ચહેરો – ઈલા આરબ મહેતા 6


(‘રખે વિસરાય ગુજરાતી સાહિત્યની આ સદાબહાર વાર્તાઓ’ માંથી સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો વાર્તાને અંતે મૂકી છે.)

સુનયનાએ નજર ફેરવી જોયું. સફેદ કપડામાં ડોકાતા ભાવવિહીન ચહેરાઓ બબ્બે ત્રણ ત્રણના નાનાં નાનાં ટોળામાં ગોઠવાઈને બેઠા હતા. અંદરો અંદર વાત કરતાં નજર ઊંચી કરી સુનયના અને તેની બા તરફ જોઈ લેતાં, ધીમે અવાજે ગુસપુસ કરતા, ક્યારેક હસી લેતાં ચહેરાઓ, સફાઈદાર વસ્ત્રોમાં મદરનાં આસું સારતા ચહેરાઓ.

સુનયનાએ ઘુંટણ વચ્ચે માથું ઢાળી દીધું. માથામાં ઝમઝમ થતું હતું. બધું ખાલીખમ લાગતું હતું. પ્રયત્ન છતાં રડવું નહોતું આવતું, આંખો બળતી હતી. એ જાણે થાકી ગઈ હતી. ભીંતને એઠેલી એ ફરી સ્વસ્થ થઈ.

‘તો ય સુનયના અમારી ઘણી ડાહી! તેના પપ્પાની કેળવણીમાં કાંઈ કહેવું ન પડે. બાકી આજકાલની છોકરીઓ…’ એ વાક્ય અધૂરું રહ્યું, સુનયનાએ આંખો ફેરવી બોલનાત તરફ જોયું. કાકી કોઈ વૃદ્ધ ચહેરાને કહેતાં હતાં.

‘પપ્પા’ શબ્દ છાતીમાં ભોંકાયો. આંખમાં એકદમ પાણી છલકાઈ આવ્યાં. પપ્પા નથી, નથી,…..હવે એ ક્ષિતિજની સામી પાર જઈ ઊભા રહ્યા. હાથ લંબાવી દોડો… દોડો…. ક્યાંય વિસામો નથી, અંત નથી.

‘સુનુ, જો બધાં ઊઠે છે, બધાંને હાથ જોડી વિદાય આપ.’ કાકીએ જાણે ઢંઢોળીને એને ભાનમાં આણી. એ ચમકી, સ્વસ્થ થઈ, સાડી સરખી કરી, બધાંને વિદાય આપવા લાગી.

પપ્પાના ઉઠમણામાં આવેલ શ્વેત વસ્ત્રધારીઓનું ઝૂંડ ધીરે ધીરે વીખરાવા લાગ્યું. બા હજુ સ્તબ્ધ બેઠી હતી. એની લાલ આંખોમાં પ્રતિબિંબ આવતાં ને એકદમ જતાંકોઈને હાથ જોડતી, કોઈને હોઠ ફફડાવી વિદાય આપતી, જનારું કોઈ ઝૂકતું ને ખભે હાથ મૂકી બાને હિંમતના બે શબ્દો કહેતું. કોઈ કોઈ બેસમજ ગુમસુમ ઊભા રહેતા. બારણાની બહાર નીકળતાં લેવાતો છૂટકારાનો દમ સુનયનાના કાનમાં ફૂંકાતો હતો.

ઊઠીને એ બાલ્કનીમાં આવી ઊભી રહી. સાંજના છ વાગ્યા હતા. બીજા કોઈ દિવસ કરતાં આજની સાંજ જુદી ન હતી. દુનિયા દોડતી હતી, શાળા, ઑફિસ, બસ, ટેક્સી,લગ્ન, ઊઠમણું, સ્મશાન-ચિતા,અને તોય દુનિયા ખાલી ખાલી લાગતી હતી. પપ્પા નથી, પપ્પા બે દિવસ પર મરી ગયા? રોજ રોજ વપરાતો શબ્દ આજે જ્યારે પંડના માટે વપરાય ત્યારે કેવો કાલિય નાગની સાત ફણા જેવો ડોલતો લાગે?!

ખૂણામાં એક આરામખુરશી પડેલી હતી. પપ્પાની પ્રિય! પપ્પા ત્યાં જ ચોપડી વાંચતાં વાંચતાં ઢળી પડ્યાં હતા. ‘પપ્પા’, ‘પપ્પા’…સુનયના મોટે સાદે રડી પડી. આરામ ખુરશીના હાથા પર માથું ટેકવી એ ધ્રુસકાં ભરવા લાગી.

‘શૂં થયું? શું થયું?’ કરતાં કાકી ને એની સખી માલતી દોડી આવ્યાં. કાકા પુરુષૉને વિદાય આપતા હતા તે પણ દોડી આવ્યાં.

કાકીએ એનું માથું ખોળામાં લીધું. માલતી એને માટે પાણી લઈ આવી. એ ક્યાંય સુધી હિબકાં ભરી રડતી રહી.

‘સુનુ, આમ રડવાનું હોય બેટા! તારે તો તારી બાને હિંમત આપવી જોઈએ.’ કાકા ઘોઘરા સાદે બોલ્યા.

કાકાના અવાજમાં કશીક ખરખરાટી હતી. રુદનની ભીનાશ ને સ્વસ્થતાની રૂક્ષતા કોઈ અજબ રીતે સંકળાયેલાં હતાં. સુનયના એકદમ બેથી થઈ ગઈ અને એકીશ્વાસે પાણી પી જઈ એણે આંખો લૂછી નાંખી.

પછી કાકીએ તેને ખૂબ સમજાવી. મક્કમતા, શાંતિ, ધીરજ, કાળ ભગવાનની ઈચ્છા વગેરે શબ્દ એની પાસે પથરાઈ ગયા. પીળા પાન જેવા શબ્દો. દુઃખી હદયને દિલાસો આપવાને અશક્ત બિચારા!

હાસ્તો, મને સમજાવો. તમારું શું ખોયું છે તમે?તમારું સુખતો પેટીમાં અકબંઢ સચવાઈને પડ્યું છે. અમારું મા દિકરીનું શું ખોવાયું છે એ તમે ક્યાંથી જાણો?

ત્યાર પછી રાત પડી. કાકીએ રોટલી શાક બનાવ્યાં. બધાં એ ચૂપચાપ ખાઈ લીધું. બા કોળીયો ધક્કા મારી ગળે ઉતારતી હતી. સુનયના થાળી તરફ જોઈ રહી. ઘડીયાળ મેલવી લો એટલી નિયમિતતા. વિચિત્ર છીએ અમે બધાં! એક માણસ -અમારો પોતાનો માણસ – બે દિવસ પર તો અમારી વચ્ચે હતો – એટલી વારમાં તો શું થઈ ગયું – ને તોય જાણે કંઈ ન બન્યું હોય એમ ખાવા બેઠાં છીએ! ચિતાની આગ બુઝાઈ ગઈ ને પેટની આગ હજુ જલે છે!

જોત જોતામાં ચર દિવસ વીતી ગયા ને ઘરની ગાડી ગાડી પાટે ચડી. કાકી બા જોડે નાત જાતની વાતો કરવા લાગ્યાં. કાકાએ બા સાથે મળી હિસાબ -કિતાબ સમજવા માંડ્યો. હજુ થોડા થોડા લોકો મળવા આવ્યા કરતા. હવે આવનાર શ્વેત વસ્ત્રધારીઓને કોઈ કોઈ નામનું લેબલ લગાડી શકાતું.

બા બધાં જોડે બેસતી, વાતો કરતી, સુનયના ક્ષુબ્ધ હદયે વિચારતી, ‘બા, તું આવી કેમ થઈ ગઈ છે? પપ્પાના મૃત્યુ આગળથી આખી યે દુનિયા હળવેથી પસાર થઈ જાય તો ય ઓ બા તારે તો થંભવું જોઈએ. તું પણ નોર્મલ લાઈફમાં ઝટપટ નોર્મલ થઈ થઈ?’

સુનયના આ બધા દિવસો કોઈ વિચિત્ર બેભાનીમાં ગાળતી હતી. ક્યારેક એને લાગતું કે આ બધું બીજાના જીવનમાં બની ગયું છે ને હું તો માત્ર તટસ્થ છું. ક્યારેક એ રાતના બેઠી થઈ જતી. આંખો ફાડી એ ચારે તરફ જોવા લાગતી. ‘ખરેખર મારા પપ્પા નથી? નથી…’

ના, એ નથી… તો ય આ આખી ય જીંદગી આમ સરળ ગતિએ વહી જશે. બાજુના ઓરડામાં સૂતેલી બાનાં નસકોરાં સંભળાય છે. આ શાંતિથી ઊંઘે છે. પપ્પાના મૃત્યુને વિસરીને.

પછી કાકા-કાકી પોતાને ઘરે પાછાં ગયાં. ઘરમાં મા-દીકરીએકલાં પડયાં. ચાર દીવાલો વચ્ચે ચાર પગ ચાલ્યા કરતા. રસોડું, દીવાનખાનું, બાલ્કની, બાપુનો રૂમ બરાબર સાફ કરી એના ફોટા તરફ પળ બે પળ જોઈ સુનયના ધીરેથી બહાર નીકળી જતી. એણે નોંધ્યું કે બા ભાગ્યે જ એ કમરામાં જતી.

મહિનો માસ પછી કાકા-કાકી રાતના એક વખત મળવા આવ્યાં. એમની સાથે કોઈ અજાણ્યો માણસ હતો. મોટી મોટી ફાઈલો ઊથલાવી એ બાને ક્ંઈ સમજાવતો હતો. કાકાએ બૂમ મારી, ‘સુનુ અહીં આવ.’

ત્યાં બાએ કહ્યું, ‘રહેવા દો ને શા માટે….?’

બાએ ના ન પાડી હોય તો ય સુનયના ત્યાં બેસવાની નહોતી. બહાર બાલ્કનીમાં પડેલી આરામખુરસીને એ જાણે પૂછી રહી, ‘સાંભળો છો ને પપ્પા! હિસાબકિતાબના ચોપડા ખોલી અમે તમારી સ્મૃતિનો ચોપડો બંધ કરી દીધો છે!’

મોડી રાતે એ લોકો વિદાય થયા.

બે-ત્રણ દિવસ પછી અજાણ્યા માણસો કોઈ કોઈઅ વાર દેખાવા લાગ્યા. બા પપ્પાનો ઓરડો સૌને બતાવતી. મહિને રૂ. ૨૦૦નું ભાડું પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાનું વગેરે…

બાની કાળી આંખોમાં ગત સ્વજનનાં સઘલાં સ્મૃતિચિન્હો ડૂબી જતાં દેખાયાં. પપ્પાની ખુરસી, ટેબલ-પુસ્તકો બધું ફગાવી દઈએ એટલે નિરાંત!

‘ના,ના….પપ્પાનો ઓરડો હું ભાડે નહીમ આપવા દઉં. હું નોકરી કરીશ, ભીખ માગીશ, પણ….’ સુનયના આગળ બોલી ન શકી. બાએ એની પીઠ પસવારી છાની રાખી તો ય પેલા ઘર જોવા આવનારાઓની સંખ્યા ઘટી નહિ.

પપ્પા પ્રો. ફંડની રકમ, વીમો, રહેવાને ઘર, શું મા-દીકરીને એટલું પૂરતું ન હતું? લોભ, લોભ… બા હવે એ બધી પતિવિહોણી સ્ત્રીઓના જેવી લોભી બરછટ થઈ ગઈ છે.

‘સુનુ, સ્વસ્થ થા, બેટા! આમ અકળાઈ જઈશ તો કેમ ચાલશે?’ બાના શબ્દો ધીમા હતા. જાણે સુનયનાને નહીં એ કદાચ પોતાને જ કહેતી હતી.

પણ તે પછીની રાત્રે અચાનક મામા આવી પહોંચ્યા. પપ્પાના અવસાન પછી બે-ત્રણ દિવસ આવી એ પાછા દોલ્હી ચાલ્યા ગયા હતા. એમને અચાનક આવેલા જોઈ સુનયના આશ્ચર્ય પામી. પણ બાની વર્તણૂક સ્વાભાવિક જ રહી. બાએ તો મામાને નહીં બોલાવ્યા હોય ને!

ખાઈ-પી દીવાનખાનામાં જેવા સૌ બેઠા કે મામાએ વાત ઉપાડી. ‘તું ને સુનયના દિલ્હી ચાલો મારી જોડે. આ ઘર ભાડે આપી દઈએ.’

બા સુનયના તરફ જોઈ રહી. સુનયનાની ભમરો સંકોચાઈ. છાતી ધબધબ થવા લાગી. મામાનો ભાવવિહિન ચહેરો એ ક્રોધથી જોઈ રહી. ‘સુનયના,’ બા વધારે બોલી શકી નહીં.

‘સુનયના હજુ બાળક છે,આવી બાબતમાં એ શું સમજે? રાસ્કલ જીવતો હોત તો એની ડોક મરડી નાંખત.’ મામા પપ્પા માતે કહેતા હતા. ‘ભાઈ,’…. બાએ એને વારવાની કોશિશ કરી.

‘નીચ! હલકટ!’ ઘડી પહેલાં પથ્થર જેવા લાગતા મામા હવે ભયંકર આવેશથી ધ્રુજતા હતા.

‘ભાઈ, હવે એ તો બિચારા મરી ગયા. તારો ક્રોઘવે એને પહોંચી શકે એમ નથી.’ બા સરલ રીતે હસી પડી.

બાનું હાસ્ય સુનયનાનાં અંગો જોડે પથ્થર જેવું અફડાયું.

‘બા!’ એ ચીસ પાડી ઊઠી.

‘જો સાંભળ સુનયના…’ મામા કાંઈ કહેવા જતા હતા, બાએ હાથ ઊંચો કરી એને થંભાવ્યા.

દરવાજે કોલબેલ વાગી. સુનયનાએ દરવાજો ખોલ્યો. વીસ બાવીસ વર્ષનો એક યુવક ત્યાં ઊભો હતો.

એ બે ડગલા પાછળ હઠી ગઈ. આ યુવકને ક્યાંક જોયો છે? ક્યાં? કયાં? આ મોઢું, આ આંખો હું પારખી શકું છું. કોણ છે…કોણ છે…

સુનયનાની બાજુમાંઠી સરી તે યુવક અંદર આવ્યો.

‘યશોમતી કોણ છે? તમે કે?’

મા-દીકરીની આંખો અફળાઈ. કદાચ સુનયના જેવું જ બાને લાગ્યું.

મામા બાંયો ચડાવી આગળ આવ્યા. ‘કોણ છે તું, કોનું કામ છે?’

‘યશોમતી જાણે છે કે હું કોણ છું મને એટલી ખબર પડી છે કે તમે મા-દીકરી આ ઘર બાબત કંઈ વેચાણ કરવા માંગો છો તો યાદ રાખજો કે મારા પપ્પાના સ્વહ્સ્તે લખેલું વિલ મારી પાસે છે, એમની તમામ જમીન-જાગીરનો હું માલીક છું. એમના પ્રો.ફંડ કે વીમાની રકમ પણ મારી બાની તરફેણમાં છે.’

ખોંખારો ખાઈ તે યુવકે ચારે બાજુ જોયું. પોતાના શબ્દોમો પ્રભાવ માપવા.

મામા એટલા ગુસ્સામાં હતા કે એમના ગળામામ્થી અવાજ જ નહોતો નીકળી શકતો.

આવનાર યુવક પપ્પાનો દીકરો હતો. મારા પપ્પાનો. મારી બા ઉપરાંત એક બીજી સ્ત્રી એમના જીવનમાં હતી, ને જેને એ પોતાનું સઘળું આપી ગયા હતા – અમને મા-દીકરીને રસ્તા ઉપર ભીખ માગતાં છોડીને.

સુનયનાનો અવાજ ઘણો સ્વસ્થ હતો. ‘મિસ્ટર, તમે કોન છો તે અમે જાણતાં નથી પણ રાતે કોઈ સ્ત્રીઓના ઘરમાં જઈ એને ખરાબ પરિણામની ધમકી આપવી એ ગુનો છે એ વાત તમે જાણો છો?’

‘બહેન..’ પેલા યુવકે બોલવાનો પ્રયત્ન કર્યો.

‘બહેન’ શબ્દ કેવો હાસ્યાસ્પદ લાગતો હતો!

મામાએ યુવકનો હાથ પકડી દરવાજા તરફ ધકેલ્યો….’ગેટ આઉટ.’

‘રહેવા દો મામા, એ અહીયા દિવસ-રાત ઊભો રહેશે તો પણ અમને એની બીક લાગવાની નથી….ને મિસ્ટર, તમને ખબર તો હશે કે તમારા પપ્પાએ તમને લખાણ કરી આપ્યું હોય તો પણ તમે ગેરકાયદે બાળક છો’ એ ઉન્મત્તની જેમ હસી પડી.

‘આ ઘર તમારા પપ્પાનું નથી સમજ્યા? અમારા દાદનું છે. એને ભેટ આપવાનો અધિકાર તમારા બાપને નથી સમજ્યા?’

‘સુનુ, બસ બેટા.’ બા એ કહ્યું.

પછી તે યુઅવક ચાલ્યો ગયો. એ ખુરશી પર બેસી રડવા લાગી. એની પીઠ પસવારી બા કહેતી હતીઃ ‘હું જાણતી હતી બહેન, એટલે જ મારે બધું છોડી દિલ્હી ચાલ્યા જવું હતું. તારા પપ્પાની છબી તારા દિલમાં કાયમ રાખવી હતી ત્યારે.’

મામા આંખોનો ખૂણો લૂછતાં બોલ્યા, ‘ બહુ સહન કર્યું તે બહેન, વર્ષો સુધી….ને તો ય એ અધમે અંતે આ બદલો આપ્યો!’

સુનયના ધીરે ધીરે સ્વસ્થ થઈ. મામા તરફ જોઈ એ સૂકા અવાજે બોલી.

‘આ ઘર ભાડે આપી દઈને અમે દિલ્હી આવીએ મામા?’

બાની ચમકી ઊઠેલી આંખમાં એ પોતાનો ચહેરો જોઈ રહી, લાગણીવિહીન, ભાવવિહીન…!

– ઈલા આરબ મહેતા

સ્વ. ગુણવંતરાય આચાર્યની દીકરી ઈલા આરબ મહેતાએ પિતાજીનો સાહિત્યનો વારસો જાળવી રાખ્યો, બલકે વધાર્યો. ખાસ કરીને નવલકથા અને વાર્તાસાહિત્યમાં તેમનું મુખ્ય પ્રદાન રહ્યું છે. વ્યવસાયે અધ્યાપિકા હતાં એટલે એમની અભ્યાસવૃત્તિનો લાભ એમની વાર્તાઓને મળ્યો છે. તેમની અમુક જ વાર્તાઓ સંપાદન-સંગ્રહોમાં જોવા મળે છે. એ સિવાય પણ તેમની ઘણી વાર્તાઓ સુંદર કલાના નમૂના જેવી છે. તેમની ‘ચહેરો’ વાર્તા આપણા સાહિત્યની એક સદાબહાર, તરોતાઝા વાર્તા છે. ‘રખે વિસરાય ગુજરાતી સાહિત્યની આ સદાબહાર વાર્તાઓ’ પુસ્તકમાંથી આ વાર્તા સાભાર લીધી છે. ડૉ. અસ્મા માંકડ દ્વારા સંપાદિત આ સંગ્રહમાં ૪૩ આવી જ સુંદર સદાબહાર વાર્તાઓ છે.

પુસ્તકપ્રાપ્તિની વિગતો
[કુલ પાન : ૩૭૨. કિંમત રૂ. ૨૦૦. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-૦૧. ફોન : +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩. ઈ-મેઈલ : goorjar@yahoo.com]


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ચહેરો – ઈલા આરબ મહેતા