આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રસ્તાવના) 9


“આમ્રપાલી” ઐતિહાસિક નવલકથામાં ઉમેરણ

ગુજરાતી નવલકથાનો આરંભ જ ઐતિહાસિક નવલકથાથી થયો છે. ૧૮૬૬માં પ્રગટ થયેલી નંદશંકર મહેતાની ‘કરણઘેલો’ ગુજરાતીની સૌ પ્રથમ નવલકથા ગણાવાઈ છે. એ પછીનાં દોઢસો વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલી સાહસ્રાધિક નવલકથાઓએ એમનાં અવનવાં રૂપો બતાવ્યાં છે. ક.મા.મુનશી અને ધૂમકેતુએ ઐતિહાસિક નવલકથાને શિખર પર બેસાડી છે. આજે અનુઆધુનિક યુગમાં પણ કથાસર્જકોનું ઐતિહાસિક વિષયવસ્તુ પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું નથી જેનું દૃષ્ટાંત તાજેતરમાં જ પ્રગટ થનાર પ્રકાશ પંડ્યા અને હર્ષદ દવે લિખિત નવલકથા ‘આમ્રપાલી’ છે.

‘આમ્રપાલી’ ઐતિહાસિક નવલકથા છે જેમાં પચીસસો વર્ષ પૂર્વેનો સમય નિરુપાયો છે. આ સમયમાં ભગવાન બુદ્ધ ભારતભૂમિ પર વિહાર કરી રહ્યા હતા. બુદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર થઇ રહ્યો હતો. મગધ જેવું મહારાજ્ય હતું અને મલ, માલવ, કઠ, બ્રહ્મણક, લિચ્છવી જેવાં ગણતંત્રો અસ્તિત્વ ધરાવતાં હતાં. મહાસત્તા મગધ પોતાની સામ્રાજ્ય વિસ્તારની લિપ્સાને કારણે નાનાં નાનાં ગણતંત્રોને પોતાનામાં સમાવી લેવા પ્રયત્નો કરી રહ્યું હતું. ગણભાવનાને પરિણામે ગણતંત્રો સ્વતંત્રતા અને સ્વાયત્તતા ભોગવતાં હતાં. પોતાના ગણરાજ્યનું શૌર્યસંપન્ન યૌવનધન સૌન્દર્યની વેદી પર હોમાઈને ગણતંત્રને છિન્નભિન્ન કરી ન નાખે તે માટે ગણરાજ્યોની સૌંદર્યવાન પુત્રી સ્વેચ્છાએ નગરવધૂ બનતી હતી. વૈશાલીમાં આમ્રપાલી નામની યુવતીએ નગરવધૂ બનીને પોતાના સ્ત્રીત્વનું – ગૃહસ્થાશ્રમ જીવનનું બલિદાન આપ્યું હતું. મગધ નરેશ બિંબિસાર આમ્રપાલીના સૌન્દર્યથી આકર્ષાઈને તેમના પ્રાસાદમાં છૂપી રીતે આવતો-જતો હતો અને બંને વચ્ચેના સંબંધથી આમ્રપાલી પુત્રવતી બની હતી. વૈશાલી પ્રત્યેના અપૂર્વ પ્રેમને કારણે આમ્રપાલીએ પોતાના પુત્રને મગધ મોકલી દીધો હતો. મગધના આક્રમણે વૈશાલી છિન્નભિન્ન થયું હતું. આ બધી ઐતિહાસિક વિગતોની આસપાસ ‘આમ્રપાલી’ નવલકથા લખાઈ છે.

લેખકોએ આમ્રપાલી, મહાનામન, બિંબિસાર, વર્ષકાર, રાક્ષસ, ગૌતમ બુદ્ધ જેવાં પાત્રો; વૈશાલી, મગધ, કાશી, કૌશલ જેવાં નગરો, નાલંદા વિદ્યાપીઠ, માયામહેલ, સંથાગાર જેવાં સ્થળવિશેષો અને કેટલાંક પ્રસંગોનાં આલેખનમાં ઇતિહાસનો આધાર લીધો છે, પરન્તુ ‘આમ્રપાલી’ ઇતિહાસની કૃતિ નથી, નવલકથા છે. ઇતિહાસકાર માટી એકઠી કરીને તેને થોડો ઘાટઘૂટ આપે છે, પરંતુ નવલકથાકાર તો તેમાં પ્રાણ પૂરે છે. અહીં ઇતિહાસની વિગતોને રસપ્રદ બનાવી નવલકથામાં રૂપાંતર કરવા માટે સર્જકોએ ઐતિહાસિક પ્રસંગો અને પાત્રોના આલેખનમાં કેટલાક ફેરફારો કર્યા છે, કેટલાક કાલ્પનિક પ્રસંગો અને પાત્રોનું નિરૂપણ પણ કર્યું છે. આ ફેરફારો અને નવાં પ્રસંગો-પાત્રો એવાં નથી કે ઐતિહાસિકતાને હાનિ પહોંચાડે. તત્કાલીન સમયને અનુરૂપ રહીને કરાયેલા ફેરફારો સર્જકોની સર્જન પ્રતિભાનો પરિચય કરાવે છે. ઐતિહાસિક નવલકથા ઐતિહાસિક પ્રસંગો અને પાત્રોના આલેખનથી બનતી નથી, પરન્તુ સર્જકે જે તે સમયના વાતાવરણને તાદૃશ કરે તેવી રીતે ઐતિહાસિક-કાલ્પનિક પ્રસંગો-પાત્રોનું આલેખન કરવું પડે છે. ‘આમ્રપાલી’ નવલકથામાં કથાસર્જક ઐતિહાસિક વાતાવરણ સર્જી શક્યા છે. અહીં ઈતિહાસ પણ જળવાયો છે અને મહદંશે નવલકથા પણ જળવાઈ છે. કથાસર્જકોએ નવલકથામાં ઐતિહાસિક વાતાવરણ તાદૃશ કરાવવા કેવા પ્રયાસ કર્યા છે તેનાં કેટલાંક દૃષ્ટાંતો જોઈએ:

લિચ્છવી ગણતંત્રનાં સમયની આ નવલકથા છે. લિચ્છવી ગણરાજ્યનો નિયમ હતો કે વૈશાલીની અતિસ્વરૂપવાન યુવતી પરણશે નહીં, એ નગરવધૂ બની સમગ્ર વૈશાલીના લિચ્છવી કુમારોનું સંગીત નૃત્યાદિ કલાઓ દ્વારા રંજન કરાવશે. મહાનામન અને સુદેશાને રસ્તા પર ત્યજી દેવાયેલી પુત્રી મળે છે જે અતિસૌંદર્યવાન યુવતી હોવાથી વૈશાલીના સંથાગારમાં તેને નગરવધૂ બનાવવાનો નિર્ણય લેવાય છે. કથાસર્જકોએ એકબાજુ તેનાં પાલક માતા-પિતાની આંતરવ્યથાને શબ્દસ્થ કરી છે, બીજી બાજુ પોતાના સ્ત્રીત્વનો ભોગ આપતી અંબી ઉર્ફે આમ્રપાલીની આંતરવેદનાને વાચા આપી છે તો ત્રીજી બાજુ વૈશાલીના યુવાનોને અંબીના સૌન્દર્ય પાછળ ગાંડા થતા બતાવ્યા છે. આ અંબીનું સૌન્દર્ય કેવું અદભુત હતું તે દર્શાવતાં કથાસર્જકોએ તેનાં સૌંદર્યનું વર્ણન આ રીતે કર્યું છે: “અંબીની સાગના સોટા જેવી લાંબી કાયા, તેના ઉન્નત ઉરોજ, પાતળી કમર, ચુસ્ત કંચુકીમાંથી બહાર ડોકાતાં તેના સ્તન-દ્વય, રસઝરતા મૃદુ ઓષ્ટ, કાળી ભમ્મર કેશરાશિ, એ સંમોહક અને કામણગારી આંખો, સપ્રમાણ નિતંબ, નાભિપ્રદેશનું મોહક વલય અને તેનું ઊંડાણ, કમનીય કટી પર કટીમેખલા અને પુષ્પોનો શણગાર. તેનાં અંગેઅંગમાંથી રૂપ નીતરતું હતું. લય, લાવણ્ય અને લચકનું અદભુત સંતુલન જોઇને ભાન ભૂલી જવાય. સ્વર પણ કેવો કર્ણપ્રિય અને મધુર…!”

આ સૌંદર્યમૂર્તિને નગરવધૂ બનવું પડશે એવા સંથાગારના નિર્ણયથી પિતા મહાનામન અને માતા સુદેષા વિષપાન કરી લઈને મોતને મીઠું કરી લે છે, પરન્તુ અંબી નગરવધૂ બનવાનો મક્કમ નિર્ણય જાહેર કરે છે અને સંથાગારમાં નિર્ભયપણે પ્રવેશી, બધાને મંત્રમુગ્ધ કરતાં પોતાની શરતો રજૂ કરે છે. ગણતંત્રોમાં નગરવધૂનો માન-મોભો-સત્તા-સમૃદ્ધિ કેવી હતી તેનો નિર્દેશ કરતાં સર્જકોએ ઐતિહાસિક વાતાવરણ – પ્રાચીન સમયખંડને સજીવન કર્યા છે. અંબીમાંથી આમ્રપાલી બનેલી નગરવધૂને વિશાખા કહે છે: “નગરવધૂ ફક્ત ગમે તેનું પડખું સેવનારી સ્ત્રી નહીં, તે વિશિષ્ટ છે. તું સંથાગારની મંત્રી પરિષદની સભ્ય બને છે. તું વૈશાલીના પ્રત્યેક નિર્ણયમાં ભાગીદાર હશે, વૈશાલીમાં તારું સ્થાન અને શાન અલગ હશે, કાલે જનપદકલ્યાણી બનશે એટલે સમગ્ર પ્રજાના હિતની રક્ષા કરવાની જવાબદારી પણ તારી હશે. તારે દેશ-વિદેશના રાજદ્વારી, રાજદૂતો સાથે સંબંધો સ્થાપવા પડશે. તારી પાસે તારું પોતાનું ગુપ્તચર તંત્ર હશે, તારી પાસે અબાધ સત્તા હશે, અઢળક નાણાં હશે, તારી પાસે કોઈ હિસાબ નહીં માંગે. તારો બધો ખર્ચ રાજ ભોગવશે. તું ધારે તો વૈશાલીને તારી શકે છે અને તું ધારે તો વૈશાલી ડૂબી શકે. આજથી તું વૈશાલીની ભાગ્યવિધાતા છે.”

આમ્રપાલીને એક નગરવધૂ તરીકે જે માયા-મહેલમાં રહેવાનું હતું તે મહેલનું વર્ણન

નગરવધૂનાં માન-મોભાને તો ધ્વનિત કરે જ છે, સાથોસાથ સર્જકોની વર્ણનકલાનો પણ પરિચય કરાવે છે. આ મહેલ કેવો છે: “વૈશાલીની આન-બાન અને શાન અને વૈભવના પ્રતિક સમો માયામહેલ. તેની આસપાસનું ગાઢ વન, બાગબગીચા, તેને ફરતા ધોધ અને ખળખળ વહેતાં ઝરણાંઓ, પક્ષીઓનો મધુર કલરવ, શાંત સ્થળ, તેનાં ભવ્ય ઝુમ્મરો, તેના ઝરૂખાઓ, તૈલચિત્રો, કોતરણી, બેનમૂન શિલ્પ અને સ્થાપત્ય, ઉનાળામાં જ્યાં શીતળતા સાંપડે, શિયાળામાં હૂંફ મળે તેવી અલૌકિક રચના, બાજુમાં ભવ્યાતિભવ્ય શિવમંદિર.” આમ્રપાલી માયા-મહેલમાં બધા જ પ્રકારના સુખ-સગવડ અને સમૃદ્ધિ વચ્ચે વસવાટ કરે છે. એમની શરત અનુસાર માયામહેલમાં પ્રવેશ મેળવનાર પ્રવેશકે એકવારના દસ સહસ્ર મુદ્રા ચૂકવવી પડતી અને તેનો પ્રથમવાર સંગ કરવા ઇચ્છનાર શ્રેષ્ઠી કે સામાંન્તને એક કોટિ મુદ્રા ચૂકવવી પડે. આવો એક અજાણ્યો ત્રાવણકોરનો કોટયાધિપતિ વેપારી દેવેન્દ્ર આમ્રપાલીના મહેલમાં પ્રવેશે છે અને તેની સાથે સમ્બન્ધ બાંધે છે. બંને વચ્ચે પ્રેમભાવ જન્મે છે. આમ્રપાલી તેના દ્વારા સગર્ભા બનીને પુત્રને જન્મ પણ આપે છે.

સર્જકોએ અજાણ્યા વેપારીને વૈશાલીના અમાત્ય અને અન્ય સભ્યોના વિશ્વાસ જીતતો નિરૂપ્યો છે. આ અજાણ્યો વેપારી ખરેખર મગધનરેશ બિંબિસાર હોય છે. આમ્રપાલી સમક્ષ તે વેપારીના સ્વાંગમાં જ ઉપસ્થિત થતો હતો. પરન્તુ જયારે વૈશાલી પર આક્રમણ કરીને તે આમ્રપાલી સમક્ષ બિંબિસાર રૂપે પ્રગટ થાય છે ત્યારે આમ્રપાલી તેના આ છળથી આઘાત અનુભવે છે અને પુત્ર અભય સહિત બુદ્ધના શરણે જાય છે. ભગવાન બુદ્ધને ભિક્ષા માટે પોતાના મહેલમાં નિમંત્રે છે. ભગવાન બુદ્ધ કશાય સંકોચ વિના પોતાના અનુયાયીઓ સાથે માયા મહેલમાં જાય છે. ભિક્ષા લે છે. આમ્રપાલી બુદ્ધધર્મની દીક્ષા લે છે અને પોતાની બધી જ સંપતિ બુદ્ધના ચરણે ધરી દે છે. નવલકથાના અંતે વૈશાલીની સૌન્દર્યમૂર્તિ – નગરવધૂ ભિક્ષુણી બની ભિક્ષા માટે ભિક્ષુણીના સંઘ સાથે વૈશાલીના રસ્તા પર ચાલતી દેખાય છે અને મગધ અને વૈશાલીના લોકો આમ્રપાલીને વિશિષ્ટ નજરે-ભાવે નિહાળતાં જોવા મળે છે. સર્જકોએ આમ્રપાલીના પાત્ર-જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્વના પ્રસંગો નિરુપીને તેમના વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન પાસાઓ પ્રગટાવ્યાં છે. પોતાની આવકને વૈશાલીના વિકાસમાં ખર્ચતી આમ્રપાલીની વૈશાલી પ્રત્યેની ભક્તિ અને ઉદાત્તતા અનન્ય છે. આટઆટલી સમૃદ્ધિ હોવા છતાં મગધનરેશનું શરણું લેવાને બદલે ભગવાન બુદ્ધનું શરણું લેતી આમ્રપાલીનો વૈરાગ્યભાવ પણ અપૂર્વ છે. ધૂમકેતુએ ‘આત્માનાં આંસુ’ વાર્તામાં આમ્રપાલીની વૈશાલીભક્તિ દર્શાવવા તેને સ્ત્રીત્વ સાથે માતૃત્વનું બલિદાન આપતી નિરૂપી છે, જયારે અહીં બુદ્ધધર્મની દીક્ષા લેતી નિરુપાઈ છે.

નવલકથામાં આમ્રપાલીનાં જીવનપ્રસંગો સાથે કેટલીક રાજકીય ઘટનાઓ પણ નિરુપાઈ છે. આ ઘટનાઓ નવલકથાની મુખ્ય ઘટનાની સમાંતરે આલેખાતી રહી છે. આરમ્ભે જ મગધ નરેશ બિંબિસાર વૈશાલીને પોતાના રાજ્યમાં ભેળવી દેવાની – ગણરાજ્યને હડપ કરી જવાની વરુવૃત્તિને કારણે અમાત્ય વર્ષકાર સાથે બેસીને એક ષડ્યંત્ર ગોઠવે છે. આ ષડ્યંત્ર મુજબ વર્ષકારની સાથે ઝઘડો થતાં તેને દેશનિકાલ કરવામાં આવે છે. વર્ષકાર વૈશાલી જઈને ત્યાંના રાજવહીવટમાં મદદ કરે છે અને વૈશાલીના અમાત્ય રાક્ષસ અને ગણપતિનો વિશ્વાસ સમ્પાદિત કરે છે. ધીમે ધીમે તે પોતાની વિચક્ષણ બુદ્ધિથી વૈશાલીની એકતા-સંવાદિતા-શક્તિને તોડવા માટે વૈશાલીની પ્રજાને વ્યસની બનાવી તેનું અધઃપતન નોતરે છે. એ પછી તે બિંબિસારને વૈશાલી પર આક્રમણ કરવા નિમંત્રે છે. મગધના આક્રમણથી વૈશાલી પરાજય પામે છે. મગધની ભૂમિવિસ્તારની લિપ્સા સંતોષાય છે. આ રાજકીય કાવાદાવા અને આક્રમણ દરમ્યાન રાક્ષસને મૃત્યુદંડ દેવામાં આવે છે. ‘આમ્રપાલી પોતાની જ દીકરી છે’ એવું જાહેર કર્યા પછી ગણપતિ સહપરિવાર આત્મવિલોપન કરે છે. વર્ષકાર મગરના મોંનો કોળિયો બને છે. બિંબિસારને તેનો જ પુત્ર જેલમાં ધકેલે છે અને ત્યાં તે ભૂખે મૃત્યુ પામે છે. નવલકથામાં નિરૂપાયેલાં મહત્વના પાત્રો આ રીતે કમોતે મરતાં જોવા મળે છે.

‘આમ્રપાલી’ નવલકથા પચીસસો વર્ષ પૂર્વેના સમયને નિરુપે છે, છતાં વીસમી-એકવીસમી સદીમાં જે નારીવાદી આંદોલન ચાલ્યું છે તેના કેટલાક વિચારોને અહીં નિરુપીને સર્જકોએ કાળવ્યુત્ક્રમનો દોષ વહોરી લીધો છે! અહીં ધનિકાના મુખે નારી જીવનની કરુણતા અને નારીજીવનની સ્થિતિ અને સમસ્યાને જે રીતે વાચા આપવામાં આવી છે તેમાં આ વિચારધારાના પ્રભાવનો અણસાર વર્તાય છે. ધનિકા આમ્રપાલીને કહે છે: “પુરુષપ્રધાન સમાજે સત્તા અને ધનના જોરે સ્ત્રીને અબળા બનાવી દીધી. તેને માત્ર સંતાન આપનારી અને ઘર સાચવતી સ્ત્રી ગણી લેવામાં આવી. શિક્ષણનો અભાવ, પોષણનો અભાવ, ગરીબી, લાચારી, પરવશતા જેવાં પરિબળોએ સ્ત્રીને કચડાયેલી ભયભીત બનાવી. અને પુરુષે તેની એવી સ્થિતિનો ગેરલાભ લેવામાં અતિરેક કર્યો. તેમાં રિવાજો અને ધર્મના નામે પાખંડો શરુ થયા ચારિત્ર્ય શબ્દ કેવળ સ્ત્રી માટે જ સર્જાયો હોય તેમ લાગે છે. મર્યાદા, નીતિ, સંસ્કાર, સંસ્કૃતિ, લાજશરમ બધાની જવાબદારી સ્ત્રીને શિરે…”

આ નવલકથાનો એક આસ્વાદ્ય અંશ હોય તો તેમાં પ્રયોજાયેલી ભાષા અને શૈલી છે. ઐતિહાસિક વાતાવરણ તાદૃશ કરાવવામાં ભાષાએ મહત્તમ ભાગ ભજવ્યો છે. અહીં વર્ણનો, વાર્તાલાપો, પ્રસંગાલેખનમાં પ્રાયઃ સંસ્કૃત તત્સમ ભાષાના શબ્દો પ્રયોજાયા છે જેમ કે: પ્રહાર, ઉત્કર્ષ, સ્પંદન, પુત્રૈષણા, કક્ષ, સામ્રાજ્ઞી, ઉત્કૃષ્ટ, ચિકિત્સા, સહસ્ર, કોટિ, શ્રેષ્ઠી, સ્નિગ્ધ, ક્ષુધા વગેરે. આ શબ્દો સાથે આજે બોલાતી ગુજરાતી ભાષાના કેટલાક રૂઢીપ્રયોગ, કહેવતો, શબ્દો પણ પ્રયોજાયા છે જે પ્રાચીન સમયખંડને અનુરૂપ લાગતા નથી. આ પ્રકારની ભાષા પણ ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી. આજની ગુજરાતી ભાષાના શબ્દપ્રયોગો ઐતિહાસિક વાતાવરણને ખડું કરવામાં વિઘ્નરૂપ સાબિત થાય છે. જેમ કે: ફાંકડો, દારૂના પીઠાં, ભાંડો ફૂટી ગયો, હુકમનું પાનું, ઉચ્ચક જીવ, પડતા પર પાટું મારવું, સૂડી વચ્ચે સોપારી, દોડવું હતું ને ઢાળ મળ્યો, હા કહે તો હાથ કપાય અને ના કહે તો નાક કપાય વગેરે… આ પ્રકારના શબ્દપ્રયોગો આદિ ટાળી શકાયા હોત. પરન્તુ આ ભાષામાં પ્રયોજાયેલી કેટલીક સુક્તિઓ ગદ્યને નવો મોડ આપે છે જેમ કે:

શુદ્ધ વિચારો આંતરિક શુદ્ધતાની નિશાની કહેવાય.
લાયકાત વગરની મહામૂલી ભેટ ભવિષ્ય માટે ખતરો છે.
પ્રશંસા અનુચિત હોય તો તેને ખુશામતખોરી કહેવાય.
ક્ષુધા પાત્રને નહીં, પ્રસાદને ઓળખે છે.
સમય કોઈનો થયો નથી અને થવાનો પણ નથી.

અહીં શૈલીનાં જુદાં જુદાં રૂપો વક્તવ્યને સઘન બનાવે છે. પ્રશ્નોનાં આવર્તાનોવાળી શૈલીનું એક ઉદાહરણ નોંધનીય છે:

“શું તેનાં મનમાં કોઈની પ્રિય પત્ની બનવાના ઓરતા નહોતા? શું તેને કોઈની કુળવધૂ બનવાની તથા માતાપિતા તથા પતિના કુળને ઉજાળવાની આકાંક્ષા નહોતી? અરે એ બધી તો ભૂતકાળની વાતો છે… પણ શું તેને કોઈ સંસ્કારી પુરુષની પત્ની બનીને સંસાર વસાવવાના કોડ નહોતા?”

નવલકથાના પ્રારંભિક પ્રકરણમાં પ્રકૃતિના વર્ણનમાં પ્રયોજાયેલી ભાષામાં અલંકારિકતા, કલ્પનોનાં વિવિધ રૂપો અને કાવ્યત્મકતાનો પ્રસન્નકર અનુભવ થાય છે. આ વર્ણનનો નમૂનો જુઓ: “વસન્ત ઋતુ સર્વત્ર આનંદ ફેલાવતી હતી. વાતાવરણ ઉત્સાહથી છલકાતું હતું. બધાના હૃદયમાં શુભ ભાવના ઊભરાતી હતી. ધરતી હસતી હતી. ઝર ઝર કરતાં ઝરણાં સાથે હરણાં જાણે હોડમાં ઉતર્યા હોય તેમ દોડતાં, કૂદતાં, ઠેકતાં હતાં. આકાશ પણ પોતાની સ્વચ્છતાનો અને વિશાળતાનો પરિચય આપતું હતું. પર્વતોને તો પંખીઓનાં ગાન સંભાળીને ડોલવું હતું પણ ધરતીમાતાની ગોદમાંથી તેઓ ચસકી શકતા નહોતા. સૂર્યનાં કિરણો પર સવાર થઈને પતંગિયાં કયા ફૂલ પર બેસવું તેની વિમાસણમાં આમતેમ ઊડતાં હતાં. અને ભ્રમર ગુંજારવ વૃક્ષોના પર્ણોમાંથી પસાર થતા પવન સાથે સંતાકૂકડી રમતો હતો. વૃક્ષોનો આનંદ જાણે ક્યાંય સમાતો નહોતો. આંબે મોર આવ્યા હતા અને વસંતઋતુને વધાવતા હતા.”

ચાલીસ પ્રકરણોમાં વિભાજિત થયેલી આ નવલકથાની વસ્તુસંકલના બહુ સંતોષપ્રદ બની નથી. આરમ્ભનાં પૌરાણિક પ્રસંગ-પાત્રો મુખ્ય ઐતિહાસિક પ્રસંગ-પાત્ર સાથે સંકલિત થતાં નથી. અંતે જાણે નવલકથા પૂરી જ કરવી હોય તેમ ઘટનાને બનતી નહીં, પરંતુ ઘટનાના નિર્દેશો થતા રહ્યા છે. આમ છતાં આ નવલકથાના ઘણાબધા અંશો આસ્વાદ્ય છે. ગુજરાતી વાંચકો આ નવલકથા વાંચશે અને એના આસ્વાદ્ય અંશોને માણશે એવી અપેક્ષા છે.

– બિપિન આશર, પ્રોફેસર, ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ – ૫.

નિવેદન

આમ્રપાલી, મારી આમ્રપાલી, મારી પોતાની આમ્રપાલી. એક સ્વપ્નુ. તે આમ્રપાલી અને હું બિંબિસાર. ૨૫૦૦ વર્ષથી તેઓ જીવતા છે. તેની ના છતાં મેં તેને બહાર કાઢી. એક મુગ્ધા આટલી નીડર, હિંમતવાળી, વિશ્વાસુ હોઈ શકે ખરી? પોતાના રાજ્ય માટે નગરવધુ બનવા તૈયાર થાય ખરી? અને આમ પણ તે અમર છે. ઇતિહાસમાં લાખો નગરવધૂઓ આવી અને ગઈ પણ આમ્રપાલી જીવતી છે. મનમાં વસેલી છે. તેના જેવો ત્યાગ કદાચ ઇતિહાસમાં મળવો મુશ્કેલ છે, અશક્ય છે. મારા આ પુસ્તકની ભૂમિકા ૫૦ વર્ષથી મારા મનમાં હતી. આજે તેને મૂર્ત સ્વરૂપ આપ્યું છે.

મારા પહેલાં પુસ્તક ‘હવે તો ઉત્તર આપો કૃષ્ણ!’ ને પ્રચંડ પ્રતિભાવ મળ્યો, તેને વિષે ખૂબ ચર્ચા થઇ પણ કોઈએ તેની ટિકા નથી કરી. બધાને તે ખૂબ ગમી. વિવેચકોએ પણ તેને વખાણી. તેનો મને આનંદ છે. તેથી ચોથી આવૃત્તિ પ્રકાશિત થઇ રહી છે! સમગ્ર દેશમાંથી પુસ્તક મગાવવા માટે મનીઓર્ડર્સ આવ્યા, ચેક્સ આવ્યા છેક ઓરિસા, છતીસગઢ, મુંબઈ, મદ્રાસ, અમદાવાદ, યુએસએ, લંડન જેવા શહેરોમાંથી. શ્રોતાગણ અને વાચકોનો આભાર.

બે નામોનો ખાસ ઉલ્લેખ કરવો છે. ડો. વિણાબેન દેસાઈ, એમડી ગાયનેકોલોજીસ્ટ, જેમનાં લખેલાં પુસ્તકો આજે એમડીનાં વિદ્યાર્થીઓ ભણે છે. તેઓ જોઈ શકતા નથી પણ તેમની હિંમતને દાદ આપવી પડે.

બીજા અમારા કુટુંબના વડીલ નવજીવન મિલ, દાહોદના ચેરમેન શ્રી ઇન્દુભાઇ શેઠ, તેઓ પણ જોઈ શકતા નથી પણ તેમણે મારા પહેલા પુસ્તકની ઓડિયો સીડી માટે મને ખૂબ જ પ્રોત્સાહિત કર્યો છે તે બદલ તેમનો અત્યંત આભારી છું.

આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપવા બદલ અમે ડો. બિપિન આશરના આભારી છીએ.

– પ્રકાશ પંડ્યા.

મારી વાત…

મુંબઈવાસી મિત્રવર્ય શ્રી દિનકરભાઈ જોશીએ તેમના વડોદરાના એક કાર્યક્રમમાં મને કહ્યું કે, ‘પ્રકાશભાઈને મળજો.’ મેં તેમનો ફોન નંબર લીધો અને એક દિવસ તેમનો સંપર્ક સાધ્યો. તેમણે કહ્યું, ‘આવો, મળીએ.’ અમારી મુલાકાત થઇ અને અમે તરત મિત્રો બની ગયા. પ્રકાશભાઈ હસમુખા, મળતાવડા અને ઉદાર સ્વભાવના છે. સાહિત્ય અને લેખન અમારો કોમન વિષય.

એકવાર તેમણે મને કહ્યું, ‘આપણે સાથે મળીને નવલકથા લખીએ તો કેવું!’ મેં વિચાર્યું કે હું ફૂલછાબમાં વર્ષોથી કોલમ લખું છું, અનેક અનુવાદો કરું છું પણ મેં ક્યારેય નવલકથા તો લખી જ નથી, ચાલો કોશિશ કરી જોઈએ. અને અમારા સહિયારા લેખનથી સર્જન થયું અમારી પહેલી નવલકથાનું, એટલે કે આ ‘આમ્રપાલી’નું.

એન્ડ્રોઇડ અને સ્માર્ટ ફોનના આ યુગમાં વાચન માટે યુવાનો બહુ સમય ફાળવી નથી શકતા તે સમજી શકાય તેવી વાત છે. પણ તેમને ગેજેટ્સનો ઉપયોગ કરીને સાંભળવું બહુ ગમે છે અને તેને માટે સારો એવો સમય પણ ફાળવે છે! તેથી અમે આ નવલકથાની અનુકુળ સમયે સાંભળી શકાય તેવી સીડી બનાવી! શ્રી અશ્વિનભાઈ મહેતા, સુશ્રી અરુણાબેન ચોકસી અને શ્રી ધૈવત જોશીપુરાનાં સ્વાભાવિક ભાવસભર કંઠસ્વરમાં આ સીડી સાંભળીએ તો જાણે આપણે એ યુગમાં પહોંચી ગયા હોઈએ એવું લાગે! (દૃશ્ય-કલ્પન શ્રોતાઓ/વાચકો ઉપર આધારિત!)

‘આમ્રપાલી’ નું ઐતિહાસિક પાત્ર નવું નથી. તે અઢી હજાર વર્ષ પહેલાંનું છે. અમે તે પાત્રને અહીં તદ્દન અલગ દૃષ્ટિકોણથી વાચકો અને શ્રોતાઓ સમક્ષ રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. સુજ્ઞ સાહિત્ય રસિકોને આ નવલકથા અવશ્ય ગમશે એવી અમને શ્રદ્ધા છે.

અમને તમારા પ્રતિભાવની અપેક્ષા રહેશે…

– હર્ષદ દવે


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રસ્તાવના)

 • ભરત કાપડીઆ

  આમ્રપાલી નવલ વાંચવાની ઉત્કંઠા જગાવે તેવી પ્રસ્તાવના…

 • gopal khetani

  આમ્રપાલી – આ શબ્દ સાંભળતા મને જે બે યાદ મન મસ્તિષકમાં તરી આવે તેમાં પહેલી એટલે મારી મમ્મીને હંમેશા ગમતા ગીત – તુમ્હેં યાદ કરતે કરતે, તડપ યે દીન રાત કી, નિલ ગગન કી છાંવ મેં… બીજી થોડી બાલીશ છે… એક સરસ મજાનું થિએટર હતું આમ્રપાલી.
  અક્ષરનાદ પર એક ઐતિહાસીક નવલકથા વાંચવા મળશે એનો રોમાંચ છે. વળી, આ નવલકથા અમારા પ્રિય એવા પ્રકાશભાઈ પંડ્યા અને હર્ષદભાઈ દવે દ્વારા લખાઈ છે એટલે વાંચવાનો ઉત્સાહ વધુ છે. ઐતિહાસીક નવલકથા તરફ રૂચી રહી છે. ધૂમકેતુજીની “મગધપતી” વાંચી છે અને થોડી યાદ પણ છે એટલે “આમ્રપાલી” જોડે આપમેળે જ “કનેક્ટ” થઈ જવાશે. મગધપતી વાંચ્યા બાદ જ “નિલપદ્મભવનવાસીની” માઇક્રોફિક્શન લખાઈ હતી. “આમ્રપાલી” એવી જ માઇક્રોફિક્શન માટે પ્રેરીત કરશે એમાં કોઈ શક નથી. પ્રકાશભાઈ, હર્ષદભાઈ, જીજ્ઞેશભાઈ અને અક્ષરનાદ ટીમનો ખૂબ ખૂબ આભાર.

  • hdjkdave

   શ્રી ગોપાલભાઈ, મેં પણ એ જમાનામાં પૃથ્વી વલ્લભ જેવી નવલકથાઓ વાંચી હતી. રાજાધિરાજ, પાટણની પ્રભુતા, જય સોમનાથ જેવી રસપ્રદ કથાઓ વાંચતાં વાંચતાં સ્થળ અને સમયનું ભાન ન રહેતું. અહીં અમે એક અલગ દૃષ્ટિકોણથી એ કથાને આલેખવાનો પ્રયત્ન કર્યો છે જે સાંભળી પણ શકાય તેમ છે. તમારો ઉત્સાહ અમારે માટે પણ પ્રેરક છે. તમારી વ્યસ્તતા વચ્ચે પણ તમે સમય ફાળવ્યો એનો આનંદ છે…

 • Vaishali sonigra

  નમસ્કાર સર…
  મે એક વખત આદરણીય મોરારી બાપુના શ્રી મુખે આમ્રપાલી અને બુદ્ધ ભગવાનની વાત સામ્ભળી હતી ત્યારથી મને આદરણીય આમ્રપાલી વિશે વધુને વધુ જાણવાની ઇચ્છા હતી… જે આજે પુર્ણ થઈ સર. ખૂબ ખૂબ આભાર…

 • હર્ષદ દવે

  આદરણીય ધ્રુવજી
  પ્રણામ. તમે પામી ગયા!
  નવું સ્વરૂપ, નવી પ્રસ્તુતિ
  કદાચ તમને ગમશે. તમારું
  પ્રોત્સાહન મારે માટે પ્રેરક
  બની રહેશે. આભાર સહ…

 • dhruv bhatt

  આમ્રપાલીની કથા નાની વયે છાપામાં હપ્તે પ્રગટ થતી હતી તે વાંચેલી હજીયે માનસપટ પર અંકિત છે.
  તમે ફરી તેને લઈનેઆવ્યા અને નવા સ્વરૂપે તે બદલ તમને ધન્યવાદ.
  ધ્રુવ

  • હર્ષદ દવે

   આદરણીય ધ્રુવજી
   પ્રણામ. તમે પામી ગયા!
   નવું સ્વરૂપ, નવી પ્રસ્તુતિ
   કદાચ તમને ગમશે. તમારું
   પ્રોત્સાહન મારે માટે પ્રેરક
   બની રહેશે. આભાર સહ…

  • Harshad Dave

   I am happy that you have read entire preface and enjoy, I hope that you will read the chapter-1 and subsequent chapters to be followed on the Sundays to come up to the end. Please continue to read and respond your valuable responses. Thank you.