સોહાગરાત – કેશુભાઈ દેસાઈ 2


(‘ગુજરાત’ સામયિકના દિપોત્સવી અંક ૨૦૦૧૬માંથી સાભાર)

પુરુષોત્તમ મહિનાની એકાદશીનો ચંંદ્ર ભીના પવનમાંં ઝબોળાયેલી ચાંદની રેલાવી રહ્યો છે. આકાશ છેલ્લા ત્રણેક દિવસથી નિચોવાઈને જવલના બંદલાના બાથરૂમ જેવું ચોખ્ખું ચણાક જેવું બની ગયું છે. અઠવાડિયા અગાઉ એ જ આભલા સામે નજર માંડતાંય ધ્રુજી જવાતું. ચારે દિશામાં તડકા-ભડકા. ભૂવા ધૂણતા હોય એવા હાકલા – પડકારા. વીજળી સરરરર કરતીક સીધી બંગલાના ચોકમાં ખાબકતી. છેલ્લા એક વરસથી એકલી પડી ગયેલી જવલ જાળી વાસી દઈને ઓસરીમાં બેઠી બેઠી અદ્ધરજીવે આકાશી ધુધવાટા સાંભળતી રહેતી. ક્યારેક જોરૂકો કાટકો પડે ત્યારે એનાથી અનાયાસ જ બોલાઈ જતુંઃ તારી જવાંની છ બાપ, પણ હોંમો શકન વાળનારા તો જતા રહ્યા!

પેઠીનું પુણ્ય ફળ્યું ને એક નો એક દીકરો રમણ બાઈ મનેખનો દાકતર બની ગયો. એવડી મોટી ડીગ્રી મળ્યા પછી ગામમાં એનો પગ ટકે ખરો? પણ ઘરડાં માબાપને ફળિયામાંથી બહાર કાઢવા એણે બરાબર ઝાંપામાં પેસતાં જ દીદાર થાય એવો ત્રણ માળનો બંગલો જરૂર બંધાવી દીધો. મરનાર માનસંગ પટેલે જબરી મજાક કરેલીઃ વાહ ભઈલા, આનું જ નામ તે; ‘ભણેલો કણબી..’ તું તો ગામ છોડીને ગયો તે ગયો જ; બાકી રહી જતું’તું તે અમનેય ગામ બા;રાં ધલેચી મેલ્યાં..

જવલને હાંફ ચડ્યો હતો છતાં દીકરાની તરફેણ કર્યા વગર નહોતું રહેવાયું. આખી જિંદગી ચાર હાથની ગપૂલીમાં કાઢી હોય ઈન બંગલામાં શાનું ફાવે! આ તો ખાખરાની ખલી આગળ્ય હાકર વેર્યા જેવું. તમે તમારે પડી રે’જો તમારી હવેલીમાં. મનં એકલીનં ફાવશે. ચોખ્ખી હવા તો ખરી. માનસંગ રહ્યા અલગર જીવ. એમને વળી ઝૂંપડી શું ને બંગલો શું! માથા પર છાપરાથી જ મતલબ. પણ જવલને મન ડૉક્ટર દીકરો વતનમાં સગવડવાળું મકાન બનાવે તે ઘણી અગત્યની બાબત હતી. શહેરમાં એની પાસે લાખો લખમી હોય – ગાડી ને બંગલા હોય એમાં ગામને શું? ગામમાં બંગલો બંધાવે તો જ લોક જાણે કે છોકરો ભણ્યો અને કમાયો. ઘરડાં માબાપને બાબા આદમના જમાનાના ખંડેરમાંથી બહાર કાઢયાં. ખુલ્લી જગ્યામાં ઘર કરી આપીને એમનું ઘડપણ ઉજાળ્યું, સાથે જ પોતાનું ભણતર.

માનસંગ પટેલના મરણ પાછળ અઢારે વરણનો એંઠવાડ પડ્યો હતો. ભૂમિ પવિત્ર થઈ ગઈ હતી. ખાઈપીને ગયા હતા એથીય વધારે તો રિબાયા નહોતા એનો જવલને મન ભારે સંતોષ હતો. જાયું એટલું જવાનું – કોઈ વહેલું તો કોઈ મોડું. ઘર હોય તો પહેલી ભીત કે કરો પડે. કાયમી સંગાથ તો કોઈને રહ્યો છે કે આપણો રહે? વળી પટેલનું મન સંત્સંગમાં પરોવાયુંત્યારથી એમની એ માળા. ઘરમાં તો ફક્ત ખોળિયું જ રહેતું. મા -દીકરો એક થઈ ગયા એટલે બંગલોમ તો બંધાવાનો જ હતો. પોતે જૂના ઘરમામ પડ્યા રહે એથી તો ખાટસવાદિયા લોકોને વાતો કરવાની તક મળી જાય. જોયું? ડોસા ડોસીને જુદાં પાડ્યાં ત્યારે કુંવર જંપ્યા! પેટે પાટા બાંધી ને ભણાવ્યા એનો બદલો તો વાળવો પડે ને! – માનસંગ પટેલ ગામલોકોની માનસિકતા ન જાણતા હોય એવું કેમ મનાય? એટલે એમણે બંગલાના પ્લાનમાં થોડો ફેરફાર કરાવી સાથે રહેવાનું સ્વીકાર્યું હતું. ‘ભઈ, હવે તો આ ભવનો છેડો આયો હમજો. બઉ બઉ તો બે – પાંચ વરહ. એટલે લાંબા ગામતરાની આગોતરી વ્યવસાયે કરવી પડશે ને!’ કહી એમણે બંગલાની અડોઅડ એમના માટે રામઝૂંપડી બનાવી આપવાની શરત મૂકી હતી.

જીવ્યા ત્યાં સુધી એ રામઝૂંપડીમાં જ રહ્યા.

છેલ્લે એમનો ચોકો પણ ત્યાં જ કરવાનું કહીને મર્યા!

એ રામઝૂંપડીમાં જવલે તે દિવસથી અખંડ દીવો ચાલુ રાખ્યો છે.

ડોકટર દીકરાએ એના મોબાઈલમાં પાડેલો છેલ્લો ફોટો મોટો કરાવી, મઢાવીને દીવાલ પર ટીંગાડ્યો છે. સૂખડની ફૂલમાળા અને ગૂગળના ધૂપથી સવાર સાંજ મધમધતા રહેતા માનસંગ ભગત દહાદે દહાડે વધારે ઊઘડતા જાય છે. સવારે નાહી ધોઈ એમના દર્શન કરવા ગઈ ત્યારે ઘડીક તો જવલને એ ફોટામાંથી મોઢું કાઢી બોલું બોલું થઈ રહ્યા હોય એવા હાજરાહજૂર દેખાયા હતા. પછી એમની સામે હાથ જોડીને બે ઘડી ગુરુમહારજનું નામ લીધું ત્યારે ખ્યાલ આવ્યો કે આજે તો એમની વિદાયને બરાબર એક વરસ થઈ રહ્યું હતું. પહેલી વરસી પછી એમને પરણેતર સાથે બે ઘડી ગમ્મત કરવાનું મન થાય એમાં શી નાવાઈ! ઉંમર પ્રમાણે છેલ્લા પાંચ-સાત વરસ ભલે જુદારું લઈને રહ્યા હોય, પણ ટાઈમે આગળિ જિંદગી યાદ આવ્યા વિના રહે ખરી? જવલને વરસ વીતી ગયું એનો ખ્યાલ જ નહોતો રહ્યો. અને રહે પણ કઈ રીતે? રોજે રોજ કોઈને કોઈ ભગતનું નામ લઈને આવ્યું જ છે જાણે. કોણ જાણે ક્યાં ક્યાં માથા કાઢ્યાં’તાં આ મલકના ફરંદાએ! જ્યાં ગયા ત્યાં આંબા વાવીને આવ્યા હતા. કેટકેટલાની ભીડ્યો ભાંગી’તી… કોઈ દીકરીનું કરિયાવર કરી આવ્યા હતા. કોઈને ચારધામની જાત્રાએ લઈ ગયા હતા. કોઈનો છોકરો કુંવારો રહી જતો હતો એનું આડું અવળું ચોકઠું ગોઠવી આપ્યું હતું. કોઈની જમીન માધુરીમાં મુકાઈ ગઈ હતી એ છૂટી કરવવા ગાંઠના ગોપીચંદન ઘસી નાખ્યાં હતાં. રિસામણે બેઠેલી વહુને તેડી આવીને કોઈનો તૂટવાના આરે આવેલો ઘરસંસાર સાંધી આપ્યો હતો. આ તે માણસ કહેવાય કે ફિરસ્તો?

એ એવડા મોટા માણસ હતા એની તો જીવ્યા ત્યાં લગી કોઈએ નોંધ જ ન લીધી. બલકે બહાર તો એમનો માનમોભો સચવાયો હશે પણ ઘરમાં કદર ન થઈ. જાણે સાવ મુફલિસ માણસ ના હોય – એમ મા -દીકરાએ એમને સાવરણી વડે કચરોપૂંજો વાળતાં હોય એમ ધરાર વાળી મૂક્યાં હતાં. એમને તો દોડવું તું ને ઢાળ મળી ગયો. જોગી જેવું જીવન. ભગવાને દીકરો આપી દીધો પછી માયામાં જીવ જ ન રહ્યો. જ્યારે જુઓ ત્યારે – બહારને બહાર. જવલ કશું કહેવા જાય તો જ્ભે ચડે તે જવાબ હજરાવી દે. આ પંખીઓનું પૂરુંનથી થતું? કૂતરાં બિલાડાં ભૂખે મરેલાં જાણ્યાં? દાંત આલ્યા છે એ ચવાણુંય ચાલશે. એનેય આબરું તો વહાલખશે કે! હે માણસજાત જેવી નાગાઈ થોડો કરી શકવાનો? કહો જોઉં?

જવલ એમને શું કહે? ઢેખાળા?

રીસ તો એવી ચડતી!! ક્યારેક તો જિવ ઘોઘળે આવી જતો. મળી મળીને મારા કાકાને આ મુરાડી મળી? હું તો એમને જીવથીય વહાલી હતીને!

જવલે ડોસા જીવ્યા ત્યાં સુધી એના નટખટિયા – અપલખણા બાળપણની એ ગંદીગોબરી ટેવવાળી વાત મલાવી મલાવીને સંભળાવતા. મૂઆ શરમાતા પણ નહીં. ભલેને પેટની જણીની પાંચ મનેખની હાજરીમાં કાંકરી થતી હોય. એમને માટે તો એ જિંદગીનું મોંધું મૂલું સંભારણું હતું.

‘તું નેંની અતી તારની આ વાત છઅ…’ એ શરૂ કરે કે તરત જવલ ટોકતીઃ તે ચેટલી ફરા કે’ કે કરવાની વોય? નેંનું સોકરું કાંય હમજે ખરું? બીજી કોઈ વાતો છંઅ જ નૈ? પણ એવી ટોકામણીથી મોઢું બંઢ રાખે એ બીજા. ભીખોભાથી એમની એંશી વરસ જૂની ખોપરીમાં સંઘરાયેલી ટેપ વગાડીને જંપતા. બિચારી જવલ લાજી મરતી. ઝનૂન તો એવું ચડ્તું કે ઊભી થઈને ઘોઘળે બાઝે. પણ વળતી જ પળે એનો રોષ ટાઢો પડી જતો. કાકાને પોતે કેટલી વહાલી હતી, ત્યારે જ ને! છોકરાં તો છાલકું ભરાય એટલાં હતાં. ખભે ઉપાડી -ઉપાડીને ખડકીથી ઝાલામાઢ સુધીને પાછા ઝાલામાઢથી ઘરના આંગણા સુધી હેરાફેરી કરતાં કાઢું નહીં પડ્તું હોય! બઈ કહેતાંઃ તારા કાકાએ તારા સિવાય બીજા કોઈ ભઈલાને આટલાં લાડ નથી કર્યાં. અઘાંણી થય કે તરત ખભે કરીને મહોલ્લા બહર ઝાલામાઢની વાટ ઝાલે. – તરત જ હુકમ છોડેઃ આંય નૈં! આપલી મોંડીમાં આબ્ધું! બીજાં આગળ તો ઠીક, ડોસાએ એ વાત મરનાર એમની જમાઈ આગળ પણ છેડેલી! સાવ ભોળા, ભગવાન જેવા. એમના પેટમાં પાપનો પ્રવેશ જ નહીં. અમુક વાત આપણા ઘરઘરનાં મનેખ વચ્ચે જ ચર્ચાય. એની ઉઘાડે છોગ જાહેરાત ના કરવાની હોય. પણ એવી આંતીધૂંટી એ અલ્લાની ગાવડીને થોડીઊ સમજાવાની હતી!

સાતાના જમાઈ પણ એમને ડાબે જૂતે એવા જડ્યા! પછી તો કોણ કહે વિવા’ ભૂંડો?

જવલને તો વખત ક્યાં સરી ગયો એનો અંદાજ જ ન રહ્યો. જાણે ગઈકાલે ગુજરી ગયા હોય એવું લાગે. રામઝૂંપડીમાં જ બધાંને છેલ્લા જુહાર કર્યા. અગાઉથી ખબર પડી ગઈ હોય એમ વિદાય લઈ રહેલા ભાવિક ભક્તોને એંધાણી પણ આપી દીધીઃ લ્યો તાણં રોંમ રોંમ! આ કાચી માટીની કાયાનો સો ભરૂંહો? ડુંગરા જેવા ડુંગરા ભભરાઈ પડતા હોય ત્યાં આ તો કાચનું પૂતળું. ભરૂંહો પેલા માંહ્યલાનો રાખજો. એ જ કાળીરાતી બોલાયો હુંકારો ભણશે!

– મૂઈ મું જ અધબેહરી. જવલ મનોમન પસ્તાવો કરવા લાગી. છોકરાનેય ક્યાં સંભાર્યો હતો મરનારાએ! ભણાવીગણાવીને મોટો દાક્તર બનાવ્યો છેલ્લે મોઢાનો મેળાપ સુદ્ધાં…. બાપ દીકરા બેઉના નસીબમાં વિજોગ પડવાના લેખ લખાયા હોય ત્યાં પામર માનવીનું શું ચાલે? આખું ગામ સ્મશાનયાત્રામાં જોડાયું હતું, એકમાત્ર રમણલાલ ડોકટર સિવાય. એમ તો અઠવાડીયામાં બબ્બે- ત્રનત્રન વાર ફોન કરતો. પણ એ દિવસોમાં ક્યાંક ડૉકટરોના સેમિનારમાં ગયેલો હતો. થાઈલેન્ડ કે મલેશિયા જેવા દેશમાં. ફોન કરતાંય કોને ફાવે આવા ખોબા જેવડા ગામમાં?

આખી જગતમાં જશ મેળવીને ગયા પણ પેટના જણ્યાની આગ ના પામ્યા. જવલની આંખોમાં ભીનાશ વળી ગઈ. માનસંગ ભગત વારંવાર મીઠી હલકથી લલકારતા રહેતા એ ભજનની કડીઓ કાનમાં ગુંજવા લાગી.

કેનાં છોરુ ને કેનાં વાછરુ-
કેનાં માયે નં બાપ જી?

અંતકાળે જાવું એકલું-
હાથી પુન્ય ન પાપ જી!

ભૂલ્યો રે મન ભમરા તું ક્યાં ભમિયો!

પંડ્યના દીકરાની માયા અળગી કરનાર ભગત પાછલ દુનિયા આટલી ઘેલી કેમ હશે? જવલને એ કોયડો હજી લગી સમજાયો નથી. હજુ તો એમનો માસિયો પણ નહોતો સરાવ્યો ત્યાં એક દિવસ ભળભાંખળે નજીકના ગામનાં બે બૈરાં બંગલા બહાર ઊભાં ઊભાં ‘જવલમા! જવલમા!’ કહી રાડ પાદી રહ્યાં હતાં. જવલે ગેટનું તાળું ખોલીને એમને આવકાર આપ્યો. એમ થોડું પુછાય કે શું કામ છે – આટલી વહેલી પરોઢવેળાએ વગર કશી ઓળખાણે હેંડ્યાં આવ્યાં છો તે!

જવલને તો નવાઈ લાગેલી. એમણે કહ્યું તુંઃ બાયડી તૈણ દા’ડાંથીય કષ્ટાય છ… મંદિરના પૂજારીએ કીધું – જાંવ, જઈને મુનાભાઈવાળા માનસંગ ભગતના ધોતિયાનું ધોણ લઈ આવો. એને પવાલા પાણીમાં ભેળવીને પાઈ દેશો કે તરત હુવાવડીને છુટકારો થઈ જશે.

આ વાત ત્યારે તો જવલના જ માન્યામાં નહીં આવેલી ત્યાં દાકતરી વિદ્યા ભણેલા રમણને થોડી મનાવાની હતી? પણ પછી તો વાયરે તો વાત ફેલાતી ગઈ તે ત્યાં સુધી કે દવાખાનાની દાયણોના આંટાફેરા ચાલુ થઈ ગયા છે. છેલ્લા છ મહિના દરમિયાન નહીં નહીં તોય પચાસેક વાર અડધી રાતે જવલને કાચી ઊંઘમાંથી ઊઠાડી હશે લોકોએ. રામઝૂંપડીમાં ભગતનું છેલ્લે ઊતારેલું ધોતિયું અને ચોખ્ખા પાણીની માટલી ભરીને મૂકી રાખી છે. જેવું કોઈ રાડ નાખતું આવે કે જવલ ઢિંચૂકા કરતી રામઝૂંપડી ઉઘાડી આપે છે. અખમ્ડ દિવામાં પૂરવા માટે નાઉપરવટ આવનારું એના ગજા પ્રમાણે ઘી લઈ આવે છે તે પાસે મૂકી રાખેલ બરણીમાં રેડી દે છે. ભગતનું ધોતિયું માટલીમાં બોળીને આવનારના વાસણમાં નિચોવી આપે છે. અઠવાડીયે બે -ત્રણ વાર આવું પુણ્ય કમાઈ લે છે! રમનની હાજરીમાં પણ આવા પ્રસંગો આવ્યાં. એને આવી અંધશ્રદ્ધાના ત્રાગડા થોડી ગમે? ભગત જીવતા ત્યારે પણ છોકરો ભગવાનની હયાતીના મુદ્દે શંકા ઊઠાવતો રહેતો. મોડી રાત સુધી સંત્સંગ ચાલતો એથી એ અકળાતો. ક્યારેક તીખી મજાક પણ ઉડાવતોઃ ‘બાપા, તમને કદાચ ઊંઘના આવતી હોય, પણ બાપડા ભગવાનને શું કામ વગર વાંકે ઉજાગરા કરાવો છો?

જવલને દીકરો યાદ આવી ગયો. મરનાર બાપ સાથે વિચારો નહીં મળતા હોવા છતાં એમની પાછળ એણે શું નથી કર્યું! એમના નામે ઠંડા પાણીની પરબ બંધાવી છે. શાળમાં પુસ્તકાલય માટેનો ઓરડો બંધાવી આપ્યો છે. ભક્તમંડળ માટે પંચાયતઘરની બાજુમાં જ પ્લોટ લઈ ‘માનસંગ વિહાર’ નામે ધર્મશાળા માટે પાંચલાખનું માતબર દાન જાહેર કર્યું છે. એ ધર્મશાળાનું બાંધકામ પૂરું થાશે ત્યારે આ વગડા જેવો લાગતો ભાગોળ વિસ્તાર એકદમ જીવંત બની જશે. બે પાંચ વરસ પછી તો આ બંગલો પણ …જવલનું હૈયું થડકારો ચૂકી જાય છે. એ ઊનો નિસાસો નાખે છે. અમરપટો લઈને થોડા આયાં છીએ? કોક દિવસ તો ઉચાળા ભરવા જ પડશે વળી. અને ત્યારે વીસ વીસ વરસથી શહેરમાં વસી ગયેલો રમણ કંઈ બંગલો સંભાળવા પાછો થોડો વળવાનો છે? ભલો હશે તો માડીના નામે બંગલો ગામને સોંપી દેશે. ગામમાં બાઈ માણસનું દવાખાનું નથી ને? સુવાવડ માતે ક્યાંયની ક્યાંય ઈડર-હિમંતનગરની ખેપો ખેડવી પડે છે. ભગતના ધોતિયાનું ધોણ પિવડાવ્યા પછીય છુટકારો ના થાય તો બાપડી બેજવી બાઈને રામ ભરોસે થોડી નાખી મેલાય? જરૂર પડે તો પેટ ચીરીને બાળક જન્માવવું પડે. દાકતર થયો છે એટલે એને એટલે એને આપણે શું કહેવાનાં! કહેવા જઈએ તોય ભોઠાં પડીએ. બાપ, તારી વહુનું પેટ મંડાયું હોત, જતાં જતાં એ જીવના કાને ખાલી એટલા ઊડતા સમાચાર પહોંચ્યા હોત તો કેવી ટાઢક વળત. ભગવાન આલવા બેસે છે ત્યાં પાછું વાળીને જોતો નથી. ઊંધું ઘાલીને ધીબે રાખે છે ગામના વાધરીવાસમાં અળસિયાંની જેમ બાળુડાં રઝળે છે. માથે છાપરું નથી, ખાવા ધાન નથી. ઝાડ હેઠળ જિંદગી ગુજારે છે પહુડાં. અહીં બે વીઘા જમીનમાં મોટો મહેલ બંધાવ્યો છે, રહેનારી જવલ એકલી. રામઝૂંપડીના રહેવાસી તો પાંખો ફફડાવી પલાણી ગયા. જોને, જોતજોતામાં વરસ થઈ ગયું. યાદ છે કે? અષાઢી એકાદશી એ દહાડે. આ તો વધારાની અદેર(અધિક) મહિનો આવી પડ્યો, બાકી આજેય અષાઢી અગિયારશ જ છે. લોક તો ઈમના નામની બાધાઓ લેવા માંડ્યું છે. હાચું શું ને ખોટું શું એ તો રામધણી જાણે. સરધા રાખે એને ફળતી હશે. બાપ, ભલે ફળે. સૌને ઘેર લીલી વાડી થાજો. સૌનાં કાળજાં ઠરે પછી જવલનુંય ઠર્યું જ લેખાય. હવે આ ઉંમરે નથી રહી એ માનસંગ પતેલની પટલાણી કે નથી એકલા રમણ દાકતરની જણેતા. એ તો આખા ગામની મા બની ગઈ છે – જવલમા!

છતાં ઊંડે ઊંડે કશુંક ખૂટતું હોવાનો ખટકો તો રહ્યા જ કરે છે.આખરે મનેખનો અવતાર. ભગતને તો જગતની માયા ના હોય. પોતે એટલા દરજ્જે થોડી પહોંચી છે! એમના જેવું ગન્યાંન થોડું લાધવાનું છે આ કાચી માટીની કાયાને!

જવલને રામઝૂંપડીમાં થોડો ખખડાટ સંભળાયો. એ ચમકી. હશે બિલાડું -ફિલાડું. દીવાલ પર ટીંગાડેલા ગણપતિના ફોટાવાળા કેલેન્ડરનો ઉંદર ભૂખ્યો થયો હોય એમ પણ બને. ભગતજીની દુનિયામાં બધા જીવ સરખા.

એણે ફરી પાછિ ભૂતકાળ વાગોળવા માંડ્યો. કાકો જીવ્યા ત્યાં લગી ભાણિયાના નામની બળતરા વાગોળતા રહ્યા. જવલથી એમની પીડા જીરવાતી નહીં ત્યારે જરા છણકો કરી બેસતીઃ કાકા, આ ઉંમરે ભગવાનનું નામ લેતા હોતો? જેના કિસ્મતમાં જે લખાયેલું હશે તે મળશે. તમે ત ડોંગરે મહારાજની ભાગવત હાંભળેલી છ. ખોટા લોહીના ઉકાળાનો અરથ ખરો?

‘પણ બુન, તારું ઘર ઉઘાડું રઅ..આવડી મોટી જાગીર અને પાછળ કોઈ નૈં- એમના ગળે ડચૂરો બાઝી જતો. બાકીનાં બધાં ભઈલાની ત્રીજી પેઢી જોનારી એ માયાળુ આંખો સૌથી લાડકી છોડીના જીવતરમાં છપ્પનિયો દુકાળ જોઈ ઓશિયાળી બની જતી. ‘ઈના ધેર્ય શેની ખોટ છ? પણ ઉપરવાળોય ભગતની કસોટી કરતો હોય તોય કોને ખબર?? – કહી એ મન મનાવી લેતા. એકવાર જમાઈ આગલ વલોપાત કરી બેઠા ત્યારે માનસંગજી હસી પડેલા, ખડખડાટ, રામસાગર રણઝણતોહોય એમ બોલી ઊઠેલાઃ નરસી મે’તાએ નખોદ ન’તું માગ્યું? આપણને ભગવાન વગર – માગ્યે વરદાન આલતો હોય તોય કોને ખબર?’

જવલની એક આંખમાં ભર્યા સમુંદર જેવાં હેત ઢોળતા બાપની છબી ઝલકતી હતી ને બીજીમાં અલગારી અવધૂત-સમા હેવાતનની.

વળી પાછો ખખડાટ થયો. એ ચમકી. એકાએક રામઝૂંપડીના બારણા આગલ કોઈ મનખાદેહ ખડો થઈ ગયો.

‘હોંભળો છો?’ – એ જ કુવાના તળિયેથી ફૂટતો હોય એવો ટૌકો.

જવલથી પુછાઈ ગયુંઃ ‘તમે..તમે બોલાવી મનંઅ?’

એના અંગેઅંગમાં વીજળી ફરી ગઈ.

રામઝૂંપડીના બારણા આગળ દેખાતો ઓળો વિલાઈ ગયો.

‘આખી જનગી એકલહૂવોર જેવા થઈને પડ્યા રહ્યા. આજે ચ્યાંથી હાંભર્યું બૈરું?’એણે વર્ષોથી દુંટ્ટીથી દાબડીના સંઘરી રાખેલો ઠપકો રણકાવી જ દીધો.

હૈયે ફાળ પડેલી હતી છતાં હિંમત કરીને એ આગળ વધી.

‘હાચું કે ‘જો હોં!’ ઝૂંપડીના બારણા આગળ ઊભી રહીને એ પૂછવા લાગીઃ ‘તમે ક્યા છો એ હાચી વાત?’

જવાબમાં એ જ જૂનો અને જાણીતો હોંકારો.

‘તમે તો ભ્રમચારી થૈ જ્યા’તા ને! – ભગતના ફોટા આગળ બળતા અખંડ દીવામાં ઘી પૂરી દિવેટ તારવતાં એના હૈયાની વાત હોઠે આવી ગઈ.

‘આજની રાત તમારી પથારીમાં’

વાક્ય પૂરું કરે એ પહેલાં જાણે એની જ નાભિમાંથી હોંકારો મળી ગયો. રાજીની રેડ થયેલી જવલે હાથ જોડીને મનમાં ઢબૂરી રાખેલી માંગણી રજૂ કરી જ દીધીઃ આખી જગતની વાસના પૂરી કરો છો. તમારા પેટ હામું તો જુઓ!’

એને માનસંગ ભગતની છબી સળવળતી લાગી. ધીમે રહીને એણે છબી ઉતારીને પથારીમાં પધરાવી અને પછીએને છાતીસરસી ચાંપી આડે પડખે થઈ.

સવારે દૂધ આપવા આવતી મણકીએ ‘જવલમા! જવલમા!’ કહી બંગલો ગાંડો કરી મૂક્યો પણ સામો કોઈ જવાબ ન મળ્યો.

– કેશુભાઈ દેસાઈ


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “સોહાગરાત – કેશુભાઈ દેસાઈ