સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ટૂંકી વાર્તાઓ


કબૂલાતનામું – ઍડગાર ઍલન પૉ, અનુ. નિલય પંડ્યા 1

ડૉ. નિલય પંડ્યા દ્વારા અનુદિત ઍડગાર ઍલન પૉની જાણીતી વાર્તાઓનો સંગ્રહ ‘લાલ મોત’ તેમણે અક્ષરપર્વ-૨ના દિવસે ભેટ આપ્યો એ બદલ તેમનો ખૂબ આભાર.. એ સંગ્રહની અનેકવિધ ટૂંકી વાર્તાઓમાંથી પસાર થતા એક અનોખી લાગણી થઈ આવે છે. પૉની વાર્તાઓ સામાન્ય વાર્તાઓ કરતા એક અલગ વિશ્વમાં લઈ જાય છે એ તેમની રચનારીતિની વિશેષતા છે, તો નિલયભાઈના અનુવાદની સશક્ત આવડત પણ આ સંગ્રહમાં ઉડીને આંખે વળગે છે. આજે અક્ષરનાદ પર પ્રસ્તુત વાર્તા કબૂલાતનામું તેમના આ સંગ્રહ ‘લાલ મોત’ માંથી જ લીધી છે, પૉની વિખ્યાત વાર્તા The Tell-Tale Heart નો એ અનુવાદ છે જેમાં વાર્તાકાર પોતે કરેલા ખૂનનું વિગતે વર્ણન કરે છે, અને એ ખૂન થઈ ગયા પછીનો ઘટનાક્રમ – એ વાત છેક છેલ્લા શબ્દ સુધી વાચકને જકડી રાખે છે. સુંદર સંગ્રહ બદલ નિલયભાઈને શુભકામનાઓ.


ચુંદડી – મિત્તલ પટેલ 8

રોહન ફક્ત પાંચ વર્ષનો હતો જ્યારે એની મા એને અને અપંગ પતિને સાસુના ભરોસે મૂકીને જતી થઈ હતી. માથી ક્યારેય અળગો ન રહેનાર રોહન એના વિના તરફડતો, રડતો રહેતો. દાદી અને પપ્પા એના પર અપાર સ્નેહ વરસાવતા, પણ રોહનને તો મમ્મીના સ્નેહની જ ખેવના રહેતી. મમ્મીના ગયા પછી બીજા જ મહિને એને શહેરની સૌથી શ્રેષ્ઠ અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ મળી ગયો. બીજા બાળકોની મમ્મીને જોઈને રોહનનો જીવ બળતો. એના દાદી પોતાના પ્રેમના મલમથી એના કોમળ હૈયે લાગેલા ઘા રૂઝવવાનો પ્રયત્ન કરતા.


લોથલનો શિલ્પી – ગોપાલ ખેતાણી (કેતન મુન્શી વાર્તા સ્પર્ધા ૨૦૧૭માં છઠ્ઠા ક્રમે વિજેતા) 20

ઈ.સ. પૂર્વે ૨૨૦૦.
સ્થળ: ભારતવર્ષનું મહત્વપૂર્ણ બંદર લોથલ.

નગરી પીળી માટીથી બનેલા આવાસોથી શોભી રહી છે. ઘૂઘવતો અરબી સમુદ્ર કાળા પથ્થરોની દિવાલ સાથે અથડાઈ જે ધ્વનિ ઉત્પન્ન કરે છે તેનાથી દરેક લોથલવાસી રોમાંચ અનુભવે છે. બળદની ઘૂઘરીઓ, ઘોડાનાં ડાબલાઓ અને હાથીઓનો ઘંટ નગરીના નાદમાં મધુરાશ ઉમેરે છે. નગરની રમણીઓ મોતી અને કુંદનના આભુષણો ધારણ કરી; નીલા, આસમાની, કેસરી, પીળા રંગોવાળા વસ્ત્રો સજી નગરને દૈદીપ્યમાન બનાવી રહી છે, તો લોથલના પુરુષો રેશમી ધોતી અને લાલ, વાદળી કે પીળા અંગવસ્ત્રમાં સજીધજી ગૌરવપૂર્ણ ચાલથી નગરના રસ્તાઓને ડોલાવી રહ્યા છે.


મા મા શાધિમામ્ – ધ્રુવ ભટ્ટ 22

પહાડી નિશાળ, નિશાળમાં હોવી જોઈએ તે કરતા વધુ શાંતિ એ ધારી રહી છે. ત્રીજા ચોથાની પરીક્ષાઓ પૂરી થઈ. પાંચથી સાતની પરીક્ષા ચાલે છે. નવરા પડેલાં છોકરા છોકરીઓ વાર્તાઓ વાંચી, ગીતો ગાઈ, પોતાની વખરી ગોઠવી નાહી ધોઈને રમવામાં પડ્યાં. હું પરીક્ષાખંડમાં આંટો મારીને પાછો આવતો હતો ત્યાં થોડા છોકરા ગિલ્લી-દંડો રમતા હતા. થોડું રોકાઈને જોયું. પછી થોડું સાથે રમ્યો અને પાછો આવ્યો. છોકરીઓએ આ જોયું.

બપોરે વાંચતો હતો ત્યાં બારણામાં અને બારીઓમાં નાની નાની છોકરીઓ ડોકાઈ. ઘરમાં તો આવે નહીં. બહાર મૂંગી મૂંગી ઊભી રહે. પહેલાં તો બારીમાંથી જ જોયા કરતાં. બોલાવીએ તો દોડીને નાસી જય. હમણાં હમણાં બારણે ડોકાવા જેટલાં છૂટાં થયાં છે.


એક અધૂરી તમન્ના.. – જલ્પા વ્યાસ 5

એક તો મેઘનું શહેર અને આકાશમાં પણ ઘેરાયેલ કાળો-ડીબાંગ મેઘ, તમન્નાને થયું એને જે મેઘની રાહ જોવાની આદત પડી ગઈ હતી તે આ મેઘ નહોતો. અત્યારે એની સામે જે મેઘ ચકરડા લઇ રહ્યો હતો એ તો ભગવાન ઈન્દ્રનો મેઘ હતો. તમન્નાનો મેઘ… તો ખબર નહીં આ વડોદરા નગરમાં ક્યાં ભરાઈ ગયો હતો.

વડોદરાના રેસકોર્સ રોડ પર ઉભી રહેલી તમન્ના પોતાનાપર ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો જોઈ રહી, ઘરે પહોંચવાની ઉતાવળ સાથે વડોદરાને મન ભરીને જોવા માંગતી હતી.. અહીં જ તો… તમન્ના ઓફિશિઅલ મિટિંગ પતાવી ને બહાર આવીને ઉભી હતી. ‘વરસાદ તો પડશે જ..’ એણે મનોમન વિચાર્યું અને મોબાઈલમાં જોઇને ટેક્સી શોધવાનું શરુ કર્યું. એને અમદાવાદ પહોંચવાનું હતું, જો કે સમયતો એની પાસે પૂરતો હતો પણ વરસાદની બીક… (બીક અને વરસાદની! જે ક્યારેય કોઈ રંગોમાં ભીંજાયા જ ન હોય ને એમને પોતાના કોરા અસ્તિત્વ પર કોઈના રંગથી ભીંજાઈ જવાની બીક હોતી હશે!)


તલ્લાક.. તલ્લાક.. તલ્લાક.. – કુલદીપ લહેરુ 21

બેલ વાગતા જ દરવાજો ખોલવા મુનિઝા રસોડામાંથી ઉતાવળે દોડી. ડાઇનિંગ ટેબલનો પાયો પગના પંજા સાથે અથડાયો અને એ નીચે પટકાઈ. ત્યાં સુધીમાં અનસ વીસેક વખત બેલ વગાડી ચૂક્યો હતો. ધીમે-ધીમે દુ:ખાવા સાથે એ ઉભી થઈ અને દરવાજો ખોલ્યો. એને હતું કે આજે અનસ રોજની જેમ નહીં વર્તે. દુકાનનો થાક અને ગુસ્સો એના પર નહીં ઉતારે. પણ..

“કેમ આટલી વાર લાગી દરવાજો ખોલતા? કંઈ પડી જ નથી શૌહરની! આખો દિવસ ગધેડાની માફક દુકાને વૈંતરું કરવાનું અને ઘરે પણ તું શાંતિ લેવા ન દે. મળી ગયો હશે કોઈ.. ફોન પર ચોંટેલી હશે વાતો કરવામાં એની સાથે.


અસ્તવ્યસ્ત – દુર્ગેશ ઓઝા 7

‘અજય પાછો કહેતો પણ નથી કે અત્યારે ઘર બંધ હશે! ક્યાં ગયો હશે એ, ને ઘર અત્યારે કેમ બંધ? સારું થયું મારી પાસે ઘરની વધારાની ચાવી છે, નહીંતર તો..! ‘ એક દિવસ પિયરથી વહેલી ઘેર આવી ગયેલી રાશિએ આમ વિચારી ઘર ખોલ્યું, ને અંદર જઇ જૂએ છે તો..આ શું?! એના પોશ એરિયામાં આવડો વિશાળ ડ્રોઈંગ રૂમ બીજા કોઈ ઘરમાં ન્હોતો. એ જ જો આવો ઢંગધડા વગરનો હોય તો તો એની આબરૂનાં ચીંથરાં જ..!


પ્રસંગ કથાઓ – ગોવિંદ શાહ 5

૯૩ વર્ષનો વૃદ્ધ નર્સીંગ હોમમાં દાખલ થવા આવે છે. નર્સીંગ હોમમાં નવા દાખલ થતાં માણસોને પહેલાં તેમની રૂમ બતાવવામાં આવે છે. અને તેમને અનુકૂળ હોય તો રહેવાની વ્યવસ્થા થતી હોય છે. આથી નર્સીંગ હોમનો કર્મચારી આ વૃદ્ધને લઈને રૂમો બતાવવા લઈ જાય છે. રૂમોમાં જુદાજુદા પ્રકારની સગવડો હતી તેથી વૃદ્ધ જે રૂમ નક્કી કરે તે રૂમ આપી શકાય.

કર્મચારી એક રૂમ ખોલીને બતાવવા અને રૂમની સગવડો વિષે કંઈ વાત કરે તે પહેલાં વૃદ્ધ રૂમ જોતા પહેલા જ બોલી ઉઠે છે – ‘બહુ જ સુંદર.’..


રાત રાતના ઓછાયા – પરમ દેસાઈ 1

હું અને સુમિત એ મનહૂસ સાંજે શહેરની હદે આવેલા એક પબ્લિક ગાર્ડનમાં ટહેલવા નીકળ્યા હતા. એ વખતે તો સંધ્યા પૂરબહારમાં ખીલી હતી. થોડા જ વખત પહેલાં વરસી ચૂકેલા વરસાદનાં બૂંદો હજુ પણ વૃક્ષોનાં પાંદડાં પરથી ધીરે-ધીરે સરકી રહ્યાં હતાં. વાદળાઓની ગોઠવણ પછી કેસરિયું આકાશ ગાર્ડનમાં આછો પ્રકાશ રેલાવી રહ્યું હતું. પણ… આટલી આહલાદક સંધ્યા જ કાળ બનીને સુમિત પર તૂટી પડવાની હતી એ બિચારો સુમિત ક્યાં જાણતો હતો !

“યાર લેકચર બંક કર્યું એનો અત્યારે અફસોસ થાય છે હોં. તું શું કહે છે ?” ચાલતાં-ચાલતાં જ સુમિત બોલ્યો. મેં એના કેસરી થઈ ગયેલા ચહેરા સામે જોયું અને હસ્યો:
“તને તો દરેક વખતે ટેન્શન જ હોય, નહીં ? તું કોઈ દિવસ લાઈફને એન્જોય જ નથી કરતો.”
“પણ લેક્ચર બંક માર્યું એમાં શું એન્જોયમેન્ટ ? અને તેં પણ તો કર્યું છે બંક. એકલા મેં થોડું કર્યું છે ?”
“હા તો એમાં કયું આભ ફાટી પડ્યું કે આટલો ઉદાસ થઈ ગયો. અરે, આ સ્કૂલ થોડી છે ? અહીં તો મસ્તમૌલાની જેમ જ રહેવાનું હોય. જસ્ટ કામ ડાઉન યાર, કોઈક કોઈક વાર બંક કરવામાં ય મજા છે યાર. જો તને એવું જ લાગતું હોય તો સાંભળ, ગુરુવારે એ જ લેક્ચર મેડમ એફ-૧૩માં લેવાના છે. ભરી લેજે.”


શ્રી શ્રી ફોન રોમિયો – યશવંત મહેતા 4

‘હવે તો હદ થઈ ગઈ, કુમાર!’ સુનીલે બળાપો કર્યો. કુમાર પણ બરાબર સમજતો હતો. કોઈ પણ નવજુવાન છોકરી ગંદા ટેલિફોન લાંબો સમય સહન કરી શકે નહિ. એણે કહ્યું, ‘તારી મુશ્કેલી સમજી શકું છું સુનીલ, પણ પોલીસ આ મામલામાં જવલ્લે જ જલદી કશું કરી શકે છે. ગુનેગારની ઓળખ માટે ફોન ટૅપિંગ કરવું પડે અને એ માટેની મંજૂરી મેળવી અઘરી છે. ફોન ટૅપિંગની રજા રાજદ્રોહ કે આતંકવાદની શંકાવાળા મામલામાં જ મળે છે. એટલે લેન્ડલાઈન ટેલિફોન પર ગંદી વાતો કરવાનો રોગ અનેક યુવકોને લાગુ પડી ગયો છે. આપણા પૉશ એરિયા એલિસબ્રિજ પર તો એ ગીધડા સતત ચકારાવા લેતા રહે છે. પોલીસથી બચવા માટે એમની આંખો પણ ગીધ જેવી જ ચપળ હોય છે.’


એક ડેટકથા – યામિની પટેલ 13

હું મારી નોટબુકમાં હોમવર્ક કરીએ રહી હતી કે અમારી અમસ્તાં શાંત રહેતી નાનકડી ગલીમાં હોર્ન વાગ્યો. મારાથી તરત બારી બહાર જોવાઈ ગયું. મૂવર્સ અને પેકર્સનો ટ્રક હતો. ઓહ! તો રસ્તાની પેલી બાજુ આવેલા બંધ પડેલા બંગલામાં કોઈ રહેવા આવતું લાગે છે.

કુતૂહલથી બધું છોડીને બારીએ આવી ઊભી રહી ગઈ. હવે ત્યાં ટ્રકની પાછળ એક મોટી કાળી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી બધા ઊતરી ગયા છે એમ માનીને હું એ લોકો વિષે અટકળો કરતી હતી ત્યાં તો ગાડીનું બારણું ખોલી એક છોકરો ઊતર્યો. જિન્સ, ટી શર્ટ, વાંકડિયા વાળ અને ભૂરી આંખો; જિન્સના ખિસ્સામાં હાથ નાખી અદાથી એ ઊભો હતો. લાગતું હતું કે આ બંગલો પહેલી વાર જોઈ રહ્યો છે. જાણે નજરથી એને માપી રહ્યો હોય એમ એ ઘર તેમજ આજુબાજુની લોન જોઈ રહ્યો હતો. પછી ડોક જરાક ગમ્યું હોય એમ હલાવી એ અંદર જવા લાગ્યો. હું એની પીઠ તાકી રહી. હવામાં એના વાળ ઊડી રહ્યા હતા. મને અચાનક થયું, એના આ વાંકડિયા વાળમાં આંગળા ફેરવ્યા હોય તો કેવું? મેં તરત જ માથું હલાવી એ વિચાર ખંખેરી નાખ્યો. ત્યાં તો મમ્મીની બૂમ સંભળાઈ.


પાંચ પ્રસંગકથાઓ – લતા હિરાણી 20

શ્રી લતાબેન હિરાણીએ આલેખેલી પાંચ સુંદર પ્રસંગકથાઓ આજે પ્રસ્તુત કરી છે. આપણા સમાજજીવનમાંથી જ આવતી આ વાતો દરેકને સ્પર્શે એવી મનનીય અને અનુકરણીય છે. આસપાસના અનેક નકારાત્મક ઘટનાક્રમો વચ્ચે લતાબેનની આ હકારાત્મક કથાઓ આપણા માનસમાં આશાનો સંચાર કરશે એ ચોક્કસ. અક્ષરનાદને આ પ્રસંગકથાઓ પાઠવવા બદલ લતાબેન હિરાણીનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


કરણીનું ફળ – કનુ ભગદેવ 6

મનોજ આજકાલ કરતાં ઘણા સમયથી પૈસાદાર બનવાના સપનાં જોતો હતો. એનું ખટપટિયું મગજ સહેલાઈથી પરસેવો પડ્યા વગર ક્યાંથી ને કેવીરીતે પૈસા મેળવવા એના વિચારોમાં જ હંમેશા અટવાયેલું રહેતું હતું. તે મુંબઈમાં ફોર્ટ સ્થિત ડૉ. દાદાભાઈ નવરોજી રોડ પર આવેલ એક રેડીમેડ વસ્ત્રોનાં ભવ્ય અને આલીશાન શોરૂમમાં કારકુન તરીકે નોકરી કરતો હતો. શોરૂમમાં પાંચ સેલ્સમેનો ઉપરાંત એક હેડ કેશિયર પણ નોકરી કરતાં હતાં. શોરૂમમાં પ્રવેશતાં જ જમણા હાથે આવેલા કાઉન્ટર પાછળ શોરૂમના માલિક જમનાદાસની ઓફિસ હતી.
શોરૂમનો સમય સવારે ૧૦ વાગ્યાથી રાત્રિનાં ૮:૩૦ સુધીનો હતો.

હેડ કેશિયર પીતાંબર શોરૂમ બંધ થયા પછી રાત્રે નવ વાગ્યે હિસાબ કિતાબ લઈને માલિક જમનાદાસની ઓફિસમાં ચાલ્યો જતો. ત્યાં એ પંદર-વીસ મિનીટ રોકાતો. પછી નવ વાગ્યે એક નાની સુટકેસમાં તે આખા દિવસના વેપારની રકમ લઈને બહાર નીકળતો અને રાતના દસ વાગ્યા સુધી કામકાજ કરતી બેંકમાં જમા કરાવી આવતો. બેંકમાં પૈસા જમા કરાવ્યાની રસીદ તે બીજે દિવસે સવારે આવીને ફાઈલમાં મૂકી દેતો હતો. કેશિયરનો આ ક્રમ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ હતો.


બિચ્ચારા દુખિયારા! – વલીભાઈ મુસા 8

જિલ્લાની ફેમિલી કોર્ટના ન્યાયાધીશશ્રીની આ ચેમ્બર છે. રિસેસ ચાલી રહી હોવા છતાં કર્તવ્યનિષ્ઠ એવા વિદ્વાન ન્યાયાધીશ શ્રી અનંતરાય રાવલ સાહેબ હેડક્લાર્ક શ્રી ફિરોઝખાનને આજે જ મળેલી એક અરજી વાંચી સંભળાવવા જણાવે છે. માનનીય શ્રી રાવલ સાહેબ ચાની ચુસકી ભરતાં ભરતાં ઝીણી આંખો કરીને ધ્યાનપૂર્વક અરજીનું વાંચન સાંભળી રહ્યા છે. અરજી આ પ્રમાણે છે :

“નામદાર ન્યાયાધીશ સાહેબ,

આપની ફેમિલી કોર્ટના કેસ નં. ૮૯/૨૦૧૬ના સુપર સિનિયર સિટીઝન એવા ફરિયાદી હસમુખલાલ સુખલાલ દુખિયારાની નમ્ર અરજ કે :- વધતા જતા કૌટુંબિક વિવાદોના કારણે ન્યાયાલયોમાં વધી ગયેલા પડતર કેસોના ઝડપી નિકાલ માટે રાજ્યભરમાં જિલ્લાવાર ખુલ્લી મુકાયેલી ફેમિલી કોર્ટો એ શાસકીય પ્રશંસાપાત્ર પગલું હોવા છતાં સુપર સિનિયર સિટીઝનને સ્પર્શતા કેસોને અગ્રીમતા અપાય તે જરૂરી છે. આવા કેસો અનિર્ણિત રહે અને અસરકર્તા ન્યાય મેળવવાની રાહ જોતાં જોતાં જ અવસાન પામે તે શું દયનીય સ્થિતિ ન ગણાય?


હત્યારો! – હરિશ્ચંદ્ર 6

મધરાતે એકદમ રાજુભાઈ જાગ્યા. ઘડિયાળમાં ટકોરા પડ્યા… એક…બે… પથારીમાં બાજુમાં હાથ ફેરવ્યો. કાંઈક સ્પર્શનો ભાસ થયો. પણ તે આભાસ માત્ર. ત્યાં કોઈ નહોતું. ક્યાંથી હોય? એ તો હોસ્પિટલમાં છે. એમનું મન ખિન્ન થઈ ગયું. પત્નીની યાદ સતાવતી રહી. ક્યાંય સુધી એમણે પથારીમાં પાસાં ફેરવ્યે રાખ્યાં. એમ કરતાં કરતાં ફરી ઘડિયાળમાં ટકોરા પડ્યા. એક…બે…ત્રણ. કાંઈ ચેન પડતું નહોતું. રાજુભાઈ ઊઠ્યા, બત્તી કરી. હવે ફરી ઊંઘ આવે એમ લાગતું નહોતું. બાથરૂમમાં ગયા, ઠંડા પાણીએ છાલક મારીને મોઢું ધોયું, પછી રસોડામાં ગયા. ફ્રીજમાંથી દૂધ કાઢ્યું. ગેસ પેટાવ્યો, તપેલીમાં પાણી મૂક્યું, કૉફી બનાવી. કપમાં કૉફી પીતાં પીતાં બારી આગળ આવ્યા. બહાર ઘોર અંધારું હતું. આકાશમાંથી ક્ષીણ થયેલો ચંદ્ર દેખાતો હતો, કોઈક ક્ષયગ્રસ્ત માણસ જેવો… કોઈક કેન્સર થયેલા રોગી જેવો. રાજુભાઈને ધક્કો લાગ્યો. રસ્તા પર કૂતરાં રડતાં હતાં.


પ્રસંગકથાઓ.. – ગોવિંદ શાહ 4

એક દિવસ રાત્રે અંધારામાં મારા ઘરે દરવાજા આગળ એક કદાવર અને બિહામણો માણસ જોયો. તેનો ચહેરો કાળો અને ભરાવદાર હતો. પહેલાં તો હું ગભરાઈ ગયો કે અડધી રાત્રે આ ભયાનક પ્રાણી કોણ છે. પછી મને ખ્યાલ આવ્યો કે આ તો સાક્ષાત યમરાજ લાગે છે. ચોક્કસ મને લેવા આવ્યા લાગે છે. મેં કહ્યું ‘પધારો સાહેબ, આજે આ બાજુ ક્યાંથી ભુલા પડ્યા? શું સ્વર્ગમાં સારા હોશિયાર માણસોની ખોટ છે તે મારે ત્યાં દર્શન દીધાં? અત્યારે હું ચૂંટણીની ધમાલમાં ખૂબ વ્યસ્ત છું એટલે અપોઈન્ટમેન્ટ લઈને આવો તો સારું રહેશે.’ પરંતુ મારું કહ્યું કશું કાને ધર્યું નહીં. તેમણે સીધા સોફા પર આસન જમાવી દીધું.


ડબલીઓ – ઈવા ડેવ 4

જ્યારે તે દિવસે પોલીસો રાધુને (સદ્દગૃહસ્થી નામ રાઘવજી સિસોદિયા, જે જેલના દફતરમાં નોંધાયેલું હતું.) જેલના ‘સી’ વૉર્ડમાં હાથકડીઓ પહેરાવીને પ્રવેશ્યા ત્યારે કેટલાક હરખાયા, તો થોડા દુ:ખી થયા; પરંતુ પોપટલાલ શાહને તો આઘાત લાગ્યો. રાઘો ‘ડબલીઆ’ તરીકે નામચીન થયો હતો; જેલમાં કેદીઓની જમાતમાં, જેલની બહાર પીઠાના ભાઈબંધોમાં ને ખાસ તો પોલીસોમાં, પ્રવેશની જેમ એનું નામ પ્રસ્થાન પણ હરખ અને ઝરઘની લાગણીઓ પેદા કરતું. શેરીમાં શરાબ વહેતો જ્યારે, ત્યારે પોલીસો માથાં ફૂટતાં. કોઈ એને ટૂ-ઈન-વન (ઘરમાં ને જેલમાં) કહેતા; વળી કોઈ એને થ્રી ઈન – વન (ખિસ્સાકાતરૂ – દારૂડિયો ને લંપટિયો) જાહેર કરતા; તો જાનકાર જૂજ એને ફોર ઈન વન તરીકે (ચોર-જુગારી-શરાબી ને ખૂની) ઓળખાવતા.


કૌરવ સભા – ભગવતીકુમાર શર્મા 4

મંજરી મહેતા, અવિનાશ દીક્ષિત, શાર્દુલસિંહ બ્રાર, જયબાળા કુલકર્ણી, સિલ્વિયા પિન્ટો, આયેશા ફૈઝલ, ધોંડુ પટાવાળો, નન્દન કાગળવાળા, રામ વાસવાણી, બધાં ઓફિસના કામમાંથી પળ-વિપળની ફુરસદ મળતાં જ વળી વળીને એક જ ચર્ચાને ચાકડે ચઢી જતાં હતાં. એકેીક જણની પાસે કંઈક ને કંઈક મહત્વની બાતમી હતી ‘ડિડન્ટ આઈ ટેલ યુ?’ નો ભાવ સહુ કોઈના ચહેરા પર વર્તાતો હતો.

મંજરી મહેતાએ હજી ગઈકાલે સાંજે બરાબર ૭ ને ૪૯ મિનિટે સાહેબ અને મિસિ શીલા શ્રીવાસ્તવને અથવા એમના જેવા કોઈકને ટેક્સીમાં હોર્નબી રોડ પરથી પસાર થતાં જોયાં હતાં ત્યારે શીલાનું માથું સાહેબને ખભે અથવા સાહેબનું માથું શિલાને ખભે ઢળેલું હતું. મંજરીને અફસોસ એટલો જ હતો કે તે ટેક્સીનો નંબર નોંધી લેવાનું ભૂલી ગઈ હતી.


પ્રસંગકથાઓ.. – ગોવિંદ શાહ 4

એક વખત યમદૂત રાત્રીના ગાઢ અંધકારમાં મધ્યમ વર્ગના એક સામાન્ય ઘરમાં આવ્યા. નાનો છોકરો મહાકાયા પરથી તેમને ઓળખી ગયો. યમદૂતે કહ્યુંઃ’હું યમરાજ છું તારી માને લેવા આવેલ છું. યમરાજ કંઈ વધુ કહે તે પહેલાં છોકરો યમરાજને કરગરવા લાગ્યો કે મહેરબાની કરીને મારી મા ને છોડી દો. તે આ ઘરનો આધાર છે. પિતા તો પહેલા તમે લઈ ગયેલ છો. આમ છતાં તમારે કોઈને લૈ જવા હોય તો મારી માને બદલે મને લઈ જાવ.

યમરાજ ચોકરાની વાત સાંભળીને મંદ હાસ્ય કરતાં કહેવા લાગ્યા – અમને રોજ ના કાર્યની સુચી આપવામાં આવે છે એટલે ખાલી હાથે જઈ શકતા જ નથી. પરંતુ સાચું કહું તો અમને તો તને લઈ જવાનો જ આદેશ હતો. પણ તને લઈ જતાં પહેલાં તારી મા વચ્ચે આવી, તે ચોધાર રડવા લાગી અને આજીજી કરવા લાગી કે ગને તેન કરીને મારા દીકરાને બદલે તમે મને લઈ જાવ.


સોહાગરાત – કેશુભાઈ દેસાઈ 2

પુરુષોત્તમ મહિનાની એકાદશીનો ચંંદ્ર ભીના પવનમાંં ઝબોળાયેલી ચાંદની રેલાવી રહ્યો છે. આકાશ છેલ્લા ત્રણેક દિવસથી નિચોવાઈને જવલના બંદલાના બાથરૂમ જેવું ચોખ્ખું ચણાક જેવું બની ગયું છે. અઠવાડિયા અગાઉ એ જ આભલા સામે નજર માંડતાંય ધ્રુજી જવાતું. ચારે દિશામાં તડકા-ભડકા. ભૂવા ધૂણતા હોય એવા હાકલા – પડકારા. વીજળી સરરરર કરતીક સીધી બંગલાના ચોકમાં ખાબકતી. છેલ્લા એક વરસથી એકલી પડી ગયેલી જવલ જાળી વાસી દઈને ઓસરીમાં બેઠી બેઠી અદ્ધરજીવે આકાશી ધુધવાટા સાંભળતી રહેતી. ક્યારેક જોરૂકો કાટકો પડે ત્યારે એનાથી અનાયાસ જ બોલાઈ જતુંઃ તારી જવાંની છ બાપ, પણ હોંમો શકન વાળનારા તો જતા રહ્યા!


મિઠ્ઠુ – એન્જલ ધોળકિયા 14

નાનકડી પ્રાચી ઓફીસ કવાર્ટર્સના આંગણામાં હિંચકે બેઠી ‘લકડીકી કાઠી’ ગીત ગણગણી રહી હતી. ઓચિંતી એક આહટે એના ગુલાબી ચહેરાને વધુ ગુલાબી બનાવી દીધો!! આંખોમાં એક અદભુત ચમક અને ચહેરા પર નર્યા રોમાંચ સાથે પ્રાચી ઉભી થઇ અને બિલ્લીપગે રસોડામાંથી એક જામફળ લાવી પાળી પર મૂકીને ચૂપચાપ બેસી ગઈ. કરેણના ઝાડ અને છત વચ્ચે ઝૂલતા વાયર પર એક પોપટ આવીને બેઠો હતો. પ્રાચી મનોમન બસ ઇચ્છવા લાગી કે આ પોપટ એના ઘરનું મીઠઠું જામફળ ખાઈ ને અહીં જ રહી જાય. અને થયું પણ એવું જ! એ પોપટ જામફળ ખાઈ ત્યારે તો ઉડી ગયો. પણ બીજા દિવસે ફરી આવ્યો અને બેઠો. જાણે એની નાનકડી દોસ્ત પાસે ફરી જામફળની ઉઘરાણી કરતો હોય.


છોકરમત કોની? – ઈશ્વર પેટલીકર 7

અરૂણાએ માન્યું હતું કે નિરંજન સાથેના લગ્નની ઈચ્છાને મા બાપ વગર વિરોધે સ્વીકારી લેશે. પંદર વરસ ઉપર જે ઘરે મોટી બેનને પરણાવી હતી તે જ ઘરે એના દિયર સાથે પોતાના લગ્નનો વિરોધ કરવાનું કારણ ન હતું. વળી મોટીબેનને પરણાવી ત્યારે ભાવિ જમાઈની અંગત લાયકાત તરફ ધ્યાન આપ્યું ન હતું. ધરનો ધંધો છે એટલે ઓછું ભણતર જીવનની કારકિર્દીમાં અવરોધરૂપ બનવાનું ન હતું. મોટીબેન જેટલો એસ.એસ.સી. સુધીનો મૂરતિયાનો અભ્યાસ પૂરતો માન્યો હતો. જ્યારે નિરંજનનો અભ્યાસ એની અંગત શક્તિ પુરવાર કરતો એન્જિનિયરનો હતો. એન્જિનિયરોની બેકારી જાણીતી હોવા છતાં એની તેજસ્વિતાને લીધે પરિણામ બહાર પડતાં એ જાણીતી પેઢીમાં સારા પગારે નોકરી મેળવી શક્યો હતો.


જક્ષણી – સહિયારી વાર્તા (૨૨ સર્જકો) 12

એક ગ્રૂપ, સર્જન.. ૨૨ સર્જકો અને એક પછી એક આગળ ધપતી વાર્તા સાથે લખાયેલ બધાના ભાગ સાથેની આ સહિયારી વાર્તા ગ્રૂપમાં સર્જનનો ત્રીજો પ્રયત્ન હતો. પહેલા પ્રયત્નની ભવ્ય નિષ્ફળતા બાદ બીજો પ્રયત્ન સફળ રહ્યો હતો, અને પછી આ ત્રીજો પ્રયત્ન પણ મજેદાર રહ્યો.. આજે પ્રસ્તુત છે મિત્તલ પટેલ સંકલિત અમારી એ જ સહિયારી વાર્તા જેનું નામ તો જાણીતું જ છે.. ‘જક્ષણી’


ભ્રમ! – કનુ ભગદેવ 4

શિખા ખૂબ જ ઉદાસ અને પરેશાન હતી. છેલ્લા ત્રણ વર્ષથી એ જે ભ્રમમાં રાચતી હતી તે અચાનક જ તૂટી ગયો હતો. આજકાલ કરતાં ઘણા દિવસથી તે માનસિક પરિતાપ ભોગવતી હતી. એ મનોમન પોતાનાં બોસ અમરને ચાહતી હતી. ઘણી વખત અમરે ખૂબ જ નિખાલસતાથી એની સાથે વાતો કરી હતી, ફિલ્મો જોઈ હતી અને સાથે ફરવા માટે પણ ગયા હતાં. આથી તે મનોમન એમ માની બેઠી હતી કે પોતાની જેમ અમર પણ પોતાને ચાહે છે. જયારે અમરના હ્યદયમાં શિખા પ્રત્યે આવો કોઈ ભાવ નહોતો. તે એને પોતાની પર્સનલ સેક્રેટરી અને સાથે જ પોતાની મિત્ર માનતો હતો. એથી વિશેષ કઈ જ નહી. એ તો શિખાની સાથે જ રહેતી તેની બહેનપણી આરતીને ચાહતો હતો.


ચહેરો – ઈલા આરબ મહેતા 6

સ્વ. ગુણવંતરાય આચાર્યની દીકરી ઈલા આરબ મહેતાએ પિતાજીનો સાહિત્યનો વારસો જાળવી રાખ્યો, બલકે વધાર્યો. ખાસ કરીને નવલકથા અને વાર્તાસાહિત્યમાં તેમનું મુખ્ય પ્રદાન રહ્યું છે. વ્યવસાયે અધ્યાપિકા હતાં એટલે એમની અભ્યાસવૃત્તિનો લાભ એમની વાર્તાઓને મળ્યો છે. તેમની અમુક જ વાર્તાઓ સંપાદન-સંગ્રહોમાં જોવા મળે છે. એ સિવાય પણ તેમની ઘણી વાર્તાઓ સુંદર કલાના નમૂના જેવી છે. તેમની ‘ચહેરો’ વાર્તા આપણા સાહિત્યની એક સદાબહાર, તરોતાઝા વાર્તા છે. ‘રખે વિસરાય ગુજરાતી સાહિત્યની આ સદાબહાર વાર્તાઓ’ પુસ્તકમાંથી આ વાર્તા સાભાર લીધી છે. ડૉ. અસ્મા માંકડ દ્વારા સંપાદિત આ સંગ્રહમાં ૪૩ આવી જ સુંદર સદાબહાર વાર્તાઓ છે.


જીવતર – મીનાક્ષી ચંદારાણા 7

ડોશીને ક્યાંય સુખ નહોતું. છોકરાને સમજાવ્યો, પણ એ માન્યો નહીં. ટોળાનો શું કે એકલદોકલનો શું. કોઈનોય ભરોસો કરાય એવું રહ્યું નહોતું. એવામાં કર્ફ્યુંમાં છૂટ મુકાઈ. શેઠનો સંદેશો આવ્યો કે છોકરાએ દુકાને જઈને કીમતી સામાન ઘરભેગો કરી દેવો. છોકરો તો દુકાને જવા તૈયાર થઈ ગયો. ડોશીને આ જરાય નહોતું ગમ્યું. ડોશીએ છોકરાને કહ્યું કે મૂઉં! પૂળો મૂક એવી નોકરીમાં! પંદર દા’ડે-મહિને, આજ નહીંને કાલ બીજી નોકરી મળી જશે, પણ આ છોકરો માન્યો નહીં, ધરાર ગયો…


કવરેજ ક્ષેત્રની બહાર – જિતેન્દ્ર પટેલ 3

પહેલા તો રજનીએ એન્ડ્રોઈડ ફોન જ પસંદ કર્યો હતો. પછી એણે વિચાર્યું કે આ ફોનની ફાવટ આવતાં પપ્પાનેય દિવસો નીકળી ગયા હતા ત્યારે દાદાની તો જિંદગી જ પસાર થઈ જાય. એતલે એણે એકદમ સાદા મોબાઈલની પસંદગી કરી. પાંચસો રૂપિયાનું બેલેન્સ ભરાવ્યું. સગાંવહાલાના નંબર તેમાં સેવ કરી દીધા. મોબાઈલ કેવીરીતે ઓપરેટ કરવો એના વિશે એક કાગળમાં થોડું લખી પણ આપ્યું.


ઋણાનુંબંધ – કલ્પના જીતેન્દ્ર 6

યશવંતભાઈએ આંખ ખોલી, વળી પાછી બિડાઈ ગઈ. હજુ મેજર એનેસ્થેસિયાની અસર છે. કિડની ટ્રાન્સપ્લાન્ટનું મેજર તથા ક્રિટિકલ ઓપરેશન પુરૂં થયું. અર્ધબેભાનવસ્થા ને ઘેનની અસરમાં પૂરા પાંચ દિવસ આઈ.સી.યુ.માં વીતાવ્યા.

પાંચ દિવસ પછી આજે ક્રિટિકલ પિરિયડ પૂરો થતાં આઈ.સી.યુ.માંથી સ્પેશ્યલ રૂમમાં આવ્યા. હવે કોઈ કોમ્પ્લીકેશન ઊભા થવાની શક્યતા ઓછી છે. છતાંય માથુ ફાટે છે ને પોપચાં પર એકદમ ભાર! ખૂલતાંની સાથે જ ઢળી પડે છે.


ઍસ્કોર્ટ – પ્રવીણકાન્ત શાસ્ત્રી 7

પ્રવીણકાન્ત શાસ્ત્રીની પ્રસ્તુત વાર્તામાં ટૂંકીવાર્તાના લગભગ બધા તત્વો મોજુદ છે. વિષય, સ્થળ, પાત્રો અને સંવાદ એમ બધી રીતે આ વાર્તા અનોખી બની છે. આજની વાર્તા ‘એસ્કોર્ટ’ શૃંગાર રસથી ભરેલી છે, પણ એમાંની હકીકતો સમાજમાં અસ્તિત્વમાં છે. જુવાનીની નાદાની, ઓછી મહેનતે બધું જ મેળવી લેવાની તમન્ના અને સામાજીક વાતાવરણ એક વ્યક્તિને કેટલી હદે માર્ગમાંથી ભટકાવી દે છે, એનું આ વાર્તામાં નિરૂપણ છે. “મજુરો પોતાનો પરસેવો વેચે છે. બુદ્ધિજન માનવીઓ પોતાનું કૌશલ્ય વેચે છે. તારા જેવા કલાકારો ભણવાના પૈસા માટે સસ્તામાં સંગીત વેચતા હતા. વ્યાપારીઓ અને રાજકારીણીઓ પોતાનો ઈમાન વેચે છે. મેં મારું શરીર વેચ્યું છે.” આવું લખીને પ્રવીણભાઈએ માત્ર હકીકતોનું બયાન આપ્યું છે. જે પરિપેક્ષમાં આ વાર્તા લખાઈ છે, એ પરિપેક્ષમાં મુલવશો તો તમને આમાંનું વાર્તા તત્વ ગમશે. અક્ષરનાદને વાર્તા પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


કિંમત – પ્રફુલ્લ પંડ્યા 4

ચિત્તા બળી રહી હતી. ઉપર ઉઠતી જ્વાળાઓને હું સમસમીને જોઈ રહ્યો હતો. મને ડર હતો કે મા ત્યાંથી ઉઠીને હજીયે મારી પાસે આવી શકે છે; અને મારો હાથ પકડીને ચૂપચાપ ઘર તરફ ચાલવા માંડે તેમ છે. ઘરે પહોંચીને તેને જે આઘાત લાગે તેમ હતો તેની તો હું કલ્પના પણ કરી શકું તેમ નથી. આ ડરને કારણે જ મને રડવું પણ આવતું નહોતું. હું ચૂપચાપ આગની જ્વાળાઓમાંથી ઉપર ઉઠતી ચિનગારીઓને અંધારામાં ડૂબતી જોઈ રહ્યો હતો.

અચાનક એક ફટાકડો ફૂટવા જેવો અવાજ આવ્યો. સળગતા લાક્ડાઓમાં થોડી હલચલ થઈ. હું સમજી ગયો કે કપાલક્રિયા થઈ ગઈ છે. હવે મા ત્યાંથી ઊઠીને અહીં નહીં આવી શકે. મને એક ક્રૂર તસલ્લીનો અહેસાસ થયો. વિડંબના પણ હતી જ કે હું દુઃખી થવાને બદલે આશ્વસ્ત થઈ રહ્યો હતો. મને વધુ સંતોષ તો એ વાતનો હતો કે અંતિમ સમયે માએ મારી જે જૂઠી વાતને સાચી માની લીધી હતી તે હવે સાચી જ બનીને રહી ગઈ. તે સમયે જો હું જૂઠું ન બોલ્યો હોત તો તેમનો આત્મા દુઃખી થઈ જાત. મારા જૂઠને કારણે તેમના અંતિમ શ્વાસ સુગમ બની રહ્યાં.