શ્રી શ્રી ફોન રોમિયો – યશવંત મહેતા 4


(‘આનંદ ઉપવન’ સામયિકના જાન્યુઆરી ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

‘હવે તો હદ થઈ ગઈ, કુમાર!’ સુનીલે બળાપો કર્યો. કુમાર પણ બરાબર સમજતો હતો. કોઈ પણ નવજુવાન છોકરી ગંદા ટેલિફોન લાંબો સમય સહન કરી શકે નહિ. એણે કહ્યું, ‘તારી મુશ્કેલી સમજી શકું છું સુનીલ, પણ પોલીસ આ મામલામાં જવલ્લે જ જલદી કશું કરી શકે છે. ગુનેગારની ઓળખ માટે ફોન ટૅપિંગ કરવું પડે અને એ માટેની મંજૂરી મેળવી અઘરી છે. ફોન ટૅપિંગની રજા રાજદ્રોહ કે આતંકવાદની શંકાવાળા મામલામાં જ મળે છે. એટલે લેન્ડલાઈન ટેલિફોન પર ગંદી વાતો કરવાનો રોગ અનેક યુવકોને લાગુ પડી ગયો છે. આપણા પૉશ એરિયા એલિસબ્રિજ પર તો એ ગીધડા સતત ચકારાવા લેતા રહે છે. પોલીસથી બચવા માટે એમની આંખો પણ ગીધ જેવી જ ચપળ હોય છે.’

‘તારી વાત સાચી છે. અને આ માણસ તો વળી ઓર ચપળ છે. તને યાદ છે? થોડાં વરસ અગાઉ આપણા પ્રોફેસર મિત્રની પત્નીને કેટલાક યુવકો સંયુક્ત રીતે ગંદા ફોન કરતા હતા. એ લોકોને આપણે કેવી રીતે સપડાવ્યા હતા, યાદ છે?’

‘હા, હા, યાદ આવ્યું. આપણા એ પ્રોફેસર મિત્રની પત્ની તો બિચારી લજવાઈને મરી રહી હતી. પરંતુ એ લોકોના ટેલિફોનની એક ખાસિયત આપણી જાણમાં આવી ગયેલી. એ લોકો વાતો કરતાં એમાં એમની આસપાસના કેટલાક અવાજો પણ સામેલ થઈ જતા. કોઈ જાણે કોઈકને પોલીસ કારવાઈ વિશે પૂછતું હોય. કોઈ જાણે તાજા બજારભાવ પૂછતું હોય. સમજાઈ ગયેલ્ં કે કોઈક અખબારી કચેરીમાંથી ફોન આવતા હતા. પછી તો એ લોકોને શહેરના એક જાણીતા સ્થળે પ્રોફેસર પત્નીને મળવાનું ગોઠવીને, આપણે છુપાઈ રહેલા. એ પછી એ પેલાં મહિલાને મળવા બની-ઠનીને આવેલા ત્યારે એની ખૂબ ધોલાઈ કરેલી! મને બરાબર યાદ છે.’

‘કોણ હતા એ લોકો?’ સુનીલે પૂછ્યું,

‘હવે આટલે વરસે એ બિચારાઓને યાદ કરવાથી શો લાભ? હવે તો કદાચ સુધરી ગયા હશે. ગઈ – ગુજરી ભૂલી જા સુનીલ,’ કુમારે સલાહ આપી.

‘બરાબર છે, કુમાર પણ એ પ્રસંગ યાદ કરવામાં મારો મુદ્દો જરા જુદો હતો. દક્ષાને હેરાન કરનાર આ રોમિયો તો એ અખબારી રોમિયો ટોળી કરતાં વધુ સાવધ છે. અમે એની સાથે દક્ષાની મુલાકાત ગોઠવીને એની પિટાઈ કરવાની બાજી ગોઠવી હતી; પરંતુ મારો દીકરો ફરક્યો જ નહિ.’

‘એટલે જ કહું છું ને, સુનીલ કે વાતને ભૂલી જવી. આવો ટેલિફોન આવે ત્યારે તરત પાછો મૂકી દેવો,’ કુમારે સલાહ આપી.

પણ સુનીલને એમ સહેલાઈથી હાર સ્વીકારવાની આદત નહોતી. એ કહે, ‘કુમાર! આપણે નહિ તો કોઈ બીજું તો આ કડાકૂટનો ઉકેલ શોધી શકે એવું હોવું જોઈએ. પોલીસ નહિ તો કોઈ વ્યક્તિ…’

કુમારે સતર્ક બનીને સુનીલ સામે જોયું. આ વિચાર મને કેમ હજુ સુધી ન સુઝ્યો? એકદમ એ ઊભો થઈ ગયો. સુનીલનો હાથ ખેંચતા બોલ્યો, ‘ચાલ!’

બન્ને જણા મોટરસાઈકલ પર બેઠા. માર-માર કરતા જઈ પહોંચ્યા સાયન્ટિફિક રીસર્ચ લેબોરેટરી પર. ગાડી પાર્ક કરીને ધમ-ધમ કરતા બન્ને મિત્રો પગથોયાં ચડી ગયા. લેબોરેટરીના એક વિશાળ ખંડમાં, ટેબલ પાસે એક વૃદ્ધ ઊભા હતા. કશાક પ્રયોગમાં વ્યસ્ત હતા. સફેદ પાટલૂન, બાંયો ચડાવેલું સફેદ પહેરણ. સફેદ દાઢીમાં એ કોઈક ગ્રીક દેવતાના અવતર સમા જણાતા હતા. પોતાના પ્રયોગ ઉપરથી લગીર નજર ખસેડ્યા વિના કે શરીર અથવા મસ્તક સુદ્ધાં તસુ પણ ઘુમાવ્યા વિના એમણે પ્રશ્ન કર્યો, ‘કુમાર! કોણ છે તારી સાથે?’

કુમારે સુનીલની સામે જોયું. સુનીલના ચહેરા પર આશ્વર્યની ઘેરી રેખાઓ જોઈને એના હોઠો પર સહજ સ્મિત ફરકી ગયું.

સુનીલને સમજાતું ન હોતું કે આ વૃદ્ધે નજર સરખી પણ નાખ્યા વિના જ કુમારને કેવી રીતે પારખી લીધો? અને વધુ આશ્વર્ય તો એ વૃદ્ધના અવાજનું હતું. એ અવાજમાં રહેલી સમતોલતા, શીતળતા અને અગમ શ્રદ્ધા જાણે એને એક ધક્કો આપી ગઈ.

‘હવે તમારી ટેસ્ટ ટ્યૂબમાં ક્યો રાક્ષસ પેદા કરો છો, નિરૂકાકા?’ કુમારે મજાક કરી.

તદ્દન સ્વસ્થતાથી પોતાના પ્રયોગ-સાધનો વ્યવસ્થિત રીતે આઘા મૂકીને નિરૂકાકાએ પીઠ ફેરવી. સુનીલ એ ભવ્ય વિજ્ઞાનીની પ્રભાવશાળી મુખમુદ્રા પ્રસંશાપૂર્ણ દ્રષ્ટિએ નિરખી રહ્યો. પોતાની બધી જ્ઞાનેન્દ્રિયો પર આવો સંપૂર્ણ કાબૂ ધરાવતી વ્યક્તિ પોતાના ભત્રીજાનાં શું, સ્વયં યમરાજનાં પગલાં પણ પારખી લે!

‘આ મારા કાકા છે. નિરંજન ગુપ્ત,’ કુમારે સુનીલને વૃદ્ધ વિજ્ઞાનીની ઓળખ આપી. ‘અને, કાકા, આ સુનીલ પારેખ છે. મારો મિત્ર છે.’

નિરૂકાકાએ સુનીલનો હાથ લઈને મૃદુતાથી દબાવ્યો. ‘બેસો બેસો છોકરાઓ. બોલો, નવજુવાન પેઢીને આ બુઢ્ઢાનું શું કામ પડ્યું?’

કુમાર અને સુનીલ ખુરશીઓ પર બેસી ગયા. નિરૂકાકાએ પ્રયોગના ટેબલ પર જ બેઠક જમાવી.

‘કાકા,’ કુમારે રજૂઆત કરી, ‘અમારી પર એક એવી સમસ્યા આવી પડી છે, જેમાં પોલીસ કશું કરી શકતી નથી. અને છતાં એનો ઉકેલ તો જલદીથી લાવવો પડે એમ છે. સુનીલની પત્ની દક્ષાને એક નાલાયક માણસ ગંદા ટેલિફોન કરે છે.’

કાકા એકદમ ચમકી ગયા. ‘અમારા જમાનામાં એવી ગુસ્તાખી કરનારને શી સજા ભોગવવી પડતી, જાણો છો? એને છ મહિનાનો ખાટલો થઈ જાય એટલે પાંચમા રતનનો પ્રકાશ!’

‘પણ કાકા! આ તમારો જમાનો નથી. આજે તો અમે પોલીસવાળા કોઈ ખરેખરા ગુનેગારનેય હાથ લગાડી શકતા નથી. અને વાસ્તવમાં એ બરાબર પણ છે. પોલીસને મારફાડનો હક અપાય તો એ અનર્થ જ કરે.’

‘અને જો હું પોતે મારફાડ કરું,’ સુનીલે ઉમેર્યું,’અને એમાંથી પોલીસ કેસનું કે એવું લફરું થાય તો એમાં નુકશાન મને જ છે. હું મસ્ટર ડીગ્રી માટે અભ્યાસ કરું છું. અત્યાર સુધી મારી કૅરિયર ફર્સ્ટ ક્લાસ રહી છે. હવે આ વિધિમાં મારો અભ્યાસ બગડે અને પરીક્ષામાં બગડે તો ઉપાધિ થાય. વળી, સજા જેવું કાંઈ થઈ જાય તો ભવિષ્ય બગડી જાય.’

‘હં..’ ટેબલ પર આંગળીઓ ટપારતા કાકા વિચારમાં પડી ગયા. ‘તમારો જમાનો જરા ગૂંચવાડાભર્યો છે… અચ્છા તમને આ ટેલિફોન કરનારનો પરિચય છે ખરો?’

‘હા, કાકા,’ કુમારે જણાવ્યું. ‘ઘણુંખરું આવા ટેલિફોન કરનારા જાણીતા માણસો હોય છે. અને આ કિસ્સામાં તો અમે એ બદમાશે ચોક્ક્સ રીતે ઓળખીએ છીએ. એનું નામ યોગેન્દ્ર છે, એ દક્ષાની સાથે જ કોલેજમાં ભણતો હતો ત્યારથી જ દક્ષાની પાછળ પડ્યો છે. પણ દક્ષાને એનું ગોરિલા મોં કે વરુ સ્વભાવ, કશું પસંદ નહોતું. એટલે એણે યોગેન્દ્રને પાણીચું પરખાવ્યું. સુનીલ સાથે લગ્ન કર્યાં. એ પછી થોડો વખત શાંતિ રહી. પરંતુ પછી યોગેન્દ્રના ફોન આવવા લાગ્યા. શરૂઆતમાં તો મહિને એકાદ વાર ફોન આવતો. પછી વધવા લાગ્યા. ભાષા પણ વધુ ગલીચ બનતી ચાલી. સારું છે કે પિતાજીને કે ભાઈ-બહેનોને આ વાતની ખબર નથી; નહિતર બિચારી દક્ષાની હાલત કેવી કફોડી બની જાય?’

‘કુમાર! પહેલાં મને એક વાત કહે. આવા કામને તમે લોકો ગુનો ગણી શકો? કાયદાપોથીમાં શું છે?’

‘કાયદાપોથી તો હવે ખૂબ આકરી બની ગઈ છે. મૂળે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને બદનામ કરવી, એને વિશે ગંદી વાતો બોલવી, પરાયી સ્ત્રીને જાતીય કૃત્ય માટે આમંત્રણ આપવું કે એ પ્રકારના ચેનચાળા કરવા, એવું બધુંય ગુનો ગણાય છે. પરંતુ એનો પુરાવો હોવો જોઈએ. ટેલિફોન પરની વાતનો પુરાવો મળવો મુશ્કેલ હોય છે. ફોન ટૅપિંગની સગવડ તો છે, પરંતુ એ માટેની મંજૂરીઓ મેલવવી અઘરી હોય છે. ફોન પરના અવાજનું રેકોર્ડિંગ પણ કરી શકાય પણ માણા પબ્લિક ફોન બૂથ પરથી કે મોટી જાહેર જગ્યાના ફોન પરથી બોલે તો એની ઓળખ ન મળે.વળી, રેકોર્ડિંગ કરેલ અવાજ ઘણું ખરું એટલો સ્પષ્ટ નથી હોતો કે એને આધારે માણસ પરખી શકાય.’

‘શું કરવું એ જ સમજાતું નથી.’ સુનીલે અકળાઈને ઉચ્ચાર્યું.

‘ચિંતા ન કર, સુનીલ,’ કુમારે આશ્વાસન આપ્યું. ‘નિરુકાકા જે કોયડો હાથમાં લે છે એનો ઉકેલ શોધ્યા વિના રહેતા નથી. આજ સુધી એવો કોઈ કોયડો આવ્યો નથી, જેનો જવાબ અમારા હાજરજવાબી કાકા પાસે ન હોય.’

નિરુકાકા હસ્યા. ‘સુનીલ! આ છોકરો તને ઘોળે દિવસે તારા બતાવે છે. હું કોઈ આઈન્સ્ટાઈન નથી કે હાજરજવાબી બિરબલ નથી. જો ને, તારી અને દક્ષાની આ સમસ્યાનો પણ જવાબ હમણાં તો મારી પાસે નથી, પણ કશું જડશે તો તરત એને જણાવીશ. તમે છોકરાઓ શું પીશો? ચા કે ઠંડું?’

* * * *

આ પછીને ચોથે દિવસે સવારમાં રણછોડ એલિસબ્રિજ પોલીસ સ્ટેશને કુમારને શોધતો આવ્યો. એ નિરૂકાકાનો હનુમાન છે. એને આવકારીને કુમારે પુછ્યું ‘બોલ ભાઈ, શા સમાચાર લાવ્યો છે?’

‘પહેલા સુનીલભાઈને ઘરે મને લઈ જાવ,’ રણછોડે સૂચવ્યું.

ઘરે સુનીલ અને દક્ષા બન્ને હાજર હતાં સુનીલના પિતાજી ઓફિસે ગયા હતા. અને ભાઈ બહેનો શાળાએ ગયાં હતાં. ખાણી પીણી કર્યા પછી રણછોડે પૂછ્યું, ‘દક્ષાભાભી સામાન્ય રીતે ટેલિફોન કયા ટાઈમે આવે છે?’

‘હમણાં તો રોજ આવે છે. ભાઈ!’ દક્ષા માંડ માંડ બોલી, શરમ અને ક્ષોભથી એનું મસ્તક ઝૂકી જતું હતું. આવી ગંદી રમતની શિકાર હું જ કેમ બની, એવો ભાવ એને સતત પીડી રહ્યો હતો.

‘પણ ટાઈમ? સમય?’ રણછોડે ચોકસાઈ માંગી.

‘બસ, હવે દસેક મિનિટમાં તમારા ભાઈનો ઓફિસે જવાનો વખત થશે. એ પછી તરત આવશે. મૂઓ જાણે રાહ જ જોતો હોય?’ દક્ષાનો ચહેરો શરમથી લાલચોળ થઈ ગયો.

‘ભલું હશે તો હવે એ કદી ફોન નહી કરે ભાભી!’ રણછોડે આશ્વાસન આપ્યું. પછી કહ્યું, ‘નિરૂકાકાએ આ ચીજ વાપરવાની રીત તમને શીખવવાનું કહીને મોકલ્યો છે.પણ જો દસ જ મિનિટમાં ફોન આવવાનો હોય તો અમે બેસીએ. સુનીલભાઈ એમની રીતે એમને ટાઈમે કામ પર જાય. તમે કહો છો એમ, એ પછી તરત ફોન આવે એટલે તમે ઉપાડજો. સામે છેડે યોગેન્દ્ર જ છે, એની ખાતરી થાય તો એને વાતે ચડાવીને રિસીવર મને આપી દેજો… પછી…’ રણછોડે હસતાં હસતાં ઉમેર્યું. ‘પછી જરાક કાનમાં આંગળાં નાખીને બાજુમાં ઊભાં રહેજો.’

પછી એ કુમાર તરફ વળ્યો. ‘કુમારા બાબુ! જરા આપણાં પોલીસ સ્ટેશન પર ફોન કરીને કહી દો કે થોડાક કોન્સ્ટેબલો સાથે તૈયાર રહે. યોગેન્દ્ર ફોન કરીને જેવો ઘરે આવે કે તરત એની ધરપકડ કરી લે.’

‘પણ પુરાવો, એ વગર ધરપકડ કેમ થાય?’ કુમારે શંકા કરી.

‘નિરૂકાકાએ કહ્યું છે કે પુરાવો સજ્જડ મળશે.’

એટલે કુમારે પોલીસસ્ટેશને ફોન કરીને, યોગેન્દ્રના ઘરની આજુબાજુ છુપે વેશે ઊભા રહેવાની સૂચના આપી દીધી.

પછી બધા યોગેન્દ્રના ફોનની રાહ જોવા લાગ્યાં. રણછોડે ધીમે રહી ગજવામાંથી રૂનાં પૂમડાં કાઢ્યાં અને પોતાના કાનમાં ભરાવી દીધાં. કુમારને હજુ પણ રણછોડની આ કોઈક મજાક લાગતી હતી.

સુનીક નીકળ્યો પછી બરાબર અગિયાર ઉપર સાત મિનિટે ઘંટડી રણકી. દક્ષાએ રિસીવર ઉપાડ્યું. સામેથી આવતો અવાજ સાંભળતાં જ એનાં આખા શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ. એની આંખો શરમથી ઝૂકી ગઈ. ચહેરો સાવ ઝંખવાઈ ગયો. ‘એલાવ…’ એટલું માંડ બોલીને એણે રિસીવર રણછોડની સામે ધરી દીધું.

રણછોડે ડાબે હાથે રિસીવર પકડ્યું અને જમણો હાથ પાટલૂનના ગજવામાંથી કાઢ્યો. એ એક નળાકાર હતો. એની ખુલ્લી બાજુ રિસીવરના માઉથપીસ પર બરાબર બંધ બેસતી આવી જાય એવી હતી. નળાકારની બંન્ને બાજુ બે વાયર લટકતા જણાતા હતા. રણછોડે સીફતથી એ બન્ને છેડા ભેગા કર્યા. તરત જ.. ભભમ્મબમ!.. જાણે કોઈ મોટો ફટાકડો ફૂટ્યો. થોડાક ધૂમાડા પણ નીકળ્યા.

પછી રણછોડે આસ્તેથી એ નળાકાર રિસીવર પરથી અલગ કરીને નજીકની ટિપાઈ પર મૂક્યો. રિસીવર એને સ્થાને ગોઠવ્યું. પછી ખડખડાટ હસતાં કહ્યું, ‘મહેરબાનો સાંભળો! કેટલાક અવાજ નાના હોય છે, છતાં ટેલિફોનના તાંબાના વાયરમાંથી એને રિસીવર પડદામાંથી પસાર થતાં મોટા ધડાકાનું રૂપ લઈ લે છે. જાણે બોમ્બ! તમે હમણાં જે ફટાકડાનો અવાજ સાંભળ્યો એ બિચારાને યોગેન્દ્રને તો સાચે જ મોટા એટમ બૉમ્બ જેટલો બનીને સાંભળાયો હશે. સાવ કાનને અડીને! કદાચ એનો કાનનો પડદો ફાટી ગયો હશે. કમ સે કમ થોડા દિવસ લગી તો બેટમજીને એક કાને બહેરખાં રહેવાનો! એબા કાનની દાકતરી તપાસ અને સાક્ષીઓની જુબાની, એ મળીને એની ગુનેગારી સાબિત કરી શકશો.’

ખૂબ જ નિરાંત અનુભવી રહેલી દક્ષાના હાથની ચા પીતાં પીતાં રણછોડે વળી પેલો નળાકાર ‘બોમ્બ’ હાથમાં લીધો અને સમજાવ્યું, ‘હવે કદી કોઈનોય ત્રાસદાયી ટેલિફોન આવેતો થાય તો જરૂર ટેલિફોન બોમ્બ ઘડી કાઢજો. એમાં કશું મુશ્કેલ નથી. અને નિરુકાકા જેવો બેટરીનો ફટાકડો બનાવતાં ન આવડે તો બજારમાં મળતો દારૂખાનાનો સાદો ટેતો એક પ્યાલામાં રાખીને ટેલિફોનનું માઉથપીસ પ્યાલા પર ઢાંકજો! કોઈ પૂછે કે આ શું છે, તો કહેજો આ… છે… ટેલિફોન-બોમ્બ!’

– યશવંત મહેતા


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “શ્રી શ્રી ફોન રોમિયો – યશવંત મહેતા