એક ડેટકથા – યામિની પટેલ 13


હું મારી નોટબુકમાં હોમવર્ક કરીએ રહી હતી કે અમારી અમસ્તાં શાંત રહેતી નાનકડી ગલીમાં હોર્ન વાગ્યો. મારાથી તરત બારી બહાર જોવાઈ ગયું. મૂવર્સ અને પેકર્સનો ટ્રક હતો. ઓહ! તો રસ્તાની પેલી બાજુ આવેલા બંધ પડેલા બંગલામાં કોઈ રહેવા આવતું લાગે છે.

કુતૂહલથી બધું છોડીને બારીએ આવી ઊભી રહી ગઈ. હવે ત્યાં ટ્રકની પાછળ એક મોટી કાળી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી બધા ઊતરી ગયા છે એમ માનીને હું એ લોકો વિષે અટકળો કરતી હતી ત્યાં તો ગાડીનું બારણું ખોલી એક છોકરો ઊતર્યો. જિન્સ, ટી શર્ટ, વાંકડિયા વાળ અને ભૂરી આંખો; જિન્સના ખિસ્સામાં હાથ નાખી અદાથી એ ઊભો હતો. લાગતું હતું કે આ બંગલો પહેલી વાર જોઈ રહ્યો છે. જાણે નજરથી એને માપી રહ્યો હોય એમ એ ઘર તેમજ આજુબાજુની લોન જોઈ રહ્યો હતો. પછી ડોક જરાક ગમ્યું હોય એમ હલાવી એ અંદર જવા લાગ્યો. હું એની પીઠ તાકી રહી. હવામાં એના વાળ ઊડી રહ્યા હતા. મને અચાનક થયું, એના આ વાંકડિયા વાળમાં આંગળા ફેરવ્યા હોય તો કેવું? મેં તરત જ માથું હલાવી એ વિચાર ખંખેરી નાખ્યો. ત્યાં તો મમ્મીની બૂમ સંભળાઈ.

‘દૂધ નાસ્તો તૈયાર છે. ખાઈ લે પહેલા. પછી હોમવર્ક કર. ‘

હું દોડતી રસોડામાં ગઈ.

‘મમ્મી તે જોયું? સામે કોઈ નવું રહેવા આવ્યું લાગે છે.’

મને ખબર છે. એ લોકો થોડા દિવસ પહેલાં ઘર જોવા આવ્યા હતા. એમને એ ભાડા પર જોઈતું હતું. મને પણ પૂછતા હતા આપણા એરિયા વિષે.’

‘તે તને નથી લાગતું આપણે દૂધ ચા નાસ્તો બધું લઈને ત્યાં જવું જોઈએ.’

‘પણ મેં તો આપણને થાય એટલું જ.’

‘ચાલ તો ખરી, પછી બધી વાત.’

જેવા અમે ત્યાં પહોંચ્યા કે પેલા છોકરાના મમ્મી પપ્પા મારી મમ્મી સાથે વાતોએ વળગ્યા. પણ મારી નજર પેલા છોકરાને શોધી રહી હતી.

હું જરા ઘર જોઈને આવું એવું બોલતી હું અંદર ગઈ. છેક પાછળ વરંડામાં એ બેઠો હતો, હાથ તો ખીસ્સામાં જ. હું બાજુમાં જઈ બેસી ગઈ. એણે ચમકીને મારી સામે જોયું.

‘હું લીના. અહીં સામે જ રહું છું.’

‘હાય, હું કંદર્પ. એણે ખીસ્સામાંથી હાથ કાઢીને મેળવતાં કહ્યું. એક તો એ હતો જ એટલો રૂપાળો અને એનો સ્પર્શ.. મને ગલગલિયાં થયાં.

‘હું અહીં ‘સંકેત’ સ્કૂલમાં ભણું છું. છઠ્ઠા ધોરણમાં.’

‘કદાચ હું પણ એમાં જ એડમીશન લેવાનો છું. પણ સાતમામાં.’

‘વાહ. તો તો મજા આવશે. કંઈ કામ હોય તો કહેજે.’ બોલતી હું ઊભી થઈ ત્યાંથી નીકળી ગઈ.

બીજા દિવસે પાછી હું એના ઘરે ગઈ. આ વખતે એ ત્યાં ઝાડ નીચે બેઠેલો હતો. મને આવતી જોઈ એ હસ્યો. હું દોડીને બાજુમાં બેસી ગઈ. એણે મુઠ્ઠી વાળેલી હતી. ધીમેકથી એણે એના હાથમાંથી કંઈક મારા હાથમાં મૂક્યું. જેવો એણે હાથ હટાવ્યો કે હું ઊછળી. એ નાનકડો દેડકો હતો. મેં રાડારાડ કરી મૂકી. ખૂબ ગુસ્સાથી એની સામે જોઈ હું પગ પછાડતી ત્યાંથી જતી રહી.

ઘરે જઈને મેં મારી મોટી બહેનને કહ્યું, ‘પેલો સામે રહેવા આવ્યો છે ને એ છોકરો બહુ ખરાબ છે. મને જરાય નથી ગમતો. આઈ હેટ હિમ.’

એ હસી.

મને જ્યારે ખબર પડી કે આજે એ પહેલીવાર સ્કૂલે આવ્યો છે ત્યારે મારાથી તેના ક્લાસ તરફ ગયા વિના ના રહેવાયું. એ અને એક બીજો છોકરો વાત કરી રહ્યા હતા. બંનેની પીઠ મારી તરફ. એ એનું નવું એડ્રેસ પેલા બીજા છોકરાને કહી રહ્યો હતો.

પેલા પૂચ્યું, ’ઓહ! એટલે પેલી જાડીના ઘરની સામે જ ને?’

એ હસી પડ્યો અને બોલ્યો, ‘હા. એ જ.’ અને હાથેથી જાડાનો ઈશારો કર્યો.

મને કાપો તો લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ. હા, આમ તો બધા મને સ્કૂલમાં જાડી કહીને જ બોલાવતા, પણ એના હસવાથી મને દુ:ખ જરૂર થયું.

ઘણી છોકરીઓ મારી પાસેથી એના વિષે જાણવા માંગતી. હું કહેવાય એટલું કહેતી. એક વાર વોશરૂમમાંથી પાછા આવતાં મેં જોયું કે ત્યાં ખૂણામાં કોઈ. હું ત્યાં ગઈ તો મારી ખાસ ફ્રેંડ શિલા દીવાલના ટેકે ઉભેલી અને પેલાની પીઠ મારી તરફ બન્ને જણા. શી. હું ત્યાંથી નીકળું એ પહેલાં મારી સામે જોતાં જ એ વાકું હસ્યો, અને જાણે હું ત્યાં ઊભી જ ના હોઉં એમ પાછા શીલાના ખભા પકડ્યા. હું સળગી ગઈ. પગ ઘસડતી ત્યાંથી જતી રહી.

આમને આમ વરસ પૂરું થયું પણ હું કોઈ દિવસ સામે ન ગઈ કે ના એ આવ્યો. હા, એની વાયોલિનના સૂર રેલાઈને મારા કાન સુધીની સફર ઘણીવાર કરતાં. એ ધૂન જાણે મને ઝૂમવા માટે મજબૂર કરતી હોય એમ રેલાતી. પણ ત્યારે મારું મનોબળ મને મદદ કરતું. પછી બીજીવાર મૂવર્સ અને પેકર્સની ટ્રક આવી. એમનો સમાન ભરાયો અને એ લોકો ગાડીમાં નીકળ્યા. હું બારી પાછળ છૂપાઈને જોતી હતી કે એ એકવાર પણ મારા ઘર તરફ જુએ છે? પણ ના, ગાડીના સડસડાટ જવાના અવાજ સાથે મારી અંદર એક ચીસ તાલ મિલાવી રહી હતી.

હું એને કોઈ દિવસ ભૂલી ન શકી. એ ઘર પણ પછી તો ખાલી જ પડ્યું રહ્યું. ઘણા વર્ષો પછી મારી બહેન આગળ ભણવા મુંબઈ ગઈ. એને મળવા હું ગઈ. મારી બહેન ભણવામાં બહુ જ હોંશિયાર અને સિન્સીયર પણ એટલી જ. મેં એને ચિડાવી, ‘કોઈ જડ્યો જ નથી તને હજુ?’

‘ના યાર, ટાઈમ જ ક્યાં મળે છે? તને તો ખબર છે. ભણવામાંથી ઊંચી આવું તો ને?’

‘તો ચાલ, આપણે પેલા ચેરિટી ફંકશનમાં જઈએ અને તારા માટે કોઈને શોધી કાઢીએ.’

‘એટલે?’

‘એટલે મારી મોટી બેન, તું છાપા વાંચે તો ખબર પડે ને? બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ માટે ચેરિટી શો છે. એમાં ઘણા સારા સારા છોકરાઓ સાથે એક જ સાંજ વિતાવવાની હરાજી થશે. જે મોટી બોલી બોલે એ જીતે અને એ છોકરા સાથે ડેટ પર જાય.’

‘ના બાબા ના એમ અજાણ્યા છોકરા સાથે મારે નથી જવું. આમેય મારે આ અઠવાડિયે સબમિશન છે પ્રોજેક્ટનું.’

એનું કંઈ જ સાંભળ્યા વિના હું એને ત્યાં ઘસડી ગઈ. એને એક છોકરો પસંદ આવ્યો. એણે મને કોણી મારી એને બતાવ્યો. ઓહ, તો અમારે આના માટે બોલી લગાડવાની છે. ચાલો બેનબાને કોઈ પસંદ તો આવ્યું.

પણ એનો વારો આવવાને હજુ વાર હતી. એક પછી એક છોકરો સ્ટેજ પર આગળ આવતો અને એના માટે બોલીઓ બોલાતી. અચાનક એક છોકરાને જોઈ મારી આંખો ચમકી. આ તો. તરત જ મેં બોલી લગાવી. મારી બહેન આંખો ફાડી મને જોઈ રહી.

‘તારી કોઈ ભૂલ થાય છે.’

‘ના. મારી કોઈ ભૂલ નથી થતી.’ મેં કહ્યું.

એક પછી એક ઘણી બોલીઓ બોલાઈ. એનો દેખાવ જ તો એવો હતો ને. બેનના પૈસા અને મારા પૈસા બધાં ભેગાં કરી મેં મોટી રકમની બોલી લગાવી. હોલમાં શાંતિ. પેલા સ્ટેજ પરથી અવાજ કોનો અને ક્યાંથી આવ્યો એ જોવા આંખો ખેંચવા લાગ્યો પણ ઓડિયન્સમાં અંધારું હોવાથી એને કંઈ સમજાયું નહિ.

છેલ્લે એને હાથમાં એક ગુલાબ આપી મારી પાસે આવવા કહેવામાં આવ્યું. ખૂબ જ ઉત્સુકતાથી જોતો જોતો એ મારી તરફ આવી રહ્યો હતો.

મારી પાસે આવી, ઝૂકીને, ગુલાબ મારી સામે ધરતા એ બોલ્યો, ‘તમારા જેવા સુંદર લેડીને વળી બોલી બોલવાની ક્યાં જરૂર હતી? હું તો આમ જ સાવ મફતમાં તમારી સાથે આવી જાત.’

મેં જોવા પ્રયત્ન કર્યો કે એણે મને ઓળખી છે? પણ એના ચહેરા પર ઓળખવાના કોઈ ભાવ નહોતા. ક્યાંથી ઓળખે? ક્યાં પહેલાની હું અને ક્યાં અત્યારની! એની નજર મારા આખા શરીર પર ફરી વળી અને છેલ્લે મારા ટોપના નીચા ગળા પાસે જઈ અટકી.

હું ઊભી થઈ ગઈ એટલે એણે મારી આંખોમાં જોયું અને બોલ્યો, ‘અ રોઝ ફોર.’

‘રોઝી.’

‘વાઉ. હિઅર ઇટ ઇઝ મેમ, અ રોઝ ફોર રોઝી.’

મેં ગુલાબ સ્વીકાર્યું અને જાણે હું એકલી જ ત્યાં આવી હોંઉ એમ એનો હાથ પકડી ત્યાંથી નીકળી ગઈ.

‘તમે સારા એવા પૈસાની બોલી લગાવી મારા માટે.’ બહાર જતા એ બોલ્યો.

‘સારા કામ માટે કંઈ પણ.’ હું બોલી.

આખી સાંજ અને રાત્રે ડિનર વખતે પણ મેં જોયું કે એકેય વાર એના હાથ ખીસામાં નહોતા. ઉપરથી મને એમાં મને અડવાનો તલસાટ દેખાતો હતો. ખબર નહિ કેમ મને બહુ મજા આવી રહી હતી. એને એમ હતું કે વોડકાની અસર છે. મને ખુશ થતી જોઈને એ ઓર ખુશ થઈ રહ્યો હતો.

અમે એની મોટી કાળી ગાડીમાં બેઠાં. એણે સ્ટિયરિંગ પર એક હાથ રાખી સ્ટાર્ટર ચાલુ કરવા જતા પોતાને રોક્યો અને બન્ને હાથ સ્ટિયરિંગ પર રાખી અચકાઈને મારી તરફ જોયું. મારી નજર પણ ત્યાં જ હતી, એના ચહેરા પર. એણે ધીમેથી હાથ લંબાવ્યો પણ તરત જ મેં એક મીઠડું સ્મિત એને આપ્યું.

એ ખાસિયાણો પડી જઈને હસ્યો અને કાર સ્ટાર્ટ કરી. એણે મને મારું એડ્રેસ પૂછ્યું. મેં જે મનમાં આવ્યું એ એડ્રેસ કહ્યું. ત્યાં પહોંચી એક સૂમસામ ગલીમાં ગાડી ઊભી રાખવા મેં કહ્યું. હું ઊતરવા જ જતી હતી કે એણે દોડીને આવીને મારા તરફનો દરવાજો ખોલ્યો. નીચી ગાડીમાંથી ઊતરતાં પહેલાં મેં મારું સ્કર્ટ જરા નીચે ખેચ્યું અને એણે લંબાવેલો હાથ પકડી હું ઊભી થઈ. અમે બન્ને દરવાજા પાસે ગયા. આ ઘરની સામે લાઈટ નહોતી ચાલતી. સહેજ અંધારામાં એનો હાથ છોડાવી હું બાય કહેવા હતી હતી કે એણે મને પાસે ખેંચી. વ્હિસ્કીની સ્મેલ મારા મોં પર પ્રસરી. એણે મને ધીમેથી ઓર નજીક લીધી.

મેં આંખો બંધ કરી. ઓહ આ સ્પર્શ! કંઈ કેટલીય વાર મેં આના સપનાં જોયા છે. મેં એને મારાથી દૂર કરવાનો નબળો પ્રયાસ કર્યો. એ મારા મનની વાત પામી ગયો હોય એમ આના હાથ અને હોઠ મારા શરીર પર ફરી વળ્યા. મારું શરીર હવે એક વાયોલિન હતું અને એના દરેકે દરેક સ્પર્શથી એમાંથી પેલી જાણીતી ધૂન વાગી રહી હતી. એ ડૂબેલો હતો અને મારો હાથ પકડી એણે મને પણ આંદર ખેંચી. શ્વાસ લેવાના ફાંફાં મારતો એ હવે મારા શરીરનું આલંબન લઈ રહ્યો હતો. અચાનક જાતને સંભાળી મેં એને જોરથી ધક્કો માર્યો. વર્ષોથી ધરબી રાખેલો આક્રોશ હતો એ ધક્કામાં. એ આશ્વર્યથી મારી સામે જોઈ રહ્યો. હું મક્કમતાથી અદબ વાળી એની સામે જોતી ઊભી રહી.

છેવટે એ ઊંધો ફર્યો અને નિરાશ પગલે ચાલી ગયો. મેં મારા ઘરની વાટ પકડી. ચાલતા. કારણકે બધા પૈસા તો ખલાસ થઈ ગયા હતા. પણ જે પામી હતી આજે એ અમૂલ્ય હતું.

રાત્રે બેનને શાંત કરતાં અને સમજાવતાં બહુ મોડું થઈ ગયું. બીજે દિવસે બપોરે છાપું લેવા મેં દરવાજો ખોલ્યો તો એ બહાર બેઠેલો હતો. જાણે એને જોયો જ ન હોય એમ મેં છાપું હાથમાં લીધું. દરવાજો બંધ કર્યો. છાપા પર લખ્યું હતું, ‘લીના, વિલ યુ ડેટ મી?’

– યામિની પટેલ


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “એક ડેટકથા – યામિની પટેલ

 • ભરત ચકલાસિયા

  છઠ્ઠા સાતમા ધોરણના બાળકો વોશરૂમમાં કિસ કરે ? અને પાછી બીજી છોકરી ઈર્ષા થી બળી મરે? એ પાછી મોટી થઈને બદલો લે , બાળપણમાં જેણે ઉપેક્ષા કરેલી તેને ખરીદીને !! વાહ વાહ!! ચેરિટી શો વિશે તો બહુ સાંભળેલું પણ આ તો સાવ નવું લાવ્યા. હું કેજી થી std 12 સુધીના પ્રાઇવેટ સ્કૂલ ચલાવું છું , યામિની પટેલ તમે જે ચિત્રણ કર્યું તે ખરેખર આઘાત જનક છે.

 • ભરત ચકલાસિયા

  વાર્તા માં એક સ્ત્રી બાળપણમાં એક બાળ પુરુષ દ્વારા થયેલી ઉપેક્ષા નો બદલો લે છે, પણ એ જાણે કે પુરુષવેશ્યાને ખરીદી હોય તે રીતે. મેં તો આવા ચેરિટી શો વિશે પ્રથમ વખત (ઓફ કોર્સ વાર્તામાં!) જાણ્યું. બાળકોમાં નિર્દોષતા અને નવું શીખવાની જિજ્ઞાસા, તોફાન મસ્તી વગેરે લક્ષણો હોવાનો જ આપણને ખ્યાલ હતો. છઠ્ઠા સાતમા ધોરણના છોકરા છોકરીઓ વોશરૂમમાં કિસ કરતા હોય અને બીજી છોકરી વળી પેલાને કિસ કરવા તડપતી હોય !! આ તો ખૂબ નવીન બાબત થઈ !! યામિની પટેલ, હું વીસ વરસથી બલભવનથી બારમાં ધોરણ સુધીની પ્રાઇવેટ સ્કૂલ ચલાવી રહ્યો છું પણ મને ક્યાંય આવું કલચર જોવા મળ્યું નથી. એટલે આપની આ વાર્તા વાંચીને ખરેખર એક આઘાત લાગ્યો , નાના બાળકોને તમે જે પરિવેશમાં ચીતર્યા તે ખરેખર અતિશય આઘાતજનક છે.

 • Rathod Prashant K

  if kids are studying in 6th or 7th standard, don’t you think it is a bit high for our kids.
  although its a story only, but we must understand the characters. Is it possible in our regular life?

  Dating of small kids very funny.

 • સુબોધભાઇ

  ગુજરાતીમા વાર્તા. તખતો ભારતીય. પણ પ્રસંગો અને વિચારો બિલકુલ પરદેશના. ગજબનો વિરોધાભાસ.