આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)


પ્રકરણ ૧૪ : ઈશ્વરનો દોરીસંચાર…!

વર્ષકારે પોતે જ કરેલી ગોઠવણ મુજબ તેની યોજના આગળ વધે છે. બિંબિસારને અને વર્ષકારને પોતાની યોજના આગળ વધતી જોઈ આનંદ થાય છે. તે માટે હવે તેમણે ખાસ મુશ્કેલ પ્રયત્નો કરવા પડતા નથી. યોજનાનો અમલ કરવામાં તો બે-ત્રણ વર્ષ થઈ જાય તેમ લાગે છે. બ્રાહ્મણ અને રાજા બંને આ વખતે કોઈ પણ જાતની ઉતાવળ કરવા નહોતા ઈચ્છતા.


દેવેન્દ્ર મગધ પાછો ફર્યો હતો પણ તે કાંઇક ખોઈને આવ્યો હોય તેવી અનુભૂતિ તેને થતી હતી. તેને ક્યાંય જંપ નહોતો વળતો. આમ્રપાલી તેના મનમાં ઘર કરી ગઈ હતી. તેને કેવી રીતે મેળવવી એ જ વિચાર સતાવ્યા કરતો હતો. શું તેનું અપહરણ કરીને લઇ આવું? પરંતુ એ તો અપમાન ગણાય. વૈશાલી મગધ ઉપર તરત ચઢાઈ કરે. તે પોતાના વેપારને વૈશાલીમાં વિકસાવવા માંગતો હતો તેવામાં કોઈ યુદ્ધ તેને યોગ્ય નહોતું લાગતું. તેને લાગ્યું કે ઉતાવળે આંબા નહીં પાકે, ધીરજ રાખવી એ જ અત્યારે સારો ઉપાય છે. પરંતુ તેણે મનમાં ગાંઠ વાળી કે પોતે આમ્રપાલીને કોઈપણ ભોગે મેળવીને જ જંપશે. તેનો અત્યાર સુધીનો અનુભવ કહેતો હતો કે ધન-દોલતથી બધું જ ખરીદી શકાય છે અને ધાર્યું કરી શકાય છે.

આમ્રપાલી – પુસ્તક કવર ચિત્ર : રેના મિસ્ત્રી

આમ્રપાલીના માતા-પિતાના અપમૃત્યુને એક મહિનો થઇ ગયો. આમ્રપાલી હળવે હળવે શોકમાંથી બહાર આવતી જતી હતી. વૈશાલીએ પૂરેપૂરી સહાનુભૂતિ દાખવી. લોકો શાંત થઇ ગયા હતા. કોઈ ઉગ્રતા, ઝનૂન કે સૂત્રોચ્ચાર નહોતા થતા. નગરજનો તેને ‘દેવી આમ્રપાલી’ કહીને બોલાવતા હતા. તેઓ તેનો પડ્યો બોલ ઝીલવા લાગ્યા હતા. એ સ્મશાન વૈરાગ્ય હતો, છતાં તેમાં લિચ્છવીઓની સારી ભાવના હતી!

આમ્રપાલી આ સમય દરમિયાન નગરવધૂ બનવા માટે માનસિક, શારીરિક હિમત એકત્રિત કરતી હતી. તે બિલકુલ અનુકુળ સમય સુધી પ્રતીક્ષા કરવા ઈચ્છતી હતી. તેણે આજસુધી ક્યારેય નહોતું વિચાર્યું તેવું બધું વિચાર્યું હતું. હવે તેણે નિશ્ચય કરી લીધો હતો. હવે એ નિશ્ચયને અંતિમ સ્વરૂપ આપવાનું હતું. તેણે નગરવધૂ બનવા માટેની પોતાની શરતો લખી. પણ પોતાની શરતો જોતાં તેને ખાતરી હતી કે એ શરતો સંથાગાર સ્વીકારશે નહીં અને પોતે બચી જશે. સંથાગાર પણ આખરે માણસોનું જ બનેલું હતું ને! તેનો સામૂહિક નિર્ણય સકારાત્મક હશે કે નકારાત્મક? બધા કોઈ એક નિર્ણય ઉપર આવી શકશે કે નહીં? સંથાગારમાં મતભેદ સર્જાશે તો? બળિયાનાં બે ભાગ જેવું તો નહીં થાય ને? શું તેઓ અંદરો અંદર લડશે? હું સલામત રહી શકીશ?


આમ્રપાલીએ ગણપતિ, રાક્ષસને બોલાવી પોતાની વિટંબણા વિષે નિખાલસપણે ચર્ચા કરી.

તેનું કહેવું એવું હતું કે તે હજુ યુવાન અવસ્થામાં પ્રવેશી નહોતી અને તેથી તેણે આ પદની જવાબદારી સ્વીકારવા માટે થોડી મુદતની જરૂર છે. તે પરિપકવ થઇ જાય પછી જ નગરવધૂ બને એ તો સ્વાભાવિક વાત છે. રાક્ષસ અને ગણપતિ સમજદાર હતા. તેઓ તરત સમજી ગયા. ગણપતિએ તેને ન ગભરાવા માટે તથા ગણનાયિકા બધી સહાય કરશે તેવું કહ્યું.

આમ્રપાલીએ ગણનાયિકા સાથે વાત કરી. એ બુદ્ધિમતી થોડામાં ઘણું સમજી ગઈ. આમ પણ એક સ્ત્રી જ બીજી સ્ત્રીની મનોવેદના, મનોવ્યથા અને આંતરિક સ્થિતિ સમજતી હોય છે. આમ્રપાલીએ ગણનાયિકા પાસેથી ઘણી બધી માહિતી મેળવી. આમ્રપાલીએ વૈશાલીની અત્યારની રાજનર્તકી અને નગરવધૂ કોણ છે તે જાણ્યું અને અન્ય ગણિકાઓ વગેરે વિષે પણ માહિતી મેળવી.

શ્રેષ્ઠ ગણિકા વિશાખાને આદેશ આપવામાં આવ્યો કે તે આમ્રપાલીને સર્વ પ્રકારે મદદ કરવા માટે તૈયાર રહે. વિશાખા પણ સાનમાં સમજી ગઈ હતી અને તેને ખબર હતી કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઉગતા સૂર્યને પૂજવો જોઈએ. તેથી તે આમ્રપાલીનો જમણો હાથ બની તેને સર્વ પ્રકારે મદદ કરવા માટે તૈયાર થઇ ગઈ. તે સમજી ગઈ હતી કે હવે પોતાની જાહોજલાલી, સત્તા, પદનો અંત આવી ગયો છે. તે પણ યુવાન જ હતી, આમ્રપાલી કરતા તે દસેક વર્ષ જ મોટી હતી, પણ તે અનુભવી હતી એટલું જ નહીં પણ તે વાત્સાયને દર્શાવેલી ચોસઠ કળામાં પારંગત હતી.

તે જયારે આમ્રપાલીને પહેલીવાર સાવ નજીકથી મળી કે તે તરત તેના પ્રભાવમાં ખેંચાઈ ગઈ. તે રૂપવતી હતી છતાં તેના રૂપનું અભિમાન ઓગળી ગયું. લગભગ એક મહિના સુધી તે નૃત્યશાસ્ત્ર, શિલ્પકળા, સામુદ્રિકશાસ્ત્ર, કામશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, ચિત્રકળા, ગણિકાનાં વિભિન્ન કાર્યો અને તેણે મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે કુનેહ અને કુશળતાથી માર્ગ કાઢવો, આ ઉપરાંત રાજનીતિ, ગુપ્તચરોનો ઉપયોગ, શત્રુ અને મિત્ર રાજ્યો સાથેનાં સંબંધોને કેવી રીતે જાળવવા જેવી વિવિધ કાર્યશૈલીનો પરિચય આપતી રહી.

આ ઉપરાંત કોઈને કેવી રીતે વશ કરી શકાય, પોતાની ઈચ્છા મુજબ વશ થવું કે નહીં, શણગાર કેમ સજવા, સહભાગી થવું કે નહીં, સમય કેવી રીતે પસાર કરી શકાય એ બધું સવિસ્તાર જણાવ્યું. સામેવાળા પાસેથી વાતવાતમાં તેની બધી વિગત કેવી રીતે જાણી લેવી, ધનરાશિ કેવી રીતે મેળવી લેવી. માથાભારે વ્યક્તિ સાથે કેવી રીતે પનારો પાડવો જેવી અનેક ઉપયોગી માહિતી આપી.

વૈશાલીમાં અને તેની આસપાસના દેશોમાં કોણ કેટલા પાણીમાં છે, કોણ મિત્ર છે અને કોણ દુશ્મન છે એ બધી વિગત પણ આપી. આ ઉપરાંત વિશાખાએ કહ્યું કે આપણી પાસે આવતી વ્યક્તિ પોતાના અંગત દુખો ભૂલવા માટે આવે છે, તે રાહત અને આનંદ મેળવવા માટે આવે છે. તેની સામે સૌમ્યપણે, સંસ્કારી રીતે, ભદ્રતાથી અને વિવેકપૂર્વક પ્રસ્તુત થવું જોઈએ. તે ખુશ થઈને અહીંથી જાય એ પણ જરૂરી છે. અહીં બંને પક્ષે પ્રસન્નતા રહે એ જોવું જોઈએ.

વિશાખાએ કહ્યું, ‘આમ્રપાલી, તું એ ખાસ ધ્યાન રાખજે કે તારે નિત્ય વૈદ્ય પાસે તારી કાયાની તપાસ પણ કરાવી લેવી જેથી કોઈ રોગ, કે સક્રમણ તને સ્પર્શે નહીં. ગર્ભ ન રહે તે માટે દરરોજ ઔષધ સેવન કરતી રહેજે અને તે લેવાથી થતી આડઅસરથી પણ બચતી રહેજે. આપણા નસીબમાં માતૃત્વ નથી. પરંતુ ભૂલચુકે જો એવું બને તો બાળકને જન્મ જરૂર આપજે.’ વિશાખાએ અનુભવી ગુરુની માફક સલાહ આપી. તેણે આગળ કહ્યું: ‘બહેન, નગરવધૂનું પદ ફૂલોની સેજ નથી. તે કંટાળી શૈયા છે! તારે માથે બહુ મોટી જવાબદારી આવી પડી છે. તારી ઉમર આ જવાબદારી વહન કરવાની નથી. તને તૈયાર થતાં વાર લાગશે.

નગરવધૂ ફક્ત ગમે તેનું પડખું સેવનારી સ્ત્રી નહીં, તે વિશિષ્ટ છે. તું સંથાગારની મંત્રી પરિષદની સભ્ય બને છે, તું વૈશાલીના પ્રત્યેક નિર્ણયમાં ભાગીદાર હશે, વૈશાલીમાં તારું સ્થાન અને તારી શાન અલગ હશે, કાલે તું જનપદ કલ્યાણી બનશે એટલે સમગ્ર પ્રજાના હિતની રક્ષા કરવાની જવાબદારી પણ તારી હશે. તારે દેશ-વિદેશના રાજદ્વારી, રાજદૂતો સાથે સંબંધો જાળવવા પડશે. તારી પાસે તારું પોતાનું ગુપ્તચર તંત્ર હશે, તારી પાસે ગણિકાઓનો વિશાળ સમુદાય હશે અને તેમાં પણ વર્ગીકરણ હશે. હોદ્દાને અનુરૂપ તારે તેમની વ્યવસ્થા કરીને સહુનું મનોરંજન કરવાનું રહેશે. તારે તેમને પારખવી પડશે અને ગુપ્ત માહિતી કઢાવી શકે તેવી ચકોર, ચતુર, રૂપાળી, કામણગારી ગણિકાઓ તૈયાર પણ કરવી પડશે. તેની પસંદગી કરતી વખતે તારે એ જોવાનું રહેશે કે તે વિવિધ કલાઓમાં પારંગત હોય. તેમના માટે સૌન્દર્ય પ્રસાધન વિભાગ, સંગીત વિભાગ, ઔષધી વિભાગ, અંગરક્ષક વિભાગ, કામકળા કેન્દ્ર, પાલી-અર્ધમાગધી અને અન્ય ભાષા વિભાગ, અર્થતંત્ર વિભાગ વગેરેની દેખરેખ અને સંચાલન તારે કરવાનું રહેશે.

તારે રોજ ગણપતિને મળવાનું રહેશે. માહિતી આપવાની તથા મેળવવાની રહેશે. આ બધું આપણા અને વૈશાલીના હિતમાં છે. આ ઉપરાંત તને મળતા ફાજલ સમયમાં તારે લિચ્છવીઓનું મનોરંજન કરવાનું છે. તેમને ખુશ રાખવાના છે અને તો જ તારું નગરવધૂનું પદ સલામત રાખી શકીશ. જાત સોંપવી સહેલી છે પણ આ પદ સાચવવું આકરું છે. જો તું આ બધું સારી રીતે કરી શકશે તો ઈતિહાસ તારી નોંધ લેશે. હું પણ એવું કરવાની કોશિશ જ કરતી હતી. નહીંતર આપણા જેવી કેટલીયે ગણિકાઓ કાળની ગર્તામાં ખોવાઈ ગઈ છે તેમ આપણે પણ ખોવાઈ જઈશું. તારી પાસે અબાધ સત્તા હશે, અઢળક નાણાં હશે, તારી પાસે કોઈ હિસાબ નહીં માંગે, તારો બધો જ ખર્ચ રાજ ભોગવશે. તું ધારે તો વૈશાલીને તારી શકે છે અને  તું ધારે તો વૈશાલી ડૂબી શકે. આજથી તું વૈશાલીની ભાગ્ય વિધાતા છે. તારું ગૌરવ, તારું માન, તારો મોભો-મરતબો અને શાન આજથી અલગ છે, મારી શુભેચ્છા તારી સાથે છે. એમ કહીને વિશાખા આમ્રપાલીને ભેટી પડી. પછી રડી પડી. થોડીવારે સ્વસ્થ થઈને તેને આમ્રપાલીને કહ્યું:   ‘એક વિનંતી કરું?’

‘શું?’ આમ્રપાલીએ પૂછ્યું.

‘મને તારી અંતરંગ સખી-સહેલી નહીં બનાવે બહેન? હું સોગંદ ઉપર કહું છું કે હું સંપૂર્ણપણે તને વફાદાર રહીશ, હું તને બહુ મદદરૂપ થઇ પડીશ અને જીવીશ ત્યાં સુધી તારી સાથે સગી બહેનની જેમ રહીશ. મારો અનુભવનો તને લાભ મળશે. તારી સફળતા મારા અધૂરા કાર્યની સફળતા ગણીશ. હું તારી જ્વલંત સફળતા ઈચ્છું છું બહેના, મારે કોઈ બહેન કે ભાઈ નથી. તું મારી બહેન બની જા. તું ફતેહ કર એવી મારા અંતરની કામના છે. આ ઉંમરે તે આટલો કઠોર નિર્ણય કેમ કર્યો તેનું રહસ્ય મને સમજાતું નથી. પરંતુ મેં તારામાં કોઈ દિવ્ય તેજ જોયું છે. તું નહીં માને પણ હું તારા પર મોહી પડી છું.’     

આમ્રપાલી એકાગ્રતાથી બધું સાંભળતી હતી, સમજતી હતી અને યાદ રાખતી હતી. કારણ કે હવે પછી તેનું ભવિષ્ય આ બધી બાબતો ઉપર જ નિર્ભર કરતું હતું. તેણે વિચાર્યું માતા-પિતા જેવું કોઈ વડીલ નથી રહ્યું. કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જેની સમક્ષ પોતે સઘળી વાત કરી શકે, દિલ ખોલી શકે, જેના ખભે માથું ઢાળી શકે. આ વિશાખા લાગણીવાળી છે. જો તે મારી સાથે હશે તો મારું ઘણું કામ સરળ થઇ જશે. તેથી તેણે વિશાખા સમક્ષ પોતાનું મન ખોલ્યું:

‘વિશાખા, હું બહુ નાની છું, તારી વાત સાચી છે. હું કિશોરી છું, યૌવનના દ્વારે પગલાં માંડું છું. માતા-પિતા ગયા. વૈશાલી મારા માટે ગાંડું થયું છે. મને લિચ્છવી હોવાનું ગૌરવ છે. મને પણ વૈશાલી માટે લાગણી છે. હું પણ કોઈની પત્ની બનવાની હતી. મને શી ખબર કે ઈશ્વરે મને અપરંપાર રૂપ આપ્યું છે. મારું આ રૂપ, મારું આ સૌન્દર્ય ક્યાંક મારા પ્રાણ ન હરી લે એવો મને ડર લાગે છે.

મારે મારા આત્માના અવાજને દબાવી દેવો પડશે, મારી કાયાનો મારે ભોગ આપવો પડશે એવું મેં સ્વપ્નેય નહોતું વિચાર્યું. એ બાબતમાં હું બિલકુલ અબોધ હતી. સ્વપ્ન જોવાનું પણ હજી શરુ નથી થયું, સંસાર, સમાજ કોને કહેવાય તેની પણ મને ખબર નથી. પરંતુ વાચનથી મળેલાં જ્ઞાન અનુસાર મારી પાસે રોજ નવો પુરુષ આવે, નવી સોબત મળે, મારે મારી કાયા રોજ કોઈને સોંપવાની, મારે વૈશાલીનાં મનોરંજન માટેનું સાધન બની જવાનું. નવા નવા લિચ્છવીઓ માટેનું રમકડું બની જવાનું. બીજા જેમ રમાડે તેમ રમવાનું. મારું ભવિષ્ય શું? હું સમજું છું, ફક્ત વાહ, વાહ, મારી સુંદરતાના વખાણ, ભેટ-સોગાદ…મને મારું નસીબ જ્યાં લઇ જાય ત્યાં જવાનું…આમ પણ મનુષ્ય ઈશ્વરના દોરીસંચાર મુજબ હરતું ફરતું રમકડું જ છે ને…’

(ક્રમશ:)

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....