આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)


પ્રકરણ ૧૫ : આમ્રપાલીની શરતો

સમય જતા લિચ્છવીઓમાં હવે પોતાના મનોરથો સિદ્ધ કરવાના વિચારો ઘોળાવા શરુ થયા હતા. ધીરે ધીરે તખ્તો ગોઠવતો જતો હતો. લિચ્છવીઓ હવે અધીરા થયા હતા. હવે તો આમ્રપાલી શરત રજૂ કરે અને તે સ્વીકારીને તેને પોતાની કરી લઈએ એવું તેઓ વિચારતા હતા પણ..

થોડા દિવસો પછી આમ્રપાલી ગણપતિને મળી. આમ્રપાલીની શરત કઈ છે તે જાણવા ગણપતિનાં મનમાં પણ અધીરાઈ આવી ગઈ હતી. પરંતુ આમ્રપાલી કોઈને પોતાનું મન કળાવા દેતી ન હતી. આજની મુલાકાતમાં પણ તેણે મગનું નામ મરી ન પાડ્યું. તે પણ હવે ઘણું શીખી ગઈ હતી. તે સમજી ગઈ હતી કે વૈશાલીને મારી જરૂર છે, મારે વૈશાલીની એટલી જરૂર નથી. હુકમનું પાનું તેના હાથમાં છે.

થોડી આડીઅવળી વાતો કરી ગણપતિ મુદ્દા પર આવ્યા: ‘આમ્રપાલી, સંથાગાર સમક્ષ તું કઈ શરત રજૂ કરવાની છે? તે મને કહે જેથી તેનો અમલ થઇ શકે.’

આમ્રપાલીએ સાવધ થઈને કહ્યું, ‘મારી તમામ શરતો હું સંથાગારમાં જ રજૂ કરીશ. જો સંથાગાર મારી શરતો મંજૂર રાખશે તો જ હું વૈશાલીની નગરવધૂ બનીશ નહીં તો હું વૈશાલી છોડીને જતી રહીશ.’

ગણપતિ ડઘાઈ ગયો. સીધી સાદી જણાતી આવડી શી છોકરી કેટલી જબરી છે! તેની સ્પષ્ટ વાત સાંભળી ગણપતિ પણ બે ઘડી વિચારતા થઇ ગયા. વૈશાલી છોડવાનો વિચાર એટલે વૈશાલીનો સર્વનાશ.

આમ્રપાલી ગણપતિના વિચારો સમજી ગઈ. પરંતુ તેણે આત્મવિશ્વાસથી તેમને ધરપત આપતાં કહ્યું: ‘મારી શરતો સંથાગાર સ્વીકારશે જ, તેમાં જ વૈશાલીનું ભલું છે. તેમાં જ તેનું ગૌરવ રહેશે અને તેમાં જ તેની ઉન્નતિ હશે. તમે ચિંતા ન કરતા. હું એવી એકપણ શરત નહીં મૂકું કે જે અભદ્ર હોય અને વૈશાલીનું સંથાગાર તેનો અનાદર કરી શકે. સંથાગારને સમજાવવાની જવાબદારી હું મારે શિરે લઉં છું.’

છેલ્લું વાક્ય સાંભળીને ગણપતિનો શ્વાસ હેઠો બેઠો.

આમ્રપાલીએ કહ્યું, ‘ગણપતિ, હું તો વૈશાલીની જનપદ કલ્યાણી છું. વૈશાલીનું હિત મારે હૈયે નહીં હોય તો બીજા કોને હૈયે હશે?’ ગણપતિ સાંભળતો જ રહ્યો. તેને ભાવિના એંધાણ કાંઇક જુદા જ દેખાવા લાગ્યા. આ ઉગીને ઊભી થતી છોકરી નક્કી કાંઈક કરીને બતાવશે. શું કરશે તે? વિકાસ કે વિનાશ? પોતાને અઠંગ ઉસ્તાદ માનતો ગણપતિ આ ચકોર બાલિકાથી થોડો ડરવા લાગ્યો હતો. તેણે બધું મહાકાળ ઉપર છોડી દીધું.


હમણાંથી સંથાગારમાં જબરદસ્ત ભીડ રહેતી હતી. આજે પણ તે સમય થયા પહેલાં જ ભરચક થઇ ગયું હતું. અને…સ્વર્ગલોકથી ભૂલી પડી હોય તેવી આમ્રપાલી સંથાગારમાં આવી. તેનાં આછા મેઘધનુષી રંગોથી શોભતાં વસ્ત્રો, ઉપરથી આજે તે સોળે શણગાર સજીને આવી હતી. આમ્રપાલીએ ધારણ કરેલા હોવાને લીધે તેનાં આભૂષણો અને અલંકારોની શોભા અજબ જણાતી હતી!

લિચ્છવીઓને લાગ્યું કે તેની સ્વપ્નસુંદરી તેમની સામે આવી છે. ખરેખર તો સ્વપ્નમાં જોઈ હોય તેના કરતાં પણ તે મોહક, સુંદર અને અત્યંત આકર્ષક લાગતી હતી. સારું છે કે સ્વર્ગેથી કોઈ દેવતા તેને જોવા આવ્યા ન હતા, નહીં તો તેઓ પણ મુગ્ધ થઈને આમ્રપાલીને જોયા કરત. લિચ્છવીઓની દેવી…નજરોનજર જોવા મળે એ પણ અહોભાગ્ય ગણાય! જાણે પહેલાં તેમણે જોયેલી આમ્રપાલી આ નહીં કોઈ બીજી જ હતી! ખરેખર આમ્રપાલી આજે અદભુત રૂપરાશિ લઈને આવી હતી. અવર્ણનીય રૂપ, આરસની પ્રતિમા જેવી સર્જનહારની સર્વોત્તમ કલા દર્શાવતું તન  જોતાં જ તન-મનને તરબતર કરી દે તેવું હતું. અને વાતાવરણમાં પ્રસન્ન સુગંધ ફેલાઈ ગઈ. સહુકોઈના મન પણ પ્રસન્ન થઇ ગયાં. આખું સંથાગાર ઊભું થઇ ગયું…!

‘દેવી આમ્રપાલીની જય!’ એકસાથે હર્ષનાદ થયો. થતો રહ્યો.

વર્ષકાર, ગણપતિ અને રાક્ષસ સંથાગારની સન્માન તથા સૌજન્યતા દર્શાવવાની પદ્ધતિ જોઇને અચંબિત થઇ ગયા. કારણ કે વૈશાલીના ઇતિહાસમાં કોઈએ આ પ્રમાણે કોઈને આદર આપ્યો હોય તેવું બન્યું નહોતું. શું આમ્રપાલી સંમોહન વિદ્યા જાણતી હતી? શું તે વશીકરણ વિદ્યા જાણે છે? જાદુ જાણે છે? આવું કેવી રીતે શક્ય બને?

આમ્રપાલી પણ પોતાને મળતા માન-સન્માન માટે ગદગદિત થઇ ગઈ. તે વિચારવા લાગી આટલું માન…મારી સુંદરતાને કારણે જ…! મારી પાછળ આખી દુનિયા આટલી ગાંડીતૂર! 

હર્ષનાદો શમ્યા પછી ગણપતિ ઊભા થયા. તેમણે આમ્રપાલીએ નગરવધૂ, જનપદકલ્યાણી તરીકેના પદનો સ્વીકાર કર્યો તે બદલ વૈશાલી અને લિચ્છવીઓ વતી આભાર માન્યો. તેમણે સંથાગારને કહ્યું કે આમ્રપાલીનો આ સ્વીકાર અમુક શરતોને આધીન છે જે આપણે સ્વીકારવાની રહેશે.

ચારે બાજુથી અવાજો આવવા લાગ્યા, ‘અમને દેવી આમ્રપાલીની તમામ શરતો મંજૂર છે. આજથી તે અમારી છે. અમારે દેવીની શરતો કઈ છે તે જાણવાની પણ જરૂર નથી. અમે તે શરતો સ્વીકારીએ છીએ એટલું પૂરતું છે. તેમ છતાં ગણપતિ મક્કમ રહ્યા અને આમ્રપાલીને તેની શરતો પ્રસ્તુત કરવા આમંત્રણ આપ્યું.

આમ્રપાલી ગજગામિની જેવી લચકતી ચાલે મંચ ઉપર આવી. ફરી એકવાર દેવી આમ્રપાલીનો જય જયકાર થવા લાગ્યો. મેદનીને શાંત થવામાં સારી વાર લાગી. કેવી લોકપ્રિયતા! હજુ તો તેણે કશું કહ્યું પણ નહોતું, પોતાની એકેય   શરત રજૂ પણ નહોતી કરી…અને આ લોકજુવાળ…! આમ્રપાલીએ  પોતાનો જમણો હાથ ઊંચો કર્યો અને બધો શોરબકોર શાંત થઇ ગયો. સહુ ઉત્સુકતા સાથે હવે આમ્રપાલીની શરતો સાંભળવા એકાગ્ર થયા…

‘હે વૈશાલીના લિચ્છવીઓ! વૈશાલી ગણતંત્રના સ્વામી! તમે જ સર્વોપરી છો, મારા પ્રત્યેની તમારી લાગણી, તમારા પ્રેમ અને મારા પ્રત્યેની તમારી ઘેલછાની હું કદર કરું છું. તમે મને જોઇને આનંદિત થાઓ છો તે મારા માટે ખુશ થવા જેવી બાબત છે. પરંતુ તમે જાણો છો કે નગરવધૂ બનવું એ કેટલું મુશ્કેલ કાર્ય છે. મારી માનસિક સ્થિતિ જોઈએ તેટલી સ્વસ્થ નથી કારણ કે મારા માતા-પિતાનું મૃત્યુ મારા કાળજાને કોરી રહ્યું છે. હું એ આઘાતમાંથી બહાર આવી શકી નથી. તેમ છતાં હું મને સમજાવીને અહીં આવી છું કે તમે મારા હૃદયની લાગણીને સમજી શકશો. હું જાણું છું તમે  વૈશાલીને પ્રાણપણે ચાહો છો. મને એ પણ ખબર છે કે તમે મગધ જેવા સામ્રાજ્યને પરાસ્ત કર્યું છે. તમે શૂરવીર અને બહાદુર છો. હું તમારી વીરતાને વંદન કરું છું. મારી કેટલીક શરતો તમે સાંભળ્યા વગર સ્વીકારી લીધી છે તે માટે હું તમારી આભારી છું. પરંતુ મારો એવો આગ્રહ છે કે તમે મારી શરતોને ધ્યાનપૂર્વક સાંભળો અને સમજીને તેનો સ્વીકાર કરો પછી જ હું વૈશાલીની નગરવધૂનું પદ ગ્રહણ કરીશ. તમે મારા પિતા મહાનામનની, એક પુત્રીના વ્યથિત પિતાની વાતનો સ્વીકાર નહોતો કર્યો જેથી તેમણે વિષપાન કરવું પડ્યું તમારો તે અપરાધ હું માફ કરી દઈશ. પણ જો મારી શરતો સાંભળીને તેનો અસ્વીકાર કરશો તો મને વૈશાલી પ્રાણથી પણ પ્રિય હોવા છતાં હું વૈશાલી છોડીને જતી રહીશ.’  

રાક્ષસ, ગણપતિ, વર્ષકાર અને સંથાગારમાં વેશપલટો કરીને બેઠેલો દેવેન્દ્ર આમ્રપાલીનું તદ્દન નવું જ સ્વરૂપ આભા બનીને નિહાળી રહ્યા હતા. આમ્રપાલીનાં ઘંટડીના રણકાર જેવા મધુર અને સ્પષ્ટ અવાજમાં આદેશ, સત્તાશાળી રણકો, સ્નેહ, દેશપ્રેમ અને દૃઢતા એકસાથે જોવા મળતા હતા.

આમ્રપાલીએ સત્તાવાહી અવાજે ગણપતિને વિનંતી કરીને કહ્યું કે રાજપુરોહિતને બોલાવો, હું અહીં જે શરતો કહું છું તે લખી લો. તેમાં તમારી સંમતિ, સંથાગારની સંમતિ, તમારા હસ્તાક્ષર, વૈશાલીની રાજમુદ્રા મને મળે તે પછી જ આ પદ હું ગ્રહણ કરીશ.

‘આ વળી નવી વાત થઇ.’  સંથાગારમાંથી કોઈ બોલ્યું, ‘અમને મંજૂર છે.’ રાજપુરોહિતનું આગમન થયું. તે લખવા બેઠા. આમ્રપાલીએ શરૂઆત કરી:

  • આજથી હું વૈશાલીની રાજનર્તકી, જનપદકલ્યાણી અને ગણિકાનું  સ્થાન મેળવીશ. ગણિકા એટલે ગણ (પ્રજા) માટે સર્જાયેલી સ્ત્રી.
  • મારા માન-સન્માન, આદરની પૂરી જવાબદારી વૈશાલી રાજ્યની રહેશે. તેમાં હું કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં ચલાવી લઉં. વૈશાલી ગણરાજ્યના તમામ નિર્ણયમાં હું સહભાગી રહીશ, મારો મત લેવો અનિવાર્ય છે. મારા મત વગરનો કોઈપણ નિર્ણય કાયદેસર નહીં ગણાય. દરેક મંત્રી પરિષદમાં મારી હાજરી આવશ્યક ગણવી. મારું સ્થાન મંત્રીઓની સાથે જ, તેમના હોદ્દાને સમકક્ષ રહેશે. મને પૂરતું ધન, અંગરક્ષકો, રાજવૈદ્યની સુવિધા મળવી જોઈએ. વૈશાલીની શાન સમો આંબાવાડીમાં આવેલો પ્રતિષ્ઠિત માયા મહેલ મને રહેવા તથા મારા ઉપયોગ કરવા માટે મને મળવો જોઈએ.

બધા ચોંકી ગયા. વૈશાલીની આન-બાન અને શાન અને વૈભવના પ્રતીક સમો માયા-મહેલ. તેની આસપાસનું ગાઢ વન, બાગ-બગીચા, તેને ફરતા ધોધ અને ખળખળ વહેતાં ઝરણાં, પક્ષીઓનો મધુર કલરવ, શાંત સ્થળ. ઝરુખેથી વહેતી ગંગા દેખાય. એ સર્વોત્તમ સ્થળેથી વૈશાલીના બધા મહેલો, ઘરો અને ઉદ્યાનો નાનાં લાગે. આ મહેલ વર્ષોથી જોવાલાયક સ્થળ તરીકે સુપ્રસિદ્ધ હતો. વિદેશી આગંતુકો અને અતિથિઓ તેની મુલાકાત અવશ્ય લેતા અને આનંદ પામતા. માયા-મહેલ ખરેખર જોવાલાયક હતો. તેનાં ભવ્ય ઝુમ્મરો, તેના ઝરુખાઓ, તૈલચિત્રો, કોતરણી, બેનમૂન શિલ્પ અને સ્થાપત્ય, ઉનાળામાં પણ જ્યાં શીતળતા સાંપડે, શિયાળામાં હૂંફ મળે તેવી અલૌકિક રચના, અને સહુથી ચડિયાતી બાબત એ હતી કે માયા-મહેલની બાજુમાં જ ભવ્યાતિભવ્ય શિવ-મંદિર. (એથી જ આમ્રપાલીએ માયા-મહેલની પસંદગી કરી હતી.) મંદિરની ચારે તરફ વિવિધ પ્રકારના ઘંટ અને તેમના જુદા જુદા પ્રકારના ઘંટારવ. એ ઘંટનાદો માઈલો સુધી પડઘાતા અને સંભળાતા. તે બ્રાહ્મણોને જાગૃત કરતા. એ સાથે તેમનો મંત્રોચ્ચાર, વેદોની ઋચા અને શ્લોકોના પઠનથી વાતાવરણ મંગલમય બની જતું. અહીં પાપીના હૃદયમાં પણ પવિત્ર ભાવો જાગતા.

આમ્રપાલીએ પોતાની શરતો કહેવાનું ચાલુ રાખ્યું:

  • હું શસ્ત્રાગારમાં જઈ શકું, ટંકશાળમાં જઈ શકું.
  • હું ગમે તેને મારી મરજી મુજબની સજા કરી શકું.
  • કોઈ મને ક્યારેય રોકશે નહીં કે ટોકશે નહીં.
  • કોને પ્રવેશ આપવો અને કોને નહીં તે નક્કી કરવાનો અધિકાર માત્ર મને જ રહેશે. હું ગમે તેને પ્રવેશબંધી ફરમાવી શકું અને મારી પરવાનગી વગર માયા-મહેલમાં કોઈ પ્રવેશશે નહીં. જો કોઈ એવી રીતે પ્રવેશે તો તેની તપાસ હું કરાવી શકું. કોઈપણ સંજોગોમાં આ નિયમનું ઉલ્લંઘન ન થવું જોઈએ.
  • હવે પછીના નિયમો માયા-મહેલમાં પ્રવેશ કરનારને લાગુ પડે છે જે પ્રવેશકને મજૂર રાખવા પડશે.
  • જેનાથી વૈશાલીની શાન અને સુરક્ષા વધે અને જેની શોધ વિશ્વમાં આજસુધી કોઈએ ન કરી હોય તેવી કોઈપણ કલ્યાણકારી શોધ કરનાર લિચ્છવીને મારા માયા-મહેલમાં એકપણ મુદ્રા આપ્યા વગર પ્રવેશ આપવામાં આવશે. 

સહુ લિચ્છવીઓ આ સાંભળી એકબીજાની સામે જોવા લાગ્યા. જેમનામાં ધગશ, આત્મવિશ્વાસ, કાંઇક નવું કરવાની ભાવના અને જોમ હતું તેઓ મનમાં અને મનમાં આમ્રપાલી પોતાને  મળશે જ અને આવી શોધ કરવાનો સંકલ્પ કરવા લાગ્યા. તેમાં યુવાન પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોથી માંડીને કુશળ યોદ્ધાઓ, સેનાપતિઓ, વિદ્વાનો, અશ્વપતિઓ, મહાવતો, કુશળ કારીગરો કૃશકો, વ્યાપારીઓ તથા સાહસિકો અને આમજનતાના ઘણા લોકો કાંઇક નવું કરી બતાવવા મનમાં સંકલ્પ લેવા લાગ્યા. સહુ આનંદમાં આવી ગયા.   

  • અન્ય સહુ પ્રવેશકે તેને માટે નક્કી થયેલી રાશિ પહેલા રાજકોશમાં જમા કરાવવાની રહેશે.
  • આ બાબતમાં સંથાગારને કોઈ લેવા દેવા નહીં રહે. તે કેવળ મારી મરજી મુજબ રહેશે.
  • મારો સંગ કે સોબત ઈચ્છતી વ્યક્તિએ પહેલા ચિકિત્સકીય તપાસ કરાવવી પડશે અને તે નીરોગી હશે તો જ તેને અનુમતિ મળશે.
  • પ્રવેશકના એક વારના પ્રવેશ માટે હું દસ સહસ્ત્ર મુદ્રા નક્કી કરું છું. 

બધા અડધા ઊભા થઇ ગયા. નહીં, આ તો બહુ વધારે મુદ્રા ગણાય. ન ચાલે. એવા અવાજો આવવા લાગ્યા. આમ્રપાલી શાંત, દૃઢતાથી ઊભી રહી. તેણે ગણપતિ સામે જોયું. ગણપતિ ઊભા થાય અને સંથાગાર સામે જોઇને બોલ્યા: ‘સહુએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આમ્રપાલીની બધી શરતો સંથાગારે સ્વીકારવાની છે. જો તે સ્વીકારવામાં નહીં આવે તો તે વૈશાલી છોડીને જતી રહેશે. હવે કહો કે તમને આ શરત મંજૂર છે કે નહીં. સહુએ કહ્યું અમે આમ્રપાલીને નહીં જવા દઈએ. અમને આ શરત પણ મંજૂર છે. આમ્રપાલીએ આગળ વધતાં કહ્યું:

  • મારો સંગ કરવા ઇચ્છનાર પ્રથમ વ્યક્તિ શ્રીમંત શ્રેષ્ઠી હોવો જોઈએ. અને તેણે એક કોટિ મુદ્રા ચુકવવાની રહેશે.
  • મારી તમને સહુને વિનંતી છે કે મને આ પરિસ્થિતિ સંભાળવા માટે પૂરતો સમય આપવામાં આવે.

સંથાગારમાં તરવરાટ અને ઊછળકૂદમાં ઓટ આવી ગઈ. યુવકો દ્વિધા અનુભવવા લાગ્યા. સહુકોઈ વિચારમાં પડી ગયા કે આટલું બધું ધન એકઠું કરીને આ સ્ત્રી શું કરવા ધારે છે? આવી શરતો હોય કાંઈ? ન સ્વીકારીએ તો તે વૈશાલી છોડી દેશે અને જો એ શરતો સ્વીકારીએ તો… પરંતુ દસ હજાર મુદ્રાઓ પણ જ્યાં વધારે લાગતી હોય ત્યાં એક કોટિ મુદ્રા કેવી રીતે અને ક્યાંથી લાવવી?

આમ્રપાલીએ પોતાની વાતની શી અસર થઇ છે તે જોયું, કોઈ કાંઈ બોલતું ન હતું. તેથી તેણે કહ્યું, ‘હે લિચ્છવીઓ તમને મારી આ બધી શરતો મંજૂર છે? જો મારી શરતો મંજૂર હોય તો હું હજી પણ તમને કાંઈક કહેવા ઈચ્છું છું તે કહું. અને જો મારી શરતો તમને સ્વીકાર્ય ન હોય તો તમે મને ભૂલી જજો, હું મારી આ પ્રિય વૈશાલીને, વૈશાલીના યુવાન લિચ્છવીઓને ભૂલી જઈશ અને આવતીકાલનો સૂર્યોદય થતાં હું જતી રહીશ. પછી તમે મને ક્યારેય જોઈ નહીં શકો.’

સંથાગારની હાલત ‘હા કહે તો હાથ કપાય અને ના કહે તો નાક કપાય’ તેવી થઇ ગઈ. સૂડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિમાંથી શો માર્ગ કાઢવો? સહુએ સંતલસ કરી. જો આમ્રપાલી વૈશાલીમાં હશે તો ક્યારેક પણ તે મળી શકે પણ જો તે વૈશાલીમાં હોય જ નહીં તો તેને ક્યારેય પામી શકાય નહીં માટે આ શરત પણ સ્વીકારવી જરૂરી છે. માટે બધાએ એકી અવાજે કહ્યું, ‘અમને દેવી આમ્રપાલીની બધી શરતો મંજૂર છે.’

અને આમ્રપાલી મનથી સાવ હળવીફૂલ થઇ ગઈ. તેના ચહેરા પર વિજયી અદા દર્શાવતું સફળ સ્મિત ફરકી ગયું. તેણે ગણપતિ સામે દૃષ્ટિ કરી, ગણપતિ પણ તેની એ દૃષ્ટિથી ભાવસભર થઇ ગયા. ગજબનાક કુશળતા અજમાવી આ છોકરીએ પોતાનું ધાર્યું કર્યું. પરંતુ તે પણ અમુક શરતો સાંભળી ચકરાવે ચડી ગયા હતા.

સંથાગાર સ્થિર થઇ બેઠું હતું. ‘હવે આ સુંદરી શું કહેશે? તેણે તેની બધી શરતો તો કહી દીધી છે. કાંઈ બાકી નથી રાખ્યું…’

અને આમ્રપાલીએ કહ્યું, ‘તમે મારી શરતો સ્વીકારી તે બદલ હું તમારા સહુનો આભાર માનું છું…હું માની લઉં છું કે તમે સહુએ બરાબર સમજીને મારી શરતો સ્વીકારી છે…તમને બધાને એમ થતું થશે કે…આવી શરતો હોય ખરી…પણ મારી શરતો આ જ છે અને આ જ રહેશે. આ શરતો વૈશાલીના હિતમાં છે. આ શરતો તમારા સહુના હિત માટે જ છે. અને તેમાં થોડુંઘણું મારું હિત પણ રહેલું છે. કેવી રીતે? જુઓ…’

શ્રોતાગણ એકચિત્તે સાંભળવા ઉત્સુક હતા…એ કેવી રીતે? શું એ શક્ય છે…!

(ક્રમશ:)

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....