ચુંદડી – મિત્તલ પટેલ 8


રોહન ફક્ત પાંચ વર્ષનો હતો જ્યારે એની મા એને અને અપંગ પતિને સાસુના ભરોસે મૂકીને ગઈ હતી. માથી ક્યારેય અળગો ન રહેનાર રોહન એના વિના તરફડતો, રડતો રહેતો. દાદી અને પપ્પા એના પર અપાર સ્નેહ વરસાવતા, પણ રોહનને તો મમ્મીના સ્નેહની જ ખેવના રહેતી. મમ્મીના ગયા પછી બીજા જ મહિને એને શહેરની સૌથી શ્રેષ્ઠ અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ મળી ગયો. બીજા બાળકોની મમ્મીને જોઈને રોહનનો જીવ બળતો. એના દાદી પોતાના પ્રેમના મલમથી એના કોમળ હૈયે લાગેલા ઘા રૂઝવવાનો પ્રયત્ન કરતા.

સમીરની મજૂરીકામની ટૂંકી આવકમાં, એક રૂમ રસોડાના નાનકડા ઘરમાં અભાવ વચ્ચે પણ સીમા સમીરનું સરળ અને ખુશખુશાલ જીવન ધબકતું. પણ સીમાના ગયા પછી તો એનું જીવન હવે માંડ પસાર થતું હતું. સીમા ક્યારેક ઘરે આવતી, ત્યારે આ અધૂરું ખોરડું ફરીથી સંપૂર્ણ થઈ ઉઠતું. રોહન માને રોકાઈ જવા માટે જીદ કરતો.

શરૂઆત થઈ એ ગોઝારા દિવસથી જ્યારે એ શાળાએથી ઘરે આવ્યો, મમ્મીને શોધીશોધીને થાક્યો, એની લાલ આંખોના નસીબમાં સોજીને સ્વપ્નવિહીન નિંદ્રા સાથે મીંચાવાનું આવ્યું. માની મહેકથી મઘમઘતી ચુંદડી ચહેરે વળગાડીને એ એકલવાયી રાતો પસાર કરતો થયો.

એક દિવસ રોહનની જીદને વશ થઈને એના દાદી એને શેઠના બંગલે લઈ ગયા, જ્યાં એની મા છેલ્લા બે વર્ષથી શેઠની વહુના બાળકની દેખરેખ રાખવાનું કામ કરતી હતી. શેઠાણીએ એમને ખાવા માટે મીઠાઈઓ અને ઘરે લઈ જવા માટે ચોકલેટો અને રમકડા આપ્યા. પછી એક નોકર એમને એક ઓરડામાં લઈ ગયો.

રમકડાઓથી ભરેલો રમવા માટેનો અલગ ઓરડો જોઈને રોહન ખુશીથી ઝૂમી ઉઠ્યો પણ બીજી જ ક્ષણે એક બાળકીને ઊંચકીને બાથરૂમમાંથી નીકળતી અને વહાલથી એના ગાલ પર પપ્પી કરીને ‘મારી સોના’ બોલતી મમ્મીને જોઈને રોહન ખળભળી ઊઠ્યો. એનું બાળ મન ઈર્ષાથી સળગી ઉઠ્યું. મા પ્રત્યેના એના અપાર સ્નેહની ચુંદડીમાં ગુસ્સાના છાંટા ઊડ્યા. રોહનને જોઈને સીમાએ દોડીને એને ગળે વળગાડ્યો. પણ રોહન તો રીસ કરતાંય વધુ આઘાતથી નિરપેક્ષ થયેલી નજર ફેરવીને દૂર જોતો રહ્યો.

“મા મને મૂકીને એને કેમ વાલી કરે છે દાદી?” ઘરે જતી વખતે પૂછાયેલા રોહનના નિર્દોષ સવાલમાં છુપાયેલું દર્દ દાદીની વૃદ્ધ આંખોને ભીની કરતું ગયું. એમણે એને ફરી ક્યારેય બંગલે ન લાવવાનું નક્કી કર્યું.

“બેટા, મમ્મી એનું કામ કરતી હતી. રીયાબેબીની સંભાળ રાખવાના પૈસા મળે છે. શેઠ-શેઠાણી બહુ સારા છે. તારા પપ્પાના ઇલાજનો ખર્ચ આપે છે. તને આટલી સારી શાળામાં ભણાવે છે. એક્સિડન્ટમાં પપ્પાના બંને પગ ભાંગ્યા પછી તો આપણે ખાવાનાંય ફાંફાં હતા. તું ભણીગણીને મોટો સાહેબ બને અને પપ્પા જલદી સારા થઈ જાય એટલાં માટે જ તો મમ્મી આપણાથી દૂર રહે છે.” રોહનનું મન વાળવા માટે દાદીએ અપાવેલા આઈસક્રીમને ખાતાં સાત વર્ષના બાળ મનમાં એક વાત ઠસી ગઈ કે ‘માને એ છોકરીને વહાલ કરવાના પૈસા મળે છે.’

રોહન હંમેશા મન લગાવીને ભણતો અને વર્ગમાં પ્રથમ આવતો. સમીર પણ વ્હિલચેરમાં બેસીને ઘરેથી થોડું કામ કરતો. બહુ જલદી એ ચાલતો થઈ જશે એવી ડોક્ટરે બાંહેધરી પણ આપી હતી.

મા આવતી ત્યારે “તારા વિના જીવવું આકરું લાગે છે. તું એવું કામ શોધ જેમાં સાંજે ઘરે આવી શકાય, રોહન પણ તારા વિના કેવો ઝૂરે છે.” કહેતાં સમીરના અવાજમાં આજીજી અને અસહાયતા ભળી જતી. નિંદરની આડશમાં પિતાની વાત સાંભળતો રોહન પપ્પાની વાત અવગણીને બંગલે જતી મમ્મીના વર્તન પ્રત્યે અકળાતો.

એક વખત રોહન અતિશય બીમાર પડ્યો. ધગધગતાં તાવમાં શેકાતા નાનકડા શરીરને ફક્ત માના સ્પર્શની ચાહ હતી. તંદ્રામાં રોહનના મુખમાંથી નીકળતા ‘મમ્મી… મમ્મી’ના પોકારોએ સીમાને આવવા મજબૂર કરી. હાંફળી ફાંફળી સીમાના ઘરે આવતા જ રોહનના બીમાર તન અને ઉદાસ મનને સલામતી અનુભવાઈ. ત્રીજી રાત્રે સીમાએ વાર્તા કહીને જ્યારે પ્રેમથી રોહનને સૂવડાવ્યો ત્યારે એને ક્યાં ખબર હતી કે બીજા દિવસની સવાર ફરી એની આંખોમાં મમતાનો સૂનકાર લઈને આવશે.

“બેટા, રીયાબેબી મમ્મી વગર રહેતા જ નહોતા. રડીરડીને અડધી થઈ ગઈ. જમે નહિ, સૂવે પણ નહિ. શેઠે અડધી રાત્રે ગાડી મોકલાવી. તારી મા બચારી, શું કરે? તું તો મારો ડાહ્યો દીકો છે ને. તું મોટો છે. તું સમજ. હું છું ને તારું ધ્યાન રાખવા.” રડતા રોહનને શાંત કરતા દાદીને નેજે પાણી ચડ્યા. રોહન માની ચુંદડીના સથવારે માંદગીમાંથી બહાર આવી ગયો. એ ઘટના પછી રોહન ક્યારેય મા માટે જીદ ન કરતો, બીમારીમાંય નહિ.

રોહન કોઈ ગડમથલમાં હોય એમ હંમેશા કંઈક વિચારતો રહેતો. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સમર્પિત શિક્ષક શશિકાંતજીના ધ્યાનમાં એ વાત આવતા એમણે રોહનને એની નિરાશા અને વ્યથાનું કારણ પૂછ્યું; પહેલાં તો રોહન ચૂપ રહ્યો પણ પ્રેમથી યુક્તિપૂર્વક પૂછતાં એણે બોલવાની હિંમત કરી.

“સર, મારે પૈસા કમાવા છે, ખૂબ પૈસા.” રોહને અચકાતાં કહ્યું.

“તું હોંશિયાર વિદ્યાર્થી છે, ભણીગણીને જરૂર ખૂબ પૈસા કમાઈશ.” શિક્ષકે પ્રેમથી કહ્યું.

“મોટા થઈને નહિ, અત્યારે જ. હું જેની પાસે કામ માંગું, એ ના પાડી દે છે. તમે મને કોઈ કામ અપાવશો?” શિક્ષક જાણતા હતા કે રોહનની માના પગારથી એના પરિવારનો નિર્વાહ થાય છે, પણ આ દસ વર્ષના બાળકના મનમાં શું છે? મહેનતમાં વિશ્વાસ રાખતા પોતાના વિદ્યાર્થી પ્રત્યે એમને ગર્વ થયો અને ચિંતા પણ.

“તારે પૈસા શું કામ જોઈએ છે? મને કહે, હું મદદ કરીશ.” રોહનને ખોળામાં બેસાડીને એમણે પ્રેમથી પૂછ્યું. રોહને પોતાની બેગમાંથી એક ઓઢણી કાઢીને તેમને બતાવતાં કહ્યું, “આ મારી મમ્મીની ચુંંદડી છે સર. પૈસાથી બધું જ ખરીદી શકાય છે. મમ્મી એ છોકરીને ખોળામાં બેસાડીને વ્હાલ કરતી હતી. મારે મારી મા પાછી મારી પાસે જોઈએ છે, મારું વ્હાલ પાછું લેવું છે. એના માટે ખૂબ પૈસા જોઈશે.” પોતાની મા માટે ઝૂરતા આ નિર્દોષ બાળકની વેદનાએ શિક્ષકને હચમચાવી દીધાં. ગરીબીનું એક નવું જ ઉધાર પાસું એમણે આજે પ્રત્યક્ષ જોયું.

એમણે રોહનને માની મજબૂરી, પરિવારની જવાબદારી, માનો બાળક પરત્વેનો સ્નેહ, મા ફક્ત શરીરથી દૂર છે મનથી નહિ વગેરે વિસ્તારથી સમજાવ્યું. બાળમન કેટલું સમજી શક્યું હશે એની અવઢવમાં એમણે રોહન પાસે ભણવામાં મન લગાડવાનું વચન લીધું. રોહનનું મન થોડું શાંત થયું. ત્યાર પછી શશિકાંતજી રોહન પર નિયમિત ધ્યાન આપતા, વખતોવખત મૂંઝવણ દૂર કરી એનું મનોબળ ભાંગવા ન દેતા.

ઉંમર વધવાની સાથે રોહનની માના પ્રેમ માટેની તરસ ઘટતી ગઈ. હવે એનું ધ્યાન મિત્રો સાથે રમવામાં, ભણવામાં અને મસ્તીમાં રહેતું. એના અબોધ મનમાં ઘૂમરાતા ‘પોતાને ખૂબ પૈસા કમાઈને માનો પ્રેમ ખરીદવાનો છે.’ વાક્યમાંથી હવે ‘માનો પ્રેમ ખરીદવાનો છે.’ની બાદબાકી થઈ ગઈ હતી. એન્જિનિયર બનવાનું સપનું સાકાર કરીને ખૂબ પૈસા કમાવવાનું ઝનૂન એના મનમાં હંમેશા સવાર રહેતું. માની ચુંદડીએ હવે હંમેશા માટે એના કબાટના ખાનામાં પોતાની એક નિશ્ચિત જગ્યા અકબંધ કરી લીધી હતી.

જોતજોતામાં રોહન એન્જિનિયર બની ગયો અને વહાલી દાદીના હાર ચડેલાં ફોટાને રોજ વંદન કરીને નોકરીએ જવા લાગ્યો. સમીરની પ્રમાણિકતા અને એના શેઠની ઉદારતાના ફળસ્વરૂપ એ પણ જૂની નોકરી પર જવા લાગ્યો. સીમા રીયાના પ્રેમ અને વિનંતીને વશ દિવસમાં બંગલે કામ કરવા જતી પણ રાત્રે ઘરે આવી જતી. એક રૂમ રસોડાનું નાનું ખોરડું બે બેડરૂમ હોલ કિચનના ઘરમાં ફેરવાઈ ગયું હતું. રોહન સાથે જ ભણતી પ્રિયા ધામધૂમથી લગ્ન કરીને કંકુ પગલાં પાડતી એ નવા માળાને મહેકાવવા આવી ગઈ હતી.

એક દિવસ રોહને બેંગલોરમાં સારી નોકરી મળી હોવાથી ત્યાં જવા માંગે છે એવું જણાવ્યું. સીમા સમીરના પગ તળેથી જમીન સરકી ગઈ. “આટલાં વર્ષો પછી તો તારી સાથે રહેવા મળ્યું છે!” રૂંધાયેલા આવજે અને પાણી ભરેલી આંખોથી ધૂંધળા દેખાતા રોહનના ચહેરાને હાથોમાં ભરી સીમા માંડ બોલી શકી હતી. પણ રોહનનો નિર્ણય અંતિમ હતો. થોડા સમયમાં એમને પણ બોલાવી લેવાનું વચન આપીને રોહને પ્રગતિના પંથે ઉડાન ભરી.

પ્રિયા, રોહન માટે સમય ઝડપથી અને સીમા, સમીર માટે જાણે હાંફીને માંડ ચાલતો હોય એમ વહી રહ્યો. બેંગલોર આવવાના રોહનના ઔપચારિક આગ્રહનો સીમા હંમેશા પ્રેમથી અસ્વીકાર કરતી. પ્રિયા જ્યારે ગર્ભવતી હતી ત્યારે સીમાએ છ મહિના સાથે રહીને એની ખૂબ સંભાળ રાખી.

પ્રિયાને સુજાતા નામની એક અભણ બાઈ રસોઈ અને સોહમની દેખભાળ માટે મળી ગઈ. સુજાતાએ આવતાં જ ઘર અને સોહમની બધી જવાબદારીઓ સંભાળી લઈ પ્રિયા, રોહનને અઢળક પૈસા કમાવા મુક્ત કરી દીધાં. સીમા પણ પતિ પાસે પરત ફરી ગઈ.

સુજાતા સોહમ પર અપાર પ્રેમ વરસાવતી. ક્યારેક સોહમ મસ્તી કરતો તો ખોટી વઢમાં એ “કમલ, હવે તું માર ખાઈશ.” કહીને એની પાછળ પાછળ દોડતી. તો ક્યારેક જમાડતી વખતે ધ્યાન બહાર એનાથી ‘કમલબાબા જમી લે.’ બોલાઈ જતું. હંમેશા ખુશ રહેવાનું મહોરું ઓઢીને રહેતી સુજાતાને છુપાઈને આંખોના ખૂણા લૂછતાં આ બે વર્ષોમાં રોહને કેટલીય વખત જોઈ હતી.

“મૅડમ, મારે અઠવાડિયાં માટે ઘરે જવું છે!” એક દિવસ કરગરતાં સુજાતાએ કહ્યું. ત્યારે એની આંખોમાં મજબૂરીનું આંજણ સ્પષ્ટ દેખાતું હતું.

“મને ઓફીસમાંથી રજા નહિ મળે! શનિ રવિમાં જઈ આવજે.” પ્રિયાએ લેપટોપમાંથી નજર ઊંચી કર્યા વિના કહ્યું.

“કમલ બહુ બીમાર છે…” રૂંધાયેલા અવાજે એ માંડ બોલી શકી.

“તું જા સુજાતા. હું સોહમનું ધ્યાન રાખીશ.” રોહનની વાત સાંભળીને પ્રિયાએ આશ્ચર્યથી એની તરફ જોયું. એને ખબર હતી કે સોહમનું ધ્યાન રાખવું રોહન માટે શક્ય નથી. પરંતુ રોહનની અંદર કમલની પીડા અનુભવતો મા માટે ઝૂરતો બાળ રોહન જીવી ઊઠ્યો હતો.

સોહમ ખાધાં પીધાં વિના રાતભર સુજાતા માટે રડતો રહ્યો. પ્રિયાએ સુજાતાને બોલાવવા માટે રીતસરનો રોહન સાથે ઝગડો કર્યો. પરંતુ એ એકનો બે ન થયો. “બે દિવસ તારો દીકરો ખાશે કે ઉંઘશે નહિ તો આભ નહિ તૂટી પડે. પોતાના દીકરાની સંભાળ રાખવાની ત્રેવડ નથી અને ગરીબના દીકરાના હકનો પ્રેમ ખરીદવા નીકળી છે.” પતિની ગુસ્સામાં કહેવાયેલી વાત અને એનું આ સ્વરૂપ પહેલી વખત જોઈને પ્રિયા ખળભળી ઊઠી.

અઠવાડિયાં પછી સુજાતા એનું હસતું મહોરું ઘેર જ મૂકીને આવી. કમલની વાત નીકળે તો ‘હવે એ શાળાએ જતો થઈ ગયો છે.’ કહીને વાતને ટૂંકાવતી.

એક સવારે સોહમ મસ્તીમાં સુજાતાના ઓરડામાંમાંથી એક જૂનું શર્ટ લાવીને બાથરૂમમાં પાણીમાં ઝબોળીને રમવા લાગ્યો. ક્યારેય ગુસ્સો ન કરતી સુજાતા એના પર વરસી પડી. પ્રિયાએ એ ગરીબના ગુસ્સાની આગને પોતાના ગુસ્સા અને વઢથી ઠારી દીધી. નોકરી બચાવવાની મજબૂરીમાં એણે ફરીફરીને માફી માંગી. પોતાના કમરામાં શર્ટને વળગીને ધોધમાર રડતી સુજાતાને રોહને બારીમાંથી જોઈ.

“એવું શું છે સુજાતા એ શર્ટમાં.” એ કમલનું શર્ટ છે જાણવા છતાં સુજાતાના મનનો ભાર હળવો કરવાના આશયથી રોહને પૂછ્યું.

“એમાં મારા કમલની મહેક છે સાહેબ!” સુજાતાએ મહા મહેનતે આંસુઓ ખાળતા કહ્યું.

કોઈએ હૃદયના તાર ખળભળાવી મૂક્યા હોય એમ રોહને અનુભવ્યું. કંપતા શરીરે એ રૂમમાં ગયો. સર્ટિફિકેટસ અને અગત્યના દસ્તાવેજો રાખેલાં ખાનામાંથી ચુંદડી કાઢીને માની ઊડી ગયેલી મહેક સૂંઘવાનો નિષ્ફળ પ્રયત્ન કરવા લાગ્યો.

માને અવગણવાની ઉદ્ધતા અને એમના પ્રત્યે નિરર્થક અકારણ ક્રોધનું એને ભાન થયું. જ્યારે મા મોમાં કોળિયો મૂકીને ખવડાવવાની કોશિશ કરતી ત્યારે “હું હવે મોટો થઈ ગયો છું!” નો ટોણો મારતા ઝૂંટવેલી થાળી યાદ આવી. મા હંમેશા રોહન સાથે વાત કરવા, એના માથે પ્રેમથી હાથ ફેરવવા તરસતી. પણ બાળપણમાં પોતાના હિસ્સાનો પ્રેમ બીજાને આપનાર માના પ્રેમની હવે એને જરૂરત નહોતી. એ બે ઘડી મા પાસે બેસતો પણ નહિ. પ્રત્યક્ષ અપમાન ભલે ન કરતો પરંતુ આંખોથી, વર્તનથી એ માના હૃદયને વીંધતો.

‘બંગલે નહિ જઈને ઘેર જ રહેવાની.’ પિતાની આજીજીમાંના દર્દને હંમેશા અનુભવતા રોહને પહેલી વખત “એક અભણ બાઈને આટલો પગાર કોણ આપશે? તમારો ઇલાજ, રોહનનો ભણવાનો ખર્ચ કોણ આપશે?” માના જવાબમાં ભળેલી એકલતા, ત્યાગ અને મજબૂરી ભાળી.

રોહનને જ્ઞાત થયું કે માના ત્યાગના કારણે જ એ ખુશહાલ, વૈભવી જીવન જીવે છે. બાકી ચાલના એના મિત્રોનું જીવન હજુ પણ એક રૂમ રસોડાના ઘરમાં જ ધબકે છે. પોતાની માએ જે મજબૂરીમાં કર્યું એ પોતે સ્વાર્થમાં અંધ થઈને કર્યું એ અપરાધ ભાવ રોહનને કોરી ખાવા લાગ્યો.

પોતાના સ્નેહની દુનિયામાં સુજાતાને સર્વોચ્ચ સ્થાને બેસાડેલા સોહમને જોઈને રોહનને માનું ફરીથી બંગલે કામ કરવા જવાનું કારણ સમજાયું.

ધોધમાર વહેતાં પશ્ચાતાપના આંસુઓના વરસાદમાં ચુંદડી ભીંજાતી રહી. જમવા બોલાવવા વારાફરતી આવેલ સુજાતા અને પ્રિયા ગાલે ચુંદડી લગાવીને રડતા રોહનને જોઈને ચુપચાપ ત્યાંથી જતી રહી.

“કોઈ બિઝનેસ ટ્રિપ છે?” બીજી સવારે સામાન પેક કરતા રોહનને જોઈને પ્રિયાએ આશ્ચર્યચકિત થઈ પૂછ્યું.

“મમ્મી, પપ્પાને લેવા જાઉં છું. સુજાતા હવે તારે તારા દિકરાથી દૂર નહિ રહેવું પડે. ન મારી માએ..” નજર ચોરતા રોહને ઘૂંટાયેલા અવાજે કહ્યું.

“સાહેબ, મારી નોકરી.. મારી કોઈ ભૂલ…“ સુજાતા ચિંતાતુર થઈ ગઈ.

“નોકરી, પગાર એ જ રહેશે. પણ તું ફક્ત દિવસે કામ કરીશ અને રાત્રે ઘરે જઈશ. તારું કામ વધારવા જઈ રહ્યો છું, કરીશ ને?” રોહને દર્દમાં ઝબોળાયેલા હાસ્ય સાથે કહ્યું.

સુજાતાની આંખ ભરાઈ આવી. પ્રિયા રોહનને સમજવા મથી રહી. પછી કોઈ પણ પ્રશ્ન પૂછ્યાં વિના બેગ પેક કરવામાં મદદ કરવા લાગી. એણે બેગમાં સોહમનું જૂનું શર્ટ મૂકતા કહ્યું, “આની મહેક માણ્યા પછી મમ્મી-પપ્પા ના નહિ પાડી શકે.”

માની ચુંદડીમાંથી ફરી અનુભવાતી મહેક સૂંઘતો રોહન ઘરે જવા રવાના થયો, દરવાજે તાળું જોઈને વ્યથિત મને એણે માના મોબાઇલ પર ફોન કર્યો.

“મમ્મી હોસ્પિટલમાં છે રોહન!” રડતી રીયા માંડ બોલી શકી. રોહન ભાગીને હોસ્પિટલ ગયો તો રૂમના બારણામાં જ જડાઈ ગયો. રીયા એમના માથે હાથ ફેરવતી રડતી હતી.

ફરી એક વખત રીયાએ એનું કંઈક ખરીદી લીધું હતું. ‘મમ્મીની સંભાળ રાખવાનો હક.’ પરંતુ કિંમત પૈસા નહિ, પ્રેમ હતો.

પહેલી વખત જ્યારે રોહનને ઈર્ષા થઈ હતી ત્યારે એની મા રિયા સાથે હતી. આજે રિયા એની મા સાથે હતી. ફરી એક વખત રોહન ઈર્ષાની આગમાં તપ્ત થઈ ગયો. પણ આ વખતે એમાં પોતાની ભૂલ, સ્વાર્થ, પશ્ચાતાપ કંઈ કેટલીય ભેળસેળ હતી..

– મિત્તલ પટેલ


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ચુંદડી – મિત્તલ પટેલ

 • અંકુર પી બેંકર

  વાહ! મિત્તલબેન વાંચીને આંખમાં આંસુ આવી ગયાં. કરુણાસભર વાર્તા. રડતાં-રડતાંજ આખી વાર્તા વાંચી.

 • Pragati Mishra

  ખૂબજ સરસ હૃદય ને સ્પર્શી જાય તેવી આ વાર્તા છે ચુંદડી. આ વાર્તા મા એક સ્ત્રી પોતાના બાળક ને છોડી ને કમાવા માટે બીજાના બાળક ની દેખ રેખ કરે છે તેને લાડ કરે છે. પોતાના દીકરા નો લાડ – પ્રેમ એ બીજા ના બાળક ને કરતી હોય છે.આગળ જતાં બાળક ની માતા પ્રત્યે લાગડી ઓછી થઈ જતી હોય છે.સમય જતા રોહન મોટો થઈ જાય છે અને લગ્ન કર્યા બાદ એ એક બાળક નો પિતા બને છે ત્યાર પછી અને અહસાસ થાય છે કે એની માતા એના માટે કેટલું બધું ત્યાગ કર્યું છે અને એ તે માતા નો વહાલ તેની ચુંદડી ની સુગંધ ને યાદ કરી પોતાની માતા ને એ લેવા જતો હોય છે અને અંતે પણ એ પોતાની માતા સાથે રહેવા નો હક ગુમાવી દે છે.અંતે હું માત્ર એટલુજ કહીશ કે માતા ભલે પોતા ના બાળક ના ભવિષ્ય માટે કેમ ના કમાતી હોય પણ દિવસ મા ફક્ત પાંચ મિનિટ એને પોતાના બાળક સાથે વિતાવવું જોઈએ. અને સમય જતા તે બાળક ને પણ પોતાની માતા સાથે પ્રેમ અને સ્નેહ સાથે જીવન વિતાવવું જોઈએ.

 • Hansa Rathore

  હૃદય દ્રાવક, મિત્તલબેન,
  વાર્તા પુરી થતાં સુધી આંખો વરસતી રહી..