આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૬) 2


પ્રકરણ ૧૬ : આમ્રપાલીનો ઘટસ્ફોટ

આમ્રપાલીની શરતો સાંભળીને બધાં આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા. વર્ષકાર પણ આભો બની ગયો. દશ સહસ્ત્ર મુદ્રા પણ ઘણી ગણાય અને એક  કોટિ મુદ્રા તો સમગ્ર વૈશાલીના આંગળીને વેઢે ગણાય એટલા સમૃદ્ધ શ્રેષ્ઠીઓ પાસે જ હોઈ શકે.

આમ્રપાલીએ લિચ્છવીઓના મનના વિચારો વાંચી લીધા હોય તેમ બોલી…’મારી આવી શરતોથી તમારું અને આપણી વૈશાલીનું હિત કેવી રીતે જળવાઈ શકે તો સાંભળો હું જે દ્રવ્ય લઈશ તે વૈશાલીના ભલા માટે લઈશ. તેમાં મારો ઊંડો સ્વાર્થ છે. મારી પાસે આવતી કુલ રાશિનાં ૫૦ % રાશિ વૈશાલીના રાજ્યના કોષમાં જમા કરાવીશ અને તેનો ઉપયોગ વૈશાલીને ઉન્નત કરવામાં, સમૃદ્ધ કરવામાં થશે, ૨૫ % રાશિમાંથી વૈશાલીના ગરીબ, અસહાય લોકો, ગણિકાઓ અને તેમના પરિવારના આરોગ્ય અને અભ્યાસ માટે તથા સમાજને સ્વસ્થ કરવા માટે તથા તેમને થાળે પાડવા માટે અલગ ભંડોળ ઊભું કરવામાં આવશે, ૧૫ % રાશિ લિચ્છવીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલકૂદ, મનોરંજન, યુદ્ધ કૌશલ વિકસાવવા, નવા આયુધો વિકસાવવા, વૈજ્ઞાનિક શોધો કરવા માટે, ઉત્તમ નસલના અશ્વો અને અશ્વપતિ માટે, ગજરાજ અને તેના મહાવતો માટે, સુથાર, લુહાર, સોની, ઝવેરી, અન્નદાતા કૃષિકારો માટે અને અન્ય કૌશલ્યના વિકાસ અર્થે ઉપયોગમાં લેવામાં આવશે. આમ મને મળતા કુલ દ્રવ્યનો ૯૦ ટકા હિસ્સો  રાજ્યના ખજાનામાં જમા થશે.

હું વૈશાલીની લિચ્છવી છું. મારો સમગ્ર ખર્ચ વૈશાલી રાજ્ય ભોગવશે તેથી મારે આવશ્યકતા કરતાં વધારે ધનની શી જરૂર છે? હું દ્રવ્યનો સંચય કરવામાં માનતી નથી. તેને બદલે ભલે એ ધન વૈશાલીને આબાદ કરવામાં વપરાતું. મને લાગે છે કે મને જે દ્રવ્ય મળશે તેનાં ૧૦ % મારા અંગત ઉપયોગ માટે, મારા ભવિષ્ય માટે ઘણા થઇ રહેશે. મારી ઉમર પણ વધશે. ક્યારેક વિશાખાની જેમ મારે પણ રાજ્યની સહાય છોડવાનો સમય આવે ત્યારે મારે કોઈ પાસે હાથ ન લંબાવવો પડે તે માટે મારી પાસે આર્થિક સલામતી સ્વરૂપે થોડું દ્રવ્ય હોવું જરૂરી છે. મારી વાત એકદમ સ્પષ્ટ છે. મારી ભાવના વૈશાલી અને લિચ્છવીઓ ભારતવર્ષમાં યુગો યુગો સુધી આદર્શ બની રહે તેવી છે. ગણરાજ્ય વૈશાલી અમર રહે.’ આમ્રપાલીના આ ઘટસ્ફોટ પછી સંથાગાર થોડી વાર હતપ્રભ થઇ ગયું પછી: 

‘દેવી આમ્રપાલીનો જય.’,’વૈશાલી નો જય હો.’ આ ગગનભેદી જયકાર વચ્ચે સંથાગારનાં યુવકોના વિચારોનો પ્રવાહ જુદી દિશામાં વહેવા લાગ્યો.

***

વર્ષકાર દંગ થઇ ગયો. આવા સંપીલા લિચ્છવીઓને કેવી રીતે હરાવી શકાય? તેમને સગર્વ પૃથ્વીના પટ પર જીવવાનો અબાધિત અધિકાર છે. અને આ આમ્રપાલી રાજનીતિ શું સમજે એવું હું માનતો હતો પણ એ તો એટલી કાબેલ છે કે આપણને રાજનીતિના, દેશના અને દુનિયાના પાઠ ભણાવે તેવી છે. તેણે પોતાનાં અસ્તિત્વને દાવ પર લગાવીને શું શું ન મેળવી શકે? અને જે કાંઈ મેળવશે તે આટલી સહજતાથી પાછું આપે છે! આ કાંઈ નાનીસૂની વાત નથી. મહા જ્ઞાનીઓ, મહા તપસ્વીઓ જે નથી કરી શકતા અને મોહ-માયાથી છૂટી નથી શકતા તે…ધન્ય છે આમ્રપાલી, ધન્ય છે વૈશાલીને અને ધન્ય છે આ લિચ્છવીઓને…

***

સંથાગાર આમ્રપાલીની અતિશય દ્રવ્ય ચુકવવાની વાત સાંભળીને ઊભા થઇ ગયા હતા, જેને તેઓ ભારે અન્યાય સમજતા હતા તે વાતનો આવો અણધાર્યો વળાંક આવતા બધાની બોલતી બંધ થઇ ગઈ! જે આમ્રપાલી પાછળ વૈશાલી આખું ઘેલું બન્યું હતું તે આટલી હોંશિયાર, આટલી ચકોર, ચતુર અને દેશપ્રેમી! તેણે પોતાનું તન-મન-ધન સર્વસ્વ અર્પણ કરી દીધું અને બદલામાં તેને શું મળ્યું? કશું જ નહીં. આ બધી શરતો રાષ્ટ્રના ઉત્થાન માટેની જ છે, તે લિચ્છવીઓને બેઠા કરવાની છે, વૈશાલીને વિશ્વના પટ પર આદર્શ બનાવા માટેની છે. કોઈએ વિચાર્યું નહોતું કે આમ્રપાલી આવી શરતો મૂકશે. ગણપતિ, રાક્ષસ અને વર્ષકાર જેવા ધુરંધરો પણ દંગ થઇ ગયા. અજબ છે આ છોકરી…તે આ બધું કેવી રીતે શીખી, કેવી દૂરંદેશી, કેવી દીર્ઘદૃષ્ટિ! પોતાની સલામતી તો ઠીક પરંતુ રાષ્ટ્રની પણ સલામતી અને વિકાસનું સુંદર સંયોજન. હવે ગણપતિને ખાતરી થઇ ગઈ કે વૈશાલી આજથી અજય અને અભેદ્ય છે. વૈશાલીના યુવાનો, નાગરિકો પહેલા જેવા હતા તેવા ઉદ્યમી થઇ જશે. તેઓ ધન ઉપાર્જન કરવા લાગી જશે. કારણ કે બધાં કાંઈ નવી શોધ કરી શકવાની ક્ષમતા ન ધરાવતા હોય! તેઓને આમ્રપાલી મેળવવી છે. પોતાના સ્વપ્નસુંદરીને પામવા માટે એ આવશ્યક છે. સ્વપ્ન અધૂરાં ન જ રહેવાં જોઈએ…એવું વિચારતા વિચારતા સહુ મંથર ગતિએ ચાલવા લાગ્યા અને ધીમે ધીમે સંથાગારમાં રાક્ષસ અમાત્ય, ગણપતિ, મંત્રી પરિષદ, વિશાખા અને આમ્રપાલી સિવાય કોઈ જ ન રહ્યું.

***

વર્ષો પહેલા ગણપતિ એક યુવતીથી પ્રભાવિત થયા હતા અને આજે તેઓ ખરેખર આમ્રપાલીથી પ્રભાવિત થયા. અચાનક તેઓ બોલ્યા: ‘દેવી આમ્રપાલીની જય, તું મહાન છે, તું સાચે જ દેવી છે, તું યુગો યુગો સુધી આર્યાવર્તમાં અમર રહેશે, તું અને તારી ભક્તિ તારી શક્તિની નોધ તેમાં લેવાશે, તારું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. તું વૈશાલી માટે, દેશ માટે નગરવધૂ બની, ગણિકા બની, રાજનર્તકી બની. તું તારી જાતની પરવા કર્યા વગર વૈશાલીને ઉન્નત કરશે.’ તેઓ એકદમ ભાવુક થઇ ગયા અને આમ્રપાલી પાસે જઈને તેને આશીર્વાદ આપ્યા, ‘તું ખરેખર મહાન છે. તારી મહાનતાનો જોટો મળવો મુશ્કેલ છે. તારે તો કુલવધૂ બનવાની જરૂર હતી. તું મહારાણી બનવાની ક્ષમતા ધરાવે છે પરંતુ આ વૈશાલીએ અને આ લિચ્છવીઓએ તને ક્યાં પહોચવા મજબૂર કરી…’

આમ્રપાલીએ સજલ નેત્રે ગણપતિને પ્રણામ કરીને વિનતી કરી કે, ‘આજથી વિશાખાને તેની જવાબદારીમાંથી મુક્ત કરો. અને તેને હું મારી પથદર્શક, ગુરુ અને મારી મિત્ર તરીકે મારી સાથે રાખવા માગું છું. આપની સંમતિ આપવા અનુરોધ છે.’ અને ગણપતિએ તેની વિનંતી સહર્ષ સ્વીકારી. વિશાખા આમ્રપાલીને ભેટી પડી. તેને પણ એ ખબર નહોતી કે આમ્રપાલી આવી શરતો મૂકી પોતે સલામત થશે અને વૈશાલીને સુરક્ષિત કરીને ઉન્નતિને પંથે લઇ જશે.

મંદિરમાં આરતીનો ઘંટારવ થયો. એ ઘંટારવ લિચ્છવીઓ માટે ચેતવણીનો હતો કે જાગવાનો એ તો મહાકાળ જ જાણે…

***

ચારે તરફ અંગરક્ષકોથી સુરક્ષિત રથ સંથાગારનાં સોપાનશ્રેણી પાસે આવીને ઊભો રહી ગયો. તેમાં વૈશાલીની જનપદ કલ્યાણી, નગરવધૂ વિશાખાને પોતાની સાથે લઈને રાજમાર્ગે આગળ ગઈ. ચારેબાજુ ભીડ અને નગરજનો તેમના પર પુષ્પવૃષ્ટિ કરતા હતા અને ગગનભેદી ઘોષ કરતા હતા…’દેવી આમ્રપાલીની જય’, આ વખતે લિચ્છવીઓ અંતરના ઉમળકાથી જયઘોષ કરતા હતા…

અને તેઓએ એક નગરવધૂને દેવી બનાવી દીધી…

ઘરે આવતાં આમ્રપાલીને માતા-પિતા યાદ આવ્યાં અને તે ચોધાર આંસુએ રડી પડી…

(ક્રમશ:)

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૬)