પાંચ પ્રસંગકથાઓ – લતા હિરાણી 20


૧. સલામ રોહન

આખો સ્ટાફ ખડે પગે હતો. પ્રો. નૈયરના પત્નીને તાત્કાલિક ગર્ભાશયનું ઑપરેશન કરવું પડ્યું હતું. ઓપરેશન કંઇ એવું જોખમી નહોતું. તો યે દોડાદોડી થઇ પડી. નૈયરસાહેબના પત્ની જાણે હાડકાંનો માળો જોઇ લો ! શરીર પર ચામડી ચોંટી હતી એ બાદ કરતાં પ્રયોગશાળાના હાડપિંજર અને મિસીસ નૈયરમાં ઝાઝો તફાવત નહીં.

ડૉકટરે સાવધાની રાખી હતી. એમના અંદાજ પ્રમાણે ત્રણેક બોટલ જેટલો બ્લડલોસ હતો જ. એટલું લોહી મગાવી રાખ્યું હતું. પ્રો.નૈયરને ચેતવી પણ દીધા હતા કે જો લોહી વધારે વહી ગયું તો તૈયારી રાખવી પડશે. આપણે બધી જ સાવધાની રાખીએ છીએ પણ કંઇ અણધાર્યું થાય અને લોહીની જરુરત વધી જાય તો કંઇ કહેવાય નહીં.

બીજી મુસીબત એ હતી કે મિસીસ નૈયરનું બ્લડગ્રુપ એબી નેગેટીવ હતું એટલે લોહી મેળવવું અઘરું હતું. પ્રો. નૈયરે ‘ભગવાન જો કરેગા ટીક હી કરેગા… તુમ ક્યા કર સકતા હૈ!’ કહીને મંજુરી આપી દીધી.. આખિર વહી હુઆ જો હોના થા.. ઑપરેશન દરમિયાન નળ ખૂલે એમ શરીરમાંથી લોહી વહેવા લાગ્યું અને ટાંકી તો આમે ય માંડ તળિયાઢાંક હતી!

નાના ગામની નાની લેબોરેટરી! લોહીનો સ્ટોક ખૂટી પડ્યો. પ્રોફેસરના પરિવારમાં દેશમાં કોઇ નહીં. સમય ઓછો અને નાજુક પરિસ્થિતિ! ગામમાં વાયુવેગે વાત ફેલાઇ ગઇ. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે પણ જાહેરાત થઇ, જો કોઇ એબી નેગેટીવ બ્લડગ્રુપ ધરાવતું હોય તો! બે લેક્ચરર બાજુના શહેરમાં દોડ્યા. કયાંકથી ય લોહીની વ્યવસ્થા થઇ જાય તો.. એંધાણ નિરાશાજનક મળતા હતા

હોસ્ટેલમાં જમવાનો બેલ વાગ્યો. હજી ચાર દિવસ પહેલાં વેકેશન ખૂલ્યું હતું. રુમ નં ૧૮માં રોહનનો બિસ્તર ખાલી હતો. એ હજી ગામડેથી આવ્યો નહોતો. બેલ વાગતાં જ રાહુલ રૂમની બહાર નિકળ્યો અને રોહન એને સામાન સાથે સામે મળ્યો. – ‘ચાલ, સામાન બેડ પર નાખ અને સીધો જમવા ચાલ.. ભૂખ બહુ લાગી છે.’ જમતાં જમતાં વાતનો મુદ્દો મિસીસ નૈયર પર આવી અટક્યો.. – ‘બિચારા સીરીયસ છે. ન તો મિસીસ નૈયર દેખાય એવા છે ન એમને જોઇએ એવું લોહી..’

સામેની બેંચ પર બેઠેલા મયંકે ડહાપણ ઢોળ્યું. – ‘ભાઇ આપણે તો છોકરીની કુંડળી નહીં બ્લડટેસ્ટનો રિપોર્ટ જોઇને જ પરણવાના…’

‘છોકરીની વાત છોડ, તારો બ્લડટેસ્ટ કરાવ્યો છે? ખબર છે તને કે તારું કયું બ્લડગ્રુપ છે?’

‘પરણતાં પહેલાં બધું થઇ જશે યાર, ફિકર કાહેકી!’

‘સારુ છે હજી કોઇ પટી નથી. રોમિયો થઇને રખડે છે તે પ્રેમમાં પડતાં પહેલાં જ આ બધું તપાસજે..’

હજી સુધી રોહનનું ધ્યાન ગરમ ગરમ રોટલીમાં જ હતું. અચાનક રોહનના હાથમાં કોળિયો અટકી ગયો. – ‘શું થયું? કોણ સીરીયસ છે?’

‘લો આ ભેંસ આગળ ભાગવત. ક્યારના કથા શેની કરીએ છીએ?’

‘મજાક છોડ. તમે કંઇક બ્લડગ્રુપની વાત કરતા હતા તે!’

રાહુલે વાતનો ફોડ પાડ્યો. અને રોહન થાળી એમ ને એમ પડતી મૂકી દોડ્યો. થોડી જ વારમાં રોહન હોસ્પિટલના બિછાને હતો. બધા ટેસ્ટ થઇ ગયા. રોહનનું એબી નેગેટીવ લોહી મિસીસ નૈયરને જીવન આપી ગયું. પ્રો. નૈયર બિચારા રોહનને બાથમાં લઇને રડી પડ્યા. ‘તુમને મેરા ભી જીવન બચાયા બાબા, ઇસ ઉમરમેં અગર વો જાતી તો હમ બિના મોત મર જાતા.’

આ ઘટનાને માંડ ત્રણ મહિના થયા હતા. પરીક્ષાઓની નોબત વાગી ગઇ. બધા ચોપડીઓમાં માથું ખોસી લાગી પડ્યા હતા અને રોહન સુનમુન ફરતો હતો. એનું મેથ્સ નબળું હતું અને આ વખતે એ માંદી માની ચિંતામાં વાંચી નહોતો શક્યો.. છેલ્લે મેથ્સના પેપરને દિવસે રોહન ગુમ થઇ ગયો. રાહુલ અને બીજા દોસ્તો પોતાનું વાંચવાનું બગાડીને ય રોહનને શોધવા લાગ્યા..

ન મળ્યો રોહન. મળી એના ઓશિકા નીચેથી એક ચિઠ્ઠી. જેમાં એણે લખ્યું હતું, – મારાથી તૈયારી નથી થઇ શકી. પાસ થવાય એવું યે નથી. અને પરીક્ષા આપીશ તો પ્રો. નૈયર ધર્મસંકટમાં મૂકાઇ જશે. એ મને ફેઇલ કેવી રીતે કરશે? એનાં કરતાં બેટર, હું આ વખતે એક્ઝામમાં એપીયર જ ન થઉં! ગામડે જઉં છું. ઓલ ધ બેસ્ટ!

હું તો રોહનને સલામ કરું જ છું અને દોસ્તો, તમે ય કરજો કેમ કે રોહન આ ધરતી પર આપણી વચ્ચે જીવતોજાગતો માનવી છે.. ધરતી પર આવા શુદ્ધ સાત્વિક ઝરા ક્યાંક વહ્યા જ કરે છે… આપણા મનને ભીંજવી દેવા…

૨. ચાય ટી

એન્જેલાના કુદરતી લાલાશભર્યા ઉજળા ચહેરાને સવારના સૂર્યનો કૂણો તડકો વધારે લાલ બનાવતો હતો. એન્જેલાની ઇચ્છાથી મેં એને સાડી પહેરાવી હતી. કપાળ પર લાલ બિંદી અને એણે હિનાની બંગડીઓથી હાથ ભરી દીધા હતા. ગળામાં, કાનમાં, પગમાં બધે જ એ ભારતીય ઘરેણાંથી શોભતી હતી.

એન્જેલા અને ઇયાન અમારા ઘરે દિવાળી માણવા આવ્યા હતા. મારા દિકરાના સ્કોટિશ મિત્રો. અમારી પાસે એક વધારાનો બેડરુમ તો હતો પણ એ સિવાય એમના માટે શું સ્પેશ્યિલ વ્યવસ્થા કરવી, એમને શું ફાવશે? જો કે નિસર્ગ કહે, મા એ લોકો છ મહિનાથી ઇન્ડિયામાં ફરે છે એટલે પૂરા ટેવાઇ ગયા હોય. એમને બધું જ ચાલશે… પણ મને ચિંતા હતી.

ઘરમાં બધાના માટે તેઓ નાની નાની પણ અલગ ભેટો લાવ્યા હતા. આપણી આદત છે કે મહેમાનની હાજરીમાં આપણે ભેટ જોઇએ નહીં. નિસર્ગે હળવેથી હાથમાં પેકેટ ઉપાડીને મને કહ્યું, ‘મા તું પણ તારી ભેટ અત્યારે એમની સામે જ ખોલીને જો અને તારો રિસ્પોંસ આપ. એ લોકોનો એ રિવાજ છે.’ મને આ પ્રથા ગમી.

‘ચા પીશો ને?’ જવાબમાં હા તો આવી, સાથે દિકરાએ કહ્યું, ‘મા તું પીએ છે એટલી કડક ચા નહીં માઇલ્ડ બનાવજે.’ મારી ચા તૈયાર હતી. મેં એમને એક સિપ ચાખવા કહ્યું. બંને ખુશ થઇ ગયા. ‘ઓહ વેરી ટેસ્ટી, વી વીલ હેવ ધીસ, ચાય ટી.’ ક્ડક મીઠી ચા મોટો મગ ભરીને બંનેએ આરામથી ગટગટાવી. પછીના ત્રણે દિવસ ખાસ માંગીને એમણે એ જ ‘ચાય ટી’ પીધી. મેં એક નવો શબ્દ જાણ્યો. એ લોકો ઇન્ડિયન ચાને ‘ચાય ટી’ કહે!

દિવાળીની પૂજામાં અમારી સાથે જ શેતરંજી પર બંને પલાંઠી વાળીને બેસી ગયા. જો કે એમને પલાંઠી વાળતાં તકલીફ પડતી હતી. મેં એમને ફાવે એમ બેસવા કહ્યું પણ ખરું પરંતુ તેઓ ન માન્યા. પૂજા પૂરી થયા પછી સૌની સાથે માથું નમાવી આરતી ય લીધી. દિવાળીના ત્રણ દિવસ એ લોકો અમારી સાથે રહ્યા અને આપણી સંસ્કૃતિ, રીતરિવાજ, રહેણીકરણી બધું જ એમણે ઝીણવટથી જાણ્યું. દરેક વખતે પૂરા ઇન્વોલ્વ થઇને રહ્યા. મને થયું આપણે પરદેશ જઇએ છીએ ત્યારે આપણે આપણાં થેપલાં-ઢોકળામાં જ રચ્યાપચ્યા રહીએ છીએ. એ લોકોનું જીવન જાણવાની ભાગ્યે જ તસ્દી લેતાં હોઇશું! એન્જેલા આર્કિટેક્ટ છે. ‘યર આઉટ’ એટલે કે એક વર્ષની રજા લઇને ફરવા નીકળી પડી છે. ઑસ્ટ્રેલિયામાં એને ઇયાનનો ભેટો થઇ ગયો. ઇયાન સ્ટુડન્ટ છે. એન્જેલાથી થોડો નાનો છે અને એ પણ આમ જ ફરવા નિકળ્યો હતો. બંનેના રસ રુચિ સરખાં અને બંનેને ફાવી ગયું. હવે તેઓ સાથે ફરે છે. એક વર્ષ નોકરી કરે અને એક વર્ષ ફર્યા કરે. આમ દુનિયા ફરી લેશે. પૂરી સ્વકેન્દ્રિત પણ સહજ જીવનવ્યવસ્થા!
આમાં જો કે મને નવાઇ નહોતી લાગી કેમ કે પરદેશમાં મેં કેટલાંય કપલ એવાં જોયાં હતા કે જેમના બાળકો મોટાં થઇ ગયા હોય પણ તેમણે લગ્ન ન કર્યા હોય! પૂરી ઇમાનદારીથી અને વફાદારીથી જીવતાં હોય! કોઇ આછક્લાઇ નહીં પણ લગ્ન કરવાની એમને જરુર ન લાગતી હોય! ક્યારેક એની પાછળ લગ્ન માટેના ખર્ચાની વ્યવસ્થા ન થઇ શકવાનું કારણ પણ ખરું!

નવાઇ મને ત્યારે લાગી જ્યારે મેં જાણ્યું કે એન્જેલા સ્કૉટિશ છે અને ઇયાન અંગ્રેજ છે! દેશ ભલે એક જ પણ અંગ્રેજ અને સ્કૉટિશ પ્રજા વચ્ચે પાર વગરનું વૈમનસ્ય! સ્કૉટિશ લોકો ભારતીય કે બીજી કોઇ પ્રજાને આવકારશે પણ અંગ્રેજો માટે એમને ભારોભાર અણગમો! કોઇએ કહ્યું હતું કે હિંદુ મુસ્લિમ જેવું આ બંનેનું! પણ આ ઉદાહરણ ખોટું છે કેમ કે કોમી તોફાનોના દિવસો બાદ કરતાં એકંદરે હિંદુ મુસ્લિમ પ્રજા સંપથી જીવતી હોય છે જ્યારે આ બંને પ્રજા વચ્ચે તો બાપે માર્યાનું વેર કહી શકાય. કદી એકબીજાને સાંખી શકે જ નહીં!

એમના ગયા પછી મેં આ વાત જાણી અને મને એન્જેલા અને ઇયાન માટે વિશેષ માન અને લગાવ થયો! મેં નિસર્ગને કહ્યું કે ‘હવે સ્કૉટલેન્ડ આવું ત્યારે મને ઇયાનના ઘરે લઇ જજે.’ નિસર્ગ હસતાં હસતાં કહે, ‘હા, જો એ અને એન્જેલા પરણ્યા હશે તો!’

૩. ફળવિતરણ

૧૯૯૮ની એ સાલ. લાયન્સ ક્લબમાં હું એ વખતે સેક્રેટરી હતી. ક્લબનો એક કાયમી પ્રોજેક્ટ છે, દર મહિને હોસ્પિટલમાં ફળ વિતરણ. મને એ કામ આકર્ષતું પણ જ્યાં સુધી પદ સંભાળ્યું નહોતું ત્યાં સુધી કંઇક પ્રતિકુળતાઓ આવ્યા રાખતી. મંત્રી બન્યા પછી તો જવાનું જ હતું.

પ્રથમ માસમાં એ પ્રોજેક્ટ આવ્યો. થેલાઓ ભરીને અમે ફળો ખરીદ્યાં અને સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા. મનમાં ભાવ અને પગમાં થનગનાટ હતો. આજુબાજુના વાતાવરણે એ ભાવને ઘણી ઉંચાઇએ પહોંચાડ્યો. સામે મળતી દરેક વ્યક્તિની નજર સાથે મારી નજર મળતી અને મારા શરીરમાં જાણે મધર ટેરેસા પ્રવેશતા હોય એવું હું અનુભવવા લાગી. હાથમાં થેલાનું ખાસ્સું વજન હતું પણ થેલામાં જાણે ફળો નહીં સોનામહોરો ભરી હતી.. થેલાં ઉપાડીને ચાલતાં કપાળે પરસેવો વળતો હતો પણ હું સિવિલ હોસ્પિટલના નહીં, મહાનતાની સીડીના પગથિયા ચડી રહી હતી.

અમે ઓર્થોપેડિક વૉર્ડમાં પહોંચ્યા. હૉલ ઘણો મોટો હતો. પીડાતા, રીબાતા દર્દીઓ અને એમનાં લાચાર સગાંવહાલાંઓથી છલકાતો હતો. એ બધાની વચ્ચે ફરતા ડૉકટરો, નર્સો, આયાઓના સાવ શુષ્ક, ભાવવિહીન ચહેરાઓ જોઇને મને લાગ્યું કે માનવતા ખરે જ મરી પરવારી છે. આટલા દુખ અને પીડા વચ્ચે માનવી કેમ આટલો નિર્વિકાર રહી શકે ? પણ પછી થયું આવું વિચારવું નિરર્થક છે. અત્યારે મને ઇશ્વરે જે ફરજ સોંપી છે એ પૂરા દિલથી બજાવી લઉં.

વૉર્ડમાં દવાઓની સાથે અસ્વચ્છતાને કારણે બીજી અનેક વાસ ભેગી થઇ મારા નાક પર હુમલો કરતી હતી. પણ મારા એક હાથે થેલો ઉંચકવાનું અને બીજા હાથે કેળાં વહેંચવાનું કામ કરવાનું હતું. એ વાસથી બચવા નાક આડે રુમાલ ધરવાની મને ફુરસદ ક્યાં હતી ?

પૂરી નમ્રતાથી હું પહેલા ખાટલે ગઇ. દર્દીના બંને પગે પ્લાસ્ટર હતું. જાણે પાટાના જ બે પગ પડ્યા હતા. દર્દીની આંખો બંધ હતી. એના ટેબલ પર હું બે કેળાં મુકવા ગઇ ત્યાં એની બાજુમાં બેઠેલા બહેને હાથ લંબાવ્યો. બહુ સંકોચથી એમના હાથમાં મેં બે કેળાં મુક્યાં અને એમની સામે નજર માંડી. એમના બે હાથ જોડાઇ ગયા. જાણે મેં અડધું રાજપાટ આપી દીધું હોય એવી આભારવશતા એમની આંખોમાં છવાઇ ગઇ. મારાથી એ નજરનો ભાર ન ખમાયો. મનની ઉંચાઇ અડધી થઇ ગઇ. પછી ન હું એમની સામે નજર માંડી શકી ન મારા ગળામાંથી શબ્દો નીકળી શક્યા.

બીજા ખાટલે દસેક વર્ષનો એક બાળક હતો. એનું લગભગ આખું શરીર પ્લાસ્ટરમાં વીંટળાયેલું હતું. એની આંખ ખુલ્લી હતી. આ વખતે કેળા ટેબલ પર મુકવાને બદલે એની માના હાથમાં મુક્યા જેથી એણે હાથ ન લંબાવવો પડે. મા સામે નજર માંડવાની હિંમત ઘટી ગઇ હતી જેથી સીધું બાળક સામે જોયું. અમે વૉર્ડમાં પ્રવેશ્યા ત્યારનું બાળક કેળાના થેલા તરફ તાકી રહ્યું હતું. બાળક સાથે નજરનો દોર સંધાય ત્યાં સુધીમાં તો માએ કેળું છોલી બાળકને ખવડાવવાનું શરુ કરી દીધું હતું. બાળકની આંખોમાં મેં કેળાનો સ્વાદ છલકાતો જોયો. મને કંઇક રાહતની લાગણી થઇ. પણ મારા મનની ઉંચાઇ હવે કેળાની છાલ પરથી લપસીને બાળકના પગ સાથે બાંધેલી લટકતી ઇંટ સુધી પહોંચી ગઇ હતી અને મારી સ્વસ્થતા મને દગો દઇ ગઇ હતી.

ત્રીજા ખાટલા પર કોઇ બહેન હતી. બાજુમાં એની ઘરડી મા બેઠી હતી. મેં નીચી નજરે એના ખોળામાં કેળા મુક્યાં ને એ મા બોલી, ‘બેન, ભગવાન તારા દીકરા જીવતા રાખે.’ ઇંટથી જમીન સુધીનું અંતર પછીના ખાટલે પહોંચતાં જ ખતમ થઇ ગયું. માત્ર બે કેળાં મળતાં જોડાતા બે હાથો અને એમની આંખોમાં છવાતી આભારવશતા કે દયનીયતાથી હું ભોંયભેગી થઇ ગઇ. મનનો અહમ ઓગળીને મને તુચ્છ કરી મુકતો હતો. વૉર્ડમાંથી બહાર નીકળી ત્યારે હાથમાં કેળાંનો ભાર નહોતો, મન પર પેલી દંભી ઉંચાઇનો ભાર હતો.

ફળવિતરણનું કામ પૂરું થયું ને મનવેતરણનું કામ શરુ થયું. માત્ર બે કેળાં આપી દઇને મેં એમને એવું તે શું આપી દીધું ? આના કરતાં અનેક ગણો બગાડ ઘરમાં થયો હશે ! અને એ બે કેળા આટલાં કિંમતી હોય તો એ વાત સમજતાં મને આટલાં બધાં વર્ષો લાગ્યાં ?

લાયન્સ ક્લબમાં અનેક વાર આવું વાક્ય સાંભળ્યું છે, ‘આ ક્લબે આટલા લાખ રુપિયાના સેવાકીય કાર્યો કર્યાં.’ અને મને થાય કે શું સેવાકીય કાર્યોનું મૂલ્ય રુપિયામાં આંકી શકાય ખરું ? આંકડા વહીવટ માટે જરુરી છે પણ હું શબ્દો આમ વાપરું છું ‘આ ક્લબે આટલા લાખ રુપિયા સેવાના કામમાં વાપર્યા.’ કેમ કે કોઇપણ આંકડો પેલા બે કેળાના મુલ્ય કરતાં મોટો થતો જ નથી.

૪. ગુરુ

બેલ નહોતો પડ્યો. અને આ હતો ફ્રી પિરિયડ. વર્ગખંડની બેંચોમાં પ્રાણ આવવાને હજી વાર હતી. એશાએ ગુરુને ક્લાસમાં બોલાવ્યો. ગુરુ બાઘાની જેમ એને સામે આવીને ઊભો રહ્યો.

‘ગુરુ, મને આ દાખલો નથી આવડતો. જરા શીખવાડને !!’

ગુરુએ હાથમાં નોટ લીધી. ફટાફટ દાખલો ગણ્યો.

‘આવી ને આવી રહી. આટલો સહેલો દાખલો નથી આવડતો તો પરીક્ષામાં શું ઉકાળીશ ? માથું મારું ?’ કહેતાં એશાના હાથમાં નોટ પકડાવી.

એશાએ થેલામાં રીંગણા નાખતી હોય એમ નોટ બેગમાં ખોસી. ’મારી પાસે દાખલો ગણાવી પછી તારે જોવાનું યે નહીં ? સોલીડસર્કલ !’

‘એય, ડાહ્યો થા મા.’ એશાએ ચિડાઇને કહ્યું પણ એની આંખમાં આંસુ આવી ગયાં. ’સોરી બાબા. બહુ ડાહી ઓકે !!’ ’એમ નહીં, તેં મને શું કહ્યું ? એ કહે, નહીંતર તારી સાથે જિંદગીભર નહીં બોલું.’ ’મેં જોઇ લીધું. તને નથી તો દાખલો ગણતાં આવડતું કે નથી સમજતાં. ભગવાને તારા ભેજાના કેટલાક ખાનાં છલકાવી દીધા છે ને કેટલાંક સાવ ખાલીખમ રાખ્યા છે.’

‘મને ખબર છે. હું સાવ બુધ્ધુ છું બસ !! અને કોઇ વહેમમાં ન રહીશ. મને ય તારી કંઇ પડી નથી. તું ને તારી હોંશિયારી, તેલ પીવા જાવ. પણ મને એટલું કહે કે સોલીડ સર્કલ એટલે શું ?’ ’ઓ બાપ રે, એટલી નથી ખબર ? સોલીડ સર્કલ એટલે ઘનચક્કર. પણ ઓહ, તું ઘનચક્કર નથી હોં !! સોરી, પાછું ખેંચી લીધું બસ ?’ ગુરુએ કાન પકડ્યા પણ એશા રડી પડી.

‘મારે તને ક્યારેય નથી મળવું.’ એ દોડીને જતી રહી.

‘ઓહ નો, જતી રહી આ છોકરી !! ખબર નથી પડતી ક્યારેક એવું વિચિત્ર વર્તન કરે છે !! એમાં શું થઇ ગયું ? જસ્ટ જોકીંગ યાર !’ ગુરુએ માથું ખંજવાળ્યું.

ગુરુ એના ક્લાસમાં સૌથી હોંશિયાર છોકરો હતો. ગોરો વાન, વાંકડિયા વાળ, વહાલો લાગે એવો ચહેરો અને સરોવર જેવી આંખો. છોકરીઓ એની આગળપાછળ મધપૂડાની જેમ ઊડ્યા કરતી. ગુરુને આ ગમે ખરું પણ પ્રકૃતિએ પોતે અત્યંત શરમાળ. એના દોસ્તો કહેતા, ‘અલ્યા આ નમણી નાર જેવો ક્યાં સુધી રહીશ ?’ બીજો કોઇ જવાબ આપી દેતો, ‘એને મળી જશે કોઇ મરદ ત્યાં સુધી !!’

એશા એને ગમતી, પણ ‘કેમ ગમતી ?’ એનો જવાબ એને સ્પષ્ટ રીતે ન મળતો કેમ કે એને એશાનું વર્તન ઘણીવાર બહુ વિચિત્ર લાગતું. થોડા દિવસ પહેલાંની જ વાત. એશાએ એને મોબાઇલ પર બ્લેન્ક મેસેજ મોકલ્યો હતો. ‘શું છે આ ?’ પૂછતાં એને પસીનો વળી ગયો હતો અને અચાનક એશાએ એના હાથમાંથી મોબાઇલ ખેંચી મેસેજ ડિલિટ કરી નાખ્યો !!

‘તું ભાંગરો જ વાટવાનો’

એને થયું ‘ભાંગરો કોણ વાટે છે ?’

આજે એશાને રજા હતી. ગુરુ મળવાનો નહોતો પણ એ તો ક્લાસરૂમમાં. બંને એક જ સોસાયટીમાં રહેતાં પણ આજે ગુરુને ક્યાંય નથી મળવું એવું નક્કી કરી એશા પોતાના રુમમાં આખો દિવસ ભરાઇ રહી. ગુરુ ક્યારેય એના તરફ જોઇએ એટલું ધ્યાન નથી આપતો. બે સારા શબ્દ પણ એની પાસેથી સાંભળવાની આશા ન રખાય તો યે એને ગુરુ કેમ બહુ ગમતો હતો ? ગુરુમાં એવું શું હતું જે એને ખેંચતું હતું ? જે હોય તે પણ આજે એશા બહુ જ ચિડાયેલી હતી. હવે મારે ગુરુ સાથે કામ વગર નથી બોલવું જ નથી ને !! એવું વિચારી એશા સુઇ ગઇ.

સવારમાં આંખ ખુલતાં જ એની નજર સામે ગુરુનો ચહેરો તરવરવા લાગ્યો. એ જેમ જેમ એને હટાવવા કોશિશ કરતી ગઇ એમ એ વધુ ને વધુ એની આંખમાં છવાતો ગયો. હા, ગુરુ જેવો મનનો સાફ છોકરો મળવો મુશ્કેલ છે. ગુરુને જોઇને એમ જ થાય કે આના પર આંખ મીંચીને ભરોસો કરાય. એ ક્યારેય કોઇને છેતરી ન શકે. ગમે એવી મુશ્કેલી હોય તો યે ગુરુની પાસે દિલ ખોલી શકાય. અને ગુરુ બધાંને મદદ કરવા હંમેશા તૈયાર હોય. એશાને થયું, એટલે જ મને ગુરુ બહુ ગમે છે. ગુરુ પર એની મમ્મી, અરે એની મમ્મી જ શા માટે ? સોસાયટીની બધી જ મમ્મીઓ ગુરુના ગુણગાન ગાતાં થાકતી નહીં.
કૉલેજમાં ટ્રેડિશનલ ડે હતો. એશા સરસ બાંધણી પહેરીને ગઇ હતી. ઘણી બધી જ્વેલરી એણે પહેરી હતી થોડું બાદ કરતાં. કૉલેજના પાછળના ભાગમાં મોટો વડલો હતો. ‘જરા આવને’ કહી એ ગુરુને ત્યાં ખેંચી ગઇ. ’શું છે તારે ?’ ગુરુ ગયો તો ખરો. એશાએ હાથ લંબાવ્યા. એક હાથમાં પકડેલી બંગડીઓ અને એક વીંટી સાથે. ’આ પહેરાવી દે ને મને !’ ગુરુ એની સામે જોઇ રહ્યો. ‘મારે પહેરાવવાની !’

’હા, તું જ પહેરાવ !’ એશાની પાંપણો ઝુકી ગઇ. ગુરુએ હુકમનું પાલન કર્યું. થોડી પળો… ત્યાં સ્થિર થઇ ગઇ.

આછો અજવાસ ભરેલી રૂપાળી સાંજ હૂંફાળી થઇ ગઇ. ’કંઇ બોલીશ નહીં ગુરુ ?’ ’શું બોલવું, એય તું જ કહી દે ને !’ આંગળીમાં પરોવાયેલી વીંટી પર ગુરુનો સ્પર્શ વીંટળાઇ વળ્યો. ’સોલીડસર્કલ,કંઇ ખબર પડે છે ?’ ’હા સાચે જ હું ઘનચક્કર !! મને આ દાખલો નથી આવડતો.’ ગુરુની નજર એશાની આંખમાં પરોવાઇ ગઇ. ’એશા, પ્લીઝ, તું જ શીખવને આ અઘરો દાખલો !!’ એશાની બંધ આંખોમાં ફેલાયેલો ગુરુ અને ગુરુના ફેલાયેલા બે હાથોમાં નાજુક એશા પરોવાઇ ગઇ.

આકાશે હરખાઇ ઝાંખો અજવાસ પણ ઓલવી દીધો ને ટમટમ તારાઓ યુથ ફેસ્ટીવલ ઉજવવા ઉમટી પડ્યા

૫. કર્નલસાહેબ

‘ઐસા હૈ સાહબ, હમ ઠહરે ફોજકે આદમી !! હિમ્મત હમારી રગોમેં દૌડતી હૈ.. જાન પર બન જાયે તો ભી હોંસલા બના રહતા હૈ..’ ’કોઇ વાકયા સુનાઓ કર્નલસાહબ કિ રોંગટે ખડે હો જાયે ?’

‘જરુર.. મર્દોંવાલી છાતી રખતે હૈ હમ…’ કર્નલસાહેબ ટટ્ટાર જ બેઠા હતા. થોડા વધુ ટટ્ટાર થયા.. હાથ ખુરશીના હેન્ડલ પર બે વાર પછાડ્યો કૉલર સરખો કર્યો અને ઊંડો શ્વાસ લીધો. આંખોમાં હળવાશની જગ્યાએ વેધકતા આપોઆપ આવી ગઇ. રિટાયર્ડ કર્નલસાહેબનું આ સંસ્થામાં ભાષણ હતું. પોતાના અનુભવો વર્ણવતાં એમણે સભાને સ્ટેચ્યુ પોઝીશનમાં લાવી દીધી હતી. એમને કલાકનો ટાઇમ આપ્યો હતો. મિલિટરીના માણસ એટલે બરાબર કલાક પૂરો થતાં જ જયહિંદ કરીને બેસી ગયા. લોકોના આગ્રહ છતાં એમણે ફરીને માઇક ન પકડ્યું. કાર્યક્રમ પૂરો થયા પછી ઑફિસમાં હોદ્દેદારો સાથે ચા-નાસ્તો કરતી વખતે ઉપરની વાત થઇ. ’ઐસા હૈ કિ લીડર બનના આસાન નહીં હૈ…’ કહીને કર્નલ સાહેબે વાતનો દોર શરુ કર્યો. એ વખતે અમે બૉર્ડર પર હતા. પાકિસ્તાન તરફથી લડાઇ શરુ થઇ જાય એટલા ઉશ્કેરણીજનક છમકલાં થઇ રહ્યાં હતાં. વાતાવરણ એકદમ તંગ હતું. મને બાતમી મળી કે મારા એક સિપાહીને ફોડવામાં આવ્યો છે. એ મારું ખુન કરી નાખશે માટે મારે તાત્કાલિક જરુરી પગલાં લેવાં. આમ પણ અમે બહુ જલ્દી નિર્ણય લઇએ. બૉર્ડર પર હોઇએ ત્યારે પળનો યે વિલંબ કે ગફલત ન ચાલે. શું શું કરી શકાય એની મને સલાહો પણ મળી હતી. જો એનું કાવતરું સાબિત થાય તો એને કૉર્ટમાર્શલ થઇ દેહાંતદંડની સજા મળે પણ મારું મન કંઇક જુદું કહી રહ્યું હતું.

હવે કર્નલસાહેબની ફરતે ગોઠવાયેલા બધા ટટ્ટાર થઇ ગયા. જે લોકો ભાષણ સાંભળી જતા રહેવાના હતા પણ કોઇના ને કોઇના આગ્રહથી આ ઇનફોર્મલ મિટિંગ માટે રોકાઇ ગયા હતા એ લોકોને થયું કે મોકો ચુકવા જેવો નહોતો. ઑફિસમાં સન્નાટો છવાઇ ગયો હતો. વચ્ચે બોલીને કોઇ કર્નલસાહેબની લીંક તોડવા નહોતું માગતું.

મેં એને એ જ દિવસે સાંજે બોલાવ્યો.

‘યસ સર’ હાજર થતાં રફીકે સેલ્યુટ લગાવી. ’આજસે રાતકો મેરે ટેન્ટ પર તુમ પહેરા લગાઓગે રફીક. મૈંને ડ્યુટી ચેઇન્જકા ઑર્ડર દે દિયા હૈ.’

‘યસ સર !! કહીને રાત્રે રફીક હાજર થયો. ’અપની ગન ચેક કર લો. ઔર સુબહ મેરી શેવીંગકે લિયે ગરમ પાની ઔર અસ્ત્રા તુમ્હેં લાના હૈ. ઓકે. તુમ જા સકતે હો’

રફીક અસ્ત્રો લેવા ગયો. એ વખતે હજી આ રુપાળા રેઝર નહોતા વપરાતા. મોટા અસ્ત્રાથી હજામત થતી. ધારદાર એવો હોય કે હજામ ધારે તો આસાનીથી ગળાની નસ કાપી શકે. તમે બધા લીડર છો એટલે આ વાત અહીં કહેવાનું મન થયું. લીડર તરીકે ક્યારેક કેવા નિર્ણય લેવા પડે કે ક્યારેક કેવા જોખમી અખતરા કરવા પડે એ મારે તમને કહેવું છે. જીવસટોસટના નિર્ણયો લેવા માટે હું પંકાયેલો હતો પણ આ મારી જિંદગીનો સૌથી ખતરનાક નિર્ણય હતો

રફીક ડ્યુટીના ટાઇમે હજામતનો સામાન લઇને આવી ગયો.

‘અબ મુઝે કો કામ હોગા તો બુલાઉંગા. સુબહ પાંચ બજે તુમ્હેં મુઝે જગાના હૈ. ટેન્ટકા દરવાજા અંદરસે ખુલા હી હોગા શેવીંગકા સામાન ઔર ગરમ પાની લેકર સીધા અંદર આ જાના. ઓકે તુમ જા સકતે હો.’ મેં એક એક શબ્દ પર ભાર દેતાં કહ્યું.

‘યસ સર’ કહીને રફીકે સલામ તો મારી પણ એના હાથ ધ્રુજતા હતા.

બધા અવાચક હતા અને આંખોમાં ભયમિશ્રિત સવાલ ડોકાતો હતો કર્નલસાહેબે એક નજર ત્યાં બેઠેલા દસેક લોકો પર ફેરવી. એ બધા પણ લીડરો હતા અને એમની રગોમાં લોહી થીજી ગયું હતું. કર્નલસાહેબ ચુપ થઇ ગયા. થોડી પળો એમ જ વીતી. અંતે ત્રિવેદીસાહેબ પૂછી બેઠા, ‘પછી શું થયું સર ?’

‘દેખો, આપકે સામને જિંદા બૈઠા હું.’ કહીને કર્નલસાહેબ ખડખડાટ હસી પડ્યા. જો કે કોઇ એમાં સાથ ન આપી શક્યું.

બસ આ ખતરનાક પ્રયોગનું પરિણામ હું જે ધારતો હતો એ જ આવ્યું. સવારે પાંચ વાગે એ ટેન્ટમાં પ્રવેશ્યો. હજામતના સામાનની બેગ એના હાથમાં હતી. બેગ નીચે મુકી ‘ગુડ મોર્નિંગ સર’ કહી એણે સેલ્યુટ લગાવી. હું બિસ્તર પરથી ઊભો થયો અને એણે મારા પગ પકડી લીધા.

‘મુઝે માફ કર દો સર’ કહી એ બાળકની જેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો. કંઇ જ પૂછ્યા વગર એણે બધું કબુલ કરી લીધું. ’મૈ બહેકાવેમેં આ ગયા થા સર. ગલત સોચનેકા ગુનાહ મૈંને કિયા હૈ. અબ જો આપ ચાહો સર, મેરે ગુનાહકે લિયે સજા દો યા માફ કર દો. ખુદા જાનતા હૈ કિ મૈં કિતના પછતા રહા હૂં…’

કર્નલસાહેબ ક્યાંક ખોવાઇ ગયા હતા.

‘રફિકની વાત તો રુંવાડા ખડા કરી એવી છે સર પણ આપ એ રાતે સુઇ શક્યા હતા ?’

‘અમે મોતને મુઠ્ઠીમાં લઇને ફરનારા ખરા અને લીડર તરીકે મારે દાખલો બેસાડવાનો હોય. એ વગર મારા સૈનિકોમાં હિંમત ક્યાંથી આવે ?? ક્યારેક અમને પણ ભય લાગે !! એ આખી રાત હું સુઇ નહોતો શક્યો. એટલું જ નહીં, આખી રાત રિવોલ્વરની ટ્રીગર પર જ મારી આંગળીઓ ગોઠવાયેલી હતી’ કહેતાં કર્નલસાહેબ ખડખડાટ હસી પડ્યા..બાકીના બધા સ્તબ્ધ….

– લતા હિરાણી

શ્રી લતાબેન હિરાણીએ આલેખેલી પાંચ સુંદર પ્રસંગકથાઓ આજે પ્રસ્તુત કરી છે. આપણા સમાજજીવનમાંથી જ આવતી આ વાતો દરેકને સ્પર્શે એવી મનનીય અને અનુકરણીય છે. આસપાસના અનેક નકારાત્મક ઘટનાક્રમો વચ્ચે લતાબેનની આ હકારાત્મક કથાઓ આપણા માનસમાં આશાનો સંચાર કરશે એ ચોક્કસ. અક્ષરનાદને આ પ્રસંગકથાઓ પાઠવવા બદલ લતાબેન હિરાણીનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “પાંચ પ્રસંગકથાઓ – લતા હિરાણી