આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૮)


પ્રકરણ ૧૮ : દુર્લભ આમ્રપાલી

એકધારી અથાગ મહેનત, ખંત અને એકાગ્રતાથી અનેક વિદ્યાઓમાં પારંગત થતી જતી આમ્રપાલીએ મહિનાઓ સુધી પ્રગતિ ચાલુ રાખી.

અને એક દિવસ તેણે જાહેર કર્યું કે માયા-મહેલમાં તે આવતા મહિનાથી  પોતાના પ્રણય-મિત્રનું સ્વાગત કરશે. જે વ્યક્તિ સહુ પ્રથમ એક કોટિ મુદ્રાઓ જમા કરાવશે તેની યોગ્ય તપાસ બાદ મારી સાથે આનંદમાં સહભાગી અને એક દિવસ તેણે જાહેર કર્યું કે માયા-મહેલમાં તે આવતા મહિનાથી  પોતાના પ્રણય-મિત્રનું સ્વાગત કરશે. જે વ્યક્તિ સહુ પ્રથમ એક કોટિ મુદ્રાઓ જમા કરાવશે તેની યોગ્ય તપાસ બાદ મારી સાથે આનંદમાં સહભાગી બની શકશે.

સમગ્ર વૈશાલી જે સમાચાર સાંભળવા ઉત્સુક હતી તે સમાચાર ફક્ત વૈશાલીમાં જ નહીં પરંતુ ભારતવર્ષમાં સર્વત્ર વાયુવેગે પ્રસરી ગયા. એક કોટિ મુદ્રા તે સમયે ભારતવર્ષમાં પણ ઘણી ગણાતી હતી. બહુ ઉચ્ચ કક્ષાના સામંતો, શ્રેષ્ઠીઓ અથવા નાના રાજા-મહારાજાઓ જ એટલી મોટી રાશિની સગવડ કરી શકે તેમ હતા.

કુદરતી કોપ, કૃષિ ઉત્પાદન ઓછું, દુષ્કાળ જેવા પ્રાકૃતિક પ્રકોપને લીધે વૈશાલીની પ્રજા અછતમાં જીવતી હતી. સામાન્ય નાગરિક બેહાલ અવસ્થામાં સમય પસાર કરતો હતો. તેમની આંખોમાં ઊંઘ હરામ થઇ ગઈ હતી તેથી સપનાં તો કેવી રીતે જોઈ શકે. ગણિકા-ગમન કેવળ કુલીનવર્ગ પૂરતી સીમિત થઇ ગઈ હતી. અને આટલાં લાંબા ગાળા પછી આમ્રપાલીએ પ્રસ્તુત કરેલી શરત અનુસાર એક કોટિ મુદ્રા અધધધ…થઇ પડે. વૈશાલીમાં ભાગ્યે જ બે-પાંચ જણા એ ચૂકવી શકે. સમગ્ર ભારતના શ્રીપતિઓ પણ જૂજ હતા કે જેઓ આ રીતે કોટિ મુદ્રાઓ આપી શકે.

દિવસો પસાર થવા લાગ્યા. પરંતુ રાજ્યની તિજોરીમાં કોઈ એટલી મોટી રાશિ જમા કરાવવા તૈયાર ન થયું. સામાન્ય માણસ માટે આમ્રપાલી દુર્લભ છે એવું વણકહ્યે લાગતું હતું.  

સહુને એમ હતું કે આપણે દશ સહસ્ર મુદ્રા પણ ચૂકવી શકીએ તેમ નથી, પરંતુ પહેલી વાર કોઈ એક કોટિ મુદ્રા ચૂકવી દે પછી તો જોયું જશે. છ મહિના વીતી ગયા. શું આમ્રપાલીએ જાણીજોઇને ગણતરીપૂર્વક પોતાનું મૂલ્ય આટલું ઊંચું આક્યું હશે? આટલું મોટું અભિમાન? આ રીતે જોઈએ તો આમ્રપાલી આપણા નસીબમાં હશે કે કેમ એવો સંદેહ જાગે. વૈશાલીમાં અસંતોષનો ગણગણાટ થવા લાગ્યો.

આમ, આમજનતા માટે આમ્રપાલી જોજનો દૂર હતી. પરંતુ થોડાઘણા ધનવાન રંગીલા-મોજીલા લોકોને બાજી હાથવેંતમાં લાગતી હતી. અને વૈશાલીના ઘણા યુવાનો, અમુક વેપારીઓ અને સાહસિકો દશ સહસ્ત્ર મુદ્રાઓ એકત્રિત કરવાની વેતરણમાં પડી ગયા. કામ કરીને તેઓ ધન અર્જિત કરવા લાગ્યા. વૈશાલીના ધંધા રોજગાર ધમધમતા થઇ ગયા. ગંગા નદી મારફત અને અન્ય રસ્તેથી વિદેશ વ્યાપાર વધવા લાગ્યો. દૂર-દૂરના વેપારીઓ પણ વૈશાલીમાં આવતા-જતાં થયા. સંશોધકો સંશોધનમાં લાગી ગયા હતા. આમ્રપાલીની નામના ભારતવર્ષમાં ફેલાઈ ગઈ હતી. વિદેશના લોકો પણ આમ્રપાલીનાં દર્શન કરવાની તમન્ના ધરાવવા લાગ્યા હતા. પણ આમ્રપાલીનાં દર્શન એટલા સુલભ નહોતા, દુર્લભ હતા. હવે તે પોતાનું ઘર છોડીને વિશાખા સાથે માયા-મહેલમાં રહેવા આવી ગઈ હતી.


ગંગા કિનારે એક દિવસ અચાનક  એક અજાણ્યું જહાંજ આવીને લાંગર્યું. તે કયા પ્રદેશમાંથી આવતું હતું તે નક્કી નહોતું થઇ શકતું. પરંતુ જહાંજનો દેખાવ, તેના ઉપરનો વાવટો અને તેની અંદરના ખલાસીઓ અને બીજા લોકો કોઈ અજાણ્યા પ્રદેશમાંથી આવતા હોય તેમ લાગતું હતું. તેમાંથી મુનીમ જેવો લાગતો એક માણસ નીચે ઊતર્યો. જુદી જ ભાષા, નવા લોકો. તેને ખબર પડી કે આ ગણરાજ્ય છે અને નગરનું નામ વૈશાલી છે. જહાંજનાં માલિકે કહ્યું હતું તેમ મુનીમે કહ્યું કે, ‘મારે ગણપતિને મળવું છે.’  એટલે રક્ષકોએ તેના આવવાનું પ્રયોજન પૂછ્યું. મુનીમે નિખાલસપણે જણાવ્યું કે, ‘મારા માલિક દેવી આમ્રપાલીને મળવા ઈચ્છે છે.’ મુનીમને ગણપતિ પાસે લઇ જવામાં આવ્યો. તેણે ગણપતિને વિનયપૂર્વક કહ્યું, ‘મારા માલિક દેવી આમ્રપાલી સાથે સંગ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવા ઈચ્છે છે.’ ગણપતિએ કહ્યું, ‘આમ્રપાલીને એમ મળી ન શકાય, તે સામાન્ય ગણિકા નથી, તે વૈશાલીની નગરવધૂ છે અને તેને મળવા માટે અમુક નિયમોનું પાલન કરવું પડે તદુપરાંત એક કોટિ મુદ્રાઓ રાજના કોશમાં જમા કરાવવી પડે. ત્યારબાદ દેવીની સંમતિ હોય તો જ તેને મળી શકાય.” મુનીમે કહ્યું, ‘ગણપતિજી, મારા માલિકને એ વિષે બધી ખબર છે માટે તેઓ ધન-રાશિ લઈને જ આવ્યા છે. બસ તેઓ આપની અનુમતિની પ્રતીક્ષા કરે છે.’ ગણપતિએ મુનીમને તેનાં માલિકને મળવાનો સમય ફાળવ્યો. પછી તેમણે એ શ્રેષ્ઠી સાથે વાત કરવાનું નક્કી કર્યું. તેમણે શ્રેષ્ઠીને મળવાની પરવાનગી આપી. તેઓ ક્યાંથી આવે છે અને કોણ છે એ વિષે પૃચ્છા પણ કરી.

શ્રેષ્ઠીએ પોતાનું નામ દેવેન્દ્ર કહ્યું. તેણે દક્ષિણના ત્રાવણકોરમાં તેનો ધીકતો ધંધો છે તેની વાત કરી. હવે મજાની વાત એ હતી કે વૈશાલીના ગણપતિને ત્રાવણકોર ક્યાં આવ્યું તેની જ ખબર નહોતી. પરંતુ તે દેવેન્દ્રની રીતભાત, તેની વાત કરવાની વિવેકપૂર્ણ શૈલી અને તેના સુંદર વર્તનથી અને દેખાવથી પ્રભાવિત થયો. રાક્ષસના મનમાં થોડી શંકા ઉપજી પણ જયારે દેવેન્દ્રે કહ્યું કે, ‘મને માત્ર આમ્રપાલીને મળવામાં જ રસ છે.’ ત્યારે તેની શંકા નિર્મૂળ થઇ ગઈ.

‘હું મારી નૌકામાં ૧ કોટિ મુદ્રાઓ લઈને જ આવ્યો છું. આપ આદેશ આપો એટલે હું તે લઇ આવું અને રાજ્યના કોશમાં તેને જમા કરાવું.

ગણપતિને હૈયે વૈશાલીનું હિત વસેલું હતું તેથી તેણે ઘણી રાહત અનુભવી. તેનો માનસિક બોજો હળવો થઇ ગયો. તેને થયું, હાશ, આમ્રપાલી માટે કોઈ તો આવ્યું…કોઈ તો એક કોટિ મુદ્રાઓ આપી તેનો પ્રથમ સંગી-સાથી બનવા આવ્યું! ઘણા સમયથી તેણે કોઈ આવશે એવી આશા છોડી દીધી હતી. દશ સહસ્ત્ર મુદ્રાઓ એકત્રિત કરી શકાય પણ એક કોટિ મુદ્રાઓ એકત્રિત કરતાં વર્ષો વીતી જાય.


દેવેન્દ્ર દેખાવે પ્રભાવશાળી હતો. તેના હવામાં ઉડતાં વાંકડિયા કુંતલ તેનો મજબૂત બાંધો, વિશાળ સ્કંધ, સશક્ત બાહુ, ચહેરા પર મંદ મંદ સ્મિત અને તેની આંખો વાટે કોઈના હૃદયમાં સોંસરવી ઊતરી જાય તેવી વેધક દૃષ્ટિ. સોનેરી કિનારવાળું રેશમી પીતાંબર, ખભે શોભતો ખેસ, એની છટા, લગભગ દરેક આંગળી ઉપર શોભતાં હીરા-માણેકની મુદ્રિકા, સુવર્ણની   કટિમેખલા, સ્કંધે શોભાયમાન સ્વચ્છ જનોઈની સાત બ્રહ્મગાંઠ અને ભાલ પર કેશર તિલક તેનાં ઐશ્વર્યને પ્રકટ  કરતી હતી! દેવદૂતની કલ્પના કરતાં આપણી નજર સમક્ષ જે આકૃતિ આવે બરાબર તેવી જ આકૃતિ. વ્યક્તિત્વ એવું હતું કે જોનાર પહેલી નજરે જ પ્રભાવિત થઇ જાય.

થોડી વારમાં જ આકર્ષક મંજૂષાઓમાં એક કોટિ મુદ્રાઓ ગણપતિ સમક્ષ આવી ગઈ. આમ્રપાલી સુધી આ સમાચાર પહોંચાડવામાં આવ્યા… અને…

(ક્રમશ:)

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....