પ્રકરણ ૧૭ : અદભુત શિષ્યા
અમાત્ય રાક્ષસ અને અમાત્ય વર્ષકાર બંને દીવાના આછા પ્રકાશમાં ચર્ચા કરતા બેઠા હતા. ચર્ચાનો મુખ્ય વિષય હતો આમ્રપાલી. રાક્ષસ મગધ વિષે જાણવા આતુર હતો પરંતુ તે વર્ષકારને સીધી રીતે એવો પ્રશ્ન પૂછવા નહોતો ઈચ્છતો. કારણ કે તે જાણતો હતો કે વર્ષકારે જીવનના ઘણા વર્ષો સુધી મગધમાં મુત્સદીગીરી કરી હતી. એક પ્રશ્ન માત્રથી તે બધી વાત જાણી જાય અને સામેવાળાને ન કહેવું હોય તો પણ કહેવું જ પડે તેવી કુશળતા ધરાવતા હતા. એટલે જ બહુચર્ચાતી બાબતને લઈને વાતનો દોર હાથમાં લેવાનો તેણે પ્રયત્ન કર્યો. રાક્ષસે કહ્યું, ‘આ આમ્રપાલીનું શું કરવું?’
વૈશાલીમાં વર્ષકાર નવો હતો અને રાક્ષસ જૂનો અને જાણીતો હતો. વર્ષકારે ગણરાજ્ય કેવું હોય તેની વાતો જ સાંભળી હતી પણ હમણાંથી તેનો પ્રત્યક્ષ પરિચય મળતો હતો. તેમને પણ રાક્ષસ પાસેથી બહુ બધું જાણવું હતું. રાક્ષસ વૈશાલીને ઉચ્ચ શિખરે પહોંચાડવા માંગતો હતો અને બીજો વૈશાલીને પાયમાલ કરવા માંગતો હતો. વર્ષકાર કોઈનેય ગંધ ન આવે તે રીતે પોતાની યોજનામાં આગળ વધતો જતો હતો. છતાં બોલવામાં જીભ લપસી ન જાય તેની સાવધાની રાખીને તેણે કહ્યું: ‘મેં આવી ગજબની છોકરી પહેલી જ વાર જોઈ. શું તેની હિંમત, દાદ દેવી પડે.’
રાક્ષસ એમ જ સમજતો હતો કે વર્ષકાર વૈશાલીના હિતમાં વિચારે છે. તેથી તેણે નિખાલસ ભાવે કહ્યું, ‘તેનાથી ચેતવા જેવું લાગે છે. તે કેટલી વિચક્ષણ છે! આટલી નાની ઉંમરે તેણે જે કુનેહથી સંથાગારમાં પોતાની શરતો રજૂ કરી અને તે મંજૂર પણ કરાવી તે કાબિલે તારીફ છે. કેવી વિચારશક્તિ.’
વર્ષકારે કહ્યું, ‘તે હજી કિશોરી છે એટલે તેને અનુભવ તો બિલકુલ ન હોય એ સ્વાભાવિક છે છતાં તેની મૌલિકતા ઉપર વારી જવાનું મન થાય છે!’
રાક્ષસે કહ્યું, ‘અને તેનો આત્મવિશ્વાસ પણ કેટલો જોરદાર છે, ગણપતિ કહેતા હતા કે સંથાગાર પાસે તે શરતો મનાવી લેશે અને તેણે અણનમ રહીને પોતાનું ધાર્યું કર્યું.’
વર્ષકાર અંદરખાનેથી ખુશ થતો હતો કે લિચ્છવીઓ ભોગ-વિલાસમાં સરી પડશે એટલે તેઓ પાયમાલ થઇ જશે!
પણ રાક્ષસ એમ વિચારતો હતો કે હવે લિચ્છવીઓ અંદરોઅંદર લડશે નહીં. આંતરકલહ થવાની ભીતિ ટળી ગઈ! તેણે પૂછ્યું, ‘તમારે મગધમાં આવી પરિસ્થિતિનો ઉકેલ કેવી રીતે કરવામાં આવે છે?’
વર્ષકારે કહ્યું, ‘મગધમાં? છોડો એ દેશની વાતો, ત્યાં તો પ્રજાને રાજાનો જે આદેશ હોય તેને માનવો જ પડે, ન માને તો કારાગારની કોટડીમાંથી બહાર જ ન આવી શકે. કોઈ બગાવત કરે તો રાજા ક્યારેય સાંખી ન લે. તેથી કોઈની એવી હિંમત જ ન ચાલે.’ તે જાણે મગધથી કંટાળી ગયો હોય તેવા ભાવ તેના ચહેરા પર વંચાયા. રાક્ષસને થયું આ તલમાંથી બહુ તેલ નીકળે તેમ લાગતું નથી.
ઘરે આવીને આમ્રપાલી રડી પડી. તેને તેના માતા-પિતાની યાદ આવી ગઈ. વિશાખા પણ તેને ભેટી પડી અને રડતાં રડતાં આમ્રપાલીને સાંત્વના આપવા લાગી. ‘બહેન, આ ઉંમરે તારા પર ઘણું વીત્યું છે. હવે જરા ધીરજ ધર અને શાંત રહે.’
આમ્રપાલી થોડીવાર પછી સ્વસ્થ થઇ. તેણે વિશાખાને પૂછ્યું: ‘મેં સંથાગારમાં રજૂ કરેલી મારી શરતો બહુ આકરી તો નહોતીને? મેં ખૂબ વિચારીને એ શરતો નક્કી કરી છે. લિચ્છવીઓ તેને પચાવી શકશે ને?’
વિશાખા શું કહે? તે તો દંગ થઇ ગઈ હતી. દુનિયાની કોઈ યૌવનાએ એક વિશાળ સામ્રાજ્ય પાસે પહેલી જ વાર પોતાની શરતોનો સ્વીકાર કરાવ્યો હતો. અને એ શરતો પણ કેટલી ઉચ્ચ પ્રકારની હતી – અને વળી સંપૂર્ણપણે રાષ્ટ્રના હિતમાં. તેને લાગ્યું કે આ છોકરીમાં જરૂર એવું કોઈ તત્વ છે કે જે કોઈ તેને જુએ તે તેનાથી અંજાઈ જાય, તેના પ્રભાવમાં આવી જાય અને તેનાથી સંમોહિત થઇ જાય! તે મોટાં મોટાં સામ્રાજ્યોને ઉથલાવી શકે તેમ છે. તેણે સ્મિત કરીને કહ્યું,
‘અરે બહેના, તારી કમાલની શરતો અને ધમાલ વગરની સંથાગારની નતમસ્તકે શરણાગતિ છે પછી તું નાહકની ચિંતા કરે છે. એ શરતોનું પાલન હવે તેમણે કરવાનું છે અને આપણે આપણી રીતે ઘણું કરવાનું છે તે ન કરીએ? મને પણ તારી પાસેથી ઘણું ઘણું શીખવા-સમજવા મળશે.’
દેવેન્દ્ર વેપાર-ધંધામાં પ્રવીણ જણાતો હતો. તે આમ્રપાલી વિષે વિચારી વિચારીને થાકી ગયો હતો. તે આમ્રપાલી પર આફરીન થઇ ગયો હતો. તેને હવે વેપારમાં જાણે રસ જ ન હોય તેમ આમ્રપાલી વિષે જ વિચાર્યા કરતો હતો. કોઈની સાથે વાતચીત કરે તો પણ તેને વિષે જ વાતો કરતો. તેને થતું જો આરામ મેળવવો હોય તો આમ્રપાલી વિષે વિચારવાનું ઓછું કરવું જોઈએ. પણ એ તેના હાથની વાત ન હતી.
તે સંથાગારની દરેક સભામાં હાજર રહ્યો હતો. અને આમ્રપાલીને જોવા-સાંભળવા સિવાય તેનું ધ્યાન બીજે ક્યાંય ન રહેતું. હવે તેને થયું કે મારે મગધ પાછા ફરવું જોઈએ. કારણ કે આમ્રપાલી હમણાં કોઈને મળશે નહીં. તે એક વિચારથી બહુ જ આનંદિત હતો કે કોઈ એક કોટિ મુદ્રા આપી શકે તેમ લાગતું નથી અને પોતાને એનો કોઈ જ વાંધો નથી. તે તો પોતાની બધી જ સંપત્તિ સંપૂર્ણપણે આમ્રપાલીને આપી દેવા તૈયાર હતો! મગધ જઈ, પૂરી તૈયારી કરીને આવીશ. તેનો આ વિચાર યોગ્ય હતો. અને તે એક દિવસ મગધ રવાના થઇ ગયો…આમ્રપાલીનો સહવાસ માણવા ફરી આવવાની અદમ્ય ઈચ્છા સાથે તે મગધ ગયો…
આમ્રપાલીનો એક આગવો ગુણ એવો હતો કે તે દરેક વિષયમાં ઊંડો રસ લેતી હતી. છેક વિષયનાં મૂળ સુધી ન પહોંચે ત્યાં સુધી તેને ચેન ન પડતું. તેની આ ગુણવત્તા જ તેને દરેક ક્ષેત્રમાં કુશળ બનાવતી હતી. વિશાખા પણ તેને હૃદયપૂર્વક નાની બહેન તરીકે સ્વીકારીને બહુ જરૂરી એવું માર્ગદર્શન આપતી હતી અને મદદ કરતી હતી. આમ્રપાલીએ પોતાની કુશાગ્ર બુદ્ધિથી પ્રત્યેક વિષયમાં ધ્યાન આપવાનું શરુ કર્યું. નૃત્ય કલામાં તેને ખાસ માર્ગદર્શન મળ્યું ન હતું પરંતુ હવે તેને ઉત્તમ ગુરુ તરફથી શિક્ષણ મળવા લાગ્યું. અને તે તેની ગ્રહણશક્તિ અને કૌશલ્યથી શિક્ષણ પ્રાપ્ત કરવા લાગી. સંગીતમાં પણ તે એટલા જ ઉત્સાહથી રસ લેવા લાગી. ગાયન માટે તેનો સૂર કેળવાવા લાગ્યો. વાદનમાં તેને તંતુવાદ્ય વિચિત્રવીણા પર પસંદગી ઉતારી. સૌન્દર્ય પ્રસાધનોનો ઉપયોગ અને તેનું મહત્વ પણ તે શીખી. આકર્ષક વસ્ત્ર પરિધાન. મોહક અંગભંગિમાં, ભ્રૂભંગ, નયનોનાં કટાક્ષ બાણ, હાવભાવ, અદા, નાઝો-નખરા, નવ રસની અભિવ્યક્તિ, શ્વાસોચ્છવાસની ગતિ, યોગ, પ્રાણાયામ અને સમયપાલનનું મહત્વ પણ તેણે જાણ્યું અને અમલમાં મુક્યું. અલંકારો અને આભૂષણો પણ પોતાની પસંદના બનાવડાવવા માટે તેને ત્યાં સ્વર્ણકારો તથા રત્નકારોની અવરજવર થવા લાગી. વૈશાલીની નગરવધૂની તૈયારીમાં કોઈપણ કચાશ ન રહી જાય તે માટે તડામાર તૈયારીઓ થવા લાગી. એક જૂની ગણિકા ધની પાસેથી કામશાસ્ત્રનું પદ્ધતિસરનું જ્ઞાન પણ તેને પ્રાપ્ત કર્યું. તે બધી કલાઓમાં અને વિષયોમાં નિપુણ થવા ઈચ્છતી હતી. કાંઈપણ બાકી ન રહી જવું જોઈએ. રાજનીતિનું શિક્ષણ પણ તેણે પાયાથી મેળવ્યું અને તેમાં તેને અમાત્ય રાક્ષસ અને ગણપતિએ ઘણી મદદ કરી.
વર્ષકાર, રાક્ષસ અને ગણપતિ આમ્રપાલીની અથાગ મહેનત જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા. આવું તો કોઈએ ક્યારેય નથી કર્યું. આટલી આવડત, આટલી ધગશ અને આટલી ચીવટથી કોઈ શીખતું હોય તેવું પહેલીવાર જ બન્યું હતું. વળી નવાઈની વાત એ હતી કે તે જે શીખતી હતી તેમાં તે અંત સુધી પૂરેપૂરું શિક્ષણ મેળવતી હતી. તેના વિવિધ ગુરુજીઓ પણ મોંમાં આંગળા નાખી દે તેવી કક્ષાએ તે પહોંચી જતી હતી. આવી અદભુત શિષ્યા મેળવી તેઓ પોતાને અહોભાગી સમજવા લાગ્યા હતા.
(ક્રમશ:)
ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.
‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.
Next part ketla varsho pachhi muksho?
Very nice and well designed
તમારા પ્રતિભાવ બદલ આભાર. આ નવલકથાને સાંભળી પણ શકાય છે તે તમે જનતા જ હશો. તેને સાંભળીને પણ ત્યાં જ તમારો પ્રતિભાવ પણ દર્શાવી શકાય છે. આ ઉપરાંત તમને 100 વર્ષ પહેલાંની મુંબઈના ફિમલ ઉદ્યોગમાં જબરું નામ ધરાવતા રણજિત સ્ટુડિયોની કથા પર આધારિત નવલ બોલીવુડના બેતાજ બાદશાહ આ જ વેબસાઈટના ઇપુસ્તક ડાઉનલોડ વિભાગમાં અમારી લખેલી છે તે ડાઉનલોડ કરીને એકી બેઠકે અથવા પ્રકરણ પ્રમાણે વાંચી કે સાંભળી શકશે…રસ પડે અને સમયની અનુકૂળતા હોય તો અવશ્ય કોશિશ કરશો.