હત્યારો! – હરિશ્ચંદ્ર 6


(‘ભૂમિપુત્ર’ સામયિક, વર્ષ ૫૬, અંક ૬, ડિસેમ્બર ૨૦૦૮માંથી સાભાર)

મધરાતે એકદમ રાજુભાઈ જાગ્યા. ઘડિયાળમાં ટકોરા પડ્યા… એક…બે… પથારીમાં બાજુમાં હાથ ફેરવ્યો. કાંઈક સ્પર્શનો ભાસ થયો. પણ તે આભાસ માત્ર. ત્યાં કોઈ નહોતું. ક્યાંથી હોય? એ તો હોસ્પિટલમાં છે. એમનું મન ખિન્ન થઈ ગયું. પત્નીની યાદ સતાવતી રહી. ક્યાંય સુધી એમણે પથારીમાં પાસાં ફેરવ્યે રાખ્યાં. એમ કરતાં કરતાં ફરી ઘડિયાળમાં ટકોરા પડ્યા. એક…બે…ત્રણ. કાંઈ ચેન પડતું નહોતું. રાજુભાઈ ઊઠ્યા, બત્તી કરી. હવે ફરી ઊંઘ આવે એમ લાગતું નહોતું. બાથરૂમમાં ગયા, ઠંડા પાણીએ છાલક મારીને મોઢું ધોયું, પછી રસોડામાં ગયા. ફ્રીજમાંથી દૂધ કાઢ્યું. ગેસ પેટાવ્યો, તપેલીમાં પાણી મૂક્યું, કૉફી બનાવી. કપમાં કૉફી પીતાં પીતાં બારી આગળ આવ્યા. બહાર ઘોર અંધારું હતું. આકાશમાંથી ક્ષીણ થયેલો ચંદ્ર દેખાતો હતો, કોઈક ક્ષયગ્રસ્ત માણસ જેવો… કોઈક કેન્સર થયેલા રોગી જેવો. રાજુભાઈને ધક્કો લાગ્યો. રસ્તા પર કૂતરાં રડતાં હતાં.

કોઈક બાજુમાં છે એવો ભાસ થયો. પણ તે આભાસ માત્ર. આજુબાજુ જોયું, પણ કોઈ નહોતું. એ તો હૉસ્પિટલમાં છે. છેવટની ક્ષણો ગણી રહી છે. પાંચ દિવસ પહેલાં જ દાકતરોએ કહી દીધેલું કે હવે થોડાક કલાકોની જ રમત છે. ત્યારથી રાજુભાઈ રાત ને દિવસ પત્નીના ખાટલા પાસેથી ખસ્યા નહોતા. પણ ચાર-ચાર દિવસના ઉજાગરાથી એમનું શરીર પણ ભાંગી ગયું હતું. તેથી કાલ રાતે નાનો દીકરો હૉસ્પિટલમાં રહ્યો અને એમને ઘરે મોકલી આપ્યા.

આજે રાતે થાકને લીધે ચાર-પાંચ કલાક તો ઘસઘસાટ ઊંઘ્યા, પણ એક વાર ઊંઘ ઊડી પછી એમને માટે સૂઈ રહેવું શક્ય નહોતું. તેઓ ઓરડામાં આંટા મારવા લાગ્યા. એમ કરતાં- કરતાં ક્યારે છ વાગી ગયા, તેની એમને ખબર પડી નહીં. છના ટકોરા ગણ્યા કે તેઓ ઝતપટ તૈયાર થઈ ગયા. મોટો દીકરો ઊઠ્યો હતો તેને કહ્યું, ‘હું હૉસ્પિટલમાં જાઉં છું.’

‘અરે, આટલા વહેલા ક્યાં? જરીક અજવાળું થવા દો, હું પણ તમારી સાથે આવીશ.’

‘ના, મારે જવું જ જોઈએ. તારી મા મને બોલાવે છે.’ અને એ તો ઊપડ્યા.

હૉસ્પિટલમાં પહોંચ્યા. દીકરાને ઘરે મોકલી દીધો, પોતે ખુરશી લઈને ખાટલા પાસે બેઠા. ભીની નજરે પત્ની સામે જોયું. અનિમેષ જોતા જ રહ્યા. એ આંખ મીંચીને શાંતિથી સૂતી હતી. જાણે ગાઢ નિદ્રામાં હતી… કાળ નિદ્રામાં હતી. રાજુભાઈનું હૈયું ભરાઈ આવ્યું. એમણે હળવેકથી પત્નીનો હાથ પોતાના હાથમાં લીધો. તેની હથેળીમાં પોતાનું માથું મૂક્યું. અને એકદમ એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. એમણે ઘણું કહેવું હતું, ઘણુંબધું કહેવું હતું… અંદરની વેદના ઠાલવવી હતી. ક્ષમા માંગવી હતી..

પચાસ વરસ પહેલાં રમા એમના જીવનમાં આવી, બહુ ભણેલી નહીં, પણ ઘણી હોશિયાર, ઘણી પ્રેમાળ, એમનું ઘર સરસ રીતે સંભાળી લીધું. ચાલીવાળા મકાનમાં માત્ર એક જ ઓરડી પણ ચોખ્ખીચટ રાખે અને સામાન બધો વ્યવસ્થિત ગોઠવેલો. રાજુભાઈની નોકરી સામાન્ય. પગાર ઝાઝો નહીં. પણ પત્નીએ કરકસરથી ને અવેરથી ઘર સરસ ચલાવ્યું. બે દીકરા અને એક દીકરી. સરસ ઉછેર્યાં, સરસ સંસ્કાર આપ્યા. હવે તો દીકરી પરણી ગઈ, દીકરા ઘણા આગળ વધ્યા. સારું કમાતા થયા. રાજુભાઈ નિવૃત્ત થયા.

કેવો ભર્યો ભર્યો સંસાર! પતિ-પત્ની વચ્ચે છલકાતો પ્રેમ, પણ તેમાં એક અંતરાય. એક જ દુ:ખ. રાજુભાઈને સિગારેટનું વ્યસન. રમાબહેનને જરીકે ગમે નહીં, વારે વારે સમજાવે – પ્રેમથી, ગુસ્સાથી, ત્રાગું કરીને સુધ્ધાં. પણ રાજુભાઈનું વ્યસન છૂટે નહીં. ઘણી વાર પ્રયત્ન કરે, પાણી મૂકે. પણ બે-ચાર દિવસથી વધારે સિગારેટ છોડવાનો નિશ્વય ટકે નહીં. એક વાર તો રમા બહેને બે દિવસ ઉપવાસ કર્યાં. રાજુભાઈએ પણ બે દિવસ ખાધું નહીં. ત્યારે વળી આઠ-દસ દિવસ સિગારેટ છૂટેલી. પણ પાછું એનું એ. નિવૃત્ત થયા પછી તો અખંડ સ્મૉકિંગ ચાલ્યું.

આ બધો ભૂતકાળ રાજુભાઈના આસું સાથે રમાબહેનની હથેળીમાં વહી રહ્યો. પશ્ચાતાપથી એમનું અંતર કોરાઈ રહ્યું હતું. ઠેઠ હમણાં સુધી તો રમાબહેન સાવ સાજાં નરવાં હતાં. પંદરેક દિવસથી એકાએક આંખે અંધારાં આવવા લાગ્યાં, ચક્કર આવવા લાગ્યાં. દસ દિવસ પહેલાં હૉસ્પિટલમાં દાખલ કર્યાં. એકદમ કોમામાં પડી ગયાં. જાતજાતની તપાસ થઈ. છેવટે દાકતરે પોતાની કેબીનમાં બોલાવી રાજુભાઈને કહ્યું, ‘એમને કેન્સર છે. એકદમ બધે પ્રસરી ગયું છે. કેસ હવે હાથમાં રહ્યો નથી.’

‘કેન્સર? આટલા વખત સુધી ખબર ન પડી?’

‘આવા કેન્સરમાં એવું થાય. આ એક પ્રકારનું ફેફસાંનું કેન્સર છે.. હા, પણ તમારા ઘરમાં કોઈને સિગારેટનું વ્યસન છે?’

‘હા, ડૉક્ટર. હું પોતે ૫૦-૫૫ વરસથી નિયમિત સિગારેટ પીઉં છું.’

‘બસ. આ પ્રકારનું ફેફસાંનું કેન્સર મોટે ભાગે સેકન્ડ હેન્ડ સ્મૉકથી થાય છે. પોતે સ્મોકિંગ ન કરતા હોય, પણ સ્મોકિંગનો ધુમાડો સતત સહન કરતા હોય, તો થાય.’

રાજુભાઈનું અંતર રડી રહ્યું હતું… મેં જ તને મારી નાખી… મેં જ તને મારી નાખી… હું જ તારો હત્યારો છું! હત્યારો!.. હત્યારો!

(શ્રી દિવાકર કારખાનીસની મરાઠી વાર્તાના આધારે)


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “હત્યારો! – હરિશ્ચંદ્ર