અસ્તવ્યસ્ત – દુર્ગેશ ઓઝા 6


‘અજય પાછો કહેતો પણ નથી કે અત્યારે ઘર બંધ હશે! ક્યાં ગયો હશે એ, ને ઘર અત્યારે કેમ બંધ? સારું થયું મારી પાસે ઘરની વધારાની ચાવી છે, નહીંતર તો..! ‘ એક દિવસ પિયરથી વહેલી ઘેર આવી ગયેલી રાશિએ આમ વિચારી ઘર ખોલ્યું, ને અંદર જઇ જૂએ છે તો..આ શું?! એના પોશ એરિયામાં આવડો વિશાળ ડ્રોઈંગ રૂમ બીજા કોઈ ઘરમાં ન્હોતો. એ જ જો આવો ઢંગધડા વગરનો હોય તો તો એની આબરૂનાં ચીંથરાં જ..!

સૂટકેસ ઉઘાડી.. કપડાં હેંગરની બદલે ઠેકઠેકાણે વેરવિખેર.. એ પણ ચોળાયેલાં ને ગડી કર્યાં વિનાનાં. ખુદ હેંગર નીચે પડ્યા હતા! ફોન ક્રેડલ પર નહોતો. પાણીની આડી પડેલી બોટલ, જેમાંથી મોટા ભાગનું પાણી ઢોળાઈ ગયું હતું. સોફાસેટની ગાદી અડધી જમીન પર ને અડધી સોફા પર.. એક ખુરશી ધરાશાયી ને બીજી આડી. પેકેટમાંની મોટા ભાગની વેફર્સ જમીન પર વેરાયેલી. ટોમેટો કેચઅપની બોટલનું ઢાંકણું બેશરમ થઇ ક્યાંય દૂર રખડતું હતું. કાચનો ફૂટેલો ગ્લાસ નાનીનાની કરચોમાં ફેરવાયો હતો. નસીબ ફૂટી ગયા જાણે..!

કબાટ અધખુલ્લો. તેમાંની થોડીક ચીજવસ્તુ નીચે ફર્શ પર આરામ ફરમાવી રહી હતી. વોશબેસીનનો નેપકીન સેટી પર પડ્યો હતો ને સેટી પરની રજાઈ વોશબેસીનની નીચે પડી પડી ધીરેધીરે ભીંજાતી હતી. માણસ એટલો ચીવટવાળો કહેવાય, કેમ કે એનાં નળમાંથી ઝાઝું નહીં, પણ ટીપુંટીપું પાણી જ સતત ટપકતું હતું! દાંતિયા ડ્રેસિંગ ટેબલના ડ્રોઅરની બદલે જમીનસ્થ થઇ એની સામે દાંતિયા કરી રહ્યા હતા. બધું વેરણછેરણ!

આ બધું જોઈ પહેલાં તો એ માથું પકડી આડી ખુરસીમાં સીધી બેસી ગઈ. બધું સરખું કરતા તો ભવ લાગશે એમ લાગ્યું. પણ પછી એણે કમર કસી. મહામહેનતે એણે બધું સરખું કર્યું. થોડીવાર પછી અજય ઘરમાં પ્રવેશ્યો કે.. ‘ તમારી આદત ન સુધરી. હજી એવા ને એવા જ રહ્યા. ને આજે તો તમે હદ કરી નાખી. થોડું વેરવિખેર હોય એ તો સમજ્યા, પણ આટલું બધું…? મેં માંડમાંડ બધું… કોઈ ચોર લૂંટારુ તો ધસી નથી આવ્યા ને? ’

અજયે આખા રૂમમાં નજર ફેરવી, પગ પછાડ્યા, ને પછી પત્ની સામે જોઈને બરાડ્યો. ‘ આ તે શું કર્યું? ને કોને પૂછીને કર્યું? અરે આ બધું વિચારવામાં ને કરવામાં મારા પૂરા પાંચ કલાક ગયા હતા. હમણાં બધા આવશે તો એને શું જવાબ દઈશ? મને એમ કે શાબાશી મળશે. એને બદલે તારે લીધે હવે…! તે બધું ચોપટ, અસ્તવ્યસ્ત કરી નાખ્યું. અરે, સિચ્યુએશન પ્રમાણે મેં ફિલ્મનો આ સેટ ગોઠવ્યો હતો!

(‘કુમાર’ સામયિક-માર્ચ ૨૦૧૬માં પ્રસિદ્ધ)

લઘુકથા : ‘ અસ્તવ્યસ્ત ’ લેખક : દુર્ગેશ ઓઝા. ૧, જલારામ નગર, નરસંગ ટેકરી, પોરબંદર. ૩૬૦૫૭૫. મો. ૯૮૯૮૧૬૪૯૮૮ .ઈ મેઈલ- durgeshoza@yahoo.co.in


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “અસ્તવ્યસ્ત – દુર્ગેશ ઓઝા

 • Ramesh M Amodwala

  Respected Durgeshbhai
  short story written with suspense at last , so nice . Like It.
  hope that you will continue…….sorry for late attending /reading.
  Thanks

  • DURGESH OZA

   THX.SHRI RAMESHBHAI AND ALL READERS FOR LiKING MY Laghukatha ‘ASVYAST.’ Laghukatha is small physically. but its Light and height is very big..ગાગરમાં સાગર. ચેલેન્જિંગ સાહિત્યપ્રકાર. આમાં મને ઈશકૃપાથી થોડીઘણી હથોટી મળી છે એનો આનંદ છે. હા. હું આવું લખતો જ રહીશ. અક્ષરનાદ.કોમ ,શ્રી જીજ્ઞેશભાઈ અધ્યારૂ અને એની ટીમનો પણ આભાર. આ બધાં ખૂબ સારું કામ કરે છે સાહિત્ય વગેરે કળામાં.. અભિનંદન.ઓમ.

 • હિમાંશુ જસવંતરાય ત્રિવેદી

  બહુજ સરસ લઘુકથા, ખુબ ખુબ અભિનંદનો શ્રી દુર્ગેશભાઈ ઓઝા ને અને Team ‘અક્ષરનાદ’ ને. આભાર.