કબૂલાતનામું – ઍડગાર ઍલન પૉ, અનુ. નિલય પંડ્યા 1


(ડૉ. નિલય પંડ્યા દ્વારા અનુદિત ઍડગાર ઍલન પૉની જાણીતી વાર્તાઓનો સંગ્રહ ‘લાલ મોત’ તેમણે અક્ષરપર્વ-૨ના દિવસે ભેટ આપ્યો એ બદલ તેમનો ખૂબ આભાર.. એ સંગ્રહની અનેકવિધ ટૂંકી વાર્તાઓમાંથી પસાર થતા એક અનોખી લાગણી થઈ આવે છે. પૉની વાર્તાઓ સામાન્ય વાર્તાઓ કરતા એક અલગ વિશ્વમાં લઈ જાય છે એ તેમની રચનારીતિની વિશેષતા છે, તો નિલયભાઈના અનુવાદની સશક્ત આવડત પણ આ સંગ્રહમાં ઉડીને આંખે વળગે છે. આજે અક્ષરનાદ પર પ્રસ્તુત વાર્તા કબૂલાતનામું તેમના આ સંગ્રહ ‘લાલ મોત’ માંથી જ લીધી છે, પૉની વિખ્યાત વાર્તા The Tell-Tale Heart નો એ અનુવાદ છે જેમાં વાર્તાકાર પોતે કરેલા ખૂનનું વિગતે વર્ણન કરે છે, અને એ ખૂન થઈ ગયા પછીનો ઘટનાક્રમ – એ વાત છેક છેલ્લા શબ્દ સુધી વાચકને જકડી રાખે છે. સુંદર સંગ્રહ બદલ નિલયભાઈને શુભકામનાઓ.)

* * *

હું ખરેખર ગભરાયેલો હતો અને હજી છું, પણ તમે મને ગાંડો કેવી રીતે કહી શકો? બીમારીએ મારી ઇન્દ્રિયોને નકામી કે મંદ કરી ન હતી. પરંતુ વધારે તેજ બનાવી હતી. ખાસ તો મારી સાંભળવાની શક્તિ વધુ તેજ બની હતી. એટલી તીક્ષ્ણ કે હું પૃથ્વી ઉપરાંત સ્વર્ગ અને નર્કના અવાજો પણ સાંભળી શક્તો હતો, તો હું ગાંડો કેવી રીતે કહેવાઉં? તમે જ સાંભળો કે હું કેટલી સ્વસ્થતાથી આખી વાત કહી શકું છું.

પહેલી વખત આ વિચાર મારા મગજમાં કેવી રીતે આવ્યો તે કહેવું મુશ્કેલ છે, પણ એક વખત આવ્યા પછી તે મને દિવસ-રાત સતાવતો રહ્યો છે. કારણ કંઈ ન હતું. કોઈ ક્રોધ કે લાલસા પણ ન હતી. મને તે વૃદ્ધ પ્રત્યે લાગણી હતી. તેમણે ક્યારેય મારી સાથે કંઈ ખોટું કર્યું ન હતું. ક્યારેય પણ મારું અપમાન કર્યું ન હતું. તેમની સંપત્તિમાં પણ મને કોઈ રસ ન હતો. મને લાગે છે એ માટેનું સંભવિત કારણ તેમની આંખ હતી. હા, તેમની આંખ જ. તેમની એક આંખ ગીધ જેવી હતી – છારી બાઝેલી ઝાંખી, ભૂરી આંખ. જ્યારે પણ એ આંખ મારી પર પડતી ત્યારે મારું લોહી થીજી જતું અને તેથી જ સમય જતાં મેં તે વૃદ્ધના પ્રાણ લેવાનું અને તે રીતે કાયમ માટે એ આંખમાંથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું.

હવે વાત એમ છે કે તમે કદાચ મને ગાંડો ગણશો કે આ મૂર્ખને કંઈ ખબર નથી, પણ ખરેખર તમારે મને જોવો જોઈતો હતો. તમારે જોવું જોઈતું હતું કે હું કેટલી સમજદારીથી આગળ વધ્યો. કેટલી સિફતથી, કેટલી અગમચેતીપૂર્વક મેં એ કામ પાર પાડ્યું.

તે વૃદ્ધનું ખૂન કર્યું, એ પહેલાંનું આખું અઠવાડિયું હું તેમની સાથે ખૂબ પ્રેમપૂર્વક વર્ત્યો. આ પહેલાં ક્યારેય મેં તેમની સાથે આટલું પ્રેમાળ વર્તન કર્યું ન હતું. રોજ રાત્રે લગભગ મધરાતે હું ખૂબ શાંતિથી તેમના દરવાજાની કડી કેરવતો અને ધીમેથી દરવાજો ઉઘાડતો. હા, એકદમ ધીમેથી! જ્યારે બારણામાં મારું માથું ઘૂસવા જેટલી જગ્યા થઈ જતી ત્યારે સૌથી પહેલા હું ઓરડાનું ફાનસ બંધ કરી દેતો, જેથી ઓરડામાં જરા સરખો પણ પ્રકાશ ન પડે. ત્યાર પછી બારણાની ફાટમાંથી હું મારું માથું અંદર ઘુસાડી દેતો. ખરેખર તમને એ જોઈને હસવું આવશે કે કેટલા કપટ અને લુચ્ચાઈથી હું આ કામ કરતો! હું આ બધું ધીમે-ધીમે કરતો – એટલું ધીમે કે જેથી એ વૃદ્ધની ઊંઘમાં જરા પણ ખલેલ ન પહોંચે. બારણાંની ફાટમાંથી મારું માથું અંદર આવતા પૂરો એક કલાક નીકળી જતો. શું કોઈ ગાંડો માણસ આટલો ચતુર હોઈ શકે ખરો? હું દરરોજ તે વૃદ્ધને તેમના પલંગ પર સૂતેલા જોઈ શકતો. માથું અંદર પ્રવેશ્યા પછી પહેલું કામ હું સાવચેતીથી ફાનસ જગાવવાનું કરતો. હા, અત્યંત સાવચેતીથી કે જેથી ફક્ત પ્રકાશનું એક જ પાતળું કિરણ તેમની ગીધ જેવી આંખ પર પડે.

સતત સાત દિવસ સુધી હું આ પ્રમાણે જ કરતો રહ્યો. દરરોજ રાત્રે – લગભગ મધરાતે આ જ પ્રમાણે પણ દરરોજ તેમની આંખ બંધ જ રહેતી હોવાથી મારું કામ પાર પાડવું શક્ય ન હતું, કારણ કે મને વિચલિત કરનાર તે વૃદ્ધ નહીં, પણ તેની છારી બાઝેલી વિકૃત આંખ જ હતી અને રોજ સવારે, જ્યારે દિવસ ઊગતો ત્યારે નિર્ભયપણે હું તેમના ઓરડામાં જતો. હિંમત અને આત્મવિશ્વાસથી તેમની સાથે વાત પણ કરતો. ઉત્સાહથી તેમને નામથી બોલાવતો અને રાત કેવી રહી તે પૂછતો. મારે કહેવું પડે કે ખરેખર તેઓ એટલા વૃદ્ધ હતા કે તેમને એ વાતનો જરા સરખો પણ અણસાર ન હતો કે રોજ રાત્રે – લગભગ મધરાતે, બાર વાગ્યે જ્યારે તેઓ સૂઈ જતા, ત્યારે છુપાઈને હું તેમને જોતો હતો.

આઠમી રાત્રે દરવાજો ખોલવામાં હું રોજ કરતાં વધારે સચેત હતો. ઘડિયાળનો મિનિટકાંટો પણ કદાચ મારા કરતાં ઝડપથી ચાલતો હશે. આ પહેલાં ક્યારેય મેં મારી અંદર રહેલી શક્તિ અને ચતુરાઈ આટલી હદ સુધી અનુભવી ન હતી. જીતના આનંદને માંડ છુપાવતો હું એકદમ ધીમેથી થોડો થોડો દરવાજો ખોલી રહ્યો હતો. એ વૃદ્ધે કદી સપનામાં પણ મારા વિશે આવી કલ્પના નહીં કરી હોય. આ વિચારથી મને જરીક હસવું આવી રહ્યું. તેમણે મારું આ મંદ હાય સાંભળી લીધું હોય તેમ પથારીમાં તેઓ જ હલ્યા. તમને લાગશે કે આમ થવાથી હું પાછો ખસી ગયો હોઈશ, પણ ના. ચોરીના ભયથી બધા જ બારીબારણાં સજ્જડ બંધ હતાં. આખા ઓરડામાં ડામર જેવો, કાળોઘોર અંધકાર હતો. આ ઘેરા અંધારામાં તે વૃદ્ધ, બારણામાં મેં ઉઘાડેલી નાની ફાટ જોઈ શકે તેમ ન હતા, તેની મને ખાતરી હતી. આથી જ મેં ધીમે-ધીમે ઓરડામાં સરકવાનું ચાલુ રાખ્યું.

મારું આખું માથું હવે ઓરડાની અંદર આવી ગયું હતું. હું ફાનસ ચાલુ કરવાનો જ હતો, ત્યાં મારો અંગૂઠો જરીક લપસી ગયો. આ અવાજથી વૃદ્ધ અચાનક જ ઝટકાથી પલંગમાં બેઠા થઈ ગયા. તેમની ચીસ નીકળી ગઈ, ‘કોણ છે ત્યાં?’

કંઈ પણ અવાજ કર્યા વગર હું ત્યાં જ ઊભો રહ્યો. પૂરા એક કલાક હું એમ જ, કોઈ જાતના હલનચલન વિના અંધારામાં ઊભો રહ્યો. આ દરમિયાન તે વૃદ્ધ સૂતા ન હતા. તે હજી પણ પથારીમાં બેઠા-બેઠા ધ્યાનપૂર્વક કંઈક સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. રોજ રાત્રે હું કરતો તે જ પ્રમાણે મોતનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરતા તેઓ દીવાલ તરફ તાકીને બેઠા હતા.

હવે મને કંઈક ઝીણો, પણ વેદનાભર્યો અવાજ સંભળાવા લાગ્યો. હું જાણતો હતો કે એ વેદના મોતના ભયની હતી. એ કોઈ દર્દ કે દુઃખના નિઃસાસા તો ન જ હતા. અત્યંત દહેશતથી ફફડી ઊઠેલા આત્માના ઊંડાણમાંથી આવે તેવો એ દબાયેલો-ગૂંગળાયેલો અવાજ હતો. હું એ અવાજને બરાબર ઓળખતો હતો. અનેક રાત્રિઓએ લગભગ મધરાતે, જ્યારે આખી દુનિયા સૂતેલી હોય ત્યારે મારા હૃદયમાંથી પણ આવો જ વેદનાભર્યો અવાજ આવતો, જે ભયાનક પડઘાઓની જેમ વધુ ને વધુ મોટો થતો જતો. આ એ જ ભય હતો જે મને બેબાકળો કરી મૂકતો હતો.

મેં કહ્યું એ પ્રમાણે હું સારી રીતે જાણતો હતો કે, એ વૃદ્ધ અત્યારે કેવી વેદના અનુભવી રહ્યા હશે! આથી, ઘડીક તેમની દયા આવવા છતાં મારું હૃદય મલકી રહ્યું હતું. મને ખબર હતી કે શરૂઆતમાં જરીક અવાજ થયો અને જ્યારે તેઓ પથારીમાં જરીક હત્યા, ત્યારથી તે જાગતા જ હતા. તેમનો ડર વધતો જ જતો હતો. પોતાનો ભય નિરર્થક છે એવું મન મનાવવાનો વ્યર્થ પ્રયત્ન તેઓ કરી રહ્યા હતા! તે પોતાની જાતને કહી રહ્યા હતા કે, ‘એ બીજું કોઈ નહોતું, બસ ચીમનીમાં હવા ભરાવાથી અવાજ આવ્યો હશે. કદાચ કોઈ ઉદર પસાર થયો હશે કે પછી કેવળ, કોઈ તમારાનો અવાજ હશે – જે ચીંચી કરી રહ્યું હશે.’ હા, આવાં અનુમાનોથી તેઓ પોતાની જાત સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ બધાં જ કારણો. નિરર્થક હતાં – સાવ વ્યર્થ અને પોકળ, કારણ કે મોતનો કાળો પડછાયો સાવ નજીક પહોંચીને તેમનો ભરડો લઈ રહ્યો હતો અને આ જ અજ્ઞાત પડછાયો તેમની અતિ ભયાનક વેદનાનું કારણ હતો. જોકે મારું માથું પોતાના ઓરડામાં હોવાનું તેમણે જોયું કે અનુભવ્યું ન હતું.

હું શાંતિથી તેમના સૂઈ જવાની રાહ જોતો રહ્યો. આમ ને આમ ઘણો સમય વીતી ગયો. આથી હવે મેં ખૂબ ધીમેથી અને સાવચેતીપૂર્વક ફાનસ પ્રગટાવવાનું નક્કી કર્યું. તમે વિચારી પણ નહીં શકો કે કેટલી ચુપકીદીથી જરા પણ અવાજ કર્યા વિના મેં ફાનસ સળગાવ્યું. ફક્ત એટલું જ કે જેથી કરોળિયાના તાંતણાં જેટલું પાતળું, માત્ર એક જ પ્રકાશનું કિરણ ફાનસમાંથી બહાર આવે અને બરાબર વૃદ્ધની ગીધ જેવી આંખ પર પડે. આજે તેમની આંખ ખુલ્લી હતી. ગીધ જેવી વિકૃત આંખને જોતાં જ હું આવેશમાં આવી ગયો. ખૂબ બારીકીથી મેં એ આંખને જોઈ – છારી બાઝેલી, ઝાંખા ભૂરા રંગની એ બિહામણી આંખ જ્યારે પણ મારી પર પડતી ત્યારે મારું લોહી થીજી જતું, પરંતુ એક આંખ સિવાય હું તે વૃદ્ધને કે તેના ચહેરાને નહોતો. જોઈ શકતો, કારણ કે પ્રકાશનું ફક્ત એક પાતળું કિરણ બરાબર તેમની આંખ ઉપર પડે એટલું જ ફાનસ મેં ચાલુ કર્યું હતું.

હવે જે બન્યું તેને તમે કદાચ મારું ગાંડપણ માની લેશો, પણ ખરેખર હું ગાંડો નહોતો થયો. અલબત્ત, મેં પહેલાં કહ્યું એ પ્રમાણે જ વધુ તીક્ષ્ણ બની ગયેલી મારી સાંભળવાની શક્તિને એ આભારી હતું. હવે મારા કાનમાં કોઈક ધીમો પણ સંવેદનશીલ અવાજ આવવા લાગ્યો. ઘડિયાળને કપડામાં લપેટીએ ત્યારે આવે, બિલકુલ એવો જ. હું આ અવાજને પણ ખૂબ સારી રીતે ઓળખતો હતો. પેલા વૃદ્ધના હૃદયના ધબકારાનો તે અવાજ હતો. જેમ ઢોલનગારાનો પડઘમ કોઈ સૈનિકનો જુસ્સો વધારે તેવી જ રીતે ધબકારાના અવાજે મારું ઝનૂન પણ વધારી દીધું.

હજી પણ હું મારી જાતને રોકી રહ્યો હતો અને મૌન જ હતો. શ્વાસ પણ હું સહેજે અવાજ કર્યા વિના અને ભાગ્યે જ લેતો હતો. ફાનસ પણ જરીયે ન હલે તેમ મેં પકડી રાખ્યું હતું. પ્રકાશનું પાતળું કિરણ વૃદ્ધની આંખ પર જ સ્થિર રહે તેવો હું પ્રયત્ન કરી રહ્યો હતો. આ દરમિયાન હૃદયના ધબકારાનો યાતનાભર્યો અવાજ વધી ગયો હતો. દરેક ક્ષણે તે વધુ ને વધુ ઝડપી અને મોટો થતો જતો હતો. વૃદ્ધનો ડર અત્યંત વધી ગયો હોવો જોઈએ. હજી પણ તે અવાજ દર સેકન્ડે મોટો ને મોટો જ થતો જતો હતો.

તમને યાદ છે? – મેં કહ્યું હતું કે, હું ખૂબ ગભરાયેલો હતો અને હજી છું અને હવે નીરવ શાંતિ અને રાતના ભયાનક અંધારામાં ધબકારાના આ વિચિત્ર અવાજે મારા અસહ્ય ગુસ્સાને બેકાબૂ બનાવી દીધો, તેમ છતાં થોડી મિનિટો હજી પણ મેં મારી જાતને રોકી રાખી. કોઈ અવાજ વગર હું એમ જ ઊભો રહ્યો. ધબકારાનો અવાજ મોટો ને મોટો જ થતો ગયો. બે ઘડી તો મને લાગ્યું કે વૃદ્ધનું હૃદય હમણાં ફાટી જશો. આ સાથે મારા મનમાં એક નવી જ ચિંતા પેસી ગઈ, “કોઈ પડોશી આ અવાજ સાંભળી લેશે તો!”

આખરે, વૃદ્ધની અંતિમ ઘડી આવી ગઈ. મોટી કિકિયારી સાથે એક જ ઝાટકે મેં પૂરેપૂરું ફાનસ જગાવી દીધું. મોટી છલાંગ સાથે હું ઓરડામાં ધસી ગયો. વૃદ્ધ એક વખત તો કારમી ચીસ પાડી ઊઠ્યો – ફક્ત એક જ વખત. તેઓ કંઈ વિચારે એ પહેલાં તો મેં તેને ઢસડીને ભોંય પર પટકી દીધો અને બાજુમાં પડેલા ભારેખમ પલંગને ધક્કો મારીને તેમની ઉપર પાડી દીધો. બરાબર ધાર્યા પ્રમાણે મારું કામ પાર પડ્યું હતું. આ જોઈને હું આનંદથી મલકાઈ ઊઠ્યો. પછી પણ કેટલીયે મિનિટો સુધી તેમના ધબકારાનો દબાયેલો અવાજ ચાલુ જ રહ્યો. જોકે હવે મને તે ત્રાસદાયક નહોતો લાગતો. દીવાલની આરપાર તે સંભળાય તેમ ન હતો. અંતે ધબકારા બંધ થઈ ગયા. વદ્ધ મરી ગયો હતો. તેમના પર પડેલો પલંગ મેં ખસેડીને દૂર કર્યો. તેમની લાશને બરાબર તપાસી જોઈ. કેટલીય મિનિટો સુધી મેં મારો હાથ તેમની હૃદય પર મૂકી રાખ્યો – તે હવે ધબકતું ન હતું. તેનું શરીર ઠંડું પડી ગયું હત, તે મરી ગયાની મને ખાતરી થઈ. હવે તેમની આંખ મને તકલીફ આપવાની ન હતી.

હજી પણ તમે મને ગાંડો માનતાં હો તો કેટલી ચતુરાઈ અને સમજદારીથી મેં તેમની લાશને છુપાવી એ સાંભળીને તમારી આ માન્યતા પણ બદલાઈ જશે. રાત હવે પૂરી થવા આવી હતી. હું ઉતાવળે છતાં જરીયે અવાજ કર્યા વિના કામ કરતો રહ્યો.
સૌથી પહેલા તો મેં લાશના ત્રણ ટુકડા કરી નાખ્યાં. તેમનું માથું, ધડ અને હાથ-પગ કાપીને અલગ કરી દીધા. તે પછી ઓરડાના તળિયામાંથી લાકડાનાં ત્રણ પાટિયાં ઉખાડીને લાશના ત્રણે કટકા તેની નીચે બરાબર છુપાવી દીધાં. ત્યાર પછી પાટિયાં ફરીથી એટલી હોશિયારી અને ચાલાકીથી જડી દીધા કે કોઈ પણ માણસની આંખ ત્યાં કંઈ પણ ખોટું થયું હોવાનું જાણી શકે નહીં. ખુદ એ વૃદ્ધની આંખ પણ નહીં. તેનું લોહી આજુબાજુ ક્યાંય ન દેખાય તે માટે હું ખૂબ સચેત હતો. જોકે ક્યાંય પણ લોહીના આવા ડાઘ કે છાંટા પડ્યા ન હતા કે જેને મારે સાફ કરવા પડે.

જ્યારે બધું કામ આટોપી રહ્યો ત્યારે મળસ્કે ચાર વાગવા આવ્યા હતા. બહાર હજી પણ મધરાત જેવો ઘેરો અંધકાર હતો. ઘડિયાળમાં ચારના ટકોરા પડ્યા. બરાબર એ જ સમયે ઘરના મુખ્ય દરવાજા પર પણ કોઈએ ટકોરા માર્યા. એકદમ હળવા મન સાથે હું બારણું ખોલવા ગયો – એમ પણ હવે મારે કોનાથી ડરવાની જરૂર હતી?

મેં બારણું ખોલ્યું એટલે ત્રણ માણસો અંદર પ્રવેશ્યા. પૂરા શિષ્ટાચાર સાથે તેમણે પોલીસ અધિકારી તરીકે પોતાની ઓળખાણ આપી. કોઈ પડોશીએ રાતની શાંતિમાં ચીસ સાંભળી હતી. કંઈક શંકાસ્પદ ઘટના બની હોવાનું લાગતા પોલીસને જાણ કરાઈ હતી, તેથી જ આજુબાજુની જગ્યામાં તપાસ માટે આ અધિકારીઓ આવ્યા હતા.

મારા ચહેરા પર સ્મિત હતું. એમ પણ હવે મારે ડરવાની ક્યાં જરૂર હતી? મેં તેમને સારી રીતે આવકાર્યા. કોઈ ભયાનક સપનાથી ઊંઘમાં એ કારમી ચીસ મારાથી જ નીકળી ગઈ હતી, એમ મેં તેમને જણાવ્યું. મેં એ પણ કહ્યું કે એ વૃદ્ધ તો અત્યારે દેશમાં હાજર જ ન હતા. પોલીસ અધિકારીઓને હું ઘરમાં બધે લઈ ગયો. ઘરનો ખૂણેખૂણો બરાબર તપાસી લેવાનો મેં તેમને આગ્રહ કર્યો. હું તેમને પેલા વૃદ્ધના ઓરડામાં પણ લઈ ગયો. મેં તેમને વૃદ્ધનો ખજાનો પણ બતાવ્યો – જે બિલકુલ સલામત હતો.

હવે હું વધુ પડતા ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં આવી ગયો હતો. હું ઓરડામાં ખુરશીઓ લઈ આવ્યો. મેં એ જ ઓરડામાં બેસીને થાક ઉતારવા તેમને આગ્રહ કર્યો. હું મારી જીતના નશામાં ચૂર બની ગયો હતો. કંઈ પણ વિચાર્યા વિના જ ઉત્સાહમાં આવી જઈને મેં મારી ખુરશી બરાબર એ જ જગ્યા પર ગોઠવી જ્યાં પેલા વૃદ્ધની લાશને છુપાવી હતી, આત્મવિશ્વાસ સાથે હું તેમની સાથે ગોઠવાયો. તેઓ હવે સંતુષ્ટ થયા હતા મારી રીતભાતે તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. મેં રાહત અનુભવી. તે ત્રણ વાતોએ વળગ્યા. મેં ઉત્સાહ અને દૃઢતાથી તેમની સાથે વાતો શરૂ કરી. તેઓ સામાન્ય વાતચીત કરતા રહ્યા.

જોકે ધીમે-ધીમે હું બેચેની અનુભવી રહ્યો હતો. તેઓ ઝડપથી ચાલ્યા જાય તેવી લાગણી મને થવા લાગી. આ સાથે માથામાં દુખાવો પણ થવા લાગ્યો. કાનમાં કંઈક વિચિત્ર અવાજો સંભળાવા લાગ્યા, પરંતુ એ ત્રણે છે પોલીસ અધિકારી હજી શાંતિથી વાતો કરી રહ્યા હતા. મારા કાનમાં સંભળાતો અવાજ વધુ તીવ્ર બનતો ગયો. આ વિચિત્ર સ્થિતિથી બચવા હું વધારે ખૂલીને વાતો કરવા લાગ્યો, પણ તે અવાજ ચાલું જ રહ્યો – ઊલટો, તે વધુ તીક્ષ્ણ બનતો ગયો. છેવટે લાંબા સમય પછી મને ખ્યાલ આવ્યો કે એ અવાજ મારા કાનનો ભ્રમ ન હતો. ખરેખર હવે હું ખૂબ બેચેન બની ગયો હતો. તેમ છતાં જરીયે ખચકાયા વિના હું મોટા અવાજે વાતો કરતો રહ્યો. સાથે પેલો અવાજ પણ વધતો ગયો.

હવે મારે શું કરવું? એ ધીમો પણ સંવેદનશીલ અવાજ હતો . કોઈ ઘડિયાળને કપડામાં લપેટીએ ત્યારે આવે બિલકુલ એવો જ. શ્વાસ લેવામાં પણ હવે હું હાંફી રહ્યો હતો. આમ છતાં પેલા અધિકારીઓને હજી તે અવાજ સંભળાતો ન હતો. હું આવેશમાં આવીને વધારે ઝડપથી બોલવા લાગ્યો, પણ તે વિચિત્ર અવાજ સતત મોટો ને મોટો થતો જતો હતો.

હવે હું મારી જગ્યા પરથી ઊભો થઈ ગયો. રઘવાયો બનીને હાથપગ પછાડતો હું વધુ મોટા અવાજે વાતો કરવા લાગ્યો. અવાજ હજી પણ વધતો જતો હતો. પેલા અધિકારીઓ કેમ હજી જતા ન હતા? લાકડાના ભોંયતળિયા પર હું મોટાં પગલાં ભરતો ઝડપથી આમથી તેમ આંટા મારવા લાગ્યો. મારી ઉગ્ર બેચેની હવે પેલા અધિકારીઓથી છુપી ન હતી. પેલો અવાજ સતત વધી રહ્યો હતો. હે ભગવાન! હવે મારે શું કરવું? ગૂંગળામણન લીધે હું લવારો કરવા લાગ્યો. મારા મોંમાંથી અપશબ્દો પણ નીકળતા હતા. હું જે ખુરશીમાં બેઠો હતો, તે મેં હવામાં ઉછાળી અને લાકડાના પાટિયા પર જોરથી પછાડી. તેમ છતાં અવાજ ચાલુ જ રહ્યો અને સતત મોટો ને મોટો થતો ગયો.

તેમ છતાં પેલા ત્રણે નિરાંતથી વાતો કરતા રહ્યા. તેમના ચહેરાઓ પર આછું સ્મિત હતું. શું એ શક્ય હતું કે તેમણે ખરેખર એ અવાજ સાંભળ્યો ન હોય? હે ભગવાન! ના, ના – તેમણે સાંભળ્યો જ હતો. તેમને શંકા પડી જ હતી. તેઓ જાણતા હતા! તેઓ મારા ડરની મજાક ઉડાવી રહ્યા હતા. હવે મને લાગવા માંડ્યું કે કોઈ પણ દુઃખ આ અસહ્ય યાતના કરતાં સારું હતું. આ વિકૃત ઉપહાસ કરતાં વધારે અસહ્ય બીજું કંઈ ન હતું. એ દંભી ચહેરાઓને હવે હું જરા વાર પણ વધારે સહન કરી શકું તેમ ન હતો. મને લાગ્યું કે જો હમણાં જ હું ચીસ નહીં પાડું તો ગૂંગળામણથી મરી જઈશ.

અને પછી ફરીથી – તે જ અવાજ વધુ ને વધુ – મોટો ને મોટો!

દુષ્ટો !’ હું ચીસ પાડી ઊઠ્યો, ‘આ ઢોંગ બંધ કરો હવે! હું ગુનો કબૂલ કરું છું. આ પાટિયાં ઉખાડી નાખો! અહીં જ – હા, અહીં જ . આ વિકૃત અવાજ તેના જ હૃદયના ધબકારાનો છે!’

– ઍડગાર ઍલન પૉ, અનુ. નિલય પંડ્યા

(પુસ્તક પ્રાપ્તિની વિગતો – મૂલ્ય ૧૩૦/- રૂ., પાન ૧૩૨, પ્રકાશક – ફેલિક્સ પબ્લિકેશન, ઈ-૫૦૧, સેઈન્ટ પાર્ક, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ રોડ, સૂરત. ફોન ૯૪૨૬૭૭૭૦૦૧)


આપનો પ્રતિભાવ આપો....

One thought on “કબૂલાતનામું – ઍડગાર ઍલન પૉ, અનુ. નિલય પંડ્યા

  • Natwarlal Modha

    ખૂબજ સરસ રજૂઆત. પળે પળે સસ્પેન્સ. પરંતુ શબ્દની જોડણી ભૂલો નિવારી શકાઈ હોત તો સારું હતું.
    દા. ત. મંદ હાસ્યને બદલે હાય, પથારીમાં જરીક હલ્યાને બદલે હત્યા, તમરાંનો અવાજ ને બદલે તમારા
    પરંતું એ ત્રણેય ને બદલે ત્રણે છે અને ગૂંગણામણને બદલે ગૂંગણામણન. એકંદરે મજા આવી.