કવરેજ ક્ષેત્રની બહાર – જિતેન્દ્ર પટેલ 3


(‘આનંદ ઉપવન’ વાર્તા વિશેષાંક – ૨, જુલાઈ ૨૦૧૬માંથી સાભાર)

પહેલા તો રજનીએ એન્ડ્રોઈડ ફોન જ પસંદ કર્યો હતો. પછી એણે વિચાર્યું કે આ ફોનની ફાવટ આવતાં પપ્પાનેય દિવસો નીકળી ગયા હતા ત્યારે દાદાની તો જિંદગી જ પસાર થઈ જાય. એતલે એણે એકદમ સાદા મોબાઈલની પસંદગી કરી. પાંચસો રૂપિયાનું બેલેન્સ ભરાવ્યું. સગાંવહાલાના નંબર તેમાં સેવ કરી દીધા. મોબાઈલ કેવીરીતે ઓપરેટ કરવો એના વિશે એક કાગળમાં થોડું લખી પણ આપ્યું.

ગામડેથી રજનીના પપ્પાના મિત્ર જીવણલાલ આવ્યા હતા. તેમની સાથે આ મોબાઈલ દાદાને મોકલવાનો હતો એટલે ખરીદીમાં થોડી ઉતાવળ કરી હતી. સાંજે જીવણકાકાને ફોન આપતાં રજનીએ કહ્યું; ‘લ્યો, આ મોબાઈલ દાદાને આપજો. એમને કહેજો કે રજનીને હવે પત્ર ન લખે, ફોન કરે. જો એ અમને પત્ર લખશે તો એને અમે વાંચશું નહિ અને વળતો પત્ર પણ લખીશું નહિ. ફોન કેવીરીતે કરવો એ એમને સમજાઈ જાય એવી ભાષામાં કાગળમાં લખી આપ્યું છે. છતાં કોઈ તકલીફ પડે તો ત્યાં મારો મિત્ર વિમલ છે એને જણાવજો. મેં એને ફોન કરી દીઢો છે. અને હા, દાદાને કહેજો કે આ મોબાઈલમાંથી સૌથી પહેલો ફોન મને કરે.’

જીવનકાકાએ કૂતુહલવશ મોબાઈલ હાથમાં પકડ્યો. એમના માટે પણ આ રમકડું નવું હતું. ગામમાં હજુ ગણ્યા-ગાંઠ્યા લોકો પાસે જ મોબાઈલ ફોન આવ્યો હતો. ગામડામાં સૌથી મોટો પ્રશ્ન કવરેજ ક્ષેત્રનો હતો. ફોન બગડતો તો બાજુના શહેરમાં રિપેર કરાવવા જવું પડ્તું. રિચાર્જની પણ કોઈ સગવડ નહોતી.

આ અગવડ ન નડતી હોત તો રજનીના પાપાએ દાદાને ક્યારનો મોબાઈલ લાવી દીધો હોત. દાદાના પત્રનો જવાબ પત્રથી આપવામાં એમને કંટાળો આવતો હતો. ઓફિસમાં બધે કોમ્પ્યુટરાઈઝેશન થઈ ગયું હોવાથી કાગળ પર લખવાની આદત બિલકુલ છૂટી ગઈ હતી.

રજનીએ ધાર્યું હતું કે દાદાના હાથમાં મોબાઈલ આવશે એવી એમની રિંગ આવશે. દાદા માટે ધાર્મિક પુસ્તકો, કપડાં કે મિઠાઈ મોકલાવતો ત્યારે રાજીપો વ્યક્ત કરતો એમનો પત્ર તરત આવી જતો. એટલે તો રજની દાદાના ફોનની રાહમાં મોબાઈલને પોતાની સાથે લઈને સૂતો હતો. પરંતુ ત્રણ ત્રણ દિવસ વીતી જવા છતાં દાદાનો ફોન ન આવ્યો ત્યારે પિતા-પુત્ર બન્ને વિચાર્તા થઈ ગયા.

‘તું રૂબરૂ જ દાદાને ફોન આપી આવીને એમને બધું શીખવતો આવ્યો હોત તો?’ પિતાએ પુત્રને કહ્યું.

‘એ તો મેં વિમલને ભલામણ કરી દીધી જ છે.’

‘તો પછી દાદાનો ફોન કેમ ન આવ્યો? વિમલને પૂછપરછ કરી જોઈ?’

રજનીએ તરત વિમલને ફોન જોડ્યો.

‘વિમલનો ફોન કવરેજ ક્ષેત્ર બહાર આવે છે.’

‘આમ તો તું દરરોજ એને ફોન કરે છે.’ રજનીના પપ્પા બબડ્યા.

‘ખેતરે ટાવર પકડાતા નથી.’ રજનીનો જવાબ તૈયાર હતો.

‘ગામડાની આજ તકલીફ છે.’

પોસ્ટમેન નિયમિત આવતો તો દાદાનો પત્ર દર ગુરૂવારે અચૂક મળી જતો. પરંતુ આ વખતે તો એ ક્રમ પણ તૂટ્યો હતો.

દાદા ગામડે એકલા રહેતા હતા. રજનીના પપ્પાએ એમને પોતાને ત્યાં રહેવા આવી જવા માટે બહુ સમજાવ્યા હતા. પરંતુ દાદાનો એક જ જવાબ હતો. ‘મને શહેરની હવા માફક આવતી નથી. અહીં મારે જાતે રાંધવું પડશે એટલું જ ને એની મને કોઈ તકલીફ નથી.’

બે-ચાર મહિને દાદા રજનીને ત્યાં થોડા દિવસ રોકાઈ જતા, પરંતુ કાયમ માટે ત્યાં રહેવા એ તૈયાર થતા નહિ.

દાદાએ માત્ર છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. એ જમાનામાં અટલું ભણેલાં લોકો પણ બહુ ઓછા હતા એટલે એમને શિક્ષકની અને તલાટીની નોકરી સામે ચાલીને ઓફર થયેલી. દાદાને શિક્ષણકાર્યમાં વધારે રસ હતો એટલે એમણે શિક્ષક બનવાનું પસંદ કરેલું. ચાલીસ વર્ષ તેમણે શિક્ષકની નોકરી કરી હતી.

ગામની બબ્બે પેઢીઓ તમની પાસે ભણી ગઈ હતી. ગામમાં બધા તેમને ‘માસ્તર’ કહીને બોલાવતા.

વર્ષો સુધી બ્લેક બોર્ડ પર લખ્યું હોવાથી લેખન એ દાદાની આદત બની ગઈ હતી. પાછા પોતે એકલા રહેતા હતા. સમ્ય પસાર કરવા સગા-વહાલાને પત્રો લખ્યા કરતા.

રજનીને ત્યાં અઠવાડિયામાં દાદાનો એક પત્ર આવે, આવે ને આવે જ. એમાં કાંઈ ચૂક થતી તો એ પોસ્ટ ખાતાની થતી દાદાની નહિ. રજનીને એ લોકો રહેતા હતા એ એપાર્ટમેન્ટમાં બાવન ફ્લેટ હતા. પાર્કિંગમાં તેમનું કોઅમન લેટર બોક્સ હતું તેમાં પોસ્ટમેન એક માત્ર દાદાનું પોસ્ટકાર્ડ નાખી જતો. ક્યારેક વળી કોઈનું જ્ઞાતિનું મુખપત્ર આવતું. ફ્લેટ્સના મોટાભાગના લોકો પોસ્ટ બોક્સમાં જોવાની દરકાર પણ કરતા નહિ. ભૂલથી કોઈ તેમાં નજર કરતું તો દાદાનો પત્ર જોપી તેમને આશ્વર્ય થતું. કેટલાક તો રજનીના પપ્પાને પ્રશ્ન કરતાંય ખરાઃ ‘મોબાઈલના આ યુગમાં તમારે ત્યાં પત્ર આવે છે?’

દાદાને મોબાઈલ ઓપરેટ કરતા આવડતો નથી.’ રજનીના પપ્પા બચાવ કરતા.

‘એ તો શીખવી દેવાય.’

આગળ દલીલ થઈ શકતી નહિ.

આવું તો ઘણીવાર બનતું. એક દિવસ પોસ્ટમેને પણ ટકોર કરી કે તમારા એકના કાગળ માટે મારે અહીં સુધી ધક્કો ખાવો પડે છે. બાકી કોઈની ટપાલ આવતી નથી.

દાદાનો પત્ર આવે એટલેથી વાત પૂરી થતી નહિ. તેમના દરેક પત્રનો જવાબ પત્રથી આપવો પડતો. જોકે આ કામ રજનીના પપ્પા કરતા. હા, પત્રને પોસ્ટ કરતા ટપાલપેટી સુધી રજનીએ જવું પડતું.

ટપાલ નિયમિત આવતી નહોતી. ઘણીવાર દાદાના બે પત્રો એક સાથે મળતા હતા. આ અંગે પોસ્ટમેનને કાંઈ કહેતા તો એ ઉશકેરાઈ જતો. ‘તમારી ટપાલ સાચવી રાખવામાં અમને શું ફાયદો? ઉપરથી જ મોડી પડી હોય તો અમે શું કરીયે?’

આવું સાંંભળીને રજનીના પપ્પાના ગળા સુધી આ શબ્દો આવી જતા કે; ‘ભલા આદમી, છેલ્લા પંદર દિવસથી તું અહીં દેખાયો જ નથી.’ પરંંતુ આવુંં કહીનેય વ્યર્થ ઝઘડો કરવો ને! પોસ્ટમેન આ જ શબ્દો સાંભળવા મળી શકેઃ ‘કોઈની ટપાલ ન હોય તોયે અહીં ઠાલો ધક્કો ખાવાનો?’

દાદાના પત્રની વધારે સમય રાહ જોયા વગર રજનીના પપ્પાએ તેમને ટૂંકો પત્ર લખ્યોઃ ‘મોબાઈલ આવ્યો એટલે પત્ર નહિ લખ્યો હોય એમ હું માનું છું. તો પછી તમારો ફોન કેમ નથી? કાંઈ તકલીફ હોય તો રજનીના મિત્ર વિમલને મળજો. આ પત્ર મળે કે તરત ફોન કરજો.’

રજની જિદ્દે ચડ્યો હતો કે દાદા ફોન કેમ ન કરે? એટલે તેણે પપ્પાએ આપેલો પત્ર દાદાને પોસ્ટ કરવાને બદલે છાનો માનો ફાડી નાંખ્યો.

પપ્પાએ રજનીને તાકીદ કરી દીધી કે ‘તું દાદાને સતત ફોન કરતો રહે. ક્યારેક તો એમને લાગશે ને!’

‘એમને ફોન મોકલાવ્યો ત્યારથી દરરોજ ટ્રાય કરૂં છું. એક જ કેસેટ સાંભળવા મળે છે. દાદાએ પેટી-બેટીમાં ફોનને મૂકી દીધો લાગે છે. લ્યો, તમે ટ્રાય કરી જુઓ.’

પપ્પાએ દાદાને ફોન ન કરતાં ગામડે રહેતા પોતાના એક મિત્રને ફોન કર્યો. પરંતુ સામેથી ‘ફોન સ્વીચ ઑફ છે.’ એવું સાંભળવા મળ્યું. રજનીના પપ્પાના મોંમાંથી નિત્ય વાક્ય સરી પડ્યું. ‘ગામડાની આ જ તકલીફ.’ રજનનીના પપ્પાને ગામડે જવાનું થતું ત્યારે એ પણ કંટાળી જતા. ક્યારેક ટાવર પકડાય, ક્યારેક ન પકડાય. આ અનુભવ પરથી એમણે વિચાર્યું કે દાદા થોડા સતત ટ્રાય કરવાના? એક બે વાર ટ્રાય કરી હશે. પછી રજનીએ કહ્યું એમ જ પેટીમાં મૂકી દીઢો હશે. તો પછી એમનો પત્ર કેમ નહિ? ફરી ફરીને રજનીના પપ્પા આ પ્રશ્ન પર આવી જતા હતા.

બીજું અઠવાડીયું પસાર થયું તોયે દાદાના કશા સમચાર ન મળ્યા એટલે રજનીના પપ્પા ચિંતામાં મુકાઈ ગયા. ગામના બે છોકરા અહીંની આર્ટ્સ કોલેજમાં ભણવા આવતા હતા તેમની પાસે દાદાના ખબર -અંતર પૂછવા પહોંચી ગયા. છોકરા કહેઃ ‘દાદાને તો અમે કાલે જ મંદિરે જોયા હતા.’ આટલું સાંભળીને રજનીના પપ્પાએ ઘણી રાહત અનૂભવી તેમ છતાં ‘તો પછી દાદા ફોન કેમ નથી કરતા?’ એ પ્રશ્ન તો તો અમને મૂંઝવતો જ રહ્યો.

ઘરે આવીને રજનીના પપ્પાએ દાદાને પત્ર લખ્યો. બીજે દિવસે બીજો પત્ર લખ્યો. રજની ખિજાઈ ગયોઃ ‘તમે આવી રીતે પત્રો લખ્યા કરશો ત્યાં સુધી દાદા ફોનનો સ્વીકાર કરવાના જ નથી. એક વાર નક્કી કરી નાંખો કે દાદા ફોન ન કરે તો આપણે પત્ર ન લખવો.’ આ જ ગુસ્સામાં રજનીએ પપ્પાએ લખેલા બન્ને પત્રો પોસ્ટ કર્યા નહિ.

પોસ્ટમેનનો આવવાનો સમય થતો ત્યારે રજનીના પપ્પા નીચે આવી જતા. પરંતુ એમનો ફેરો ફોગટ જતો. પોસ્ટમેનનાં દર્શન થતાં જ નહિ. આટલાં બધાં મકાનમાં કોઈની ટપાલ ન હોય એવું તો કેમ બને? આ પ્રશ્નને લઈને એમણે પોસ્ટઓફિસમાં અરજી કરવાનો નિર્ણય કર્યો. પરંતુ ફ્લેટમાંથી તેમને કોઈનો સહકાર મળ્યો નહિ. અંદરખાને બધાનો આ જ અભિપ્રાય હતો કે અમારે ત્યાં કોઈની ટપાલ આવતી નથી અછી શું લેવાને માથાકૂટમાં પડવું?’

રાત્રે રજનીને એના પપ્પાએ પૂછ્યુંઃ ‘ખરેખર તારા મિત્ર વિમલનો ફોન કવરેજ ક્ષેત્રની બહાર આવે છે?’

‘આવું તમે કેમ પૂછો છો?’

‘આટલા દિવસમાં તેને ફોન ન લાગે એ મારા માનવામાં નથી આવતું.’

‘તો તમે જાતે એને ફોન લગાવી જુઓ.’ રજની છંછેડાઈ ગયો. ‘ગામમાં બીજા કોઈને ફોન કરી જુઓ.’

ત્યારે રજનીના પપ્પા કાંઈ બોલ્યા નહિ, પરંતુ થોડીવાર પછી તેમણે પોતાનો નિર્ણય જણાવી દીધોઃ ‘કાલે હું ગામડે જાઉં છું.’

‘કેમ?’ રજની ચર્ચા આગળ વધારવા માગતો નહોતો તોયે એનાથી પૂછાઈ ગયું.

‘દાદાનો કોઈ પત્ર નથી આપણે આટલા પત્રો લખ્યા એનો જવાબ ન મળે એવું બને નહિ.’

‘ટપાલ ક્યાં નિયમિત આવે છે?’

‘આટલી અનિયમિત ટપાલ નથી ગમે તે હોય, મારે કાલે ત્યાં જવું પડશે.’

બીજે દિવસે સવારમાં રજનીના ફોનમાં રિંગ વાગી. સ્ક્રીન પર દાદાનું નામ વાંચીને એ ઊછળી પડ્યો.

‘આવ્યો, અંતે દાદાનો ફોન આવ્યો. પરંતુ તેણે ફોન રિસિવ કર્યો ત્યારે અન્ય કોઈનો અવાજ સંભળાયોઃ ‘જીવણકાકા બોલું છું.’

‘દાદાએ ફોન કરવો એવું મેં તમને કીધું હતું ને?’

‘એમના જ તો તને સમાચાર આપવા છે.’

‘શા?’

‘એ મૃત્યુ પામ્યા છે?’

‘કેમ કરતાં?’ રજનીનો અવાજ ફાતી ગયો.

‘એ બધું જણાવવાનો અત્યારે સમય નથી. તમે લોકો તાત્કાલિક નીકળી જાવ.’

રજનીનો ઉત્તેજના સભર અવાજ સાંભળીને એના પપ્પા ત્યાં આવી ચડ્યા હતા. રજનીએ ફોન નીચે મૂક્યો કે તરત પૂછી બેઠાઃ ‘શું થયું?’

‘દાદા ચાલ્યા ગયા!’ રજનીએ ઢીલા થઈને કહ્યું.

‘ક્યાં?’ પપ્પાની સમજમાં આવતા વાર ન લાગી તો પણ એમનાથી પૂછાઈ ગયું.

રજનીના મોં સુધી આવી ગયું કે કવરેજ ક્ષેત્રની બહાર’ પરંતુ એણે સમયસર જીભ પર કાબૂ મેળવી લીધો રખે પપ્પા એમ પૂછી બેસે કે અત્યાર સુધી એ ક્યાં હતા?

પપ્પાએ પોક મૂકી એમાંં રજનીએ પણ સાથ પુરાવ્યો.

– જિતેન્દ્ર પટેલ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “કવરેજ ક્ષેત્રની બહાર – જિતેન્દ્ર પટેલ