(‘આનંદ ઉપવન’ સામયિકમાંથી સાભાર, ઑગસ્ટ ૨૦૧૬, અંક ૯)
અરૂણાએ માન્યું હતું કે નિરંજન સાથેના લગ્નની ઈચ્છાને મા બાપ વગર વિરોધે સ્વીકારી લેશે. પંદર વરસ ઉપર જે ઘરે મોટી બેનને પરણાવી હતી તે જ ઘરે એના દિયર સાથે પોતાના લગ્નનો વિરોધ કરવાનું કારણ ન હતું. વળી મોટીબેનને પરણાવી ત્યારે ભાવિ જમાઈની અંગત લાયકાત તરફ ધ્યાન આપ્યું ન હતું. ધરનો ધંધો છે એટલે ઓછું ભણતર જીવનની કારકિર્દીમાં અવરોધરૂપ બનવાનું ન હતું. મોટીબેન જેટલો એસ.એસ.સી. સુધીનો મૂરતિયાનો અભ્યાસ પૂરતો માન્યો હતો. જ્યારે નિરંજનનો અભ્યાસ એની અંગત શક્તિ પુરવાર કરતો એન્જિનિયરનો હતો. એન્જિનિયરોની બેકારી જાણીતી હોવા છતાં એની તેજસ્વિતાને લીધે પરિણામ બહાર પડતાં એ જાણીતી પેઢીમાં સારા પગારે નોકરી મેળવી શક્યો હતો.
અરૂણાને હોમસાયન્સનું એક વરસ બાકી હતું એટલે બીજે વર્ષે તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ બીજે વરસે અરૂણાની પરીક્ષા પૂરી થઈ ત્યાં અમેરિકાથી એક યુવાન લગ્ન માટે આવતાં પિતાએ તેની સમક્ષ દરખાસ્ત મૂકી હતી. અત્યાર સુધીમા જે વાત એ સુલભ માનતી હતી તે આ દરખાસ્ત સાંભળતાં પિતા સમક્ષ ઉચ્ચારવાની હિંમત કરી શકી નહીં.
તેણે બા સમક્ષ નિરંજન સાથેના લગ્નની ઈચ્છા વ્યક્ત કરી. બાને પોતાને વાંધો ન હોય તેમ એમણે પડઘો પાડ્યો હતો. પરંતુ અરૂણાની એ ઈચ્છા એમણે એના બાપુજીને જણાવી ત્યારે એમણે ઈનકાર કરતાં કહી દીધું કે હું એક ઘરમાં બે દિકરીઓ પરણાવવા માગતો નથી. અને જાણે અરૂણાની એ ઈચ્છા ઉપર લક્ષ આપવા જેવું ન હોય તેમ એમણે અમેરિકાથી આવેલ યુવક જેવો મૂરતિયો ગુમાવવા માગતા ન હોય તેમ એને પોતાને ઘરે મુલાકાત માટે નોતર્યો હતો.
અરૂણા અણધારી પરિસ્થિતિથી મૂંઝાઈ હોય તેમ દ્વિધામાં મુકાઈ ગઈ. બાની ઈચ્છા એને સહાનભૂત થાય તેવી સ્થિતિ ન હતી. તેમણે એને સમજાવવા માંડી – ‘તું એ યુવકને જો તો ખરી. નિરંજન કરતાં તે ચડે તેવો હોય તો એને હા પાડવી તે તારા હિતમાં છે. તને પસંદ પડે તેવો નહીં હોય તો તારા બાપુજી કંઈ તને પરાણે હા પડાવવાના નથી. જો બધી રીતે વધારે સારું હોય તો તારે પણ સમજવું પડશે.’
અરૂણા બાને શી રીતે સમજાવે કે પસંદગીની ભૂમિકા રહી ન હતી. એણે નિરંજન ઉપર પસંદગી ઉતારી દીધી હતી. એ કેવલ નોકરી જેવી ઓછાવત્ત સ્થૂળ લાભની વાત ન હતી. લાગણીપૂર્વક કરેલી પસંદગી એમ બદલી નાખવાનું બીજાના કહેવાથી ઓછું તેમ થઈ શકે છે? છતાં અરૂણાએ યુવક સાથેની મુલાકાતમાં જણાવા દીધું નહિ કે બાપુજીએ તેની ઈચ્છા વિરુદ્ધ આ મુલાકાત ગોઠવી છે. બાપુજીને શાંતિ થાય એમ માની યુવક સાથે સ્વાભાવિક રીતે વાતચીત કરી હતી. યુવકે પસંદગી ઉતારી હતી અને અરૂણાને ના પાડવાનું કારણ નથી તેમ બાને પણ વસ્યું હતું. બાપુજીએ પોતાને પક્ષેથી સંમતિ આપી. વેવિશાળ જાહેર થયું. યુવક લગ્ન પતાવી વેળાસર અમેરિકા પાછો ફરવા માગતો હતો એટલે જો અરૂણા દ્વિધામાંથી બહાર ન નીકળે તો જેમ વેવિશાળ સુધી ધસડાઈ ગઈ તેમ લગ્ન સુધી ખેંચાયા વિના બીજો કોઈ માર્ગ ન રહે.
બાપુજી તરફથી પોતાના વેવિશાળના સમાચાર મોટી બહેનને પહોંચે તો નિરંજન એમ જ માની લે કે મારી ઈચ્છાથી એ વેવિશાળ થયું છે. અમેરિકા જવાના મોહમાં અને વધુ સુખી જિંદગી જીવવાના પ્રલોભનમાં મેં એની સાથેનો કોલ જતો કર્યો છે, એવી ગેરસમજ ન થાય એ માટે અરૂણાએ મોટી બેનને પત્ર લખીને પોતાની સ્થિતિ જણાવી દીધી. મોટીબેન નિરંજન સાથેના કોલને જાણતી હતી બંને વચ્ચેના પરિચયનું નિમિત એ હતી. એને મળવા અરૂણા રજાઓમાં આવતી હતી. નિરંજનનો પરિચય એ નિમિત્તે થયો હતો. મોટીબેનના ધ્યાન બહાર એ બંનેનો પરિચય ન હતો. અરૂણાએ એનો ઈશારો આપ્યો હતો અને મોટીબેને પણ પોતાની સંમતિ હોય તેમ પડઘો પાડ્યો હતો.
અરૂણાનો પત્ર મળતાં નિરંજનનો એ પ્રશ્ન ન રહેતાં મોટીબેનનો બની ગયો. પોતે જઈને બાપુજીને સમજાવે તેથી એ માની જાય તેવું સહેલું હોત તો બા અરૂણાને પક્ષે રહી શક્યા હોત. એમનું ચાલે એમ ન રહ્યું હોય તો જ એ મૂંગા રહે. વળી, વેવિશાળ જાહેર કરવા સુધી વાત આગળ વધી હોય ત્યારે બાપુજી પોતાની આબરૂનો સવાલ આગળ કરે. આથી પોતે ઉત્સાહી બની નાની બેનની વહારે ધાવા દોડી જાય તેથી કંઈ ન વળે. સસરાને માટે સામેથી વેવાઈની ઈચ્છા ન હોય ત્યારે કન્યાનું માગું નાખવા જવું તે અપમાન ભર્યું ગણાય. બાપુજીને જેમ દીકરી માટે મુરતિયાની સારી તક હતી તો સસરાજીને દીકરા માટે એના કરતાં વધુ સારી તક હતી. મોટીબેનને માર્ગ જડી ગયો. મામાને ઘરે જઈ એમને સાથે લઈને જવાનું બળપ્રદ નીવડશે. મોટીબેને એ મિશનમાં નીકળતાં પહેલાં ઘરમાં વડિલોની ઈચ્છા જાણી લીધી. એ બંનેને લગ્નની ઈચ્છા હતી એટલે બીજો વિચાર કરવાનો ન હતો. એ લગ્ન માટે જે કંઈ કરી છૂટવું પડે તે માટે વડિલો તૈયાર હતા. સસરાએ તો એ માટે વેવાઈ પાસે આવવાની વાત પણ તૈયારી બતાવી હતી. પરંતુ મોટીબેને બાપુજી એમનું અપમાન કરી બેસે એ બીકે ના પાડી હતી.
મોટીબેને જોયું કે બાપુજીએ મામાને ઉધડા લીધા – ‘તમે પણ છોકરમતને ટેકો આપવા શું જોઈને નીકળ્યા છો? અરૂણાનું હિત મેં કરેલા વેવિશાળમાં વધારે છે એમ તમે માનો છ કે નહિ? જો માનતા હોતો બાલીશતાને ટેકો આપવો ન જોઈએ. મોટીબેનને ઘરે એ જતી હોય એટલે એના દિયરનો પરિચય થાય તેથી એ એની સાથે નહિ પરણે તો સુખી નહિ થાય એવું એ ખોટી લાગણીમાં તણાઈને માને તેથી આપણે પણ તેની મૂર્ખાઈ પોષવી જોઈએ? હું એના કરતાં મોટીબેનનો દોષ વધારે માનું છું. એના ધ્યાન બહાર એ પરિચય ન હતો અને એણે ટેકો આપ્યો હોય તો જ એની વહારે દોડી આવે. પરંતુ હું એને કોઠું નહિ આપું અને તે પણ ગુનેગાર હોઈ ટકી શકશે નહિ માની તમને આગળ કરીને આવી છે. પરંતુ આપણે જો વડીલો છોકરમતને ટેકો આપવા નમતું જોખીશું તો તેનું હિતને બદલે અહિત જ થશે.’
મામા પક્ષ કરશે તો પણ અરૂણાએ સહી લેવાની લાચારી બતાવી એ તે ચાલુ રહેશે તો બાપુજી મચક નહિ આપે તેનો ખ્યાલ મોટીબેનને આવી ગયો હતો. આથી એણે અરૂણાને ચેતવતાં જણાવ્યું કે જો તું મક્કમ નહિ હોય તો બાપુજી મચક આપશે નહિ. તારી મરજી નહિ હોય તો પણ તું લગ્નનો વિરોધ કરવાની નથી એમ જાણીને તે આગળ વધી રહ્યા છે. જો એમાં બ્રેક મારવી હોય તો તારે હિંમત બતાવવી પડશે.
મામા પક્ષકાર બનીને નથી આવ્યા તેમ વર્તતાં એમણે અરૂણાને કહ્યું, ‘લાગણીમાં ખેંચાયા વિના તું જો વિચાર કરે તો આ લગ્નમાં તારૂં હિત વધારે છે…’
અરૂનાએ દ્વિધામાંથી બહાર નીકળીને મક્કમતા બતાવતાં કહ્યું – ‘મામા, આ કેવળ સરખામણીનો જડ સવાલ નથી. આ લાગણીનો જીવંત પ્રશ્ન છે. જો પૈસા અને સગવડોથી એનું માપ નીકળતું હોય તો શ્રીમંતોને ઘરે પરણેલી બધી સ્ત્રીઓ સુખી હોય અને બીજી સ્ત્રીઓ દુઃખી હોય, હું લાચાર બનીને ન છૂટકે પરણી જઈશ એવું જો બાપુજી માનતા હોય તો હું મારી છેવટની ઈચ્છા જણાવી દઉં કે એ કદી બનવાનું નથી. બીજો કોઈ રસ્તો નહિ રહે તો હું આપઘાત કરીશ…’ એ સાંભળતાં જ બાપુજી ગરજી ઊઠ્યા, ‘તું મને ધમકી આપે છે?’
અરૂણાએ એટલી જ શાન્તિથી જવાબ આપ્યો, ‘એ ધમકી છે કે આખરી નિર્ણય છે તે વખત આવ્યે પારખું થશે.’
‘એથી હું બી નહીં જાઉં.’
‘હું બીવડાવવા કહેતી નથી. જો ન કહું તો અંધારામાં રાખ્યા ગણાય માટે કહું છું.’
બા અત્યાર સુધી અસહાય બનીને ખેંચતા હતાં તે બોલી ઊઠ્યાં, ‘તું અત્યારે છેલ્લે પાટલે બેસે છે તો વાત આગળ વધતા પહેલાં કેમ બોલી નહિ?’
બાપુજી – ‘એ બોલતી નથી પણ મોટીની ચડવણી બોલે છે.’
અરૂણા – ‘મોટીની ચડવણી છે કે મારૂં અંતર બોલો છે એની ખબર તો ભાઈને મેં પત્ર લખ્યો છે તે કહી આપશે. એને પત્ર લખ્યો ત્યારે મોટીબેનને જાન સુદ્ધાં ન હતી.’
બાપુજી – ‘શું ભાઈ મારો મુરબ્બી છે કે એ તારી વહારે દોડી આવશે એટલે હું નમતું જોખીશું? વેવિશાળ જાહેર કર્યા પછી ના પાડવી મારી આબરૂનો સવાલ છે.’
બા – ‘નાતમાં કંઈ વેવિશાળ થયા પછી લગ્ન બંધ રહ્યાની નવાઈ નથી. આવતી કાલે આ વાત સામા પક્ષે પહોંચે અને એ જ વેવિશાળ ફોક કરે તો શું કરીએ? એને કંઈ કન્યા મળવાની નથી કે જે છોકરી એને પરણવા ન માગતી હોય એની સાથે જાણીને લગ્ન કરે?’
બાએ સહજ વ્યવહારિક વાત કરી હતી.પરંતુ એરૂણાએ તે પહેલાં તે માર્ગ લીધો હતો. એણે ત્રણ પત્રો લખીને પોસ્ટ કર્યા હતા. એક મોટીબેનને બીજો ભાઈને અને ત્રીજો સામા પક્ષને. એ ત્રણ એમને મળતાં વેવિશાળમાં મધ્યસ્થી બંને પક્ષના સગા હતા તેમને કહેવડાવી દીધું કે અમે વેવિશાળ ફોક કરીએ છીએ.
બંનેના હિતેચ્છુ હોવાને કારણે પોતાને ભોંઠા પડવું માની એ પત્ર લઈને અરૂણાના ફૂઆ દોડી આવ્યા અને તેમણે ઠપકો આપતાં કહ્યું, ‘આ બધો તમાશો શો છે?’
બાપુજીએ બાજી હાથમામ્થી ચાલી ગઈ છતાં નમતું જોખવા ન માગતા હોય તેમ કહ્યું, ‘તું જીતી ગઈ છે અમ ન માનતી. નિરંજન સાથે કોઈ ઉપાયે હું તારૂં લગ્ન કરાવી આપીશ નહિ.’
મામા – ‘ભલે તમે કરાવી ન આપો. હું કરાવી આપું તો?’
બાપુજી – ‘એની સાથેની સગાઈ તમારે લીધે છે, હું ન કરાવી આપું અને તમે કરાવી આપે તે પણ સરખું જ છે.’
મામા – ‘તે જાતે કરી લેશે તો શું કરશો?’
‘એને તેમ કરવાની છૂટ છે, પણ મારા દ્રાર એને માટે સદાનાં બંધ છે તેમ સમજીને તે પગલું ભરવા સ્વતંત્ર છે. એને અત્યારે જવું હોય તો અત્યારે જઈ શકે છે.’
બાએ મોટીબેન તરફ જોયું, એ આંખમાં વાત્સલ્યની વેદના ઘેરાયેલી હતી. આટલું નમતું જોખવા તૈયાર થયા છે એ ઘડી ચૂકશો નહિ. મોટીબેને તે ન ચૂકતાં કહ્યું, ‘ભલે મામા કે કોઈ લગ્ન ન કરાવી આપે કે હાજર ન રહે. હું એને લઈ જાઉં છું. પિયરને આંગણે સૌ છોકરીઓ પરણતી હોય છે. એ સાસરીને આંગણે પરણશે.’
બાપુજી – ‘તારા જ કારસ્તાન છે એ હું જાણું છું. જો એ તારો અને એનો છેલ્લો નિર્ણય હોય તો આ ધરનાં દ્રાર બંધ છે એમ માની ઊભા થઈ જાવ.’
અરૂણા તે સાથે જ ઊભી થઈ ગઈ, પરંતુ એ બહાર નીકળે તે પહેમાં બાપુજીએ, ‘હાથે વીંટી અને કાને કુંડલ છે તે કાઢીને મૂકતાં જાવ’ તેમ આજ્ઞા કરી!
આટલી હદ સુધીની પતિન છોકરમત બાને અસહ્ય થઈ પડી હોય તેમ એમના મુખમાંથી ન વેદનાઓ ઊંકારો નીકળી શક્યો કે ન આંખમાંથી આંસુ. જીવનમાં આવી અસહ્ય લાચારી એમણે ક્યારેક અનુભવી ન હતી. એ એક સ્ત્રી હતી અને પરંપરાથી લાચારી સહેતી આવી હતી. પરંતુ મામા અને ફુવાએ શા માટે એ લાચારી સહી લીધી? માતાની વેદનાનો પાર ન હતો છતાં એને મોટામાં મોટું આશ્વાસન એ પણ હતું કે જે લાચારી એણે વેઠી લીધી હતી, તે એની બે દીકરીઓએ સહી લીધી ન હતી. મોટીબેન એની વહારે ધાતાં પાછી પડી ન હતી અને નાની બેને દ્વિધા ત્યજી મક્કમ નિર્ણય કરી લીધો હોય તેમ સામા પક્ષને પત્ર લખી દેવાની હામ ભીડી હતી.
એ લગ્ન સાસરીને આંગણે થયું અને પિયર પક્ષનું કોઈ ન હતું. છતાં માતાને એનું દુઃખ ન થયું. બંને દીકરીઓને એને દુઃખમાંથી ઉગારી લીધી એનું જ સુખ હતું.
– ઈશ્વર પેટલીકર
આવી વાર્તાઓને કારણે જ યુવાનો છકી જાય છે,માં-બાપ કે વડીલોની સલાહ માનતાં નથી, વર્તમાન સમયની આ બહુ મોટી સમસ્યા છે. આ તો ક્ષણની લાગણીથી કે પછી મોહથી માં-બાપ કે વડીલોને હડધૂત કરવા તે કોઈ કારણે ઉચીત નથી; તેઓ જ પૃથ્વી પરના ભગવાન છે. તે પહેલાં બીજું બધું પછી. આ સમાજસુધારો નહી પણ સમાજબગાડો છે. ભલેને પછી તે ઇશ્વર પેટલીકરની વાર્તા જ કેમ ન હોય.
આવું ઘણી વખત થાય છે, મારી મંમ્મીની આગળ ભણવાની ઈચ્છા હતી છતાં ના ના કરતાં પરણવું પડ્યું. મારી બા મૂંગા મોં એ બધું જોયા કરે ને રિબાયા કરે. નાના તો મારે પણ ખરા જો મારી બા કંઈ બોલે તો.
Lots of grammatical mistakes , and somehow ,it was not up to Sir Patlikar’s standard .
આજના જમાનામાં તો આવું સામાન્ય ગણાય, પણ, જે જમાનાની વાર્તા છે એ જમાનામાં ગજબનાક હિંમત ધરાવતી બે બહેનોની મક્કમતાની સરસ વાર્તા છે. કંઈકને પ્રેરણા પણ મળી હશે..
વાર્તા ગમી. અત્યારની વાત જૂદી છે, પણ પેટલીકરના જમાનામાં તો વડીલોની સરમુખત્યારી બહુ ભારે હતી. જ્યારે બાળલગ્નો થતા ત્યારે વડીલો સંતાનોપા હિતની રખેવાળી કરતા એ સમજી શકાય. હવે તો સંતાનો માતપિતા કરતા પોતાનું હિત વધારે સારી રીતે સમજતા થયા છે. હવેના વડીલો આવી હઠ પકડવા જાય તો સમાજમાં સૌપો આદર ગુમાવી બેસે એવી પરિસ્થિતિ છે.
વાર્તા ટૂંકી છે પણ કન્ટેન્ટ નવલકથાનું છે. સરસ. ઈશ્વર પેટલીકર ગાંધીયુગના નીવડેલા સાહિત્યકાર છે. વાર્તાઓમાં સામાજિક સમસ્યાઓનું નિરૂપણ એમના જેવી અધિકૃતતાથી ભાગ્યે જ બીજા કોઈએ કર્યું હશે. આ વાર્તા અહીં શેર કરવા બદલ આભાર અને અભિનંદન.
એક ફિચર ફિલ્મ જોઈ લિધી હોય એવો જ અનુભવ ! લિજેન્ડ ને શત શત નમન.