આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૫)


પ્રકરણ ૫ – વૈશાલીમાં કૌતુક !

પછાત ગણાતા આજના બિહારનો એક ઈતિહાસ હતો. માની ન શકાય પણ એ આપણા અસ્તિત્વ જેટલી જ નક્કર હકીકત છે કે એક જમાનામાં બિહારમાં ભારતનો સુવર્ણ યુગ હતો! બિહાર એટલે વિહાર… વિહાર શબ્દનો એક અર્થ છે ‘બૌદ્ધ મઠ’. તે ૧૦૦૦ વર્ષ સુધી સત્તા, શિક્ષણ અને સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું હતું. પ્રાચીન બિહાર મગધ તરીકે સુવિખ્યાત હતું. ભારતનું તે પ્રથમ સામ્રાજ્ય હતું. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યોનો ઉદય પણ તે સમયમાં થયો હતો. ત્યાંથી જ બૌદ્ધ વિશ્વમાં પ્રસર્યો અને ત્યાર બાદ આધુનિક બિહારનો જન્મ થયો. મગધની રાજધાની પાટલીપુત્ર હતી જે આજે પટણા તરીકે ઓળખાય છે. તે સમયમાં મગધ શિક્ષણ, કળા, જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રે બહુ આગળપડતું સ્થાન ધરાવતું હતું. તે ત્યારના ૧૬ મોટાં રાજ્યોમાંનું (મહાજનપદ)  એક મોટું રાજ્ય હતું.

આમ્રપાલી – પુસ્તક કવર ચિત્ર : રેના મિસ્ત્રી

અત્યારે જે પુરાતત્વ ખાતાને હવાલે થયેલું દર્શનીય સ્થળ છે તે વૈશાલી બિહારનું પ્રથમ પ્રજાતંત્ર રાજ્ય હતું. ડો. રાજેન્દ્રપ્રસાદની કર્મભૂમિ, ચંપારણથી જ ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળનો આરંભ કર્યો હતો. ખુદીરામ બોઝ, આચાર્ય જે.બી.ક્રિપલાની અને જયપ્રકાશ નારાયણ જેવા મહાપુરુષો પણ ત્યાંથી જ મળ્યા છે. પણ ગંગા નદીને કિનારે આવેલા વૈશાલી લીચ્છવીઓની રાજધાની હતી. ત્યાં જ છે અશોક સ્તંભ, ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ કુંડલાગ્રામ. બુદ્ધ અને જૈન ધર્મ આપનાર એ શહેર ત્યારે બહુ જ વિશાળ હતું. તે સમૃદ્ધ પણ હતું. કળા, નૃત્ય, અભ્યાસ, ધનધાન્ય બધામાં વિકાસમાન. જરા કલ્પના કરી જુઓ કે ત્યાં ૭,૭૦૭ જેટલા મેદાનો અને તેટલાં જ તળાવો હતા. મહાવનો હતાં. વૈશાલીથી સીધા હિમાલયની તળેટીએ પહોંચી શકાતું.

વૈશાલી પ્રથમ પ્રજા માટે, પ્રજા વડે અને પ્રજા દ્વારા ચલાવવામાં આવતું ગણરાજ્ય હતું. અત્યારે ચુંટાય છે તેમ જ ત્યારે પણ પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાતા. સંથાગાર, વિધાનસભા, પ્રવક્તા, સચિવો, નાણાખાતું, આવક-જાવક, કર, મનરંજન, સંરક્ષણ, સીમા, યુદ્ધો, લગ્ન બધું જ ત્યારે પણ હતું. સામાજિક બદીઓ પણ હતી જેમાં જુગારખાના, દારૂ, વેશ્યાવૃત્તિ પણ હોય જ ને?

આ ઉપરાંત આરોગ્ય, ચિકિત્સાલયો, સંદેશાવ્યવહાર, ઘોડાર, ન્યાયતંત્ર, સજા, દંડ, વ્યાપાર, શાસન, નીતિ, કાયદો, અમલદાર, લાંચ વિરોધી દળ પણ હતા તેમજ વિદેશ નીતિ, ગુપ્તચર વિભાગો પણ હતા. તે ત્યારે સુવ્યવસ્થિત રીતે ચાલતું હતું જે તે સમયે ભારતમાં અન્યત્ર જવલ્લે જ જોવા મળે.

દરેક લિચ્છવી યોદ્ધો હતો. રાજા આખા દેશનો માલિક. રાજ્યના તમામ નિર્ણયોમાં તે સહભાગી બનતો. સંથાગારનો નાયક, ગણપતિ તેનો આદર કરતો અને તેના હુકમને સર્વાનુમતે સ્વીકારતો. તેમાં વિરોધ થતો પણ બહુમતી નિર્ણયનો સહુએ સ્વીકાર કરવો પડતો હતો. આથી જ વૈશાલીની આસપાસ આવેલા અન્ય સ્વતંત્ર રાષ્ટ્રો જેવાં કે મગધ, કાશી, કોસલ તેનાથી ડરતા અને ગભરાતા. અનેક વખત યુદ્ધો કર્યા પછી પણ વૈશાલીને પરાસ્ત ન કરી શકાયું. ઉલટાનું તે વધારે સતર્ક, સાવચેત રહીને વધારે મજબૂત થતું ગયું. તેની પાસે ગંગા જેવી પવિત્ર નદી વહેતી હતી. તેથી ત્યાંની જમીન ફળદ્રુપ બની હતી. તેની નહેરો, તેના જંગલો, તેનો સપાટ ભૂ-પ્રદેશની અન્ય રાજ્યો અદેખાઈ કરતા હતા.

સૂર્યના પહેલા કિરણ સાથે વૈશાલી ધમધમવા લાગતું. સુવિખ્યાત નાલંદા પાઠશાળા, મંદિરોમાં આરતી-પૂજન, વ્યાપાર, રોજગાર, સાહિત્ય, કલામાં લોકો પોતાની રીતે સક્રિય રહેતાં. બધાં પ્રસન્ન રહેતાં. ઉત્સાહથી થનગનતા, કસાયેલા, મહેનતુ હતા. શાળામાં પણ સારું શિક્ષણ અપાતું અને અસ્ત્ર-શસ્ત્રમાં નિપુણ હતા.

સમગ્ર વસ્તી ઉદ્યમી. સ્ત્રીઓ પણ કારોબારમાં, ખેતીમાં, ઘરમાં કાર્ય કરતી જ રહે. તેથી ઉત્પાદન અઢળક થાય, ભારતમાં બધે જ વેચાય, તેની બરોબરી કોઈ કરી ન શકતું. રાજ્યનો ખજાનો છલકાતો રહે. શસ્ત્રો પણ અવનવા શોધાતાં, અને તેનો પણ મોટો વ્યાપાર થતો. પોતાની સર્વોપરિતા ટકાવી રાખવા અમુક શસ્ત્રોનું વેચાણ ન થતું. તેઓ મુત્સદી પણ એટલા જ હતા.

પ્રજા ઉત્સવપ્રિય હતી એટલે વર્ષમાં અનેક ઉત્સવો ઉજવવામાં આવતા. એટલું જ નહીં લોકો ધાર્મિક, લાગણીશીલ, સમજુ અને સુખી હતા. બહારથી આવતા લોકો માટે ગણિકા ભવન પણ હતા. મદ્યપાન બહુ વૃદ્ધ કે નવરા લોકો જ કરતા. જુગાર રમવા માટે પણ વૈશાલીના યુવાનો ન જતા, બહારથી આવતા લોકો જ જતા અથવા ક્યારેક શ્રેષ્ઠીઓ જતા. પરંતુ તેની આદત કોઈને નહીં.

કોની નજર લાગી હશે આ ચંદ્રને! તે પણ કલંક ધરાવે છે. સમય ક્યારેય કોઈનો થયો નથી અને થવાનો પણ નથી. એક દિવસ સંથાગરની કાર્યવાહી બરાબર ચાલતી હતી.


તેવે સમયે એક સેવક દોડતો હાંફતો ગણપતિ પાસે આવીને ગભરાયેલી હાલતમાં ઊભો રહ્યો. તેની આંખોમાં અને ચહેરા પર ભય છવાયેલો હતો. ગણપતિએ પૂછ્યું, ‘શું થયું?’ ત્યારે સેવકે કહ્યું, ‘છેલ્લા કેટલાય દિવસોથી સવાર-સાંજની આરતી પછી મંદિર પાસે બહુ મોટી ભીડ રહે છે. મંદિરમાં જવા માટે નહીં પણ મંદિરની બહાર ધસારો વધતો જાય છે.’ ગણપતિએ પૂછ્યું, ‘શા માટે, એમ કેમ?’

સેવકે કહ્યું: ‘કેટલાક સમયથી એક યુવતી દરરોજ મંદિરે નિયમિત પૂજન-અર્ચન, નર્તન કરે છે. તે અંદર જાય ત્યારે અને તે પૂજન કરીને બહાર આવે ત્યારે તેને જોવા માટે લોકો ઉમટે છે. તે યુવતી આ બધાથી અલિપ્ત રહીને પૂજા કરીને સીધી ઘરે જતી રહે છે. પણ યુવાનોના ટોળા ત્યાંથી ખસતા નથી અને ત્યાં રોજ ઝઘડા, મારામારી થાય છે. તેમને મંદિરે આવતા કેવી રીતે રોકી શકાય?’

રક્ષકે શ્વાસ લઈને થોડીવાર પછી આગળ કહ્યું, ‘યુવકો એકબીજાને જોઇને કહે છે: તેણે મારી સામે જોયું, લગાવ શરત તે આજે લાલ રંગની સાડી પહેરીને આવશે. બરાબર આઠ વાગે તે આવશે. આ રીતે તેઓ જુગાર રમવા લાગ્યા છે. ચડસાચડસીથી વાતાવરણ તંગ થઇ જાય છે. અત્યાર સુધી તો તેઓ મંદિર પાસે જ એકત્રિત થતા હતા. પણ હવે તો હદ થઇ ગઈ. તેઓ તેની પાછળ પાછળ રાજમાર્ગ ઉપર થઈને છેક તેના ઘર સુધી જવા લાગ્યા છે. તે બજારમાં આવે ત્યારે ત્યાં સાવ શાંતિ છવાઈ જાય છે, કેટલાક તો તેને જોવા માટે પોતાની દુકાન બંધ કરી દે છે!’

‘શું વાત કરું…’

સેવક આગળ બોલતો રહ્યો… પણ ગણપતિ વિચારે ચડી ગયા… કોણ હશે એ યુવતી? ક્યાંથી આવી હશે? પહેલા તે ક્યાં હતી? શું બધા લીચ્છવીઓ તેની પાછળ પાગલ થઇ ગયા છે કે શું? આ તો ભારે કૌતુક કહેવાય… એવું તે શું છે એ યુવતીમાં…!

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....