સૂમસામ રાતના સન્નાટાને ચીરતી કાર પૂરઝડપે હાઈવે પર ઊભેલા મનન પાસેથી પસાર થઈ ગઈ. એમાં બેઠેલી છોકરી તેને કાબૂમાં કરવા માટે જીવ પર આવીને પ્રયત્નશીલ હતી..
જાણે કે મોત હાથતાળી આપી ગયું. બે ઘડીમાં તો જીવને અજંપાએ ઘેરી લીધો. “પરેશાન થઈ ગયો છું, કોઈ લિફ્ટ પણ નથી આપતું, આ અક્ષયને હું નહિ છોડું..” ગુસ્સો,નિરાશા અને કંટાળો બધું એક સાથે એ અનુભવી રહ્યો, એ અકળાઈ ગયો.
મનનની નજર હજી એ કાર પર હતી, જે કાબુમાં ન આવતા રોડથી ઊતરી સામેના વૃક્ષ સાથે અથડાઈ. વાતાવરણમાં એ અથડામણની ગુંજ પડઘાઈ રહી. મનન ત્વરાથી દોડીને ગાડી પાસે ગયો. ગાડીની અંદર નજર નાંખી.. અને હ્રદય એક ધબકાર ચૂકી ગયું. એ જોરથી બરાડ્યો “માયા..” એની આંખો સામે એ ચહેરો હતો જેને એ અતીતમાં દફનાવી ચૂક્યો હતો.
માયા આ હાલતમાં આવી રીતે મળશે એવું તો એણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. અકસ્માત બહુ ભયંકર હતો. ગાડીનો બૉનેટનો આખો ભાગ દબાઈ ગયો હતો અને સ્ટીયરીંગ વ્હિલનો ભાગ સીટ તરફ આવી ગયો હતો. માયા વચ્ચે ફસાઈને અર્ધબેભાન પડી હતી.
મનન અતિતનાં ઝંઝાવાતમાં પહોંચે એ પહેલાં જ ગાડીનાં કાચની તિરાડમાંથી માયાનાં ઉંહકારાં સંભળાયા. તેણે હાંફળાં-ફાંફળાં થઈને મહામહેનતે ગાડીનો દરવાજો ખોલ્યો.
લોહી ખૂબ વહી રહ્યું હતું, મનન ગભરાયો, આકુળવ્યાકુળ થઈ ગયો. માયાનાં ઉંહકારામાં સતત કોઈનું રટણ મનનને સંભળાયું.
એ અવઢવમાં પડ્યો. સ્વગત બબડ્યો, “આજે દિવસ જ ભયંકર ઊગ્યો છે. સાંજ પડતાં સુધીમાં તો કેવું કેવું જોવું પડ્યું! ત્યાં એવુ થયું અને અહીં..?”
માયાની લોહીભીની ઓઢણી જમીન પર પાથરી મનને ધીરે રહીને તેને બહાર કાઢી, ઓઢણી પર સૂવડાવી. મનન.. મનન…માયાના ઉંહ્કારા હવે એને સ્પષ્ટ સંભળાયા.. અને એને એક તીવ્ર ઝટકો લાગ્યો.. હું એને બેવફા સમજતો હતો પણ એ તો મને હજુ પણ..
અત્યાર સુધી મનન અક્ષયને સત્તરસો ગાળો આપી ચૂક્યો હતો, પોતાને હાઈવે પર આમ અધવચ્ચે ઉતારી મૂકવા બદ્દલ. પણ હવે એણે મનોમન અક્ષયનો આભાર માન્યો.
“માયા ઊઠ, માયા, હું તારો મનન..” અને એની આંખો અનરાધાર રડી રહી.. તે દિવસે પણ તેને બેહોશીમાંથી જગાડવાની કોશિશ કરતો હતો ત્યારે તો પ્રેમ થયો હતો, એજ પ્રેમ પાછો આજે જીવંત થઈ ગયો.
એ બહાવરો થઈ મદદ માટે ગાડીની રાહ જોવા લાગ્યો. આજે પણ માયાનું દર્દ એના માટે અસહ્ય હતું.. વીતેલા ૨ વર્ષોની ઘટના સિનેમાની જેમ આંખો સામેથી એક પછી એક પસાર થવા લાગી.. કેવી રીતે એ માયાને મળ્યો, પ્રેમ થયો, એ વચનો.., અને.. માયાનું એ રૂપ, પરપુરુષ સાથે એક કમરામાં.. ગાડીના હોર્નના અવાજે એની તંદ્રા તોડી.
ચાર પાંચ ગાડીઓ અજાણી બની આગળ વધી ગઈ. લગભગ પાંચ એક મિનિટ પછી એક ગાડી ઊભી રહી. બારીનો કાચ નીચે થયો… ખૂબસૂરત ચહેરાને જોઈ એના પગ જમીન સાથે જડાઈ ગયા. ”રાધા..” એ આશ્ચર્યચકિત થઈ બોલી ઊઠ્યો.
કોને જુએ અને કોને સંભાળે એ દ્વિધામાં મનને ત્વરાથી માયાની હાલત રાધા આગળ રજૂ કરી અને જલદી ગાડી નજીકની હોસ્પિટલે લઈ જવા રીતસર આજીજી કરી.. માયા આ હાલતમાં જો એકલી રાધાને મળી હોત તો તેણે ગાડી રોકી જ ન હોત, એના ઉપરથી જ હંકારી ગઈ હોત પણ સામે મદદ માટે કરગરતી વ્યક્તિ બીજુ કોઈ નહીં, મનન હતો.. “મનન અહિ ક્યાંથી?” રાધા મનોમન વિચારતી મૂંઝાતી રહી..
અને મનનને ખરેખર ‘પોતાનો’ બનાવવાની આ ક્ષણ કદાચ આખરી હતી રાધા માટે.. રાધાની મુખમુદ્રાની રહસ્યમયી રેખાઓ કહેતી હતી કે માયાની ગાડીની બ્રેક પોતે કેવી સિફતથી.. પણ પોતાનો આ દાવ ઊલટો પડી જતા રાધા વ્યગ્ર થઈ ગઈ..
પોતાની જાતને સંભાળતા.. કાતિલ મનોભાવો છુપાવી રાધાએ સારપનો મુખવટો ઓઢી લીધો. મનનની સાથે મળી માયાને ગાડીમાં સુવડાવી એક ઇરાદા સાથે હોસ્પિટલ તરફ હંકારી મૂકી. કારની ગતિ કરતા વધુ ગતિ રાધાના વિચારોએ પકડી.. એક પ્લાન અસફળ રહ્યો પણ એમ કંઈ હાર ના માની લેવાય. આખા રસ્તે માયાના મસ્તકને ખોળામાં લઈને બેઠેલા મનનનો વ્યગ્ર ચહેરો એ જોતી રહી.. અકસ્માતનો કેસ હતો એટલે કાર સિવિલ હોસ્પિટલમાં જ લઈ ગઈ. ઇમર્જન્સી કેસ તરીકે માયાને તત્કાલ દાખલ કરવામાં આવી.
આઇ.સી.યુ. ના દરવાજાના નાના કાચમાંથી માયાને વ્યગ્રતાથી જોતા મનનની આંખોમાંથી વહેતા અનરાધાર આંસુઓમાં માયા પ્રત્યેનો છલકાતો પ્રેમ જોઈ રાધા અંદર સુધી હલી ગઈ. મનન રાધા તરફ વળ્યો, મનનની આંખમાના અનેક સવાલો રાધા વાંચી રહી.. રાધાની નજર ઝૂકી ગઈ. શરમ અને પશ્ચાતાપથી નમેલી નજરો મનનને બધું સમજાવી ગઈ..
રાધાના મનમાં મનનને પામી લેવાની ઝખંનાએ આજે છેલ્લો શ્વાસ લીધો. સાવ શૂન્ય બનેલો મનન રાધા પાસે જઈને બેઠો, અનિશ્ચિત ભાવથી જોયું, “મને ખબર પડી ગઈ છે કે માયાને શું અને કઈ રીતે થયું, અને એ કોણે કર્યું?”
અચાનક અક્ષય હાંફળો ફાંફળો આવી પહોંચ્યો, “શું થયું બૉસ?” મનનની હાલત જોઈ આગળના શબ્દો એના ગળામાં જ અટકી ગયા.
અક્ષયને જોઈને રાધા ચોંકી ઊઠી ને શબ્દો છટક્યા, “આજ તો ગઈ સમજો!”
“અક્ષય તું અહીં ક્યાંથી?” મનને પ્રશ્ન પૂછ્યો.
અક્ષયે એક ઘૃણાભરી નજર રાધા તરફ નાંખી, રાધા કંઈ બોલે એવી પરિસ્થિતિમાં નહોતી.
“મારો એક મિત્ર અહીં કામ કરે છે. મનન, તને આ હાલતમાં જોઈ એણે જ મને ફોન કર્યો.”
મનન વારાફરતી રાધા અને અક્ષયની સામે જોઇ રહ્યો. જાણે એને કોઈ વાતની ગંધ આવી ગઈ હોય એમ એણે અક્ષયને પૂછી જ નાખ્યું… “અક્ષય, માયા આવી રીતે એકલી કાર લઈને નીકળી હતી એ તુ જાણતો હતો? જો આજે હું ત્યાં ન હોત તો માયાની જીંદગી પર પૂર્ણવિરામ મુકાઈ જાત..!”
“હા, મેં તને અને માયાને મેળવવા જ આ પ્લાન કર્યો હતો અને તને હાઈવે પર ઉતારી દીધો હતો.. માયા હજુ પણ તને ખૂબ ચાહે છે મનન, પણ આ અકસ્માત..”
અક્ષય અકસ્માતનું કારણ સમજી ગયો હોવા છતાં તેણે આ સંજોગોમાં ચુપ રહેવું યોગ્ય સમજ્યું, મનન આગળ કંઈ પૂછે તે પહેલાં જ નર્સે ભાગતાં આવીને કહ્યું,.”
દર્દીને લોહીની તાત્કાલિક જરૂર છે. અને એનું બ્લડ ગ્રૂપ ‘ઓ નેગેટિવ’ છે. અમારી બ્લડ બૅન્કમાં હાજર નથી. જલદીથી બીજેથી વ્યવસ્થા કરો.
“યે લાલ રંગ, ક્બ મુજે છોડેગા !?” માયાનું મનપસંદ ગીત, યાદ આવી ગયું.. ત્રણેયને. પણ સવાલ હવે એ હતો ‘ઓ નેગેટિવ’ લોહી લાવવું ક્યાંથી… બધા એકબીજા સામે જોવા લાગ્યાં. આ તે વિધિની કેવી વક્રતા! માયા જે યુનિવર્સલ ડોનર હતી ન જાણે કેટલીય વખત એણે રક્તદાન કર્યું હતું આજે એને જ.. મનનની આંખો તરલ થઈ ગઈ..
એટલામાં જ અક્ષયે કહ્યું “તું ચિંતા ન કર, મારો કૉલેજનો એક મિત્ર, સંજય સામાજિક કાર્યકર છે, રક્તદાન શિબિર યોજે છે હું કંઈ કરું છું,” અક્ષયે તરત સંજયને ફોન જોડ્યો.. મનન રાધાને ગુનેગાર હોવાનો અહેસાસ અપાવવા માંગતો હતો. પણ એ ચુપ રહ્યો.
રાધાને પણ મનમાં પસ્તાવાનો અહેસાસ કોરી ખાતો હતો, એ એકદમ બોલી ઊઠી, “મનન ! હું માયાને લોહી આપીશ. મારું બ્લડ ગૃપ ઓ નેગેટિવ છે.”
માયા માટે રાધાએ બતાવેલી સહાનુભૂતિ માટે મનનને ચીડ થઈ આવી. પોતાનો અણગમો છતો ના થાય તેની કાળજી રાખીને તેણે રાધાને સ્મિત આપ્યું.
અત્યારે કાણાને કાણો ન કહેતા રાધાનું બ્લ્ડ લઈ લેવું મનનને ઉચિત લાગ્યું. માયાને બ્લ્ડ મળી જતાં એની જિંદગી બચી ગઈ, ૮ કલાક પછી એની બંધ આંખો ફરકવા લાગી. સાવ અશક્ત હાલતમાં માયાની નજર ચારે કોર ફરી. એ ત્રણેય ચહેરા એ ઓળખતી હતી. સવાલ હજાર હતા. મનનને જોઈને એણે અનેરી સાંત્વના અનુભવી. એ કંઈ બોલે એ પહેલા જ મનન બોલી ઊઠયો. “માયા, મને માફ કરી દે, હું તારો ગુનેગાર છું, હવે હું તને છોડીને ક્યાંય નહિ જાઉં. તારા પર શક કરવા બદલ હું મારી જાતને..” કહેતા એ અનરાધાર રડી પડ્યો.
બધુ જાણતી માયા બોલી, “જે થયું સારું થયુ.”
રાધા ચુપચાપ માયા સામે પશ્ચાતાપથી ગ્લાનિ અનુભવતી જોતી રહી.. એ વધુ કંઈ કહી ન શકી, પણ હવે એ સમજી ગઈ હતી કે મનન કેમ માયા નો જ રહ્યો. માયાનો હાથ લઈ એણે અકલ્ય ભાવથી ધીરેથી દબાવ્યો અને મનનના હાથમાં આપી ત્વરાથી ત્યાંથી રવાના થઈ ગઈ.. અક્ષય એની પાછળ ગુસ્સામાં ગયો પણ કોરીડોરમાં ધ્રૂસકે ધ્રૂસકે રડતી રાધાને જોઈ એના પગ ત્યાં જ થંભી ગયા..
લેખકો :
૧. જીજ્ઞેશ અધ્યારૂ
૨. સંજય ગુંદલાવકર
૩. કેતન દેસાઈ
૪. મીરા જોષી
૫. પૂર્વી બાબરિયા
૬. દિવ્યેશ સોડવડીયા
૭. શીતલ ગઢવી
૮. પરીક્ષિત જોશી
૯. રાજુલ ભાનુશાલી
૧૦. રવી વીરપરિયા
૧૧. મીતલ પટેલ
૧૨. હાર્દિક પંડયા
૧૩. શૈલેષ પંડ્યા
૧૪. જાગૃતિ પારડીવાલા
૧૫. નિમિષ વોરા
૧૬. ધર્મેશ ગાંધી
૧૭. સરલા સુતારિયા
૧૮. મીનાક્ષી વખારિયા
૧૯. કુસુમ પટેલ
૨૦. રક્ષા બારૈયા
૨૧. વિરલ દેસાઈ
૨૨. કેતન દેસાઈ
સંકલન : મીતલ પટેલ
એક ગ્રૂપ, સર્જન.. ૨૨ સર્જકો અને એક પછી એક આગળ ધપતી વાર્તા સાથે લખાયેલ બધાના ભાગ સાથેની આ સહિયારી વાર્તા ગ્રૂપમાં સર્જનનો ત્રીજો પ્રયત્ન હતો. પહેલા પ્રયત્નની ભવ્ય નિષ્ફળતા બાદ બીજો પ્રયત્ન સફળ રહ્યો હતો, અને પછી આ ત્રીજો પ્રયત્ન પણ મજેદાર રહ્યો.. આજે પ્રસ્તુત છે મિત્તલ પટેલ સંકલિત અમારી એ જ સહિયારી વાર્તા જેનું નામ તો જાણીતું જ છે.. ‘જક્ષણી’
Very nice…….
આ રીતે વાર્તાઓનું સહીયારૂ સર્જન પણ થઈ શકે. તે આ વાર્તા લખતીવેળા અનુભવ્યુ. બધી કલમોને અને સંકલિત કરનારને ખુબ ખુબ અભિનંદન…
Commendable effort by the editor o synthesize and maintain the flow of the story.
સહિયારી વાર્તાનો મજાનો અનુભવ… દરેક મિત્રોએ ખુબ જ સરસ લખ્યું જેના ફલસ્વરૂપ આ સહિયારું સર્જન શક્ય બન્યું. સર્જન ટીમને અભિનંદન. પ્રથમ વખત સંકલન કર્યું હતું. સર્વને ગમ્યું અને બિરદાવ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ
…
અભિનંદન સૌ સર્જકોને..
Abhinandan mitro ne
Maja aavi sahiyari varta lakhvani
Wonderful editing Meetal..
Nicely scripted by all participants/writers !
બહુ જ સુંદર રચના છે વાંચવાની મજા આવી ગઇ.
દરેક સર્જકને અભિનંદન.
વાહ વાહ ખૂબ સરસ ….વાંચવાની મજા આવી …
દરેક લેખક / લેખિકા ઓને અભિનંદન
વાહ વાહ .. જમાવટ… ૨+૨ ને ખુબ ખુબ અભિનંદન
Very well written
Nice narration
End is superb
ખુબજ અભિનંદન…મિત્તલ સુંદર સંકલન