પ્રસંગ કથાઓ – ગોવિંદ શાહ 5


(‘તારે સિતારે’ ભાગ ૪ – માંથી સાભાર.)

૧. ફરીયાદ

૯૩ વર્ષનો વૃદ્ધ નર્સીંગ હોમમાં દાખલ થવા આવે છે. નર્સીંગ હોમમાં નવા દાખલ થતાં માણસોને પહેલાં તેમની રૂમ બતાવવામાં આવે છે. અને તેમને અનુકૂળ હોય તો રહેવાની વ્યવસ્થા થતી હોય છે. આથી નર્સીંગ હોમનો કર્મચારી આ વૃદ્ધને લઈને રૂમો બતાવવા લઈ જાય છે. રૂમોમાં જુદાજુદા પ્રકારની સગવડો હતી તેથી વૃદ્ધ જે રૂમ નક્કી કરે તે રૂમ આપી શકાય.

કર્મચારી એક રૂમ ખોલીને બતાવવા અને રૂમની સગવડો વિષે કંઈ વાત કરે તે પહેલાં વૃદ્ધ રૂમ જોતા પહેલા જ બોલી ઉઠે છે – ‘બહુ જ સુંદર.’

કર્મચારીભાઈ કહે છે હજુ તમે રૂમ બરાબર જોઈ પણ નથી તે પહેલાં જ આવું કેમ કહી શકો? વૃદ્ધ કહે છે, ૯૩ વર્ષે હવે ફરીયાદ કેવી? મને હવે જીવનમાં કોઈ ફરીયાદ નથી. શરીરમાં આટલી તકલીફો નિભાવી શકતા હોઈએ તો રૂમની સગવડ કે સુશોભન થોડા ઓછા હોય તો પણ શું અને ન હોય તો પણ શું? મેં તો ક્યારનું નક્કી કરેલ છે કે જેટલાં વર્ષ જીવવું તેટલું આનંદથી અને કોઈ ફરીયાદ કે અપેક્ષા વગર શાંતિથી જીવવું.

૨. છૂટાછેડા

૩૫ વર્ષના સફળ લગ્ન જીવન પછી મુંબઈમાં રહેતા એક પિતાએ અમેરિકામાં રહેતા તેના પુત્રને ફોન કર્યો – ‘દિકરા, જો હું અને તારી મમ્મી હવે આવતીકાલે છૂટાછેડા લેવાના છે. બધુ બરાબર નક્કી થઈ ગયેલ છે. પેપર્સ બધા તૈયાર છે. હવે અમે એક દિવસ પણ સાથે રહી શકીએ તેમ નથી.

આ સાંભળી દિકરો આશ્વર્યમાં ડુબી ગયો. તેને પિતાનુ આ પગલુ પસંદ ન પડ્યું. પિતાનું આ કૃત્ય તેને આત્મઘાતી લાગ્યું. તે પિતાને ઠેપકો આપતાં કહેવા લાગ્યો, -‘જરા વિચાર કરો. આ તમને શોભે? આપણા સગા બધા શું વિચારશે? આ ઉંમરે છૂટાછેડા ધોળામાં ધૂળ પડ્યા જેવું લાગે. તમે થોડી રાહ જુઓ. હું થોડીવારમાં ફરી ફોન કરુ છુ.’ તેમ કહી ફોન મુકી દીધો.

પછી તુરંત તેણે હોંગકોંગમાં રહેતી બહેનને ફોન કર્યો અને પિતાના છૂટાછેડા વિષે વાત કરી. બહેન પણ એકદમ સ્તબ્ધ થઈ ગઈ. તે ખૂબ ગુસ્સે થઈ. તેણે તુરંત પિતાને મુંબઈ ફોન કર્યો. ‘એક દિવસ રોકાઈ જાવ. હું અને ભાઈ બન્ને મુંબઈ આવીએ છીએ. અમારા આવ્યા પછી તમારે જે પગલું ભરવુ હોય તે ભરજો ત્યાં સુધી રાહ જોજો.’

પછી તેણે ભાઈને પણ વાત કરી. તું પણ તુરત મુંબઈ આવી જા. આપણે બન્ને પિતાને બરાબર પાઠ ભણાવીએ જેથી ફરીવાર આ ઉંમરે આવું ગાંડપણ ન કરે.

પિતા ફોનનું રીસીવર નીચે મૂકી પત્નીને સંબોધી મોટેથી કહેવા લાગ્યા, – ‘લે સાંભળ, હવે બંને જણ આવે છે. બન્નેને અહીં આપણી સાથે રહેવા આવવાની આ નવી તરકીબ ખરેખર કામ આવી ગઈ.

(જીવન છે તો માતાપિતાને આસું સુકાતા પહેલા મળતા રહેજો. સ્વર્ગ શું છે તે જીવતા સમજી જશો.)

૩. પૂજા છાબની..

એક ભાઈ પોતાની નાની બહેનને ખૂબ પ્રેમ કરતો અને તેનું ધ્યાન પણ રાખતો. ભાઈનો ધંધો રોજગાર પણ સારો ચાલતો અને તે સુખપૂર્વક આનંદથી રહેતો હતો. પરંતુ સમયનું ચક્ર બદલતા ભાઈને ધંધામાં મોટી ખોટ આવી. બધી જાહોજલાલી અને રહેવાનું ઘર પણ જતું રહ્યું.

આથી બહેનને ઘરે નાછૂટકે રહેવા જવું પડ્યુ. બેહાલ અને કંગાલ થયેલ ભાઈ પોતાને ઘેર રહે તે બહેનને બહુ પસંદ ન આવ્યું. છતાં સમાજને બતાવવા માટે તે ભાઈને કચવાતા મને રાખવા માંડી.ે
એક દિવસ તે કીટીપાર્ટીમાં ઘરમાં ભેગી થયેલ સાહેલીઓ સાથે હસી મજાક કરતી હતી ત્યાં એક સાહેલીએ પૂછ્યું, – ‘આ તમારા ઘરમાં નવું માણસ કોણ છે?’ બહેનને આ સવાલ પસમ્દ ન પડ્યો પણ પછી કહેવા લાગી -‘આ તો આમારો નવો નોકર છે. હમણાં જ રાખેલ છે.’

ભાઈ આ વાત સાંભળે છે. જે બહેનને તે ખૂબ ચાહતો હતો તે બહેનના મોઢે આ વાત સાંહળી ખૂબ દુઃખી થાય છે. તે બહેનનું ઘર છોડી કોઈ ધર્મશાળામાં રહેવા ચાલ્યો જાય છે. નવેસરથી ધંધાની શરૂઆત કરે છે. રાતદિવસ સખત મહેનત કરતાં અને કેટલાક મિત્રોની મદદ મળતાં ધમ્ધાનો ફરી ખૂબ વિકાસ થાય છે. સમયનું ચક્ર ફરી બદલાઈ જાય છે અને અગાઉના સમૃદ્ધિના દિવસો ફરી આવે છે.

બહેનને હવે પોતાનો ભાઈ ફરી સાંભળ્યો. જે ભાઈ તે નોકર જેવો ગણતી હતી તેના પર બહુ પ્રેમ ઉભરાઈ આવ્યો. એવામાં બહેનની દિકરીની સગાઈ થઈ અને લગ્નનું નક્કી થયુ. ભાઈના પૈસાથી અંજાઈ ગયેલ બહેન ભઐ પાસેથી ભાણીના લગ્નમાં મોટી આશા રાખે છે. તે ભાઈને કહે છે – ‘જો આ તારી એકની એક ભાણી છે. તેનું મામેરું તારે રંગે ચંગે કરવાનું છે જેથી વેવાઈ પક્ષે આપણો વટ પડી જાય.’ ભાઈ મોટું મન રાખી આ વાત સાથે સંમત થાય છે.

લગ્નને દિવસે ભાઈ સગા સંબંધીઓ અને મિત્રો સાથે મામેરું લઈને આવે છે. એક છાબમાં સોનાના મોંઘા આભૂષણો અને બહેન તથા ભાણી માટે કિંમતી વસ્ત્રો છે. ભાઈને મામેરું લઈને આવતા બહેન ભાઈનું મંડપમાં તિલક ચાંદલા સાથે સ્વાગત કરવા અને આરતી ઉતારવા જાય છે. ભાઈ નમ્રતાથી કહે છે, – ‘જો તારે પૂજઆને આરતી ઉતારવી હોય તો આ છાબની ઉતાર. આ તેના પ્રતાપે જ હું અહીં આવેલ છું બાકી તારે માટે તો હું એક મામૂલી નોકરથી વધુ કંઇ નથી.’

આ સાંભળી બહેન હતપ્રભ થઈ જાય છે.

(આજે ઘણા લોકોનું માનવું છે કે પૈસા હોય એ જ સફળ ગણાય. ઘણીવાર મોટી યુનિર્વસિટીઓ પણ ધનપતિઓને ડોક્ટરેટની ડીગ્રી આપી દે છે.)

– ગોવિંદ શાહ


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “પ્રસંગ કથાઓ – ગોવિંદ શાહ