કે ‘અવધાન’ વિષે જ વાત કરશું. સહુ પ્રથમ જોઈએ ‘જીવનનો હેતુ શો છે?’ તે…
જીવનનો હેતુ શો છે?
તમે કોણ છો? તમે એટલે આપણે સહુ. તમે એટલે હું, સમગ્ર માનવજાત. તમે એટલે તમારું, મારું, આપણું મન. આપણે જીવનમાં જે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ તેને સમજીએ તો કદાચ તેની પેલે પાર જઈ શકાય. તેથી આપણે આપણાં મનની પ્રક્રિયાને સમજવી બહુ જ જરૂરી છે. મન એટલે આપણા વિચારો, આપણી સ્મૃતિ, આપણા અનુભવો. આપણે સહુ જે સમસ્યાઓનો સામનો કરીએ છીએ તેને સમજવા માટે આપણને આપણા પોતાના વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. તે માટે જાગૃતિ જોઈએ. આ એક પ્રક્રિયા છે. પોતાને જાણવા માટે આપણે કાર્યરત હોઈએ ત્યારે સભાન હોવું આવશ્યક છે. એ જ સંબંધ છે. જે તમે છો તે જ વિશ્વ છે. તેથી તમારો સંઘર્ષ માનવજાતનો સંઘર્ષ છે.
તમે બદલાશો તો તમે વિશ્વમાં પરિવર્તન લાવશો. પોતાને જાણ્યા વગર પરિવર્તન થઇ શકે નહીં. પરિપકવતા સમજણથી આવે છે, તેને ઉંમર સાથે નિસબત નથી. સમસ્યા પર વધારે પડતો વિચાર કરવાથી તે વધારે જટિલ બની જાય છે. તેથી સમસ્યાને સર્વાંગીપણે જોવી જોઈએ. આપણે માથે યુદ્ધોનું જોખમ ઝળુંબે છે, આપણા સંબંધોમાં અપાર અવરોધો છે. માટે સમસ્યાને સંપૂર્ણપણે જોવી જોઈએ. તે માટે મારે મારા અનુબંધનોમાંથી મુક્ત થવું જોઈએ. મારી પરંપરા, પૂર્વગ્રહો, માન્યતાઓથી મારે મુક્ત થવું જોઈએ. મારે ‘હું’ થી મુક્ત થવું જોઈએ. વિચાર ‘હું’ ની પ્રવૃત્તિને વેગ આપે છે. મનની આવી પ્રવૃત્તિ ચાલુ રહે ત્યાં સુધી પ્રેમ ન સંભવે. જ્યાં પ્રેમ હોય ત્યાં સામાજિક સમસ્યાઓ નથી હોતી. આપણે જીવનમાં સલામતી, સુખ અને આનંદ ઈચ્છીએ છીએ. પણ સુખનો પીછો કરી શકાતો નથી. આનંદ અને મોજશોખ તેને ગુમાવી બેસવાના ભયમાં ફેરવાઈ જાય છે. આનંદ જરૂર માણો પણ સમજીને માણો. તેમાં ‘મારો આનંદ’ ‘મારું સુખ’ કે ‘કબજામાં લેવાની ભાવના’ જેવું ન ભળવું જોઈએ. કારણ કે તેમાં પરાધીનતા છે. ત્યાં ભય છે. આનંદની ઈચ્છા ધરાવતા ‘હું’ ની ગેરહાજરી હોવી એ પણ આનંદ છે. શારીરિક સલામતીની ઈચ્છા યોગ્ય છે. પણ માનસિક સલામતી જેવું કાંઈપણ છે જ નહીં. એ અસલામતીની હકીકતનું ભાન થાય ત્યારે માનવી છેલ્લે પાટલે જઈ બેસે છે. તે પાગલ થઇ જાય છે અથવા આત્મહત્યા કરવા તૈયાર થઇ જાય છે અથવા તે ધાર્મિક બની જાય છે!
આપણે અસંતુષ્ટ, દુખી, કમનસીબ, એકાકી, જેને કોઈનો પ્રેમ નથી મળ્યો એવા અને ભયભીત છીએ માટે આપણે કાંઈક શોધતા રહીએ છીએ. કોઈ વળગણ શોધીએ છીએ. આમ શોધવું ન જોઈએ. તમે તમારી જાતે વિચારીને એ શોધી કાઢો કે શા માટે શોધવું ન જોઈએ. તમે જાતે જ તેની તપાસ કરો.
જીવનની મઝા તેને જીવવામાં છે, જ્યારે જીવનમાં ભય, અનુકરણ કરવાની તાલીમ મળી હોય ત્યારે આપણે ખરેખર જીવન જીવતા નથી હોતા. કોઈનું દાસત્વ કે આધિપત્ય સ્વીકારી તેને અનુસરવું એ જીવન નથી. તમે જાતે નિરીક્ષણ કરશો તો જણાશે કે આપણે બીજાને અનુસરીએ છીએ અને તેને ‘જીવન’ કહીએ છીએ. મન શા માટે કોઈને અનુસરે છે? તે પ્રક્રિયાને સમજવામાં તેનાથી મુક્તિ મળે છે. કારણ કે આપણે ગૂંચવણમાં છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણે શું કરવું તે આપણને બીજું કોઈ કહે. તેથી જ આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક ગુરુઓ દ્વારા આપણું શોષણ થાય છે. સફળતાની પાછળ પડવું એ જીવન નથી. આપણે જીવનના મહત્વને જાણતા નથી. આપણે જાણીએ છીએ માત્ર ભયને અને સિદ્ધાંતોને.
જીવન અસાધારણ ચીજ છે. જીવનનો હેતુ શો છે તેની ચર્ચા કરતાં આપણે એ શોધવાનું છે કે આપણે જીવનનો શો અર્થ કરીએ છીએ. શબ્દકોશ પ્રમાણે નહીં. જીવનમાં રોજીંદી ક્રિયાઓ, રોજના વિચારો, લાગણી વગેરે છે. તેમાં સંઘર્ષ, પીડા, દુખો, છળ-કપટ, ચિંતા, ઓફિસનું કામ પણ છે. આ બધાનો સરવાળો એટલે જીવન. જીવન માત્ર ચેતનાનું પડ નથી. તે લોકો અને વિચારો સાથેનો આપણો સંબંધ છે.
જીવનમાં આપણી મુશ્કેલીઓનો ઉપાય આપણે જાણતા નથી કારણ કે આપણે જીવનની રોજીંદી પ્રવૃત્તિઓને સમજતા નથી. માટે આપણે જીવનનો કોઈ હેતુ ઈચ્છીએ છીએ. પરંતુ જો હું કેવી રીતે જીવવું એ સમજું તો જીવવું જ પૂરતું છે. હું નક્કી કરું છું કે મારા જીવનનો હેતુ શો હોવો જોઈએ. તે મારી ઈચ્છા છે. આમ હેતુનું સર્જન થાય છે. સાચી રીતે જોઈએ તો તે જીવનનો હેતુ નથી. મનને ખોટા ખ્યાલો અને અનુબંધનોથી મુક્ત કરવું વધારે અગત્યનું છે. મનને મુક્ત કરવું એ પોતે જ એક હેતુ બની જવો જોઈએ. કારણ કે મનની એ મુક્તિ જ સત્ય શોધી શકે.
આપણી અંદર અવ્યવસ્થા, ગૂંચવણ, અનિશ્ચિતતા છે. તેથી લક્ષ્ય, ધ્યેય કે હેતુની ઈચ્છા ઉદભવે છે. તેને બદલે આપણે આપણી ગૂંચવણ, દુખ તથા ભયને સમજવા જોઈએ. આપણે તેને કેમ દૂર કરી શકીએ તેની સાથે આપણે નિસબત છે. મુશ્કેલીઓથી ભાગીએ નહીં પણ તેને સમજીએ. જીવવાની આપણી રીતમાં પરિવર્તન થવું જ જોઈએ. તે માટે આપણે કોઈના પર આધારિત ન રહેવું જોઈએ.
હવે આપણે ભય, ક્રોધ અને હિસા વિષે સ્પષ્ટતા મેળવશું…
વર્તમાન સમયમાં દરેક માનવી ભયભીત છે. આપણા પર બાહ્યપણે અને આંતરિકપણે પણ ભયનો ઓથાર છે. બહારની બાબતોમાં જે ભય છે તે કામ-ધંધો ગુમાવી બેસવાનો ભય, પૂરતું ભોજન ન મળવાનો ભય, હોદ્દો ગુમાવી બેસવાનો ભય, ઉપરીના ખરાબ વર્તનનો ભય વગેરે છે. અને આંતરિક ભય પણ ઓછો નથી. મૃત્યુનો ભય, સફળ ન થવાનો ભય, એકલતાનો ભય, પ્રેમ ન પામવાનો ભય, કંટાળાનો ભય વગેરે.
આ ભયથી મુક્ત કેવી રીતે થવું? ભય મનને અંધકારથી ભરી દે છે, તેથી મન મંદ થાય છે. ભયમાંથી જ હિંસા ઉદભવે છે. એ જ રીતે ભયમાંથી કોઈ પ્રત્યે ભક્તિ પણ ઉદભવે છે. પણ પોતાની સુરક્ષાની બાબતમાં શારીરિક ભય સ્વાભાવિક છે. એ ભય આપણને પ્રાણીઓ તરફથી વારસામાં મળેલો છે. જેમ કે પ્રાણી હિંસક હોય છે, ખાઉધરા હોય છે, તેમને થાબડવામાં આવે તે તેમને ગમે છે, તેઓ સુવિધા શોધતા ફરે છે અને માણસો પણ એમ જ કરે છે. પ્રાણીઓ સંગ્રહ કરે છે, હરીફાઈ કરે છે, સમૂહ ધરાવે છે અને માણસો પણ એવું જ કરે છે. તે સમાજમાં રહે છે. શું આપણે પ્રાણી જેવી એ વૃત્તિ અને એવાં પરંપરાગત બંધનોથી મુક્ત થઇ શકીએ? તેની પેલે પાર જઈ શકાય તો નવું જ પરિમાણ મળે. પણ એ શોધવા માટે મન ભયથી મુક્ત હોવું જોઈએ.
આપણને સહુને ખોરાક, વસ્ત્ર, ઘર વગેરેની જરૂર પડે છે. સરકાર આ સમસ્યાનું નિરાકરણ કરી શકતી નથી. કોઈ રાજકારણી પણ તેનો ઉકેલ લાવી શકતા નથી. રાજકારણીઓએ વિશ્વને દેશોમાં વિભાજિત કરી નાખ્યું છે. રાષ્ટ્રવાદ અર્થહીન છે. અહીં સમસ્યા છે માનવી-માનવી વચ્ચે એકતા સ્થાપવાની. જો રાષ્ટ્રીયતાના આવાં ક્ષુલ્લક વિભાજનોને વળગી રહીએ તો વિશ્વમાં એકતા સ્થાપી ન શકાય. ઘર સળગતું હોય ત્યારે તાત્કાલિક પાણીનો ઉપયોગ કરવો જ પડે. રાષ્ટ્રીયતા, ધર્મ, માન્યતા વડે માનવી વિભાજિત થઇ ગયો છે. માણસ વિરુદ્ધ માણસ ઊભો થયો છે. તેવામાં ભયથી મુક્ત થવું મુશ્કેલ છે. ઘણા લોકોને તો એ પણ ખબર નથી કે તેઓ ભયભીત છે! તેથી યે આગળ કહીએ તો આપણને એ ખબર નથી કે આપણે શેનાથી ભયભીત છીએ. અને એ જાણ થાય ત્યારે શું કરવું તેની આપણને ખબર પડતી નથી. તેથી આપણે ‘જે છીએ’ તેનાથી ભાગી છૂટીએ છીએ. આથી ભય વધે છે.
ભય વિચારવાથી ઉદભવે છે. ગઈકાલમાંથી આવતો આવતી કાલનો ભય, બીમાર પડવાનો ભય, પીડા ભોગવવાનો ભય વગેરે પ્રકારના ભય માણસને સતત સતાવે છે. ભૂતકાળ કે ભવિષ્યના વિચારોની પ્રક્રિયા ભય ઉત્પન્ન કરે છે. ભય હંમેશાં કોઈ વસ્તુના સંબંધમાં જ અસ્તિત્વ ધરાવે છે. એ વિચાર છે જે ભય ઉત્પન્ન કરે છે. વિચાર જ એવો સમય છે.
ભય આનંદ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ભયની જેમ આનંદ પણ વિચાર સાથે સંકળાયેલો છે. વિચાર આનંદ અને ભયનું સર્જન કરે છે. એકવાર થયેલા અનુભવની ઈચ્છા મન ફરી ફરીને કરે છે – તે તેના વિષે વિચારવાનું ચાલુ રાખે છે. પણ શું આનંદ અને પીડા વિષે ન વિચારવું સંભવિત છે? શું જયારે જરૂર હોય ત્યારે જ વિચારવું અને એ સિવાય ન વિચારવું સંભવિત છે? વિચાર મનફાવે તેમ દોરવાઈ ન જવો જોઈએ. અલબત વિચાર બહુ જ જરૂરી સાધન છે. અમુક બાબતોમાં વિચાર અનિવાર્યપણે જરૂરી છે. પણ વિચાર ભવિષ્યમાં કે ભૂતકાળમાં જઈને આનંદ કે ભયનું સર્જન કરે ત્યારે તે મંદ થઇ જાય છે. તો આપણે આવું અતીત વિષે કે પોતાની સુરક્ષા વિષે અને ભવિષ્ય વિષે વિચારવાનું બંધ કરવું જોઈએ.
સાચી રીતે જીવન જીવવા પર પૂરેપૂરું ધ્યાન આપીએ તો આવી વિચારણાનો અંત આવે છે. તેની સાથે ભયનો પણ અંત આવે છે. કોઈપણ વ્યક્તિ કે વિચાર પર આધાર રાખવાથી ભય ઉત્પન્ન થાય છે. દાસત્વ અથવા પરાધીનતા અજ્ઞાનમાંથી આવે છે. ત્યારબાદ ક્રોધ અને હિંસા પ્રવેશે છે…!
ક્રોધ અને હિંસા
ક્રોધમાં એકાકીપણા જેવી ખાસિયત હોય છે. તે થોડા સમય માટે દુખની જેમ આપણને અળગા કરી નાખે છે અને બધા સંબંધોનો અંત લાવે છે. ક્રોધમાં કામ ચલાઉ શક્તિ અને જોશ હોય છે. ક્રોધમાં હતાશા છે. તે કોઈને વ્યથા પહોંચાડવાની તીવ્ર ઇચ્છા પર હિંસક વળાંક ધારણ કરે છે અને તે પોતાને વાજબી ઠરાવે છે. ખુદને ટેકો આપવા માટે આપણે દરેક ઉપાય અજમાવીએ છીએ. તે ઘૃણા કે નફરત કરવા જેવો જ સરળ ઉપાય છે.
અચાનક ગુસ્સે થઇ જવું અને તરત જ ભૂલી જવું એ એક વાત છે પરંતુ જાણી જોઇને મનમાં ભરી રાખેલો – ભારેલો ક્રોધ, મનમાં ઘૂંટાતો, વિનાશક તકની રાહ જોતો ક્રોધ સાવ જુદી જ વાત છે. આવા શારીરિક અને માનસિક ક્રોધને આપણે વાજબી ઠરાવીએ છીએ. પણ તે યોગ્ય નથી. આપણે સહજભાવે ક્યારેય એમ નથી કહેતા કે આપણે ગુસ્સે થયા છીએ અને ત્યાં જ અટકી નથી જતા. આપણે તેની વિગતમાં ઊતરીએ છીએ. આપણે અદેખા છીએ, કટુ છીએ એમ સહજભાવે સ્વીકારતા નથી. આપણે સામે પ્રશ્ન પૂછીએ છીએ કે ઈર્ષ્યા વગર પ્રેમ કેવી રીતે હોઈ શકે. મારો ક્રોધ બીજાને કારણે છે એવા ખુલાસા કરીએ છીએ. તેને મનમાં જાળવવાથી તે ઊંડે ઊતરે છે. મૌન કે શબ્દો ઢાલ જેવા બની રહે છે. તે આપણી શોધમાં અવરોધક બને છે. આપણને પ્રશંસા ન મળે કે આપણી આશા ન ફળે ત્યારે આપણે હતાશ, કટુ કે ઈર્ષ્યાળુ બની જઈએ છીએ. ત્યારે આપણે બીજા કોઈ ઉપર દોષારોપણ કરીએ છીએ.
હું તમારા પર આધારિત છું તેનો અર્થ એ છે કે હું મારા માટેની મારી પોતાની જવાબદારીથી દૂર ભાગું છું. આથી મારા મનમાં ભય અને ક્રોધ ઉત્પન્ન થાય છે. એ ક્રોધ નિરાશા, રીસ, કટુતા, ઈર્ષા, હિંસા જેવાં ઘણાં સ્વરૂપે પ્રકટ થાય છે. મનમાં સંઘરી રાખેલો ક્રોધ એક સમસ્યા છે. ધૂંધવાટ વિનાશક છે. તેનો ઉપાય છે જતું કરવાની ભાવનાની. મનમાં ક્રોધ ભરી રાખવામાં, તેને ઘૂંટવામાં, ક્ષમા કરવાની ભાવના કરતાં હિંસક ભાવના વધારે પ્રબળ હોય છે. મનમાં ગુસ્સો ન હોય ત્યારે ક્ષમા બિનજરૂરી છે. દુખી થવાની ભાવનામાં બેપરવાઈ કે જડ સખ્તાઈ ન હોવા જોઈએ. મન કરુણાસભર બનવું જોઈએ. કેવળ ઈચ્છા કરવાથી જ ક્રોધથી છુટકારો મેળવી શકાતો નથી. ક્રોધમાં જે પ્રબળ ઈચ્છા છે તે હિંસાનો જ અંશ છે. ઈચ્છામાંથી સંકલ્પ ઉદભવે છે. પ્રબળ ઈચ્છાનો સ્વભાવ જ આક્રમક અને વર્ચસ્વ જમાવવાનો છે. ક્રોધની ઈચ્છાનું દમન કરવાથી તે બીજા સ્વરૂપે બહાર આવે છે. અને તે પણ હિંસાનો જ અંશ રહે છે. અહિંસાના વિચારો કરવાથી હિંસા મુક્ત થઇ શકાતું નથી. પરંતુ એ ઈચ્છામાં અપેક્ષાની સમજણ ભળે ત્યારે ક્રોધ મુક્ત થઇ શકાય છે.
સમજણ વગરની અપેક્ષા દુખ અને ક્રોધનું કારણ બને છે. અપમાન, અણગમતા શબ્દો આપણને ક્રોધિત કરે છે. પરંતુ ખુશામદથી આપણે ખુશ થઈએ છીએ. જયારે આપણી લાગણી દુભાય છે ત્યારે આપણા અહંકારને ચોટ પહોંચે છે. આપણા વિશેની આપણી ધારણાને ઠેસ પહોંચે છે. મનમાં પોતાને વિષે કોઈ ધારણા કે ગ્રંથિ ન બાંધવી જોઈએ. વાસ્તવમાં આપણે જે છીએ એ વિષે આપણે ક્યારેય અભ્યાસ કર્યો જ નથી. મનમાં ઘારેલા આદર્શો ઘણીવાર ક્રોધ ઉત્પન્ન કરે છે. આપણી ધારણા હકીકતથી વિપરીત હોય છે એ ખુદથી ભાગી છૂટવાની વૃત્તિ છે. પરંતુ તમે જે છો એ હકીકતનું નિરીક્ષણ કરો તો કોઈ તમને દુભવી શકે નહીં તમારો દંભ જાહેર થઇ જાય ત્યારે તમે ક્રોધિત થઇ જાઓ છો, હિંસક બની જાઓ છો. આથી આપણે કલ્પનામાં ન રહીને વાસ્તવિક વિશ્વમાં રહેવું જોઈએ. હકીકતનું નિરીક્ષણ કરવા માટે મનમાં કોઈપણ પ્રકારનો ભય ન હોવો જોઈએ. તેમાં નિર્ણય, મૂલ્યાંકન કે અભિપ્રાય પણ ન હોવાં જોઈએ.
સમજણથી ક્રોધ શાંત થાય છે. જયારે આપણે કોઈ સાથે લડીએ-ઝઘડીએ ત્યારે કદાચ આપણે તેના જેવા થઇ જઈએ છીએ. તમે ક્રોધ કરો તેની સામે હું ગુસ્સે થાઉં તો હું પણ ક્રોધ બની જાઉં છું. હું દુષ્ટ હોઉં અને તમે મારી સાથે દુષ્ટતાથી લડો તો તમે પણ દુષ્ટ બની જાઓ છો. આમ જ થતું રહે છે – યુગો યુગોથી આમ જ ચાલે છે. મારા ક્રોધને ખાળવા હું હિંસક બનું ત્યારે હું સાચા હેતુ માટે ખોટા સાધનનો ઉપયોગ કરું છું. આથી મારો સાચો હેતુ પણ સાચો નથી રહેતો. તેમાં સમજ નથી. તેમાં ગુસ્સાને અતિક્રમવાનું નથી બનતું. ક્રોધ પ્રત્યે સહિષ્ણુ બની, તેનો અભ્યાસ કરી તેને સમજવો જોઈએ. ક્રોધના કારણોને સમજવાથી તેનાથી છુટકારો મળી શકે. દુશ્મનાવટની ભાવના પાછળના કારણોને સમજીને તેને લગતા વિચારોને પોષવાનું બંધ કરવું જોઈએ. આ મહેનતનું કામ છે. તેમાં જાગૃતિ અને બુદ્ધિની જરૂર પડે છે. દુશ્મન-મિત્ર વગેરે વિચારોનું પરિણામ છે. તે માટે આપણે જ જવાબદાર છીએ. બીજા કોઈ અંગે વિચાર કરતાં પહેલાં આપણે આપણા પોતાના વિચારો અને કાર્યોને સમજવા એ વધારે મહત્વની વાત છે. કારણ કે તેથી વિભાજનનો અંત આવે છે. પ્રેમ મિત્ર અને દુશ્મનને અતિક્રમે છે.
અત્યારે વિશ્વમાં સર્વત્ર ઘૃણા વ્યાપેલી છે. આપણે જ એ વિશ્વનું સર્જન કર્યું છે. એ માનવીની અજ્ઞાનતાને કારણે છે. જે તમે છો, તેવું જ આ વિશ્વ છે. તમે ઘૃણા કરવાનું બંધ કરો. વ્યક્તિ વગર વિશ્વ નથી. જો વ્યક્તિ પોતાને બદલીને, ગંભીરતાથી વિચારીને સભાન બને તો એ બધાથી અળગી થઇ જાય છે. વિશ્વમાં ફેલાયેલી આ હિંસાના કારણો કયા છે? એ કારણો ગુસ્સો, ટીકા, કોઈની દાખલ વગેરે છે. રક્ષાત્મક હોવાને લીધે આપણે આક્રમક છીએ. માન્યતાઓ, સિદ્ધાંતો, રાષ્ટ્રીયતા વગેરેના વિરોધ સામે આપણે આક્રમક બનીએ છીએ. માનવી યુગોથી હિંસક શા માટે છે? તમે જાતે જ તેની તપાસ કરો. શા માટે હિંસાનું અસ્તિત્વ છે? પ્રાણીઓમાંથી વરસાગત ઊતરી આવેલી વૃત્તિ, માલિકી હક, પરિસ્થિતિ, સમાજ, સંસ્કૃતિ કે જેમાં આપણે રહીએ છીએ તેમાં સહુ કોઈ પદ અને પ્રતિષ્ઠા માટે લડે છે. જીવિત રહેવા માટે લડવું પડે છે. આવો સમાજ આપણે બનાવ્યો છે. માનસિક સલામતી ન મળતા માનવીના મનમાં ક્રોધ, ભય અને હિંસા ઉત્પન્ન થાય છે. એટલે જ આપણે લગ્નધારાનું નિર્માણ કર્યું છે. સ્ત્રી કે પુરુષ પર કબજો ધરાવી સલામત રહી શકાય. એ સંબંધો પર આક્રમણ થતાં માનવી હિંસક બની જાય છે. પણ માનસિક સલામતી જેવું કશું છે જ નહીં. પતિ કે પત્ની દગો દઈ શકે, માલિકીની મિલકત છીનવાઈ જાય. આનો ઉપાય છે. સહુ પ્રથમ રાષ્ટ્રીયતા ન હોય એવી બાહ્ય વ્યવસ્થા સ્થાપવી જોઈએ. આંતરિક વ્યવસ્થા માટે મન ‘જે છે’ તેનો સામનો અને સ્વીકાર કરે તેવું હોવું જોઈએ. ‘હું હિંસક છું’ એ હકીકતને મારે તેની નિંદા કર્યા વગર કે તેને વાજબી ઠરાવ્યા વગર જોવાની છે, સ્વીકારવાની છે.
જે સમાજ અદેખાઈ, મહત્વાકાંક્ષા, નિર્દયતા અને યુદ્ધ પર આધારિત હોય તેમાં ક્રાંતિ થવી જોઈએ. આક્રમણ કરવા માટે કે સુરક્ષા માટે લશ્કર ધરાવતું રાષ્ટ્ર શાંતિપૂર્ણ ન હોઈ શકે એ હકીકત છે.
હરીફાઈ, મહત્વાકાંક્ષા, સફળ થવા માટેના પ્રોત્સાહન વગેરેને અટકાવો. એમ ન થવાથી ભીતર એક બળવો ચાલ્યા કરે છે. આપણા સામાજિક માળખાને લીધે યુવાનો પ્રમાદી રહે છે. અહં કેન્દ્રિત સ્વાર્થી શોધને જ આપણે સન્માનનીય બનાવી દીધી છે. ખ્રિસ્તી, હિંદુ, બૌદ્ધ, મુસ્લિમ જેવી માન્યતાઓના અને સિદ્ધાંતોના વિભાજનોને લીધે જ સંઘર્ષ ઉત્પન્ન થાય છે. તેમાં સંઘર્ષ દૂર કરવા માટે જે ઉપાયો અજમાવવામાં આવે છે તે કારગર નથી. એ તો મૂળભૂત પ્રશ્નને ઉપરછલ્લી રીતે જ હાથ ધર્યો કહેવાય. પણ સાચા મૂળ પ્રશ્નને હાથ પર લેતા અળખામણા બની જવાનો ડર રહે છે. અલગ અભિગમથી સામાજિક માળખાને જોઈએ તો કદાચ મન આ વાત સમજે અને તો આપણે સાચી શાંતિ સ્થાપી શકીએ એવું શક્ય બને. આ રાજકારણીઓની બનાવટી શાંતિ સ્થાપવાની વાત નથી!
ત્યારે માનવી-માનવી વચ્ચે અલગ સંબંધ સ્થાપાય છે. ચાલો જોઈએ કે એ સંબંધ કેવો હોય…
સંબંધ શું છે?
સંબંધ શબ્દનો અર્થ શો છે? સંબંધિત હોવું એટલે શું? શું આપણે કોઈ સાથે સંબંધિત છીએ ખરા? તમે મારા વિષે કોઈ ધારણા બાંધી અને મેં તમારા વિષે કોઈ ધારણા કરી લીધી. આપણો સંબંધ આ બે ધારણાઓ વચ્ચેનો સંબંધ છે એવું તો નથી ને? ચાલો તપાસીએ. આવી કોઈ ધારણા ન હોય ત્યારે જ કોઈક સાથે સંબંધ સ્થપાઈ શકે. કોઈ વિશે કોઈ ધારણા કે ઈમેજ વગર જોઈએ ત્યારે સંબંધ બને છે. ધારણા કે કલ્પનાની દૃષ્ટિએ જોઈએ તો કોઈ સંબંધ નથી બનતો. બે ઈમેજ વચ્ચેનો સંબંધ એવો છે કે જેનું કોઈ અસ્તિત્વ નથી. સંબંધિત હોવું એટલે કોઈના સંપર્કમાં હોવું. તે પ્રત્યક્ષ અથવા સીધેસીધો – ડાયરેક્ટ – હોય. તે માટે પુષ્કળ સભાનતા હોવી જોઈએ. ધારણા વગરની સભાનતા અથવા અવધાન હોય ત્યારે જ સંબંધ શક્ય બને છે.
સંબંધ નિર્ભરતા નથી. આર્થિક કે માનસિક નિર્ભરતા પર સ્થપાયેલા સંબંધો પરાવલંબન અને ભય સર્જે છે. તેથી માલિકીભાવ પણ ઉત્પન્ન થાય છે. તેમાંથી જ મતભેદ, શંકા, હતાશા જન્મે છે. પણ બીજા ઉપરની માનસિક પરવશતા તેને ગુમાવી બેસવાનો ભય ઉત્પન્ન કરે છે. અને તેની સાથે અનેક ભયાનક સમસ્યાઓ સર્જાય છે. તેથી આપણે સલામતી શોધીએ છીએ. પરાવલંબન વગર કોઈને પ્રેમ કેવી રીતે કરવો એ સમસ્યા સામે આવે છે. આધારને વળગી રહેતા હોવાથી તેમાં ફેરફાર થાય તો આપણે હિંસક બની જઈએ છીએ. આપણે પ્રસ્થાપિત મૂલ્યોને વળગીને પરિવર્તનશીલ જીવનની પ્રક્રિયાનું અનુસરણ કરીએ છીએ. આથી પરિવર્તન અને કાયમી રહેવાની ઈચ્છા વચ્ચે ગજગ્રાહ ચાલે છે.
સંબંધ વગર જીવન ન હોઈ શકે. જીવનને આપણે માલિકીભાવથી દુખી બનાવી દીધું છે. શું તેના વગર પ્રેમ કરી શકાય? તેનો જવાબ માલિકીભાવનાં કારણોની સમજ દ્વારા મેળવી શકાય. ગહન સમજણથી જ આપણા સમાજની સમસ્યાઓ સમજાશે અને તેનો ઉકેલ મેળવી શકાશે.
પરંપરાગત સમાજ વ્યક્તિગત સંબંધોથી જ સર્જાયો છે. તેનો સ્વીકાર તેને ટકાવી રાખે છે. તેમાં લોભ અને માલિકીભાવ છે જે ભ્રમણા ટકાવી રાખવામાં મદદ કરે છે. તેમાં શાંતિ ન રહી શકે. તેમાં કાયદા કે બળ દ્વારા યુદ્ધનો અંત ન લાવી શકાય. શાંતિમય સમાજ સ્થાપવા માટે વ્યક્તિગત સંબંધોને સમજવા જ પડે. માલિકીભાવ ધરાવતા પ્રેમ પર આધારિત સંબંધોથી, એ પ્રક્રિયામાં રહેલાં ભય, હિંસાથી સભાન થવું જોઈએ. ત્યારે સંપૂર્ણ સમજ આવે છે. અને ત્યારે મન એવા વિચારોથી મુક્ત થાય છે. તેથી આપણા સંબંધોમાં સંવાદિતા સ્થપાય છે.
સંબંધોમાં તાણ કે ઘર્ષણ થવાનું મૂળ કારણ આપણે પોતે જ હોઈએ છીએ, તે આપણો અહં છે. આપણે આપણાં વર્તનને સમજીએ તે વધારે મહત્વનું છે. જો એ ગહનપણે સમજાઈ જાય તો સંબંધમાં આમૂલ પરિવર્તન થઇ જાય છે. દરેક સ્તરે, શારીરિક અને માનસિક સ્તરે ધરમૂળથી પરિવર્તન થઇ જાય છે. સમસ્યાઓ પણ મૂળભૂતપણે બદલાઈ જશે. તમે પૂરા સુસંવાદી હો તો જ તમે બીજા સાથે સુમેળ સાધી શકો. બીજાનું નહીં, તમારું પોતાનું જ ધ્યાન રાખો. સમજો કે બીજા પર આધારિત રહેવાથી પરવશતા આવે છે જે ભય અને દુખ ઉત્પન્ન કરે છે. વસ્તુઓ, વ્યક્તિઓ અને વિચારો સાથેનો આપણો સંબંધ જ જીવન છે. સંબંધના અરીસામાં જ આપણે આપણું સાચું સ્વરૂપ જોઈ શકીએ. સંબંધ વગર આપણું કોઈ અસ્તિત્વ નથી. હોવું એટલે સંબંધિત હોવું. વિચારીએ છીએ એટલે સંબંધિત છીએ એવું માનવું સાચું નથી. આપણે છીએ માટે આપણે સંબંધ ધરાવીએ છીએ. સંબંધની સમજણના અભાવને લીધે ઘર્ષણ ઉદભવે છે.
અત્યારે તમે સંબંધના અરીસામાં, તમારા વિચારોના અરીસામાં તમને પોતાને સમજી રહ્યા છો, સુખ આપણા હાથની જ વાત છે. પોતાના નિરીક્ષણથી પોતાને વિષે મળેલું જ્ઞાન અને મળેલી સમજ બીજી કોઈ રીતે મળી ન શકે. તે કોઈ પુસ્તક, ચિંતન કે ગુરુના ઉપદેશથી ન મળી શકે.
કોઈ વિષે ધારણા ન બાંધી લો. એ માનસિક પ્રક્રિયાને અટકાવી દો. પીડા, મૃત્યુ, દુખ, ઘર્ષણ, ભૂખ, એકાકીપણું – આ બધું આપણા મનમાં ધારણા સર્જે છે. મારો ‘અહં’ મારી ધારણા છે. આપણો વિચાર ધારણા સર્જે છે. તે વિચારની પ્રક્રિયા છે. વિચાર જરૂરી છે. માટે ધારણા કર્યા વગર વિચારવું જોઈએ. અભિપ્રાયો ધારણાઓ છે. બે ધારણા વચ્ચે સંબંધ કેવી રીતે હોઈ શકે? જયારે મન ધારણાથી મુક્ત હોય ત્યારે જ સંબંધ સ્થપાઈ શકે.
મારા વિશેની મારી ધારણા મારો અહંકાર છે, તે દુખ ઉત્પન્ન કરે છે. મારો આદર્શ ક્રોધ જાગૃત કરે છે. ‘જે છીએ’ તે આપણી હકીકત છે. મારા વિષે મારી કલ્પના મારો વિચાર છે. તેના પર આક્રમણ થાય છે ત્યારે ક્રોધ, ભય અને હિંસા ઉદભવે છે. પરંતુ સમજીને આપણે આપણા વિચારોનું એટલે કે આપણું પોતાનું નિરીક્ષણ કરીએ ત્યારે આપણને કોઈ વ્યથિત કરી શકે નહીં. આપણે પૂરેપૂરું ધ્યાન આપીએ એ જ આપણી સભાનતા છે.
આ ધ્યાન શું છે?
ધ્યાન જ અવધાન છે.
અવધાન એટલે પૂરેપૂરા જાગૃત રહીને ધ્યાન આપવું. માનસિક સલામતી કે રાહત શોધતા ન રહેવા માટે સતત જાગૃત રહી પોતાનું નિરીક્ષણ કરવું પડે. અહીં મન કેવી રીતે સક્રિય રહે છે તે સતત જોવું એ જ ધ્યાન છે.
કોઈ ખાસ શબ્દોનું રટણ કરવું એ ધ્યાન નથી. તે બેવકૂફી છે, અપરિપકવ બાબતો છે. સચેતન અને અચેતન મનની સમગ્ર પ્રક્રિયાને જાણ્યા વગર ધ્યાન કરવું ખરેખર અયોગ્ય છે. તે બાલીશ પ્રવૃત્તિ છે. તે પોતાને સંમોહિત કરવાનું સ્વરૂપ છે. પરંતુ વિચારવાની પ્રક્રિયાથી સભાન થવું, એક પછી એક પગલું ભરી, કાળજીથી તેમાં તપાસ કરી સભાનતાપૂર્વક આગળ વધવું અને પોતાની જાતે જ પોતાના ‘અહં’ નો ઉપાય શોધી કાઢવો તે ધ્યાન છે. પોતાને વિષે જ્ઞાન મેળવવાથી જ સત્ય-ઈશ્વર-મૃત્યુ અને જીવન શું છે તે શોધવા માટે મનને મુક્ત કરી શકાય.
જયારે તમે જમો ત્યારે જમવામાં જ ધ્યાન આપો, ઝડપથી ન જમો. તો તમારું શરીર આપોઆપ સ્વસ્થ રહે છે. વાત કરતા હો ત્યારે, ઓફિસમાં હો ત્યારે પૂરેપૂરું ધ્યાન આપો. ત્યારે તમારા શરીરની ક્રિયાઓ વિવેકયુક્ત હોય છે. તે બુદ્ધિમાન બની જાય છે. એ બુદ્ધિ જ તેને ક્યારે જાગૃત રહેવું તે જણાવશે. તો તમે એ શોધો કે એવું જીવન કેવી રીતે જીવી શકાય જેમાં આપણે દરેક કાર્ય સંઘર્ષ વગર કરીએ, આપણી ઊર્જા-શક્તિનો બગાડ ન થાય અને તેનો પૂરેપૂરો ઉપયોગ કરીએ. એ જ સાચું ધ્યાન છે.
સંબંધની દરેક ગતિવિધિ પર ધ્યાન આપવું એ ધ્યાનની શરૂઆત છે. શબ્દોનું રટણ, કરવું કે જાપ જપવા, અમુક મુદ્રામાં બેસવું; અમુક રીતે શ્વાસ લેવા, શ્લોકો ઉચ્ચારવા એ ધ્યાન નથી. તેથી મન મંદ, ધીમું અને મૂઢ બની ચૂપ થઇ જાય છે. તે આત્મસંમોહન છે, ધ્યાન નથી.
આવું ધ્યાન કેવી રીતે કરવું? જયારે તમે તમારી પત્ની કે તમારા પતિ સાથે, બાળકો સાથે વાત કરતા હો ત્યારે તેમાં ધ્યાન આપો. તમે તમારા ઉપરી સાથે કે તમારી નીચે કામ કરતી વ્યક્તિ સાથે વાત કરતા હો તે ક્ષણે સજાગ રહીને ખુદ ઉપર ધ્યાન આપો. એકાગ્ર થઇને નહીં. તે યોગ્ય નથી. તે દબાણ છે. તેથી મનને શાંતિ નહીં મળે. સભાન રહો, સજાગ રહો, સચેત રહો અને તમારા પ્રત્યેક વિચારને જુઓ. ત્યારે જ તમે ધ્યાન કરી શકો. ધ્યાન આપ્યા વગર ધ્યાન થઇ શકે નહીં.
આવું ધ્યાન અદભુત છે કારણ કે તે મનમાં સ્પષ્ટતા લાવે છે. ત્યારે ધ્યાન મૌન હોય છે અને એ મૌન જીવનને લયબદ્ધ કરે છે. જયારે તમે તમારા પ્રત્યેક શબ્દ પર, હાવભાવ પર, તમે જે કહેતા અને અનુભવતા હો તેની એકેએક બાબત પર, મનના હેતુ પર – તેને સુધાર્યા વગર – માનસિકપણે તમે જાતે ઉપસ્થિત રહો ત્યારે તેમાંથી મૌન મળે છે. તે મૌન આગવી સ્વયં શિસ્ત પ્રકટ કરે છે. અનાયાસ. તેમાં જેને સમયની ન કહી શકાય તેવા પ્રકારની ગતિ હોય છે અને તે વૈમનસ્યનું સર્જન નથી કરતી કે કમનસીબી નથી લાવતી.
સત્યને તમારે તમારી જાતે જ શોધવું પડે છે. સાવ એકલા ભય વગર રહેવાથી તમારું મન ભય, મૃત્યુ અને પ્રેમની પ્રકૃતિને સમજી જાય છે. ત્યારે તે જીવંત હોય છે. એ સમજમાંથી સંપૂર્ણ શાંત મન ઉદભવે છે. તે જ મન ભવિષ્યમાં નહીં પણ વર્તમાન ક્ષણમાં તાત્કાલિક સંપૂર્ણ ધ્યાન આપી શકે છે – અવધાન દાખવી શકે છે. એ જ તો સાચું ધ્યાન છે.
કોઈ ખૂણામાં બેસી, નાક પકડીને, અમુક શબ્દોનું રટણ કરીને પોતાને સંમોહિત કરવું એ બિલકુલ ધ્યાન નથી. મુક્ત અને શાંત મનથી જીવન જીવવાની સમજ મળે છે. વાસ્તવમાં દુખ અને ભયથી મુક્ત મન જે કરે તે સઘળું ધ્યાન છે.
પોતાના વિષે, પોતાના વિચારો પર જે જાગૃત ન હોય તે ધ્યાન ન કરી શકે. બંધ ઓરડામાં બેસી ધ્યાન ધરવું એ તો ખુદથી પલાયન છે. સ્વજ્ઞાન મેળવવું એ ધ્યાન છે. સાચી વિચારણા વગર ધ્યાન ન થાય. મનને ભૂતકાળથી ખાલી કરવું એ ધ્યાન છે. તે માટે ગહન સભાનતાની જરૂર છે. તમારે તમારાં અનુબંધનો, તમારી રીતભાત, તમારા હાવભાવ, તમારી ઉદાસીનતા, પશુતા, હિંસા, નિંદા કરવાનું વલણ ધરાવતું તમારું માનસ – આ બધાથી સભાન થવું જોઈએ. એ સભાનતામાં મનની શાંત અવસ્થા ઉદભવે છે. તેને સમજો. શાંત મનમાં પરમાનંદ છે. ત્યારે જ તમે પ્રેમ શું છે એ જાણી શકો.
ધ્યાન એ પૂર્ણ ક્રિયા છે. સંપૂર્ણ અવધાન પણ સંપૂર્ણ ક્રિયા છે. તેમાં ‘મારે બીજું કાંઈક કરવું જોઈએ’ એવા વિચારને અવકાશ નથી. જે કાંઈ કરીએ તેમાં આપણે પૂરેપૂરું ધ્યાન આપીએ એ મહત્વનું છે. મનનો પ્યાલો ખાલી હોય તો જ તેનો પૂરેપૂરો ઉપયોગ થઇ શકે. અને ત્યારે જ સર્જન થઇ શકે.
સમજદાર શાંત મન મુક્ત હોય છે. તે સર્જન શું છે તે જાણી શકે છે. તેવું મન પ્રચંડપણે સક્રિય હોય છે અને ધાર્મિક હોય છે. એવું જ મન સમયાતીતને શોધી શકે, સર્જી શકે અને વિશ્વમાં શાંતિ સ્થાપી શકે. મનમાં અને વિશ્વમાં એવી શાંતિ સ્થાપવી એ ધ્યાન છે. એવું ધ્યાન કરવાની જવાબદારી આપણા સહુની છે.
– હર્ષદ દવે
{પુસ્તક કિંમત રૂ. ૧૨૫/-, પ્રાપ્તિસ્થાન – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધે માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪ ૪૬૬૩}
ખુબ જ સરસ લેખ છે અને વિશ્ર્વશાંતિ માટે પ્રેરક વાત છે આ પુસ્તક ઓનલાઇન મળી શકે તો વેબસાઇટ જણાવજો.
NICE ARTICLE.
ખુબ સરસ.
Nice article
આપણી આંતરીક શક્તિને ઉજાગર કરતું અદભુત વાંચન. ખુબ આભાર.
ખુબ ખુબ અભિનન્દન
બહુ જ સરસ
Saraassss Harshadbhai
સરસ. આવાં પુસ્તકો નેટ પાર ઉપલબ્ધ કરાવવાનો આપનો પ્રયાસ સ્તુત્ય છે. હર્ષદભાઈને અભિનંદન.