રાત રાતના ઓછાયા – પરમ દેસાઈ 1


હું અને સુમિત એ મનહૂસ સાંજે શહેરની હદે આવેલા એક પબ્લિક ગાર્ડનમાં ટહેલવા નીકળ્યા હતા. એ વખતે તો સંધ્યા પૂરબહારમાં ખીલી હતી. થોડા જ વખત પહેલાં વરસી ચૂકેલા વરસાદનાં બૂંદો હજુ પણ વૃક્ષોનાં પાંદડાં પરથી ધીરે-ધીરે સરકી રહ્યાં હતાં. વાદળાઓની ગોઠવણ પછી કેસરિયું આકાશ ગાર્ડનમાં આછો પ્રકાશ રેલાવી રહ્યું હતું. પણ… આટલી આહલાદક સંધ્યા જ કાળ બનીને સુમિત પર તૂટી પડવાની હતી એ બિચારો સુમિત ક્યાં જાણતો હતો !

“યાર લેકચર બંક કર્યું એનો અત્યારે અફસોસ થાય છે હોં. તું શું કહે છે ?” ચાલતાં-ચાલતાં જ સુમિત બોલ્યો. મેં એના કેસરી થઈ ગયેલા ચહેરા સામે જોયું અને હસ્યો:

“તને તો દરેક વખતે ટેન્શન જ હોય, નહીં ? તું કોઈ દિવસ લાઈફને એન્જોય જ નથી કરતો.”

“પણ લેક્ચર બંક માર્યું એમાં શું એન્જોયમેન્ટ ? અને તેં પણ તો કર્યું છે બંક. એકલા મેં થોડું કર્યું છે ?”

“હા તો એમાં કયું આભ ફાટી પડ્યું કે આટલો ઉદાસ થઈ ગયો. અરે, આ સ્કૂલ થોડી છે ? અહીં તો મસ્તમૌલાની જેમ જ રહેવાનું હોય. જસ્ટ કામ ડાઉન યાર, કોઈક કોઈક વાર બંક કરવામાં ય મજા છે યાર. જો તને એવું જ લાગતું હોય તો સાંભળ, ગુરુવારે એ જ લેક્ચર મેડમ એફ-૧૩માં લેવાના છે. ભરી લેજે.”

“ભરી લેજે એટલે ? હું એકલો જ જઈશ ?”

“હાસ્તો ! તું લેક્ચર એટેન્ડ કરજે ને હું મૂવી જોવા…” હું ખંધુ હસ્યો ને એની પીઠ પર ધબ્બો મારતાં કહ્યું, “અરે… આવીશ જ ને હું. તારા વગર ક્યાંય જઈ શકવાનો છું ?” મેં હસતાં હસતાં એની સામે જોયું. એ એકીટસે નીચે જમીન તરફ જોઈ રહ્યો હતો. જાણે મારું છેલ્લું વાક્ય સાંભળ્યું જ ન હોય એમ.

“ઓય !” મેં એનો ખભો હલાવ્યો, “કંઈ થયું કે શું ?”

“અરે ના ના. કંઈ નહીં. આ તો ત્યાં કંઈક છે. કદાચ આપણને કામ આવી જાય… એક મિનિટ…” કહીને એને નીચા નમીને જમીન પરની માટી ખોતરી અને પછી કંઈક ઉપાડીને મને બતાવ્યું. એ એક નાનકડું બાવલું હતું. દેખાવ પરથી ઘણું પ્રાચીન લાગતું હતું, હડપ્પીય કે મોહેં-જો-દારોની સંસ્કૃતિના કોઈ અવશેષ જેવું. અલબત્ત, મેં એને હાથમાં પકડીને નહોતું જોયું.

“કાંસાનું હોય એવું લાગે છે, નહીં ?” સુમિતે પૂછ્યું.

“હા.” મેં જવાબ આપ્યો. એ બાવલાંને ધૂંધળું મોં હતું અને એની બંને આંખો બંધ હતી. એના જાડા ને સાવ ટૂંકા પગ નીચેથી બુઠ્ઠા થઈ ગયા હતા.

અને હિસ્ટ્રી સાથે આર્ટ્સ કરતા હતા એટલે આવી બધી વસ્તુઓનું અમારે મન ખાસ્સું મહત્વ રહેતું. પણ એ બાવલાંમાં અમે એવું કશું જ ખાસ નહોતું જોયું.

થોડી સેકન્ડો માટે સુમિત એ બાવલાંને જોઈ રહ્યો ને પછી એને બાજુની ઝાડી પાસે ફેંકી દીધું. એ પછી અમે થોડી વાર બગીચામાં ચાલવાનું ચાલુ રાખ્યું અને મોડી સાંજે ઘરે પાછા આવ્યા. બીજે દિવસે સવારે સુમિતનો ફોન આવ્યો. એના અવાજમાં આશ્ચર્ય સાથે ઉત્તેજના ભળેલી હતી:

“યાર મોહન ! તને ખબર છે, ગઈ કાલે રાત્રે મેં પેલા બાવલાંનું સપનું જોયું.”

“હેં ? ખરેખર ?” મને પણ આશ્ચર્ય થયું.

“હા. હું એક દૂધ જેવી સફેદ ખાલી જગ્યામાં હતો. મારી આજુ-બાજુ બધે જ સફેદ તેજોમય આવરણ છવાયેલું હતું અને મારાથી ખૂબ જ દૂર પેલું બાવલું હવામાં તરી રહ્યું હતું. એ સફેદ અવકાશમાં એ બાવલાં સિવાય બીજું કંઈ જ નહોતું.” સુમિત એવા જ આશ્ચર્ય સાથે બોલ્યો.

“હમ્મ… પરંતુ આવું તો સામાન્ય રીતે બનતું હોય છે. દિવસભર બનેલી ઘટનાઓ કે જોયેલી વસ્તુઓ વિશે આપણે ઘણી વાર વિચાર્યા કરતા હોઈએ છીએ એટલે એ ઘટના કે વસ્તુ આપણા સપનામાં આવે એ સામાન્ય વાત છે, સ્વાભાવિક વાત છે.” મેં કહ્યું.

“હા…. અને, અને જાણે હું એ બાવલાંને લેવા માટે જતો હોઉં એમ મેં સપનામાં લગભગ દસ મિનિટ સુધી એ સફેદ અવકાશમાં ચાલ્યા રાખ્યું.” સુમિતનું આશ્ચર્ય હજુ એમનું એમ જ હતું.

“તો તો દસ મિનિટ પછી એ મળી ગયું હશે ને તને ?” મેં રમૂજ કરતાં પૂછ્યું.

“ના. એ ન મળ્યું. કદાચ ત્યાં સુધીમાં મારી આંખ ઉઘડી ગઈ હશે.” સુમિતનું આશ્ચર્ય પણ હળવું થઈ ગયું હતું. એ પછી થોડી ઘણી આચર-કુચર વાતો કરીને એણે ફોન મૂકી દીધો. જે થયું તે – એમ વિચારીને હું પણ રોજની દિનચર્યામાં લાગી ગયો. એ દિવસે અમે બંને કૉલેજ ગયા. બધું જ બરાબર ચાલ્યું. સપના વિશે ન તો સુમિતે કંઈ વાત કરી, કે નહીં મેં. દિવસ ક્ષેમકુશળ વિતી ગયો.

બીજે દિવસે સુમિતનો ફોન આવ્યો. આ વખતે એનો અવાજ થોડો ગંભીર લાગ્યો, “મોહન ! મેં ફરી પાછું એ જ સ્વપ્ન જોયું !”

“ફરી પાછું ?” હું ચોંકી ગયો.

“હા, એ જ સફેદ અવકાશ, એ જ બાવલું અને… હું જાણે એને લેવા મથતો હોઉં એમ એના તરફ ચાલતો રહ્યો, પણ…”

“પણ શું ?”

“પણ આ વખતે હું લગભગ ત્રણ કલાક સુધી ચાલતો રહ્યો હતો.” એણે ચિંતાતુર અવાજે કહ્યું.

“શું ? ત્રણ કલાક ?!” સાંભળીને મને આઘાત લાગ્યો.

“અને માત્ર આ જ નહીં… મને પગમાં દુઃખાવો થાય છે !” એણે સુસ્ત અવાજે કહ્યું.

“પણ આ કેવી રીતે શક્ય છે ? એ તો એક સ્વપ્ન હતું !” હવે મને પણ ચિંતા થવા લાગી હતી.

“હા યાર, પણ હું નથી જાણતો.”

થોડી વાર હું વિચારમાં પડી ગયો. મારું મગજ સુમિતની આવી વાત સાંભળીને બહેર મારી ગયું હતું. થોડી વાર વિચારીને મેં કહ્યું, “મને એવું લાગે છે કે તારે ડોક્ટરને બતાવી દેવું જોઈએ. આ બધું થોડું વિચિત્ર થતું જાય છે.”

અને એ જ દિવસે એણે મનોચિકિત્સક ડોક્ટર પંડ્યાને બતાવ્યું. બધી વાત કરી. ડો. પંડ્યાએ એ જ દિવસથી સુમિતને અમુક દવાઓ ચાલુ કરવાનું કહ્યું. મને હાશકારો થયો – કે એ હવે બરાબર થઈ જશે.

પછીના દિવસે વળી પાછો સુમિતનો કૉલ આવ્યો, “મોહન ! પ્લીઝ મારી મદદ કર.” એણે લગભગ રડતાં અવાજે કહ્યું.

“શ… શું થયું ??” મારા હ્યદયે વધારે ધબકવાનું ચાલુ કરી દીધું.

“ગઈ રાત્રે હું પૂરા એક દિવસ જેટલું ચાલ્યો… એ જ સ્વપ્નમાં…”

“શું ?! આ… આ અશક્ય છે ! તું કેટલું ઊંઘ્યો ?” મેં નર્વસ અવાજે પૂછ્યું.

“છ કલાક.” એણે કહ્યું.

“અરે આ અશક્ય છે ! તું છ કલાક માટે ઊંઘ્યો ને એક દિવસ જેટલું સપનું જોયું ?” હું ઊછળી પડ્યો.

“હું કંઈ જ નથી જાણતો, પણ હું ખાતરીપૂર્વક કહું છું કે હું સપનામાં એક દિવસ જેટલું ચાલ્યો છું. મારા પગ મને મારી રહ્યાં છે… બહુ કળતર થાય છે… કેટલાય કલાકોથી સૂતો ન હોઉં એવું ફિલ કરું છું.” એના ઢીલા અને નબળા પડી ગયેલા અવાજથી કલાકોનો ઉજાગરો સ્પષ્ટ વર્તાતો હતો.

“તેં ડોક્ટર પંડ્યાને જાણ કરી ?” મેં પૂછ્યું.

“હા, એમણે કહ્યું કે તેઓ આજે રાત્રે હું સુઈ જાઉં પછી મારી દેખરેખ રાખશે. તેઓ આજે રાત્રે મારા ઘરે જ રહેશે… મમ્મી-પપ્પા પણ ખૂબ ચિંતિત છે, મોહન…” એણે રડમસ અને પીડાયુક્ત અવાજે કહ્યું.

“હું પણ આવી શકું ?” મેં સુમિતને વિનવણી કરી. અલબત્ત, હું જાણતો જ હતો કે એ કદી ના કહેતો જ નથી.

“હા… હા… યાર. પ્લીઝ આવી જાજે.”

“ઓ.કે., હું તને રાત્રે મળું છું, ઠીક છે ? ગભરાતો નહીં. ટેક કેર.” મેં એને આશ્વાસન આપતાં કહ્યું અને ફોન કટ કરી નાખ્યો.

એ રાત્રે હું સુમિતના પલંગ પાસે જ એને આશ્વાસન આપી રહ્યો હતો ત્યારે ડો. પંડ્યા એમના કોઈ ખાસ પ્રકારના સાધનો સેટ કરી રહ્યા હતા. હું સુમિતને શાંત પાડવામાં સફળ થયો અને એ ધીરે-ધીરે નિદ્રામાં સરી પડ્યો. હું અને ડો. પંડ્યા, અમે બંનેએ એની ઊંઘ પર ચાંપતી નજર રાખવાનું શરુ કર્યું.

બે કલાક પણ નહોતા પસાર થયા ત્યાં મેં ઝોંકા ખાવાનું શરુ કર્યું ને પછી હું પણ ક્યારે ગાઢ ઊંઘમાં સરી પડ્યો એની ખબર પડી નહીં. જ્યારે હું જાગ્યો ત્યારે સવાર પડી ચૂકી હતી. મેં જોયું કે ડો.પંડ્યા ‘સ્લીપ ટ્રેકર’ તરીકે ઓળખાતાં સાધન વડે સુમિતના મગજનું સ્કેન ચેક કરી રહ્યા હતા જ્યારે સુમિત હજુ પણ ગાઢ નિદ્રામાં હતો.

“રાત્રે કશું બન્યું હતું, ડો.પંડ્યા ? એણે કશું અજુગતું વર્તન કર્યું હતું ?” મેં ડો.પંડ્યાને અધીરાઈભેર પૂછ્યું.

“ના ! કશું જ નહીં. એ એકદમ સહજતાથી, બિલકુલ નોર્મલી સૂતો હતો અને મને લાગે છે કે એ જાગવાની તૈયારીમાં જ છે.” ડો.પંડ્યાએ કહ્યું. એ જ વખતે સુમિત સળવળ્યો. “હમ્મ, હવે એ ઊઠી ગયો લાગે છે.” ડો.પંડ્યાએ કહ્યું અને સુમિતે આંખો ખોલી. એની એકદમ લાલ થઈ ગયેલી અને થાકેલી આંખો જોઈને હું ડઘાઈ ગયો. એના ચહેરા પર દહેશત ફેલાયેલી મેં જોઈ. એ એકદમ ઘસાઈ ગયેલો લાગતો હતો, “હું મરી રહ્યો છું… હું મરી રહ્યો છું…મોહન!” અચાનક એ ચીખતા અવાજે રાડ પાડવા લાગ્યો. મેં અને ડોક્ટરે એને શાંત પાડવાનું શરુ કર્યું.

“શું થયું ? તેં પૂરતી ઊંઘ કરી છે, બરાબર ?” ડો.પંડ્યાએ પૂછ્યું. જવાબમાં સુમિતે ડો.પંડ્યા સામે જોયું અને જાણે ડોક્ટરના પ્રશ્નથી સહમત ન હોય એમ નકારમાં માથું ધુણાવતો ધ્રુજવા લાગ્યો. એ હજુ પણ અતિશય ડરેલો હતો અને જાણે આખા શરીરે કળતર થતું હોય એમ દર્દથી ઊંહકારા કરી રહ્યો હતો. અમે એના હાથને સજ્જડ પકડી રાખતા, એને ફરી સુવાડવાની કોશિશ કરતા હતા, પણ એ ડરમિશ્રિત ઉશ્કેરાટમાં અમારા હાથ દૂર હડસેલી દેતો હતો. “ફરી વખત મેં જોયું, મોહન !” એણે રાડ પાડી, “આ વખતે હું એક અઠવાડિયા સુધી ચાલતો રહ્યો… હું… હવેથી હું નહીં સૂવું, મોહન, જો હું સુઈશ તો પછી ક્યારેય ઊઠી નહીં શકું… હું મરી જઈશ મોહન, પ્લીઝ કંઈક કર…”

મેં ડો. પંડ્યા સામે જોયું. એ એક પણ શબ્દ ઉચ્ચારી ન શક્યા. પણ એમનો ચિતાતુર ચહેરો કહેતો હતો કે હવે આ બધું એમની તમામ પહોંચથી પર જઈ રહ્યું હતું. ત્યાર બાદ, એ જ દિવસે સુમિતને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો. એનાં મા-બાપ શું થઈ રહ્યું છે એ કંઈ જ માની નહોતા શકતા, સમજી નહોતા શકતા.

દરમિયાન હું પેલા પબ્લિક ગાર્ડને પહોંચ્યો અને એ જગ્યાએ દોડી ગયો કે જ્યાં સુમિતે પેલું બાવલું ઝાડી પાસે ફેક્યું હતું. મેં એક કલાક સુધી એને શોધવાની કોશિશ કરી, પણ એ જાણે કે હવામાં ગાયબ થઈ ગયું હોય એમ ત્યાંથી ગુમ થઈ ગયું હતું !

એ પછી તો સુમિતના સ્વપ્નાંઓ દરેક રાત્રે લાંબા ને લાંબા થતાં ગયાં. એક મહિના જેટલાં… બે મહિના જેટલાં… ત્રણ… ચાર…, એણે પોતાના શરીરની સ્વસ્થતા ગુમાવી દીધી અને વધારે ને વધારે નબળો થતો ગયો. સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો. ડોક્ટરો, સાઇકિયાટિ્રસ્ટ, ભૂવાઓ, કોઈ કંઈ જ ન કરી શક્યું. એનાં સ્વપ્નો જ્યારે એક વરસ જેટલાં લાંબા થવા લાગ્યા ત્યારે અમે સૌ અસહાય, લાચાર થઈ ગયા. વાતાવરણમાં શૂન્યતા અને દુઃખનાં પડઘા પડવા લાગ્યા.

અને… એક રાત્રે સુમિત પાગલ થઈ ગયો. એ દીવાલ સાથે માથું પછાડવા લાગતો અને ત્યારથી એણે પાગલપણાની દરેક હદ વટાવી દીધી હતી. ત્યાર પછી મેં હોસ્પિટલ જવાનું બંધ કરી દીધું. ચીખતા, રાડારાડ કરતા, ઉત્પાત મચાવતા અને લાચાર બની ગયેલા સુમિતને હું જોઈ નહોતો શકતો. અને હું જાણતો જ હતો કે હવે શું થવાનું હતું ! એ પછીના જ અઠવાડિયે એણે હોસ્પિટલની ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી દીધી ! એનાં મા-બાપ બિચારાં મૂઢ થઈને આઘાતની ગર્તામાં ધકેલાઈ ગયા.

એનાં છેલ્લાં સપનામાં, ડોક્ટરોના કહેવા પ્રમાણે, એણે એક હજાર વરસ જેટલું લાંબુ સપનું જોયું હતું ! અને… કદાચ એ જ આખરી સપનું એને આ ફાની દુનિયા છોડવા મજબૂર કરી ગયું.

(ઈન્ટરનેટના મહાસાગરમાંથી મળેલી એક ઘટના જેને મૌલિક સ્વરૂપે રજૂ કરી છે.)

– પરમ દેસાઈ, ૬, અર્ચનાપાર્ક, વિદ્યાવિહાર સ્કૂલ પાસે, સુભાનપુરા, વડોદરા. મો. ૮૪૬૯૧૪૧૪૭૯


આપનો પ્રતિભાવ આપો....

One thought on “રાત રાતના ઓછાયા – પરમ દેસાઈ

  • Subodhchandra

    ” અગોચર વિશ્વમા ” – આ શિર્ષક અંતર્ગત આવા ઘણા બનાવો એ કૉલમમા પ્રકાશિત થાય છે અને આવા બનાવો મા મોટેભાગે ” કોઇ હેતુ ” પણ હોય છે જેમા આવા ઇન્દ્રિયાતિત બનાવોની યથાર્થતા માટે હેતુ જરૂરી બને છે.
    સારી વાર્તા.