કૌરવ સભા – ભગવતીકુમાર શર્મા 4


(ગુજરાત દીપોત્સવી અંક ૨૦૧૬ માંથી સાભાર)

ધૂમતા સિલિંગ ફેનના ફરફરાટમાંથી, ટાઈપરાઈટરોના ટકટકારામાંથી, ફાઈલોની સરસરાહટમાંથી, ટેબલપરના કૉલબેલના ગુંજારવમાંથી, ઘંટડીના રણકારમાંથી, લેડીઝ-ટૉયલેટના અરીસાની ઝાંયમાંથી, કેન્ટિનના કૉફી-કપની ઊદતી વરાળમાંથી એક જ વાત વાગોળાતી હતીઃ સાહેબ અને મિસિસ શીલા શ્રીવાસ્તવના સંબંધો.

કાનાફૂસી, આંખોના મીચકારા, હાથના ચાળા, હોઠોને ખૂણેથી ડોકાતાં સ્મિત, પટાવાળાઓના માખીના બણબણાટ જેવા શબ્દો દ્રિઅર્થી ઉદ્દગારો, બોલકણાં મૌન, સાહેબ અને શીલા શ્રીવાસ્તવના જવા-આવવાના સમયે વૉલ-ક્લૉક પર નોંધાતી સાનૂહિક નજરો, ઊડી આવતી બાતમીઓ ખીલતી જતી જાસૂસી કળા, કિવદંતીઓની વિસ્તરતી પાંખો-એ બધું પણ એની આસપાસ ઘુમરાતું હતું.

મંજરી મહેતા, અવિનાશ દીક્ષિત, શાર્દુલસિંહ બ્રાર, જયબાળા કુલકર્ણી, સિલ્વિયા પિન્ટો, આયેશા ફૈઝલ, ધોંડુ પટાવાળો, નન્દન કાગળવાળા, રામ વાસવાણી, બધાં ઓફિસના કામમાંથી પળ-વિપળની ફુરસદ મળતાં જ વળી વળીને એક જ ચર્ચાને ચાકડે ચઢી જતાં હતાં. એકેીક જણની પાસે કંઈક ને કંઈક મહત્વની બાતમી હતી ‘ડિડન્ટ આઈ ટેલ યુ?’ નો ભાવ સહુ કોઈના ચહેરા પર વર્તાતો હતો.

મંજરી મહેતાએ હજી ગઈકાલે સાંજે બરાબર ૭ ને ૪૯ મિનિટે સાહેબ અને મિસિ શીલા શ્રીવાસ્તવને અથવા એમના જેવા કોઈકને ટેક્સીમાં હોર્નબી રોડ પરથી પસાર થતાં જોયાં હતાં ત્યારે શીલાનું માથું સાહેબને ખભે અથવા સાહેબનું માથું શિલાને ખભે ઢળેલું હતું. મંજરીને અફસોસ એટલો જ હતો કે તે ટેક્સીનો નંબર નોંધી લેવાનું ભૂલી ગઈ હતી.

અવિનાશ દીક્ષિત છાતી ઠોકીને કહેતો હતો કે, સાહેબ અને મિસિસ શીલા શ્રીવાસ્તવ વચ્ચે પ્રેમપત્રોની આપલે થાય છે અને તે ઑફિસમાં જ. અહીં મંજરીએ અવિનાશને પડકાર્યો હતો – ‘તમને શી રીતે ખબર પડી કે એ લવ-લેટર્સ છે?, કોઈ દિવસ પ્રેમ-પત્ર લખ્યો, વાંચ્યો કે તફડાવ્યો છે ખરો?’ આતલું બોલતા મંજરીની આંખોમાં ઉદાસી આવી ગઈ હતી. પણ અવિનાશે ‘આઈ એમ શ્યોર કે તે ધોબીના હિસાબના કાગળ નહિ જ હોય’ એમ કહીને મંજરીને કાપી નાખવાનો પ્રયત્ન કર્યો. જવાબમાં મંજરીએ સજાયેલી છરી જેવા અવાજમાં પરખાવ્યું – ‘તમે તો આખી જિંદગી ધોબીના હિસાબો જ વાંચ્યા છે!’

શાર્દુલસિંહ બ્રાર તેમની દાઢી પસવારીને કહે છેઃ ‘હમને તો ઉન હીર-રાંઝા દોનોં કો એક સાથે સનીમામેં ભી દેખા હૈ!’

‘પર ઉસ વક્ત આપ કે સાથે કૌન થા – મેરા મતલબ હૈ, કોન થી?’ ઝઊંડમાંઠી કોઈક પૂછી લે છે અને બ્રાર નીચું જોઈ જાય છે.

રોજ સુગંધીદાર ફૂલોની વેણી પહેરીને ઑફિસે આવતૉ જયબાળા કુલકર્ણીનું કહેવું છે કે, એકવાર તે ઓચિંતી સાહેબની કેબિનમાં જૈ ચઢી ત્યારે તેણે ત્યાં જે દ્રશ્ય જોયું હતું તે… અહીં વાક્ય અધુરું છોડી દઈને જયબાળા ઉમેરે છેઃ ‘દેવશપ્પથ!’ શરમ અને પ્રગલ્ભતાના મિશ્ર ભાવોને વહાવતી જયબાળા કેબિનમાં પોતે જોયેલા દ્રશ્યનું વર્ણન પૂરું કરવાના સહકર્મચારીઓના આગ્રહની પ્રાણપૂર્વક પ્રતીક્ષા કરે છે. તેવો આગ્રહ થતાં તે ખીલી ઊઠે છે અને રનિંગ કૉમેન્ટરી ઢબે રસઝરતું બ્યાન પૂરૂં કરે છે ત્યારે તાજી કેરીનું ચટાકેદાર અથાણું ખાધાનો આનંદ અનુભવે છે. પણ શાર્દુલસિંહ તેની તરફ આંખ મીંચકારી કહે છેઃ ‘મેં તો મિસેઝ શ્રીવાસ્તવકી જગહ પર તુમ્હારી કલ્પના કર કે મજા લેતા હૂં!’ જૌઅબાળા આ સાંભળીને કૃત્રિમ રોષ કરે છે અને સાચકલો નિઃશ્વાસ નાખે છે. સિલ્વિયા પિન્ટો છાતી પર ક્રોસ રચીને કહે છેઃ ‘જિસસ! હમ તો સોચતા હૈ કિ અબ સાહબ ઉનકા બીબીકો ડાયવોર્સ દે દેગા ઔર ઉસ શીલાકી બચ્ચીસે દુસરા શાદી કરેગા!’ બોલતાં બોલતાં તેની આંખોના ખૂણા નહિ, હોઠ ભીના થઈ જાય છે. તેને યાદ આવે છે, કે તે પોતે બે વારની ડિવોર્સી છે. શાર્દુલસિંહ તેને પણ કહે છેઃ ‘તુમ ક્યોં ટ્રાય નહીં કરતી સાહબ કે વાસ્તે?’ ત્યારે સિલ્વિયા ‘માય ફૂટ!’ કહીને ચૂપ થઈ જાય છે.

આયેશા ફૈઝલ દુઃખી છે – બેહદ દુઃખી છે. હજુ બેઅઢી વરસ વર્ષ પહેલાં એણે પોતે જ સાહેબને પોતાના મોહપાશમાં જકડવાની કોશિશ કરી હતી- ‘લેકિન વો નાકામિયાબ રહી થી!’ ફિલ્મો જોવાનું વધારી દઈને એણે અનેક અખતરાઓ કર્યા હતા. ‘મગર પથ્થર પે પાની!’ તે બેઈન્તહા માયૂસ થઈ ગઈ હતી. નિરાશા અને રોષને કારણે તેણે થોડીક ભાંગીતૂટી ઉર્દુ ગઝલો લખી હતી, સાહેબને ‘ઉસ મનહૂસ બુઢા!’ કહીને મનોમન ખાસ્સી ગાળો આપી હતી. તેવામાં સાહેબ અને મિસિસ શીલાનો ‘રિશ્તો’ ચગી નીકળતાં તે પહેલા ‘સન્ન રહ ગઈ થી’ અને પછી ‘પહેલે સે ભી જ્યાદા બેકરાર.’ એક પ્રશ્ન તેને વારંવાર થતોઃ ‘મુઝ મેં ક્યા કમી થી કિ વો બૂઢા ઉસ સે -‘ અને અંતે તે શીલા ને શાપ આપીને સંતોષ અનુભવે છેઃ ‘અલ્લાહતાહ ઉસ હરામઝાદી કો કભી મુઆફ નહીં કરેગા!’

અહીં પણ બ્રાર તેની અસસ્ધીકાના હરકતોથી બાઝ આવતો નથી અને આયેશાને કહે છેઃ ‘મૈં ક્યા ઉસ બુઢે સે ભી ગયા – ગુઝરા હું?’ અગર હમદોનોં મેલજોલ બઢા લેં તો કોમી એખલાસ કાભી નમૂના પેશ કર સકેંગે ઈસ મુલ્કમેં!’

ધોંડું પટાવાળો તેની પૂરી જિંદગીમાં આટલો ખુશખુશાલ ક્યારેય ન હતો. તે શીલા શ્રીવાસ્તવનાં અનેક નાનાં, પરચૂરણ કામો કરી આપે છે. ગઈકાલે તે તેના કહેવાથી સરસ, મોંધો ખુશ્બૂદાર સાબુ લઈ આવ્યો હતો. ‘એના પૈસા આહેબે ચૂકવ્યા હતા’ એમ તેનું કહેવું છે. મિસિસ શીલા શ્રીવાસ્તવ માટે તે ‘શીલાબાઈ’ અથવા ‘બાઈસાહેબ’ શબ્દો વાપરે છે. એક કાંકરે બે પક્ષી માર્યાની તેને ખુશી છે. ‘બાઈસાહેબ’ને રાજી રાખવાથી સાહેબ પણ તેના પર પ્રસન્ન રહે છે તે સમજી ગયો છે. સાહેબે તેને પગારવધારનું વચન આપ્યું છે. ‘સાહેબનો બચ્ચો જો તેનો આબોલ નહિ પાળે તો સુવ્વરનો બધો ભાંડો ફોડી નાંખીશ – ઓફીસના નોટિસબોર્ડ પર બંને જણા વિશે ઊંધું ચતું લખાવીશ!’ તે મનોમન મનસૂબા ઘડ્યા કરે છે.

નન્દન કાગળવાળા પોતાને મહાન જ્યોતિષી માને છે અને સાહેબ કે શીલા શ્રીવાસ્તવ, બેમાંથી એકેયની કુંડલી કે હસ્તરેખા જોયા વિના આગાહી કરે છેઃ ‘તમે જોજો. બે વર્ષમાં શીલા ઓફીસની આસિસ્ટન્ટ મેનેજર બનશે અને ત્રણ વર્ષમાં સાહેબ કાળનો કોળિયો! – બબ્બે સ્ત્રીઓને વિધવા બનાવતો જશે આ વૃદ્ધજન!’ તેની આવી કરપીણ આગાહીઓ સાંભળીને તેના ઉત્સુક શ્રોતાઓ એક સાથે અગાધ આશ્વર્ય, ઘેરી ક્ષુબ્ધતા અને પારાવાર આનંદ અનુભવે છે.

એકતાળીસ વર્ષના રામ વાસવાનીને સાહેબની ભરપૂર ઈર્ષ્યા આવે છેઃ ‘બુઢ્ઢો એક પગ કબરમાં નાંખીને બેઠો છે – ચાર બચ્ચાંનો બાપ છે તો યે આ ઉંમરે શીલા સાથે જલસા કરે છે!’ અહીં વાસવાણીના મોઢામાંથી લાળ ઝરવા માંડે છે.

‘મારા જેવા જુવાનજોધ કુંવારા માણસો કોશિશ કરી કરીને જૈફ થવા આવ્યા! ઈશ્વરના દરબારમાં આવો ગેરઈન્સાફ! મેં આ શીલા શ્રીવાસ્તવનાં કંઈ ઓછા કામ કરી આપ્યા છે! એના હસબન્ડ માટે રેલ્વે ટિકિટનું રિઝર્વેશન કરાવવાનું, એનાં બચ્ચાંને કોન્વેન્ટમાં એડ્મિશન આપવાનું – અરે ગયે રવિવારે સાહેબ અને શીલા નવી ફિલ્મની ટિકિટ પણ મેં જ – અને પછી વાસવાણી ‘પુરાની ફિલ્મોંમે ગીત’માંથી એકાદ ગણગણવા માંડે છે.

મંજરી, અવિનાશ, શાર્દુકસિંહ, જયબાળા, સિલ્વિયા, આયેશા, નન્દન, ધોંડુ, વાસવાણી – બધાં જ એક અદ્રષ્ટ ચક્રમાં, અવિરત ઘુમે છે – આનંદ, રસિકતા, સ્વાર્થ, ઈર્ષ્યા, નિઃશ્વાસ, કૂથલી, ગમ્મત, પૂર્વગ્રહ, તિરસ્કાર, નિરાશા, બદલો લેવાની વૃત્તિના વંટોળમાં વીંઝાયા કરે છે. – ગોળગોળ, આડાઅવળાં, ફંગોળતા-ફંગોળતાં, ધક્કામૂકી કરતાં, ગબડી પડતાં, લાળ પાડતાં, પાનનો ડૂચો ખોસેલા મોઢામાંથી થૂંક ઉઝડતાં, નેલપોલિશ કરેલી આંગળીઓને હવામાં ભોંકતાં, જાસૂસી કરતાં, પોતપોતાની ભીતર ડોકિયું કરવાનું વીસરી જતાં – ટાળતાં – ઠેલતાં – ભોળાં, બદમાશ, માણસો હોઈ શકે તેટલાં સારાં અને ખરાબ….

પણ અંજન ઉપાધ્યાય આ બધાંમાંથી કંઈક વેગળો છે – આ ગમ્મત, ઈર્ષ્યા, નિઃસાસા, કાનાફૂસી, આંખમીંચકારા, કટાક્ષ, ભંભેરણી, આઘાપાછી, બેવડા અર્થના શબ્દોની આતશબાજીથી જીવતી જાગતી, ધબકતી દુનિયાથી અગલ અલગ. ખૂણામાંના ટેબલપર તે સવારથી સાંજ સુધી બેસી રહે છે – ગુમસુમ, ચૂપચાપ, ઉદાસ, સ્તબ્ધ પણ અંદરથી મરચાં આંજેલી આંખ જેવો પળેપળની નાની મોટી ઘટનાઓની નોંધ લીધા કરે છે – સિસ્મોગ્રાફની જેમ. કોણ આવ્યું, કોણ ક્યાં ગયું, કોણ શું બોલ્યું, કોણે શું કર્યું – બધું એની હયાતીના ઊંડા ઊંડા સ્તરોમાં ટપકાબતું રહે છે. ઓછાબોલો એ ક્યારેય ન હતો, પણ જ્યારથી ઓફિસમાં આ પ્રકરણ શરૂ થયું છે ત્યારથી તેના શબ્દો ખોવાતા ગયા છે. પહેલા કરતાં વધુ કામ કરે છે. ક્યારેક રિસેસ પણ ભોગતો નથી. જાડી ફ્રેમના ચશ્માવાળું પોતાનું મોઢું મોડે સુધી ફાઈલોમાં ખોસી રાખે છે. ક્યારેક બોલપેન પકડેલા હાથ ને હડપચી પર ટેકવીને દૂર દૂર…. પછી થોડીક ક્ષણોમાં પાછો ફરે છે. આ ફાઈલ, વાઉચર, ઈન્વોઈસ અને ગોસિપ અને ગૂંચવાયેલા સંબંધોની દુનિયામાં…

ઘણું ખરું અવિનાશ દીક્ષિતનું જ ધ્યાન ગયું – અંજન ઉપાધ્યાયના આ વેગળાપણા તરફ. તેણે બધાંનું ધ્યાન ખેંચ્યું. સહુ તરત તે સાથે સંમત થયાં – આ અંજન ઉપાધ્યાય – હંમેશનો હસતો, હસાવતો, બોલબોલ કરતો, આનંદી માણસ હમનાંનો મૂંગોમંતર કેમ થઈ ગયો છે? એની આ ચૂપકીદી અને વેગળાપણાને કારણે તે સાહેબ અને મિસિસ શીલા શ્રીવાસ્તવના આ પ્રકરણમાં પૂરો રંગ જામતો નથી. બધું અધૂરું અધૂરું, રસકસ વિનાનું લાગે છે. ઉપાધ્યાય ફૂલ ફોર્મમાં હોય તો – તો તેણે જાતજાતના તરંગો ઊછાળીને બધાંને હસાવ્યે રાખ્યાં હોય! દૂરના ભૂતકાળમાં અંજન ઉપાધ્યાય કવિ પણ હતો – સામાન્ય કક્ષાનો સ્તો! તોય તેણે સાહેબ અને શીલા વિશે બે – પાંચ રમૂજી જોડકણાં અવશ્ય જોડી નાખ્યાં હોત, પરંતુ આ તો…! સહુ અકળાતાં હતાં. એટલે જ એક દિવસ અવિનાશ દિક્ષીતની સરદારી હેઠળ અંજન ઉપાધ્યાય પર હલ્લો આવ્યો. તે દિવસે સાહેબ અને શીલા એક સાથે સી.એલ પર હતાં. મેદાન મોકળું હતું. પહેલો ફટાકડો અવિનાશે જ ફોડ્યોઃ

‘અલ્યા ઉપાધ્યાય, તને આંખ-કાન-નાક ખરાં કે નહિં?’

ઉપાધ્યાયે ચકિત થઈને પ્રશ્નાર્થભાવે અવિનાશ તરફ જોયું. ત્યાં તો મંજરી ત્રાટકીઃ ‘તમારા નજીકના સગામાં કોઈકનું અવસાન તો -‘

‘હમારી ખુદ કી મા મર ગઈ તબ ભી હમ ઈતને માયૂસ નહીં રહતે થે.’ શાર્દુલસિંહે ટહુકો કર્યો.

‘વાત શી છે કહેશો?’ અંજને ધીમા સ્વર પ્રશ્ન કર્યો. પડઘારૂપે શબ્દોનું ઝાપટું!

‘આપણા સાહેબ -‘

‘અને પેલી શીલા શ્રીવાસ્તવ-‘

‘એ બંનેની અફેર-‘

‘છડેચોક!’ ઉઘાડે છોગ.

‘નફ્ફટ!’ ‘બેશરમ!’ ‘ઈમ્મોરલ!’ ‘ઈન્ડિસન્ટ!’ ‘અસહ્ય!’ ‘અક્ષમ્ય!’

‘બબ્બે ઘરો ઉજળી રહ્યાં છે અને આપણે બધાં કૌરવસભાના પાંડવોની જેમ નપુસંક-‘

‘નિવીર્ય!’

શબ્દો ખૂટ્યા એટલે થોડીક ક્ષણો માટે મૌન પથરાયું. તક જોઈને અંજને લગભગ સ્વગત જેવો પ્રશ્ન કર્યોઃ ‘પણ એમાં આપણે શું કરી શકીએ? એ તો તેઓનો અંગત મામલો છે. વ્હાય શુડ વી ઈન્ટરફિયર?’

ત્યાં તો બધા અંજન પર તૂટી પડ્યાં, ‘આ અંગત મામલો નથી! આ ઑફિસની જાહેર બાબત છે! પ્રમોશન પડાવા માટેનો શીલાડી બિલાડીનો આ અનૈતિક પેંતરો છે!’ આપણાં બધાંનાં મોરલનો આ પ્રશ્ન છે!’

વળી વાક્યો વિરમ્યાં એટલે અંજને પ્રશ્ન વહેતો મૂક્યોઃ ‘બટ વૉટ કૅન વીડુ!’

પળભર મૌન પથરાયું. બધાં જાણે મનોમન એ પ્રશ્ન દોહરાવતાં હતાં – ત્યાં તો બ્રાર જુસ્સાથી બોલ્યોઃ

‘હમ અપની હેડ ઑફિસ કો ઈસ બારેમેં ઈત્તલા દે સકતે હૈ!’

‘એના કરતાં શીલા શ્રીવાસ્તવના હસબન્ડને બધાં બાતમી પહોંચાડી દો ને!’

‘શ્રીવાસ્તવને સરનામે માત્ર એક નનામો પોસ્ટકાર્ડ!’

‘એવો જ પોસ્ટકાર્ડ સાહેબની વાઈફ પર!’

‘અથવા ઑફિસમાં સાહેબની કૅબિન બહાર આપણે બધાં ધરણાં કરીએ!’

‘અથવા કેમેરાની ઓચિંતી ક્લિક! ઝડપાઈ જાય રેડ હેન્ડેડ!’

આક્ષેપો, અતિશયોક્તિઓ, ઉપાલંભો, કોલાહલ, સુધરેલી અંગ્રેજી ગાળો, કટાક્ષ – પ્રચૂર હાસ્યો, થૂંક, સડેલા દાંતો વચ્ચેથી ઊટતી તમાકુની પિચકારી, કાનના મેલ વચ્ચે ફરતી દીવાસળી…

દરિયાના ખારા ઉસ પાણીથી ઘેરાઈ ગયેલો હોય તેવો અંજન ઉપાધ્યાય માંડ માંડ બાથોડિયાં ભરીને તેમાંથી બહાર નીકળ્યો. તેને લાગ્યું કે તેનું શરીર ચચરી રહ્યું હતું. તેને ક્યાંકથી અજાણી દુર્ગંધ આવી. તે સૂનમૂન બેસી રહ્યો. તેની બંધ આંખો સમક્ષના કાળમીંઢ અંધકારમાં લાં…બી ક્ષણો પછી એક ચહેરો તરવરી ઊઠ્યો – સુંદર સોહામણો ચહેરો… પછી બીજો ચહેરો.. અંજને બળપૂર્વક આંખો બીડેલી રાખી. ભીતરી અંધકારની સતહ પરથી ચહેરાઓ ભૂંસાઈ શકતા હતા; માત્ર એની થોડીક વિગતો બદલાતી હતી, એક ચહેરો શીલાનો હોઈ શકે, મંજરીનો, આયેશાનો, સિલ્વિયાનો, શાશ્વતીનો, સપનાનો, યામિનીનો, કે પારમિતાનો પણ હોઈ શકે, અવિનાશનો, શાર્દુલસિંહનો, નન્દનનો, વાસવાણીનો અથવા… અથવા પોતાનો પણ હોઈ શકે- હતો…. અંજન ઉપાધ્યાયને ધ્રુજારી આવી. બાકી બધું એક સરખું શબ્દોનાં આવાં જ ગીધડાં, આવી જ સુધરેલી ગાળો, નનામા કાગળોન જાસાચિઠ્ઠી, સડેલાંદાંત વચ્ચેથી છૂટેલી તમાકુવાળા પાનની પિચકારી, કાનના મેલમાં ફરતી દીવાસળી…

પોતાની ચારેકોર જામેલા આતુર, આક્રમક ટોળાને આંચકો આપતો હોય તેમ અંજન ઉપાધ્યાય હડફ્ફ થઈને ઊભો થઈ ગયો. એની આંખો પહોલી થઈ ગઈ હતી. એના શ્વાસ ફાટફાટ થતા હતા. હચમચી ગયેલા ધારદાર સ્વરે તે બોલ્યોઃ

‘દોસ્તો, આઈ એમ સૉરી… હું.. હું… હું તમારી સાથે નહિં ભળી શકું.’

થોડીક પળો માટે સોપો પડી ગયો. ચોતરફ અંજનના આ શબ્દોથી પછી બધા બેવડાં ઝનૂનથી ઊછળ્યાંઃ

‘શા માટે? …વ્હાય? …લેકિન ક્યોં? …શું તું તારી જાતને અમારાથી ઊંચો, દેવ જેવો માને છે?’

અવાજોનાં ઝૂંડનાં ઝૂંડ માંડ ઓગળ્યાં એટલે અંજને જાણે સ્વને કહેતો હોય તેમ ધીમા, ઘેરા ઘૂંટાયેલા, ધ્રુજતા સ્વરે કહ્યુંઃ

‘ના મિત્રો! હું પણ માણ્સ જ છું- માણસની બધી મર્યાદાઓથી સભર… ક્યારેક હું આપણા સાહેબની જેમ વર્તું… વર્ત્યો પણ હોઉં… ક્યારેક તમારા લોકોની જેમ વર્તન કરું… કર્યું… કર્યું પણ હોય… હવે હું કલ્પી શકું છું – નાવ આઈ કેન રિયલાઈઝ કે… કે… દરેક માણસની પીઠ પાછળની દુનિયામાં એક, અનેકાએક કૌવરસભાઓ વસતી હોય છે… અને દરેકે દરેક જણને ક્યારેક તો દ્રોપદીની દશામાં…વાક્ય અધૂરું છોડીને અંજન ઉપાધ્યાય કોઈ કાંઇ સમજે – વિચારે તે પહેલાં ત્યાંથી કે જાણે ઓગળી ગયો.’

– ભગવતીકુમાર શર્મા


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “કૌરવ સભા – ભગવતીકુમાર શર્મા

  • ભરત ચકલાસિયા

    ભગવતીકુમાર શર્મા તો સાહિત્યકાશ ના ઝળહળતા તારલા છે. તેમની કલમ આવી સુંદર વાર્તા ન લખે તો જ નવાઈ ! અમારા સુરતનું નઝરાણું છે ભાઈ ! માણસના સ્વભાવ માં કુથલી તો આંબલીના કાતરા જેવી ખાટી મીઠી હોય છે.પોતાને જે ના મળ્યું કે પોતે જે ન કરી શક્યા એ બીજો કોઈ જો કરી જાય તો માણસ થઈ સહન કેમ થાય ? એટલે કુથલી કરી કરી ને પોતાના જીવ ને સાંત્વન આપવાનો રસિલો રસ્તો માણસ અપનાવી લે !!