મા મા શાધિમામ્ – ધ્રુવ ભટ્ટ 22


પહાડી નિશાળ, નિશાળમાં હોવી જોઈએ તે કરતા વધુ શાંતિ એ ધારી રહી છે. ત્રીજા ચોથાની પરીક્ષાઓ પૂરી થઈ. પાંચથી સાતની પરીક્ષા ચાલે છે. નવરા પડેલાં છોકરા છોકરીઓ વાર્તાઓ વાંચી, ગીતો ગાઈ, પોતાની વખરી ગોઠવી નાહી ધોઈને રમવામાં પડ્યાં. હું પરીક્ષાખંડમાં આંટો મારીને પાછો આવતો હતો ત્યાં થોડા છોકરા ગિલ્લી-દંડો રમતા હતા. થોડું રોકાઈને જોયું. પછી થોડું સાથે રમ્યો અને પાછો આવ્યો. છોકરીઓએ આ જોયું.

બપોરે વાંચતો હતો ત્યાં બારણામાં અને બારીઓમાં નાની નાની છોકરીઓ ડોકાઈ. ઘરમાં તો આવે નહીં. બહાર મૂંગી મૂંગી ઊભી રહે. પહેલાં તો બારીમાંથી જ જોયા કરતાં. બોલાવીએ તો દોડીને નાસી જય. હમણાં હમણાં બારણે ડોકાવા જેટલાં છૂટાં થયાં છે.

‘શું કામ છે?’ તેવું પૂછ્યું તો નીચું મોં કરી હસે.

કેટલીયે વાર પૂછ્યું પછી એક જણ ધીમેથી કહે, ‘તું માઝી હારે, ખેળતીલ કાય?’ (મારી સાથે તું રમે?)

‘હા, પણ અંદર આવો અને બેસો તો રમીએ.’

એક પછી એક બધાં અંદર આવ્યાં. ગોળ ચકરડું બનાવીને બેસવા કહું તે બેઠાં. હવે શું રમવું? અંતકડીમાં તો એમને હું પહોંચું નહીં એટલું ગાવાના. વાર્તા કહું કે રમત રમાડું તો તો રમાડનાર અને રમનાર જુદા થઈ જાય. એ કંઈ સાથે રમ્યું કહેવાય નહીં. લંગડી-પકડદાવ રમવાના મારા દિવસો તો પૂરા થયા. અચાનક મને થયું પાંચીકા રમીએ. પૂછ્યું : ‘પાંચીકે રમતાં આવડે કે?’

‘ના.’ ટૂંકો જવાબ.

‘જુઓ, એક જણ જાઓ, બહારથી ગોળ નાના પાંચ પથ્થર લઈ આવો.’

‘દગડ?’ આખું ચક્કર એકસાથે બોલ્યું અને હસી પડ્યું, ‘આહે, આહે.’ કહેતાં દરેકે પોતાનાં નાનકડાં સ્કર્ટના ખિસ્સામાંથી પોતપોતાનો ખજાનો કાઢ્યો. સરસ, સાચવીને વીણેલા ગોળ, ખરબચડા પાંચીકા.

રમત શરૂ થઈ.

લીલા, ઉષા, જયવંતી, સંગીતા પાંચીકા તો ઊછળી ઊછળીને છતે આંબે. મારાથી એક-બે-ત્રણ-ચાર સુધી સહેલાઈથી થાય. અંગૂઠો અને પહેલી આંગળી જમીન પર મૂકીને બનાવેલા દરવાજામાંથી પાંચિકો સરકાવવાનું પણ ફાવે પરંતુ અવળી હથેળી પર પાંચીકા ઝીલવાનુંં કેમેય બને નહીં. જડા, કઠણ આંગળાં ઊધાં વળીને કમાન થાય નહીં ને પાણકા, હથેળી પાછળ ઢળતી સપાટી પર ટકે જ નહીં.

બાસંતી મારી આગળ ફટાફટ ચાર દાવ – પાંચ દાવ કરી નાખે. મારા પર દાવ ચડાવતી જાય અને હું કેટલીય વારે એકાદ-બે માંડ ઉતારું. કેટલીક શરમાળ છોકરીઓ હજુ બારીમાંથી જોયા કરે. તેમાં એક ભામી. કાળી, દૂબળી-પાતળી, ઝીણા અવાજવાળી – વારે વારે બોલ્યા કરે – : ‘બાસંતી અસા ન કરાં ’ (બાસંતી એવું ન કર) ‘ધુભાઈલા જીતું દે’ (ધ્રુવભાઈને જીતવા દે). પણ અંદર તો રમતનાં ઉત્સાહમાં – કલબલાટ, કોઈ સાંભળે-બાંભળે નહીં. જમવાનો બેલ પડ્યો ત્યારે ધ્રુવભાઈ પંદર દાવના દેવા સાથે ઊભા થયા.

‘દાવ ક્યારે ઉતારશો?’

તો કહે – ‘હવે જમીને તમે બધા તમારે ગામ જાઓ. વેકેશન ખૂલે ત્યારે કોઈક દિવસ ફરી રમીશું તો ઉતારી દઈશ.’

ટોળું હસતુંરમતું, કલબલ કરતું ગયું. પોતપોતાની જગ્યાએ જઈ નાનાં – મોટાં થાળીવાટકા લઈને બધાં ભોજનશાળામાં સાથે બેસીને જમ્યાં. જેમની પરીક્ષા પૂરી થઈ તેમાંથી કેટલાંક, જેને પોતાના ગામથી કોઈ તેડવા આવે, પોતાને ઘેર દિવાળીની રજા માણવા જવાનાં. જવાનાં હોય ત્યારે ‘ધ્રુભાઈ, આવજે’ કહેવા પણ રોકાવાનાં નહીં. વળી, ઘરે પહોંચે એટલે ફરી નિશાળ યાદ આવવાની. વૅકેશન લાંબું લાગવાનું એ પણ એટલું જ સાચું. જવાની તૈયારી થઈ. બધાં ગયાં. નિશાળ ચાલુ હોય ત્યારે સાંજ-સવાર કયારેક બધાં સાથે ફરવા જઈએ ત્યારે ટેકરીઓ, ડુંગરાઓ પર દોડતાં બાળકોના પગને જોયાં નહોતાં ત્યાં સુધી હું એમ જ માનતો કે સ્થિર ડુંગર પર શ્રેષ્ઠ ચલાયમાન દ્રશ્યજગત તો ચડતાં બકરાં-ઘેટાં કે ઊતરતાં ઝરણાં જ સર્જી શકે; પણ આ મારુત તુલ્ય વેગમ – ઘર તરફ દોડતાં જતાં બાળકોને જોયાં કે બસ, બારીમાં ઊભો ઊભો જોઈ જ રહ્યો. ક્યાં ક્યાં ડુંગરો પાર એ લોકો જશે. ‘તીન ડોંગર વરીલ’ ત્રણ ડુંગરા પછી કે બે ખીણ પછી એનું ગામ છે એવું તો એમણે મને અનેક વાર કહ્યું છે. પણ આજે જ્યારે તેમને જતાં જોઉ છું ત્યારે એ અંતર કેટલું છે તે સમજય છે.બ ઘાસ-પાંદડાં-વેલાથી છવાયેલો; સાપ, વીંછી જેવા જવજંતુથી સદાય ભર્યો ભર્યો રહેતો છતાં આ અરણ્યપથ તેમને નિર્વિઘ્ને ઘરે પહોંચાડશે જ એની ખાતરી હોવા છતાં મનમાં ઉચાટ રહે. એમાંય ગામમાંથી આવેલો વડીલ તો હજી ટેકરી ચડે છે ને છોકરાંનું ટોળું છેક મથાળે પહોંચી ગયું છે તે અહીં બેઠે દેખાય તેથી ઉચાટ વધે.

થોડાં બાળકો ગયાં. બાકીનાં પણ આજ-કાલમાં જશે. એકસાથે વેકેશન પાડીએ તો પણ જુદા જુદા ગામનાં બાળકોને ગામ પહોંચવા સંગાથ એકસાથે ન મળે. આથી જે ગામથી કોઈ મોટું આવે તેની સાથે તે ગામના ને આસ-પાસનાં બાળકો જતાં રહે. આમ અમે ધીમે ધીમે ખાલી થઈએ અને પાછા ભરાઈએ પણ ધીમે ધીમે.

છઠ્ઠા-સાતમાના છેલ્લાં પેપર ચાલતાં હતાં. ડુંગરો માનવરિહત, વાદળછાયા આકાશ તળે આરામથી તડકોછાંયડો રમતા હતા. હું ખાટલા પર બેસીને લખતો હતો ત્યાં બારીમાંથી અવાજ આવ્યો.

‘ધ્રુભાય, ભામી આલી’ – એક જરા મોટી છોકરી બોલતી હતી.

‘કથ આહે? તી તો ગેલી’ મે કહ્યું. એ તો કાલની નીકળી ગઈ. પછી ક્યાંથી આવી હોય?

‘અથ આહે’ કહીને પેલીએ બારીથી દૂર ઊભેલી ભામીને સામે ખેચીને બતાવી. હું ઊભો થયો. બેઉને અંદર બોલાવ્યાં. અને ભામીને પૂછ્યું કે ‘શું કામ પાછી આવી અને એકલી કેમ આવી?’

‘એકલી તો નથી આવી. એના મામા અનાજ લેવા આવ્યા છે તેની સાથે આવી છે.’ મોટી છોકરીએ ખુલાસો કર્યો. પણ શા માટે? તે ખબર નહીં. મે માન્યું કે ફરવા આવી હશે. તે નિશાળે આંટો મારવા પણ આવી ગઈ. થોડા પ્રશ્નો પૂછ્યા, વાતો કરી પણ ભામી મૌન.

મેં કહ્યું : ‘તું મળવા આવી તે ગમ્યું. તારા ગામમાં બધાને યાદ કહેજે હાં! હવે જા.’

પણ તે ગઈ નહીં. તેને કંઈક કહેવું છે અને તે ખાસ કંઈક કહેવા જ મારી સામે ઊભી છે તેવું સમજતાં મે તેને અનેકવાર પૂછ્યું કે કામ શું છે? – અંતે પેલી મોટી છોકરીએ તેને પૂછ્યું કે શું કહેવાનું છે?

તો ભામીએ ધીમે સ્વરે કહ્યું, ‘મી બાસંતીચી હારે ખેળલુ આંન પંદર દાન ઉતાર ટાકલા. ધ્રુભાયચા.’

અર્થ સમજતાં વાર લાગી પણ જયારે પૂરેપૂરો સમજ્યો ત્યારે પર્વતોથી ઘેરાયેલા આ આખા મેદાન પરનું ઘાસ ખળભળી ઊઠ્યું. એણે બાસંતી સાથે પાંચીકા રમીને મારા ચડેલા પંદર દાવ ઉતારી નાખ્યા છે અને એ કહેવા અને મને આખું વેકેશન ઋણ-મુકત અવસ્થા માણવા દેવા જ આ જગદંબા, તીન ડૉંગર વરીલ, આ નાનકડા, પાતળા પગો પર આવડું વિશાળ અસ્તિત્વ ધરીને દોડતી આવીને મારી સામે ઊભી છે. મેં તેને પાસે બોલાવી. માથે હાથ મૂક્યો અને તેનો હાથ મારા માથા પર મુકાવ્યો. મારે કંઈ જ કંઈ જ કહેવાનું ન હતું. મારા પદર દાવનું ઋણ ઉતારીને એણે જે ઋણ મારા પર ચડાવ્યું તે વહેવાની શક્તિ મારી પાસે નથી. એ તો ધરતી જ વહી શકે.

હું ક્યારેય એ સમજી શક્યો નથી કે આ સચરાચરમાં કોણ કોનાં ઋણ ક્યારે અને કયા કારણે ફેડે છે, પણ એક વાત તો સ્પષ્ટ સમજી શક્યો છું કે જ્યારે જ્યારે આવું કંઈ બને છે ત્યારે ત્યારે આ ધરતીને ગમે છે અને આખીય માનવજાત વતી ધરતી પોતે આવા અદ્રશ્ય અકથ્ય ઋણનો સ્વીકાર કરીને માણસને હળવો રાખવા મથ્યા કરે છે. ભામી તો પાછી ગઈ. એ જાય પેલી ટેકરીની ધાર પર એના મામાની આગળ આગળ.. એ મારી વિદ્યાર્થીની છે અને હું એને ભણાવવા, સંસ્કારવા અહીં આવ્યો છું. અને તેના દૂર સરતા જતા એક એક પગલામાંથી આવતો સ્વર મને કહે છે, ‘मा मा शाधिमाम’ નહીં નહીં, મને શીખવ નહીં.

– ધ્રુવ ભટ્ટ

‘નવનીત સમર્પણ’ સામયિકના નવેમ્બર ૨૦૦૦ના અંકમાં ધ્રુવભાઈની આ સુંદર વાર્તા પ્રસિદ્ધ થઈ હતી, અક્ષરનાદને આ કૃતિ અને તેને પ્રસ્તુત કરવાની પરવાનગી આપવા બદલ ધ્રુવભાઈનો ખૂબ આભાર, અને ધન્યવાદ એ માટે પૃચ્છા કરનાર ગોપાલભાઈ ખેતાણીને પણ..


આપનો પ્રતિભાવ આપો....

22 thoughts on “મા મા શાધિમામ્ – ધ્રુવ ભટ્ટ

 • Vaishali I Radia

  આ વાર્તા જ્યારે વાંચું ત્યારે નવા જ ઉત્સાહથી ભરેલી લાગે મને! ધ્રુવદાદાના શબ્દો એટલે નવી જ સરવાણી

 • vaishaliradia

  આંખોમાં પાણી તો આવે ને જાય
  નથી ભીતર ભીનાશ થતી ઓછી …

  દાદાના આ શબ્દો આ વાર્તા વાચી જીભે આવી જ જાય…. નમન શબ્દો ટૂંકા પડે વાર્તાના શબ્દો સામે.

 • Ravi Dangar

  ધ્રુવદાદાની વાર્તા છે તો અદ્દભૂત જ હોવાની……………….

 • હિમાંશુ ભટ્ટ

  આવી વાતો /વાર્તા ઓ વિના પ્રયત્ને વાંચવા મળે છે તેને માટે મારી જાત ને અક્ષરનાદ નો ૠણી લેખુ છું. વાર્તા વાંચતા થયેલી અનુભૂતિ વર્ણવવા ની ક્ષમતા નથી જ. ધૃવભાઇ ને સાદર વંદન.
  -હિમાંશુ ભટ્ટ

 • Neetin D Vyas

  જિજ્ઞાસુ, અભ્યાસી, નિખાલસ, સહહૃદયી અને સરળ એટલે ભાઈ ધ્રુવ ભટ્ટ. જેવું તેનું વ્યક્તિત્વ તેવુંજ તેનું હૃદય સ્પર્શી લખાણ. અક્ષરનાદ ને આ વાત ખોળી કાઢી અને પ્રકાશિત કરવા બદલ સાભર અભિનંદન.

 • Ankur Banker

  વાહ! ધ્રુવદાદાની ક્રુતિઓમાંથી એક સંદેશ હંમેશા મળતો હોય છે કે આપણા નાના-મોટા, સારા-ખોટા કાર્યોનો પ્રભાવ પ્રક્રુતિ પર પડતો હોય છે. આ વાર્તા પણ સડસડાટ વંચાઈ ગઈ. અદ્ ભુત. પાંચીકા રમવાનું મન થઈ ગયું.

 • Sushma sheth

  આહા….. સડસડાટ વાંચી જવાયું. કેટલું સુંદર અને સરળ આલેખન વળી એટલું જ ઊંડાણ! લેખક શ્રી ધ્રુવ ભટ્ટને સલામ.

 • hdjkdave

  શાધિમામ …મને શીખવ નહિ…ઘણું શીખવે છે…સહજભાવે…ભાષા બળકટ છે અને ભાવ બળવત્તર…માધ્યમ શિક્ષણ ઇચ્છતા કેળવાયેલા શિક્ષિત બાળકો! અભિવ્યક્તિમાં વિસ્મયની હળવાશ નીતારતી ગંભીરતા…

 • spatel

  નવલકથા હોય કે નાની વાર્તા ધ્રુવદાદા ની કલમ એને જીવતી જ કરી દે , પ્રણામ

 • મયુરિકા લેઉવા

  અદ્ભુત…
  વેદોના મર્મ પ્રકૃતિના ભાવજગતમાં સહેજવારમાં કોઈ જ ભાર વગર પણ ખૂબ જ ભાવયુક્ત ભાષાકર્મથી સરળતાથી વહાવી દેતી વાર્તા…

 • Meera Joshi

  આટલી અદ્ભુત રચના વિષે કહેવા માટે શબ્દો જ નથી..
  ધ્રુવદાદાની નવલકથાઓમાં જે જીવનની અદ્રિતીય દ્રષ્ટિ સમાય શકે એ એમની વાર્તાઓમાં પણ એટલી જ બળકટતાથી આવી શકે છે!

 • gopal khetani

  શું કહું? આ શબ્દો થકી એવી લાગણી ઉત્પન્ન થઈ જે સીધી હ્ર્દય સોંસરવી ઊતરી ગઈ. ધ્રુવદાદાનો તો અઢળક આભાર. અને સાથે સાથે જીજ્ઞેશભાઈનો પણ. (એમને મેસેજ કરી કરીને બહુ હેરાન કર્યા.) આવી કૃતી અક્ષરનાદ પર વરસતી રહી એ જ અભ્યર્થના.