આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧) 16
નદી બે કાંઠે વહેતી હતી. નદીનાં શીતળ વહેતાં જળને જોઈ ઋષિના મનમાં અજબ આંદોલનો ઉઠતાં હતાં. તેમના મનમાં પણ હળવે હળવે વિચારોનો પ્રવાહ વહેતો હતો. શાંત અને સ્વચ્છ વાતાવરણમાં, આલ્હાદક સૂર્યોદય સમયે તેમનો આશ્રમ દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતો હતો.
એ સરસ્વતી નદીના કિનારે આશ્રમમાં ઋષિ જમદગ્નિ, ઋષિપત્ની રેણુકા અને ઋષિપુત્રો રહેતાં હતાં. ઋષિ પરંપરા પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અને મધ્યાન્હ સમયે, ત્રિકાળ સંધ્યા કરવાથી મનની શક્તિમાં તથા સ્મૃતિમાં વધારો થતો એટલું જ નહીં પરંતુ તેમનું આયુષ્ય પણ તેથી જ વધતું હતું. એટલે જ તેઓ વર્ષો સુધી જપ-તપ કરી શકતા હતા. પ્રદૂષણમુક્ત, બ્રાહ્મ મુહૂર્તમાં નિદ્રા ત્યાગી, પ્રાતઃ કાર્ય આટોપી સૂર્યોદય થતા તેના પહેલા કિરણ સાથે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવામાં આવતા હતા.