ડબલીઓ – ઈવા ડેવ 4


(‘કુમાર’ સમાયિક વર્ષ ૭૮, સળંગ અંક ૯૨૯, અંક ૫ મે ૨૦૦૫ માંથી સાભાર)

જ્યારે તે દિવસે પોલીસો રાધુને (સદ્દગૃહસ્થી નામ રાઘવજી સિસોદિયા, જે જેલના દફતરમાં નોંધાયેલું હતું.) જેલના ‘સી’ વૉર્ડમાં હાથકડીઓ પહેરાવીને પ્રવેશ્યા ત્યારે કેટલાક હરખાયા, તો થોડા દુ:ખી થયા; પરંતુ પોપટલાલ શાહને તો આઘાત લાગ્યો. રાઘો ‘ડબલીઆ’ તરીકે નામચીન થયો હતો; જેલમાં કેદીઓની જમાતમાં, જેલની બહાર પીઠાના ભાઈબંધોમાં ને ખાસ તો પોલીસોમાં, પ્રવેશની જેમ એનું નામ પ્રસ્થાન પણ હરખ અને ઝરઘની લાગણીઓ પેદા કરતું. શેરીમાં શરાબ વહેતો જ્યારે, ત્યારે પોલીસો માથાં ફૂટતાં. કોઈ એને ટૂ-ઈન-વન (ઘરમાં ને જેલમાં) કહેતા; વળી કોઈ એને થ્રી ઈન – વન (ખિસ્સાકાતરૂ – દારૂડિયો ને લંપટિયો) જાહેર કરતા; તો જાનકાર જૂજ એને ફોર ઈન વન તરીકે (ચોર-જુગારી-શરાબી ને ખૂની) ઓળખાવતા.

તે સાંજે એના આગમનનું તો અચરજ જેલમાં સહુને હતું. પરંતુ સૌથી મોટું કૌતુક તો એને જે રીતે લાવવામાં આવ્યો હતો એનું હતું – એને ગદડાપાટું મારીને, છેવાડાની સાંકડી એકલવાયી ખોલીમાં ફેંકી દેવામાં આવ્યો હતો! જેલના નિવાસીઓ માટે એ એક અસાધારણ બીના હતી. એથી એ સહુને એક વાત સારી રીતે સમજાઈ ગઈ હતી કે રાઘુએ કોઈ મોટા ગજાનો ગુંહો કર્યો હતો. એમની કાઠી ભાષામાં, ‘એણે કોળનોય કોળ માર્યો હશે!’ તેથી તે સહુ સાચી હકીકત જાણવા અત્યાતુત હતા. બીજા પક્ષે રાજકીય ગુંહેગાર પોઅપટલાલે તો તેની સામું માત્ર એમનો વિરોધ દર્શાવ્યો હતો એટલું જ નહિ, એમના થોડાક અનુયાયીઓ સાથે થોડા પોકારો – ‘આવો જુલમ બંધ કરો.’ ’સામંતશાહી નહીં ચાલે’, ‘પશુવ્યવહાર બંધ કરો’, વગેરે પણ કરી લીધા હતા.

જ્યારે એક બાજુ એની વૉર્ડથી થોડીક અલગ ઓરડીમાં તે બંધ પડ્યો હતો ત્યારે કેદીઓમાં જાતજાતની અટકળો ને અફવાઓ પ્રસરવા માંડી હતી. સંધ્યાવાળુના ટાણે બધા ઉશ્કેરાટમાં એને પોતાની આગવી ઢબે અભિવ્યક્ત કરી રહ્યા હતા.

‘ડબલીઓ બહુ જલદી પાછો આવ્યો!’

‘બહુ જ જલદી.’

‘શું ગુનો કર્યો છે?’

‘ભગવાન જાણે!’

‘એ કંઈ એક ‘ધંધો’ કરે છે?’

‘તારી વાત સાચી છે. જાત જાતના ધંધામાં સંડોવાયેલો છે.’

‘જે કાંઈ હોય હુંશિયાર છે, મારા ભૈ!’

‘પારધી જેવો પાવરધો છે!’

‘એટલેસ્તો, નવાઈની વાત છે એ આટલો વહેલો આવી પહોંચ્યો!’

‘કોઈ સાગરિત ફૂટ્યો લાગે છે. માળી સરકરની છૂપી પોલીસેય સાબદી થઈ ગઈ છે. હવે તો સેલફોન પર ફોટા પાડી લે છે ને કેબલ કંપનિઓ પાસેથી, ક્યારે વાત કરી, કોની સાથે વાત થઈ, ક્યે વખતે થઈને શી વાત થઈ – એ બધું પોકળ જાણી લે છે. બધા પુરાવા અકબંધ હોય છે એમની પાસે.’

પછી એક જાણે બીજાના કાનમાં સાવ ધિમેથી ફૂક્યું, ‘નઈ તો પોપટભાઈ કંઈ આમ-‘

‘દરેક વાર તું એમની ખોટી ખોટી વાતોથી મારા કાન શું કામ ખણે છે? (પેલો કેદી એને વારતો રહ્યો ચતાંય પેલો મોટેથી મામલો કોર્ટમાં છે.)’

‘મને કોઈની બીક નથી. તને આટલો બધો આદર છે કે તું સાચી વાત માનવા તૈયાર નથી.’ બીજો જોરથી બરાડ્યો.

‘જો એ એવા હોત તો રાઘુએ આમ ચપટીમાં એમને પકડી પાડ્યા હોત ને એમને હોળૈયું બનાવ્યા હોત.’

એ બેઉની વાત ધ્યાનથી સાંભળતા એક આગંતુક જેવા કેદીએ ઉમેર્યું, ‘આ ભાઈની વાત થોડી સાચી લાગે છે. રાઘુ એમ કોઈના કહે સહેલાઈથી માની જાય એવો માણસ નથી. એક વાત દીવા જેવી સાફ દેખાય છે – જેલરે પણ ના ગાંઠે એવો એ મિયાં મીંદડી જેવો બની જાય છે પોપટભાઈની સામે.’

એ બેઉની વાત સાચી લાગી હતી છતાંય પહેલા ભાઇ પોતાના મત પર અડી રહયા, ‘એનાથી એમ તો પુરવાર નથી થતું કે પોપટભાઈએ મોટો ગુનો કર્યો છે’ એક પળ થંભીને એમણે એમની દલીલ સમાપ્ત કરી, ‘એમને એ વાર્ડમાં મૂકવામાં આવેલા હતા ચતાંય પોતાની મરજીથી એમણે આપણા જેવાઓની સાથે રહેવાનું પસંદ કર્યું છે.’

નવા જોડાયેલા કેદીએ નમતું જોખ્યું, ‘હા એ વાતમાં કોઈ બે મત નથી.’

પણ બીજાએ એનો દાવો ના છોડ્યો, ‘એથી એમનો ગુન્હો નાનો હતો એમ તો સાબિત થતું ને?’

એમની એ દલીલ બીજા બેઉએ સ્વીકારવી પડી. પછી એમના સરવા કાન પર થોડે દૂર એમના જેવી જ કાનફુસિયાની વાત કાને પડી.

‘ડબલીઓ ખલાસ થઈ ગયો. હવે એને વેકેશન નહિ મળે.’

‘એવું જ લાગે છે. જિંદગીભરની જેલ કાં તો ફાંસીનો માચડો. બાપડો!’

હરખાયેલો, ઝરઘાયેલો ને વચલો, એમના થાળીવાડકા સંભાળતા રસોડા તરફ કૂચ કરતા એ સમૂહમાં ભળી ગયા. વાત ચાલતી હતી.

‘એવું તે એણે શું કર્યુ છે..?’

‘સાચી વાત તો એ જાણે ને હવે પછી એનો વકીલ. કહેવાય છે,’ પછી આમતેમ ડોકું ફેરવીને, ‘રહેવા દો. વળી પાછો કોઈ ચાડિયો જેલરના કાનમાં મારી ભંભેરણી કરશે.’

જિજ્ઞાસા વણસંતોષાતા એકત્રિત ટોળું એકાએક સૂનમૂન બની ગયું; પગ થોડા ઢીલા પડી ગયા.

‘લો પોપટલાલજી પધારે છે. એમને જ પૂછી લઈએ. જે કાંઈ વાત હશે તે કહી દેશે.’

ટોળાએ ગતિ ઓછી કરી. થોડી વાર પછી જ્યારે પોપઋલાલનું નાનુ જૂથ સમીપ આવ્યું ત્યારે જેટલી જાણવાની અધીરાઈથી સંતપ્ત હતા એમને ક્ષોભે શીત બનાવી દીધા; સવારમાં પરેડ કરતા હોય તેમ મૌન આડતેડ નજરો નાખતા બધા ચાલતા રહ્યા.

‘રાઘુ જલદી પાછો ખોલીએ આવી ગયો. મને એમ લાગતું હતું કે…’

જેમ ગાનારે અડધી લીટી છોડી હોય અને બીજો ગાયક ઉપાડી લે તેમ, બીજા કેદીએ એના મનની વાત પૂરી કરી, ‘મનેય પણ! કે તમે એને સુધારવા માટે કરેલી મહેનત જરૂર ફળશે.’

પોપટલાલ મૌન રહ્યા. લૂ અને હિમશીત જાણે એકસાથે વરસી રહ્યાં.

માનસિક ત્રાસથી પીડાતો એક કેદી, જાણે અસહ્ય યાતનાથી છૂટવા માંગતો હોય તેમ ત્રાડ પાડી બોલ્યો, ‘પણ.. .રાઘુએ … રાઘુએ કર્યું શું છે? મને.. મને… કેમ કોઈ કશું કહેતું નથી?’

ચાલતું ટોળું થંભી ગયું. એકેએક કેદી, એવી લાગણી અનુભવતો કે એ અજ્ઞાનીએ એમને ઉત્સુકતાને વાચા આપી હતી.

પોપટલાલે અવાજની દિશા તરફ ડોક ફેરવી. ટોળાને છેડે મૂઠીઓથી એના વાળને ખેંચતો. પડી જતી લાળને જીભથી ખાળતો, ટોકું ધુણાવતો બેહાલ ખડો હતો.

ટોળામાં રસ્તો કરતા કરતા પોપટલાલ એની પાસે પહોંચ્યા, એના માથા પર, બરડા પર હાથ ફેરવતા એ સસ્નેહ બોલ્યા, ‘ભાઈ! શાંત થઈ જા. કોઈને, અહીંયા કોઈને પણ અત્યારે એની સાચી ખબર નથી. જ્યારે અમને ખબર પડશે ત્યારે તને પણ કહીશું.’

તે શાંત થઈ ગયો.

પખવાડિયું વીતી ગયું. સહુ કેદીઓને જાણ થઈ રાઘુએ એની પરણેતરનું ખોટે રસ્તે ઉપાર્જન કરવા માટે કરપીણ ખૂન કર્યું હતું.

સવારના નવ-દસ વાગ્યાનો સુમાર હતો. પોપટલાલ અને થોડા એમના સમવયી કેદીઓ, એમણે વાવેલી શાકભાજીઓની ક્યારીઓમાં એમનું દૈનિક કામ કરતા હતા. અચાનક થોડે દૂરથી આવેતો ઘોંઘાટ એમને કાને પડ્યો. આજુબાજુ, એમને નજર ફેરવી તો જણાયું કે બીજી ક્યારીઓમાં કામ કરી રહેલા કેદીઓ પણ ઉત્સુકતાથી એમની ગર્દન ફેરવીને એમની નજરો પણ શોરબકોરની દિશા તરફ દોદાવી રહ્યા હતા. એના પર વધારે વિચાર કે વાતચીત કરે તે પહેલાં તો તે દિશામાંથી બે ચાર કેદીઓ ‘પોપટભાઈ, પોપટલાલજી’ ની બૂમો પાડતા પૂરપાટ એમની તરફ ધસતા આવતા દેખાયા. તે સહુ સમજી ગયા કે કોઈ અણધારી, સ્ફોટક બીના બની ગઈ હતી કે તે પળો અત્યંત નજદીક હતી.

ખેતસાધનોને બાજુએ ફેઁકીને એ સહુને મળવા તેઓ અધ્ધર શ્વાસે, જીવ લઈને, મૂઠીઓ વાળી ને દોડ્યા. મળતાંની સાથે એ સહુએ એકીસાથે વિધાતક સ્માચાર ઓકી નાખ્યા, ‘ગજબ થઈ ગયો છે! પોપતભાઈ… જલદી જલદી હાલો ત્યાં, નહિ તો કંઈનું કંઈ કરી નાખશે પેલો રાઘુડો. મોટા અધિકારી ભવાનીસિંહને બંદી બનાવીને એ પાછલા દરવાજેથી ભાગવાની કોશિશ કરે છે…પેલે પાછલે દરવાજે!’

ધિંગાણું થયું હોય તેમ તે પાછલા દરવાજાની તરફ દોડવા માંડ્યા. જેલના એ ભાગમાં સંડાસો આવેલાં હતાં. એને કારણે એ નિર્જન રહેતો; એથી કરીને સલામતી માટેનો બંદોબસ્ત પણ ઢીલો રહેતો; તે સમયે જોખમકારક કેદીઓને કુદરતી હાજત માટે પૂરતી તાકીદ સાથે ત્યાં લાવવામાં આવતા. ઉઘાડી વાત હતી કે તંત્રની એ બેદરકારીનો રાઘાએ લાભ ઉઠાવ્યો હતો. એણે એનું ષડય6ત્ર ખૂબ કુનેહપૂર્વક રચ્યું હતું ને અત્યંત સાવધાનીથી એને અમલમાં મૂક્યું હતું.

ત્યાંનું દ્રશ્ય ભાળીને તે સહુ થીજીને હતા ત્યાંને ત્યાં પૂતળાંની માફક મૌન ખોડાઈ ગયા.

રાઘુએ કૉન્સ્ટેબલને દોરડીથી બાંધ્યા હતો, એના મોઢાને ફાડેલા ખમીસથી બુકાનીની જેમ બંધ કરી દીધું હતું ને એને બળજબરીથી તણતો દરવાજા બાજુ જઈ રહ્યો હતો. એના બીજા હાથમાં ભવાનીસિંહનો તમંચો હતો. દરવાજા પર ફરજ બજાવતો સંત્રી અચાનક ઊઠેલા એ સંકટથી માત થઈ ગયો હતો; એના મોટા અધિકારીની દુર્દશા નિહાળીને એના મિતિયા મરી ગયા હતા. રાઘાના હુકમનું પાલન કરવું કે પડકાર એની હોંસાતોંસીમાં ‘ખોલું ના ખોલું’ની અવઢવમાં એ પાણી પાણી થઈ રહ્યો હતો; એના હોશ ઊડી ગયા હતા, ખાસ વારંવાર ગોળ ગોળ ફરતી ગોફણ જેવા તમંચાને નિહાળીને.

એકાએક એ સહુને ત્યાં આવેલા જોઈને રાઘાના અચંબાનો પાર નહોતો. એની યોજનામાં થયેલી ગફલતને કારણે એને અનહદ કોપ ચઢ્યો હતો. એને ત્રાડ પાડી.

‘થોભી જાવ, જ્યાં છો ત્યાં જ, જો તમને તમારો જીવ વ્હાલો હોય ને આ બેઉની ખોપરીઓ બચાવવી હોય તો! ખબરદાર જો કોઈ પાસે આવ્યો છે તો!’

તે ધમકી સાંભળીને ટોળાના કેદીઓના હાજાં ગગડી ગયાં; પોપટલાલનાં પણ કારણકે રાઘવ સિસોદિયો એમ કરવા સમર્થ હતો તે બધા પૂરી રીતે જાણતા હતા, સમજતા પણ.

રાઘો સંત્રીની ચોકી આગળ પહોંચ્યો ને સંત્રીને વધારે ધમકી આપવા જતો હતો તેવામાં એણે પોપટભાઈને પહેલું કદમ ઉઠાવતા જોયા. એના દિલમાં હરણફાળ પડી. એને અત્યંત વિક્ષોભ થયો. તે બરાડ્યો, ‘ત્યાં જ રોકાઈ જાવ. એક પણ કદમ..’

‘ના, રાઘુ! બહુ નાસભાગ કરી. ક્યાં સુધી કરીશ? તું…’

‘તમારી સુફિયાણી તમારી પાસે રાખો. મારે એનો ખપ નથી!’ ને બેઉની આંખો મળી ગઈ જેમ જંગલમાં બે સમોવડિયાં રાની પશુઓની ભેટ થાય તેમ. બેઉના દિલમાં ધાક હતી, ભય હતો, પન બેઉ હઠીલા આપમતિ હતા.

વખત પાણીના રેલાની જેમ વહેતો હતો. એનું માનસિક દબાણ રાઘાએ અનુભવવા માંડ્યું હતું. પોપટભાઈએ એની શરીરવાણી જાણી લીધી હતી. એનામાં થયેલા છેદનો ભેદ એ પારખી ગયા હતા. એમણે આગલ કદમ ભરતાં એ દબાણ વધાર્યું.

‘ના હું તને એમ નથી કરવા દેવાનો. થોડાક દિવસોથી આપણે માથે થાપેલાં પાપના પોટલાંનો ભાર ઓછાકરવાની વાત કરતા હતા.’

‘હવે બહુ થયું,’ એણે તમંચાનો વાંદરો કુદાવ્યો, જેના અવાજથી હાજર બધાંના હ્રદય ફફડ્યાં, ‘તમને ખબર છે હું જેલમાં કેમ આટલો બધો જલદી પાછા વળ્યો છું?’ પરણેતરનું કાસળ કાઢી નાખ્યું છે કારણકે ‘ધંધે’ બેઠી તી. એ વચલા દલાલને મોતને ઘાટે ઉતારવા છે. મારું હવે કોણ છે? આ જીવતરમાં શું કસ રહ્યો છે? રામરામ! થોભો છો કે..’

‘ના, ના ને ના. કોન છે તારું? હું છું. આ સત્કામ માટે તો પ્રભુએ આપણને અહીં એકઠા કર્યા છે. કેટકેટલાના જીવ લેતો ફરીશ?’ તારી પત્ની નો લીધો, ભવાનીનો, સંત્રીનો, મારો…. પણ એથી શું વળશે?’

બેઉ એકબીજાની નિકટ આવી ગયા, આંખો મળી, દીલના ધબકારા સંભળાયા, ઉષ્ણ શ્વાસોશ્વાસ સ્પર્શ્યા – જ્યારે અધીર ટોળું પોપટભાઈ, ભવાની સિંહ, કે સંત્રીનાં મંડા પડવાની રાહ જોતું હતું ત્યારે, એ અંતિમ ક્ષણે… જીવન અને મૃત્યુ વચ્ચેની ક્ષણે, રાઘુ નાના બાળકની જેમ રડતો, કકળતો પોપટભાઈના બાહુપાશમાં સમાઈ ગયો. ડુસકાં સન્નાટાની નીરવતા ભંગ કરી રહ્યાં.

– ઈવા ડેવ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ડબલીઓ – ઈવા ડેવ