ઋણાનુંબંધ – કલ્પના જીતેન્દ્ર 6


(આનંદ ઉપવન વાર્તા વિશેષાંક-૨ માંથી સાભાર, જુલાઈ ૨૦૦૧૬)

યશવંતભાઈએ આંખ ખોલી, વળી પાછી બિડાઈ ગઈ. હજુ મેજર એનેસ્થેસિયાની અસર છે. કિડની ટ્રાન્સપ્લાન્ટનું મેજર તથા ક્રિટિકલ ઓપરેશન પુરૂં થયું. અર્ધબેભાનવસ્થા ને ઘેનની અસરમાં પૂરા પાંચ દિવસ આઈ.સી.યુ.માં વીતાવ્યા.

પાંચ દિવસ પછી આજે ક્રિટિકલ પિરિયડ પૂરો થતાં આઈ.સી.યુ.માંથી સ્પેશ્યલ રૂમમાં આવ્યા. હવે કોઈ કોમ્પ્લીકેશન ઊભા થવાની શક્યતા ઓછી છે. છતાંય માથુ ફાટે છે ને પોપચાં પર એકદમ ભાર! ખૂલતાંની સાથે જ ઢળી પડે છે.

સુમનબહેને માથે હાથ ફેરવ્યો. ‘કેમ છે તમને? હવે સારું લાગે છે ને?’

યશવંતભાઈના કાનમાં શબ્દો તો પહોચ્યા. માંડ માંડ નજર સ્થિર કરીને ક્ષીણ અવાજે કહ્યું, ‘હા, ઠીક છે.’ હાશ! ગળામાંથી અવાજ તો નીકળ્યો! કદાચ બોલી પણ નહિ શકાય એવું લાગતું હતું.

યશવંતભાઈને પૂરા ભાનમાં આવવાની રાહ જોઈને ઊહેલાં સગાસંબંધીને હાશ થઈ! એમનાં તણાયેલાં ચહેરા પર મલકાટ આવ્યો. તંગ રેખાઓ હળવી બની. શબ્દોની જગ્યાએ હાથ અને આંખની સંજ્ઞાથી જ ‘કેમ છો? સારૂં છે ને?’ પૂછી લીધું.

યશવંતભાઈની નજર અહીં તહીં ફરી વળી. ધીમા અવાજે કહ્યું, ‘કેમ છે હવે નાનાને?

‘નાનાને?’ એમનો પિતારાઈ જરા ચમક્યો. ત્યાં તો સુમનબહેને ઝડપથી જવાબ આપી દીધો, ‘સારું છે.’ ને સાથે જ પિતારાઈને આંખની સંજ્ઞા કરી મૌન રહેવા કહ્યું.

‘મારે જવું છે એની પાસે.’

‘ન જવાય. તમારે કમ્પ્લીટ બેડરેસ્ટ લેવાનો છે.’

‘તો સ્ટ્રેચરમાં સુવરાવીને લઈ જાવ! દીકરાનું મોં નહીં જોઉં ત્યાં સુધી મને ચેન નહિ પડે. ગમે તે કરો! મને લઈ જાવ!’ બોલતાં બોલતાં એ હાંફી ગયા.

‘યશવંતભાઈ! હવે સૂઈ જાવ! શું નાના છોકરાની જેમ રઢ લઈને બેઠા છો?’ પિતારાઈએ જરા મોટા અવાજે કહ્યું.

સહેજ ઝંખવાઈ જઈ, અચકાતા સૂરે બબડ્યા, ‘મારો છોકરો ઘરડા બાપને બચાવવા કિડની આપે ને બાપ એની ખબર કાઢવા ન જાય? ક્યાં રાખ્યો છે એને? ડૉક્ટરને પૂછીને અહીંયા જ રૂમમાં રાખોને! બાપ દીકરો બેય સામસામે.’

‘કહું છું. હમણાંં ડૉક્ટરને વાત કરૂં છું, તમે ચૂપચાપ આરામ કરો. આતલા મેજર ઓપરેશન પછી તમારે બિલકુલ ટેન્શન લેવાનું નથી.’

સુમનબહેને સહેજ ધમકાવતા સૂરે કહ્યું ને યશવંતભાઈને પણ થાક લાગ્યો હતો. એટલે આંખ બંધ કરી પડ્યા રહ્યા.

નર્સ આવી, બી.પી માપ્યું. થોડી ટેબ્લેટ્સ ને ઈન્જેક્શન આપ્યાં. યશવંતભાઈ ફરી ઊંઘમાં સરી પડ્યા>

સુમનબહેને યશવંતભાઈને હાએ હા કરી, એ તો એનું મન મનાવવા, વાસ્તવમાં એ શક્ય જ નહોતું.

શક્ય એટલા માટે નહોતું કે યશવંતભાઈ તદ્દન અંધારામાં જ હતા. એમને સાચી પરિસ્થિતિની જાણ કરવામાં આવી નહોતી. એ માનતા હતા કે કીડની નાના દીકરાએ આપી છે. મનમાં ઈચ્છા પણ એવી હતી કે નાનાની જ અપાય. છેલ્લે કીડની ટ્રાન્સપ્લાન્ટનો નિર્ણય લેવાયો ત્યારે એમની તબિયત અત્યંત નાજુક હતી. એમની સાથે ચર્ચા કરવાનો કોઈ અવકાશ જ નહોતો. અર્ધભાનાવસ્થામાં ને દવાઓના ઘેનમાં એમના કાને જે સાંભળ્યું તે એ કે દીકરાની કિડની આપવાની છે ને એમણે નાનાની જ મેચ થઈ શકે એવું માની લીધું હતું. આટલા મેજર ઓપરેશન પછી હજુ શારીરિક-માનસિક સ્થિતિ એટલી સ્વસ્થ નથી. ડૉકટરની સૂચના છે કે મગજ પર તાણ પહોંચે એવી કોઈ વાતચીત તેમની સાથે કરવી નહિ.

આમતેય ઘણાં સમયથી એ યાતનામાંથી પસાર થતા રહ્યા છે વર્ષૉથી ડાયાબિટીસની તકલીફ, સાતેક વર્ષથી બ્લડપ્રેશર પણ હાઈ રહેવા માંડ્યું. આની સીધી અસર કિડની પર પડી. પહેમાં એક કિડની ફેઈલ થઈ ને ધીરે ધીરે બીજી પણ!

પરિવારજનો માટે આકરી પરીક્ષાના દિવસો હતા. કિડની ટ્રાન્સપ્લાનટ એ એક માત્રા રસ્તો હતો. નજીકના સગાની જ મેચ થાય ને લેવાય તો વધું સારું એવો ડૉક્ટરનો અભિપ્રાય હતો. નજીકના સગામા તો પત્ની સુમનબહેન બે દીકરા હેમંત અને શિશીર. નામ તો સરસ મજાનાં રાખેલાં પણ ઓળખાય મોટા અને નાનાથી. પણ સુમનબહેનની કિડની મેચ ન થઈ અને સુખદ આશ્વર્ય કે બન્ને દીકરાની મેચ થઈ ગઈ.

વાસ્તવમાં કિડની મેચ થવાની કે આપવાની વાત તો દૂર રહી, નાનો તો કોઈ પણ જાતના ટેસ્ટ આપવા તૈયાર નહોતો. પરાણે પરાણે ટેસ્ટ આપ્યા પછી કિડની મેચ થઈ ત્યારે તેને આનંદ થવાને બદલે દુ:ખ થયું. પપ્પાને સહર્ષ કિડની આપવાનું સ્વીકારવાને બદલે દલીલ કરીઃ

‘મમ્મી! પપ્પાને આપવાનો કશો જ વાંધો નથી. મારી ફરજ પણ છે. હજુ મારા લગ્ન નથી થયાં. એક કિડની વાળા યુવાનને પરણવવા કઈ છોકરી તૈયાર થશે?’

સુમન બહેન જરા વિચારમાં તો પડી ગયાં, વાત તો સાચી! પચીસ વર્ષનો ફુટડો યુવાન, એનાં માગા પણ આવે છે. એ સાથે જ એકદમ સુઝ્યું! માગાં તો મોટાના પણ આવે છે. એના મનમાં તો આવો કોઈ પ્રશ્ન ન આવ્યો. એણે તો બધા ટેસ્ટ સહર્ષ કરાવી લીધા. એને પોતાના સ્વાર્થનો કોઈ વિચાર ન આવ્યો, ન એણે કોઈ ચર્ચા કરી કે ન તો કશું વિચારવાનો સમય લાગ્યો. કિડની મેચ થઈ તો એ ખુશ થયો ને આપવા માટે તો અત્યંત આતુર! અઠ્યાવીસ વર્ષનો હજુ અપરિણિત છે. એના લગ્ન સમયે કોઈ પ્રશ્ન નહીં ઊભો થાય? બે – ત્રણ વર્ષથી એ પોતે જ લગ્નનું આગળ ઠેલ્યાં કરે છે. પપ્પાની તબિયત બગડતાં બિઝનેસની જવાબદારી એને માથે આવી. એણે વિચાર્યું કે બિઝનેસ બરાબર જામી જશે પછી લગ્નનું વિચારીશું. નાનો રમતિયાળ, અતિશય લાડમાં ઊછેર્યો, મમ્મી એને બિઝનેસમાં જોડાવાનું કહે તો કહેશે, ‘અભ્યાસ પૂરો થયા પછી વિચારીશ.’ મોટાભાઈ પણ કહેશે ભલે, ‘એ એનો અભ્યાસ પૂરો કરે પછી તો એ બધું સંભાળવાનો જ છે ને?’ આમ બિઝનેસ અને ઘરની જવાબદારીના કારણે જ એ હજુ અપરિણીત રહ્યો છે.

અત્યારે નાનાની વાત સાંભળી સુમનબહેન ચમક્યાં. માનું હદય છે ને? નાનો ભલે લાડકો છે. એ જન્મ્યા પછી પતિ એને વિશેષ લાડ કરતાં. જો કે મોટો ઘણો સમજુ ને ડાહ્યો! કોઈ દિવસ એના મનમાં ઓછપ ન આવી. ઊલટો એ પણ નાનાને લાડ કરતો. જે દલીલ નાનાએ સુમનબહેનને કરી એ જ વાત સુમન બહેને સામેથી મોટાને કરી, ‘બેટા! તું કિડની આપવા ભલે તૈયાર થયો પણ તારે હજુ ભવિષ્યનો વિચાર કરવાનો છે, તને પરણાવવાનો છે. મારે એ બધું વિચારવાનું તો ખરુંને?’

‘મમ્મી! ભવિષ્યની વાત ભવિષ્યમાં. એક કિડનીથી પણ જીવી શકાય છે. એટલે મારા માટે તો કોઈ પ્રશ્ન જ નથી. પપ્પાને બીજા કોની કિડની મેચ થાય? મારા માતે તો સદભાગ્યની વાત છે.તું બીજી કોઈ ચિંતા ન કર.’

‘પણ બેટા! મારી ફરજ ખરી કે નહિ? તારૂં સારૂં – નરસું વિચારવાનું…’

‘તું ચિંતા ન કરીશ, મમ્મી!’ મોટાએ વાત અધવચ્ચે જ ઉપાડી લીધી, ‘મને કશું જ નથી થવાનું. કિડની કાઢવાનું ઓપરેશન એટલું જોખમી નથી એક કિડની વાળાને કન્યા આપતાં કોઈ વિચાર કરે એવું વિચારવાને બદલે એવું વિચાર કે કોઈ એવું પણ વિચારશે કે ‘આ યુવાન કેટલો સારો છે. પોતાની સામે આખી જિંદગી પડી છે તોય એણે પિતાને કિડની આપી. એવું પણ બને કે આવા સદકાર્યથી આકર્ષાઈ કોઈ કન્યા સામેથી જ આવશે..! આ સદકાર્ય કરૂં છું કે આવો શબ્દપ્રયોગ કરૂં છું એ તો તમારું મન રાખવા જ. બાકી મારા મનમાં એવો કોઈ ભાર નથી. બિલકુલ નથી. આ તો મારી ફરજ છે. એક પુત્રનું પિતા પ્રત્યેનું કર્તવ્ય છે. પિતૃઋણ અદા કરવાનો માંડ મને અવસર સાંપડ્યો છે, મમ્મી!’

‘બેટા!’ સુમનબહેન ગળગળાં થઈ ગયાં, ‘હાશ! મારા દીકરા! મને પોરસ ચડે છે. પણ પિતૃઋણ તો નાનો પણ અદા કરી શકે છે. એની કિડની પણ મેચ થાય છે.’

‘મમ્મી! અમે બન્ને દીકરા સદભાગી છીએ…પણ તું તો ધાર્મિક પ્રકૃતિની ને શાસ્ત્રની જાણકાર. આપણાં શાસ્ત્રોમાં પણ પહેલો અધિકાર મોટાપુત્રને જ અપાયો છે. કિડની આપવાનો અધિકાર મારો છે. પપ્પાને હું જ આપીશ.’

‘પણ….બેટા..’

‘પણ ને બણ! એક વાત કર મમ્મી, હું તારો મોટોને પહેલો પુત્ર ખરો કે નહિ? બીજું કશું જ નહિ. મારે માત્ર એક વાતનો જવાબ જોઈએ છે, હું તારો મોટો પુત્ર ખરો કે નહિ?’

‘હા ખરો! સાડી સાત વાર ખરો.’ સુમનબહેન દીકરાને બાથમાં લઈ રડી પડ્યાં. રુંધાતા સ્વરે જ કહ્યું, ‘તારા પપ્પાને કિડની તું જ આપજે, બસ!’

અંતે કિડની મોટાએ જ આપી. નાનાની આપવાની ઇચ્છા જ નહોતી ને મોટાએ સહર્ષ પોતાનું સદભાગ્ય ગણીને આપી.

પણ યશવંતભાઈ નાનાએ આપી છે એવા જ ભ્રમમાં છે ને એને મળવાની રટણા લઈબેઠા છે.

પાંચ સાત દિવસ એમ ને એમ જવા દીધા. હવે એ બિલકુલ સ્વસ્થ થયાં ને વળી નાનાના ગુણ ગાવા માંડ્યા કે સુમનબહેનથી રહેવાયું નહિ. કહી દીધું, ‘તમને કિડની મોટાએ આપી છે નાનાએ નહિ!’

એ સહેજ ચમક્યા….’એ…મ? મોટાએ આપી છે? ઠીક, નાનાની મેચ નહિ થઈ હોય.’

હવે એ સાંભળી ન શક્યાં, ‘નાનાની મેચ તો થતી હતી…પણ એણે આપવાની ના પડી.’

‘ના પાડી! શું કહે છે તું? નાનાએ મને કિડની આપવાની ના પાડી?’

‘હા! અને મોટાએ ધરાર આપી. હું મોટો છું ને મારો પહેલો અધિકાર છે. પિતૃઋણ અદા કરવાનો અવસર માંડ માંડ સાંપડ્યો છે, કરીને આપી.’

‘એ તો છે જ!’ ધીમા અવાજે કહી પાછા ગળચવા માંડ્યાં એ તો નાનાને બીજું કંઈક કારણ હશે…! કંઈક હશે! મને કહેશે પાછળથી….તું જે ને.?’

‘શું જોવાનું? ધૂળ ને ઢેફાં?’ સુમન બહેન બરાબર ખીજવાયાં. ‘આપવાની વાત તો પછી, એ તો કોઈ પણ જાતના ટેસ્ટ કરાવવા તૈયાર નહોતો. રખેને કદાચ મેચ થઈ જાય તો! અને થયું પણ એવું જ. મેચ થઈ તો તેણે આપવાની ના પાડી દીધી. બોલો, હવે શું કહેવું છે તમારે?’

એ મૂંગામંતર થઈ ગયા. કશું બોલાય એવું હતું જ ક્યાં?

‘ચાલો, હવે જૂની વાત ઉખેળવાથી શું ફાયદો….પણ સાચું કહેજો હો! નાનાના જન્મ પછી મોટો તમને પરાયો થઈ ગયો હતો ને? તમે કેવું ઓરમાયું વર્તન રાખતા હતા? એવું ન માનશો કે તે કશું સમજતો નહોતો. બધી વાત એને સમજાતી હતી ને નાનપણથી એ જાણે જ છે કે પોતે દત્તક લીધેલો પુત્ર છે, એને લીધા પછી નાનાનો જન્મ થયો.’

‘એ..મ? ને તોય એણે…?’ હવે ચોંકવાનો વારો યશવંતભાઈનો હતો. કેટલીય વાર પૂતળાની માફક સ્થિર બેસી રહ્યા. ધીરેથી શબ્દ નીકળી પડ્યાં, ‘કાશ! નાનાનો જન્મ જ ન થયો હોત!’

– કલ્પના જીતેન્દ્ર


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ઋણાનુંબંધ – કલ્પના જીતેન્દ્ર

  • દુષ્યંત દલાલ

    કલ્પના બેન
    ખૂબ અભિનંદન…
    બહુ ભાવવાહી વાતાઁ છે..
    ત્રણાનુબંધન ની વાત સરસ રીતે વણઁવી છે.
    દુષ્યંત દલાલ

  • gopal khetani

    બહુ જ સુંદર વાર્તા…
    થોડૂ ધ્યાન દોરુ છું

    ૧)પહેમા એક કીદની ફેઇલ – આ વાક્ય સુધારવુ
    ૨) નજીકના સગાની જ ‘મેછ’ – શબ્દ સુધારવો
    ૩)નાનોતો ‘કોઇઅ’ પણ – શબ્દ સુધારવો
    ૪) એણેતો બધા ‘ટેસ્ટટ’ સહર્ષ – શબ્દ સુધારવો
    ૫) એક જગ્યાએ ‘અપરણિત’ અને એક જગ્યાએ ‘અપરિણિત’
    ૬) મારે માત્ર એક ‘ન’ વાતનો – શબ્દ સુધારવો

    માફ કરજો, પણ થોડુ ખટક્યુ એટલે જ સુચન કર્યું છે બાકી વાર્તા બહુ જ સુંદર અને હ્ર્દયસ્પર્ષી છે.