આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)


પ્રકરણ ૬ – દિવ્ય નૃત્ય

હા, એ વાત સાવ સાચી હતી. બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા હતા, ‘તમે તમારી આંખો બંધ કરી લો!’ કારણ કે બુદ્ધ નહોતા ઈચ્છતા કે તેમના શિષ્યો તેને જુએ. પણ રાજ્યમાં થયેલી ઘોષણા તો દરેક શિષ્યના કાને પહોંચી ચૂકી હતી. વૈશાલીમાં ઠેર ઠેર એની જ ચર્ચા ચાલી રહી હતી. દેશમાં તો ઠીક પણ વૈશાલીની બહાર મગધમાં પણ સર્વત્ર એની જ ચર્ચા થતી હતી. અને આજ એ દિવસ આવી ગયો હતો! શું હતું આજે? આજે વિશાખાને બદલે તેના સ્થાને આવેલી નવી જનપદ કલ્યાણી લિચ્છવીઓના દરબારમાં પહેલીવાર નૃત્ય કરવાની હતી. વૈશાલીમાં આ પહેલા ક્યારેય આવો ઉલ્લાસ અને આવી ઉત્તેજના જોવા મળી ન હતી. યોધ્ધાઓ, યુવાનો, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો સહુ કોઈ બે કલાક પહેલા આવીને રાજદરબારમાં ગોઠવાઈ ગયા હતા. વૈશાલીના રાજમહેલનું એ ભવ્ય મેદાન નાનું લાગતું હતું. અને ત્યાંની શોભાનું વર્ણન કેવી રીતે કરી શકાય? શબ્દો ટૂંકા પડે. ઉપમાઓ ઓછી પડે.

આમ્રપાલી – પુસ્તક કવર ચિત્ર : રેના મિસ્ત્રી

અને નવા પ્રહરની શરૂઆત સાથે જ સહુની આતુરતાનો અંત આવ્યો. તેનાં આગમન પહેલાં બધો કોલાહલ શાંત થઇ ગયો. જાણે કોઈ ઉપસ્થિત જ નથી. વાદ્યના સૂરો શરુ થયા. વાતાવરણમાં દિવ્યતા પથરાઈ ગઈ. એક મોહક સુગંધ ફેલાવા લાગી. અને એક આકાર દૂરથી ધીમે ધીમે પાસે આવતો દેખાયો. શું તેની ગજગામિની જેવી ચાલ હતી, હાથ પગ અને દેહના વળાંકોની એ છટા, એની અદા, ઈન્દ્રની અપ્સરાઓ પણ ઘડીભર જોવા થંભી જાય. બ્રહ્માનું બેનમૂન સર્જન! બધાં લિચ્છવીઓની નજર બરાબર ત્યાં જ કેન્દ્રિત થઇ હતી. આ પારંગત જણાતી નવયૌવનાને એની જાણ ન હોય તેવું શી રીતે બને? પણ તેનાથી બેપરવા હોય તેમ એ બરાબર વચ્ચે આવીને ઊભી રહી. સહુના શ્વાસ થંભી ગયા. સંગીત પણ જાણે તેને જોવા માટે રાહ જોઈ રહ્યું હોય તેમ બંધ થઇ ગયું! હવે શું થશે? નાદાન, નિર્દોષ, આનંદમય, નાજુક, કોમલાંગી, યૌવનમાં પ્રવેશતી, એક પ્રસન્નકર લજ્જાનું આવરણ, કોમળ સંકોચ સહ, લચકતી કટિમેખલાની ઉપર નાભિ સૌન્દર્ય જુએ એ પહેલા સહુએ એક વિદ્યુતવેગી આંચકો અનુભવ્યો. સંથાગાર શું થયું તે સમજે એ પહેલા તો વિચિત્રવીણા, પખવાજ, મૃદંગ સાથે એ મૃદુ અંગો લયબદ્ધ નર્તન કરી રહ્યાં. સંથાગારમાં અદભુત માહૌલ રચાયો. સંગીતની સંગતમાં નૃત્ય જોતાં હરકોઈ એટલા તન્મય થઇ ગયા કે કોઈના મનમાં બીજા કોઈ વિચારો જ ન રહ્યા. આંખની પાંપણો પલકવાનું ભૂલી ગઈ. જેને કોઈ તકલીફ કે પીડા હતી તેઓ પોતાની પીડા અને તકલીફને વિસરી ગયા. સમગ્ર જલ-સ્થલમાં  સ્થિરતા વસી ગઈ. પશુ પંખીઓ પણ પૂતળાની જેમ સ્થિર થઇ ગયાં. આમ જ કેટલો સમય થઇ ગયો તેનું કોઈને ભાન જ ન રહ્યું. કેવું નૃત્ય! કેવું સંગીત! એની કમનીય કાયાના આંદોલનો, ક્ષણભરમાં ઉછળી વળાંક લઇ લેતો દેહ બીજી જ ક્ષણે તાલ પુરાવતી લયની લચક દર્શાવે. બદલતા તાલ સાથે એકતાલ, ત્રિતાલ અને ઝપતાલ બદલાય કે દર્શકોનાં મન પણ આ નર્તકી સાથે ડોલવા લાગે. તેનું સપ્રમાણ દેહલાલિત્ય જોઈ દર્શકો દેહ સૌન્દર્યની નવી પરિભાષા પામવા લાગ્યા. તેના ચહેરા પરથી નજર હટાવવી મુશ્કેલ લાગે. માખણ જેવી મુલાયમ અને મીણ જેવી નરમ જણાતી એ કાયાને સ્પર્શ કરી શકાય કે કેમ એ વિષે સંદેહ જાગે. તેનું કલાત્મક ગુંફન, સર્પની જેમ તેના દેહને વીંટળાતો રત્નજડિત ચોટલો, સોહતી વેણી, સુંદર સુશોભિત ભાલ અને આંખોનું કામણ એવું કે તેનાથી કોઈ બચી જ ન શકે! કલાત્મક ગ્રીવાની હલચલ અને મૃદુતા કોઈ કલાકાર ચિત્રમાં દર્શાવી શકે તેવી અનુપમ હતી. આગળ આવીને તેના યૌવનની ચાડી ખાતાં પયોધરો, દેવકન્યા જેવાં શુભ્ર વસ્ત્ર પરિધાન. દિવ્ય બનાવતી તેની ઉપસ્થિતિ…એ સમયે આ દૃશ્ય કેદ કરવાનાં સાધનો નહોતાં તેથી સહુ તેમને પોતાનાં હૈયાંમાં સંઘરતા હતાં. એ અદભુત નયનરમ્ય નૃત્ય અને સંગીતની જુગલબંદી આ પહેલા વાદકોએ પણ ક્યારેય જોઈ નહોતી. તાન, પલટા, આલાપ અને આરોહ અવરોહ સાથે જે અનેરું લાવણ્ય નજર સમક્ષ હરતું-ફરતું અને તરતું હતું તે આછેરા અંતરપટમાંથી દૃષ્ટિને અસંતુષ્ટ રાખતું હતું છતાં કોઈનાં મનમાં એ વિષે કોઈ ફરિયાદ કરવાનો વિચાર સુદ્ધાં આવતો ન હતો. બધા પ્રસન્ન, પ્રફુલ્લ થઇ એક ચિત્તે મન અને નયનને તૃપ્ત કરવાની કોશિશ કરતા હતા. પણ એમ જો માનવીને સંતોષ થઇ જાય તો એ સંથાગારમાં કોઈ અસંતોષી રહ્યું જ ન હોત!

માણસ સભ્ય અને સુસંકૃત થતો જાય એટલે તે હેતુલક્ષી જીવન જીવવા લાગે છે અને ઉત્કર્ષ સાધે છે. જીવનને ઉન્નત કરે છે. લક્ષ્ય હોય તો તેના પર ધ્યેય કેન્દ્રિત કરી આગળ વધે છે. પરંતુ લક્ષ્ય ન હોય તો? ગતિ ધીમી પડી જાય અને જીવન શુષ્ક લાગવા માંડે.

પણ એ તો એકધારી ગતિએ ચાલે છે. આપણને એમ લાગે કે એ સ્થગિત થયો છે, પરંતુ હકીકતમાં એ ક્યારેય અટકતો નથી. તે કોઈનો રોક્યો રોકાતો નથી. તે સાક્ષીભાવે આગળ વધતો રહે છે. તેને કોઈની લાગણી સાથે કે સંવેદનાઓ સાથે કોઈ નિસબત નથી હોતી. એ જ તો સમયની નિષ્ઠુરતા છે!

એક પ્રહર વીતી ગયો હતો પણ કોઈને એનું ભાન નહોતું. એના ચરણો, એનો દેહ, એનું નૃત્ય ધીમે ધીમે શમી ગયું. અને તે ક્યારે અંદર જતી રહી  તેની પણ કોઈને સુધ રહી ન હતી. સ્વપ્ન ખંડિત થાય તેમ બધા સમ્મોહનમાંથી બહાર આવ્યા…અદભુત, બેનમૂન, અલૌકિક…હવે વિચારો શરુ થયા તેને પામવાના…તેને કેવી રીતે પામવી? તે મળી જાય તો જીવન ધન્ય થઇ જાય…

બહારથી આવેલા વિદેશીઓને જેને તેના વિષે પૂરી ખબર ન હતી તે સહુ પૂછવા લાગ્યા કે આ કોણ છે? તેમણે નવી જનપદ કલ્યાણી વિષે સાંભળ્યું હતું અને એટલે જ તો તેઓ અહીં આવ્યા હતા, પણ આ નૃત્યાંગના કોણ હતી…? અપ્સરા, દેવી કે પછી કોઈ રાજકન્યા…? વૈશાલીના યુવકો તો  તેને સારી રીતે ઓળખતા હતા…આ એ જ યુવતી હતી જેની એક ઝલક મેળવવા માટે તેઓ સવારના પ્રથમ પ્રહરથી સાંજના અંતિમ પ્રહર સુધી મંદિર અને રસ્તા પર તેની પ્રતીક્ષા કરતા હતા! 

છદ્મવેશે બહારથી આવેલો એક પ્રેક્ષક પણ અપલક નેત્રે આ અનેરું નૃત્ય જોઇ રહ્યો હતો. અને તે મનોમન કોઈ સંકલ્પ કરી બેઠો. એ સંકલ્પ પાર પડશે કે નહીં. તે સમયે તો તેને પણ ક્યાં ખબર હતી!  અત્યારે તો તે દ્વિધામાં અટવાતો અંધકારમાં ઓગળી ગયો. શું તેનું  ચિત્ત સંભવ-  અસંભવની, આશા-નિરાશાની ગર્તામાંથી બહાર આવી સફળતાનો સૂર્યોદય જોઈ શકશે? કોણ હતો એ?

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....